સમજદારી – ઈન્દુબહેન પંડ્યા

મુન્નાને સ્કૂલની વાનમાં બેસાડીને દિશા ઘરમાં આવી ત્યારે એને ગઈકાલવાળી વાત યાદ આવી. માસાની ઉત્તરક્રિયામાં મોસાળ પક્ષનાં સગાં ભેળાં થયેલાં; ત્યારે સ્ત્રીઓના ઘેરામાં બાના શબ્દો સંભળાયા :
‘મારી દિશા તો બાપડી સાવ અડધી થઈ ગઈ છે. નણંદ પાછી આવી. છૂટું કરીને એય ને મા-બાપના ઘેર ડેરા-તંબૂ તાણ્યા છે. કેવી જાડી-પાડી થઈ પડી છે. મોં પર જરાય દુ:ખ દેખાય છે ? જેમતેમ કરતાં દોઢ વરસ થવા આવ્યું. હવે તો નોકરી પર લાગી છે, તે એય ને બની-ઠનીને, ફૂલફટાક થઈને ફરવાનું. બહાર નીકળવા માટે નોકરી જેવું એકેય બહાનું નહિ.’

ત્યાં બીજી સ્ત્રીનો અવાજ સંભળાયો : ‘તમારું કહેવું બરાબર છે વજીબહેન. આપણી દિશાય હજી તો ઉંમરમાં નાની છે. પેલી કરતાંય ત્રણેક વરસ નાની છે. આટલી ઉંમરમાં તો ઘર આખાનો ઢસરડો માથે આવી પડ્યો.’ ત્યાં માસીનો અવાજ સંભળાયો : ‘હા, એને જુદા થવું હોય તો ક્યાં પરાણે રહેવાનું ? દુનિયા આખીમાં ધારો ચાલ્યો આવે છે કે દીકરા તો અલગ થાય. એમાં કંઈ નવું નથી.’
ત્યાં માસીની દીકરી સુધા બોલી ઊઠી : ‘હા, દિશા કેટલુંક સહન કરે ? અમારેય માજીનો કટકટારો ચાલુ જ હતો. મેં એમને કહ્યું : ‘ફલેટ નોંધાવી રાખો – આગળ ઉપર કામ આવશે.’ સમીરભાઈનાં લગ્નની જ વાટ હતી. માજીનો કકળાટ થયો ત્યારે જ કહી દીધું : ‘હવે અમારો કંઈ વાંક નથી.’ માજીએ તોરમાં ને તોરમાં કહી દીધું : ‘ન પોષાતું હોય તો થઈ જાવ જુદા.’ બસ એના બોલવાની જ રાહ હતી. પિયરનો સામાન તો મેડા પર પૅક રાખેલો જ હતો. ગૅસનો ચૂલો અને વધારાનો બીજો બાટલો પણ પાછલા વંડામાં રહેતા એ લઈ લીધા. થઈ ગયાં અલગ. જુદા ફલેટમાં. હવે મારા ઘરવાળા અઠવાડિયે બે વાર આંટો મારી આવે. મહિનામાં એક વખત હું પણ જાઉં. એથી ખબર પડે કે ત્યાં શું ચાલે છે. નવી વહુની સાથે ભળે કે ન ભળે આપણે કંઈ લેવા-દેવા ?’

દિશાને કાને આવી વાતોથી અલગ થવાની વાત વધુ દઢ થતી હતી. એની ઘણી સાહેલીઓ પણ સ્વતંત્ર જિંદગી જીવતી હતી. બ્યુટી પાર્લરમાં જવું; પાર્ટી-પિકનિકમાં કપલ હોય. ઘરે રસોઈની કે બીજી કોઈ ઝંઝટ ન હોય. ઘરમાં કોઈ વડીલ ન હોવાથી ફૅશનેબલ વસ્ત્રો પહેરવા મળે. કોઈ રોકટોક નહિ કે કેટલા પૈસા શોપિંગમાં ખર્ચ્યા એની પંચાત નહિ. પિયરથી આવે ત્યારે દિશા બે દિવસ સુધી મોં ચડાવીને ફરે. કોઈ સાથે બોલે નહિ. સાસુનાં સલાહ-સૂચનોની અવગણના કરે ત્યારે પતિના મોં પર ગુસ્સાના ભાવ ઊપસી આવે પણ નણંદ ઈશારાથી માને ચૂપ રહેવા, સમજીને મૌન રહેવા કહે. સીમાભાઈને પણ સમજાવે : ‘ભઈલા, તારે અલગ થવું હોય તો થઈ જજે. અમને વાંધો નથી. પરંતુ તું જાણે છે ને કે મોટો ભાઈ નોકરીને બહાને દૂર ચાલ્યો ગયો. તારો પગાર ઓછો છે. પિતાની તબિયત નરમ રહે છે, છતાંય નોકરી ખેંચે છે. ભવિષ્યમાં પેન્શન આવશે એટલે એમનું બન્નેનું પૂરું થઈ જશે. પરંતુ એક વાર અલગ થઈ જઈશ પછી બાજી હાથમાંથી ચાલી જશે. તું મા-બાપ માટે ખેંચાઈશ પરંતુ પારકી જણીને કંઈ લગાવ આ ઘર કે ઘરના માટે નહિ રહે. છતાંય કજિયાનું મોં કાળું – પત્ની માટેય તારી ફરજ છે. એનો મત જાણી લેવો.’

બહાર ફરવાને બહાને સુમિત દિશાને લઈ ગયો. બન્ને હોટલમાં જમીને ભક્તિનગર સર્કલના બાંકડે બેઠા.
સુમિતે કહ્યું : ‘દિશા, આપણે સ્વતંત્રપણે રહીએ છીએ એવું નથી લાગતું ? ઘરનો કારભાર આપણા હાથમાં છે. બાપુજી પણ પગાર તારા હાથમાં આપે છે. બા અને બહેન પણ આપણા વહીવટમાં માથું નથી મારતાં. બહેન તો બાપડી ઘર ભાંગ્યું એટલે આવી. આપણી એક કહેવત છે : ભાંગ્યું ભાણું કંસારે જાય – એને મા-બાપને ઘેર જ જવું પડે ને ? અત્યારનો જ વિચાર કર. ઘરમાં રહેવાથી મુન્નાને સાચવવાની જવાબદારી બા, બાપુજી અને બહેન પર છે. મુન્નાને સારી સ્કૂલમાં ભણવા મૂક્યો એ કોના કારણે ? દીદીના જ. મોંઘી ફી અને ડ્રેસ, સ્કૂલ વાનના ખર્ચા બહેનના પગારમાંથી જ થાય છે ને ? વળી બહાર જવું હોય તો ઘરની કે મુન્નાની કંઈ ચિંતા રહે છે ? બા અને બહેન બધું સંભાળે છે.

વળી આપણે અલગ રહીએ તો આટલી ફેસિલિટીથી રહી શકીએ ? ભાડાના ઘરમાં આટલી બધી વિશાળ જગ્યા મળે ખરી ? સગાંવહાલામાં ચાંલ્લો કરવાનો હોય એય બાપુજી કરે છે, આપણે તો પ્રસંગમાં મોજ માણીએ છીએ. આપણી હાજરી જ બા-બાપુજી અને બહેનને રાહત આપે છે. જો તું બીજાની વાતો ધ્યાનમાં લેવાને બદલે આપણા હિતની દષ્ટિએ વિચાર કરીશ તો મારી વાત ગળે ઊતરશે.
દિશાએ કહ્યું : ‘અલગ રહીને પણ આપણે આપણી ફરજ બજાવી શકીએ.’
સુમિતે કહ્યું : ‘એમાં લાગણીની મીઠાશ ન હોય, ઔપચારિકતા નિભાવવાની વાત હોય. બા-બાપુજીને આ ઉંમરે હૂંફની, સહારાની જરૂર હોય, પૈસાની ગણતરીની નહિ; એકલી પડી ગયેલી બહેન તો બાપડી વખાની મારી અહીં આવી પડી છે. મોટાભાઈ તો પાંચસો કિલોમીટર દૂર છે. જ્યારે અહીં તો પાંચ-છ સભ્યો છીએ – એમાં ક્યાં પંદર-વીસનો પરિવાર છે ? તે તારે કામનો બોજો વધી જવાનો ? કામવાળી ત્રણ કામ કરી જાય છે. એમાં બીજા કામમાં બા અને બહેન મદદ કરે છે. વળી આપણે આર્થિક રીતે ક્યાં તકલીફ પડવાની ? સૌ આનંદ અને શાંતિપૂર્વક રહી શકીએ છીએ.
તોય આટલી વાતને અંતે દિશા બોલી ઊઠી : ‘છતાંય મોટાભાઈ-ભાભીની જેમ સ્વતંત્ર રીતે થોડાં રહી શકાય ?’
‘ભલે, જેવી તારી મરજી.’ કહી સુમિતે વાતને ત્યાં જ ધરબી દીધી.

બે દિવસ એમ જ વીતી ગયા. કોઈએ પછી એ વાત ઉચ્ચારી નહિ. દિશા મનોમન અકળાતી હતી. ત્યાં જ ઓચિંતા મુન્નાને સખત તાવ આવ્યો. હૉસ્પિટલમાં દાખલ કર્યો. ચાર દિવસની સારવાર પછી રજા મળી. ઘેર આવ્યા પછી દિશાએ સાસુજીને કહ્યું : ‘બા, મારે એક વાત કરવી છે.’
સાસુએ કહ્યું : ‘કહેને ? એમાં પૂછવાનું હોય ?’
દિશાની આંખો આંસુથી છલકાઈ ઊઠી. ‘બા, અમે ક્યાંય જવાનાં નથી. તમારી સાથે જ રહીશું. મુન્નાની બીમારી વખતે રાત-દિવસ જોયા વિના ઉજાગરા કરતાં મેં તમને જોયાં છે. દીદી પણ ઘર સંભાળીને દોડાદોડી કરતાં હતાં. હવે તમને છોડીને જવાનો વિચાર પણ નહિ કરું.’ સાસુની આંખોનાં પોપચાં નમી ગયાં. દિશાને મનોમન આશિષ આપતાં હોય એમ એમનો હાથ વાંસામાં ફરતો દિશાએ અનુભવ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોય છે – રાકેશ હાંસલિયા
અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ Next »   

22 પ્રતિભાવો : સમજદારી – ઈન્દુબહેન પંડ્યા

 1. Tarang Hathi says:

  આજના પાશ્ચત્ય સન્સ્ક્રુતિ તરફ જતા સમાજ માટે લાલ બત્તિ સમાન લેખ છે.

  ખુબ ગમ્યો આનંદ થયો.

 2. સરસ લેખ…

 3. Hemant Jani. says:

  ખુબ સરસ લેખ
  સન્યુક્ત કુટુમ્બનિ લુપ્ત થતી ભાવના આવા લેખોથિ સચવાઈ રહેશે.
  અભિનન્દન્.

 4. Ramesh Shah says:

  ખબર નહિ પણ કોણ જાણે આવો એકાદો બનાવ બન્યા પછી જ સાસુ-સસરા કે નણંદ ની કિમંત કેમ સમજાતી હશે?

 5. kalpen says:

  very good story ….
  in times like today … nuclear families must understand that its not the parents that they are looking after but its them & their children only who are getting looked after by parents and safeguarded in todays horrible time.

 6. ભાવના શુક્લ says:

  સરસ વાત…. સહયોગથી જીવાતુ દરેક જીવન પળેપળની ચિંતામુક્તિ અને શાતા આપે છે.

 7. paresh chaudhari says:

  aflatun kharekhar aaj na yug ni stri e vanch va ne jivan ma utarva jevi vat che
  khub saras
  ghanu saras
  thanks

 8. કલ્પેશ says:

  સ્વતંત્રતા કોને નથી ગમતી?
  પણ એની સાથે જવાબદારી પણ આવે છે ને?

  ઘણી વખત એમ લાગે છે કે વિદેશના લોકો આપણી રીત-ભાતને અપનાવી રહ્યા છે જ્યારે આપણે તેઓ જે છોડી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે એની પાછળ દોડીએ છીએ.

 9. ભાવના શુક્લ says:

  વાર્તામા પાત્રો લીધેલા હોય છે વાર્તાકારે વાર્તાને એક આકારમા લાવવા માટે પરંતુ તે માત્ર માનસજાતના પ્રતિકો હોઇ શકે….
  કોઇપણ સારો સંદેશો માત્ર સ્ત્રી કે માત્ર પુરુષ માટે નથી હોતો. સારી અને સાચી વસ્તુતો દરેકે સમજવાની હોય. સંયુક્ત કુટુંબ કે સહજીવનની પ્રમાણિકતા બન્ને પાત્રોમા ખુટતી હોય શકે જે દરેક સ્ત્રી કે દરેક પુરુષ નહી માણસ માત્રએ સમજવાની હોય શકે.

 10. AMI says:

  BAHU J SARAS

 11. Abhilash D. Pandya says:

  તમારો લેખ ખુબ જ પ્રેરના આપનારો છે. ખુબ જ સુન્દર છે. યુવાનો માટે પ્રેરનારૂપ છે.
  અભિનન્દન.

 12. ranjan pandya says:

  ઘરડા માબાપને આર્થીક સહારા કરતાં માનસિક સહારાની,આંતરિક હુંફની વધુ જરુર હોય છે—-આટલી અમસ્તી વાત સંતાનો કેમ નહિ સમજતા હોય?

 13. SURESH TRIVEDI says:

  અન્ન નોખા તેના મન નોખ તે સાવ સાચિ વાત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.