જીવ્યાં ત્યાં સુધી – ગિરીશ ગણાત્રા

[‘તન રે ગોકુળિયું, મન રે ગોકુળિયું’ માંથી સાભાર.]

tan gokuliyuબપોરે બે વાગે ઑફિસ કેન્ટિનમાં ઈશ્વરભાઈ ચા પીવા જતા હતા ત્યાં એને માટે ફોન આવ્યો –
‘…હું એડવોકેટ હરીશ સોની બોલું છું. તમે પરમદિવસે સાંજે છથી આઠની વચ્ચે મારી ઑફિસે આવી જશો ? મારું સરનામું છે…’ કહી એડવોકેટે ઈશ્વરભાઈને પોતાનું સરનામું લખાવ્યું.
‘પણ શાને માટે ? હું…હું… આપને ઓળખતો પણ નથી !’
‘કંઈ વાંધો નહિ. હું મગનભાઈ સોનીનો પુત્ર છું. મારા ફાધરને તમે કદાચ ઓળખતા હશો જ.’
‘હા… હા… યાદ આવ્યું. મગનભાઈ વકીલ ને ?’
‘બરાબર…’
‘મગનભાઈ અમારા ગામના જ છે’ ઈશ્વરભાઈએ કહ્યું, ‘તમે એના સન થાઓ ને ?’
‘યસ, યસ…’
‘પણ સાહેબ…’ ઈશ્વરભાઈએ જરા બીતાં બીતાં કહ્યું, ‘મારે કદી કોઈ વકીલનું કામ પડ્યું નથી… ને… ને… મારી સામે કદી કોઈએ કેસ….’
‘ઈશ્વરભાઈ, એવું થોડું છે કે કેસ-ફરિયાદ થઈ હોય તો જ વકીલને મળવાનું થાય ? આ તમારા દાદીમા-જમનાબહેન અંગે કંઈ વાત કરવાની છે એટલે… એક કામ કરો. પરમદિવસે રૂબરૂ મળીએ ત્યારે જ વાત કરીશું. ઓ-કે ?’ કહી, ઈશ્વરભાઈના પ્રત્યુત્તરની રાહ જોયા વિના હરીશભાઈએ ફોન મૂકી દીધો.

ઈશ્વરભાઈ વિચારમાં પડી ગયા કે દાદીમા વિશે વળી શી વાત હશે ? અને એય એને ગુજરી ગયાને આજે છ વર્ષ થઈ ગયાં પછીયે ? પછી મનોમન વિચારમાં પડી ગયા કે માળું, આ વકીલને વળી મારું શું કામ પડ્યું હશે ? હા, કદાચ એ હોઈ શકે કે એક જ ગામના છીએ ને ગામમાં કંઈ કૂવો-હવાડો કે નિશાળ ઊભી કરવી હશે એટલે દાદીમાના નામે કદાચ કંઈ ફાળો-બાળો નોંધાવવાની વાત હોય….. આ વિચારથી ઈશ્વરભાઈ જરા ગભરાયા.

પોતે રેલ્વેની ઓફિસમાં બાવીસ વરસથી કામ કરે છે. સીનીયર કલાર્કથી આગળ વધી શક્યા નથી. ખટપટો, કાવાદાવા, માખણ-મસ્કા ને સિફારસ એને આવડતાં નથી એટલે તો એ ઊંચી પાયરીએ ચડી શક્યા નથી. પણ એમાં એ શું કરે ? એના લોહીમાં જ એ નહિ. એ ભલા ને એનું કામ ભલું. દાદીમા જીવતાં હતાં ત્યારે ઘણી વખત કહેતાં ખરાં કે ઈશ્વરીયા, આમ ઑફિસેથી ઘેર આવી ઓટલે બેઠો રહે કે ઘરમાં નવરો નવરો આંટા માર્યે રાખે છે, એના કરતાં કંઈક કામ કરતો હોય તો ? પેલો ભનકો કાપડના ટુકડાઓનો ધંધો કરે છે ને ! મનુ કોઈનું નામુ લખે છે ને પેલા મરાઠીની ઘડિયાળ રીપેરની દુકાન કેવી ધમધોકાર ચાલે છે ? આ બધાય તારી જેમ રેલવેમાં જ કામ કરે છે. પગાર ટૂંકો પડતો હોય ત્યારે બધાય બીજા ધંધા કરતાં થઈ જાય છે. આ સાત જણાનું માત્ર એક જ પગારમાંથી કેમ પૂરું થાય ?

પણ, આ જ તો હતી એની નબળાઈ. ઘરની બહાર જઈ કોઈ ધંધો કરવામાં કે કોઈનું કામ કરવામાં એને શરમ આડી આવતી, કે પછી…. કે પછી…. એને એવી કોઈ પ્રકારની આવડત નહોતી ? પોતે, પત્ની, ચાર સંતાનો ને દાદીમા – એમ સાત જણાનાં પેટ ભરવાની જવાબદારી એને શિરે હતી. મા નાનપણથી જ મરી ગયેલી એટલે દાદીમા પાસે જ ઉછરેલો. મરતી વખતે બાપા પણ કંઈ મિલકત મૂકી ગયેલા નહિ. ઊલટાનું ગામમાં જૂનું ઘર હતું તે બહેનોને પરણાવવામાં વેચાઈ ગયેલું. પ્રોવિડન્ટ ફંડની રકમ એને પરણાવવામાં વપરાઈ ગઈ. સંસાર વધતો ચાલ્યો. ખર્ચાઓ થવા લાગ્યા. સોંઘવારીમાં બધીયે બચત તણાઈ ગઈ. રહ્યું આ જૂના ભાડાનું મકાન. એની દીવાલો હવે રંગાવા જેવી થઈ ગઈ છે, ચારેબાજુ પડેલા ગાબડાંઓ પુરાવવાં છે, ઈલેક્ટ્રિકના વાયરો ખવાઈ ગયા છે, મોટો છોકરો કૉલેજમાં ભણે છે, હજુ એ ભણી લે, કમાતો થાય, એનેય ત્રણ-ચાર વરસ સહેજે નીકળી જશે….
ઈશ્વરભાઈ બધું વિચારવા લાગ્યા.
એને ને દાદીમાને ઘરમાં આ બાબતે વારંવાર ઝઘડો થતો. દાદીમાં કંટાળીને કહેતાં : ‘અલ્યા, કાંઈ ન થાય તો ઘરમાં વહુને મદદ તો કરાવ. કપડાં ધોવરાવ, ઝાડુ કાઢ, પાણી ભર, વાસણ મંજાવ. બિચારી તમારા સૌની સેવાચાકરી કરી કરીને પાંચ-પાંચ સુવાવડો વેઠીને હવે લાશ જેવી થઈ ગઈ છે. મારીયે, બળ્યું, ઉંમર થઈ એટલે હવે કામને નથી પહોંચતું….. દાદીમાની વાત સાચી હતી. પણ મા-બાપનો એ એકમાત્ર પુત્ર હોવાને નાતે એને ખૂબ લાડમાં ઉછરેલો એટલે હવે એને….

ક્યારેક એને દાદીમા ઘરમાં ભારે પડતાં હોય એમ લાગ્યું હતું. પણ હવે તે વિચારવા લાગ્યા કે એ ખરેખર ભારે પડ્યાં હતાં ખરાં ? એ તો માત્ર બે ટાઈમ ખાતાં, બે ટાઈમ ચા પીતાં. ઘરમાં છોકરાઓને સાચવતાં અને પત્નીની માંદગી વખતે એ ઘર સંભાળી લેતાં. એમને કોઈ આદત નહોતી. દાદાજીનું જે પેન્શન મળતું એ ઘરમાં છોકરાઓને કશુંક લઈ દેવામાં કે એમને રાજી રાખવામાં વાપરતાં, ને પેન્શન પણ ક્યાં મોટું હતું ? માત્ર ચોપન રૂપિયા ને એકવીસ પૈસા ! એ પૈસામાંથી એ છોકરાંઓનાં મન રાજી રાખતા. એમાંયે સિત્તેરમે વર્ષે દાદીમનો પગ લપસ્યો ને પથારીવશ થયાં પછી દવાદારૂમાં જે થોડો ઘણો ખર્ચો થયો એય ક્યાં એને ભોગવવા દીધો હતો ? એની પાસે રાણીછાપના નક્કર ચાંદીના જે થોડા સિક્કાઓ સંઘરાયેલા હતા તે નહોતા વેચી નાખ્યા ? સાજાં થયાં પછી તો એણે બપોરની ચાયે છોડી દીધી હતી. એ પંચ્યાસી વરસની ઉંમરના થયા ત્યારે સાંજનું જમવાનું છોડી દીધું હતું. એ મરણ પામ્યાં તેના સત્તર દિવસ પહેલાં, જૂની પતરાની પેટીમાંથી સોનાની એક નાનકડી માળા હતી તે કાઢી આપી એને કહ્યું હતું કે, ‘ઈશ્વરીયા, આ હવે રાખ. મારે કંઈ કામની નથી. મારા મરણ પછી તને જે થોડો ઘણો ખર્ચ થશે એને માટે આ કામ લાગશે…..’ અને સાચ્ચે જ, દાદીમા મરણ પામ્યા પછી એણે આ માળા વેચી નહોતી નાખી ? કારણ કે એવા કશા ખોટા ખર્ચા કરવાની દાદીમાએ ના પાડી એટલે….. એટલે… ઘરખરચમાં જ એ પૈસા વપરાઈ ગયા હતા.

– અને હવે જ્યારે માથે અઢી-ત્રણ હજાર રૂપિયાનું દેવું છે, મકાનમાલિક જીવ ખાય છે કે કાં ઘર ખાલી કરો, નહિતર વેચાતું લઈ લો ત્યારે આ સોની વકીલનો દીકરો જો દાદીમા પાછળ કંઈ ફાળો નોંધાવવાનું કહે તો એ લાવે ક્યાંથી ? જૂના, મોટા ઘર માટે મકાનમાલિકે માત્ર પંદર હજાર રૂપિયાની કિંમત આંકી છે પણ પંદર હજાર તો શું પંદર રૂપિયાયે આપવાની એની તાકાત નથી ત્યાં…

એ પોતાના ટેબલ પર બેઠા બેઠા વિચારતા હતા ત્યાં, કોઈકે એને અર્ધો કપ ચા મોકલાવી ત્યારે ભાન થયું કે વકીલનો ફોન આવ્યો પછી એ કેન્ટિનમાં ચા પીવાયે જઈ શક્યા નહોતા. અર્ધો કપ ચા પીધા પછી એણે એક વાતનો નિર્ણય તો કરી લીધો કે પરમદિવસે પેલા વકીલને ત્યાં જવું તો નથી જ. આવ પાણા, પગ પર વાગ એવું કરવું જ શા માટે ? પણ એ દિવસે ઑફિસમાં વકીલસાહેબનો ફરી ફોન આવ્યો..
‘ઈશ્વરભાઈ, તમને મેં કહ્યું હતું ને આજે સાંજે છથી આઠની વચ્ચે મળી જજો. પણ મારે એક કામ આવી પડ્યું છે. સાંજે સાડા-છ વાગ્યે એક જણને ત્યાં મળવા જવું પડે એમ છે. એટલે, બને તો પાંચ-સાડા પાંચે આવી જશો ?’
‘પણ સાહેબ, કામ શું છે, એ જરા….’
‘એ બધું રૂબરૂમાં, તમે આવો તો ખરા !… સાંજે પાંચેક વાગે તમારી રાહ જોઈશ…..’ વકીલ સાહેબે ફોન મૂકી દીધો. ઈશ્વરભાઈ વિચારમાં પડી ગયા. જવું કે ન જવું ? જઈએ તો ફસાઈએ, ને ન જઈએ તો કહેશે કે એક જ ગામના થઈને…. તમને તો ઠીક, પણ તમારા બાપુજીને ને મારા બાપુજીને કેવા ઘર જેવા સંબંધ હતા, તોય એ સંબંધ-દાવે ન આવ્યા ને ?…… આખરે એણે નક્કી કરી લીધું. જો ફાળો-બાળો માગે તો ચોખ્ખુંચટ્ટ કહી દેવું. ‘સાહેબ, આ મોંઘવારીમાં, એક પગારમાં, હવે કંઈ જ આપી શકાય એવું રહ્યું નથી…..’

સાંજે સવા પાંચે એ વકીલ સાહેબની ઓફિસમાં પહોંચી ગયા. એ મગનભાઈ વકીલને ઓળખતા પણ પછી ક્યારેય એના આ પુત્ર હરીશભાઈને મળવાનું નહોતું બન્યું. એ લગભગ એની જ ઉંમરના હતા. કદાચ બે-ત્રણ વરસ નાના પણ હોય.
‘આવો, આવો, ઈશ્વરભાઈ.’
ઈશ્વરભાઈએ એની ઓળખાણ આપી કે તુરત જ હરીશભાઈએ એની ખુરશી પરથી ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યા.
‘બેસો. બોલો શું લેશો ? આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ કે પછી…. મીઠી લસ્સી ?’
ઈશ્વરભાઈને થયું, નક્કી, બોકડાને હલાલ કરતાં પહેલાં એને શણગારવામાં આવે એમ આ વકીલ એની મીઠ્ઠી જબાનમાં આગતાસ્વાગતા કરી એને તૈયાર કરી રહ્યો છે !
‘ના રે ના. એવું કશું જ નહિ. ઑફિસેથી ચા પીને જ નીકળ્યો છું….’
‘એમ ! તો એક કામ કરીએ. ગરમી બહુ છે તો આપણે ક્રીમવાળી લસ્સી જ મંગાવીએ. આમેય હવે તમે ક્યાં અમારી જોડે સંબંધ રાખો છો એક ગામના થઈનેય ? આજે આપણે પહેલી વખત મળીએ છીએ…..’
મીઠી લસ્સી આવી. બન્નેએ ઔપચારિક વાતો કરતાં કરતાં એ પીધી. પછી હરીશભાઈએ કહ્યું :
‘જુઓ, તમને એક વાત કહેવાની છે. તૈયાર છો ને !’
ઈશ્વરભાઈ મનોમન બોલ્યા – તૈયાર છું બેટમજી. ગજવામાં માત્ર સવા બે રૂપિયા જ છે. બસ ભાડાનો રૂપિયો રાખી, તને સવા રૂપિયો આપવા તૈયાર છું. બોલ, જલદી બોલ. જલદી ભસી મર…..

‘…..લગભગ વીસેક વર્ષ પહેલાં જમનાબહેન, એટલે કે તમારાં દાદીમા મારા બાપુજીને પાંચ હજાર રૂપિયા આપી એક ટ્રસ્ટ બનાવવાનું કહી ગયાં હતાં. મારા બાપુજીને એના એકઝીક્યુટીવ ટ્રસ્ટી નીમ્યા હતા. એ પૈસા જ્યાં ઈચ્છા પડે ત્યાં રોકવા કે એનો વહીવટ કરવાની સત્તા મારા બાપુજીને આપી હતી. પચ્ચીસ વર્ષ સુધીની આ ટ્રસ્ટની અવધિ હતી. મારા બાપુજીએ એમાંથી સારી સારી કંપનીઓના શેરો લીધા, વેચ્યા. એ રકમમાંથી વળી બીજી કંપનીના શેરો લીધા. આમ, ટ્રસ્ટના લાભ માટે જેટલું થઈ શક્યું એટલું બાપુજીએ કર્યું છે. હવે ટ્રસ્ટની મુદત પૂરી થઈ છે. આ ફાઈલમાં એનો બધો હિસાબ છે. જેટલા શેરો છે, તેની તમામ વિગતો આ ફાઈલમાં આપી છે. તમામ શેરોના હાલના બજાર ભાવ પણ આપ્યાં છે. જો એ અત્યારે વેચો તો તમને લગભગ રૂપિયા એક લાખ આઠ હજાર રૂપિયા જેટલું મળે….’ ઈશ્વરભાઈ હરીશભાઈની સામે જોઈ રહ્યા.

‘….ટ્રસ્ટની મુદત પૂરી થયે તમને, અથવા તમારી પત્નીને અથવા તમારાં સંતાનને-એ ક્રમે પૈસા મળે. તમે હયાત છો એટલે હવે અમારી ફરજ છે કે ટ્રસ્ટની શરત મુજબ અમારે તમને આ બધું સોંપી દેવું….’ એ પછી હરીશભાઈએ લંબાણપૂર્વક તમામ હિસાબોની જે સમજણ આપી તે વખતે તો માત્ર ‘હા, હા’ ડોકું ઘુણાવતા ગયા. એ વખતે એમનું તમામ ધ્યાન દાદીમામાં જ કેન્દ્રિત હતું. જીવ્યાં ત્યારેય એ ભારે ન પડ્યાં, મર્યાં ત્યારેય નહિ ને હવે…..’

ઈશ્વરભાઈની આંખમાં આંસુઓની હારમાળા ચાલતી હતી. પ્રતિ પળે દાદીમા એના સ્મરણપટ પર ઝળકતા રહેતા હતા.

[કુલ પાન : 239. કિંમત : રૂ. 110. પ્રાપ્તિ સ્થાન : સુમન બુક સેન્ટર. 88, પ્રિન્સેસ સ્ટ્રીટ, આનંદ ભવન, મુંબઈ-400 002. ફોન : +91 22 2056305.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો, સંબંધોને અજવાળીએ…. – નીલમ દોશી
કેસૂડાંનાં ફૂલ – પીતાંબર પટેલ Next »   

11 પ્રતિભાવો : જીવ્યાં ત્યાં સુધી – ગિરીશ ગણાત્રા

 1. Bhavesh says:

  Never consider ur parent as well as ur grand parent burden.They have always wished for good for us.And even one day we will be in their position also.And when we will be considered burden by our children and grandchildren then we will come to know how it feels.You should not forget that they have given life.respect them.that’s ur duty.

 2. jignesh says:

  ઘરડા ઘર વાળે એ આનું નામ…..

  કોઈ કોઈને ભારી નથી પડતુ, બધા પોત પોતાનું ઊપરથી લખાવીને જ આવ્યા છે….કોણ કોનું ખાય છે કોને ખબર છે??
  સારૂ લેખન………..

 3. ભાવના શુક્લા says:

  આવા ઇશ્વરભાઈ દયાને પાત્ર છે કે “દાદીમા” ની વિશાળતા અને સમજનની કદર તેમના મૃત્યુ પછી પણ સમજાઈ ન હતી.

 4. SURESH TRIVEDI says:

  Has Ishvarbhai done anything for his children kile his grandmother did?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.