વાદળની મૈત્રી – વંદના ભટ્ટ

[તાજેતરમાં જ જેનું વિમોચન થયું છે તેવા લેખિકા શ્રીમતી વંદનાબેનના (વડોદરા) પુસ્તક ‘ઝંખના પરોઢની’ માંથી આ સુંદર કૃતિ લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ +91 9428301427 નંબર અથવા vandanaibhatt@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

zankhna parodhniનંદાએ રસોઈ કરતાં-કરતાં ફરીથી રસોડાની બારીમાંથી ડોકિયું કર્યું, રખેને નરેન દેખાઈ જાય. તેની નજર સામેના મકાનનાં બંધ બારણા સાથે અથડાઈને પાછી ફરી. આજે તેને મજા આવતી ન હતી. તેને થયું ‘હું પણ કેવી છું ! એ ચાલ્યો ગયો તો જાણ પણ ન કરી અને હું તેને જ શોધ્યા કરું છું !’ તેણે સવારની ચા પીતાં-પીતાં તેના પતિને કહ્યું : ‘સામેના મકાનમાં રહેતાં હતાં તે લોકો ચાલ્યા ગયા લાગે છે. કોઈ દેખાતું નથી. બાકી એમની રોનક બહુ રહેતી. ખાસ કરીને નરેનની.’ નંદાએ જોયું કે તેના પતિને તેની વાતમાં રસ નથી, તે તેમના સમાચાર-પત્રોના ઢગલામાં ખોવાયેલા રહેતાં. નંદા કપ-રકાબી લઈને રસોડામાં આવી. ફરીથી તેનાથી સામે જોવાઈ ગયું. તેને પોતાની જાત ઉપર અને સાથે નરેન ઉપર ગુસ્સો આવ્યો. કહીને ન જવાય !

સામે બંધાતા મકાનમાં મજૂરીકામ કરતાં અને ત્યાં જ રહેતાં મજૂરનો આઠેક વરસનો છોકરો તે નરેન. આખો દિવસ કાંઈ ને કાંઈ કામ કરતો હોય, કાંખમાં તેની નાની બહેન તો હોય જ. કંપાઉન્ડ-વોલની દિવાલ ઉપર ચડીને એ બેસે અને પછી જોર-જોરથી ગીતો ગાય ત્યારે સમજવાનું કે તેની બહેન ઘોડિયામાં હશે. આપણે તેને ગીત ગાતાં જોઈ જઈએ તો અંદરની બાજુ કૂદી જાય. નંદાને કોણ જાણે કેમ પણ નરેન માટે માયા બંધાઈ ગઈ હતી. કોઈ ને કોઈ બહાના હેઠળ બોલાવ્યા કરે અને કંઈ ને કંઈ આપ્યા કરે. વધારે પડતું તો ખાવાનું જ હોય.

પહેલી વાર જ્યારે તેને દીવાલ ઉપર ચડીને ગીતો લલકારતો જોયો ત્યારે જ નંદાએ તેને બોલાવ્યો હતો. એ શરમાતો આવ્યો હતો ખરા ! નંદાએ તેનું નામ પૂછ્યું અને ગીત સંભળાવવાની ફરમાયશ કરી તો તે શરમાઈને દોડી ગયો હતો. નંદાએ તેના દીકરાને કહ્યું હતું : ‘એ છોકરાનું નામ નરેન છે. એક નરેન વિવેકાનંદ બન્યો અને બીજા આવા અનેક નરેન આમ જ… આવી હાલતમાં….’ તે બોલતાં-બોલતાં અટકી ગઈ. તેને થયું હમણાં બાપ-દીકરો કોઈક ટકોર કરશે કે : ‘તને આવું બધું જ સૂઝે છે.’ પણ કોઈ કાંઈ બોલ્યું નહીં કેમ કે સવારે-સવારે કોને સમય હોય ? એમ તો નંદાને પણ ક્યાં નિરાંત મળતી ! પતિને ઑફિસે પહોંચાડવાનો અને દીકરાને સ્કૂલે. પહોંચવાનું તે બંનેને હોય અને નંદા ઘરમાં ને ઘરમાં દોડતી. તે ઘણી વાર બબડતી, ‘મારી સ્થિતિ તો ઘાંચીના બળદ જેવી છે. આખી જિંદગી ચાલ્યા પછી પણ ઠેરના ઠેર ! “ક્યાં ગયા હતા, ક્યાંય નહિ” જેવું જીવન છે. પ્રગતિ ન થાય તો કાંઈ નહિ, પણ મોટા ભાગની સ્ત્રીઓને જશ પણ ક્યાં મળે છે !’ નંદાનો પતિ હવે ચૂપ રહેતાં શીખ્યો હતો. બાકી પહેલાં તો નંદા આવું કાંઈ બોલે તો તરત કહેતો : ‘એમાં તું નવાઈ શું કરે છે ? આખી દુનિયાની સ્ત્રીઓ આ જ કરે છે !’ નંદા પણ ખીજવાઈને બોલતી : ‘હું પણ આખી દુનિયાની સ્ત્રીઓની જ વાત કરું છું.’ નંદા ભાવનાથી ભરપૂર સ્ત્રી હતી. બુદ્ધિ કરતાં લાગણીને વધારે મહત્વ આપતી. લોકોની નજરે એ વેવલી હતી.

નંદાએ કૂકર મૂકતાં ફરી બારીમાં ડોકું કાઢી લીધું, રખેને નરેન દેખાય તો થોડા વધારે દાળ-ચોખા મૂકું. પણ નરેન ન દેખાયો. માપના દાળ-ચોખા કાઢતાં વિચારતી હતી : ‘આજથી પાછું કાંઈ નહિ વધે.’ બાકી તો રોજ થોડું વધારે રાંધે અને નરેનને આપવા માટે બોલાવે. નરેન પણ દોડતો આવે. એક હાથે ચડ્ડી પકડી રાખે. ફાટેલા શર્ટની બાંયથી નાક સાફ કરતો ઊભો રહે. નંદા આપે તે લઈને ચાલ્યો જાય.

એક વાર નંદા બાગમાં માટી પાથરી રહી હતી. તે જોઈ ગયો. આવીને બોલ્યો : ‘લાવો, હું કરી આપું.’ નંદા તેની સામે જોઈ રહી. પછી બોલી : ‘તને આવડશે ?’
‘હોવ્વે.’ નરેન ફકત એટલું જ બોલ્યો. નંદા હસી પડી, અને બોલી : ‘ચાલ, આપણે બેઉ આ કામ કરીએ.’ નરેન માટી પાથરવા લાગ્યો. તેના હાથમાં સાંઠીકડું આવી ગયું. તેનાથી તે માટી ઉપર ચિતરડા પાડવા લાગ્યો, નંદાએ તે જોયું તેથી પૂછી બેઠી : ‘નરેન, તું ભણતો નથી ? નરેન ઊંચું જોયા વિના જ જવાબ આપ્યો : ‘ના…રે’
‘કેમ, બધાં છોકરાંને નિશાળે જતાં જોઈને તને નિશાળે જવાનું મન નથી થતું ?’ નંદાએ પૂછ્યું.
‘મારા પપ્પા કે’છે કે આપણે ફરતા રહેવાનું આખી જિંદગી આમ જ. એમાં નિશાળે કેમ જવાય ?’ નરેન ઊભો થતાં બોલ્યો.
નંદાને થયું : ‘હું ભણાવું તો ?’ તેણે નરેનને પૂછી જ લીધું : ‘મારી પાસે ભણવા આવશે ?’ નરેન માથું ધુણાવીને ના જ પાડી દીધી. નંદાને નવાઈ લાગી, પણ ચૂપ રહી. તેને ડર લાગ્યો કે, ‘ભણવાની વાતે મારી પાસે આવતો જ બંધ થઈ જશે તો !’ માટી પથરાઈ ગઈ તેથી નંદા ઘરમાં જઈને પાંચ રૂપિયા લઈ આવી, નરેનને આપવા. નરેને ના પાડી દીધી પૈસા લેવાની.
ચડ્ડી ચડાવતો બોલ્યો : ‘બેન, તમે મને રોજ ખાવાનું આપો છો તેથી તમારી પાસેથી પૈસા ન લેવાય.’ નંદા આગ્રહ કરવા લાગી : ‘લઈ લે, સમોસા ખાજે’ તોયે તે ન માન્યો અને દોડીને જતો રહ્યો. નંદા ગરીબના છોકરાની ખુમારી જોઈ રહી : ‘આનું નામ સંસ્કાર, વગર કહ્યે સ્વભાવમાં આવે. બાકી આના મા-બાપને શિખામણ આપવાનો સમય પણ ક્યાં મળે છે !’

નંદા વિચારમાં ઊભી હતી ત્યાં પડોશણ આવીને બોલી : ‘શું કામ કરાવ્યું તમે ?’ નંદા વિચારમાંથી બહાર આવી, તેની સામે જોતાં બોલી : ‘કાંઈ નહિ. આ માટી પાથરતી હતી તે એ જોઈ ગયો અને મદદ કરાવવા આવી ગયો, એની જાતે જ.’
પડોશણ મોં મચકોડતાં બોલી : ‘તમે રોજ ખાવાનું આપો છો તે આવે જ ને ! રોજરોજ કેમ વધે મને તો એજ સમજાતું નથી ? મારે તો જશ પણ વધે નહિ. મારું તો માપ એટલું ચોક્કસ કે ન પૂછો વાત.’ તે ગળું ફુલાવીને પોતાનાં વખાણ કરવા લાગી. નંદાને કહેવાનું મન થયું કે : ‘વાસી વધે નહિ ને….’ પણ તે બોલી નહિ. ફક્ત હસી લીધું. તે જાણતી હતી કે તે મારી વાતને નહિ સમજી શકે…..

કૂકરની સીટી ઉપર સીટી વાગ્યે જતી હતી. તે વિચારમાં ખોવાઈ ગઈ હતી. તે એકલી થઈ ગઈ હોય તેવું તેને લાગ્યું. તેની નજર ફરીથી બારી તરફ ગઈ. તેને થયું : ‘આ બારી જ ખોટી જગ્યાએ છે.’ બપોરે જમીને ઊભાં થયાં ત્યારે કાંઈ બચ્યું ન હતું. તેનો પતિ બોલ્યો : ‘ઘણા વખતે તારું માપ બરોબર આવ્યું, નહિ ? બાકી તો રોજ વધી પડે.’ તે મુખવાસ ખાતો-ખાતો બહારના રૂમમાં ચાલ્યો ગયો. નંદાને આ વધી પડવાની વાત ભારે કઠી પરંતુ તે કશું બોલી નહિ. મૂંગી-મૂંગી રસોડું આટોપવા લાગી. પરવારીને બહાર સોફા ઉપર બેસીને છાપાની પૂર્તિ વાંચવા લાગી. તેના પતિએ તેને કશુંક કહ્યું પણ તેણે અણ-સાંભળ્યું કરી દીધું. તે વાંચતી રહી. તેના પતિએ ફરીથી કહ્યું : ‘સાંભળે છે નંદા ? સામે સામાન ભરીને ટ્રક આવી છે. સામેના મકાન-માલિક રહેવા આવી જશે. સારું ને ! તારે કંપની રહેશે, તે લોકો સાથે પહેલેથી જ સારા સંબંધ રાખજે, બાકી તને તો કોઈ સાથે ફાવે નહિ…. !’ નંદાએ તીખી નજરે તેની સામે જોયું પણ તે તો બારી બહાર જોતો હતો અને બોલતો હતો : ‘નંદા બધા સાથે ભળી જવાનું. ઠીક છે, તારા વિચાર… પણ થોડા આજની સોસાયટીના રીત-રિવાજ પણ અપનાવવાના…’ તેણે નંદા સામે જોયું.

નંદાની આંખમાં આંસુ અને હોઠ ઉપર ગુસ્સો હતો. તે પેપર બાજુમાં રાખતાં બોલી : ‘ક્યા રીત-રિવાજની વાત કરો છો ! ખાવાનું વધે તો બીજા ટંક માટે ફ્રિઝમાં સંઘરી રાખવાનું પરંતુ કોઈ ગરીબને નહિ દેવાનું ! એંઠું કોથળીમાં ભરીને કચરાવાળીને આપવાનું, ભલેને પછી ગાય તે એંઠું કોથળી સહિત ખાઈ જાય અને મરી જાય. પછી બોર-ચોથના દિવસે બની ઠનીને ગાયની પૂજા કરવાની ! કીટિ પાર્ટીમાં જઈને દેખા-દેખી કરવી, જુગાર રમવો, દ્વિ-અર્થી વાતો કરવી. કોઈને પણ ‘ચાલુ’નું લેબલ લગાડી દેવું. ઠીઠ્યાઠોરી કરવી તે રીત-રિવાજની વાત કરો છો તમે ? તમે જાણો છો, મને શું ગમે છે. મને કંપની નથી, હું એકલી થઈ જાઉં છું એવી ફરિયાદ મેં તો કોઈ દિવસ તમને કરી નથી ! પછી શા માટે મને બીજા સાથે હળવા-મળવા-ભળવાનું કહો છો ? હું મારી કંપની શોધી જ લઉં છું. મને પુસ્તકો અથવા તો…..’
નંદા આગળ કાંઈ બોલે તે પહેલા તેનો પતિ દાઢમાંથી બોલ્યો : ‘અને નરેન…. તારું લેવલ એ જ રહેવાનું !’ કહેતોકને તે બેડરૂમમાં જતો રહ્યો.

તેને નરેન સાથે સરખાવી તેથી નહિ પરંતુ આ રીતે અપમાન કરીને ત્યાંથી ચાલતી પકડવાની તેની રીતભાતથી નંદા તમતમીને રહી ગઈ, પણ કરે શું…. ?

[કુલ પાન : 84. કિંમત રૂ. 70. પ્રાપ્તિ સ્થાન : વંદના ભટ્ટ. 54, પુનિત નગર, કાલુપુર બેંક, જૂના પાદરા રોડ, વેક્સિન ઈન્સ્ટીટ્યૂટ સામે, વડોદરા-390 007. ફોન : +91 265 2354367. મોબાઈલ : 9428301427.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભૂખ્યા રહેજો, ગમાર રહેજો – સ્ટીવ જોબ્સ
વીણેલાં ફૂલ – રૂપાંતર : હરિશ્ચંદ્ર Next »   

19 પ્રતિભાવો : વાદળની મૈત્રી – વંદના ભટ્ટ

 1. Mamta says:

  very good article, really enjoyed.

 2. Komal Patel says:

  very nice!!

 3. ભાવના શુક્લ says:

  પોતાની જાત માટે, પોતાન વિચારો માટે કોઈનુ સર્ટીફીકેટ માગવાની જરુર જ શી છે અને તેમા પણ જે આપણા લેવલના નથી તેમના ઉચ્ચારણોથી વ્યથિત થવાની કોઈ જરુર ખરી?
  નંદાબહેન ફક્ત ગર્વ જ કરી શકે કે એક ગરીબ ભુખ્યા છતા સંસ્કારી બાળક માટે પોતે સ્નેહ ભાવ કેળવી શકે છે જે લેવલ કહેવાતા “ચાલુ” કે “રાબેતામુજબ” ના ગાડરીયા પ્રવાહમા ચાલ્યે જતા લોકો સમજી પણ શુ શકે!!!

 4. Bindiya says:

  This is the one of the best stories I ever read. I couldnt help thinking , ‘why do housewives always compromise?’ નન્દા ના પતિ નુ વાક્ય -‘ ઘણા વખતે તારું માપ બરોબર આવ્યું, નહિ ? બાકી તો રોજ વધી પડે.’ પતિદેવો ની કચકચ કરવાની આદત છતી કરે છે.

 5. saurabh desai says:

  it is ok but not good …

 6. sujata says:

  Nari tu narayani………..

 7. Moxesh Shah says:

  I think, Title is not appropriate.

  Moxesh.

 8. SAKHI says:

  It is very nice artical

  There is no level between rich and poor after all every one is human being.

 9. Shrikant Shelat says:

  Awesome exercpt from the book, I really wish to buy a copy. I am located in Pune. Is there a way to get a copy here ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.