[સત્ય ઘટના – ‘નવનીત સમર્પણ’ માર્ચ-2008માંથી સાભાર.]
તે દિવસે સવારે અમે સૌ વહેલાં ઊઠી ગયાં હતાં. મધુને ઉઠાડવા બાને સૌથી વધુ બૂમો પાડવી પડતી, એ પણ વગર બૂમે ઊઠીને દીવાનખાનામાં ગોઠવાઈ ગયો હતો. થોડી વારમાં અમેરિકાથી ‘સ્ટુડન્ટ એક્સચેન્જ’ પ્રોગ્રામના ભાગરૂપે ફ્રૅન્ક આવવાનો હતો. બાબા એને લેવા એરપોર્ટ પર ગયા હતા.
છેવટે સાડાસાતે બાબાની પાછળ ભૂખરા વાળ અને ભૂરી આંખોવાળા છ ફૂટથી વધુ ઊંચા ફૅન્કે પ્રવેશ કર્યો ત્યારે સૌની ઉત્કંઠાનો અંત આવ્યો. બાબાએ એને અમારી ઓળખાણ કરાવી,
‘આ ગીતુ, આ અમિત ને આ મધુ.’ પછી આઈ તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘આ મારી પત્ની રમા’ ફ્રૅન્કે બે હાથ જોડીને આઈનું અભિવાદન કર્યું. ભારત વિશે એટલું એ શીખીને આવ્યો હતો. આઈએ સૌને સવારના નાસ્તા માટે ટેબલ ભણી દોર્યાં. આઈનું અંગ્રેજીનું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હતું પણ ચા-કૉફી, ટોસ્ટ વગેરેનું પૂછવા માટે એટલું બસ થઈ પડ્યું. ક્યાંક અમે સંતાનો એમની મદદે આવ્યાં. નાસ્તો પત્યા પછી અમને સૌને ફ્રૅન્કની સાથે વાતો કરવી હતી પણ એની ઈચ્છા જુદી હતી.
‘મારે નાહવું છે ને મારો સામાન ક્યાં મૂકું ?’ ફ્રૅન્કે પૂછ્યું. અમિત ફ્રૅન્ક સાથે એના માટે ફાળવેલો રૂમ બતાવવા ગયો. ફ્રૅન્ક તો પોતાના રૂમમાં ગયો તે ગયો. છેક એને જમવા ટાણે બોલાવ્યો ત્યારે બહાર આવ્યો. નવાં રમકડાં સાથે રમવા આતુર બાળકની જેમ એનો વધુ પરિચય પામવા ઉત્સુક હતાં પણ પછી મન મનાવ્યું કે હવે તો એક વરસ આપણી સાથે જ રહેશેને !
જમવામાં આઈએ રોજની જેમ સાદું ભોજન બનાવ્યું હતું. એમ ચુસ્ત શાકાહારી. ઈંડાં પણ વર્જ્ય. સૌ જમતાં જમતાં વાતોમાં મશગૂલ હતાં. આઈનું ધ્યાન ગયું કે ફ્રૅન્કે માત્ર કચુંબર ખાધું હતું. એ દાળ-શાકને હાથ પણ નહોતો લગાડતો. એમણે પૂછ્યું : ‘તું તો કાંઈ ખાતો નથી ! તને બીજું શું આપું ?’
‘થોડી સાકર આપશો ?’ ફ્રૅન્કે પૂછ્યું. ફ્રૅન્કે સાકર સાથે એકાદ રોટલી જેમ તેમ ખાધી. આઈને ચિંતા થઈ પડી.
‘આ છોકરો આપણા ઘરમાં બરાબર જમે નહીં તો કેમ ચાલે !’ સાંજે આઈએ વિચાર કરીને બટેટાની ચિપ્સ ને ટામેટાંનો સૂપ બનાવ્યાં. ફ્રૅન્કે પેટ ભરીને ખાધું ત્યારે આઈને શાંતિ થઈ. જમીને ફ્રૅન્કે કહ્યું :
‘થેન્ક યુ ફોર ધ વંડરફૂલ ડિનર !’
બાએ પૂછ્યું : ‘વોટ યુ ઈટ એવરી ડે ?’
‘વેલ… મટન, પટેટોઝ, એગ્ઝ….’
‘વિ ઈટ નો મટન, નો એગ. પ્રૉબ્લેમ ફૉર યુ.’
‘આઈ વિલ ટ્રાય વેજિટેબલ્સ.’ ફ્રૅન્ક પાસે બીજો પર્યાય શો હતો ?
આઈએ નોંધ્યું હતું કે ફ્રૅન્કને આપણો મરીમસાલાવાળો ખોરાક ભાવતો નહોતો એટલે એના માટે બાફેલાં શાક બનાવતાં અને એને ભાવે એવી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરતાં. પણ ફ્રૅન્ક ભારતીય ખોરાકથી બિલકુલ ટેવાયેલો નહોતો એટલે એને ભાગ્યે જ કાંઈ ભાવતું. આઈ કહેતાં : ‘આ પરદેશી છોકરો આપણા ઘરમાં ભૂખ્યો રહે એ મારાથી ન જોવાય !’ ફ્રૅન્ક એક વર્ષ પૂનાની કૉલેજમાં ભણવાનો હતો તે દરમિયાન એના રહેવા અને જમવાની સગવડ કરવાની ફરજ યજમાન કુટુંબ તરીકે અમારા માથે હતી. છેવટે આઈએ નક્કી કર્યું : ‘આપણે આપણો ધરમ પાળીએ, એ એનો !’ અમારી ચિતપાવન બ્રાહ્મણ ગૃહસ્થીમાં ક્યારેય ઈંડાં આવ્યાં નહોતાં, પણ આઈએ ફ્રૅન્કને એના રૂમમાં ઈંડાં બાફવાની છૂટ આપી.
એક સાંજે ફ્રૅન્ક જમવાનો સમય વીતી ગયો તોયે ઘેર ન આવ્યો. અમે બધાંએ જમી લીધું પણ આઈ ભૂખ્યા પેટે ફ્રૅન્કની રાહ જોતાં રહ્યાં. મોડેથી ફ્રૅન્ક આવ્યો ત્યારે આઈએ પૂછ્યું : ‘આટલું મોડું કેમ કર્યું ?’
‘દોસ્તના ઘેર ગયો હતો.’ ’તો ફોન કરવો જોઈએને ! મને તારી ચિંતા થતી હતી.’
ફ્રૅન્કને આશ્ચર્ય થયું : ‘તમને મારી ચિંતા થતી હતી ?’
‘ચાલ, હવે આપણે બંને જમી લઈએ.’
‘તમે નથી જમ્યાં ? હું તો જમીને આવ્યો છું, પણ તમારી પાસે બેસીશ.’ ને તે દિવસથી ફ્રૅન્ક અને આઈની દોસ્તી પાકી થઈ ગઈ. પછી તો તે મોડો આવવાનો હોય તો આઈને ફોન કરી દેતો, ત્યાં સુધી કે બે મહિના પછી એ રાજસ્થાન, દિલ્હી વગેરે સ્થળોએ ફરવા ગયો ત્યાંથી પોતાના ક્ષેમકુશળના સમાચાર નિયમિત જણાવતો.
ઑગસ્ટના અંતમાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. ફ્રૅન્કનો ભારત આવવા પાછળનો ઉદ્દેશ અહીંની સંસ્કૃતિ જાણવા-સમજવાનો હતો એટલે દરેક તહેવારની ઉજવણીમાં અમે એને સામેલ કરતાં ને આઈ એ તહેવારનું મહત્વ સમજાવતાં. મેં અમિત અને મધુને રાખડી બાંધીને ફ્રૅન્કને પૂછ્યું.
‘તને પણ રાખડી બાંધું, ફ્રૅન્ક ?’
‘આ શું છે ? ફ્રૅન્ડશિપ બૅન્ડ છે ?’
અમે ત્રણે હસી પડ્યાં. આઈએ એને રાખડીનું માહાત્મ્ય સમજાવતાં એણે હોંશે હોંશે રાખડી બંધાવી ને મારા હાથમાં પૈસા પણ મૂક્યા.
શરૂઆતમાં જરા અતડો લાગતો ફ્રૅન્ક દિવસો જતાં ખૂલવા લાગ્યો. સાંજે જમીને પોતાના રૂમમાં ભરાઈ જવાને બદલે અમારી સાથે ગપ્પાં મારવા બેસવા લાગ્યો. એ અમેરિકાના મૉન્ટાના પ્રાંતના નાના ગામમાંથી આવતો હતો. એના ગામની, ત્યાંની આબોહવાની ને અમેરિકન સમાજની વાતો કરતો. અમને અમારા માટે અણજાણ દુનિયામાં ડોકિયું કરવામાં આનંદ આવતો. ઘરમાં સૌને ક્રિકેટનો શોખ પણ ફ્રૅન્કે અમને ફૂટબોલમાં રસ લેતાં કરી મૂક્યાં. એ માત્ર ટી.વી. પર મેચ જોઈને બેસી રહે એવો શોખીન નહોતો, એક ફૂટબોલ ખરીદી લાવ્યો ને અમે સાંજે એની સાથે મેદાનમાં ફૂટબૉલ રમવા માંડ્યાં. અમિત અને મધુ ‘છોકરાઓ માટેની રમત’ માંથી મને બાકાત રાખવા માગતા હતા, પરંતુ ફ્રૅન્કે પોતાનો વિટો વાપરીને મને પણ સામેલ કરી હતી. અમારી ચારે તરુણોની ધમાચકડીના એ દિવસો અમારા માટે અવિસ્મરણીય બની ગયા.
તહેવારોની ઉજવણીમાં ફ્રૅન્ક ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાતો. દિવાળી આવી ત્યારે રંગોળી પૂરવામાં ને દીવા પ્રગટાવવામાં એણે અમારી હારોહાર ભાગ લીધો. આઈએ અમારા સૌની સાથે ફ્રૅન્કને પણ નવાં કપડાં અપાવ્યાં. મોટા દિવસોએ અમે સવારે ઊઠીને આઈ-બાબાને પગે લાગતાં. દિવાળીના દિવસે અમને પગે પડતાં જોઈને ફ્રૅન્કને ખૂબ આશ્ચર્ય થયું.
‘આ શું કરો છો ?’ એણે પૂછ્યું.
‘મા-બાપ પ્રત્યે આદર બતાવવાનો આ રિવાજ છે.’ અમિતે સમજાવ્યું.
‘મંદિરની જેમ ?’ ફ્રૅન્કે મંદિરમાં લોકોને પ્રભુ સમક્ષ નમતા જોયા હતા.
‘અમારે ત્યાં ઈશ્વર પછી મા-બાપને ગણવામાં આવે છે.’
‘એમાંય માને તો ઈશ્વરનું જ રૂપ માનવામાં આવે છે.’ મેં સૂર પુરાવ્યો. આ વિભાવના એના માટે અણચિંતવી હતી. આઈએ એને શ્રવણની વાત કહી જે એણે કુતૂહલ મિશ્રિત રસ સાથે સાંભળી. આઈને ફ્રૅન્ક મિસિસ જોષી કહેતો. એક દિવસ અચાનક પૂછ્યું :
‘હું તમને આઈ કહી શકું ?’
‘એમાં પૂછવાનું શું હોય ?’ આઈએ એમની સરળતાથી કહી દીધું, ‘તું મારો ત્રીજો દીકરો !’ પણ અમે તો એ દિવસથી આઈની પાછળ પડી ગયાં. ફ્રૅન્કનો ઉલ્લેખ આવે તો ‘તમારો ખોળે લીધેલો દીકરો’ કહીને એમને ચીડવતાં.
એકાદશી આવી ત્યારે આઈને પંઢરપુરની જાત્રા કરવા જવું હતું.
‘મારી સાથે કોણ આવશે ?’ એમણે પૂછ્યું. જાત્રા…. ! બાપ રે….! અમે ત્રણે ભાઈબહેન બાની ધાર્મિક પ્રવૃત્તિથી અલિપ્ત રહેતાં. બાબાને ઘણું કામ હતું એટલે આઈએ અમને પોતાની સાથે જવા આગ્રહ કર્યો. અમારામાંથી કોઈ તૈયાર ન થયું.
‘આવી ગિરદીમાં કોણ જાય ?’ અમિતે પોતાની નામરજી દર્શાવી.
‘મારે ત્રણ કલાક લાઈનમાં નથી ઊભા રહેવું !’ મેં પણ રોકડું પરખાવી દીધું.
મધુએ તો સાવ ઠંડું પાણી રેડ્યું : ‘આઈ, તમે નકામાં હેરાન થશો. તમારે પણ ન જવું જોઈએ.’ પરંતુ આઈ જવા માટે મક્કમ હતાં એટલે મધુએ સૂચવ્યું : ‘તમારા ખોળે લીધેલા દીકરાને લઈ જાઓ ને !’
આઈએ ખરેખર ફ્રૅન્કને પૂછ્યું : ‘ફ્રૅન્ક, યુ કમ વિથ મી ?’
‘વેર ?’
આઈએ એને ક્યાં જવાનું હતું ને કેટલો વખત લાગશે એ સમજાવ્યું. તરત એ સાથે જવા તૈયાર થયો. અમિતે ને મેં ત્યાં જવામાં રહેલાં ભયસ્થાનો બતાવ્યાં છતાં તે અડગ રહ્યો. આઈ એની સાથે હસીખુશીથી જાત્રા કરી આવ્યો.
એક સાંજે ‘આઈ એમ નોટ ફીલિંગ વેલ’ કહીને ફ્રૅન્ક જમ્યો નહીં. એને ખૂબ શરદી હતી એટલે આઈએ આદું-ફુદીનાવાળી ચા કરી આપી એ પીને સૂઈ ગયો. બીજે દિવસે સવારે એ નાસ્તા માટે આવ્યો નહીં એટલે આઈએ એના રૂમમાં જઈને જોયું તો એ હજુ સૂતો હતો. આઈએ એના કપાળ પર હાથ લગાડ્યો. એનું કપાળ તો સગડી પર મૂકેલા તવા જેવું ધખતું હતું. આઈએ તરત અમિતને હાક મારી, ‘અમિત, ડૉક્ટરને ફોન કરીને આવવાનું કહે તો ! ફ્રૅન્કને બહુ તાવ છે.’ ડૉક્ટરની સલાહ પ્રમાણે આઈએ માંદા ફ્રૅન્કની સારસંભાળ લીધી. માથે પોતાં મૂક્યાં, વખતોવખત દવા આપી, ખોરાકની કાળજી રાખી ને ક્યારેક ધમકાવીને પરાણે સૂપ ને જ્યુસ પીવડાવ્યાં. પાંચ-છ દિવસ પછી ફ્રૅન્ક સાજો થયો ત્યારે એમને રાહત થઈ.
ફ્રૅન્ક આવ્યો ત્યારે ‘ફ્રૅન્ક એક વર્ષ અહીં રહેશે !’ એમ કહેતાં મોઢું ભરાઈ જતું, એ એક વર્ષ તો જાણે પૈડાં લગાવીને આવ્યું હોય તેમ સડસડાટ પસાર થઈ ગયું. ફ્રૅન્કનો જવાનો દિવસ આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું તમને બધાને બહુ મિસ કરીશ. તમે મારું બીજું ફૅમિલી છો !’ જતાં પહેલાં અમે પગે લાગતાં તેમ આઈ-બાબાને પગે લાગ્યો. આઈએ એને ગળગળા થઈને વિદાય આપી.
અમારા ત્રણેનો એ સારો દોસ્ત બની ગયો હતો એટલે અમને સૌને શરૂઆતમાં એના વિના ઘરમાં કંઈક ખૂટતું હોય એમ લાગતું. એ નિયમિત પત્ર લખતો ને એકબીજાના ખબર-અંતરથી અમે સૌ વાકેફ રહેતાં. ફ્રૅન્કના ગયા પછી ત્રણચાર મહિને ટપાલમાં એક પત્ર મળ્યો. એ પત્ર ફ્રૅન્કનાં માતા-પિતા તરફથી હતો. એમણે ફ્રૅન્કને ઘરના એક સભ્યની જેમ રાખવા માટે આભાર માન્યો હતો. ફ્રૅન્ક સૌને કેટલા યાદ કરતો હતો એ જણાવ્યું હતું ને છેવટે લખ્યું હતું : ‘આ પત્ર લખવાનું ખાસ કારણ તો એ છે કે ફ્રૅન્ક ઈન્ડિયાથી આવ્યો પછી એનામાં અમે ઘણો ફરક જોઈએ છીએ. હવે એ જે રીતે અમારો આદર કરે છે ને અમારી સાથે બેસીને વાતચીત કરે છે એવું વર્તન અમેરિકામાં ભાગ્યે જ કોઈ વડીલો પામે છે. અમે ખૂબ ખુશ છીએ કે અમારો દીકરો ઈન્ડિયા આવ્યો ને તમારી સાથે રહ્યો. તમારી સંસ્કૃતિ ખરેખર મહાન છે.’
સમયની સવારી અવિરત ચાલતી રહી. વરસો વીતવા લાગ્યાં. અમિત અને હું ભણીગણીને ઊંચા પગારની નોકરીએ લાગ્યાં. મધુનું ભણવાનું હજુ ચાલુ હતું. મારાં લગ્ન થતાં મેં ઘર છોડ્યું પણ ઘરનો ખાલીપો ભરવા બીજે જ વરસે અમિતની પત્ની આવી ગઈ. બંને પ્રસંગોએ ફ્રૅન્કની શુભકામનાનાં કાર્ડ અમને મળ્યાં. આ દરમિયાન એણે ભૂસ્તરશાસ્ત્રમાં ઉચ્ચ પદવી મેળવી હતી અને એને સારી કંપનીમાં જોબ મળી ગયો હતો. થોડા મહિનાઓ પછી એના તરફથી સમાચાર આવ્યા કે એની કંપની એને બે વર્ષ માટે ઈજિપ્ત મોકલતી હતી. ઈજિપ્તથી પાછા આવ્યા બાદ ફ્રૅન્ક વળી અઢી વર્ષ માટે મૅક્સિકો ગયો. છેવટે એણે પણ ઠરીઠામ થવાનું નક્કી કર્યું ને મૅરીએન સાથે લગ્ન કર્યાં. આ બાજુ બાબા અમને બધાને છોડીને પરગામની યાત્રાએ ચાલ્યા ગયા. આઈનું જીવન પ્રભુભક્તિ તરફ ઢળ્યું હતું પણ હજુ મધુ લગ્ન નહોતો કરતો એની અમને ફિકર હતી. આખરે બત્રીસમે વર્ષે મધુનાં લગ્ન લેવાણાં ને આઈની ચિંતાનો અંત આવ્યો.
અમે મધુનાં લગ્નના ફોટા ફ્રૅન્કને ઈ-મેલથી મોકલ્યા. ફ્રૅન્કે એની પત્ની મૅરીએનને ફોટા બતાવતાં ઉત્સાહથી બધાની ઓળખાણ કરાવી. સ્વાભાવિક રીતે બંને વચ્ચે ઈન્ડિયા અને અમારા કુટુંબ વિશે ઘણી વાતો થઈ. ફ્રૅન્કે કહ્યું : ‘માતૃત્વનો પરિઘ કેટલો વિશાળ હોઈ શકે એનો અનુભવ મને આઈને મળ્યા પછી થયો. ને તે પછી હું માતૃત્વની ઉદાત્તતા વિશે વિચારવા લાગ્યો.’
મૅરીએને કહ્યું : ‘તું જેમને આઈ કહે છે એ તો હવે ઘરડાં દેખાય છે. તને એમના માટે આટલી લાગણી છે તો તને નથી લાગતું એક વાર તારે એમને મળી આવવું જોઈએ ?’
‘મને ઘણી વાર એમને મળવાનું મન થાય છે પણ એ બાજુ જવાતું નથી.’
‘જિંદગી તો વણથંભી દોડ્યા કરશે. તારે એમને મળવું જ હોય તો ‘ક્યારેક એક દિવસ’ ની રાહ ન જોવાય.’ ને ફ્રૅન્કનો ઈ-મેઈલ આવી ગયો કે અમને અને ખાસ તો આઈને મળવા એ ટૂંક સમયમાં ઈન્ડિયા આવતો હતો.
અમે અતિ ઉત્સાહથી ફ્રૅન્કની સાથે ક્યાં ક્યાં જશું એ નક્કી કરી રાખ્યું. આઈ હવે ઘરની બહાર બહુ ઓછું નીકળી શકતાં એટલે ફરવાના કાર્યક્રમમાં અમારી સાથે નહોતાં જોડાવાનાં. પણ ફ્રૅન્કે આવીને કહ્યું, ‘મારે ક્યાંયે જવું નથી. હું તો બસ આઈ પાસે બેસીને આરામ કરીશ.’ એ સૌને બહુ પ્રેમથી મળ્યો પણ સાચે જ પંદર દિવસ રહ્યો એ દરમિયાન વધુમાં વધુ સમય એણે આઈ સાથે જ વિતાવ્યો. એક દિવસ આઈને કહે, ‘તમે પેલું પીઠલું-ભાખરી બનાવતાં ને ! ચાલો આજે એ બનાવીએ. મારે તમારી પાસેથી શીખવું છે.’ ફ્રૅન્કે આઈને રસોડામાં એક ખુરશી પર બેસાડ્યાં ને એમના માર્ગદર્શન નીચે પીઠલું બનાવ્યું પણ પછી ભાખરી બનાવવાનો કંટાળો આવ્યો. એણે આઈને કહ્યું : ‘ભાકરી બનાવવાનું કામ બહુ માથાકૂટવાળું છે. ચાલો, બ્રેડ ને પીઠલું ખાઈએ !’ આઈએ એની સાથે આનંદથી બ્રેડ ને પીઠલું આરોગ્યાં. બીજે દિવસે ફ્રૅન્કે આઈને કહ્યું, ‘આજે આપણે રેસ્ટોરાંમાં મરાઠી થાળી જમવા જઈએ !’ તો વળી એક દિવસ કહે : ‘મારે મૅરીએન માટે સલવાર-કમીઝ લેવાં છે એ તમારે પસંદ કરવાનાં છે. આપણે રિક્ષામાં જઈ આવીએ !’
આઈની શક્તિની મર્યાદાને ધ્યાનમાં રાખી આઈને ફાવે એવા કાર્યક્રમ એણે આઈ સાથે બનાવ્યા. બપોરે અને સાંજે એમની સાથે પત્તાં રમવા બેસી જતો. ક્યારેક એમની પાસેથી આદુ-ફૂદીનાવાળી ચા બનાવડાવતો. આઈ માટે તો જાણે ઉત્સવ થઈ ગયો. એમના મોં પર ચમક આવી ગઈ. ફ્રૅન્ક તો આઈએ એની પાછળ ખર્ચેલાં સમય અને શક્તિનું ઋણ ચૂકવીને ચાલ્યો ગયો, પરંતુ અમને એણે અંદરખાનેથી વિચાર કરતાં કરી મૂક્યાં. આઈને કોઈ અગવડ ન પડે એનું ધ્યાન અમે રાખતાં પણ એણે આઈને જે રીતે સમય આપ્યો હતો તેવો સમય અમારી અતિ વ્યસ્ત જિંદગીઓમાંથી વિના કારણ અમે એમને માટે કાઢી શકીશું ?