કેસૂડાંનાં ફૂલ – પીતાંબર પટેલ

vartavaibhav[‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ ભાગ-4’ (પ્રકાશન વર્ષ : ઈ.સ. 1989) માંથી સાભાર.]

ઓફિસે જતાં મેં શ્રીમતીજીને કહ્યું, ‘આજે એક મિત્રની દીકરી પરણે છે એટલે સાંજના જરા મોડો આવીશ.’ અને હાથમાં મારાં લખેલાં બે પુસ્તકો ભેટ આપવા પણ લીધાં.

ઑફિસમાં જે તે માગી પુસ્તકો ઝાંખા ન કરે તે માટે મેં બંડલમાં બાંધી તેના પર ‘ચિ. વત્સલાને લગ્ન નિમિત્તે ભેટ’ લખી બાજુમાં મારું નામ પણ લખ્યું. પણ કમનસીબે એ બંડલ હું લોકલ ગાડીમાં જ ભૂલી ગયો – રોજની આદત પ્રમાણે ચામડાની બેગમાંથી માસિક કાઢી વાંચવા લાગ્યો. સ્ટેશન આવ્યું એટલે બેગ હાથમાં લઈ ઊતરી ગયો. છેક ઑફિસે ગયો ત્યારે ખબર પડી કે હું લગ્ન ભેટ તો ભૂલીને આવ્યો છું. મારા આ ભૂલકણા સ્વભાવ પર ઘણીય ચીડ ચડી પણ શું થાય ! ખોવાયેલી ચીજ અને તેમાંય પુસ્તકો ઓછાં પાછાં મળે છે ?

ઑફિસેથી હું સીધો એ લગ્ન સમારંભમાં તો ગયો પણ મજા ન આવી. એમ તો યથાયોગ્ય ચાંલ્લો પણ કર્યો. ઘણા પરિચિત અને અતિપરિચિત એવા મિત્રોને મળ્યો. એકને બદલે બે આઈસ્ક્રીમ પ્લેટ ચડાવી ગયા છતાં અંદરથી કંઈક ગુમાવ્યાની ચણચણાટી ઓછી ન થઈ. મનની આસક્તિ પણ કેવી છે ! આમ જોવા જઈએ તો કંઈ ગુમાવ્યું ન હતું છતાં ઘણું બધું કંઈક પ્રિય ચીજ ગુમાવી હોય તેમ થયા કરતું હતું –

ને બે દિવસ પછી તો એ ભૂલી પણ ગયો. પૂરા એક અઠવાડિયા પછી પાછી એની યાદ તાજી થઈ. મારા પ્રકાશકે પત્રની અંદર પત્ર બીડીને મોકલ્યો હતો. કોઈના હાથમાં એ બંડલ આવ્યું હશે તેના પર તો મારું નામ હતું એટલે પત્તો ક્યાં શોધે ? પણ હું એટલો ભાગ્યશાળી કે એ વ્યક્તિ સાહિત્યરસિક નીકળી. તેને થયું હશે કે લેખક મહાશય આ પુસ્તકો ગાડીમાં ભૂલી ગયા હશે એટલે પ્રકાશકના સરનામે મને પત્ર લખ્યો હતો. તેમાં આટલું જ લખ્યું હતું : ‘તમારાં બે પુસ્તકોનું બંડલ મને લોકલગાડીમાંથી મળ્યું છે. તમે મારે ત્યાં આવીને લઈ જશો તો મને તમને મળવાનો પણ લ્હાવો મળશે…. લિ. એ જ સરોજ…..’ અને નીચે વિગતથી સરનામું લખ્યું હતું. પોતે ક્યા સમયે મળી શકશે તે પણ જણાવ્યું હતું. આ રીતે ખોવાયેલાં પુસ્તકોનો પત્તો લાગ્યો એથી જીવ હરખાયો.

હું પણ નોકરીને લીધે રવિવાર સિવાય ભાગ્યે જ સમય કાઢી શકતો. એટલે રવિવારે સવારે એ બહેને જે સરનામું આપ્યું હતું ત્યાં શોધતો શોધતો ગયો. તે પરેલ જેવા મજૂર વિસ્તારમાં રહેતાં હતાં. આમ તો આ બાજુ મરાઠી લોક જ રહે છે, પણ આ માળામાં મોટા ભાગના ગુજરાતીઓ દેખાયા એથી તો સરોજ બહેનની ઓરડી શોધી કાઢતાં વાર ન લાગી. ઓરડી બહારથી બંધ હતી. મેં બારણું ખખડાવ્યું એટલે એક નાના છોકરાએ આવીને બારણું ખોલ્યું. અંદરથી એક જાજરમાન બહેન આવ્યાં.
‘તમે જ દિનેશભાઈ નહિ !’ અને નમસ્તે કર્યા. એટલે તેમણે કહ્યું : ‘મને થયા જ કરતું હતું કે આજે રજા છે એટલે તમે જરૂર આવશો.’ એ જ સરોજબહેન હતાં. જોતાં જ પ્રભાવ પાડે તેવું તેમનું વ્યક્તિત્વ હતું. ચહેરા પરની રૂપશ્રી પણ આંખને ભાવી જાય તેવી હતી. તેમણે બેસવા માટે ખુરશી આગળ કરી. બાજુની ખુરશીમાં બેસીને તેમણે સસ્મિત કહ્યું –
‘ત્યારે મારો પત્ર મળ્યો ખરો.’
‘પત્ર તો બે દિવસ પહેલા મળ્યો હતો પણ મુંબઈનું જીવન તો તમે જાણો છો ને’ સવારથી સાંજ સુધી દોડધામ રહે છે. અને તેમણે ઊભા થઈ પુસ્તકોના ઘોડા ઉપરથી બે પુસ્તકો લાવીને મારા હાથમાં મૂક્યાં.

‘આ તમારાં પુસ્તકો…. ‘અને સહેજ મલકાઈને તે બોલ્યાં ‘મને જડ્યાં તે એક રીતે સારું થયું, બંને નવલકથાઓ હું વાંચી ગઈ. મને વાંચવાનો ખૂબ શોખ છે. પણ હવે વખત કાઢી શકતી નથી.’ અમે આમ વાતો કરતાં હતાં ત્યાં બેબી પાણીનો પ્યાલો લઈને આવી. બે ખંડવાળી ઓરડી હતી. ઘરમાં બે છોકરાં અવરજવર કરતાં હતાં. બેબી આઠ નવ વરસની હશે અને બાબો પાંચેક વરસનો હશે. બેબી પાણી લાવી એટલે સરોજબહેને મીઠો ઠપકો આપતાં કહ્યું : ભારતીબહેન અત્યારના પ્હોરમાં ચા હોય કે પાણી.
‘ચાયે નહિ અને પાણીયે નહિ… હું ઘરેથી ચા પીને આવ્યો છું.’ મેં નમ્રતાથી કહ્યું.
‘તમારા જેવા લેખકને ચાપાણી વગર જવા દેવાય !’ અને હું ના કહું તે પહેલાં સરોજબહેન અંદરના ખંડમાં ચાલ્યાં ગયાં….. મેં ડોક ફેરવીને ઓરડી જોઈ. રાચરચીલું તો ખાસ નહોતું પણ સ્વચ્છતા અને સુઘડતા તો ઊડીને આંખે વળગે એવી હતી. ઓરડી નાની હતી પરંતુ ગોઠવણીને લીધે જ સંકડાશ નહોતી લાગતી. સામે ઘોડા પર પુસ્તકો હતાં એ પરથી પણ મને ખ્યાલ આવ્યો કે સરોજબહેનનો વાંચન શોખ તો જબરો છે. ઘરમાં બે સુંદર ચિત્રો મઢાવીને લટકાવેલાં હતાં અને એક કૃષ્ણરાધાના મિલનનું કવિતાસમું મનોહર ચિત્રવાળું કેલેન્ડર લટકતું હતું. એ સિવાય બીજી કોઈ છબી નહોતી. મારી નજર ફરતી ફરતી ખૂણામાં ગોઠવેલાં ચંપલો પર પડી. સૂકવેલાં કપડાં પર પડી. આ ઘરમાં કોઈ પુરુષ રહેતો હોય એવું એકેય ચિન્હ ન દેખાયું.

મને મારા આ ખણખોતરિયા સ્વભાવ પર હસવું આવ્યું : ‘ભલા જીવ ! તારે શીદને એવા ઊંડા પાણીમાં ઊતરવું જોઈએ. સરોજબહેન એકલી છે કે બેકલી છે, સધવા છે કે વિધવા છે એવી ખણખોતર તારે શીદને કરવી !’ ત્યાં તો મૃદુ સ્મિતથી વાતાવરણને પણ સોહામણું બનાવી દેતાં સરોજબહેન ચા અને નાસ્તો લઈને આવ્યાં. મને આ બાઈ ગજબની લાગી. જાણે હું કેટલોય પરિચિત હોઉં તેમ મીઠું હાસ્ય હસતી નાસ્તો ખાઈ જવાનો આગ્રહ કરે ! મેં રૂપાળી સ્ત્રીઓ તો ઘણી જોઈ હશે. વાર્તામાં પણ તેવી સ્ત્રીઓનાં મોહક સૌંદર્યનાં વર્ણનો લખ્યાં હશે, પણ આની તો વાત જ ન્યારી હતી ! લાવણ્યથી નીતરતો દેહ તેજપુંજમાં નાહી રહેલા પુષ્પ જેવો કમનીય લાગતો હતો. વાણીમાં વર્તનમાં એક પ્રકારની ચારુતા હતી. એના આગ્રહને અનાદર ન કરી શકાય તેવી તેની પ્રભા હતી. હસે જાણે સોહામણું ફૂલ હસતું હોય તેમ. ચા પીતાં પીતાં તો તેણે મારો સંકોચ હરી લીધો. મોં પરની પ્રસન્નતા અને વાણીની મધુરપ તેની સાથે વાત કરવા પ્રેરે તેવી હતી. સોપારી આપીને તેણે કહ્યું :
‘હું માસિકામાં આવતી તમારી વાર્તાઓ વાંચતી હતી. પણ એકે નવલકથા વાંચી ન હતી. મને તમારી વાર્તાઓ ગમી છે એટલે બીજી પણ વાંચી જઈશ.’

પ્રશંસા સાંભળવી કોને ન ગમે ! તેમાંય પ્રશંસા કરનાર કોઈ સુંદર યુવતી હોય તો….. પણ આવા પ્રસંગે મારી સ્થિતિ કોઈ મુગ્ધા જેવી થઈ જાય છે. વાર્તામાં સરસરાટ સંવાદો લખી દઉં, પણ રૂબરૂમાં તો ચૂંચવાઈ જાઉં. પણ આ ફેરે તો સંકોચ હટાવીને કહ્યું :
‘તમારાં જેવાંને મારી વાર્તાઓ ગમી એ મારું અહોભાગ્ય !’
‘પણ આ તમારી ‘સંધ્યાના રંગ’ નવલકથા વાંચીને મને એક બે વસ્તુઓ કહેવા જેવી લાગી છે.’
આ બાઈ સાહિત્યમાં આટલો ઊંડો રસ લે છે એ ખ્યાલથી હું હરખાયો. ‘તમે કંઈ ક્ષતિઓ બતાવશો તોયે મને ખૂબ આનંદ થશે.’
‘હું ઓછી વિવેચક છું કે ક્ષતિઓ બતાવી શકું પણ મને એક બે વસ્તુઓ ખૂંચે છે. તમારાં એકલામાં નથી, ઘણા લેખકોમાં મને એ દોષ દેખાય છે.’ અને મને સ્હેજ પણ માઠું ન લાગે તેની કાળજી રાખતી હોય તેમ પાછી બોલી : ‘તમારી સાથે રૂબરૂમાં આ વિશે ચર્ચા કરવાની પણ ઈચ્છા જાગી હતી. એથી જ મેં પુસ્તકો પોસ્ટથી ન મોકલતાં તમને રૂબરૂ બોલાવ્યાં હતાં.’
‘પોતાના સર્જનમાં આવો જાગૃત રસ લેનારને મળવાનું ક્યા લેખકને ન ગમે ! તમારે જે કહેવું હોય તે મુક્ત મને કહો. હું દોષદર્શન સાંભળવા પણ ટેવાયો છું.’
‘પાત્રવિધાનની કે વસ્તુસંકલનાની કે રસની એવી તો હું શું ચર્ચા કરી શકું, પણ તમે ‘સંધ્યાના રંગ’નો જે અંત મૂક્યો છે તે ન ગમ્યો. કોણ જાણે કેમ પણ મને પ્રેમ ખાતર મરી જતાં દેવદાસ જેવાં પાત્રો નથી ગમતાં. પ્રેમીઓનું મિલન લગ્નમાં ન પરિણમ્યું એટલે ઝૂરીઝૂરીને મરી જવું એ મને માંદગી, પાંડુરોગીવૃત્તિ લાગે છે, એ નરી નિર્બળતા છે. એના પર તમે લેખકો ચળકાટ ચડાવો છો તે મને નથી ગમતું. વિષની પેઠે એ કડવો ઘૂંટડો પી જઈને જે જીવનસંગ્રામ ખેલે છે, જીવી જાણે છે, એમાં વીરતા છે. એ વસ્તુ પર તમે લેખકો ભાર નથી મૂકતા ત્યારે મને અફસોસ થાય છે.’

મારા જીવનદર્શનની સમીક્ષા શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો. તેઓ આગળ બોલ્યા : ‘મને ઘણી વાર એમ થાય છે કે લેખકો સામાન્ય જીવનમાં પણ જે વીરતા છે એના પર કેમ પ્રકાશ નહીં પાડતા હોય ! પ્રેમ પર પોચા આંસુ પાડવાથી શો ફાયદો ? કોણ જાણે કેમ પણ મને લયલામજનુનો પ્રેમનો આદર્શ જીવન દષ્ટિએ બરાબર લાગતો નથી. પ્રેમમાં નિરાશા મળી એટલે માત્ર ઝૂરીઝૂરીને મરી જવું એ તો કહેવા જેવી વાત પણ નથી લાગતી. કહેવા જેવું તો એ છે કે જીવન જીવવા માટે છે. મુસીબતોનો સામનો કરીને પણ જીવનને રળિયામણું બનાવો. પ્રેમની વાતો ભલે લખો…. પણ પ્રેમનાં રોદણાં તો કદી ન લખો. એથી ફાયદો પણ શું ?’
અને મારી સામે સૂચક નજરે જોઈને કહ્યું : ‘મારી આ ટીકાથી ખોટું તો નથી લાગ્યું ને ?’
‘શા માટે ખોટું લાગે ? તમારી વાત વિચારવા જેવી છે.’
‘તમારી ‘સંધ્યાની રંગ’ની જ વાત કરીએ. તમે વાર્તા જમાવી છે તો સુંદર. મને એવો રસ પડ્યો કે પૂરી કરી ત્યારે જ છોડી. પણ તેમાં તમે સુશીલાને પ્રેમભગ્ન દશામાં માંદી પાડી ઝૂરતી ઝૂરતી મરી ગઈ એમ બતાવ્યું છે તે ન ગમ્યું.’
‘એના જેવી પ્રેમાળ સ્ત્રીનું હૃદય ભાગી ન જાય ?’
‘જરૂર ભાગી જાય. સુશીલા અને પ્રમોદ પરણવા યોગ્ય છે. બંને જણાં એકમેકને ખૂબ ચાહે છે. નથી પરણી શકતાં તેમાં પણ તેમનો દોષ નથી, પણ એટલા માટે સુશીલા મુરઝાઈ જાય, કરમાઈ જાય, માંદી પડે. તેમાંથી ટી.બી. થાય અને મરી જાય એ બરાબર નથી. હું તમને સીધો સવાલ કરું છું : શા માટે સુશીલાએ મરી જવું જોઈએ ? પ્રમોદ બીજે પરણીને જીવી શક્યો તો સુશીલા ન જીવી શકે ?’
‘પણ સુશીલા જેવી, સર્વાત્મભાવે પ્રિયતમને ચાહતી યુવતી કેવી રીતે બીજે પરણી શકે ? પ્રમોદ બીજે પરણ્યો તે પણ સુખી થવા નહિ પણ સુશીલાને સુખી કરવા.’
‘હું તેમાં પ્રમોદનો વાંક કાઢતી નથી. સુશીલાએ પરણવું જોઈએ એવો આગ્રહ પણ કરતી નથી. પણ પ્રેમભગ્ન થઈ એટલા માટે તેને મરી જવાની શી જરૂર ?’
‘એ તો સુશીલાને પૂછીએ તો ખબર પડે.’ મેં હસીને કહ્યું અને સરોજબહેન ખડખડાટ હસી પડ્યાં.
‘સરોજબહેન ?’ થોડીવાર રહીને મેં કહ્યું : ‘પ્રેમનું દર્દ પામવું મુશ્કેલ છે. ભગ્ન પ્રેમીઓની વેદના તો પ્રેમમાં પડ્યાં હોય એ જ જાણે.’
‘તમે પ્રેમમાં પડ્યા છો ?’ સરોજબહેનના આ સીધા સવાલથી હું ડઘાઈ ગયો. ‘કશાય અનુભવ વગર તમે લોકો પ્રેમનાં રોદણાં લખો છો તે મને નથી ગમતું. ક્યારેક વખત લઈને આવજો. હું તમને પ્રેમમાં નાસીપાસ થનાર કેવી રીતે જીવનસંગ્રામ ખેલી રહી છે તેની સાચી વાત કરીશ.’

હું તો એવી વાત સાંભળવા એ ઘડીએ પણ તૈયાર હતો. પણ તેમને કંઈક બીજું કામ હશે એમ માની ચૂપ રહ્યો.
‘મને લખતાં આવડતું નથી, પણ મને વાર્તાઓ વાંચતાં ઘણીવાર એમ થાય છે કે આ લેખકોને રોજિંદા જીવનમાં જે વીરતા છે તે કેમ નહીં દેખાતી હોય ? કોઈ ડોશી દળણાં દળીને છોકરાં મોટાં કરતી હોય, કોઈ વિધવા પોતાની જાત ઘસી નાખીને ઘર ચલાવતી હોય, કોઈ જણ ભાઈનાં છોકરાં મોટાં કરવા અપરિણીત રહી જીવન નિચોવી રહ્યો હોય…. આંખ ખુલ્લી રાખો તો તમને સામાન્ય જીવનમાં વીરતાના ઘણા પ્રસંગો મળશે. લખવા જેવી તો એ વાતો છે,’ અને વાત સંકેલતા હોય તેમ તેમણે વિનમ્રતાથી કહ્યું, ‘તમે ખોટું ન લગાડતા, હો. આ તો મારા અંગત વિચારો છે. ખોટા પણ હોય.’
‘વિચારો ખોટા છે એમ કહેવાની ધૃષ્ટતા તો કેમ થઈ શકે ? સાચે જ મને તમારી વાતમાં ખૂબ રસ પડે છે. તમે આ રીતે વિચારો છો એ જાણીને મને ખૂબ માન થાય છે. તમે કહો ત્યારે ફરી આવું.’
‘ગુરુવારે રજા છે. તમને અનુકૂળ હોય તો ગુરુવારે આવો.’ અને કંઈક યાદ કરીને ઉમેર્યું : ‘એમ કરોને ! જમવાનું પણ અહીં રાખજો.’
‘ના…ના… હું જમી કરીને જ આવીશ. સાંજના બે-ત્રણ કલાક નિરાંતે મળાશે.’
‘જરૂર આવજો. મને પણ તમારા જેવા લેખકની સાથે ચર્ચા કરવાની મઝા આવશે.’ અને હું એજ જાજવલ્યમાન યુવતીને અંતરથી નમસ્તે કરી બહાર નીકળ્યો. ઘેર પહોંચ્યો ત્યાં સુધી મારા મનમાં તેની દલીલો ઘૂમી રહી હતી.

મને થયું : મેં ઘણાં નાનાં મોટાં સ્ત્રીપાત્રો દોર્યાં છે. પણ આવી ડારી નાખે તેવા વ્યક્તિત્વવાળી રૂપસુંદરીનું પાત્ર હજુ મારા હાથે નથી દોરાયું. તેના જેવી છટા પ્રભાવ અને સુકુમારતા ભાગ્યે જ જોવા મળે છે. પરેલ જેવા વિસ્તારમાં ગંદી ચાલીમાં રહેતી આ સરોજબહેન છે કોણ ? વાર્તાનાં પાત્રો મનનો કબજો લે તેમ આ સરોજબહેને મારા ચિત્તનો કબજો લીધો હતો. આવી તંદુરસ્ત, સોહામણી, તેજસ્વી સ્ત્રીને મેળવનાર કેવો બડભાગી હશે ? બે બાળકોની મા થઈ હતી છતાં તેણે કેવી રૂડી રીતે જુવાની સાચવી રાખી છે ! મને સરોજબહેન વાર્તાની નાયિકા જેવી લાગી. એને મળવા હું એવો આતુર હતો કે ગુરુવારની રાહ જોતો હતો. ને ગુરુવારે હું તેમને મળ્યો. તેણે જે વાત કહી એથી તો મારી કલ્પના થંભી ગઈ. વાર્તામાં પણ જે જીવન આદર્શ આલેખી શકતા નથી એવું તો કેટલાંક માનવીઓ જીવન જીવે છે. એવાં સ્ત્રી-પુરુષો ધૂપસળીની પેઠે સળગી જઈ સંસારમાં સુવાસ ફેલાવે છે. એવી માનવતાથી સભર સરોજબહેનેની વાત હતી.

સરોજ અને વસંત બાળપણનાં સાથી હતાં. એક જ વાસમાં રમતાં, ખેલતાં મોટાં થયાં તેમ તેમ એકમેક માટેની લાગણી ઉત્કટ થતી ગઈ. એકબીજાને ખૂબ ચાહે. લાંબા પરિચયમાંથી પ્રેમ જામ્યો હતો એટલે તેની તીવ્રતા પણ ઊંડી હતી. ક્યારેક સરોજ સરકીને વસંતની વાડીએ જતી. રસ્તામાં કેસૂડાનાં ઝાડ આવતાં. હૈયામાં પ્રીત જગાડે તેવા ફાગણના વાયરા વાઈ રહ્યા હતા. વનશ્રીએ પરણવા જતી કોડીલી કન્યા જેવું રૂપ કાઢ્યું હતું. કાને ફૂમતાં લટકાવ્યાં હોય તેમ ફૂલનાં ઝૂમખાં લચી રહ્યાં હતાં અને પેલાં કેસૂડાનાં વૃક્ષો તો ફાગ ખેલવા નીકળેલા નાવલિયા જેવાં લાગતાં હતાં. કસૂંબલ રંગનાં ફૂલડાં વનવગડામાં રંગત રેલાવી રહ્યાં હતાં. ભાતીગળ પટોળામાં કીરમજી રંગની ભાત ઉપસાવી હોય એવાં એ કેસૂડાંનાં ફૂલથી લચી રહેલાં વૃક્ષો દેખાતાં હતાં. જોબનનો મેળો મહાલવા નીકળ્યાં હોય તેમ વૃક્ષો બનીઠનીને ઊભાં હતાં એવી અભિરામ વનરાજી વચ્ચેથી વસંત અને સરોજ નીકળતાં ત્યારે તેમની પ્રણયની કોકિલા કૂજી ઊઠતી.
‘સરુ ! લાવ તારા અંબોડામાં કેસૂડાંનાં ફૂલ ગૂંથી આપું.’ અને વસંત ઝાડ ઉપર ચડી તાજાં રતુબડાં ફૂલડાં ઉતારી આપતો. બંનેને પ્રણય જેવો કેસૂડાંનો કસુંબલ રંગ ખૂબ ગમતો. ઋતુરાજ વસંતમાં ફૂલડાં ખીલે, વૃક્ષો નવપલ્લિત થાય, વનવગડો સૌંદર્યથી મઢાઈ જાય તેમ સરોજ અને વસંતના હૈયામાં પ્રેમનાં પુષ્પો ખીલી ઊઠ્યા.

તેમને જીવન રૂપાળું લાગતું. બધું જ સુંદર અને મનોરમ લાગતું. એકબીજા વગર નભી જ ન શકે. એવા તે પ્રેમમય બની ગયા હતા. તેમને પ્રડતા પતંગિયાના રંગોમાં, દૂર ઊડતા સારસ પક્ષીઓમાં, હસી રહેલાં ફૂલડાંમાં, વૃક્ષને વિંટળાઈ રહેલી વેલીમાં…. અરે સુસવાટા મારતા વાવાઝોડામાં પ્રણયનું ગીત સંભળાતું. ચોમરે પ્રેમની બંસી વાગી રહી હોય એવું તેમને થતું. પણ આ પ્રેમીઓ એક ન થઈ શક્યા. વસંતના પિતાને દીકરાનો સરોજ સાથેનો સંબંધ ન ગમ્યો. એમાં તેમને ભયંકર પરિણામના ઓળા દેખાવા લાગ્યા. ગામમાં રહે છે ત્યાં સુધી વસંત અને સરોજ કદીયે છૂટાં નહિ પડે તેવો તેમને ભય લાગ્યો. તેમણે એક દશ્ય નજરોનજર જોયું. અને તે કમકમી ઊઠ્યાં. વસંત કેસૂડાં ઉતારી સરોજના અંબોડામાં ગૂંથી તેના રૂપને પી રહ્યો હતો.
‘સરૂ ! તું અત્યારે તો પરી જેવી દેખાય છે. તારા રતુંબડા ગાલ આ કેસૂડાંથી કેવા શોભી રહે છે.’ તે સરોજના ખભા પકડી પ્રિયતમાના અંગેઅંગનું જાણે નિરીક્ષણ કરી રહ્યો હતો.
‘સરૂ ! બ્રહ્માએ તારા પર કેવી મહેર કરી છે ? ક્યાંય ખામી રહેવા દીધી નથી. કહે છે કે ચંદ્રનું રૂપ ખૂબ વધી ન જાય તે માટે કાળું ધાબું મૂક્યું. પણ તારું તો અંગેઅંગ સુરેખ સપ્રમાણ છે. તારો હાથ પક્ડનાર કેટલો નસીબદાર હશે !’
‘એ નસીબદાર હાથમાં તો ક્યારનોય હાથ પડી ગયો છે.’ અને સરોજે વસંતનો પકડેલો હાથ દબાવ્યો.

એ જ વખતે વસંતના પિતાની ગાડી ત્યાંથી પસાર થઈ. તેમણે જે જોયું એથી આંખે અંધારાં આવી ગયાં. તેમને થઈ ગયું કે આ છોકરી તેમના દીકરાને ગાંડો બનાવી મૂકશે. એવામાં વસંતના મામા આફ્રિકાથી દેશમાં આવ્યા હતા. આફ્રિકામાં તેમણે સારો વેપાર જમાવ્યો હતો. વસંતની મેટ્રિકની પરીક્ષાને થોડીક વાર હતી. છતાં તેણે તેના મામા સાથે આફ્રિકા રવાના કરી દીધો. સરોજ પાછળ ઝૂરતી રહી ગઈ. તેને વસંત વગરનું જીવન પાનખર જેવું શુષ્ક લાગવા માંડ્યું. જાણે જીવતરમાં દુષ્કાળ પડ્યો હોય એવી તેની સ્થિતિ થઈ ગઈ.

ધરતી મેઘને ઝંખે છે તેમ તે વસંતને ઝંખતી રહી. વસંતના પત્રો શરૂ થયા. એમાં પણ પ્રેમની એ જ ઉષ્મા દેખાતી હતી. વસંત નાસી આવવાની વેતરણમાં હતો. પણ તે કેટલું મુશ્કેલ હતું ! સરોજ સમજી ગઈ હતી કે બંનેનું મિલન દુષ્કર છે. પત્રોમાં પ્રેમનાં ગીત ગાઈને મન વાળવાનું હતું. સરોજના પત્રો પકડાઈ ગયા. મામાને થયું કે ભાણેજ ખોટે રસ્તે ચડી ગયો છે. એટલે તેમને ત્યાં ને ત્યાં આફ્રિકામાં જ એક શ્રીમંત નાતીલાની દીકરી સાથે લગ્ન કરી દીધાં. વસંત પછડાટો ખાતો રહ્યો. રડતો કકલતો રહ્યો પણ તેનું કંઈ ન ચાલ્યું. તે દિવસથી સરોજે નક્કી કર્યું કે તેના માટે દૂરથી જ ચાહવાનું બાકી રહે છે.

એ વખતે સરોજની સ્થિતિ ઘાયલ પારેવા જેવી હતી. જિંદગી નિરસ અને વિષાદમય લાગતી હતી. પણ થોડા જ વખતમાં મનની નિરાશા ખંખેરી નાંખી પોતાના પગ પર ઊભા રહી સ્વમાનથી હસતાં મોંએ જીવવાની ગાંઠ વાળી ! રડવાથી કે ઝૂરવાથી શું વળે ! જીવન જીવવાનો એ રસ્તો જ ખોટો છે. ફાઈનલની પરીક્ષા આપી અધ્યાપિકાના વર્ગોમાં દાખલ થઈ. તેના બનેવી મુંબઈમાં શિક્ષક હતા. તેમણે તેને મુંબઈમાં જ ગુજરાતી શાળામાં નોકરી અપાવી. નોકરી ઉપરાંત ટ્યુશન પણ તે કરવા લાગી. ઘેર પણ પૈસા મોકલવા માંડી. ઘરડી માને કુંવારી દીકરીની ખૂબ ચિંતા થતી હતી. બહેન-બનેવીએ પણ માનેલું કે એક-બે વર્ષમાં બધું ભૂલી જશે અને પછી હા પાડશે. પણ સરોજે કદીએ લગ્નની ઈચ્છા ન દેખાડી.

આ વાત આજે પૂરાં પંદર વર્ષ વીતી ગયાં.
‘તો આ બે બાળકો કોનાં છે !’ પેલા બે બાળકો યાદ આવતાં મેં પૂછ્યું.
‘અત્યારે તો મારાં છે !’ હસીને સરોજબહેને કહ્યું : ‘એમની પણ જાણવા જેવી કથા છે. હું જે શાળામાં ભણાવતી હતી ત્યાં વિમળા કરીને એક વિધવા શિક્ષિકા હતી. ન તો સાસરામાં કે ન તો પિયરમાં કોઈની હૂંફ હતી. પોતે કમાય તો જ આ બે બાળકોનું પોષણ થાય પણ બિચારીને ટી.બી. થયો. માંદલી હતી છતાં શાળામાં આવે. આખરે એ પણ રિબાતી રિબાતી મરી ગઈ. મરતાં મરતાં આ બે બાળકો મને સોંપતી ગઈ છે. ત્રણેક વરસથી મારી પાસે છે. અશોક અને ભારતી આ ઘરમાં આવ્યા ત્યારથી ઘર કેવું ભર્યું ભર્યું લાગે છે ! મને તો આમાંય ઈશ્વરી સંકેત લાગે છે ! મને પ્રેમ આપ્યો અને મારી અંદર રહેલા માતૃત્વને સંતોષવા એકને બદલે બે બાળકો આપ્યાં.’ બાળકોની વાત ચાલતી હતી ત્યાં બંને બહારથી દોડતાં આવ્યાં અને સરોજબહેનને વળગી પડ્યાં.
‘બા ખાવાનું લેવું છે. એક એક આનો આપો ને !’ પંડ્યનાં જણ્યાં હોય તેમ છોકરાંને વ્હાલથી પંપાળી બચીઓ કરી એક એક આનો આપ્યો. બંને ભાઈ-બહેન હરખાતાં, કૂદતાં ચાલ્યાં ગયાં.

‘ચાલો તમને વસંતનો ફોટો દેખાડું. આફ્રિકા ગયા પછી એણે મોકલ્યો હતો.’ કહી સરોજબહેન મને અંદરના ખંડમાં લઈ ગયાં. એક નાનું કબાટ હતું તેની ઉપર ચાંદીની ફ્રેમમાં મઢેલો ફોટો મૂક્યો હતો. વસંત પણ સરોજબહેન કહેતાં હતાં તેવો ફૂટડો ભાવનાશાળી યુવાન લાગતો હતો. ફોટા નીચે કેસૂડાંનાં ફૂલ પડ્યાં હતાં. અત્યારે તો એ સૂકાઈ ગયાં હતાં તેનો રંગ પણ ઝાંખો પડ્યો હતો. તેમાનું એક ફૂલ હાથમાં લઈ સરોજબહેન બોલ્યાં, ‘દરેક વર્ષે ફાગણ માસમાં મારા ગામથી કેસૂડાંનું ફૂલ મંગાવું છું અને આફ્રિકા વસંતને મોકલું છું અને વસંત મને કેસૂડાં મોકલે છે. તેણે છેલ્લીવાર મારા અંબોડામાં કેસૂડાં ગૂંથ્યાં હતાં ત્યારે ફાગણની પૂર્ણિમા હતી. હું તે દિવસે મારા અંબોડામાં કેસૂડાં ગૂંથું છું અને બાકીનાં વસંતની છબીને ચડાવું છું. આ મારી જીવંત સ્મૃતિ છે.

હૈયામાં વસંત માટે કેવો છલોછલ પ્રેમ ભર્યો છે ! વસંત તેનો નથી થઈ શકવાનો એની તેને પ્રતીતિ થઈ ગઈ છે છતાં તે કેવી ઉત્કટતાથી એને ચાહે છે. ચાહે છે છતાં જીવનને કેવું હસતું રાખે છે ! છબી સામે પડેલાં કેસૂડાં તો મહેકતાં નહોતાં પણ મને સરોજબહેનનો કસૂંબી પ્રેમ મહેંકતો લાગ્યો. પંદર વરસનાં વહાણાં વાઈ ગયા હતાં છતાં એમણે પ્રણયની ભાત ઝાંખી થવા દીધી નથી……. આવી પ્રણયની ઉત્કૃષ્ટ વાતને ચર્ચા કરીને ચૂંથવી મને ઠીક ન લાગી. હું સરોજબહેનને અંતરથી નમન કરીને ઊભો થયો. જતાં જતાં મારા હૈયામાંથી સહજ ઉદ્દગાર નીકળી ગયો : ‘સરોજબહેન ! તમે તો મારી આંખ ઉઘાડી નાખી છે. અમે તો વાર્તાઓ લખીએ જ છીએ, પણ તમે વાર્તા જીવી રહ્યાં છો.’ – અને એ રાત્રે બેસીને મેં સરોજબહેનની વાર્તા લખી દીધી. તેનું નામ રાખ્યું : ‘કેસૂડાંનાં ફૂલ’.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવ્યાં ત્યાં સુધી – ગિરીશ ગણાત્રા
નાનો પણ રાઈનો દાણો – તંત્રી Next »   

20 પ્રતિભાવો : કેસૂડાંનાં ફૂલ – પીતાંબર પટેલ

 1. Bhavesh says:

  Amazing story.It is reality that we give more credits to people who die for their love.But also it is really appriciable that people live with, keeping their love live in their heart.Because it is impossible to forget beloved and the moments which one passed with beloved,we should say they are more brave then layman.hats off to them all.

 2. Dhaval B. Shah says:

  ખુબ જ સુન્દર નિરુપણ.

 3. JITENDRA TANNA says:

  ખુબ સરસ

 4. Nimish says:

  It’s so inspirational for living life. Thanks for sharing this Pitambarbhai. The title is really good for the story and really liked the way it is told.

  What a spirit called Saroj! Just loved it! I just have one thing in mind about Vasant. The story doesn’t tell much about him and his limitations, but I think he did not have guts (I may be wrong as well).
  I believe, if you don’t have guts then don’t love someone and give pain later.

 5. કલ્પેશ says:

  સરોજની વીરતા અને વસંત માટેના પ્રેમનુ વર્ણન ખુબ જ સરસ રીતે કર્યુ છે.
  અને સરોજ પણ સાચુ કહે છે ને?

  “આંખ ખુલ્લી રાખો તો તમને સામાન્ય જીવનમાં વીરતાના ઘણા પ્રસંગો મળશે.”

 6. jignesh says:

  પ્રેમમાં વીરરસ તે આનું નામ……તમારા કેસુડાના ફૂલ ખરેખર મહોર્યા છે….ઊતમ અભિવ્યક્તિ….સરસ

 7. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર વાર્તા.

  જીવન એક સંઘર્ષ છે.

  આ વાત જીવનના ઘણા ક્ષેત્રમાં લાગુ પડે છે કે જેમાં સંઘર્ષને અંતે મૃત્યુ પામનારોની યશોગાથા ગાવામાં આવતી હોય છે. પ્રેમને ખાતર, દેશને ખાતર, સમાજને ખાતર, આદર્શને ખાતર બલિદાન દેનારાઓની યશગાથા વર્ણવવી જ જોઈએ. પરંતુ આ જ પ્રકારના સંઘર્ષમાં રત અને વિરતા પુર્વક લડતા રહેલા જીવીત લોકોની ખાસ નોંધ લેવાતી નથી.

  ખરેખર તો આવા જીવંત વીરોને પણ બિરદાવવાની એટલી જ આવશ્યકતા છે.

 8. Maharshi says:

  khub saras!

 9. saurabh says:

  heart touching story.. To live the life with joy needs more bravery than to die.

 10. sanjay says:

  Nearly crying my self when i read this page.
  How can some one loved like this?
  Good one….
  Thank’s to ReadGujarati.com&Writer as well as..
  From
  Sanjay

 11. AMI says:

  બહુ સ્રરસ.

 12. suresh patel says:

  વસણન્ત મા જે સરોજ ખીલી, નતેન ફુલ ખીળલ્યા તે જ “કેસુદા ના ફુલ્”

 13. ભાવના શુક્લા says:

  અશરીરી પ્રણયનુ ઉંડાણ, તાજગી અને તાકાતનો સાક્ષાત પરીચય સમા સરોજબહેનનુ વ્યક્તિત્વ બહુ ગમ્યુ. મારી આજુ-બાજુ એક કરતા વધુ આવાજ સરોજબહેનોનો મને પરીચય છે.

 14. SURESH TRIVEDI says:

  BRAVE WOMAN!THOSE WHO HAS NOT BEEN ABLE TO GET MARRIED TO THE INDIVIDUAL THEY LOVE, SHOULD FOOLOW THE FOOTSTEP OF SAROJBEN.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.