વાડને પેલે પાર – ધીરુબહેન પટેલ

બાગની કાતરને સરખી ધાર ન હોય એનો તો કંઈ અર્થ જ નહીં ને ! આમ તો નારાયણરાવને પોતાનાં બાવડાંનું અભિમાન હતું. તેમાંય બાગકામ એટલે તો ઘણી મામૂલી વાત કહેવાય. છતાં આજે આ કડવી મેંદીનાં જાડાં ડાળખાં બરાબર ગાંઠતાં નહોતાં એટલે એમને મનમાં ખરાબ લાગતું હતું. ઘડીએ ને વારે એમને અટકવું પડતું, જ્યારે વાડની પેલી બાજુએથી એક સરખો લયબદ્ધ સપાસપ્…. સપાસપ્ અવાજ આવ્યા કરતો હતો. એમાં એક જાતનું સંગીત સંભળાતું હતું, માણસનો શ્રમ હરે અને આત્મવિશ્વાસ જગાડે એવું.

એ લક્ષ્મીદાસ સંપત કદાચ પોતાનાથી બેપાંચ વર્ષ નાનો હશે. તોય શું ? ક્યાં આ ગોટલા ચડી જાય એવી ઘડી ઘડી અટકી જતી પોતાના હાથની ગતિ અને ક્યાં પેલાનું સપ્ સપ્ સપાસપ્ ? કદાચ એની વાડ કુમળી હોય…. નવી હોય…. પણ તોય તે ? આખરે એણે પેલી બાજુ ડોકાઈને કહ્યું, ‘તમારી કાતર જરા જોઉં ?’
‘હા, હા ! લ્યો ને ! મારું હવે પતવા જ આવ્યું છે. ખરું જોતાં હું તમને પૂછવાનો જ હતો કે કેમ આજે આમ બાપુની ગાડી જેવું ચાલ્યું છે તમારું ?’
‘શું ?’
‘વચ્ચે વચ્ચે અટકી જાય અને ખચ ખચ કરવા લાગે એટલે સહેજે વિચાર આવે. કેમ નહીં ?’ કહી હસતાં હસતાં સંપતે પોતાની કાતર નારાયણરાવને ધરી. ખિજાવું જોઈતું હતું પણ ખીજ ન ચડી. રાહત પામીને નારાયણરાવે સંપતની કાતર લીધી અને બાકીની વાડ ફટાફટ કાપી નાખી. ઘરમાં જતાં વિચાર આવ્યો, માણસ ખોટો નથી. સંબંધ રાખવા જેવો. આમેય હવે જાનકીના ગયા પછી બહુ સંબંધો ક્યાં રહ્યા છે ?

ત્યાર પછી ત્રણચાર દિવસે ગુલછડીના ક્યારામાં ગોડ કરતાં વિચાર આવ્યો, થોડા કાંદા સંપતને આપી શકાય. આમેય કાઢી નાખવા પડે એના કરતાં છોને એની વાડીમાં ઊગતા ! સંપતે ના ન પાડી. ઊલટાના નમ્ર ભાવે બેચાર સવાલ પૂછ્યા. નારાયણરાવને પોતાનું જ્ઞાન ઠાલવવાની એક તક મળી. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીતનો વ્યવહાર બંધાયો પણ તે બાગકામ પૂરતો જ. તોય સારું લાગતું હતું. એકબીજાના ક્યારાની સરખામણી, દુષ્ટ કોળ અને જીવડાંઓના આક્રમણથી બચવાની વ્યૂહરચના, વિવિધ જાતનાં ખાતર અને બાગકામનાં સાધનોની ગુણવત્તાની છણાવટ વગેરે અનેક રસપ્રદ વાતો થતી હતી અને બન્નેની જાણ બહાર મૈત્રી જેવું કંઈક રચાયે જતું હતું.

એમાં એક દિવસ લક્ષ્મીદાસ સંપતને ઘેર ઘણા બધા મહેમાનોની અવરજવર થઈ અને સાંજ પડ્યે બધા પાછા ગયા પછી પણ બત્તીઓનો ઝગઝગાટ ચાલુ રહ્યો. કુતૂહલ જાગ્યું તોય નારાયણરાવે પ્રશ્નો ન પૂછ્યા. એક નવો નવો નાનો અમથો સંબંધ, તેના પર બહુ ભાર ન દેવાય. ક્યાંક બટકીને તૂટી જાય તો બે ઘડી વાતનો આશરોય જાય. ‘ધારો કે મેં તમને બોલાવ્યા હોત તો તમે આવત ?’ બીજા દિવસે ઢળતી બપોરે લક્ષ્મીદાસે પૂછ્યું.
‘ક્યાં ?’
‘અરે, મારે ત્યાં. તમે જોયું તો હશે જ, બધા બહુ લોકો આવ્યા હતા.’
‘ના’ જરા વાર અટકીને નારાયણરાવે ઉમેર્યું, ‘મને એવું બધું ફાવતું નથી.’
‘મને લાગતું જ હતું.’ સંતોષપૂર્વક કહીને લક્ષ્મીદાસ સંપતે ક્યારો ગોડવામાં મન પરોવ્યું. પંદરેક મિનિટ પછી એણે પૂછ્યું : ‘મને લાગે છે કે આપણે ચા પીએ. શું કહો છો ?’
હવે આજ લગી એવું બધું કંઈ બન્યું નહોતું. સાથે બેસીને ચા પીવાનું કે એવુંતેવું, પણ નારાયણરાવને લાગ્યું કે સંપત કદાચ કાલના પ્રસંગને રોળી નાખવા માગે છે. એમણે જરાક સ્મિત કર્યું અને કહ્યું, ‘મારે ઘેર પણ ચાની તૈયારી જ હશે.’
‘તમને વાંધો ન હોય તો અહીં જ પીએ.’
‘ઑલ રાઈટ !’
ત્યાર પછી ધીરે ધીરે બાગકામ સિવાયની વાતો પણ થવા માંડી. બન્ને એકબીજાને વધારે ઓળખવા લાગ્યા, પણ અંગત જીવનની એક અદશ્ય દીવાલ કોઈએ ઓળંગવાનો પ્રયત્ન ન કર્યો. એને લીધે સારું લાગતું હતું. બન્ને દૂરના દૂર છતાં પાસે, બે ટાપુના રહેવાસી જેવા. ક્યારેક શારીરિક તકલીફોની વાત નીકળતી પણ એમાંય કશા લાગણીવેડા નહીં. પોતપોતાનું સ્વમાન અને સ્વતંત્રતા જાળવવા છતાં બન્ને નિકટ આવતા-જતા હતા અને આ આધેડ વયે આટલી માપસરની આત્મીયતા એક સદભાગ્ય જેવી લાગતી હતી. બાકીની જિંદગી આમ જ આરામદાયક રીતે વીતી જાત. એક આછી ખુશ્બો ક્યારેક આવે ન આવે, પણ એની હાજરી ભુલાય નહીં એવી જાતનો એ સંબંધ મનને સંતોષ આપતો હતો. અને એમાં ક્યારેય કંઈ ફરક પડે એવું લાગતું નહોતું.

પણ ચાર દિવસ સુધી નારાયણરાવ દેખાયા નહીં ત્યારે સંપતને લાગ્યું કે એમની તપાસ કરવી જોઈએ. ખાસ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે જે સારામાંનાં ઈસ્ત્રી કરેલાં કપડાં કબાટમાંથી કાઢવામાં આવતાં તે પહેરીને એ નીકળ્યો અને વાડમાંના છીંડામાંથી નહીં પણ વ્યવસ્થિત રીતે દરવાજેથી નારાયણરાવના બાગમાં ગયો. ઘરની અંદર જવાની જરૂર પડી નહીં. નારાયણરાવ ઓટલા પર જ બેઠા હતા. સંપતને જોઈને એમણે હાથ ઊંચો કર્યો અને જરા ખસીને પોતાની પાસે બેસવાની જગ્યા કરી. સંપતને ન ગમ્યું. એનાં કપડાં મેલાં થવાનાં, પણ આખરે એ ત્યાં જ ઓટલા ઉપર નારાયણરાવની પાસે બેસી ગયો. કશા સવાલ જવાબ થયા નહીં. જાણે આવી રીતે ત્રણચાર દિવસે દેખાવું અને આમ પાસે પાસે બોલ્યા વગર બેસવું એ જ ખૂબ સ્વાભાવિક છે. પાએક કલાક પછી નારાયણરાવે કહ્યું : ‘હવે જો અહીં કોઈ સ્ત્રી હોય તો બોલ્યા વગર રહે નહીં.’
‘એ લોકોને એવી ટેવ હોય છે.’
‘ઠીક છે, થોડું ઘણું બોલે તે ચલાવી લેવાય પણ એ તો પૂછી પૂછીને માથું ખાઈ જાય – તમે જાણો છો ને ?’
‘હા, અને પછી ચિડાય.’
‘કે રડે.’
‘થાક લાગે એમની સાથે રહેવાનો.’
‘હં… જોકે કેટલાક ફાયદા ખરા.’
‘ઠીક હવે. પૈસા હોય અને સારા નોકરો હોય તો કંઈ વાંધો ન આવે.’
‘બરાબર. સારા પાડોશી હોય તો વળી વધારે સારું.’
‘હં.’
સ્મિતની તો નહીં પણ નજરની આપ-લે થઈ અને બાગની હવા કંઈક વધારે સુખદાયક લાગી.
‘સંપત !’
‘શું કહો છો ?’
‘બને તો આ લોકોથી દૂર જ રહેવું. જેમ બને તેમ દૂર. ઠીક છે, મા તો જાણે હોય. બહેનનેય નિભાવવી પડે. બાકી આ માશી-કાકી-મામી-ફોઈ એ બધાં લફરામાં પડવા જેવું નહીં.’
‘કેટલીક વાર ભાભીઓ હોય છે.’
‘હા. એ વળી વધારે વળગતી આવે. પણ ટૂંકમાં, એ બધાં એવાં ને એવાં. આપણને શાંતિથી જીવવા ન દે.’
‘ખરું છે.’
મૌનના થાંભલાઓ પર સંમતિનો ઘૂમટ રચાઈ ગયો, પણ મનમાં જાગેલા મહાપ્રશ્નને કોઈએ ઓઠ પર આવવા દીધો નહીં. અંધારું થવા આવ્યું એટલે સંપત હળવે રહીને ઊઠ્યો. નારાયણરાવે બેઠાં બેઠાં જ કહ્યું : ‘કાલે તો હું આવીશ. તમારી ગુલછડીમાં એક્કે ફૂલ આવ્યું ?’
‘ના, પણ ડોડા મજબૂત છે. એકદમ ભરચક.’
‘તો સારું. બહુ પાણી ન નાખતા.’
‘ના.’
રાતે સૂતાં સૂતાં સંપતને વિચાર આવ્યો, નારાયણરાવના મન પર કશોક ભાર તો છે. પણ…. હશે, એમને જરૂર લાગશે તો એમની મેળે કહેશે.

બીજી સાંજે નારાયણરાવ વાયદા પ્રમાણે આવ્યા. ગુલછડી ઉપરાંત બીજા પણ કેટલાક છોડવાનું નિરીક્ષણ થયું. પણ કશી ખાસ વાત ન થઈ. તોય એવું લાગતું હતું કે એકાદ મનમોજી પતંગિયું હળવેથી તરતું આવીને કોઈ ફૂલ પર ચક્કર મારે છે. જાણે હમણાં બેસશે, હમણાં બેસશે પણ આખરે ઊડી જાય છે. સંપતે સચિંત ભાવે નારાયણરાવ સામે જોયું. એની આંખોમાં ઈંતેજારી તો જરાક જ હતી. બાકીની બધી હતી લાગણી – નામ ન પડાય એવી, છતાં સાચી. નારાયણરાવ ઢીલા પડ્યા. એમનાથી બોલાઈ ગયું :
‘સંપત, એક વાત કહું ?’ પછી વળી સંપત જવાબ આપે ન આપે એ પહેલાં જોરથી બોલ્યા, ‘કંઈ નહીં, કાલે વાત.’
રિવાજ નહોતો છતાં સંપત દરવાજા લગી વળાવવા ગયો અને બહુ ધીમેથી બોલ્યો : ‘કંઈ કામ હોય તો કહેજો.’
‘હં.’
નારાયણરાવ ચાલી ગયા. સંપત થોડી વાર ઊભો રહ્યો. એને યાદ આવ્યું, નાનો હતો ત્યારે પહેલી વાર બાપુ જોડે બૅન્કમાં ગયેલો-લૉકર ખોલવાની કેટલી અટપટી વિધિ ! મનની વાત કહેવાનું પણ સહેલું નથી. તોય પોતાનો વાંક તો કહેવાય. પૂછવું જોઈતું હતું. બહુ બહુ તો વાત ન કરત. એમાં શું અપમાન થઈ જવાનું હતું ? પણ આજે તો એ તક ગઈ.

બીજે દિવસે ગુરુવાર હતો. નારાયણરાવ રોજ કરતાં વહેલા આવ્યા. એમના મનનો અજંપો અગરબત્તીના ઝીણા ધુમાડા જેવો ઘડી ઘડી અસ્થિરપણે દેખાતો હતો અને અલોપ થઈ જતો હતો. સંપતે નક્કી કર્યું કે આજે તો જે થાય તે, પૂછી જ નાખું. પણ એને પૂછવું ન પડ્યું. ગોરસઆમલીનાં ખૂબ ઊંચે વધી ગયેલાં પાન સામે સ્થિર દષ્ટિ કરીને નારાયણરાવ બોલ્યા, ‘જાનકીનો કાગળ આવ્યો છે.’
‘જાનકી ?’
‘હં. મારી વાઈફ, એક્સ વાઈફ – જે કહેવું હોય તે. અમે કાયદેસર રીતે છૂટાં પડી ગયાં છીએ. આમેય છૂટાં જેવાં જ હતાં.’ સંપત હોંકારો ભણ્યા વગર ધ્યાનથી સાંભળતો હતો.
‘હવે આટલા બધા વખત પછી એણે કાગળ લખ્યો છે એ – એ પાછી આવવા માગે છે.’

પર્વતની ટોચેથી ગબડતો આવતો પથ્થર રસ્તો રૂંધીને સ્થિર થઈ ગયો. કેટલો વખત ગયો તેનો કંઈ ખ્યાલ રહ્યો નહીં. અચાનક નારાયણરાવે આવેશમાં આવીને બોલવા માંડ્યું : ‘શા માટે ? મેં એનું શું બગાડ્યું છે ? પહેલાં કંઈ એણે ઓછું વિતાડ્યું છે મને ? અને હવે તો બધું પતી ગયું છે. એને જે જોઈતું હતું તે બધું મળી ગયું છે – ને મને – મને પણ એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. છોકરા હોત તોય વાત જુદી હતી. આ તો કોઈ કરતાં કોઈ કારણ જ નથી સંપત, સમજ્યા તમે ? શા માટે એ મને ફરી વાર સતાવવા માગે છે ? એનો શો હક છે ? કોઈ નહીં, કોઈ જ નહીં. અને એ કેવી છે, જાણો છો ?

એક મિનિટ તમને જંપીને બેસવા ન દે. બધી વાતમાં, તમારી એકેએક વાતમાં એ માથાં મારે અને એની નાપસંદગી એકધારા તીણા અવાજે જણાવ્યા જ કરે. તમે સાંભળવા જીવતા રહ્યા છો કે મરી ગયા છો એની પણ એ પરવા ન કરે. બસ – બોલ્યા જ કરે. આવી બાઈને ઘરમાં શી રીતે આવવા દેવાય ? અને તે પણ આ ઉંમરે – શાંતિનાં બેચાર વરસ બાકી રહ્યા હોય ત્યારે ? ના, હું એને નથી આવવા દેવાનો. ભલે એનાથી થાય તે કરી લે !’ ગુસ્સાથી લાલ થઈ ગયેલા ચહેરા પર નારાયણરાવે હાથ ફેરવ્યો, જાણે મોં ધોઈ નાખ્યું.
‘તો તમે એને – એ જાનકીબેનને ના લખી દો ને !’
‘એ જ છે ને ! સંપત, મને મારા પર ચીડ ચડે છે…. પણ મેં એને હા પાડી દીધી.’
‘ઓહ !’
‘શું કરું ?’ નારાયણરાવે મોં ફેરવી લીધું, પણ એમનાં આંસુ એમના ચહેરાને, એમના અવાજને, એમની ઊભા રહેવાની આખી ઢબને હચમચાવી નાખીને વહેવા લાગ્યાં. સંપત એમની સામે જોઈ ન શક્યો. ધરતીકંપથી તૂટી પડતા મિનારા સામેથી નજર ખસેડાય નહીં અને જોવાય પણ નહીં એવો એ પળે એના મનનો ઘાટ હતો. એણે મૂંગા મૂંગા હાથ લંબાવીને હળવેથી નારાયણરાવના ખભા પર મૂક્યો. નારાયણરાવે જરા વાર એ રહેવા દીધો અને પછી આસ્તેથી ખસેડી નાખ્યો.

સ્વસ્થ થયા પછી એ બોલ્યા : ‘સંપત ! એ દુ:ખી છે. ખૂબ દુ:ખી. શું કરું ? એક વખત તો મેં એનો હાથ પકડ્યો હતો. આજે તેનું કોઈ નથી ત્યારે હું એને આશરો આપવાની ના પાડું ? એ કેમ બને ? એટલે હવે મેં લખી દીધું છે અને કાલે સવારે એ આવશે….. મારે તમને આ બધું કહેવું જોઈએ, કારણ કે કાલથી આપણે આમ મળી નહીં શકીએ…. મારી જિંદગી બદલાઈ જશે, હું બદલાઈ જઈશ – મને મળવાની તમને મજા નહીં આવે. કોઈને મજા નહીં આવે. સમજો છો, સંપત ?’ સંપતે જવાબ ન દીધો. એને પોતાના અવાજનો ભરોસો નહોતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનગોષ્ઠિ – બંસીધર શુક્લ
હોય છે – રાકેશ હાંસલિયા Next »   

14 પ્રતિભાવો : વાડને પેલે પાર – ધીરુબહેન પટેલ

 1. krunal choksi, NC says:

  y do i feel tht its repeating?

 2. Brinda says:

  very shocking! zzzzz

 3. Dhaval B. Shah says:

  I didn’t understand the story…..”મારી જિંદગી બદલાઈ જશે, હું બદલાઈ જઈશ – મને મળવાની તમને મજા નહીં આવે. કોઈને મજા નહીં આવે. સમજો છો, સંપત ?’ “?????

 4. Mohita says:

  Very nicely written. So many layers to the story. Had to read it a few times to really understand it. I have read many of Dhiruben’s works but this is by far the best. Totally made my friday morning.

 5. ભાવના શુક્લા says:

  એજ તો છે લાગણીના સંબંધોની પરવશતા. મન જેને હડસેલી નાખે..ધરાર બહાર ધકેલી સાકળ વાસી બેસી જાય ને “આ તો નહીજજ” ની ગાઠ વાળે ત્યારે હૃદય તેને જ હળવેથી આંગલી પકડી નાનાશા સળવળાટ જેવુય કર્યા વગર અંદર લાવી મુકે અને પછી થાય કે વસ્ત્ર હોયતો બદલી શકાય આતો આપણી ત્વચા જ!! જેવી છે તેવી…

 6. Hemant Jani. says:

  નારાયણરાવ એટલે મારી જ આજકાલની મનોદશા.
  ધીરુબેનની નવલિકાની કથાબીજ હમેશા વાસ્ત્વીક જીવનની આસપાસની હોય છે.
  ખુબ મજા આવી, ધન્યવાદ.

 7. NamiAnami says:

  This is one of the few stories I would put in line with Sharadbabu and Tagor’s short stories. એક નાની શી માનવિય સંવેદના ની હર્દય ના તારો ને ઝણઝણાવી મૂકે તેવી રજુઆત.

 8. SURESH TRIVEDI says:

  MAN IS BOUND BY THE CIRCUMSTANCES.SO ONE HAS TO CHANGE THE ATTITUDE TOWARDS THE LIFE AT AN ANY AGE.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.