બાળસાહિત્યની આવતી કાલ – ડૉ. હુંદરાજ બલવાણી

[‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુઆરી-2008માંથી સાભાર.]

વિજ્ઞાન અને ટૅકનોલોજીના ક્ષેત્રે જે રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, નવી-નવી શોધો સામાન્ય જનજીવનનો ભાગ બની રહી છે, નવાં-નવાં વૈજ્ઞાનિક ઉપકરણોનાં કારણે આપણા રોજિંદા જીવનમાં પરિવર્તનો થઈ રહ્યાં છે તે જોતાં સાહિત્યમાં પણ પરિવર્તનો સ્વાભાવિક છે. બાળસાહિત્યમાં પણ પરિવર્તનો થતાં રહ્યાં છે. બાળસાહિત્યમાં પહેલાં જે લખાયું અને આજે જે લખાય છે અને આવતી કાલે જે લખાશે તેમાં અંતર અપેક્ષિત છે. આજે તેની માત્ર કલ્પના જ થઈ શકે. આમ તો આવતી કાલનું બાળક પણ બાળક જ રહેવાનું. તેની જિજ્ઞાસાઓ, કુતૂહલ અને કલ્પનાઓ પણ આજની જેવાં જ રહેવાનાં. પરંતુ આજે વિજ્ઞાન અને ટેકનૉલોજીના ક્ષેત્રે જે રીતે પ્રગતિ થઈ રહી છે તે જોતાં એમ કહી શકાય કે આવતી કાલનું બાળક વિજ્ઞાન અને ટૅકનૉલોજીના વાતાવરણમાં ઊછરનારું હશે. આપણે નાનાં હતાં ત્યારે આજે ટી.વી. જેવી સાવ સામાન્ય અને પરિચિત લાગતી વસ્તુથી તદ્દન વંચિત હતાં. આજે ઈલેક્ટ્રોનિકનાં અનેક સાધનો બાળક પોતાની આસપાસ, પોતાના ઘરમાં જુએ છે. આવતી કાલના બાળકને વિજ્ઞાન ક્યાં લઈ જશે તેનું અનુમાન પણ શક્ય નથી. કોઈ પણ સાહિત્ય, તે ભલે બાળસાહિત્ય હોય કે પ્રૌઢસાહિત્ય, સમયને અનુરૂપ તેમાં ફેરફાર થવાનું સ્વાભાવિક છે. ગુજરાતીમાં શરૂઆતમાં જે બાળસાહિત્ય લખાયું તેના કરતાં આજનું બાળસાહિત્ય સાવ જુદું તો નહિ પરંતુ વિષયો, શૈલી અને પ્રસ્તુતી જેવી બાબતોમાં અલગ દેખાય છે.

ગુજરાતી બાળસાહિત્યની શરૂઆત અંગ્રેજોના આગમન પછી થઈ. તે પહેલાં પણ બાળસાહિત્ય હતું પરંતુ તે લોકસાહિત્ય તરીકે ઉપલબ્ધ હતું. સેંકડો વર્ષોથી કંઠની પરંપરાથી ચાલતા આવતા સાહિત્યમાં જોડકણાં, ઉખાણાં ઉપરાંત લોકકથાઓ પણ ઉપલબ્ધ હતી. પંચતંત્ર, ઈસપ, હિતોપદેશ, રામાયણ, મહાભારત, અકબર-બીરબલ, રાજાઓ-મહારાજાઓ, સાધુ-સંતો, બહારવટિયાઓ વગેરેની વાર્તાઓ પણ ઉપલબ્ધ હતી. પાઠ્યપુસ્તકોના પ્રકાશન પછી એમાંનું કેટલુંક સાહિત્ય પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થવા લાગ્યું. ‘ઈસપનીતિ કથાઓ’ જેવાં પુસ્તકો છપાઈને બહાર પડ્યાં. દલપતરામે ‘આપના અઢાર છે’, ‘બાપાની પીપર’, ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’, ‘એક અડપલો છોકરો’ જેવી રચનાઓ ન્હાનાલાલે ‘ગણ્યા ગણાય નહિ’, ‘મા, મને ચાંદલિયો’ જેવી રચનાઓ બાળકોને ભેટ આપી. તે સમયે લખાયેલી કેટલીક રચનાઓમાં ઉપદેશ હોવા છતાં આજે પણ એટલી જ બાળભોગ્ય છે. કાવ્યલેખનની પરંપરાને ત્રિભુવન વ્યાસ, દેશળજી પરમાર, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોષી, ‘સુંદરમ્’, સ્નેહરશ્મિ, સોમાભાઈ ભાવસાર, બાલમુકુંદ દવે, જુગતરામ દવે, ચંદ્રવદન મહેતા, રમણલાલ સોની, રાજેન્દ્ર શાહ અને એવા અનેક કવિઓએ જાળવી રાખી.

બાળવાર્તાક્ષેત્રે ગિજુભાઈએ ઘણું જ નોંધપાત્ર કામ કર્યું. એમણે લોકસાહિત્યમાંથી વીણી-વીણીને બાળવાર્તાઓ બાળકો સમક્ષ મૂકી. શિશુથી કિશોરવયનાં બાળકો માટે તેમનાં રસ, રુચિ અને પસંદગી પ્રમાણે વાર્તાઓ પસંદ કરીને રસપ્રદ શૈલીમાં સૌપ્રથમ બાળકો સમક્ષ રજૂ કરી. તે પછી જ આ વાર્તાઓ આપણને મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થઈ. એટલે જ એમની વાર્તાઓ પ્રસ્તુતીકરણની સશક્ત શૈલીના કારણે આજે પણ બાળકોનાં મન જીતી લે છે. ભારતની કેટલીક ભાષાઓમાં એમની વાર્તાઓના અનુવાદ થયા છે. ગિજુભાઈએ નાટકો પણ લખ્યાં અને બાળકો પાસેથી રજૂ પણ કરાવ્યાં. યશવંત પંડ્યા, જયંતિ દલાલ, નટવરલાલ માલવી, ધનંજય શાહ, ચંદ્રવદન મહેતા, બાબુભાઈ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી તથા અન્ય લેખકોએ પણ નાટ્યલેખનમાં ફાળો આપ્યો.

ગુજરાતીમાં શરૂઆતમાં જે કાવ્યો લખાયાં તેમાં પ્રાર્થનાગીત, પ્રકૃતિની વસ્તુઓ, પશુ-પક્ષીઓ, કુટુંબ-પરિવાર, ઋતુઓ, તહેવારો, રમતો વગેરે જેવા વિષયો પર ખૂબ જ મોટા પ્રમાણમાં કાવ્યો હતાં. બાળવાર્તાઓ મુખ્યત્વે લોકસાહિત્યમાંથી મેળવીને લખાઈ. દેશ-વિદેશની ભાષાઓમાંથી સીધેસીધું અનુવાદ કરીને અથવા પોતાની ભાષામાં રજૂ કરીને લખાઈ. લેખકો અને કવિઓનો ઝોક મુખ્યત્વે બાળકોને નીતિ અને સદાચારનાં મૂલ્યો શીખવવાનો વધુ હતો. એટલે જ સૌથી વધારે પ્રમાણમાં બોધદાયક વાર્તાઓ પીરસવામાં આવતી. પરંતુ વીસમી સદીના ત્રીજા દાયકાથી પરિસ્થિતિ બદલાઈ. સંપૂર્ણપણે બાળસાહિત્ય કહી શકાય એવું બાળસાહિત્ય લખાયું. તેમાં ગિજુભાઈનું પ્રદાન સૌથી વધુ કહી શકાય. હંસાબહેન મહેતા, નટવરલાલ માલવી, નાગરદાસ ઈ. પટેલ, રમણલાલ નાનાલાલ શાહ વગેરેએ પણ બાળવાર્તાલેખનમાં પોતાનો ફાળો આપ્યો. રમણલાલ સોનીએ ગલબા શિયાળની, હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલની, જીવરામ જોશીએ મિયાં ફુસકી અને તભા ભટ્ટની વાર્તાઓ આપી.

જે પર્યાવરણથી ગઈ કાલનાં બાળકો પરિચિત હતાં તે પર્યાવરણથી ખાસ કરીને મોટાં શહેરોનાં બાળકો ભાગ્યે જ પરિચિત છે. તેથી બાળસાહિત્યમાં પણ નવા-નવા વિષયો આવરી લેવાયા છે. મકરંદ દવેનું ‘ટમી ગઈ સ્કૂલ’, રવીન્દ્ર ઠાકોરનું ‘ઘડિયાળના કાંટા’, કાન્તિ કડિયાનું ‘યુનિફૉર્મથી કંટાળી’, રમેશ પારેખનું ‘મોટો મોટો થાઉં’, રમેશ ત્રિવેદીનું ‘બસ હવામાં ઊડી’, હરિકૃષ્ણ પાઠકનું ‘સ્કાયલૅબ પડે તો શું થાય’, યૉસેફ મૅકવાનનું ‘નાનકડું વેકેશન’, કૃષ્ણ દવેનું ‘ભોંદુભાઈ તોફાની’ વગેરે આધુનિક જગતમાં રહેતાં આજનાં બાળકોનાં કાવ્યો છે. વાર્તાઓમાં પણ ઘણી નવીનતા જોવા મળે છે. રમેશ પારેખની ‘એક હતું ખિસ્સું’ અને ‘સાઈકલ માંદી પડી’, ઘનશ્યામ દેસાઈની ‘જીરાફને નોકરી મળી’ અને ‘વેપારી કરોળિયો’, ઉદયન ઠક્કરની ‘તોમ તોમ તનનન’ અને ‘એન મિલાકે ટેન મિલાકે છૂ’, લાભશંકર ઠાકરની ‘કાગડા અંકલ મમરાવાળા’ અને ‘નદી કાંઠે ડરાઉં ડરાઉં’ વગેરે આજની આધુનિક વાર્તાઓના સુંદર ઉદાહરણો છે. વિષયો અને શૈલીની દષ્ટિએ આજની ગુજરાતી બાળવાર્તા બીજી ભારતીય ભાષાઓની પડખે ઊભી છે. કેટલીક બાબતોમાં તો અમુક ભાષાઓ કરતાં પણ આગળ છે.

ગઈ કાલ અને આજના બાળસાહિત્યના પછી બાળસાહિત્યની આવતી કાલ કેવી હશે, તે એક સ્વાભાવિક પ્રશ્ન છે. જોકે બાળસાહિત્યનો ભાવક એટલે કે બાળક આવતી કાલે પણ જિજ્ઞાસા, કલ્પના, કુતૂહલ વગેરેની દષ્ટિએ ગઈ કાલના ને આજના બાળક જેવું રહેવાનું છે. તેમ છતાં વિજ્ઞાન અને ટૅકનોલોજીના યુગમાં બાળકની સમજ, જાણકારી, જ્ઞાનમાં વધારો થતો રહે છે એ જોતાં આવતી કાલનું બાળસાહિત્ય પણ તેનાથી અસ્પૃષ્ટ રહેવાનું નથી. આવતી કાલનું બાળક તીવ્ર ગતિથી બદલાતા વાતાવરણમાં ઊછરનારું હશે તેથી બાળસાહિત્ય પણ તેવા બદલાયેલા વાતાવરણને અનુરૂપ પસંદ કરશે.

આજનું બાળક ઘરઆંગણનાં પશુ-પક્ષીઓ – ચકલી, પોપટ, મોર, ખિસકોલી, પતંગિયાં વગેરેથી દૂર થતું જાય છે. સંતાકૂકડી, આંબલી-પીપળી, સાતતાળીની રમતો ગલીઓ અને પોળોમાં રમાતી નથી. શાળાઓમાં પાટી-પેનનો ઉપયોગ વર્ષોથી બંધ છે. પિતાને બાપુ અને માતાને બા કહેનારી પેઢી હવે જોવા મળતી નથી. આજનું બાળક ખિસકોલીના બદલે ડાયનોસર જેવા વિશાળકાય જીવો વિશે સાંભળવાનું-જોવાનું વધારે પસંદ કરે છે. પિત્ઝા, બર્ગર, મન્ચ્યુરન જેવી વાનગીઓ ખાવાનું વધારે પસંદ કરે છે. ક્રિકેટ અને વીડિયો ગેઈમ્સ જોવામાં તેને વધારે રસ પડે છે. પાટી-પેનની જગ્યા કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર જેવી વસ્તુઓએ ક્યારની લઈ લીધી છે. અંગ્રેજી કલ્ચરમાં ઊછરનારી પેઢી માતા-પિતાને મોમ-ડેડ કહેવામાં ગર્વ અનુભવે છે. અંગ્રેજીની અસર આજના બાળસાહિત્ય ઉપર પણ દેખાય છે. એટલે જ લાઠાદાદા પોતાની એક વાર્તાનું નામ ‘કાગડા અંકલ મમરાવાળા’ રાખે છે અને સુરેશ દલાલના એક કાવ્યમાં ‘કિંગ-કવીન’ આવે છે.

ભવિષ્યની વાર્તામાં પરીની જગ્યાએ કમ્પ્યૂટર અને રોબૉટ જેવાં પાત્રો પરી કરતાં વધારે ચમત્કારો સર્જશે. જાદુગરના જાદુને વિજ્ઞાનની સૂઝબૂઝ ધરાવતું બાળક પડકારશે. આ લેખકની લખાયેલી એક વાર્તા ‘ખૂલ જા સિમસિમ’માં એક બાળક વિનોદ, જાદુગરને પડકારે છે. ટ્રેન અથવા બસની મુસાફરીના બદલે રૉકેટ દ્વારા એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ફરતા લોકોની વાર્તાઓ બાળકને વધારે આકર્ષિત કરશે. હોડીમાં બેસીને દરિયાની સૈર કરવાની વાતના બદલે બાળક સાગરના પેટાળમાં પડેલી વસ્તુઓ અને જીવો વિશેની વાર્તાઓ પસંદ કરશે. વર્ષોથી પારંપરિક ઢબે ચાલતી નિશાળોના બદલે શક્ય છે કે ભવિષ્યમાં બાળક ઘરમાં જ કોઈક ‘ટીચરમશીન’ દ્વારા શિક્ષણ મેળવે. આ લેખકે ‘સો વર્ષ પછીની શાળા’ વાર્તામાં એવી કલ્પના કરી છે. આજે શરીરનું કોઈ અંગ નકામું થઈ જાય તો તેની જગ્યાએ ડૉક્ટરો બીજુ અંગ બેસાડી શકે છે. શક્ય છે કે ભવિષ્યમાં આ વિષય પર પણ કોઈ વાર્તા લખાય. હવે ઈલેક્ટ્રૉનિકનાં નવાં-નવાં ઉપકરણો આવતાં જાય છે. રેડિયોની જગ્યા ટી.વી.એ લીધી છે. તેમાંય જાતજાતની ચૅનલોએ તેના પર કબજો કરી દીધો છે. ગ્રામોફોન પછી ઑડિયો કૅસેટ્સ અને હવે વીસીડી-ડીવીડી અને એવું ઘણું બધું આવતું જાય છે, ઉમેરાતું જાય છે. ટેલિફોન ઉપર મોબાઈલ ફોનનું આક્રમણ થયું છે. આજનું બાળક આ બધાં ઉપકરણોથી પરિચિત છે. બાળસાહિત્યમાં આ ઉપકરણોને સ્થાન મળતું જાય છે. ભવિષ્યમાં બીજાં નવાં ઉપકરણોનો બાળસાહિત્યમાં સમાવેશ થતો રહેશે.

આવું બધું આવતી કાલના બાળસાહિત્યમાં આવવાની શક્યતા હોવા છતાં કેટલીક પાયારૂપ બાબતોમાં બાળસાહિત્યમાં કોઈ મોટો ફેર પડવાનો નથી. માત્ર વિષયો બદલાશે, કાવ્ય કે વાર્તા લખવાની રીત બદલાશે, શૈલી બદલાશે અને અભિવ્યક્તિ પણ બદલાશે. પહેલાનું બાળક પરીઓ અને જાદુગરોની ચમત્કારિક વાતો સાંભળવામાં રસ દાખવતું, હવે એને રોબૉટ અને કમ્પ્યૂટરની ચમત્કારિક વાતોમાં રસ પડે છે. આવતી કાલે રોબૉટની જગ્યા નવી શોધો લેશે તો તેમના ચમત્કારની વાતો તેને ગમશે. આ રીતે બાળકની જિજ્ઞાસાવૃત્તિમાં કોઈ ફેર પડવાનો નથી. આ ઉપરાંત માનવજીવનનાં કેટલાંક મૂલ્યો અને લાગણીઓની વાતો પણ બાળસાહિત્યમાં યથાવત રહેવાની.

બાળસાહિત્ય વિશે સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે આજનું બાળક બાળસાહિત્ય વાંચતું નથી. તેને સ્કૂલના ઢગલાબંધ ગૃહકાર્યમાંથી ફુરસદ મળતી નથી. બીજું, સમૂહમાધ્યમોના આક્રમણના કારણે પણ બાળક પુસ્તક કે સામાયિકમાં કોઈ કવિતા કે વાર્તા વાંચવાનું પસંદ કરતું નથી. આમ, બાળક મુદ્રિત સાહિત્યથી ધીરે-ધીરે વિમુખ થતું જાય છે. એટલે જ ગુજરાતી અને અન્ય ભાષાઓમાં મુદ્રિત બાળસાહિત્યના બદલે ઑડિયો-વીડિયો કૅસેટ્સ, વીસીડી-ડીવીડી વગેરે જેવાં ઉપકરણો દ્વારા બાળસાહિત્ય બાળકો સમક્ષ મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બાળકાવ્યો – બાળવાર્તાઓ મુખ્યત્વે તો સાંભળવા માટે છે, વાંચવા માટે નથી. વાંચતાં ન આવડતું હોય તેવા સાવ નાની ઉંમરનાં બાળકોને પણ વાર્તા સાંભળવામાં રસ પડી શકે. બાળવાર્તાની લખાવટ પણ મુખ્યત્વે શ્રાવ્યતાને અનુલક્ષીને થાય છે. એ જોતાં હવે આવતી કાલની બાળવાર્તાઓનો આનંદ બાળકો બાળવાર્તાની મૂલગત પ્રકૃતિ અનુસાર વાર્તા સાંભળીને લઈ શકશે.

આજે બાળકો કમ્પ્યૂટર, ઈન્ટરનેટ જેવાં આધુનિક ઉપકરણોનો જે સહજતાથી ઉપયોગ કરી રહ્યાં છે તે જોતાં આજનાં ને હવે પછીના સમયનાં બાળકો પોતાની જાતે ઉપકરણોનો ઉપયોગ કરીને વાર્તાઓ-ગીતો સાંભળશે. અલબત્ત, ભારત જેવા દેશમાં ઘેરઘેર આવાં ઉપકરણો સુલભ નહિ જ હોય, પણ જાહેર બાળગ્રંથાલયો આવાં સાધનોથી સુસજ્જ હશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજમાવી જુઓ – સંકલિત
શોધ સીતાની – હર્ષદ જાની Next »   

10 પ્રતિભાવો : બાળસાહિત્યની આવતી કાલ – ડૉ. હુંદરાજ બલવાણી

 1. Mohita says:

  વાહ!! ખુબ સરસ..
  મારૂ બાળપણ યાદ આવી ગયુ…
  ગણ્યા ગણાય નહિ
  વીણ્યા વીણાય નહિ
  તોય મારી છાબડી મા માય…..
  (તારા)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.