મેળામાં – બકુલ બક્ષી

મેળાનો ચકડોળ દૂરથી જ દેખાતો હતો. ધીમી ગતિએ ફરતું વિશાળ ચક્ર રાતના અજવાળામાં વધારે આકર્ષક લાગતું. લોકોની ભીડ પણ વધતી જતી હતી. આસપાસનાં ગામડાંઓમાંથી દરેક ઉંમરના લોકો આવતા અને લાગેલી હાટડીઓમાંથી ખરીદી કરતા અથવા મેળાનાં બીજાં આકર્ષણો જોઈ ચાલ્યા જતા. દર વર્ષે શ્રાવણ મહિનામાં એ જ મેદાન પર મેળો ભરાતો અને ચાર દિવસ સુધી ચાલતો.

પોલીસ-જીપની આગલી સીટ પર એક પગ બહાર રાખીને બેઠેલા ઈન્સ્પેક્ટર અભય જોશીને મેળાની ડ્યુટી હંમેશ કંટાળાજનક લાગતી. આવી ડ્યુટીમાં ખાસ કોઈ ઘટના બનતી નહીં અને આ ચાર દિવસ કેવળ જુદા જુદા સ્ટૉલ પર નજર રાખવાની. ચોર, પોકેટમાર ભીડનો લાભ લેવા આવી પહોંચતા અને જે ઝડપાઈ જાય એની જમાદાર વજેસિંહ પૂરી ખાતિરદારી કરતો. જમાદાર ક્યારેક જીપમાં સાથે આવતો અથવા લાઠી ઠપકારી રાઉન્ડ લગાવતાં પોતાની ધાક જમાવતો. વચ્ચે વચ્ચે મૂછો પર તાવ પણ દઈ દેતો. પોલીસ ખાતામાં ભરતી થયો ત્યારે શરીર ચુસ્ત હતું પણ આજે પંદર વર્ષની નોકરી પછી ભારેખમ થઈ ગયું હતું અને પેટ પણ આગળ આવી ગયું હતું. જૂની ચુસ્તી હવે કેવળ મૂછોમાં જ રહી હતી.

પોલીસથાણું મેળાથી દોઢેક કિલોમીટર દૂર હતું. જ્યાં દિવસરાતની ડ્યુટી મૂકવામાં આવતી હતી. લૉબીમાં લાકડાની તૂટેલી બેંચ પડી રહેતી જેના પર ભાગ્યે જ કોઈ બેસતું હતું. રંગ ઊડી ગયેલા લાકડાના કબાટોમાં ફાઈલો અને જૂના કાગળો ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં જેમના પર ધૂળની પરત જામી ગઈ હતી. એકબે હાથા તૂટેલી ખુરશીઓ પડી રહેતી જેનો ઉપયોગ સ્ટાફના માણસો જ કરતા. મેળાની ડ્યુટીમાં એકંદરે શાંતિ રહેતી પણ ક્યારેક અચાનક કામ આવી પડતું. હમણાં બે દિવસ પહેલાં કોઈએ બૉમ્બ મૂક્યાની અફવા ફેલાવી વાતાવરણને ડહોળી નાખ્યું હતું. અકારણ દોડાદોડ થઈ ગઈ અને ધાર્યા પ્રમાણે એક અફવા જ નીકળી. થોડા સમય માટે મેળાની દરેક પ્રવૃત્તિ જાણે થીજી ગઈ હોય તેવું લાગ્યું હતું. જ્યારે સ્પષ્ટતા થઈ ત્યારે મેળામાં ફરી ચેતના આવી હોય તેમ જીવંત થઈ ગયો હતો.

આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી મોડી રાત સુધી બધો સરસામાન ધીરે ધીરે આટોપાઈ જવાનો હતો. રાતોરાત બધું ખસેડાઈ જતું અને સવારે ફરી ખુલ્લું મેદાન અને કચરો રહી જતાં અને આ મેદાન પણ આવતા વર્ષના શ્રાવણ મહિના સુધી સામાન્ય બની જતું. બપોર નમી રહી હતી જ્યારે અભયે જીપમાં બેસી મેળાના છેલ્લા રાઉન્ડ પર નીકળવાનું નક્કી કર્યું. એક જગ્યાએ ટોળું ભેગું થયું હોય તેમ જણાતાં એણે નજીકમાં જીપ ઊભી રાખી. એના ઊતરતાંની સાથે જ ટોળાના લોકો વિખેરાવા લાગ્યા. એણે જોયું કે એકબે માણસો એક નાની છોકરીને કંઈક પૂછી રહ્યા હતા. એ નજીક ગયો ત્યારે એને લાગ્યું કે છોકરી ડરેલી હતી અને હીબકાં ભરી રહી હતી.
‘સાહેબ, આ છોકરી મેળામાં ભૂલી પડી લાગે છે.’ એક અજાણી વ્યક્તિએ કહ્યું.
અભયે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ રડતાં રડતાં શું કહી રહી હતી તે એના માટે સમજવું મુશ્કેલ હતું. છોકરીએ વાદળી રંગનું ફ્રોક પહેર્યું હતું અને આટલા લોકોની ભીડ જોઈ વધારે ગભરાઈ ગઈ હોય તેમ લાગતું હતું. દેખાવ પરથી ચારેક વર્ષની હોય તેવી લાગતી હતી.

ઈન્સ્પેક્ટર અભયના કહેવાથી મેળાના આયોજકોએ ખોવાયેલી છોકરી વિષે લાઉડસ્પીકર પર જાહેરાત કરી અને વારંવાર દોહરાવતા રહ્યા. છોકરીને એક દુકાન પાસે બેસાડી કોઈ ચોકલેટ ખવડાવવાની કોશિશ કરી રહ્યું હતું. એ ક્યારેક થોડું ખાઈ લેતી તો ક્યારેક રડી લેતી. કોઈ બંધ ઓરડામાં અચાનક ફસાઈ ગયેલું પક્ષી જેમ દિશાશૂન્ય થઈ ભટક્યા કરે તેવી એની હાલત થઈ ગઈ હતી. જાહેરાત થયા બાદ થોડા લોકો કુતૂહલથી જોઈ અને ચાલ્યા ગયા. આ બધું થોડા સમય સુધી ચાલતું રહ્યું. મેળાનું મેદાન પણ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું હતું. અભયને લાગ્યું કે હવે કોઈ આ છોકરીને લેવા આવે તેવી સંભાવના નથી ત્યારે એને પોતાની સાથે જીપમાં બેસાડી પોલીસ થાણે લઈ આવ્યો. મેળાની ભીડ કરતાં અહીં એ વધારે સુરક્ષિત હતી. થાણામાં એક સંદેશો આવેલો હતો. બાજુના ગામમાં ખૂન થયું હોવાથી પોલીસટુકડી ગઈ હતી અને મેળાની ડ્યુટી પૂરી થયા બાદ અભયને પણ ત્યાં જવાની સૂચના અપાઈ હતી. મહિલા કોન્સ્ટેબલ રેખાને છોકરીની જવાબદારી સોંપી ખૂનકેસની તપાસ માટે જતાં પહેલાં અભયે ખાસ સૂચના આપી –
‘છોકરીનાં કોઈ સગાં કે માતાપિતા આવે તો પણ હું પાછો ન આવું ત્યાં સુધી સોંપતી નહીં. કોને ખબર કોઈ વળી બદઈરાદાથી પણ લઈ જવા માગતા હોય. આખરે છોકરીની જાત છે. કોઈ ખોટા માણસના હાથમાં પડી ગઈ તો એની જિંદગી બરબાદ કરી નાખશે.’
‘સાહેબ,એવું કંઈ જ નહીં થવા દઉં, મારા પર ભરોસો રાખો.’ રેખાએ આશ્વાસન આપતી હોય તેવા અંદાજમાં કહ્યું અને અભયની જીપ કાચા રસ્તા પર ધૂળ ઉડાડતી ખોવાઈ ગઈ.

લગભગ ત્રણેક કલાક બાદ અભય પાછો આવ્યો ત્યારે પેલી છોકરી ટૂંટિયું વાળીને બેંચ પર પડી હતી અને કોન્સ્ટેબલ રેખા એની નજીક બેઠી હતી.
‘આ છોકરીએ કંઈ ખાધું કે ભૂખી જ સૂઈ ગઈ છે ?’ અભયે પૂછ્યું.
‘થોડું ખાધું છે પણ હજી ડરેલી છે. થોડી થોડી વારે ઝબકીને જાગી જાય છે.’ રેખાએ કહ્યું. અભયને હતું કે એ પાછો આવશે તે પહેલાં કોઈ આ છોકરીને શોધવા જરૂર આવી પહોંચશે. એવું કંઈ જ બન્યું ન હતું અને હવે આ છોકરીને પોલીસ થાણામાં લાંબું રાખવાની પણ સમસ્યા હતી. એને લાગ્યું કે અચાનક આ જવાબદારી એના માથે આવી પડી છે. રાત પડી ગઈ હતી એટલે હવે સવાર સુધી તો કોઈ પણ હિસાબે આ છોકરીને રાખવી જ પડશે. એણે કોન્સ્ટેબલ રેખાને બોલાવીને પૂછ્યું :
‘નાઈટ ડ્યુટી કોની છે ?’
‘પરમાર સાહેબની.’ રેખાએ જવાબ આપ્યો. આ જવાબથી સમસ્યાનું કોઈ જ નિરાકરણ થતું ન હતું. ફરી સન્નાટો છવાઈ ગયો. ટૂંટિયું વાળીને બેંચ પર સૂતેલી છોકરીએ ઊંઘમાં જ ઓઢેલી ચાદર ખેંચી અને ફરી શાંત થઈ ગઈ.
‘જો રેખા, આજની રાત આ છોકરીની ચોકી કરવી પડશે. કાલે જો કોઈ લેવા નહીં આવે તો અનાથ આશ્રમમાં મૂકી આવીશ.’ અભયે ગંભીર થઈ કહ્યું.
‘સાહેબ, તમે ચિંતા નહીં કરો. આજે રાતે હું ડ્યુટી કરી લઈશ.’
‘તારે સતર્ક રહેવું પડશે.’ અભયે ઘરે જતાં કહ્યું અને રેખાએ ઈશારાથી જ સંમતિ આપી દીધી.

પોલીસ થાણામાં રાતના સમયે પણ પ્રવૃત્તિ રહેતી પણ એ જરા જુદા પ્રકારની હતી. ચોરીમાં પકડાયેલા અથવા દારૂડિયાઓની સંખ્યા વધારે રહેતી. નાઈટ ડ્યુટીવાળા સ્ટાફને ઊંઘ ન આવે તે માટે ચાનો દોર ચાલુ રહેતો હતો. કામનું પ્રમાણ વધી જાય તો થાકી જવાતું અને જો કામ વિના બેસી રહેવું પડે તો પણ થાકી જવાતું. થાણાની નજીકનો ચાવાળો પણ મોડી રાતે વાસણો ઊંઘા મૂકી પોતાની દુકાન બંધ કરી ત્યાં જ સૂઈ જતો. વાતાવરણમાં સન્નાટો છવાઈ જતો અને બગાસાં કે ખાંસીનો અવાજ હોય એના કરતાં મોટો સંભળાતો. સવાર પડતાં પહેલાં ચાવાળો ઊઠી જતો અને એનાં વાસણોનો અવાજ શરૂ થઈ જતો. લોકોની અવરજવરથી ફરી વાતાવરણ ઘોંઘાટિયું બની જતું.

સવારે થાણા પર પહોંચતાની સાથે જ અભયે મેળામાં ખોવાયેલી છોકરી વિષે કોન્સ્ટેબલ રેખાને પૂછ્યું : ‘એમ તો રાતભર શાંત રહી છે. ક્યારેક ઝબકીને જાગી જતી હતી પણ મને લાગે છે એને મારામાં થોડો વિશ્વાસ બેઠો છે. હા, વાતોમાં એટલું જરૂર જાણવા મળ્યું છે કે એનું નામ મંજુ છે અને રામપુર ગામની છે.’ રેખા કોઈ ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપતી હોય તેમ કડકડાટ બોલી ગઈ.
‘સરસ. તેં બહુ અગત્યની માહિતી મેળવી લીધી છે. રામપુર તો અહીંથી વીસેક કિલોમીટર દૂર છે. હવે એનાં માતાપિતાને શોધવામાં તકલીફ નહીં પડે.’ અભયે જાણે શોધ પૂરી થઈ ગઈ હોય તેટલા આત્મવિશ્વાસથી કહ્યું. જીપ તૈયાર હતી અને ડ્રાઈવરને રામપુર જવાની સૂચના અપાઈ ગઈ હતી. અભયે રેખાને સાથે આવવા માટે કહ્યું અને જમાદાર વજેસિંહ પણ જીપમાં ગોઠવાઈ ગયો. છોકરી રેખાની બાજુમાં બેઠી હતી અને પસાર થતા બહારના દશ્યને બેધ્યાન થઈ જોઈ રહી હતી. ખાસ કંઈ વાત કરવા જેવું ન હોવાથી બધાં ચૂપ હતાં. પાકી સડક પૂરી થઈ અને કાચા ધૂળિયા રસ્તા પર જીપ ધીમી ગતિએ જવા લાગી. રસ્તો સાંકડો હતો એટલે સામેથી આવતી એક બસને સાઈડ આપવા જીપ ઊભી રહી. ધૂળ ઉડાવતી બસ પસાર થઈ અને સામેનો રસ્તો ઝાંખો પડી ગયો. ધીરે ધીરે દશ્ય સાફ થતું ગયું અને એકાદ ગામડાનું બજાર પાછળ રહી ગયું. એક જૂનો પુલ પાર કરતાં કોઈ ગામ નજીક હોય તેવું લાગ્યું. નદીમાં જે પણ થોડું પાણી રહી ગયું હતું તેમાં સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી. ખેતરો પસાર થતાં, એકબે ચાડિયા ઊભા હતા અને પાણીનાં ખાબોચિયાં પાસે સફેદ પક્ષીઓ આડાંઅવળાં ઊડી રહ્યાં હતાં. અભયે જોયું કે એકાએક પેલી છોકરીના ચહેરા પર તેજ આવી ગયું. કોઈ જાણીતો વિસ્તાર હોય તેમ એના હાવભાવ બદલાઈ રહ્યા હતા.

ગામમાં પ્રવેશતાં જ એક કૂવો હતો જ્યાં પાણી ભરતી ગામની સ્ત્રીઓ જીપ જોવામાં મગ્ન થઈ ગઈ. વાતાવરણમાં ગાય, ભેંસ અને તાજા છાણની તીવ્ર વાસ હતી. ગામના ચોકમાં જીપ રોકાતાંની સાથે જ છોકરાઓનું એક ટોળું ભેગું થઈ ગયું. પોલીસની જીપ જોઈ મોટાંઓ પણ દોડી આવ્યાં. છોકરાઓના ચહેરા પર કુતૂહલ હતું જ્યારે મોટાંઓના ચહેરા પર ભય. એમની ખાનગી જિંદગીમાં કોઈએ હસ્તક્ષેપ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું. અભય છોકરીને લઈને જીપમાંથી ઊતર્યો તેની સાથે જ છોકરાઓના ટોળામાંથી કોઈ બોલ્યું :
‘અરે, આ તો મંજુડી છે.’
‘બેટા, એનું ઘર બતાવશે ?’ અભયે છોકરાના ખભા પર હાથ મૂકતાં પૂછ્યું.
‘હા, ચાલો.’
ગામના એક વડીલ જેવા લાગતા લાઠી ઠપકારતાં નજીક આવ્યા અને પૂછ્યું : ‘સાહેબ, શું થયું છે ?’
‘આ છોકરી મેળામાં ખોવાઈ ગઈ હતી એનું ઘર શોધતાં આવ્યા છીએ’ અભયે જવાબ આપ્યો. નાનાંમોટાં બધાં જ ભેગાં થઈ ઉત્સાહથી માર્ગદર્શન આપવા લાગ્યાં. બેઠા ઘાટના એક કાચા મકાનની બહાર ટોળું ભેગું થઈ ગયું. દૂરથી હાથ જોડતો એક પાતળો માણસ બહાર આવ્યો. ચહેરા પર ત્રણચાર દિવસની વધેલી દાઢી અને ભયની રેખાઓ હતી. ‘શામજીભાઈ, સાહેબ તમારી દીકરીને લઈને આવ્યા છે.’ ગામના એક વડીલે કહ્યું.

અભયે એના ખભા પર હાથ મૂકતાંની સાથે જ શામજીભાઈએ ઝૂકીને એના પગ પકડી લીધા. અભયે હિંમત આપતાં સમજાવ્યું કે સારા નસીબના લીધે બધું હેમખેમ પતી ગયું. કોઈ ખોટા માણસના હાથમાં પડી ગઈ હોત તો છોકરીની જિંદગી બરબાદ થઈ જાત. છોકરીની માએ એને બાથમાં ભીડી લીધી હતી અને એ પરિવારમાં ક્યારે ભળી ગઈ એ ખબર પણ ન પડી.
‘મેળામાં છોકરી ખોવાઈ ગઈ તો તમે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી ?’ અભયે પૂછ્યું
‘હું સાહેબ અભણ માણસ ક્યાં કયાં ભટકતો રહું ? ખબર નથી પડતી કેવી રીતે મેળાની ભીડમાં છૂટી પડી ગઈ.’ શામજી એકશ્વાસે બોલી ગયો.
‘અમે બેઠા છીએને. તેં અમને કહ્યું હોત તો અમે ફરિયાદ લખાવી હોત.’ ગામના વડીલે ઠપકો આપતા હોય તેમ કહ્યું.
‘આજે ફરિયાદ લખાવવાનો જ હતો.’ તેવું કંઈક શામજી અસ્પષ્ટ બોલ્યો. અભયે જોયું કે કોન્સ્ટેબલ રેખા છોકરીની મા સાથે કંઈક વાત કરી રહી છે. ધીરે ધીરે ટોળું વિખેરાતું ગયું અને અભયને લાગ્યું કે છોકરી એના પરિવારમાં પાછી આવી ગઈ એટલે આ કેસનો સુખદ અંત આવી ગયો. એ જીપમાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં રેખાએ પાસે આવીને કહ્યું : ‘સાહેબ, મને આમાં કંઈક ગોટાળો લાગે છે. છોકરીની ચિંતામાં એની માએ કંઈ જ ખાધું નથી અને રાતભર સૂઈ નથી શકી. છોકરી મળવાથી માની ચિંતા તો દૂર થઈ ગઈ છે, પણ એના બાપને બહુ ખુશી થઈ હોય તેમ લાગતું નથી.’
અભય એક પળ વિચારમાં પડી ગયો. એણે છોકરીના બાપને બોલાવી ઊલટતપાસ કરતો હોય તેમ પૂછવા માંડ્યું.
‘સાચું કહે તેં પોલીસ ફરિયાદ કેમ ન’તી કરી ?’
‘હું અભણ ગરીબ માણસ છું. મારામાં હિંમત ન હતી.’ શામજીએ ડરતાં ડરતાં જવાબ આપ્યો.
‘શું કામ કરે છે ?’
‘ખેતમજૂર છું.’
‘કેટલો મોટો પરિવાર છે ?’
‘સાહેબ, ચાર દીકરીઓ છે અને આ મંજુ સૌથી નાની. હું એકલો કમાનારો એટલે ઘણી વાર ખાવાના પણ સાંસા પડે છે.’

અભયે જાણે બધી માહિતી મળી ગઈ હોય તેવી પ્રતિક્રિયા આપી. એક પળ થયું કે છોકરી પરિવારને સોંપાઈ ગઈ છે તો હવે વધારે તપાસ કરી ઊંડા ઊતરવાનો અર્થ નથી. બીજું ઘણું કામ બાકી છે ત્યારે આ નાના સરખા કેસમાં સમય બગાડવો નિરર્થક છે. પણ રેખાની વાતમાં પણ જરૂર કંઈક તથ્ય હતું તેવું એને લાગ્યું. છેલ્લી તક લેતો હોય તેમ એણે નવો નુસખો અજમાવ્યો. છોકરીના બાપને બધાથી દૂર લઈ જઈ એક તૂટેલી ભીંત પાસે ઊભો રાખી અભયે જરા કડક અવાજે કહ્યું :
‘જો શામજી, તારે મારી સાથે પોલીસ થાણે આવવું પડશે.’
પોલીસ થાણાનું નામ સાંભળતાં જ શામજી ઢીલો પડી ગયો હોય તેમ લાગ્યું. એના જોડેલા હાથ પણ ધ્રૂજવા લાગ્યા હતા અને ચહેરા પર ભયની અસર સ્પષ્ટ જોઈ શકાતી હતી. જમાદાર વજેસિંહે શામજીને હડસેલો મારતાં ઑર્ડર આપતો હોય તેમ કહ્યું : ‘બહુ નખરાં નહીં કર, ચાલ જીપમાં બેસી જા.’ શામજી એકાએક અભયના પગ પર પડી ગયો અને હીંબકાં ભરતો કહેવા લાગ્યો :
‘સાહેબ, આ ફેર માફ કરી દો, હવે ક્યારેય આવું નહીં કરું’
‘તેં શું કર્યું છે ?’ અભયે ચાબુક મારતો હોય તેમ સવાલ પૂછ્યો.
‘મંજુને મેળાની ભીડમાં હું જ છોડી આવ્યો હતો.’ શામજીએ ડરતાં ડરતાં કહી દીધું પણ પછી કોઈ ભૂલ થઈ ગઈ હોય તેમ અટકી ગયો.
‘આગળ બોલ, શા માટે મેળામાં છોડી આવ્યો હતો ?’ અભયે પૂછ્યું.

‘મારી ઘરવાળી બીમાર રહે છે એટલે એ મજૂરી કરી શકતી નથી. મારી મજૂરી પર જ ઘર નભે છે. છોકરીઓ નાની છે પણ એમનેય પૂરતું ખવડાવી શકતો નથી. જો મને કંઈ થઈ જાય તો એમને ભીખ માગવી પડે. એટલે મને થયું કે એક દીકરીને તો આ હાડમારીમાંથી બચાવી લઉં. મંજુ સૌથી નાની અને અણસમજુ છે એટલે મને હતું કે એ ગામ પાછી નહીં આવી શકે. એને ભગવાન ભરોસે મૂકી આવ્યો હતો જેથી એના નસીબે કોઈ સારો માણસ એને લઈ જાય’ શામજીએ ધીરે ધીરે વાત કહી જે બધા જ સ્તબ્ધ થઈ સાંભળી રહ્યા.
‘જો કોઈ ખરાબ માણસના હાથમાં પડી ગઈ હોત તો શું થાત ? એની જિંદગી બરબાદ કરી નાખત એનું તને ભાન છે ?’ અભયે પ્રશ્ન કર્યો.
શામજીએ ધોતિયાના છેડાથી આંસુ લૂછતાં કહ્યું : ‘સાહેબ, મને વિશ્વાસ હતો કે મંજુનું નસીબ અમારા કરતાં સારું છે એટલે એવું કંઈ જ નહીં થાય. એક જોશીએ પણ કહ્યું હતું કે એના ગ્રહો બળવાન છે અને એના જીવનમાં અમારા જેવી પીડા નથી.’

અભયને શું બોલવું એની સમજણ પડતી ન હતી. ત્યાં ફરી શામજી આજીજી કરવા લાગ્યો.
‘સાહેબ, આ વખતે માફ કરી દો. ભગવાનના સોગંદ આવું ફરી ક્યારેય નહીં કરું.’ અભય વિચારમાં પડી ગયો. આ માણસ કારમી ગરીબી અને મોટા પરિવારની જવાબદારીના લીધે અકાળે વૃદ્ધ અને નિ:સહાય થઈ ગયો હતો. કાયદાની દષ્ટિએ એની સામે ગુનો દાખલ કરવો કે એના નસીબની સજા ભોગવવા દેવી ? અભય દુવિધામાં ફસાઈ ગયો હતો. હાથ જોડી ઊભેલો શામજી મૂર્તિવત બની દયાની ભીખ માગી રહ્યો હતો. મંજુ બીજા છોકરાઓની સાથે રમી રહી હતી અને એના નિર્દોષ ચહેરા પર ખુશીની ઝલક હતી. અભયે મંજુ સાથેના ટૂંકા પરિચયમાં એના ચહેરા પર આવી ખુશી પહેલાં ક્યારેય જોઈ ન હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મધ્યાહનના તાપમાં શૈશવ બેઠું – ભારતી ભટ્ટ
નવેસર – ડૉ. મહેશ રાવલ Next »   

6 પ્રતિભાવો : મેળામાં – બકુલ બક્ષી

 1. Amol says:

  સરસ વાર્તા……..આભાર……
  અમોલ…….

 2. jignesh says:

  સરસ ચોટદાર વાર્તા…….

 3. અતુલ જાની (આગંતુક) says:

  વિકટ પરિસ્થિતિ માણસ પાસે કેવા કેવા કામ કરાવે છે? આ લેખ વાંચ્યા પછી થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગયો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.