શોધ સીતાની – હર્ષદ જાની

[ ગુજરાત સરકાર (ગાંધીનગર) તરફથી પ્રકાશિત થતા ‘ગુજરાત’ સામાયિકના દીપોત્સવી અંક માંથી સાભાર. ]

gujarat magazine‘એક સિક્રેટ કામ સોંપવું છે તને.’ પ્રશાંતે એના મિત્ર જયેશને કહ્યું અને ઉમેર્યું : ‘વાત જરા ખાનગી છે અને મને ખાતરી છે કે તું યાર આમાં મને જરૂર હેલ્પ કરીશ….’
‘અરે… જરૂર કરીશ. એમાં આટલો ગંભીર અને ગમગીન શા માટે બની ગયો છે ? વાત શી છે એ મને કહે ને !..’
‘વાત જાણે એમ છે કે…’ જરા મૂંઝવણ અનુભવતાં પ્રશાંતે કહ્યું : ‘વાત જાણે એમ છે કે તારે… આઈ મીન કોઈ પણ સોર્સ દ્વારા એક યુવતી અંગે માહિતી મેળવી લેવાની છે. માહિતી એટલે… આઈ મીન… એના ચારિત્ર્ય અંગે… એના અંગત જીવન અંગે….’
‘યુવતીના ચારિત્ર્ય અંગે…. અંગત જીવન અંગે અને તેય તારે વળી જરૂર શી છે ?… કોઈના અંગત જીવન અંગે આપણે શા માટે ચિંતા કરવી ? તું યાર હવે ઠેકાણે પડી જાને… એટલે આ ફાંફાં મારવાનાં બંધ થઈ જાય…’ જયેશે જરા હળવાશથી કહ્યું અને ઉમેર્યું : ‘તને આમેય છોકરીઓમાં પહેલેથી જ જરા ઈન્ટરેસ્ટ વધારે છે….’

જયેશની વાત કાપી નાખતાં પ્રશાંતે કહ્યું : ‘હવે એ માટે પૂર્ણવિરામ મૂકવાનો વિચાર છે.. તને જરા વિગતે વાત કરું…. મેં આમ તો ઘણી છોકરીઓનાં ઈન્ટરવ્યૂ લીધાં છે પણ કોઈ બરાબર સેટ થતી નથી. પણ એક છોકરીએ મને વિચારતો કરી મૂક્યો છે. આઈ મીન… મને ગમી ગઈ છે. પણ મનમાં જરા શંકા રહે છે. એ અનહદ રૂપાળી તો છે જ પણ સાથે સાથે સ્માર્ટ અને ફ્રી નેચરની લાગે છે એટલે જ મને શંકા રહે છે કે વધુ પડતી સ્માર્ટ… રૂપનો કટકો…. ના સમજ્યો ? એટલે એના અંગત જીવન અંગે વહેમ જ રહે. અને પાછી સર્વિસ…. ના સમજ્યો જયેશ ? આમ રૂપમાં તો અપ્સરા સમી, પણ હવે એનું ભીતરી રૂપ જાણવું છે.’
‘ખોટો જ વહેમ છે તારો. રૂપાળી હોય એટલે રખડેલ જ હોય એવું કંઈ ઓછું છે ? ફ્રી નેચરનો અર્થ એવો નથી થતો કે છોકરી જ્યાં ને ત્યાં ફાંફાં જ મારતી હોય કે જેને ને તેને વશ થઈ જતી હોય… શું સમજ્યો પ્રશાંત ? મારી વાઈફ પ્રેરણા રૂપાળી નથી ? હસીને વાત કરવાની એને ટેવ નથી ? એનો અર્થ એ નથી કે……

જયેશને અધવચ્ચે અટકાવતાં પ્રશાંત બોલ્યો : ‘યાર… તું તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો… ભાભી, અરે પ્રેરણાભાભી તો દેવી જેવાં છે. આ તો મને જે શંકા લાગે છે એ તને કહી. વાત એમ છે કે મારે આજે એ યુવતી સાથે મુલાકાત પણ થઈ ગઈ છે. મને ગમી છે પણ ખરી. સામેથી જ એની ઑફર આવી છે પણ મને એમ થાય છે… સંબંધ પાકો કરતાં પહેલાં બધી ચોક્કસાઈ કરી લેવી સારી. વાત મારી ખોટી છે ? આ તો જિંદગીનો સવાલ છે, જરાયે મનમાં શંકા ન હોવી જોઈએ.’
‘છોકરીએ એની સંમતિ જણાવી છે ?’
‘એ તો હોય જ ને… ઑફર એના બાપા તરફથી આવી છે.’ ગર્વથી પ્રશાંતે કહ્યું, ‘એને આવો સ્માર્ટ-રૂપાળો અને એક્ઝિક્યુટિવ પોસ્ટવાળો મુરતિયો ક્યાં મળવાનો હતો ?…’
હસીને જયેશે કહ્યું : ‘એ વાત તારી સાચી હોં…. પણ આજકાલ સમય બદલાઈ ગયો છે. છોકરીઓ પણ હવે પોતાની પસંદગીનો હક્ક તરત આગળ ધરે છે. ઉમેદવાર ગમે તેવો હોય પણ… ઝટ દઈને ના પાડતાં વિચારતી નથી. આજે તો દીકરી દોરે ત્યાં જાય એવું નથી.’
‘જાણું છું…’ જરા ચીઢાતાં પ્રશાંતે કહ્યું… ‘પણ એ વાત મને સમજાવવાની જરૂર જ નથી. હું કશાથી અજાણ્યો નથી અને એટલે જ મારે બધું ફાઈનલ કરતાં પહેલાં એના અંગે જાણવું જ છે.’
‘અચ્છા… ચર્ચા જવા દે, અને મને એ કહે કે છોકરી છે કોણ ? અને એના અંગે જરૂરી માહિતી આપ….. તને અઠવાડિયામાં જ છોકરી અંગે સંપૂર્ણ વિગતો મળી જશે…’
‘ધેટ્સ રાઈટ…’ ઉમળકાથી પ્રશાંત બોલ્યો : ‘આમ તો અમારો ઈન્ટરવ્યૂ થઈ જ ગયો છે. એ છોકરી એટલે મિસ. અવનિ પાઠક. આમ તો મને ગમી ગઈ છે પણ મેં તને કહ્યું એમ….’
વચ્ચે જ જયેશે કહ્યું : ‘હું સમજું છું… પણ મારે કશી ચર્ચા કરવી નથી… તારે એના કેરેકટર અંગે જ જાણવું છે ને… ઓકે…. મને વિગતવાર એનું એડ્રેસ આપી દે….’

‘સાંભળ.. નામ છે એનું અવનિ પાઠક. એમ.એ બી.એડ કરેલું છે. અને છેલ્લાં બે-એક વર્ષથી સર્વોદય હાઈસ્કૂલમાં સર્વિસ કરે છે. સર્વોદય હાઈસ્કૂલ તો જોઈને ? બસસ્ટેન્ડની નજીકમાં જ…. હાયર સેકન્ડરીમાં.. ગુજરાતી અને સંસ્કૃત વિષય લે છે… દેખાવમાં આમ સરળ… પણ સ્માર્ટ. ગોળ ગુલાબી મોં અને નિર્દોષ છતાં આપણે જોયા જ કરીએ એવી આકર્ષક, કલામય આંખ… હું તો એની આંખ અને મ્હોં સામે જ જોયા કરતો હતો… ઈન્ટરવ્યૂ સમયે…. જરાય ગભરામણ કે ગુસ્સાનું નામનિશાન ન મળે. અને ખાસ્સો સમય એટલે કે અડધો કલાક જેટલો સમય એકાંતમાં અમે બેઠાં. પણ સાચું કહું તો મને એની આંખોમાં ગજબનો જાદુ લાગ્યો.’
વચ્ચેથી જ પ્રશાંતને અટકાવતાં જયેશે ગુસ્સે થઈને કહ્યું : ‘અલ્યા, પેલીનાં આટલાં બધાં વખાણ કરે છે… એના રૂપ પાછળ આટલો પાગલ થયો છે, કમાતી અને પાછી રૂપનો કટકો છે, પછી તારે જોઈએ શું ? એના ચારિત્ર્ય માટે આટલો પાગલ શાને થાય છે ? આવી સમજુ અને સુશીલ છે તે સંસ્કરી અને ચારિત્ર્યશીલ જ હશે ને ?’
‘મને ય એવું તો લાગે જ છે… પણ જયેશ…. ક્યારેક વધુ પડતું જાજરમાન રૂપ અને સ્માર્ટનેસ અજાણતાં પણ લપસાવી મૂકે છે અને એમાંયે આજની છોકરીઓની તો વાત જ કરવા જેવી નથી. હું કાંઈ એના માટે આક્ષેપ નથી કરતો પણ આપણા મનમાં એમ કે જ્યારે તક છે ત્યારે ચોકસાઈ કરી લેવી સારી…. અને મને ખૂબ વિચાર કરતાં તું જ યાદ આવ્યો…. કારણ કે આવી સિક્રેટ બાબતમાં…. અંગત માણસ સિવાય બીજાને વાત પણ ન થઈ શકે…. આમ તો એ મને પસંદ જ છે… પણ ઈન્ટરવ્યૂ પછી મેં એને વિચારીને જણાવવાનું કહ્યું છે. જો કે એણેય મને એ રીતે જ કહ્યું…. ઉતાવળ કર્યા વગર નિર્ણય લેવો સારો. મારા પક્ષે પણ એવું જ છે…’

‘છોકરી હોંશિયાર તો ખરી હોં…’ જયેશ હસ્યો, ‘ફાંફાં મારતાં હીરો હાથમાં લાગી ગયો જ માનજે.’
‘મનેય એવું જ લાગે છે…’ ઉત્સાહથી પ્રશાંત બોલ્યો, ‘આ તો જરા શંકા થાય છે એટલે એમ કે… ના સમજ્યો ? પણ જયેશ પ્લીઝ, આ બધું તદ્દન ખાનગી રહેવું જોઈએ. તું અને હું બે જ જાણીએ…. એ અવનિને પણ ખ્યાલ ન આવવો જોઈએ કે મેં એને માટે આવી શંકા… આવી ઈન્કવાયરી કરાવી છે….’
પ્રશાંતને અટકાવતાં જયેશે કહ્યું : ‘બેફિકર રહેજે આ બાબતમાં. તારી અવનિને ખબર પણ નહીં પડે કે એના અંગે કોઈ છૂપી માહિતી મેળગી ગયું છે. એ માટે તારી ભાભીને જ… આઈ મીન.. પ્રેરણાને જ મારે આ કામ સોંપવું પડશે.’
‘પ્રેરણાભાભીને ?…. ભાભીને થશે કે ?…
‘હવે મૂકને બધી પંચાત….’ જયેશ બોલ્યો : ‘એને તો હું સમજાવી દઈશ કે છોકરી જરા ફ્રી નેચરની… અને એક્ટિવિટીમાં રસ ધરાવતી છે એટલે આપણે તપાસ કરવાની કે એને કોઈ લફરું તો નથી ને…. પાછળથી આપણે ક્યાં હેરાન થઈએ….!’
‘આઈડિયા સારો છે. એમાં ખોટું પણ કશું નથી. જમાનો આજે છે ય એવો.. અને કાયદા પણ.’
જયેશે કહ્યું : મેં એ રીતનો પ્લાન વિચાર્યો છે કે પ્રેરણાની એક બહેનપણી છે… વૈશાલી…. ઘણી વાર એ રસ્તામાં મળી જાય છે અને બનતાં સુધી એ પણ આ સ્કૂલમાં જ સર્વિસ કરે છે અને કદાચ નહીં કરતી હોય તો એની કોઈ ઓળખીતી મારફતે તપાસ કરાવીશું. ડોન્ટ વરી, હું ગમે તે હિસાબે અઠવાડિયામાં તો તને પૂરી માહિતી આપી જ દઈશ…’
‘મારી પણ એવી જ ઈચ્છા છે. વેળાસર સ્પષ્ટ થઈ જાય તો સારું. વેળાસર ફાઈનલ થઈ જાય ને….’
‘ઉતાવળ જબરી લાગે છે…’ જયેશ હસ્યો, ‘ફોન-બોન કરે છે કે નહિ ?’
‘એ યાર થોડી આમ રીજીડ છે… મેં એને ફોન નંબર આપ્યો છે, પણ એ મોબાઈલ રાખતી નથી.. કહે.. પછી ક્યાં નથી ફોન કરવાના !’
‘હોય તો યે તને નંબર ન આપે….’
‘જે હશે તે. રાખે તોય આમ તો મારે ફોન કરવો હોય તો હું સ્કૂલ પર પણ કરી શકું… પણ… આપણે ઉતાવળ કરવી નથી… જોઉં છું કે એ મને ફોન કરે છે કે નહીં… મારો મોબાઈલ નંબર મેં આપ્યો જ છે એને…’
‘તો તો ઈંતેજારીમાં મજા આવતી હશે ?’
‘મજા તો ત્યારે આવશે જ્યારે બધું નક્કી થઈ જશે… ખરેખર આ છોકરી છે તો…’
‘હવે એ વાત તો ઘણી વાર સાંભળી…’ વ્યંગમાં હસીને જયેશે કહ્યું : ‘વખાણ કરતાં થાકતો નથી ને મનમાંથી વહેમ જતો નથી… બેટર…. મારું માને તો…. આ બધી ભાંજગડ જ જવા દે….’
‘કેમ ? તને હજુ તપાસ કરવામાં ગભરાટ થાય છે ?’
‘ગભરાટ અને મને ? ચાલ જવા દે એ વાત જ… તને… અવનિ પાઠક અંગે સંપૂર્ણ માહિતી મળી જશે… ઓ.કે. હું જાઉં હવે.’
‘મને ખબર આપજે…. પ્રશાંત બોલ્યો અને બબડ્યો પણ ખરો, ‘આ અવનિએ તો મને હચમચાવી મૂક્યો. આટલી મૂંઝવણ અને આટલું ટેન્શન મેં ક્યારેય નથી અનુભવ્યું.’

આમ ને આમ ટેન્શનમાં પ્રશાંતના ચાર દિવસ પસાર થઈ ગયાં. એકાદવાર એ સ્કૂલ તરફ પણ આંટા મારી આવ્યો. છતાં એની હિંમત સામે જવાની ન હતી. સમજાતું ન હતું કે આ અવનિ એને માટે આટલી પડકારરૂપ કેમ હતી ? એને માટે એ આટલો ડિસ્ટર્બ કેમ હતો… ? અવનિ હતી પણ એવી જ. એની આંખોમાં એવો જાદુ હતો કે……. અને વિચારોમાં હતો ત્યાં જ ઓચિંતો પ્રશાંતનો ફોન રણક્યો. એસ.ટી.ડી. પરનો કોઈ નંબર મોબાઈલમાં સ્પષ્ટ થતો હતો. એ આગળ કંઈ વિચારે ત્યાં મધુર કર્ણપ્રિય અવાજ સંભળાયો : ‘હું અવનિ… અવનિ પાઠક બોલું છું. હાં….. તો આપને સ્પષ્ટતા કરવાની કે હવે તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો. આઈ મીન હવે હું આપણી મુલાકાત પર પૂર્ણ વિરામ મૂકું છું. ઓ.કે…. તમે હવે ફ્રી છો…. બાય….’ પ્રશાંત કંઈ બોલે એ પહેલાં ફોન કટ થઈ ગયો. પળભર તો પ્રશાંત અવાક બનીને ફોન સામે જોઈ જ રહ્યો…. ધ્રૂજી ઊઠ્યો. ગુસ્સે થયો…. અકળાયો… એની આ હિંમત ? એણે દાંત કચકચાવ્યા… વળી વિચાર થયો, કદાચ કોઈએ અવનિના નામે બોગસ ફોન કર્યો હોય તો ? જયેશને ફોન કરી જોઉં ? ના, પણ આ તો ક્રેડિટનો સવાલ હતો… અવનિને રૂબરૂ મળવાનો વિચાર થતો હતો, પણ કોણ જાણે કેમ હિંમત જ થતી નહતી. ફોન એનો જ હોય તો ? આપણી ક્રેડિટ શી ? આવું અપમાન ! આવી નફટાઈ !…. આવી નિર્લજ્જતા… વિચારોના ચગડોળમાં ઘૂમતા પ્રશાંતને બે કલાક પછી જયેશનો ફોન મળ્યો : ‘હું આવું છું…. ઘરે જ છું ને ?’

પ્રશાંતે જાત પછાડતાં કહ્યું : ‘અત્યાર સુધી શું કરતો હતો ? પેલીનો ફોન આવ્યો ત્યાં સુધી તું ફાંફાં જ મારતો હતો ને ?’ જયેશની રાહ જોતાં જોતાં એણે અવનિ સાથે જયેશને પણ મનોમન ભાંડવા માંડ્યું : થતું હતું, આમાં સાચું શું છે એ જ સમજાતું નથી. ઈન્ટરવ્યૂ વખતે તો ઘણી ડાહી ડાહી વાતો કરતી હતી, ઘણી આદર્શની વાતો કરતી હતી… અને હવે ? ચોક્કસ ભીતરની વાત કોણ જાણે ? બહારથી સંસ્કારીનું મ્હોરું પહેરી વાતો કરનારી હશે જ રખડેલ.. હશે જ ભટકતી… સ્કૂલમાં જ કોઈની સાથે લફરું હશે…. પોતાની શંકા ખોટી તો નથી જ. એ સિવાય આવો ફોન કરે જ નહીં. આજની છોકરીઓનો એટલે જ ભરોસો નથી રહેતો ને…. અવનિનું કાંઈ સમજાતું જ નથી…

લાંબી રાહ જોવી ન પડી. જયેશે આવીને બેઠક લેતાં કહ્યું : ‘તું ખૂબ ઉતાવળો છે. તને મેં કહ્યું હતું ને કે અઠવાડિયામાં તો તને સંપૂર્ણ માહિતી મળી જશે…. હું તો પાંચ જ દિવસમાં પતાવીને આવ્યો છું.’
‘શું મારું કરમ પતાવીને આવ્યો છે ?… તારા આવતાં પહેલાં જ મને ફોન મળી ગયો છે…’ ચીઢાતાં પ્રશાંત બોલ્યો, ‘પણ ફોનની વાત જવા દે… મારે એ જાણવું છે કે તું શી માહિતી લઈને આવ્યો છે…. ?’
‘સાંભળ… પ્રેરણા… આઈ મીન તારી ભાભીને મેં બધી વાત કરી… પ્રેરણાએ ખૂબ વિચાર કરી એની એક બહેનપણીને શોધી કાઢી… બહેનપણી… એટલે માલતી દેસાઈ… એ માલતી એની સાથે જ સર્વિસ કરે છે… સાથે જ ભણેલાં છે… માલતીને આ વાત સિક્રેટ રાખવા ખાસ જણાવ્યું હતું. મને લાગે છે કે માલતી તને પણ ઓળખે છે… કે પછી એનો હસબંડ….’
‘હવે યાર ગોળ ગોળ ફેરવ્યા વગર મુદ્દાની વાત કરને…. મારે માલતીના ઈતિહાસની નહીં… અવનિની ભૂગોળ જાણવી છે…. અવનિ અંગે તું શું જાણી લાવ્યો એ કહે….’ ગુસ્સે થતાં પ્રશાંત બોલ્યો.
‘મને લાગે છે કે ક્યાંક કાચું બફાઈ ગયું છે. આઈ મીન…. આપણી બધી વાત લીક થઈ ગઈ છે અને એટલે જ મને લાગે છે કે… પણ જવા દે એ વાત… તું યાર ખોટું ન લગાડતો… પણ મને શંકા છે કે કોઈકે મારા માટે… મારા અંગે મિસ ગાઈડ કરી છે.’ વચ્ચે જ જયેશે કહ્યું અને ઉમેર્યું : ‘આ તારી શંકાએ જ બધો ડાટ વાળ્યો છે…. પોતાની જાત તરફ નજર કરવી નથી અને બીજાને ભાંડવું છે….’

‘હું સમજ્યો નહીં… તું કહેવા શું માગે છે યાર ?’
‘સાંભળીશ એટલે બધું સ્પષ્ટ સમજાઈ જશે’ જયેશ આગળ બોલ્યો : ‘સાંભળ, એ માલતી દેસાઈની આ અવનિ ખાસ બહેનપણી છે અને માલતીનાં તો લગ્ન પણ થઈ ગયાં છે પણ થોડા સમયથી માલતી સર્વિસમાં જોડાઈ છે. માલતીનો તો આ તારી અવની અંગે ખૂબ ઊંચો…. આઈ મીન એના ચારિત્ર્ય અંગે સ્પષ્ટ અભિપ્રાય છે કે આ છોકરી તો… સંસ્કાર અને ચારિત્ર્ય બાબતે અણીશુદ્ધ છે…. અને એના અભ્યાસ દરમ્યાન કે આ નોકરી દરમ્યાન એની સામે કોઈ આંખ ઊંચી કરી જોઈ શક્યું નથી. એનો નેચર જ એવો છે. કોઈ લફરું ન મળે. કોઈની સાથે લાંબી ભાંજગડ નહીં. ટૂંકમાં ચારિત્ર્ય, સુશીલતા અને સંસ્કાર બાબતે સો ટચનું શુદ્ધ સોનું છે. આમ તો સામે ચઢી ઑફર કરનારા ઘણા છે, પણ…. એની ઈચ્છા મા-બાપની સંમતિ વગર આગળ વધવાની નથી… હા… એટલું ખરું કે સ્વભાવની જરા તીખી અને આખાબોલી છે…. પણ એ તો જેવું પાત્ર એવો વ્યવહાર… અને એવું ન રાખે તો નોકરી થાય પણ નહીં ને… ટૂંકમાં આવું પાત્ર તો મળવું અશક્ય તો ઠીક… પણ મુશ્કેલ તો ખરું જ….’

પ્રશાંત કાંઈ બોલવા જતો હતો એને અટકાવતાં જયેશે કહ્યું : ‘હજુ અધ્યાય અધૂરો છે. એ માલતીએ અવનિને જ આ સંબંધ અંગે વ્યક્તિનું નામ પૂછ્યું હશે અને તારા અંગે એણે જે અભિપ્રાય આપ્યો તે બિલકુલ આશ્ચર્યજનક છે…… પ્રશાંત તો રખડેલ છે. કૉલેજમાંયે એની કારકિર્દી સારી ન હતી. પૈસાદારનો છોકરો છે…. બાપનો સારો બિઝનેસ છે, પણ વ્યક્તિ તરીકે એની ક્રેડિટ સાવ ખરાબ છે. એકાદ-બે છોકરીઓ સાથે તો એનું નામ ગવાતું હતું, પણ…. એની નોકરાણી સાથેનો પ્રસંગ તો સાવ શરમજનક ગણાય. કેટલાયે પૈસા આપીને પેલીનું…. દવાખાનાનો ખર્ચ પણ…. ટૂંકમાં તારા અંગે એટલે કે તારા વ્યભિચારી જીવન અંગે અને બિભત્સ રહેણીકરણી અંગે બધી જ માહિતી અવનિને મળી ગઈ… આ તો કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી સમજ્યો ? અને અવનિ તો કહે : ‘એ પહેલાં એની જાતને તો ઢંઢોળી જુએ. પછી મારી ચકાસણી કરવા નીકળે. પાપીને વળી પથરો મારવાનો હક્ક જ શો છે ? જો કે મને ઈન્ટરવ્યૂ વખતે જ એની વાણી પરથી થોડી શંકા ગઈ જ હતી. ચાલો, સારું થયું કે વેળાસર ભાંડો ફૂટી ગયો. આદર્શનું પૂતળું….. સીતાની શોધમાં નીકળ્યું છે. પોતે રામ છે કે રાવણ એ તો નક્કી કરે…..’ બોલી જયેશે કહ્યું : ‘આ તો આપણે જ ફસાઈ પડ્યા…’ પ્રશાંતને પેલા ફોનના શબ્દો હથોડાની માફક વાગવા લાગ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળસાહિત્યની આવતી કાલ – ડૉ. હુંદરાજ બલવાણી
ભૂખ્યા રહેજો, ગમાર રહેજો – સ્ટીવ જોબ્સ Next »   

15 પ્રતિભાવો : શોધ સીતાની – હર્ષદ જાની

 1. Mahendi says:

  આવુ જ થાય આવા લોકો સાથે great nice story

 2. “જિનકે ઘર શીશે કે હોતે હૈ વોહ દુસરોં કે ઘરોં પર પથ્થર નહિ ફેંકા કરતે.. ” આવું કંઈક રાજકુમારને હમરાઝ ફીલમ માં બોલતા સાંભળેલા … આજે ફરી યાદ આવી ગયો એ ડાયલોગ… 🙂

 3. Hardik Pandya says:

  વાહ વાહ !

 4. jignesh says:

  સરસ વાત

  એક વાત સાંભળી હતી કે પ્રેમ લગ્ન અને અરેન્જ લગ્ન એ બે બાજરી ના ખેતર છે

  માણસ પ્રેમમાં પડવા વલખા મારે છે….પહેલા બાજરીના ખેતરમાં બધા ડુંડા (છોકરીઓ) જોઈને એ વિચારે કે આગળ આના કરતા સારા ડુંડા મળશે એમ કરતા કરતા ખેતર પૂરૂ થઈ જાય છે અને અરેન્જ મેરેજ ની નોબત આવી જાય છે…..પણ પછી ભાયડો પોતાની પસંદ એટલી ઊંચી રાખે છે કે બીજા ખેતરના કોઈ પણ ડુંડા એને ગમતા નથી. અને જ્યારે વિચારે કે સૌથી પહેલા જોયેલું ડુંડુ સારુ હતુ ત્યાં સુધી માં “મામા” બની જાય છે….

 5. pragnaju says:

  મી યોગી ટીવી સીરીયલ (ક્લીમ્બન વીલ્સન વુડ -નામ ચોક્કસ યાદ નથી-પર આધારિત)જેવી કથા વસ્તુ છે…શોધ સીતાની સરસ વારતા માટે હર્ષદ જાનીને અભિનંદન

 6. હષદ જાનિ એ આજની નારી અબલા નથી રહિ તે વાત વાર્તા મા જણાવી .સીતા શોધ તા પહેલા રામ બન્વુ પડે.

 7. guddy says:

  ખ રે ખ ર , સારેી વાત કેીધેી ,
  સરસ,
  અભિન્નદન

 8. anamika says:

  ખુબ જ સરસ….સાવ સાચિ વાત છે. બધાનો આજ પ્રોબ્લેમ છે.સામે વાળિ વ્યક્તિ સર્વગુણ સમ્પન્ન જોઇએ છિએ.. અને પોતાના મા ભલેને કોઇ ઠેકાણા ન હોય…..

 9. Tejas says:

  ખુબ જ સરસ..ખરેખર…માણવા જેવી અને વિચારવા જેવી નવલિકા…..
  પોતે જેવા….બીજા તેવા… એવો વિચાર માણસ ને પહેલો આવે.

  આ નવલિકા જે સામાયિકમાં પ્રકાશિત થઇ છે એ ‘ગુજરાત’ મેગેઝિન ની link કોઇક ને ખ્યાલ હોય તો મહેરબાની કરી જણાવવા વિન્ંતી.

 10. Editor says:

  પ્રિય તેજસભાઈ,

  ‘ગુજરાત’ મેગેઝીન ગાંધીનગરથી પ્રકાશિત થાય છે. તેની website : http://www.gujaratpublications.com and email : pub1-info@gujarat.gov.in છે.

  નમસ્તે.

 11. Priya says:

  nice

 12. Achubhai says:

  વાહ! ખુબ સરસ
  ક્યા ડાયલોગ હૈ….

  આભાર
  એ. મારવાડા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.