નાનો પણ રાઈનો દાણો – તંત્રી

રીડગુજરાતી પર આપણે રોજ બે નવા લેખો સાથે વિવિધ પ્રકારની કૃતિઓ માણીએ છીએ. ક્યારેક નિબંધ, વાર્તા, જીવનપ્રેરક લેખો, સાહિત્ય લેખો, કાવ્ય, ગઝલ…. તો ક્યારેક વળી હાસ્યલેખો, ટૂચકાઓ, વાનગીઓ વગેરે. મોટેભાગે જે ગુજરાતી માસિકો પ્રકાશિત થાય છે તેમાં આપે નોંધ્યું હશે કે આશરે 40-45 લેખોનો સંપુટ આપવામાં આવે છે. એમાં કોઈક વાર્તા-નવલિકા હોય, સાંપ્રતઘટનાને લગતા વિચારો હોય, નિબંધ, કાવ્ય અને એ સાથે એકાદ વાનગીનો, રમુજી ટૂચકાઓનો વિભાગ પણ સમાવિષ્ટ કર્યો હોય. આ રીતે જો રીડગુજરાતીના એક માસના તમામ લેખોની પ્રીન્ટ કાઢવામાં આવે (આશરે 60 લેખો) તો એક આદર્શ સામાયિકમાં હોય તેવા લગભગ તમામ વિભાગોનો સમાવેશ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ કહી શકાય. તેથી તેમાં ઉપર જણાવેલું તમામ વાંચન વૈવિધ્ય હોઈ શકે.

પ્રત્યેક ગમતા સામાયિક સાથે વાચકો લાગણીથી જોડાયેલા હોય. તે પ્રત્યે તેમનો આદર અને અહોભાવ હોય. રીડગુજરાતી માટે પણ તેમ હોવું સ્વાભાવિક છે. કારણકે જીવનપ્રેરક વાંચન આપણને જ્યાંથી પ્રાપ્ત થતું હોય ત્યાં આપણી લાગણી સહજ રીતે જોડાઈ જાય. હવે વાત એમ છે કે વાંચનના પ્રવાહમાં સાઈટ પર કોઈક વાર જૉક્સ, વાનગીઓ અને હળવા હાસ્યલેખો આવે ત્યારે ઉત્તમ વાંચનની અપેક્ષા રાખનારા વાચકોના મનમાં જરાક ક્ષોભ થાય. એ તો આદરભાવ સાથે કંઈ બોલે નહીં પરંતુ મનમાં એમ થાય કે સાઈટના લેખોની ગુણવત્તામાં ફલાણો લેખ જરાય શોભતો નથી ! વળી એમ થાય કે ‘સાહિત્યની સાઈટમાં વાનગીઓ મૂકવાની શું જરૂર ? આ બધા જોક્સ તો કૉલેજના છોકરાઓ વાંચતા હોય એવા છે…. કંઈ જાણવાનું મળે એમ નથી….’ ઘણા વાચકોને એમ પણ થતું હોય કે ‘આજના લેખોમાં કંઈ મજા ના આવી. સાવ ‘Below standarad’ ના લેખો છે.’ કદાચ કોઈને મનમાં ગુસ્સો પણ આવતો હોય કે આટલા બધા વાચકો છે તો તંત્રી લેખોની ગુણવત્તા કેમ નથી જાળવતા ? આવા તે લેખો કંઈ રીડગુજરાતીમાં શોભતા હશે ?’…. વગેરે વગેરે…

અગાઉ મે કહ્યું એમ કે વાચકો પ્રેમભાવને કારણે કંઈ બોલે નહીં પરંતુ મનમાં એક ડાઘ જરૂર રહી જાય. તેનો યોગ્ય રીતે ખુલાસો થાય તે હું જરૂરી સમજું છું. તેથી આ બાબતે મારા વિચારો આપની સામે વિનમ્રતાથી રજૂ કરવાની કોશિશ કરું છું.

જુઓ ભાઈ, અઠવાડિયાના દિવસ કેટલા છે ? સાત. બરાબર ? આ સાતમાંથી આપણે છ દિવસ આપણા વ્યવસાયમાં વ્યસત રહીએ છીએ. અને એક દિવસ – એટલે કે રવિવારે બિલકુલ આરામ ફરમાવીએ. એક દષ્ટિએ જુઓ તો આખો દિવસ આરામ કરવો, ઘરમાં બેસી રહેવું એ તો સાવ સમયનો બગાડ છે. પરંતુ ના. એ હકીકતમાં બગાડ નથી. રવિવારની હળવાશ આપણો થાક ઉતારીને આવનારા સમગ્ર સપ્તાહ માટે સ્ફૂર્તિ અને તાજગી આપે છે. એક દિવસનો આરામ આપણને બાકીના છ દિવસ કામ કરવાની શક્તિ અર્પે છે.

તમે દ્રાક્ષની લૂમ તો જોઈ હશે. દ્રાક્ષ તોડીને તેની નાની નાની ડાળખીઓ તો આપણે ફેંકી જ દઈએ છીએ. લીંબુ નિચોવીને એના બી ફેંકી દઈએ છીએ. મોસંબીના ગર્ભનો ઉપયોગ કરીને તેના આવરણને નાખી દઈએ છીએ. ક્રમશ: એ રીતે તડબૂચમાંથી જોઈતો ભાગ લઈને બાકીનાને આપણે ઉપયોગમાં નથી લેતાં. એવી જ વાત સક્કરટેટીની છે. લીલા નાળિયેરમાં પાણી અને મલાઈ કાઢી લેતાં બીજું કશું ઉપયોગમાં નથી આવતું. જેમ ફળ મોટું છે તેમ તેના ઉપયોગી ભાગો નાના છે. પરંતુ હકીકતમાં તેનાં જે બિનઉપયોગી ભાગો છે એના કારણે જ એ ફળ ટકી શક્યું છે. નાળિયેર એના આવરણથી સુરક્ષિત છે. દ્રાક્ષ એની ડાળખીઓથી જોડાયેલી છે. તડબૂચ એના આવરણને કારણે રસાળ અને મીઠું બને છે. લાગે છે કે સાવ નકામો ભાગ પરંતુ એના વિના તેની મીઠાશ અધૂરી રહે છે.

બરાબર આ જ વસ્તુ એક વાચનના પ્રવાહ માટે છે. એક જ પ્રકારની એન્ટીબાયોટિક કાયમ અસર કરતી નથી. એ પ્રમાણે રોજ જો એક ઢબમાં જીવનપ્રેરક લેખો જ આપવામાં આવે તો થોડા સમયમાં માણસ તેનાથી ઊબી જાય. પરિણામે જે ઉત્તમ લેખો ધારી અસર ઉપજાવવા જોઈએ તે કરી શકે નહીં. રોજ એકની એક ટેપ વાગે તો કોઈ એને ગંભીરતાથી લે નહીં. ‘આ તો રોજનું થયું’ કે પછી ‘આવા તો અનેક લેખો વાંચ્યા. આમાં નવું શું છે ?’ એવું લોકો વિચારતા થઈ જાય. ઉત્તમ વિચાર અને ઉત્તમ લેખ પણ સાવ નકામો થઈ જાય. અઠવાડિયાના છ દિવસ નોકરી કર્યા પછી જેમ રવિવારની હળવાશની જરૂર છે તેમ જીવનપ્રેરક લેખોની સાથે થોડા હળવાશભર્યા લેખોની પણ તેટલી જ જરૂર છે. વાંચનમાં પણ વૈવિધ્ય જળવાઈ રહેવું જોઈએ. વહેતું પાણી જ નિર્મળ હોય, બંધિયાર નહીં. સતત એક જ પ્રકારનું જીવનપ્રેરક વાંચન આવ્યા કરે તો એ બંધિયારપણાથી સમયાંતરે આપણે થાકી જઈએ. પેલા દ્રાક્ષ, સક્કરટેટી, તડબૂચ કે નાળિયેરની જેમ, રીડગુજરાતીને મીઠાશને ટકાવી રાખવામાં એ બિનઉપયોગી કે ‘અસ્થાને’ લાગતા લેખોનો પણ એટલો જ ફાળો છે.

રોજ મોહનથાળ અને જલેબી ખાઈએ તો શું થાય ? ચાર દિવસ પછી એ આપણા માટે ત્રાસરૂપ થઈ પડે. આપણે વસંતઋતુમાં જ્યારે અનેક લગ્નો એક સાથે મહાલીએ ત્યારે બિલકુલ આ પરિસ્થિતિ સર્જાય. ચાર-પાંચ દિવસ સુધી સળંગ લગ્નપ્રસંગોમાં પકવાન ખાધા પછી છેલ્લે દિવસે તો એવું થાય કે આજે ખિચડી જ બનાવીએ ! રીડગુજરાતીના હળવા લેખો એ ખિચડી છે દોસ્તો ! બહુ ભારે વાંચી વાંચીને આપણે કંઈ પંડિત નથી બનવું. હા, એ વાત ચોક્કસ છે કે લેખો ‘હળવા’ હોવા જોઈએ, ‘હલકા’ નહિ. શિષ્ટ સાહિત્યની પરિભાષા તો જળવાવી જ જોઈએ અને તે સાથે સાથે બે ઘડી થોડું હસી પણ લેવું જોઈએ. જીવનમાં બધા રસોની જરૂર છે. વળી, એરોપ્લેન પણ એક સામટું એક સરખી ઊંચાઈ ઉડતું નથી. સંગીતના સાત સ્વરો એક જ સરખી તીવ્રતાથી ગવાતા નથી – આરોહ અવરોહ અત્યંત જરૂરી છે, એનાથી સંગીત બેસૂરું નથી થઈ જતું. હળવાશભર્યા લેખો અન્ય લેખોને સુપાચ્ય બનાવે છે.

તમને એક ખાનગી વાત કહું ? આ રોજે રોજ રીડગુજરાતી પર લેખો મૂકવાના હોય તો મને વાંચવાનો કંટાળો નહિ આવતો હોય ? પણ ના. એનું કારણ છે આ આરોહ-અવરોહ. ક્યારેક બાળવાર્તા તો ક્યારેક નિબંધ, ક્યારેક બારમા ધોરણની ગુજરાતીની ચોપડી તો ક્યારેક ઉપનિષદોની યાત્રા. આ વૈવિધ્ય આપણે હંમેશા તરોતાજા રાખે છે. બાકી તો રોજેરોજ આટલું ટાઈપ કરીને કંટાળી જવાય. આ શક્ય બને છે પ્રવાહી ગતિને કારણે. વાંચનમાં રસ પડે છે વિવિધતાને કારણે જ. તેથી આપને અમુક લેખો સાવ નબળા જણાતા હશે પરંતુ એ તો આગળના લેખોની તૈયારીના ભાગરૂપે છે. તમે સમગ્ર રીડગુજરાતી બરાબર વાંચી જશો તો ખ્યાલ આવશે કે તે લયબદ્ધ છે. એક દિવસ રમુજી ટૂચકા હોય, બીજે દિવસે લલિત નિબંધ હોય… ત્રીજે દિવસે સમાજને સ્પર્શતી વાર્તા હોય, ચોથે દિવસે માનવીય જીવનની જટિલતાને દર્શાવતું કોઈ દર્શન હોય… એમ કરતાં કરતાં લેવલ વધે અને એક સમયે તે તત્વજ્ઞાન સુધી પહોંચે. ફરીથી પછી નીચે આવવાનો ક્રમ શરૂ થાય અને અંતે એક હળવા હાસ્યલેખ સાથે સાવ નીચે આવી જાય. આ પ્રકારે તેનો લય સાચવવાનો ઈશ્વરકૃપાથી પ્રયત્ન કર્યો છે.

કોઈને વળી એમ થશે કે આ બાળવાર્તાઓ અને વાનગીઓનું શું પ્રયોજન ? મિત્રો, આપણે ત્યાં દેશમાં તો એવી હજારો બાળવાર્તાઓ આપણી આજુબાજુ વાંચવા મળે પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી પરદેશમાં એટલી સરળતાથી એ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ નથી હોતું પરિણામે ત્યાં નોકરી કરતા વાચકમિત્રો પોતાની ઓફિસમાંથી બાળવાર્તા પ્રિન્ટ કાઢે, ઘરે જઈને તેમના માતા-પિતાને આપે અને તેઓ પોતાના પૌત્રો-પૌત્રીઓને રાતે એવી સરસ મજાની બાળવાર્તાઓ વાંચી સંભળાવે. અમુક લેખ આપણા માટે બિનઉપયોગી હોય તો તે બીજા માટે ઉપયોગી પણ હોઈ શકે. દેશ-કાળ અનુરૂપ આપણે વિવિધ પ્રકારના વ્યંજન જરૂર ઉપયોગમાં લઈએ પરંતુ સાથે સાથે આપણી મૂળ પરંપરગત વાનગીઓ વીસરી ના જઈએ – એવો હેતુ વાનગીઓને પ્રકાશિત કરવાનો છે. એ પણ એક સાહિત્ય જ છે. જેને તેનો ઉપયોગ હોય તેવો એક વિશાળ વાચક વર્ગ છે. તેથી આપણે જે કામનું ન હોય તે નકામું નથી થઈ જતું. સાહિત્યનું વાંચન તો આપણી દષ્ટિને વિશાળ બનાવે. જે તન અને મનની સુખાકારી અને માનવીય ચેતનાને ઉન્નત કરવા માટે સર્જાયું હોય તે તમામ વસ્તુ કોઈ પણ સ્વરૂપે સાહિત્ય જ છે.

વાંચનનું એવું છે કે ઘણીવાર આપણને ઘણા લાંબા સમયાંતરે સમજાય. અમુક બાબતો તો કદાચ અનુભવે જ જાણી શકાય. કોઈ વાર્તા પહેલી નજરે સાવ ‘બકવાસ’ જેવી લાગતી હોય પરંતુ વાર્તાની ગૂંથણી, પાત્રની મનોદશા, વર્ણવેલી સમાજવ્યવસ્થા, લેખકનું મુખ્ય દષ્ટિબિંદુ – વગેરે બાબત પર ઝીણવટપૂર્વક વિચાર કરવામાં આવે તો તેમાંથી કંઈક ગ્રહણ કરવા જેવું ચોક્કસ મળી રહે. તાજેતરની ‘મિલન’ વાર્તા એનું ઉદાહરણ છે. અગાઉ પણ એવા ઘણા લેખો છે જે એક નજરે આપણા મનમાં ફીટ ના બેસે અને મેં પણ એવા લેખો મૂકતા પહેલાં સો વખત વિચાર કરી જોયો છે પરંતુ ઘણા સમયનાં અંતરે એવું સમજાય છે કે ‘આ પણ એક માનસિકતા છે’ તેથી એ પ્રકારનું સાહિત્ય પણ સમાજ સામે ખુલ્લું મૂકાવવું જોઈએ. ઘણી વાર તો એવું બને છે કે અમુક કાવ્યની અમુક પંક્તિનો અર્થ હું બરાબર સમજી શક્યો ના હોઉં પરંતુ કોઈ વાચકનો તે સંદર્ભમાં પ્રતિભાવ વાંચું ત્યારે એ બાબતનો ખ્યાલ આવે. તેથી કઈ બાબત, ક્યારે, કઈ રીતે, કોણ સમજાવી શકે તે નક્કી કરવું મુશ્કેલ છે.

આ વાતને બીજી રીતે પણ જોવી જોઈએ. તંત્રી અંતે તો એક માણસ છે, તેથી હું જે બધું પસંદ કરું એ શ્રેષ્ઠ જ હોય એવું કંઈ જરૂરી નથી. માણસમાત્ર ભૂલને પાત્ર. પરંતુ ભૂલ એ તો મનુષ્યનું ભૂષણ છે. બાળક ઊભા થતાં થતાં ગબડી પડે તો એ એની નિષ્ફળતા નથી, એ એની સહજતા છે. તેથી મનુષ્યમાત્ર માટે ભૂલ થવી શક્ય છે, અને થવી પણ જોઈએ. નબળા લેખો ન જ હોય એમ કહી શકાય તેમ નથી. કોઈક એવી ત્રુટિ રહી પણ ગઈ હોય. ભૂલ થવી એ જીવમાત્રનો સ્વભાવ છે. કોઈક વાર અમુક લેખ મૂક્યા પછી મને થાય કે આનાથી સારો લેખ તો ફલાણો હતો ! તેથી રીડગુજરાતી પર બધુ અતિ અતિ અતિ ઉત્તમ જ હોય તેવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. રીડગુજરાતીને કંઈ આપણે દેવ માનીને પૂજવાનું ન હોય, એને તો મિત્ર બનાવીને તેની સાથે ગોષ્ઠી કરવાની હોય !

ટૂંકમાં આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપના મનમાં કોઈ પૂર્વગ્રહ રહી ન જાય. કોઈ નવોદિત વાચક હોય અને તેને સાઈટના સ્વરૂપ વિશે ખ્યાલ ન હોય તો માહિતી મળી શકે અને કદાચ કોઈના મનમાં આ બાબતો અંગે મૂંઝવણ થતી હોય તો તેમને સ્પષ્ટતા મળી રહે. આ બહાને મને મારા વાચકો સાથે થોડો વાર્તાલાપ કરવાની તક મળી રહે છે. મારી ઈચ્છા છે કે પ્રથમ નજરે અયોગ્ય લાગતી કૃતિના તમામ પાસા આપ ચકાસો અને વિવિધ સ્વરૂપે જોયા પછી પણ જો આપના મનમાં ફીટ ના બેસે તો આપ આપનો મૌલિક અભિપ્રાય ચોક્કસ આપો જ આપો. આપની જે પણ અનુભૂતિ હોય તે આપ પ્રતિભાવોમાં (comments) લખવા માટે સ્વતંત્ર છો. એનાથી તંત્રી અને લેખક એમ બંનેને વાચકોના રસ વિશે માહિતી મળી રહે છે. સૌને સાદર, સસ્નેહ વંદન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેસૂડાંનાં ફૂલ – પીતાંબર પટેલ
ગીતા પ્રવચનો – વિનોબા Next »   

28 પ્રતિભાવો : નાનો પણ રાઈનો દાણો – તંત્રી

 1. Jignya Shah says:

  Well Said!

  We, readers, sometimes even though we are moved by an article, miss to provide postitive comments / feedback, lack of time or being just lazy. You on the other hand, post 2 articles everyday without getting tired. So there is no complaint, Resp Mrugeshbhai, just plain, sincere Thank you. And Hats off to you for your consistent efforts!!

 2. Nimish says:

  Mrugeshbhai,

  I really respect what you said and completely agree with you. Please keep going. All the best and god bless you.

 3. Brinda says:

  I appreciate your thoughts and efforts to put such a diverse range of literature before all of us. Thank you

 4. gopal parekh says:

  લગે રહો મૃગેશભાઇ, દરેકે દરેક રાજી રહી શકે એવું ચયન તો કદાચ ઇશ્વર પણ ન કરી શકે ,તમે જે કરો છો તે માટે અમારા સૌના સલામ ને દુઆ.

 5. તમારો ખૂબ-ખૂબ આભાર! આ બધા લેખો/વાર્તાઓ/ગઝલો માટે permission મેળવવી સહેલી નહિજ હોય ને?

 6. Pinki says:

  આભાર મૃગેશભાઈ,
  આ લેખમાં આપના વ્યક્તિત્વને પિછાણવાનો મોકો
  પણ મળી ગયો…. સ્પષ્ટ અને નિખાલસ !!

 7. Mitali Lad says:

  As a reader I have always appriciate all the article you have put on this site. I see this site as my time back to indian life days. Living in USA sometimes makes you feel trapped with very fix schedule but when i made habbit to read on this site i look forward to read something new in gujarati. I enjoy all the poems, short stroies, nibandh and it just provide me more knowledge of gujarati culture which for me is very important because i want to keep this in my life. i appriciate what you are doing and don’t take it seriously when someone give bad comment on any of the article, just think that there many more who loves your reading and learn new things from it and appriciate you everyday when they read your article. look luck and keep it up. Everyone have high expectation from this site but that doesn’t mean it will be fulfill all the time. Good luck and keep encouraging young writers just the way you have always been. I wish you best.

  Daily Reader
  Mitali

 8. Ila Shukla says:

  I read you “Nano Rai No Dano”. I’m a fan of “readgujarati.com”. I enjoy each varity of your artical. I think you do the best & blessing for the people around the world. Around in my area I know how many people read this website and not only that they are lookin forward for this site. So I have to say keep it up & God bless you.

 9. sujata says:

  crystal clear heart!!!!!!! keep it up

 10. Medha Patel says:

  You are very clear mrugeshbhai, I completely agree with your thougths.
  Keep it up.
  Medha

 11. Ashish Trivedi says:

  Dear Mrugeshbhai,
  I appreciate all your efforts and hard work in bringing this site and its content to gujarati readers around the world. It is very hard to please all the people all the time, but you are doing an excellent job at that. In my opinion all the postings so far have been very high standard.

  Keep it up and best wishes,
  Ashish

 12. Priyank Soni says:

  hello Mrugeshbhai,
  There is not any complain from our side. Becase whtever you are doing and proceeding is excellent. I also sometimes like to read “Vanagi” articles. Its different thing that i cant cook. :)..
  But i had a hobby of reading articles in news papers and in Janakalya magazine. And that i ws nt able to continue here in Germany. But u made that possible through Readgujarati. Its very much enough for us. And there is no article of “halka” type on ur site. Each article is wonderful in its own too.

  I would like to suggest that, I also read This type of articles in Divyabhaskar on internet. In that in every “Navalika” or story there is one colorful picture according to the flow and centre of the story. If that is possible than please add that type of picture in story too.

  Thanks for everything. God bless U. Our good wishes are always with U.
  Thanks again.

 13. ૧૫૩૯૩ જેટલા પ્રતિભાવોમાંથી એકાદ જણો આવીને એમ લખી જાય કે લેખની ગુણવત્તા Below substandard છે તો તે વાંચીને આટલા વ્યથિત ન થાઓ, મૃગેશભાઈ કે standard નો સ્પેલિંગ standarad થઈ જાય!

  આપનું આ ઉમદા કાર્ય અનિમેષ ચાલુ રહે તેવી શુભેચ્છા…

 14. girish valand says:

  you doing very good job keep it up

 15. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌના પ્રતિભાવ બદલ ધન્યવાદ. આ કોઈ ફરિયાદ સ્વરૂપે રજુ કરાયેલી બાબત નથી, પરંતુ ઘણીવાર અમુક પ્રકારના વાંચનથી ટેવાયેલા વાચકગણને ‘સરળ લેખો’ શા માટે મુકવામાં આવે છે તેની જાણ થઈ શકે તેમજ નવોદિત વાચકોને સાઈટના સ્વરૂપ વિશે માહિતી મળી રહે તે માટેનો મારો એક પ્રયાસ છે.

  અંતમાં મારો મૂળ હેતુ તો એ હોય છે કે જે રીતે ઈશ્વરકૃપાથી હું સાહિત્યના તમામ પ્રકારોને માણી રહ્યો છું તેવી આનંદની અનુભૂતિ મારા વાચકોને પણ થાય.

  વંદન સાથે,
  તંત્રી.

 16. ભાવના શુક્લા says:

  હકિકત તો એ છે કે ક્વોલીટી રીડીંગ ને સમજનાર વાચક દરેક વાચન સામગ્રી માથી કઈક ભાવતુ મેળવીજ લે છે. અને બીલો સ્ટાન્ડર્ડ કહેનારા સ્ટાન્ડર્ડ ને પોતાની વ્યાખ્યાની મર્યાદામા બાંધી મુકે છે.
  છતા તંત્રીશ્રીની નિખાલસતા ઘણુ કરીને સ્પર્શી રહી.

 17. Ashish Dave says:

  Keep cranking Mrugeshbhai…
  Ashish Dave
  Sunnyvale, California

 18. મૃગેશભાઈ “રીડ્ગુજરાતી “દ્દરા તમે અમ ને આન્દની અનુભૂતિ કરાવોછો,વાચ ન જ્યાથિ પ્રાપ્ થાય ત્યાથી લાગણી સહજ રીતે જોડાઈ જાય છે,તમે અમ્ ને ગુજરાતી થાળી પીરસો છો.જેમા દાળ ,ભાત્,શાક્.રોટ્લી,કચુબર પાપડ .મીઠાઈ સાથે .૫૬ ભોગ જ સમજિલોને .બધા વિટામિન સાથે ,,જે મા, કાવ્ય ,ટૂકી વાર્તા,સામાજિક લેખ ,હાસ્યલેખ.અને આપણા લેખક્ ,અને કવિ નિ રોજ નવિન વાચન ,”રીડ ગુજરતી”અમ્ને આપે તેવિ સુભે ચ્છઆ.અમ્ને રોજ વાચવા નિ આદત થઈ ગઈ છે ,,હુ રોજ ગુજરાતિ સમાચારો વાચુ તે પહેલા રીડગુજરાતી મા આજે કયા લેખ અથવા વાર્તા હસે તે વાચવા નિ ટૅવ પડી ગઈ છે ,,મા રાપતિ દેવ ને વાચિ ને સમભડાવુ , ,

 19. તંત્રી જ્યારે આટલા active હોય અને લેખો ની સાથે પ્રતિભાવો પ્રત્યે પણ આટલું ધ્યાન આપતાં હોય તો બીજું શું જોઇએ !!!

  દરેક ઝીણી ઝીણી બાબતો ને વાચકોના ધ્યાનમાં લાવવા બદલ આભાર મૃગેશભાઈ …

 20. jignesh says:

  મ્રુગેશ્ભાઈ,

  રીડગુજરાતી એટલો વિશાળ વાચક સમુદાય ધરાવે છે કે તમે અમારા જેવા બધાના સૂચનો ને કે પ્રતિભાવોને, પછી ભલેને એ હકારાત્મક હોય કે નકારાત્મક, વાંચો અને તેના પર ક્લેરીફીકેશન આપો છો અને દરેક વાચકનું અને તેના પ્રતિભાવોનું આમ ધ્યાન રાખો છો એ મોટી વાત છે. વધતા સમુદાય અને વાચકો સાથે તેમની અપેક્ષાઓ પણ વધતી રહેશે….કાંઈક મને ના ગમતુ હોય તો હું એ વ્યક્ત કરી શકું છું એ જ મોટી વાત છે પણ દીવસના અંતે એ અન્ય હજારો મિત્રોને ઊપયોગી થાય છે એ પણ સંતોષની વાત છે……

  તમે એક ઊતમ કામ કરી રહ્યા છો….Keep it up dear…

  And Always All the best for your search of સાહિત્ય….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.