પૈસા બચાવવાની પચ્ચીસ રીતો ! – મન્નુ શેખચલ્લી

hava[‘મન્નુ શેખચલ્લી’ ના ઉપનામથી લખતા હાસ્યલેખક શ્રી લલિતભાઈ લાડ વર્તમાન સમયની ઘટનાઓમાં રમુજ શોધીને તેની પાછળ વ્યક્તિની માનસિકતાને સુંદર રીતે રજૂ કરે છે. તેમના પુસ્તક ‘હવામાં ભીંતભડાકા’માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે; જે માટે લલિતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

(મોંઘવારી વધતી જ જાય છે, તો સાથે સાથે પૈસા બચાવવાની રીતો પણ વધતી જાય છે. 250 ગ્રામની ટૂથપેસ્ટને બદલે 1 કિલોની ટૂથપેસ્ટ ખરીદો અને 50 રૂપિયા બચાવો ! એકને બદલે 6 સાબુ ખરીદો અને 75 રૂપિયા બચાવો ! સાડા ત્રણ લાખ રૂપિયાની કાર ખરીદો અને વધુ માઈલેજ દ્વારા પેટ્રોલના પૈસા બચાવો ! પણ શું ખરા અર્થમાં પૈસા બચાવવાની કોઈ રીતો જ નથી રહી ? કોણે કહ્યું ? આ રહી પૂરી પચ્ચીસ રીતો.)

રીત: 1
ઓછી ફાટેલી હોય એવી રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાની નોટો ભેગી કરો. તેને પાણીમાં પલાળો. અડધો કલાક પછી તેને બહાર કાઢો. સાચવીને ઉખાડશો તો નોટોનાં બે પડ છૂટાં પડી જશે. પછી પ્લાસ્ટિકની કોથળીઓમાં નોટોને પેક કરીને વાપરો ! એકના બે, બેના ચાર, પાંચના દસ રૂપિયાની બચત !

રીત:2
તમારા વિસ્તારની ‘શક્તિ પ્રોવિઝન સ્ટોર’ અથવા ‘પટેલ કિરાણા ભંડાર’ની એક કૂપન લઈ આવો. તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. સહેજ જાડા કાગળના ટુકડા પર રબર સ્ટેમ્પ વડે છાપેલો દુકાનના નામનો સિક્કો હશે. કદાચ દુકાનમાલિકની સહી પણ હશે. હવે અદ્દલ એના જ જેવો એક રબર સ્ટેમ્પ બનાવડાવો. (ખર્ચ માત્ર 25 રૂપિયા !) જાડા કાગળ પર સરસ રીતે સિક્કા મારો. દુકાનમાલિકની સહીની નકલ કરો ! જોકે રોજની પાંચ-છથી વધુ કૂપનો દુકાને વટાવશો તો દુકાનદારને શંકા પડશે. એટલે એક કામ કરો, પાડોશી પાસે કારણ વિના બે-પાંચ રૂપિયા રોજ ઉછીના માગો અને તેના બદલામાં આ કૂપનો પધરાવો ! જોયું ? થઈને રોજની 20-25 રૂપિયાની બચત !

રીત : 3
રોજનું છાપું બંધ કરાવો. વહેલા ઊઠો અને પાડોશીના આંગણામાં પડેલા છાપામાંથી રોજેરોજ નીકળતાં જાહેરખબરોનાં પેમ્ફલેટો કાઢી લો ! છાપાંઓનો ધ્યાનથી અભ્યાસ કરશો તો સમજાશે કે તેમાં અમુક પાનાં એવાં હોય છે જેમાં નકરી જાહેરખબરો જ હોય છે. આવાં પાનાં ફાડી લો. જો પડોશીને જુવાન છોકરી પરણાવવાની ન હોય તો તે ટચૂકડી જાહેરખબર પણ નથી વાંચવાનો. અઠવાડિયામાં બે વાર ટચૂકડી જાહેરખબરનાં ચાર-ચાર પાનાં આવે છે. તે પણ સરકાવી લો. બધી પસ્તી ભેગી કરો. મહિનાના અંતે પસ્તીવાળાને પધરાવીને ખાસ્સી રકમની બચત કરો !

રીત : 4
ખિસ્સામાં હંમેશાં એક 500 રૂપિયાની નોટ રાખો. અને જો શક્ય હોય તો આ નોટ પણ નકલી રાખો ! 500ની નોટ સિવાયના છૂટા પૈસા ચોર ખિસ્સામાં સંતાડીને રાખો. હંમેશાં ઑફિસના સ્ટાફ સાથે ચા-નાસ્તો કરવા જવાનો આગ્રહ રાખો. દર વખતે પેલી 500ની નકલી નોટ કાઢો ! ખાતરી રાખજો, એ પાછી જ આવશે અને તમારા રોજના ચા-પાણીના પૈસા બચી જશે !

રીત : 5
સ્કૂટર જ્યારે પહેલા અને બીજા ગિયરમાં હોય છે ત્યારે તે વધારે પેટ્રોલ ખાતું હોય છે. નાનકડો ખર્ચો કરીને સ્કૂટરમાંથી આ બે ગિયર જ કઢાવી નાખો ! શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને 45 કિલોમીટરની ઝડપે જ હંકારો, આનાથી સ્કૂટરની એવરેજ તેની જાહેરખબરમાં દાવો કરેલી હોય તેટલી થઈ જશે ! 45 કિલોમીટરથી ઓછી ઝડપે ચલાવવાનો વારો આવે કે તરત સ્કૂટર બંધ કરી દો. એમ ને એમ ગબડવા દો. અને હા, તમારું ડ્રાઈવિંગ સુધારો. નહીંતર હૉસ્પિટલનો ખર્ચો આવશે !

રીત : 6
રાતના સમયે ટી.વી. જોતી વખતે રૂમની લાઈટો બંધ કરી દો. આજકાલ ટી.વી.માં એટલી બધી ઝાકઝમાળ હોય છે કે ટી.વી.ની લાઈટ જ પૂરતી છે.

રીત : 7
ઘરના લોકો અમથાઅમથા ફ્રિજ, વોશિંગ મશીન, ઘરઘંટી, પંખા, ગિયર, ગ્રાઈન્ડર-મિક્સર જેવી વસ્તુઓ વાપર્યા કરતા હોય છે. એટલે ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે અઠવાડિયામાં બે દિવસ ઘરનો ફ્યુઝ ઉડાડી દો !

રીત : 8
એક જૂની જોક છે કે એક અમદાવાદી કાકા વધુ પૈસા બચાવવા માટે બસને બદલે રિક્ષાની પાછળ દોડીને ઘરે આવતા હતા ! પણ હવે એવું કરવાની જરૂર નથી. શટલિયાં એટલે કે શટલ-રિક્ષાઓ બસના ભાવે જ પેસેન્જરો ભરીને લઈ જાય છે. તો પૈસા બચાવવા માટે રોજ જુદી જુદી રિક્ષામાં ઘૂસો અને સૌ ઊતરીને પૈસા આપતા હોય ત્યારે ચાલાકીથી છટકી જાવ ! હવે તો 20-25 પેસેન્જરોને લઈ જતા છકડા નીકળ્યા છે, એમાં તો આ ખૂબ જ સહેલું છે.

રીત : 9
ઘરની કામવાળીની આસપાસ આંટા મારો. તેની સાથે હસી હસીને વાતો કરો. તમારી પત્નીને શંકા જતાંની સાથે જ તે કામવાળીને કાઢી મૂકશે. અને નવી કામવાળીઓ કંઈ રસ્તામાં રેઢી પડી છે ? નવી ને આવતાં દિવસો જશે. ત્યાં સુધી તમારી પત્ની ઘરકામ કરશે અને તમે કામવાળીના પૈસા બચાવશો !

રીત : 10
દર રવિવારે પત્નીઓને બહાર હોટેલમાં જઈને ખાવાનું શૂર ચઢતું હોય છે. આમાં ખાસ્સા રૂપિયાની ચટણી થઈ જતી હોય છે. આ ખર્ચામાંથી બચવાનો એક ઉપાય છે. રવિવારે બપોરે જમતાં જમતાં જ પત્ની સાથે ઝઘડો કરો ! તેના મૂડની પથારી ફેરવી નાખો ! બહુ બહુ તો શું થશે ? સાંજે બળેલી ખીચડી ખાવી પડશે એ જ ને ?

રીત : 11
પત્નીના હાથમાં પૂરો પગાર પહોંચવા જ ન દો. પગારના દિવસે અચુક તમારું ખિસ્સું કપાઈ જવું જોઈએ ! અથવા પાકીટ પડી જવું જોઈએ !

રીત : 12
લગ્નો તથા રિસેપ્શનોમાં જવાનું ટાળો. જોકે ત્યાં ઓછા ચાંલ્લામાં મફતનું ખાવાનું પ્રલોભન હોય જ છે, પણ તે પ્રલોભન ટાળો. કારણ કે પત્નીને મોંઘી મોંઘી સાડીઓ તથા નવાંનવાં ઘરેણાં ખરીદવાની પ્રેરણા લગ્નો તથા રિસેપ્શનોમાંથી જ મળતી હોય છે.

રીત : 13
થોડો ખર્ચો ખરો, પણ ટીવીમાં જાહેરખબરો આવે કે તરત જ ટીવી બંધ થઈ જાય એવું મશીન આવે છે. એ લઈ આવો. મોટા ભાગની બિનજરૂરી ખરીદી ટીવીના કારણે જ થતી હોય છે.

રીત : 14
પત્ની સાથે મોટામોટા ઝઘડા અવારનવાર કરતા રહો. આને કારણે પત્ની વારંવાર પિયર જતી રહેશે. સરવાળે ઘણી બચત થશે. ચારપાંચ રજાઓ ભેગી થતી હોય ત્યારે જ પત્નીને પિયરેથી તેડવા જાઓ અને સસરાજીને ત્યાં રહીને પાંચ રજાઓ લહેરથી ભોગવો. જોકે તમે થોડો ખર્ચ કરીને કિફાયતી ભાવનો વકીલ રોકીને છૂટાછેડા મેળવી લો તો લાંબે ગાળે કેટલા પૈસા બચે તેનું ગણિત માંડી જોજો. એ બચત પોસાય ખરી ?

રીત : 15
ક્રિકેટ મેચોની શરત લગાડો. હંમેશાં એવી જ શરત મારો કે ભારત હારશે ! ગણી જોજો, સરવાળે ફાયદો જ છે !

રીત : 16
ટૂથપેસ્ટનું કાણું નાનું કરી નાખો. પ્લાસ્ટિકની ડટ્ટી ગરમ કરીને ટૂથપેસ્ટના મોં પર ચોંટાડો અને પછી ખીલી વડે કાણું પાડો. કોલગેટવાલા ભી ક્યા યાદ કરેગા !

રીત : 17
હિંદુ તિથિઓની માહિતી આપતાં કેલેન્ડરો ગુમ કરી નાખો. કારણ કે આમાં વિગતવાર આપેલી અગિયારસો, પૂનમો અને સાતમો જોઈને જ પત્નીઓ ઉપવાસ કરતી હોય છે. ઉપવાસને બહાને શીરો, કાજુ-બદામ અને ફળફળાદિના ખર્ચા કરતી હોય છે !

રીત : 18
તમારી સોસાયટીમાં અને અડોશપડોશની સોસાયટીઓમાં સત્યનારાયણની કથા ક્યાં થવાની છે તેની બરાબર તપાસ રાખો, અને પ્રસાદના સમયે ઘરના તમામ સભ્યો ભૂખ્યા પેટે પહોંચી જાવ !

રીત : 19
વાળ કપાવવા જાઓ ત્યારે ખૂબ જ ટૂંકા કરાવો. આને કારણે કમસે કમ ત્રણ મહિને ફરી વાળ કપાવવાનો વારો આવશે. ટૂંકા વાળને લીધે શેમ્પૂ, હેર-ઓઈલની બચત થશે ! જોકે શ્રેષ્ઠ ઉપાય તો એ છે કે ખૂબ ચિંતા કરો. આને કારણે ટાલ પડી જશે !

રીત : 20
સાદો ટેલિફોન વેચી મારો અને એના અડધા પૈસામાંથી મોબાઈલ ફોન લઈ લો. હવે તો ઈન-કમિંગ કોલ મફત છે એટલે બચત જ બચત છે !

રીત : 21
લાફિંગ કલબમાં જોડાઈને મફતમાં ખડખડાટ હસતાં શીખી લો. પછી ઓળખીતા-પાળખીતા, સગાંવહાલાં સૌ પાસેથી રૂપિયા ઉધાર લો. અને જ્યારે સૌ ઉઘરાણી કરવા આવે ત્યારે લાફિંગ કલબની ટ્રેઈનિંગ મુજબ ખડખડાટ હસો.

રીત : 22
પગારના સર્ટિફિકેટ ઉપર મળતી લોન દ્વારા હપ્તેથી ટીવી, ફ્રિજ વગેરે વસાવો. પછી હપ્તા ભરવામાં અખાડા કરો. આખરે એ લોકો ત્રાસીને તેમની વસ્તુઓ પાછી લઈ જશે. ત્યારે મનમાં મરક મરક હસો !

રીત : 23
ચાના ગલ્લે તથા પાનના ગલ્લે ખાતું રાખો. થોડા થોડા પૈસા આપો અને ઘણા ઘણા પૈસા બાકી રાખો. પરિસ્થિતિ અંકુશ બહાર જાય ત્યારે ગલ્લો બદલી નાખો !

રીત : 24
ખૂબ દર્શનાર્થીઓ આવતા હોય તેવા મંદિરે જવાનું ટાળો. આને કારણે તમારી ચંપલો બચી જશે, પણ જ્યારે એ ચંપલો ઘસાઈ જાય ત્યારે અવશ્ય એ મંદિરે જાઓ. નવી ચંપલોનો ખર્ચો બચી જશે !

રીત : 25
અને ખૂબ જ મોટી બચત કરવી હોય તો મન્નુ શેખચલ્લીના લેખ વાંચવાનું બંધ કરો. આને કારણે તમારે મેન્ટલ હૉસ્પિટલનો ખર્ચો બચી જશે !

[કુલ પાન : 216. કિંમત : 100. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોળે લીધેલો દીકરો – ચંદ્રિકા લોડાયા
ચાલો, સંબંધોને અજવાળીએ…. – નીલમ દોશી Next »   

21 પ્રતિભાવો : પૈસા બચાવવાની પચ્ચીસ રીતો ! – મન્નુ શેખચલ્લી

 1. anu patel says:

  મન્નુભાઈ હુ મેન્ટલ હોપ્સ્પિટલમા જ છુ અને તમારા લેખ અમારા જેવા જ વ્યક્તિઓ વાન્ચે છે.
  પણ આટ્લુ લખિ તમે ક્યા બચત કરિ છે. તમને ખબર છે તમારુ કેટ્લુ નુકસાન થયુ છે.
  આભાર પણ કઈક સારુ લખો.

 2. jignesh says:

  તમે તો યાર….કંજુસને ય સારા કહેવડાવો એવા નીકળ્યા…
  પૈસા બચાવવામાં તમારી પી એચ ડી લાગે છે….

  બસ ….બીજુ તો શું કહું….મારેય શબ્દો બચાવવા છે એટલે….

 3. એકદમ સરસ ઉપાયો!!

 4. અતુલ જાની (આગંતુક) says:

  ૨૬. મન્નુ શેખચલ્લી નું ૧૦૦ રુ. ની કિંમતનું પુસ્તક “હવામાં ભીંતભડાકા” ખરીદવાનું મુલતવી રાખો અને તેની ખરીદી કોણે કોણે કરી છે તે પુસ્તક વિક્રેતાને ત્યાં જઈને નોંધ રાખો તથા તેના ખરીદનારા સાથે ઘરોબો કેળવીને તેના ઘરે આવવા જવાનું શરુ કરી દ્યો. થોડા વખતમાં જ પેલો મેન્ટલ હોસ્પિટલમાં હોવાથી તમને તેના ઘરે રહેલા બધા જ પુસ્તકો મફત ભેટ તરીકે મળી જશે.

 5. Vishal Patil says:

  I only say “Below substandard Article” and save my words thats all.

 6. ૨૬. સો રૂપિયા ખર્ચીને લલિત લાડનું આ પુસ્તક વસાવવા કરતાં તેમના લેખો ઓનલાઈન વાંચો રીડીફ.કોમ પર. શીલા ભટ્ટ સંચાલિત આ સાઈટ ક્યારની બંધ પડી ગઈ છે પણ લેખો હજી પડ્યા છે!

 7. tushar says:

  ghano saras lekh

 8. Axresh says:

  આજે જ્યારે શેરબજાર મા કાડો કેહર વર્તાય છે તેવા સમયે બહુ કામ નો લેખ છે.
  હા હા હા… ગો ઓન….

 9. @ Vishal Patil

  please visit my blog and express your high standard views in the comment box.

  thanks!

 10. ભાવના શુક્લા says:

  આતો જબ્બરૂ!!!!!!!

 11. sachin gauswami says:

  સરસ લેખ……..આભિનન્દન

 12. ઍક્દમ અફલાતુન વિચારો છે. શ્રિ ચિદ્મ્બરન ને શિખવો દેશ ઘનો જ આગળ આવશે.
  શેખચલ્લેી નો જય હો.

 13. kamlesh says:

  પૈસા બચાવવા નો ઉત્મ ઉપાય એ ચે કે મફત મા રિડ ગુજરાતિ. કોમ વાચો.

 14. Kaushal M says:

  …શબ્દઑ બચવ્યા

 15. anilkumar says:

  ખુબ જ મજ્જા આવિ..ખરેખર આપનિ કલ્પનાઓ બહુજ સુન્દર …મજ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જા આવિ ગઐ

 16. મને ખાતરી થઈ ગઈ કે તમે અમ્દાવાદી જ છો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.