ભૂખ્યા રહેજો, ગમાર રહેજો – સ્ટીવ જોબ્સ
(અનુવાદ : યોગેશ કામદાર. 12મી જૂન, 2005ના રોજ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલું દીક્ષાન્ત પ્રવચન. નવનીત સમર્પણ – નવેમ્બર:2005માંથી સાભાર.)
[સ્ટીવ જોબ્સ વિશે : 12મી જૂન 2005ના રોજ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભનાં અતિથિવિશેષ સ્ટીવ જોબ્સે પોતાના દીક્ષાંત પ્રવચનથી યુનિવર્સિટીના સ્ટેડિયમમાં ઉપસ્થિત ત્રેવીસ હજારની મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તેમનાં વાલીઓ અને શિક્ષકગણ. સ્ટીવ જોબ્સ આવ્યા સાદું શર્ટ અને જીન્સ પહેરીને, પગમાં સામાન્ય સેન્ડલ્સ. સમારંભ વખતે પ્રસંગને અનુરૂપ બનવા ચઢાવવો પડ્યો અતિથિવિશેષનો ખાસ ગાઉન (Robe) હાજર રહેલા સૌને યાદ રહી ગયું તેમનું હૃદયસ્પર્શી વક્તવ્ય. આ સમારંભનો વિસ્તૃત અહેવાલ અને સ્ટીવ જોબ્સનું સંપૂર્ણ ભાષણ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીની સાઈટ પર http://news-service.stanford.edu/news/2005/june15/grad-061505.html ઉપલબ્ધ છે.
આજ સુધીમાં જગતભરમાં સૌથી વધુ સંખ્યામાં ખપી હોય તેવી ચીજ છે ipod. 20 કરોડથી પણ વધુ ipod વેચાયાં છે અને તેની ઘેલછા ઉત્તરોત્તર વધતી જાય છે. જોઈએ ત્યારે અને જોઈએ ત્યાં મનપસંદ સંગીત સાંભળવા સાથે લઈને જઈ શકાય તેવું ટચૂકડું ઈલેક્ટ્રોનિક સાધન એટલે ipod. હજારો મનગમતાં ગીતોનો સંગ્રહ ખીસ્સામાં રાખેલા આ ipod ની મદદથી માણી શકાય. આ ipod ના સર્જક છે સ્ટીવ જોબ્સ. તેઓ એપલ અને મેકિન્ટોશ કોમ્પ્યુટરના પણ સર્જક છે. કૉમ્પ્યુટરની કમાલને લોકભોગ્ય બનાવી જનસાધારણ સુધી પહોંચાડવામાં તેમનો મોટો ફાળો છે. કોમ્પ્યુટરની જટિલ ટેકનોલોજીને સામાન્ય નાગરિકના મિત્ર તરીકે પ્રસ્તુત કરવાનું શ્રેય પણ તેમને જાય છે.
આજથી દશ-બાર વર્ષ પહેલાં તેમણે એપલ કોમ્પ્યુટરની જાહેરખબરમાં વિશ્વની મહાન વ્યક્તિઓનાં ચિત્ર આપી માત્ર બે શબ્દોનો અદ્દભુત સંદેશ રજૂ કર્યો હતો – Think Different – જુદું વિચારો. પ્રસ્તુત છે તેમનું પ્રવચન.]
.
સમગ્ર વિશ્વમાં ટોચનાં વિશ્વવિદ્યાલયોમાંના એકમાંથી આજે તમે જ્યારે પદવી મેળવવાના છો ત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું તેને હું મારું સન્માન ગણું છું. હું તો મારી જિંદગીમાં કોઈ શૈક્ષણિક પદવી મેળવી નથી શક્યો. ખરું કહું તો કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પદવીની જો હું નજીકમાં નજીક પહોંચી શક્યો હોઉં તો તે છે આજનો પ્રસંગ. આજે હું તમને મારા જીવનને લગતી ત્રણ વાતો કહેવા ઈચ્છું છું. બસ તેટલું જ, વધુ નહીં – માત્ર ત્રણ વાતો.
પહેલી વાત છે ટપકાં જોડવાની.
રીડ કૉલેજમાં મેં છ એક મહિના અભ્યાસ કરી ભણતર છોડી દીધું. જોકે ત્યાર બાદ પણ લગભગ દોઢેક વર્ષ હું કૉલેજમાં આંટા-ફેરા કરતો રહ્યો અને પછી કૉલેજને સાવ તિલાંજલિ આપી દીધી. મેં અભ્યાસ અધૂરો કેમ છોડ્યો ?
આની શરૂઆત તો મારા જન્મ પહેલાં જ થઈ હતી. મારી જન્મદાત્રી મા કૉલેજની એક અપરિણીત વિદ્યાર્થીની હતી. તેણે મને દત્તક આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેનો ખાસ આગ્રહ હતો કે મને દત્તક લેનાર પોતે સ્નાતક હોવા જ જોઈએ. મારા જન્મ વખતે જ એક વકીલ અને તેની પત્ની મને દત્તક લે તેવું નક્કી કરાયું. હવે થયું એવું કે મારા જન્મ સાથે મને દત્તક લેવાનાં હતાં તે દંપતીએ નિર્ણય બદલ્યો અને કહ્યું કે તેમને તો દીકરી જોઈએ છે. એટલે જેમણે બાળક દત્તક લેવાની યાદીમાં નામ નોંધાવી રાખ્યાં હતાં તેવા દંપતી – મારાં પાલક માતાપિતાનો સંપર્ક કરાયો; અને તે પણ મધરાતે. પૂછ્યું : ‘અમારી પાસે એક તાજો જન્મેલો પુત્ર દત્તક આપવા માટે અણધાર્યો મળ્યો છે, તમારે જોઈએ છે ?’ તેમણે તો રાજીના રેડ થઈને હા પાડી. મારી જન્મદાત્રી માતાને પછી ખબર પડી કે મારી પાલક માતાએ કૉલેજનું શિક્ષણ પૂરું નહોતું કર્યું અને મારા પાલક પિતાએ તો શાળાનું શિક્ષણ પણ અધૂરું મૂક્યું હતું. એટલે મારી જન્મદાત્રી માતાએ તો દત્તક પ્રક્રિયાના દસ્તાવેજો પર સહી કરવાની સાફ ના પાડી. જ્યારે થોડા મહિનાઓ પછી મને દત્તક લેવા ઈચ્છતા દંપતીએ તેને ખાતરી આપી કે તેઓ મને વધુ અભ્યાસાર્થે કૉલેજમાં જરૂર મોકલશે ત્યારે મારી જન્મદાત્રી માએ દસ્તાવેજો સહી કર્યા.
અને 17 વર્ષ પછી મેં કૉલેજમાં પ્રવેશ પણ મેળવ્યો. મારી અણસમજને કારણે મેં તમારી સ્ટાનફોર્ડ કૉલેજ જેટલી જ મોંઘી કૉલેજ પસંદ કરી; અને જિંદગીભર પરસેવો પાડીને મારાં મા-બાપે જે થોડીઘણી બચત કરી હતી તે બધી મારી કૉલેજના અભ્યાસમાં ખર્ચાઈ ગઈ. શરૂઆતના છ મહિનામાં જ મને આ અભ્યાસ નિરર્થક જણાવા લાગ્યો. મને ન તો મારે મારી જિંદગીમાં શું કરવું છે તેનો ખ્યાલ હતો કે ન તો કૉલેજનો અભ્યાસ મને આ નક્કી કરવામાં મદદરૂપ થાય તેમ હતો. અને હું મારાં મા-બાપે મહામહેનતે રળેલી મૂડી મારા અભ્યાસ પાછળ ખર્ચી રહ્યો હતો. એટલે મેં કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી દેવાનો નિર્ણય લીધો એ આશા સાથે કે સૌ સારાંવાનાં થઈ રહેશે. તે વખતનો સમય ઘણો બિહામણો લાગતો હતો પણ આજે જ્યારે ભૂતકાળમાં નજર નાખું છું ત્યારે લાગે છે કે મારી જિંદગીમાં લેવાયેલો એ સારામાં સારો નિર્ણય હતો. જેવું મેં અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું કે મને અણગમતા વિષયોના વર્ગમાં હાજરી આપવામાંથી મુક્તિ મળી અને મને જે વિષયોમાં રસ પડતો તે વર્ગોમાં હું જઈ શકતો.
આ અનુભવ જરાય રોમાંચક નહોતો. મારી પાસે તો વિદ્યાર્થીગૃહમાં એક કમરો પણ નહોતો; મારા મિત્રોની રૂમમાં જમીન પર સૂઈ રહેતો. કોકા-કોલાની ખાલી બાટલીઓ હું પાછી આપતો – જે પાંચેક સેંટ મળ્યા – તેમાંથી કાંઈ ખાઈ તો શકાશે તેવી આશાથી. અને દર રવિવારે સાતેક માઈલ જેટલું ચાલીને હરે રામ મંદિરમાં જતો – પેટ ભરીને ભોજન મળે તે ઈરાદાથી. આ બધામાંથી મને આનંદ મળતો. મારી જિજ્ઞાસાવૃત્તિને કારણે હું જ્યાં જ્યાં ભટક્યો તે અનુભવો મારી ભવિષ્યની જિંદગીમાં મારા માટે વરદાનરૂપ નીવડ્યા. એક દાખલો આપું.
રીડ કૉલેજમાં ત્યારે બીજે ક્યાંય ન ઉપલબ્ધ હોય તેવો અપ્રતિમ અભ્યાસક્રમ હતો સુલેખન (Calligraphy)નો. આખી કૉલેજમાં દરેક પોસ્ટર કે નામની તક્તી સુંદર મરોડદાર અક્ષરોથી લખાયેલી હતી. મેં તો ભણવાનું છોડી દીધું હતું એટલે મારે માથે નિયમિત વર્ગો ભરવાની કોઈ જવાબદારી નહોતી રહી. મેં સુલેખનના વર્ગો ભરવાનું ઠેરવ્યું. અક્ષરો, તેમની જુદી-જુદી ભાતો, આંખને રીઝવે તેવા મરોડ, બે અક્ષરો વચ્ચે છોડવી પડતી સંતુલિત ખાલી જગ્યા, જુદા-જુદા અક્ષરો વચ્ચે કેટલું અંતર રાખીએ તો સુંદર ગોઠવણ લાગે વગેરેમાં મને આનંદ મળવા માંડ્યો. આમાં સૌંદર્ય, કલાત્મકતા, નજાકત હતાં જે વિજ્ઞાન સમજાવી શકે તેમ નથી.
જોકે આમાંનું કશુંય મારી રોજબરોજની જિંદગીમાં કોઈ જાતના ખપમાં આવશે તેવી તો કોઈ આશા પણ કરવાનો અર્થ નહોતો. પણ દસ વર્ષ બાદ જ્યારે અમે મેકિન્ટોશ કૉમ્પ્યુટરની રચનામાં લાગ્યા હતા ત્યારે આ બધું ઉપયોગી નીવડ્યું. મેક કોમ્પ્યુટર (Mac) ની ડિઝાઈનમાં મેં આ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. સુંદર અક્ષરોની સગવડવાળું તે પહેલું કોમ્પ્યુટર હતું. જો દસ વર્ષ પહેલાં મેં સુલેખનનો અભ્યાસ ન કર્યો હોત તો મેક કોમ્પ્યુટરમાં ક્યારે પણ જાત-જાતના સુંદર અક્ષરોની સગવડ ન કરાઈ હોત; અને બીજા કોઈ કોમ્પ્યુટરમાં પણ આ ઉપલબ્ધ ન થયું હોત, કારણ કે વિન્ડોઝ (windows) તો મેકની નકલ જ છે. જો મેં અભ્યાસ અડધેથી પડતો ન મૂક્યો હોત તો મેં ક્યારેય સુલેખનના વર્ગો ન ભર્યા હોત અને આજનાં કોમ્પ્યુટરોમાં જે સુંદર અક્ષરોની વ્યવસ્થા અને સગવડ મળે છે તે મળી ન હોત એમ હું માનું છું. અલબત્ત, ભવિષ્ય સામે તાકીને ટપકાં જોડી આ અનુભવમાંથી કોઈ ભાત ઊભી કરવાનું ત્યારે શક્ય નહોતું પણ દસ વર્ષ પછી ભૂતકાળમાં ડોકિયું કરતાં આ બધું દીવા જેવું સ્પષ્ટ લાગેલું. ભવિષ્ય સામે જોઈ ટપકાં જોડવાનું શક્ય નથી; માત્ર ભૂતકાળનો અનુભવ જ જુદાં જુદાં ટપકાંઓમાંથી એક સ્પષ્ટ ભાત ઊપજાવી શકે. એટલે અત્યારે જુદાં જુદાં ટપકાંઓ જેવી લાગતી વિગતો ભવિષ્યમાં જરૂર કોઈ સુરેખ ભાત પેદા કરશે તેવી શ્રદ્ધાથી આગળ વધો. શ્રદ્ધા તો જોઈશે જ – તમારી બાહોશીમાં, કર્તૃત્વમાં, કર્મોમાં, જિંદગીમાં. આ અભિગમે મને ક્યારેય નિષ્ફળતા નથી આપી અને મારા જીવનમાં જે કરી શક્યો છું તે આને પરિણામે જ.
મારી બીજી વાત છે પ્રેમ અને નુકશાનને લગતી.
હું નસીબદાર છું – જિંદગીનાં શરૂઆતનાં વર્ષોથી જ મને શું કરવામાં રસ છે તેની મને જાણ હતી. વોઝ (સ્ટીવ વોઝનૈક) અને મેં સહિયારા પ્રયત્નોથી મારા ઘરનાં ભંડકિયામાં એપલ કોમ્પ્યુટર બનાવ્યું. ત્યારે મારી ઉંમર હતી 20 વર્ષની. અમે પૂરી તાકાત લગાવી જહેમત કરી અને દસ વર્ષના ટૂંકા ગાળામાં જ બે વ્યક્તિઓએ ભંડકિયાથી શરૂ કરેલો આ પ્રયત્ન પલટાયો બે અબજ ડોલર અને 4000 કર્મચારીઓવાળી કંપનીમાં. અમે અમારું સર્વોત્તમ સર્જન – મેકિનટોશ કોમ્પ્યુટર (Macintosh) બનાવ્યું હતું અને ત્યારે મારી વય હતી 30 વર્ષની. આવે વખતે મને કંપનીમાંથી પાણીચું પરખાવાયું. તમને થશે મેં જ સ્થાપેલી કંપનીમાંથી મને જ પાણીચું – એ કેમ બને ? વાત એમ હતી કે જેમ જેમ એપલ કંપનીની પ્રગતિ થવા માંડી તેમ મને લાગ્યું કે ધંધો ચલાવવા એક કુશળ વ્યક્તિને પણ હું મારી સાથે સામેલ કરું. પહેલું વર્ષ તો બધું સમુંસૂતરું ચાલ્યું પણ પછી કંપનીના ભવિષ્ય માટેની અમારી કલ્પનાઓમાં અંતર પડવા માંડ્યું અને તેમાંથી સર્જાયા તીવ્ર મતભેદો. જ્યારે વાત વણસી ત્યારે કંપનીના બીજા ડાયરેક્ટરોએ પેલી વ્યક્તિને સાથ આપવાનું પસંદ કર્યું અને એટલે 30 વર્ષની ઉંમરે હું મારી જ સ્થાપેલી કંપનીમાંથી બહાર ફેંકાઈ ગયો. તે પણ કેવી રીતે ? દુનિયાઆખીએ આ તમાશો માણ્યો તેવી જાહેર રીતે. મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ જ જાણે ભૂંસાઈ ગયું. હું તદ્દન હચમચી ઊઠ્યો.
થોડા મહિનાઓ સુધી તો શું કરવું તેની કોઈ ગતાગમ જ ન પડી. સાહસિકોની એક નવી પેઢીને મેં છેહ આપ્યો છે અને જેમણે મારા પર શ્રદ્ધા રાખી હતી તેમને મેં દુભાવ્યા છે તેવી લાગણી મને સતાવતી રહી. હું ડેવિડ પેકાર્ડ અને બોબ નોયસને મળ્યો અને મારા છબરડા માટે તેમની માફી માગી. મારી નિષ્ફળતા અને નાલેશીનો જાણે જાહેર ઢંઢેરો પીટ્યો હતો; મારું કાર્યક્ષેત્ર છોડી પલાયન થવાના પણ વિચારો આવ્યા. આવા વખતે મને અંદરથી જ એક સ્ફુરણા થવા લાગી. મેં આજ સુધી જે કાંઈ પણ કર્યું છે તેમાં મને આનંદ જ આવ્યો છે અને મારી નિષ્ફળતાએ આ હકીકત પર કોઈ જ અસર નહોતી કરી. ભલે હું તરછોડાયો હોઉં, ત્યજાયો હોઉં પણ મારા કાર્ય પ્રત્યેનો મારો પ્રેમ તો સાબૂત જ હતો. મેં નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. ત્યારે તો મને કલ્પના પણ નહોતી આવી પણ પછી મને લાગ્યું કે એપલમાંથી મારી હકાલપટ્ટી થઈ તે મારા માટે સારામાં સારી ઘટના હતી. સફળતાના ભારેખમ બોજાને સ્થાને નવા નિશાળિયા જેવી હળવાશ લાગવા માંડી – કોઈ પ્રકારની પૂર્વકલ્પિત નિશ્ચિતતા વગરની મોજીલી સ્વતંત્રતા. એ મને દોરી ગઈ મારા જીવનના સૌથી સર્જનાત્મક તબક્કા તરફ. ત્યાર પછીનાં પાંચ વર્ષ મેં મારી નવી કંપની નેક્સ્ટ (Next) સ્થાપવામાં કાઢ્યાં. બીજી કંપની પિક્સાર (Pixar) પણ સ્થાયી અને એક અદ્દભુત સ્ત્રીના પ્રેમમાં પડ્યો – જે મારી પત્ની બની. મારી કંપની પિક્સારે વિશ્વની સૌથી પહેલી એવી કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ ‘ટૉય સ્ટોરી’ બનાવી. પિક્સારે અત્યારે આખી દુનિયામાં સૌથી વધુ સફળ એવો એનિમેશન સ્ટુડિયો ગણાય છે. વળી અમુક નાટ્યાત્મક ઘટનાઓ એવી બની કે એપલે મારી કંપની નેક્સ્ટ ખરીદી લીધી. આમ હું સ્વગૃહે એટલે કે એપલમાં પાછો ફર્યો. નેક્સ્ટમાં અમે જે તંત્રજ્ઞાન વિકસાવ્યું તે એપલના પુનરુત્થાનનું મૂળ બન્યું. પત્ની લોરેન સાથે મેં અમારો પ્રેમાળ પરિવાર ઊભો કર્યો.
મને તો ખાતરી છે કે જો મારી એપલમાંથી હકાલપટ્ટી ન થઈ હોત તો આમાંનું કાંઈ જ શક્ય બન્યું ન હોત. દવા ઝેર જેવી કડવી લાગતી હતી પણ ત્યારે દરદીને તેની જરૂર હતી. જિંદગી ઘણી વાર આપણા માથા પર અસહ્ય ઘા કરે છે – તેવે વખતે હિંમત ન હારતાં હું ટકી શક્યો તેનું એક માત્ર કારણ એ હતું કે મારા કાર્યમાંથી મને આનંદ મળતો હતો. તમને શું ગમે છે તે શોધી કાઢો. આ જેટલું પ્રિયજન બાબતે સાચું છે તેટલું કાર્યની બાબતમાં પણ સાચું છે. આપણા જીવનનો મોટો અંશ આપણા કાર્યમાં વીતવાનો છે અને એટલે જ સંતોષ પામવાનો એકમાત્ર રસ્તો છે, આપણે જેને ગમતું કાર્ય માનતા હોઈએ તેમાં પ્રવૃત્ત રહેવું. ઉત્તમ કામ એટલે આપણને ગમતા કાર્યમાં જીવ રેડવો. જો તમને હજુ સુધી આવું કોઈ કાર્ય નજરે ન ચડ્યું હોય તો શોધ ચાલુ રાખો. પ્રેમને લગતી દરેક બાબતમાં થાય છે તેમ તમને આવું કાર્ય જડશે ત્યારે જરૂર એક અલગ અનુભૂતિ થશે. આ બાબતે સમાધાન કે બાંધછોડ ક્યારેય ન કરતા. સાચા સ્નેહ સંબંધોની પેઠે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તમારું કાર્ય વધુ ને વધુ દીપી ઊઠશે. ટૂંકમાં આવા કાર્યની નિરંતર શોધમાં રહો, ખોટું સમાધાન કરી ન રહેતા.
મારી ત્રીજી વાત છે મૃત્યુ વિશે.
હું લગભગ 17 વર્ષનો હતો ત્યારે મેં એક સુવાક્ય વાંચેલું : ‘આજનો દિવસ જાણે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જિંદગી જીવતાં રહેશો તો એક દિવસ તમે ખરેખર સાચા પુરવાર થશો.’ આની મારા પર અમીટ છાપ છે. છેલ્લાં 33 વર્ષથી રોજ સવારે હું અરીસામાં જોઈ મારી જાતને પૂછું છું – ‘આજનો દિવસ જો તારા આયુષ્યનો છેલ્લો દિવસ હોય તો આજે જે કામ કરવાનું ઠરાવ્યું છે તે કામ જ કરીશ કે પછી બીજું કાંઈ ?’ લગાતાર થોડા દિવસો સુધી જો આ પ્રશ્નનો જવાબ નકારાત્મક આવે તો તેનો અર્થ છે મારા કાર્યમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. થોડા સમયમાં મૃત્યુ આવવાનું છે તેવી સમજને કારણે હું મારા જીવનના અતિ મહત્વના નિર્ણયો લઈ શકવા સક્ષમ બન્યો છું. મૃત્યુની સન્મુખ દરેક બહિર્મુખતા – આશા-આકાંક્ષાઓ, અરમાનો, અહંકાર, ભય, સંકોચ, નામોશી-ગૌણ બની જાય છે અને જેમાં ખરું સત્વ છે તેટલું જ ટકે છે. હારના ભય-પિંજરમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. આપણે મૃત્યુ પામવાના છીએ તેનો સ્પષ્ટ અહેસાસ. આપણા બધા જ અંચળા ઊતરી ગયા હોય ત્યારે આપણું અંત:કરણ જ આપણું માર્ગદર્શક બને છે.
એક વર્ષ પહેલાં મને કેન્સર છે તેવું નિદાન થયું. સવારે સાડાસાત વાગે ડૉક્ટરે સ્કેન કર્યો અને મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ) પર કેન્સરની ગાંઠ સ્પષ્ટ દેખાઈ. મને તો સ્વાદુપિંડ શું તે પણ ખબર નહોતી. ડૉક્ટરે બહુ જ સહાનુભૂતિપૂર્વક મને કહ્યું કે આ એક અસાધ્ય એવું કેન્સર છે અને ત્રણ કે છ મહિનાથી વધુ તમે ખેંચી નહીં શકો. તેમણે કહ્યું તારો કારભાર સંકેલવાની શરૂઆત કર – બીજા અર્થમાં કે હવે તારી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે કે મારાં સંતાનોને હું આવતાં દસ વર્ષ સુધી જે કહેવાનો હતો, સલાહ-સૂચનો આપવાનો હતો તે બધું હવે તાબડતોબ કરવાનું રહ્યું. મારા કુટુંબની સુખાકારી માટેની બધી વ્યવસ્થા પણ તરત જ પૂરી કરવાની હતી. બધાને અલવિદા કહેવાનું હતું.
આ વ્યથા સાથે આખો દિવસ મેં વિતાવ્યો. રાત્રે ડૉક્ટરોએ મારા કેન્સરની ગાંઠની બાયોપ્સી કરી – મારા ગળામાંથી પેટમાં અને ત્યાંથી આંતરડામાં એન્ડોસ્કોપ પહોંચાડયું, મારા સ્વાદુપિંડ માં સોય દાખલ કરી અને ત્યાં રહેલી ગાંઠમાંના થોડા કોષો અલગ કાઢ્યા. હું તો બેભાન હતો પણ મારી પત્ની આ આખી પ્રક્રિયા દરમ્યાન હાજર હતી. તેણે કહ્યું કે મારા કેન્સરની ગાંઠમાંથી કઢાયેલા કોષોની જ્યારે ડોક્ટરોએ વિસ્તૃત તપાસ કરી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં. મારા કેન્સરની ગાંઠની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય તેમ હતી. મારા પર શસ્ત્રક્રિયા થઈ, કેન્સરની ગાંઠ દૂર કરાઈ અને હું આજે સાજો-નરવો છું. મૃત્યુની ભીષણતાનો આ પ્રત્યક્ષ પરિચય; આશા રાખું છું કે થોડા દસકાઓ સુધી મૃત્યુની નિક્ટ આવવાનું નહીં બને. મૃત્યુને આટલું નજીકથી જોયા પછી તે મારા માટે માત્ર એક ઉપયોગી એવી બૌદ્ધિક કલ્પના જ નથી રહ્યું પણ જીવનની એક અવિભાજ્ય વાસ્તવિકતા બની ગયું છે.
મરવું કોઈને ગમતું નથી. જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તે પણ મૃત્યુના માર્ગે ત્યાં જવા રાજી નથી હોતા. છતાં મૃત્યુ એ દરેક જીવ માટેનું એક એવું અફર સત્ય છે જેમાંથી આજ સુધી કોઈ છટકી શક્યું નથી. હોવું પણ એમ જ જોઈએ, કારણ કે જીવનની સર્વોત્તમ શોધ જો કાંઈ હોય તો તે છે મૃત્યુ. તેમાં જ જીવનનું પુનરુત્થાન છે. જૂનાને આઘે હડસેલી તે નવા માટે માર્ગ મોકળો કરે છે. આજે તમે નવયુવાન છો પણ કાળક્રમે, થોડા વખતમાં જ, તમે પણ ઘરડા થશો અને આ સાફ-સૂફીના સપાટામાં ઘસડાઈ જશો. તમને આમાં નાટ્યાત્મકતા લાગતી હોય તો માફ કરશો, પણ આ છે આપણા સૌના જીવનની વાસ્તવિકતા.
તમારો સમય સીમિત છે – એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા. બીજાઓએ વિચારી રાખેલા વિચારો અને તેનાં પરિણામોના ગુલામ ન બનતા. તમારા અંતરાત્માના અવાજને આસપાસનાં કોલાહલમાં ઢંકાવા ન દેતા. વળી સૌથી મહત્વની વાત – તમારા હૃદયને ગમતી વાતને અનુસરવાની હિંમત કેળવજો. તમારું હૃદય અને તમારો અંતરાત્મા બરાબર જાણે છે કે તમારી જિંદગીનું તમારે શું કરવાનું છે. બાકીની બધી વાતો ગૌણ છે.
મારા બચપણમાં એક અદ્દભુત સામાયિક પ્રકાશિત થતું હતું. તેનું નામ હતું ‘ધી હોલ અર્થ કેટેલોગ’ (The whole Earth Catalog) મારી આખી પેઢી આની પાછળ ઘેલી હતી. અહીંથી નજીક આવેલા મેન્લો પાર્ક વિસ્તારના સ્ટ્યુવર્ડ બ્રાન્ડ આ સામાયિક ચલાવતા. તેમણે પોતાની સમગ્ર સર્જનશીલતા આમાં રેડેલી. આ વાત છે 1960ના દસકાના ઉત્તરાર્ધની. ત્યારે કોમ્પ્યુટર કે ડેસ્કટોપ પબ્લિશિંગની કોઈ કરતાં કોઈ સગવડ નહોતી. ટાઈપરાઈટર, કાતર, પોલારોઈડ કૅમેરાની મદદથી પેદા થતું આ સર્જન હતું. ગૂગલના જન્મનાં 35 વર્ષ પૂર્વેનું આ મારી પેઢીનું ગૂગલ (Google) હતું. યૌવનના આશાવાદ અને થનગનાટથી ભરપૂર. સ્ટુવર્ટ અને તેના સાથીદારોએ આ સામાયિકના એક પછી એક ઘણા અંકો કાઢ્યા પણ અંતે પ્રકાશન સમેટી લેવાની નોબત આવી. 1970ના દાયકાના મધ્યમાં તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો ત્યારે હું તમારી ઉંમરનો હોઈશ. છેલ્લા અંકના પાછળના પૂંઠા પર એક અદ્દભુત ફોટો હતો. વહેલી પરોઢના ગ્રામીણ વેરાન રસ્તાનો – આજે પણ તમે આવા સમયે એકલા નીકળી પડો તો જોવા મળે તેવો જ રસ્તો. ફોટાની નીચે લખ્યું હતું : ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો’ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોય વધુ ઉમદા કાર્ય કરવાની ભૂખ જાગ્રત રાખવી તે અર્થમાં ભૂખ્યા રહેજો. સંપાદનનો નશો ચડવા માંડે ત્યારે હજુ અણખેડાયેલા જ્ઞાનના મહાસાગર તરફ નજર નાખતાં આપણે મેળવેલા જ્ઞાનની પામરતાનું ભાન થશે તે અર્થમાં ગમાર રહેજો. આ હતો તેમનો વિદાય સંદેશ – ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.’ હું હમેશાં આ સંદેશને અનુસર્યો છું અને આજે જ્યારે તમે આ મહાન વિશ્વવિદ્યાલયમાંથી પદવી ધારણ કરી વિશાળ વિશ્વમાં પ્રવેશો છો ત્યારે તમારા માટે પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે : ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.’
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
Print This Article
·
Save this article As PDF
એપલ કંપની દ્વારા બનાવવામા આવેલી દરેક વસ્તુમા ટેક્નોલોજી સાથે સરળતા અને કલાત્મકતાનો સરસ ઉપયોગ કરવામા આવ્યો છે.
મેકિન્ટોશ, મેકબુક પ્રો, આઇ-પોડ અને હમણા જ જાહેર કરવામા આવેલ આઇ-ફોન.
આ પ્રવચનનુ મથાળુ છે “Stay hungry, stay foolish”.
આ બે વાક્યો કદાચ યોગ્ય રીતે પ્રવચનનો સાર કહે છે
“ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોય વધુ ઉમદા કાર્ય કરવાની ભૂખ જાગ્રત રાખવી તે અર્થમાં ભૂખ્યા રહેજો. સંપાદનનો નશો ચડવા માંડે ત્યારે હજુ અણખેડાયેલા જ્ઞાનના મહાસાગર તરફ નજર નાખતાં આપણે મેળવેલા જ્ઞાનની પામરતાનું ભાન થશે તે અર્થમાં ગમાર રહેજો.”
મૂળ અંગ્રેજીમા આપવામા આવેલ પ્રવચનને અહિયા જોઇ શકાશે.
http://www.youtube.com/watch?v=D1R-jKKp3NA
યોગેશને મહેનત કરીને અનુવાદ કરવા બદલ આભાર.
સરસ લેખ. એપલ તેનાં બેસ્ટ હાર્ડવેર અને સોફ્ટવેર માટે જાણીતું છે — ખાસ કરીને અહીં મોટાભાગનાં ડિઝાઇનરો તે ઉપયોગ કરે છે. મારૂં પણ સ્વપ્ન છે – એપલ મેક લેવાનું 😛
સરસ લેખ
કેટલાક લોકો પ્રેરણા આપે છે અને કેટલાક તેમના માં કાંઈક એવુ ઊભુ કરે છે કે આપણે તેમનામાંથી પ્રેરણા લેવી જ પડે
એપલની સ્થાપના અને સ્ટીવે તેની પાછળ કરેલી મહેનત….તે ખરેખર લેખે લાગી છે…
Thanks Mrugeshbhai for giving such a good, encouraging article. It’s really very good.
તમારા માટે પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે :
‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.’
થૉડું જાણતા હતા-
હવે વિગતે સમજાયો આ સંદેશ
આભાર યોગેશ,મૃગેશ,કલ્પેશ
Thank you very much for giving us article like this.
અહિ વાચ્યા પછી http://www.youtube.com/watch?v=D1R-jKKp3NA
પર સાંભળ્યા ત્યારે વધુ સમજી અને માણી શકાયા…
આર. જી. નો આ એપ્રોચ ખુબ સ્પર્શી ગયો.
બહુજ સરસ લેખ. આભાર.
ખુબ સરસ, અદભુત, Youtube link is wonderful…
Thanks a lot!
I would wish, more inspiring videos could be translated in Gujarati text or video with Gujarati subtitles. Any permission is required to do this? We need more volunteers for this task.
જિંદગી એ એક રમત છે જે જાણી જાય છે તે સારું જીવી જાય છે……
It’s really v good article…..
Stay Hungry stay Foolish…
here you can find speech
http://www.youtube.com/watch?v=UF8uR6Z6KLc
wonderful…
Nice Article…Thanks a lot!
ખૂબ જ સરસ લેખ. ગઇકાલે મૃગેશભાઇની લેખમાળા “જીવનનો હેતુ” વાંચી અને આ જે આ લેખ.
જીવનને સફળ બનાવવાના રસ્તા જાણવા માટે આ બે લેખ જ પૂરતા છે.
ખૂબ ખૂબ આભાર.
નયન
thanks a lot, Mrugeshbhai.
આભાર,
આવું સુંદર પ્રવચન તમે ગુજરાતીમાં રજૂ કર્યું તે બદલ.
Its an inspiring article. The best part is about Death & his progress. The most inspiring statement is :”Think today is last day of your life”.