જ્ઞાનગોષ્ઠિ – બંસીધર શુક્લ

[‘જ્ઞાનગોષ્ઠિ’ એ અખંડઆનંદ સામાયિકનો નિયમિત વિભાગ છે. તેમાં વાચકોના વિવિધ પ્રશ્નોના ઉત્તર શ્રી બંસીધરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવે છે. છેલ્લા એકાદ-બે વર્ષના ‘અખંડ આનંદ’માંથી ચૂંટેલા પ્રશ્નો અહીં આપવાનો પ્રયાસ કર્યો છે. ]

પ્રશ્ન : ભાવનગરથી પરશુરામ ગઢવી પૂછે છે : મચ્છર કરડે ત્યાં ખણ શાથી આવે છે ?
ઉત્તર : મચ્છરની 3000થી વધારે જાતિઓમાં કેટલીકની માદા ઈંડા મૂકતાં પૂર્વે માનવ તથા બીજાં કેટલાંક પ્રાણીનું લોહી પીએ છે. તેને બચકું ભરી શકે તેવાં જડબાં હોતાં નથી. પરંતુ, સોય જેવું તીક્ષ્ણ શોષક અંગ હોય છે. સૂંઢ જેવી રચનામાં આવી છ સોય હોય છે. તેની રક્ષા માટે મચ્છરનો નીચલો હોઠ તેનું ઢાંકણ બને છે. મચ્છર આપણા શરીર પર બેસે ત્યારે હોઠ પાછો ખસી સોયો માટે સ્થાન કરે છે. સોયો શરીરમાં છિદ્ર પાડે ત્યારે લોહી ગંઠાતું અટકાવવા મચ્છરના મોંમાંથી લાળરસ છિદ્ર વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. તે સામે શરીરની પ્રતિક્રિયા રૂપે ખણનો અનુભવ થાય છે. તે રીતે મગજ હાનિકારક લાળને દૂર કરવા પ્રેરે છે. મોટા ભાગના મચ્છર ઉપદ્રવી નથી. પણ, કેટલાક મેલેરિયા, ડેંગે, હાથીપગો તથા પીળિયો તાવ જેવા રોગો ફેલાવે છે.

પ્રશ્ન : વડોદરાથી નિરંજનભાઈ પંડ્યા પૂછે છે : આપણા દેશનું રાષ્ટ્રસુત્ર ‘સત્યમેવ જયતે’ ક્યાંથી લેવામાં આવેલું છે ?
ઉત્તર : રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય અને અહિંસા ઉપર સવિશેષ ભાર મૂક્યો. તે ઉપરથી સ્વતંત્ર ભારતના નેતાઓને આ મૂલ્યોનું મહત્વ દર્શાવે તેવું રાષ્ટ્રસૂત્ર રાખવાનો વિચાર આવ્યો. આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉપનિષદમાં એક સુંદર શ્લોક છે :

સત્યમેવ જયતિ નાનૃતમ્
સત્યેન પન્થા વિતતો દેવયાન: |
યેનાક્રમન્ત્યૃષ્યો હ્યાપ્તકામા |
યત્ર તત્સત્યસ્ય પરમં નિધાનમ ||

અર્થવવેદીય મુંડકોપનિષેદના તૃતીય મુંડકના પ્રથમ ખંડના છઠ્ઠા શ્લોકનો ઉપર પ્રમાણે પાઠ છે. તેનું પહેલું ચરણ – સત્યનો જ જય થાય છે, અસત્યનો નહિ – ને દેશના રાષ્ટ્રસુત્ર રૂપે સ્વીકૃતિ અપાઈ. તેનું આલેખન સારનાથ સ્તંભના શિરોભાગેથી લેવાયેલી રાષ્ટ્રમુદ્રાના ત્રણ સિંહોવાળા શિલ્પની પીઠ નીચે કરવામાં આવે છે.

પ્રશ્ન : જામનગરથી જયકર ન. વ્યાસ પૂછે છે : યાદવાસ્થળી અથવા યુધિષ્ઠિર સંવતનું હાલ કેટલામું વર્ષ ચાલે છે ?
ઉત્તર : મહાભારત યુદ્ધની સમાપ્તિ સાથે આગલો યુગ પૂરો થયો અને કલિયુગ અથવા કલિકાલ અથવા યુધિષ્ઠિર સંવતનો આરંભ થયો. અંગ્રેજી તારીખ અનુસાર તેનો આરંભ તા. 18 ફેબ્રુઆરી, ઈ. પૂર્વે 3102ના દિવસે થયો. એટલે, અત્યારે કલિકાલનું યુધિષ્ઠિર સંવતનું 5110નું વર્ષ ચાલે છે. ઈ.સ. 2000માં મિલેનિયમ ઉજવવા ઉત્સાહિત થયેલા લોકોને કદાચ ખ્યાલ નહિ હોય કે આપણા પાંચ-પાંચ મિલેનિયમ તો વહી ગયાં છે !

પ્રશ્ન : અમદાવાદથી રસિલા તથા દિલીપ શાહ પૂછે છે : વય વધતાં આપણા દેશમાં કાળા વાળ સફેદ થાય છે. જે દેશમાં જન્મથી જ સફેદ વાળ ઊગતા હોય છે, ત્યાં શી અસર થાય છે ?
ઉત્તર : ઉષ્ણકટિબંધના સ્થાયી વાસીમાં શરીરરક્ષા માટે ત્વચાના ઉપલા પડ હેઠળ શ્યામ રંગકો ઊગે તેવી પ્રકૃતિમાતાની વ્યવસ્થા છે. જ્યાં સૂર્યનાં ઉગ્ર કિરણો નડતાં નથી, તેવા દેશના વાસીને આવી રક્ષાની જરૂર પડતી નથી. તેથી, તેમની ત્વચા તળે શ્યામને બદલે ઘઉંના રંગ જેવા, સોનેરી અથવા એવા બહુ આછા વર્ણના રંગકો હોય છે. તે પણ નહિવત્ સંખ્યામાં હોય છે. વાળ ત્વચાનું રૂપ છે, તેથી તેમાં પણ વિવિધ રંગકો વત્તાઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે શીતપ્રભાવી દેશના માણસની વય વધે ત્યારે તેના વાળના કથ્થાઈ કે સોનેરી રંગકો નાશ પામે છે, અને વાળ રંગક વિનાના સફેદ થઈ જાય છે.

પ્રશ્ન : રાજકોટથી હરેન્ર્વ ચ. નથવાણી પૂછે છે : ન્યુટનના સિદ્ધાંત મુજબ ઊર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, અને નાશ પણ નથી પામતી. કેવળ તેનું રૂપ બદલાય છે. સમજાવશો.
ઉત્તર : ન્યુટને ગતિના નિયમો તારવ્યા, ઊર્જાના નહિ. ઊર્જાની અવિનાશિતાની વાત રશિયાના મિખાઈલ લોમોનોસોવે 1748માં કરી. સૃષ્ટિમાં કશું નવું ઉત્પન્ન થતું નથી, તેમ કશું નાશ પામતું નથી. સૃષ્ટિ બે મુખ્ય રૂપોમાં વ્યક્ત થાય છે : દળ અને ઊર્જા. આઈન્સ્ટાઈનના જાણીતા સમીકરણ અનુસાર તે બે પણ પરસ્પર રૂપાંતરને પાત્ર છે. એટલે કે દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે. ઉ.દા. કિરણોત્સર્જનથી યુરેનિયમનું સીસામાં રૂપાંતર, શ્વાસમાં લેવાયેલા પ્રાણવાયુનું લોહીના કાર્બન સાથે સંયોજન થવાથી અંગારવાયુમાં રૂપાંતર, આર્દ્ર તથા પ્રાણ આ બે વાયુના સંયોગથી બનતું પાણી આદિ. આ જ રીતે ઊર્જા જે વિવિધ રૂપોમાં અભિવ્યક્ત થાય છે – ગતિ, ગુરુત્વ, ચુંબકત્વ, તાપ, ધ્વનિ, નાભિક ઊર્જા, પ્રકાશ, રસાયણ, વીજળી – તેમનું પરસ્પર રૂપાંતર થયા કરે છે. પ્રાકૃતિક શક્તિને ઊર્જા (એનર્જી) કહે છે. તેને જ્યારે ઉપયોગમાં લેવાય ત્યારે શક્તિ (પાવર) કહે છે. વીજળી દીવામાં વીજળી શક્તિનું તાપ અને પ્રકાશમાં રૂપાંતર થાય છે. પંખો ચાલે તેમાં વીજળીનું ચુંબકત્વમાં અને ચુંબકત્વનું ગતિમાં રૂપાંતર થાય છે. ડાયનેમો અથવા જનિત્રમાં આ પ્રક્રિયા અવળા ક્રમમાં થાય છે. તેમાં ચુંબકત્વની સહાયથી ગતિશક્તિનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. બાષ્પક કે બૉઈલરમાં તાપશક્તિ ગતિશક્તિ આપે છે. તપેલી વસ્તુ ઠંડી પડે ત્યારે તેની તાપશક્તિ આસપાસના વાયુ આદિ પદાર્થોને ગતિશક્તિ આપે છે. આ શક્તિ વધારે વિસ્તારમાં પ્રસરતાં તેની તીવ્રતા મંદ પડે છે. આ ઊર્જા ઉપયોગી કાર્ય કર્યા વિના રૂપાંતર પામે છે.

પ્રશ્ન : મહુવાથી રજાહુસેન બચુભાઈ પૂછે છે : સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું નિયમિત સંચાલન કેવી રીતે થાય છે ?
ઉત્તર : એવું મનાય છે કે આશરે તેર અબજ વર્ષ પૂર્વે આદિ પરમવિસ્ફોટમાં દ્રવ્યના ટુકડા વિપુલ ઊર્જા સાથે બધી દિશામાં નિકટદૂર ફંગોળાયા. આ સાથે જ નિર્બલ આંતરક્રિયા, ગુરુત્વબળ, વીજચુંબકી આંતરક્રિયા તથા પ્રબળ આંતરક્રિયાનો જન્મ થયો. બ્રહ્માંડમાં વેરાયેલા આ ટુકડા ઉપર પ્રમાણેની આંતરક્રિયાઓથી મંદાકિની, નિહારિકા, તારા, ગ્રહો આદિ પિંડોમાં રૂપાંતર પામ્યા. પ્રારંભિક ધક્કાને કારણે તે બધા ગોળગોળ ફરતા જાય. પરસ્પરન ગુરુત્વાકર્ષણને લીધે તેમની ગતિની ઝડપ તથા દિશા એવી રીતે નિયંત્રિત થઈ, જેમાંથી સૌરમંડળ જેવી રચનાઓ ઉત્ક્રાંત થઈ. પૃથ્વી તેની જન્મગત ઊર્જાથી ધરી પર તથા સીધી લીટીમાં ગતિ કરતી થઈ, તેના પર સૂર્ય, ચંદ્ર તથા આસપાસના ગ્રહાદિના ગુરુત્વબળનો પ્રભાવ પડતાં પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરતી થઈ. જ્યાં સુધી અન્ય પરિબળો વચ્ચે આવે નહિ, ત્યાં સુધી આ ગતિવિધિ ચાલ્યા કરે છે. ટૂંકા સમયગાળા માટે પરિવર્તન જેવું કંઈ જોઈ શકાતું નથી. પણ, બ્રહ્માંડના સંદર્ભમાં યુગ કે કલ્પ જેવો લાંબો ગાળો લઈએ તો આ નિયમિતતા સ્થાયી નથી. ઉ.દા. ભૂતકાળમાં પૃથ્વીની ધરીની ગતિ વેગીલી હતી. દિવસ 4 કલાકનો હતો. પણ સૂર્ય, ચંદ્રના ગુરુત્વબળની સતત બ્રેક જેવી અસરથી ધરી મંદ પડતી જાય છે. આવતા યુગમાં પૃથ્વીનો દિવસ 40 કલાકનો થઈ જશે. આમ પ્રાકૃતિક પરિબળો તથા ભૌતિક નિયમો પૃથ્વી ચંદ્ર સૂર્યાદિનું સંચાલન કરે છે. પ્રાચીન ભારતી વિજ્ઞાનીઓએ પ્રકૃતિની આ મૂળ વ્યવસ્થાને ઋત નામ આપ્યું છે. આ ઋત એ જ સત્ય છે. ઋતં ચ સત્યમ્

પ્રશ્ન : મુંબઈથી થાવર ભા. ગડા પૂછે છે : લાગણીઓ તરંગો સર્જે છે ?
ઉત્તર : લાગણીઓ અથવા મનોવૈજ્ઞાનિક આવેગો તરંગો સર્જે છે. પણ, પ્રચલિત ભૌતિક સાધનો વડે તેમને પારખવાનું હજુ શક્ય બન્યું નથી. આ ક્ષેત્ર હજુ કેવળ વ્યક્તિગત અનુભવનું રહ્યું છે. દર્શન, શ્રવણ, કે કેવળ સ્મરણ માત્રથી સજીવમાં શ્વસન, અભિસરણ, રક્તચાપ, તાપમાન, આદિમાં વધઘટ જોવા મળે છે, તે આનું પ્રમાણ છે.

પ્રશ્ન : મુંબઈથી મીના રમાકાન્ત મરચન્ટ પૂછે છે : ચમકતી વીજળીની ઊડતા વિમાન ઉપર શી અસર થાય છે ?
ઉત્તર : પાણીના સાગરમાં તરણ સરળ બને તે માટે પ્રકૃતિએ માછલીને વિશેષ ઘાટ આપ્યો છે. તે ઉપરથી વાયુના સાગરમાં તરવાની સરળતા માટે માણસે વિમાન માટે માછલીના ઘાટને મળતો ઘાટ પસંદ કર્યો. આનો બીજો લાભ પણ છે. તે એ કે આકાશી વીજળી સામે આ ઘાટ રક્ષણ આપે છે. વિમાનનું શરીર બે ભિન્ન પડોનું બનાવવામાં આવે છે. છેક બહારનું સ્તર વીજળીવાહક હોય છે. તેની અંદરની બાજુ વીજળી પ્રતિરોધક સ્તર રાખવામાં આવે છે. વળી, આગળપાછળના ઘાટ શંકુ આકારના રખાય છે. આથી, સંજોગવશ વિમાન વીજળીતાંડવમાં પ્રવેશે તો વાદળાંની વીજળી વિમાનના શરીરના એક છેડેથી પ્રવેશી બીજા છેડેથી બહાર વહી જાય છે.

ધરતી પર આપણે જે જોઈએ છીએ, તે સાચી રીતે આકાશી વીજળીનું ત્રાટક નથી. આકાશી વીજળી અદ્શ્યરૂપે ધરતી ઉપર ત્રાટકે છે, તે જ ક્ષણે ધરતી ઉપરથી સામી વીજળી ત્રાટકે છે, જે આપણે તેજસ્વી ચમકારા રૂપે જોઈએ છીએ. વાતાવરણમાં મેઘગર્જનાઓ થતી હોય ત્યારે ઘરમાં કે વાહનમાં રહેવું વધારે સુરક્ષિત છે. વૃક્ષ નીચે આશરો લેવો ભયજનક છે. વીજળીના તાંડવ સમયે જો વાયુનું ચક્રવાત આદિ તાંડવ પણ હોય તો તે વિમાન માટે ભયજનક બની શકે છે. વિમાનના માર્ગદર્શક રેડિયોકિરણોમાં વિક્ષેપ થાય તે પણ ભયજનક નીવડે છે.

પ્રશ્ન : મુંબઈથી તનસુખલાલ કારિયા પૂછે છે : વિશ્વબેન્ક વિકસતા દેશોને મોટી રકમોનું ધિરાણ આપે છે. એકત્ર આંકડો વિરાટ થાય છે. આ નાણાં વિશ્વબેન્ક ક્યાંથી ઊભાં કરે છે ?
ઉત્તર : ઈ.સ. 1945માં યુ.સ્ટે.ની રાજધાની વોશિંગ્ટનમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય પુન:રચના અને વિકાસ બેન્ક અથવા વિશ્વ બેન્ક બીજી કોઈ પણ બૅન્ક જેવી મૂડીના ભરણા સાથે સ્થપાયેલી બૅન્ક છે. તે વ્યક્તિઓના બદલે રાષ્ટ્રોનાં શાસનો તથા મોટી પેઢીઓ જોડે વ્યવહાર કરે છે. તેની અધિકૃત મૂડી એક ખર્વ, 90 અબજ, 81 કરોડ ડૉલર છે. 183 સભ્ય દેશોએ તેમાં એક ખર્વ, 89 અબજ, 50 કરોડ આપવા સ્વીકાર્યું છે. ખરેખર ભરપાઈ થયેલી (પેઈડ અપ) મૂડી 11 અબજ 48 કરોડ ડૉલર છે. આટલી મૂડીથી કામ ચાલે નહિ. તેથી, જેમ કંપનીઓ, નગરપાલિકાઓ તથા શાસન શૅર, ડિબેન્ચર, બૉન્ડ આદિ બહાર પાડીને જનતા પાસેથી નાણાં મેળવે છે, તેમ વિશ્વ બૅન્કે પણ વિશ્વનાં મોટાં મૂડીબજારોમાંથી બૉન્ડ બહાર પાડીને નાણાં મેળવવાની પદ્ધતિ અપનાવી. નાણાં લાંબી અવધિ માટે પ્રમાણમાં ઓછા વ્યાજના દરે એકત્ર કરાય છે. આ ભંડોળમાંથી વિકસતા દેશોને થોડા ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે. ધિરાણની પરત ચુકવણી, વ્યાજની આવક તથા બીજી રીતે કરેલી બચતો વડે બૅન્ક તેનું ભંડોળ વિસ્તારે છે અને, મોટી રકમો ધીરી શકે છે. ઉપરાંત, વિશ્વબૅન્ક નિજી પેઢી કે સંસ્થાનાં ધિરાણ સામે બાંયધરી આપીને ધિરાણ મેળવવામાં સહાય કરે છે.

પ્રશ્ન : મુંબઈથી ઘનશ્યામ હ. ભરૂચા પૂછે છે : આપણા દેશમાં કેટલા પ્રકારના આદિવાસીઓ વસે છે ? તેમના મુખ્ય ઉત્સવો કયા ક્યા છે ?
ઉત્તર : દેશની આદિવાસી ઉત્કર્ષ યોજનાઓ માટે આવશ્યક માહિતી મળી રહે તે સારુ વસ્તીગણતરી વિભાગ તથા નમૂના સર્વેક્ષણ વિભાગ જેવાં તંત્રો વિગતો એકત્ર કરે છે. તે પ્રમાણે ભારતમાં 450 આદિવાસી સમુદાયો છે. નવ આદિવાસી જાતિમાં એક પણ સભ્ય બચ્યો નથી. 21 જાતિઓમાં દરેકની વસ્તી પાંચ લાખથી વધારે છે. નાગપ્રદેશની મુખ્ય નાગ આદિવાસી જાતિ રાજ્યની વસ્તીના 97 ટકા છે. 15 રાજ્યોમાં 74 આદિવાસી જાતિઓ અતિ પ્રાકૃત અવસ્થામાં છે. ઉપજાતિ (રેસ)ની દષ્ટિએ આદિવાસીઓ આર્ય, પ્રદક્ષિણી, સીદી અને મંગલ એ ચાર પ્રકાર ધરાવે છે. આદિવાસીઓ હિંદુ ધર્મના બધા મુખ્ય પર્વો-ઉત્સવો પોતપોતાની શૈલીએ ઊજવે છે. હોળી, દશેરા, દિવાળી, દિવાસો, અખાત્રીજ, પિઠોરો, આમલી અગિયારશ, જન્માષ્ટમી, નવરાત્રિ, ગોળ ગધેડો, શ્રાદ્ધ પર્વ, બળેવ, વાધ બારશ, કાળી ચૌદશ આદિ પર્વો નૃત્ય, નવાં પરિધાન, રમતગમત આદિથી ઊજવે છે.

પ્રશ્ન : અમદાવાદથી ભર્ગા માંકડ પૂછે છે : ક્રિકેટમાં બૅટધરને આઉટ ઠરાવવા બૉલર તથા ફિલ્ડરો દ્વારા ‘હાઉ’ઝ ધેટ’ જેવી અપીલ કરાય છે તેનો આરંભ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો ?
ઉત્તર : લંડનની ક્રિકેટ કલબે તા. 18-6-1744ના દિવસે રમાયેલી ક્રિકેટ રમતના અનુસંધાનમાં એ જ વર્ષે પહેલવહેલા નિયમો ઘડ્યા. 1987માં લંડનમાં મેરિલબોન ક્રિકેટ કલબ સ્થપાઈ. તેણે સમયાંતરે નિયમો સુધાર્યા. આંતરરાષ્ટ્રીય મંડળે આ નિયમો સ્વીકાર્યા. ક્રિકેટમાં બૅટધર બારેક રીતે આઉટ થાય છે. આઉટ-નોટઆઉટ વિશે અમ્પાયરનો નિર્ણય બંધનકર્તા છે. જૂના નિયમ અનુસાર બૉલર કે ફિલ્ડર અપીલ કરે તો જ અમ્પાયર નિર્ણય આપી શકે છે. એટલે, જ્યારે બૉલર કે ફિલ્ડરને બૅટધર આઉટ થયેલો લાગે કે તરત તે અમ્પાયર તરફ ફરીને ‘આઉટ છે. તમે શું કહો છો.’ જેવા શબ્દો અંગ્રેજીમાં બોલીને અપીલ કરે છે. તેનું ટૂંકું રૂપ ‘હાઉ’ઝ ધેટ’ કે ‘હાઉ ઈઝ ધેટ’ છે. આ અપીલ પ્રથા 18મી સદીના અંતભાગથી ચાલતી આવી છે. અમ્પાયર આંગળી ઊંચી કરીને હકારમાં નિર્ણય આપે તો ખેલાડી આઉટ ગણાય છે. અગાઉ બન્ને અમ્પાયર સંમત ના થાય તો ખેલાડી નોટઆઉટ ગણાતો. હવે ત્રીજા અમ્પાયરનો નિર્ણય છેવટનો ગણાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગીતા પ્રવચનો – વિનોબા
વાડને પેલે પાર – ધીરુબહેન પટેલ Next »   

16 પ્રતિભાવો : જ્ઞાનગોષ્ઠિ – બંસીધર શુક્લ

 1. gopal parekh says:

  આ વિભાગ બહુ જ ગમ્યો,અભિનંદન

 2. સવાલ-જવાબ દ્વારા માહિતીનો ખજાનો મળ્યો!

 3. pragnaju says:

  જ્ઞાનગોષ્ઠિ – માં આપણા મનમા ઉદભવતા ઘણાં સવાલોનાં તર્કશુધ્ધ જવાબો બદલ
  બંસીધર શુક્લને ધન્યવાદ

 4. ભાવના શુક્લા says:

  સુંદર માહીતી મળી રહી…. વારંવાર આપતા રહેવા વિનંતી.

 5. Trupti Trivedi says:

  I liked this area of ReadGujarati. Together with other sections it is creating Rainbow of knowledge. Thanks.

 6. અએક બન્સિધરે ગિતા ગાઈ. આ બન્સિધર તેના પ્રશ્નો ના જવાબ આપે છે. સારુ કામ છ્હે.
  અધર બન્સિધર શુક્લ ને સલામ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.