- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ચાલો, સંબંધોને અજવાળીએ…. – નીલમ દોશી

[ ‘સ્ત્રી’ સામાયિકમાં પ્રકાશિત થયેલી આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે નીલમબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

‘કોઇ મને ચાહે ને સમજે,
માણસનો એક જ અભિલાષ,
માણસમાં માધવનો વાસ.’

….અને આ અભિલાષ જ માનવીને અનેક નવા પરિચયો તરફ આકર્ષે છે. પરિચયમાંથી સંબંધો જન્મે છે. કયારેક એ જીવનભર જળવાતા રહે છે. તો કયારેક પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડતા હોય છે. કયારે, કોની સાથે લાગણીના તાણાવાણા જોડાઇ જાય એ કહી શકવું આસાન નથી. કયારેક વરસોના પરિચય પછી પણ એક આત્મીયતા પાંગરી શકતી નથી, તો કયારેક એક નાનકડી મુલાકાત પણ જીવનભરના સંબંધોથી જોડાઇ જાય છે. ઘણીવાર કોઇ પ્રવાસમાં કે ટ્રેનમાં થયેલ ક્ષણિક મુલાકાત પણ બે કુટુંબોને હંમેશ માટે જોડી રાખે છે. એવો અનુભવ ઘણાંને થાય જ છે ને ? બની શકે આપને પણ એવો કોઇ અનુભવ કે એવો કોઇ સંબંધ મળ્યો જ હોય.

જીવનમાં પરિચય તો બિલાડીના ટોપની જેમ ગમે ત્યાં થતા રહે છે. પરંતુ એ પરિચયનું સંબંધમાં રૂપાંતર કંઇ એમ જ આસાનીથી નથી થઇ શકતું. એ માટે બંને પક્ષે પ્રયત્નોની જરૂર પડે છે. બંને વ્યક્તિની ઇચ્છા વિના સંબંધોમાં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. બંનેની માનસિકતા ઘડાય, એક થાય, વિચારો મળે ત્યારે પરિચયની દુનિયા વિકસે અને સંબંધોની દુનિયામાં એક પગલું આગળ વધાય.

શૈલી, નમિતા અને શુચિ – ત્રણેનો પરિચય આ જ રીતે એક પ્રવાસ વખતે ટ્રેનમાં થયો હતો. પ્રવાસ પૂરો થયો અને છૂટા પડયા ત્યારે ત્રણેયે એકબીજાના સરનામાઓની,ફોન નંબરની આપ–લે કરી હતી અને એકબીજાના સંપર્કમાં રહેવાનું નક્કી કરેલ. થોડો સમય એ બધું જળવાયું પણ ખરું. હોંશે હોંશે ફોનમાં વાતો થતી રહી પરંતુ પછી શુચિ સંબંધો પ્રત્યે થોડી બેદરકાર હતી તેથી તે જાળવી શકી નહીં; જયારે શૈલી અને નમિતા વચ્ચે સંબંધ જળવાઇ રહ્યો. કેમકે બંને પક્ષ સભાન હતા. સંબંધો જાળવી રાખવા આતુર હતા. અને તેથી સમય કાઢી એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો. પ્રસંગોપાત મળતા રહ્યા અને આજે ખાસ મિત્રો બની ગયા છે. એકબીજાના સુખ, દુ:ખના સાથીદાર બની શકયા છે.

સંબંધો જાળવવા સમયનો ભોગ આપવો પડે છે. એક સાવ સામાન્ય, સાદી સીધી વાત છે. કોઇ માટે તમને જો સમય ન હોય તો કોઇને તમારે મારે સમય શા માટે હોય ? આજે દરેક વ્યક્તિ બીઝી છે જ. ફાલતુ સમય કોની પાસે છે ? પરંતુ અમુક સંબંધો થોડો સમય આપીને પણ જાળવવા જેવા હોય છે; નિભાવવા જેવા હોય છે, જે તમારા જીવનમાં ઉત્સાહનું સિંચન કરે છે. જીવનમાં પોતાનું આગવું એકાંત જાળવી રાખવા જેવું હોય છે પરંતુ એકલતા ટાળવા જેવી હોય છે. એકાંત તમને સમૃદ્ધ બનાવે છે. એકલતા તમને નિરાશા સિવાય કશું આપી શકે નહીં. નિરાશા જીવનમાંથી તમારો રસ ઓછો કરે છે. વળી તેમાંથી માનસિક તણાવ-ડીપ્રેશનની પરિસ્થિતિ સર્જાય છે. એ ફકત તમારા એક માટે જ નહીં, તમારા આખા કુટુંબ માટે સમસ્યાઓ સર્જે છે અને ઘણી વાર કુટુંબની શાંતિ જોખમાય છે. આપણી આસપાસ આવા અનેક ઉદાહરણોની ખોટ નથી.

માનસી અને તેનો પતિ અનિકેત બંનેને પહેલેથી બધા સાથે હળવા મળવાની ઓછી આદત. ‘અમને એવું બધું ફાવે કે ગમે નહીં.’ એ બધામાં કેટલો બધો સમય બગડે એવું માનતા હતા અને હકીકતે એવું કોઇ ખાસ કામ કરતા નહોતા જેથી તેમનો સમય બગડવાની ચિંતા ઊભી થાય. બાળકો હતા ત્યાં સુધી તો ખાસ વાંધો આવ્યો નહીં પરંતુ સમય જતાં બાળકો મોટા થયા, તેમની આગવી એક અલગ દુનિયા ઊભી થઇ. દીકરીનાં લગ્ન થયા અને દીકરો ભણવા માટે પરદેશ ગયો. હવે ? મિત્રો કોઇ બનાવી શકયા નહોતા. એકલતા કોરી ખાવા લાગી. કોઇ પણ તહેવાર આવે ત્યારે એકલા પડી ગયાની લાગણી જન્મે. તહેવાર એકલા ઉજવવા ગમે નહીં તે માનવસહજ સ્વાભાવિકવૃત્તિ છે. તેથી નિરાશ થઇ ને બેસી રહે. એવો કોઇ ખાસ શોખ પણ કેળવ્યો નહોતો. વાંચી વાંચી ને માણસ કેટલું વાંચે ? તેને કોઈ વાત કરનાર કે સાંભળનારની ઝંખના રહે જ છે. અને તે માટે મિત્રો કેટલા જરૂરી છે તે હવે તેમને સમજાયું…પણ….. અંતે માનસી ડીપ્રેશનનો ભોગ થઇ પડી.

જયારે બાજુમાં જ રહેતા શિવાની અને અવિનાશ પણ તેમના જેવડી જ ઉંમરના હતા. તેઓ પણ એકલા જ હતા પરંતુ તેમણે બે મિત્રો સાથે ખૂબ સારા, ઉષ્માપૂર્ણ સંબંધો જાળવ્યા હતા. ત્રણે મિત્રો વચ્ચે ખૂબ આત્મીયતા હતી. સંબંધો સરસ રીતે મહોર્યા હતા. તેથી કોઇ પણ તહેવાર આવે ત્યારે ત્રણ યુગલો સાથે જ હોય અને આનંદથી દરેક તહેવાર સાથે ઉજવે. દર રવિવારે ત્રણે ફેમીલી સાથે કયાંક પિકનીકનો પ્રોગ્રામ બનાવે. આખો દિવસ સાથે મજા કરે અને પાછા અઠવાડિયા માટે રિચાર્જ થઇ જાય. તેમને એકલતાનો પ્રશ્ન કયારેય સતાવતો નથી. કેમકે સંબંધોની માવજત તેમણે કરી છે. સંબંધોને ઉછેર્યા છે અને હવે સંબંધોના મીઠા વૃક્ષ પરના ફળો નો સ્વાદ માણી જીવનસભર બનાવે છે. સાંપ્રત સમયમાં આ સમસ્યા મોટે ભાગે દરેક ઘરમાં ઓછે વત્તે અંશે જોવા મળતી રહે છે. કેમકે પચાસની આસપાસની ઉંમરે બાળકો મોટા થઇ ગયા હોય છે. તેમની પોતાની દુનિયામાં વ્યસ્ત થઇ ગયા હોય છે. તેમની પાસે ઇચ્છા હોય તો પણ માતા પિતા માટે પૂરતો સમય નથી હોતો. આધુનિક સમયનું આ સત્ય કડવું લાગે તો પણ સ્વીકારવું જ રહ્યું અને ત્યારે ફરિયાદ કરતા રહેવાનો કોઇ અર્થ ખરો ? ફરિયાદથી સંબંધોમાં મધુરતાને બદલે હંમેશા કડવાશ જ જન્મે છે. તેને બદલે જો બે, ચાર મીઠા સંબંધો જાળવ્યા હોય તો ? એ માટે થોડા સભાન રહીને મિત્રો બનાવ્યા હોય તો ફુરસદની ક્ષણો તેમની સાથે ગાળીને જીવન રસમય જરૂર બનાવી શકાય… દરેક સંબંધોને ઉછેરવા પડે છે. તેની માવજત કરવી પડે છે. થોડો સ્વાર્થ ઓછો કરવો કે જતો કરવો પડે છે. પૈસા, સમય કે શક્તિનો થોડો ભોગ આપવાની તૈયારી ન હોય તો સંબંધો કયારેય પાંગરી ન શકે.

ફકત મિત્રો જ નહીં, ઘરમાં પણ સંબંધો જાળવવાની કલાની ખૂબ અગત્ય છે. તે સ્વીકારવું જ રહ્યું. આજે સમય બદલાયો છે. જીવનના મૂલ્યો બદલાયા છે. અપેક્ષાઓ વધી છે. મહત્વાકાંક્ષાઓ આભને આંબતી રહે છે ત્યારે સંબંધો અંગે પણ સભાન થઇ નવી દ્રષ્ટિએ વિચારવાનો સમય આવી ગયો છે તેવું નથી લાગતું ? પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબની પ્રથાને લીધે આવા પ્રશ્નો ખાસ ઉપસ્થિત થતા નહીં પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે, સંજોગો બદલાયા છે ત્યારે આ પ્રશ્ન વિચારવો જ રહ્યો. આજે ઇન્ટરનેટના આ યુગમાં ભૌતિક અંતર જરૂર ઘટયું છે પરંતુ આજે દરેકને હૂંફની ખામી વર્તાય છે. ‘હાય’ અને ‘બાય’ વચ્ચે સંબંધો લટકતા રહે છે.

માતા અને પુત્રી વચ્ચે સ્વાભાવિક રીતે સ્નેહનું નિર્વ્યાજ ઝરણું વહેતું હોય છે. છતાં ….છતાં અનેક મા દીકરી વચ્ચે પણ સમસ્યાઓ સર્જાતી રહે છે. એક ઉદાહરણ જોઇએ તો….. અનિતા અને તેની ટીનએજની પુત્રી શૈલી. મા દીકરી વચ્ચે હંમેશા તણખા ઝર્યા કરતા. જયારે જુઓ ત્યારે બંને વચ્ચે એક તણાવ હોય જ. માતા પુત્રી વચ્ચે સ્વાભાવિક રીતે સ્નેહ હોવા છતાં બંનેને એક્બીજા સામેની ફરિયાદોનો પાર નહોતો. જયારે જુઓ ત્યારે મા દીકરી એકબીજા પર ગુસ્સે થતાં જ દેખાય. શૈલીને થતું : ‘મમ્મી દરેક વાતમાં કચકચ કર્યા કરે છે. આમ ન કરાય અને તેમ ન કરાય અને પોતાની જૂનવાણી માન્યતાઓ મુજબ મને ઓર્ડર કર્યા કરે છે. મને સમજતી જ નથી ! મારી બહેનપણીઓની મમ્મી કેટલી સારી છે ! કયાંય આવવા જવાની ના નહીં અને મારી મમ્મી તો…! અને તેમાંયે જો છોકરાઓ સાથે વાત કરતી જોઇ જાય તો તો…જાણે કેમ કોઇ છોકરો મને ખાઇ જવાનો ન હોય ! અને આવું ન પહેરાય…આ ફેશન સારી નહીં….વગેરે…તેના ગાણાં તો ચાલુ જ હોય. આ મમ્મી કયા જમાનામાં જીવે છે ? તે કંઇ અભણ થોડી છે ?’

શૈલી ગુસ્સાથી ધમધમતી રહેતી. મમ્મી પરાણે હાથમાં ચોપડી લઇને બેસાડી શકે પણ વંચાવી થોડી શકવાની હતી ? ગુસ્સાથી તપતા મગજે શૈલીને પોતાને પોતે શું વાંચે છે એ યે સમજાતું નહોતું અને અનિતા વિચારતી રહેતી, ‘જમાનો બદલાયો છે એ વાત સાચી પરંતુ છોકરીની જાત થોડી બદલાણી છે ? આજેયે પહેલાના જમાનાના બધા ભયસ્થાનો મોજુદ જ છે ને ? બલ્કે આજે તો એ ઘટવાને બદલે વધ્યા છે. આ ટીવી એ તો દાટ વાળ્યો છે. હું જે કહું છું તે તેના ભલા માટે જ કહું છું ને ? મને શું મારી દીકરી વહાલી નથી ? કડવી દવા તો મા જ પીવડાવે ને ? બીજાને શું પડી હોય ? મા દીકરી બંને કદાચ પોતાની રીતે સાચા હતા. છતાં સંબંધો વણસવાની શરૂઆત થઇ ચૂકી હતી. નાદાન પુત્રીનો અસંતોષ તેને કયારેક કોઇ ખોટી દિશાએ લઇ જાય તે પહેલાં આગળ કહ્યું હતું તેમ સંબંધોને અહીં પણ માંજવા જ રહ્યા. દ્રષ્ટિ બદલીને નિરીક્ષણ કરવું જ રહ્યું. મા પુત્રીના ભલા માટે જ વિચારે છે એ વાત સો ટકા સાચી પણ..પુત્રીને એ વાતનો એહસાસ થાય તે રીતે વાતની રજૂઆત શાંતિથી કોઇ ઉશ્કેરાટ વિના, ધીરજથી તે કરી શકી છે ખરી ? એ ઉંમરે પોતાના તન મનમાં પણ કેવા આવેગો કેવા સંવેદનો ઉઠતા તે યાદ રાખી શકી છે ખરી ? અને આજે તો સમયના પરિવર્તનને લીધે એ આવેગો સ્વાભાવિક રીતે જ વધુ તીવ્ર બન્યા છે. ટીવીની કે વાતાવરણની અસરથી એ મુકત કેવી રીતે રહી શકે ? આ સમયે એક મા એ પુત્રીનો વિશ્વાસ સંપાદન કરવાનું ભગીરથ કાર્ય સૌ પ્રથમ કરવું રહ્યું. તો જ બીજું બધું થઇ શકે. બાકી સ્પ્રિંગને જેટલી દબાવશો તેટલી વધુ ઉછળવાની – વિજ્ઞાનનો એ સિધ્ધાંત અહીં પણ સાચો જ છે.

પુત્રી નાદાન છે પણ પોતે તો અનુભવે ઘડાયેલી છે ને ? એટલે અહીં માતાની જવાબદારી વધુ બની રહે છે. માતા કુશળતાથી દીકરીના મનનું સુકાન સંભાળી તેને જાણ સુદ્ધાં ન થાય તે રીતે તેના જીવનની દિશા બદલી શકે. તેને બીજી કોઇ તેની મનગમતી પ્રવૃતિમાં વાળવી સ્નેહાળ મા માટે અઘરી વાત નથી જ. હા, એ કાર્ય પૂરી સતર્કતાથી થવું જોઇએ. પુત્રીને એવો કોઇ અણસાર આવવા દીધા સિવાય મા જરૂર તેની દિશા બદલી શકે. જો મા દીકરી વચ્ચે પણ આટલું ધ્યાન રાખવાની જરૂરિયાત આજે હોય તો બીજા સંબંધો માટે તો એનાથી અનેકગણી જરૂરિયાત હોય એ સ્વાભાવિક જ છે ને ?

તો સંબંધોની માવજત કરતા શીખીશું ને ? જીવનને લીલુછમ્મ બનાવવું હોય તો સંબંધોનું સૌન્દર્ય જાળવતા શીખવું જ રહ્યું. તમે આ વાંચો છો એ પણ સંબંધો માટેની તમારી જાગૃતિ દર્શાવે છે અને જાગૃતિ એ કોઇ પણ કાર્યની સફળતાની પ્રથમ આવશ્યક શરત છે.