નવેસર – ડૉ. મહેશ રાવલ

[ તબીબી વ્યવસાય સાથે સાહિત્યક્ષેત્રે પણ કાર્યરત એવા ડૉ. મહેશભાઈના(રાજકોટ) ગઝલસંગ્રહ ‘નવેસર’ માંથી નીચેની કૃતિઓ લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો ગઝલના અંતે આપવામાં આવી છે. ]

[1] નક્કી કરો !

navesarશું બાદ, શું વત્તા કરું નક્કી કરો !
ખાલી જગામાં શું ભરું, નક્કી કરો !

કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ?
હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !

મારા ગળે ક્યાં કોઈ વળગણ છે હવે ?
શું કામ, પાછો અવતરું નક્કી કરો !

તડકા વગર પણ સૂર્ય સદ્ધર હોય છે
સંધ્યા, ઉષા, શું ચીતરું, નક્કી કરો !

આવી જશે ક્યારેક એ પણ કામમાં
ક્યા સર્પને, ક્યાં સંઘરું, નક્કી કરો !

નક્કર ગણો છો એટલી નક્કર નથી
કઈ ભીંત, ક્યાંથી ખોતરું, નક્કી કરો !

કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે ?
ક્યો પાળિયો બેઠો કરું, નક્કી કરો !

[2] વિસ્તરણ

વિસ્તાર તો, વળગણ તરફ વિસ્તારજે
સંબંધને, સમજણ તરફ વિસ્તારજે

શું પાંગરે, અતિરેકના આશ્લેષમાં ?
વૈશાખને, શ્રાવણ તરફ વિસ્તાર જે.

ખાલી ચડેલી જીભ, લોચા વાળશે
શબ્દાર્થ, ઉચ્ચારણ તરફ વિસ્તારજે

મારે, કશું ક્યાં જોઈએ છે સામટું ?
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે !

ભીંતો ય રાખે છે, રજેરજની ખબર
અફવા, સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે.

ઊંડાણ રસ્તાનું ચરણને છેતરે
એવી પળે, આંગણ તરફ વિસ્તારજે !

લે, આજ આપું છું તને આ જાત, પણ
કાં ખેસ, કાં ખાપણ તરફ વિસ્તારજે.

[3] ઈશારો ય કાફી !

અમારે, અમારા વિચારો ય કાફી
સમંદર નહીં તો, કિનારો ય કાફી !

જરૂરી નથી કે, રહસ્યો ય ખોલો
અકલમંદને, છે ઈશારો ય કાફી !

તમે રાખજો, સૂર્યની અસ્કયામત
અમારે તો એકાદ તારો ય કાફી !

નથી ભીડ ખપતી નિરર્થક, નપુંસક
ખરેટાણે ખપ આવનારો ય કાફી !

સગાં હોય એ કંઈ બધાં હોય વ્હાલાં ?
અરે ! એક સાચો સહારો ય કાફી !

બધા ક્યાં સફળ થઈ શકે સર્વ રીતે ?
સફળ થઈ જવાનો ધખારો ય કાફી

ઝળુંબે સતત ભય, જવલનશીલ માથે
બધું ભસ્મ કરવા, તિખારો ય કાફી !

[કુલ પાન : 100 (પાકું પૂઠું). કિંમત : 100. પ્રાપ્તિ સ્થાન : ભાવિન એમ. રાવલ. ‘જ્યોતિ’ 4, હસનવાડી. રાજકોટ-360 002. ફોન +91 281 2362971. મોબાઈલ : 98244 81586.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેળામાં – બકુલ બક્ષી
ઈશ્કથી અશ્ક – જિગર જોષી અને અલ્પેશ Next »   

12 પ્રતિભાવો : નવેસર – ડૉ. મહેશ રાવલ

 1. sandeep trivedi says:

  ખરેખર બહુજ સરસ ….

  “નથી ભીડ ખપતી નિરર્થક, નપુંસક
  ખરેટાણે ખપ આવનારો ય કાફી “

 2. shivshiva says:

  ત્રણે ગઝલ ખુબ જ સરસ છે.

 3. નવેસરની સો ગઝલો આજે જ વાંચી… ડૉ. રાવલનો આ ત્રીજો સંગ્રહ છે. ગઝલની આબોહવાના ચિરપરિચિત કલ્પનો પાસેથી તેઓ સારું કામ કઢાવી શકે છે… એમની પોતાની ગઝલોના બે બ્લૉગ્સ પણ છે:

  http://drmaheshrawal.blogspot.com/

 4. pragnaju says:

  તબીબી વ્યવસાય સાથે ગઝલનો સહજ નાતો લાગે છે!
  ત્રણેય ગઝલો ગમી
  તેમા આ પંસ્તીઓ ખાસ ગમી
  કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ?
  હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !
  ખાલી ચડેલી જીભ, લોચા વાળશે
  શબ્દાર્થ, ઉચ્ચારણ તરફ વિસ્તારજે
  ઝળુંબે સતત ભય, જવલનશીલ માથે
  બધું ભસ્મ કરવા, તિખારો ય કાફી !
  વાહ
  બાકીની ગઝલો માણવી હોય તો
  નવેસર –
  navesar.blogspot.com
  ગુજરાતી ગઝલ સંગ્રહ –
  ડૉ. મહેશ રાવલ પર ક્લીક કરો

 5. અતુલ જાની (આગંતુક) says:

  ગઝલો માણવાની મજા પડી

  બધી ગઝલો ખુબ સુંદર છે ખરે
  કોને પ્રથમ નંબર હું દઉ, નક્કી કરો !

  જે સાહિત્યમાં ભરે છે, આટલી મસ્તી
  તે સાહિત્યકારોના રચઈતા તરફ વિસ્તારજે.

  નથી થવું અમારે ગઝલ સમ્રાટ અહીં
  રચાયે રખે એક શેર તો યે કાફી !

 6. pulkit says:

  really nice collection..

  દાક્તર પાસેથી નીક્ળયો હુ દિલની દવા લઇને ,
  જગત સમે જ ઉભુ હતુ જખ્મો નવા લઇને.

  anonymous

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.