વીણેલાં ફૂલ – રૂપાંતર : હરિશ્ચંદ્ર

vinenalphool[ તંત્રી નોંધ : ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતી બે બહેનો વિનોબાજીની છાયામાં રહી હરતી-ફરતી સાધિકાઓ છે. વિનોબાજીની પ્રેરણાથી લગભગ ચિર પ્રવાસમાં રહેનારી આ બહેનોએ ભારતની વિવિધ ભાષાઓમાંથી ચૂંટી કાઢેલાં ફૂલો તેમણે ગુજરાતી ભાષાપ્રેમીઓ પાસે ધર્યાં છે. આ વાર્તાઓ ‘ભૂમિપુત્ર’ સામાયિકના દર અંકે અપાતી આવી છે. આ વાર્તાઓની અમુક વિશેષતા છે. સૌ પ્રથમ તો એના કદની. ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, 80 થી 82 લીટી. સાતસો-સાડાસાતસો શબ્દ. તેથી તમામ વાર્તાઓને તેની ભાષા, લાઘવ અને સંવાદોને જાળવતાં તે સ્વરૂપે લખવામાં આવી છે. બીજી વિશેષતા એ છે કે આ વાર્તાઓ સીધો અનુવાદ કે રૂપાંતર નથી. ઘણી વાર મૂળ વાર્તા 20-25 પાનની હોય તો તેને ત્રણ-ત્રણ કે ચાર-ચાર વાર લખીને સંક્ષિપ્ત અંતિમ રૂપ આપવામાં આવ્યું છે અને તેમ થતાં કેટલીક વાર્તા સ્વતંત્ર નવી કૃતિ જેવી પણ બની રહી છે. અત્યાર સુધીમાં પ્રત્યેક ‘વીણેલાં ફૂલ’ નામે કુલ 16 પુસ્તકો પ્રકાશિત થયા છે અને પ્રત્યેક પુસ્તકમાં 40 ટૂંકી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોળ પુસ્તકો એક સેટ સ્વરૂપે ઉપલબ્ધ છે જેની કિંમત રૂ. 480 છે. ખરેખર વસાવવા લાયક આ સુંદર પુસ્તકોનો સેટ પરદેશના વાચકો પણ પોસ્ટેજની વધારાની રકમ ચૂકવીને મંગાવી શકે છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે. પ્રસ્તુત વાર્તાઓ ‘વીણેલાં ફૂલ’ ગુચ્છ-15 માંથી સાભાર લેવામાં આવી છે. ]

[1] શિલ્પ

એક નાનકડા ગામે માનસી બસમાંથી ઊતરી ત્યારે સાંજ પડી ગઈ હતી. કામતનાં પુત્રવધૂ સુધાબહેને ફોનમાં આપેલ સૂચના મુજબ ડાબી બાજુ વળીને ચાલવા લાગી. એને થયું, આવડા નાનકડા ગામમાં કેવડા મોટા કલાકાર રહી ગયા ! થોડું ચાલી ત્યાં ‘કલા-મંદિર’ આવી ગયું. ખરેખર એ કલાનું મંદિર હતું. દરવાજો વટાવ્યો કે અંદર સરસ મજાનો બાગ, અને તેમાં મૂર્તિઓ જ મૂર્તિઓ. માણસની મૂર્તિઓ. ખેતર ખેડતો ખેડૂત, રમતું બાળક, હાથમાં તંબૂરા સાથે બેઠેલી સ્ત્રી. કલાકારના હાથે પથ્થરોને જીવતા કરી દીધા હતા !

એક શિલ્પ પાસે આવીને તો એ ઊભી જ રહી ગઈ. પાણી ભરીને આવતી બાઈ. માનસીને યાદ આવ્યું, આ તો કલાકાર કામતનું અત્યંત પ્રસિદ્ધ પામેલું શિલ્પ. સાડી પકડીને ચાલતું એનું રડતું બાળક, માથે જળ ભરેલી ગાગર, ચહેરા ઉપર થાકનો પરસેવો, પાણી છલકાઈને ભીંજાયેલા વાળ, હવાથી ઊડતો પાલવ. પથ્થર નહીં, જાણે હાડમાંસની જીવતી જાગતી બાઈ જ ત્યાં ઊભી છે ! મુગ્ધ થઈ ગયેલ માનસી તંદ્રામાંથી જાગી, તો સામે આવા જ ચહેરા-મોરાવાળી બાઈ ઊભી હતી. આ શિલ્પ માટે ક્યારેક મૉડેલ બની હશે. બોલી, ‘તમે માનસીબહેન ને ! આવતાં કાંઈ તકલીફ તો નથી પડી ને !’
‘જરીકે નહીં. તમે સુધાબહેન ને ! કલાના આ મંદિરમાં પગ મૂકતાં જ પાવન થઈ ગઈ !’
સુધાબહેને એક બાઈને બોલાવી, ‘આનંદી ! બહેનને આઉટ-હાઉસમાં લઈ જા.’ અને માનસીને કહ્યું : ‘તમે હાથ-મોં ધોઈ થોડો આરામ કરો. કલાકેકમાં ભોજન માટે બોલાવું છું.’ કલાક પછી આનંદી એને બોલાવી ગઈ. બંગલો જૂની ઢબનો પણ વિશાળ હતો. બહુ મોટો હૉલ અને બંને બાજુ ઓરડીઓ. ઉપલે મજલે પણ એવું જ. અત્યારે ત્યાં ઉપર અંધારું હતું, પણ એક ઓરડામાં કાચની બંધ બારીઓમાંથી લાઈટનું અજવાળું દેખાતું હતું.

જમવાના ટેબલ પર ત્રણ થાળી હતી. બે પીરસાઈ, એક ખાલી. માનસીએ પૂછ્યું : ‘કોઈ ત્રીજું આવનાર છે ?’
સુધાબહેને કંઈ જવાબ આપવાને બદલે કામની જ વાત ઉપાડી : ‘મેં તમારું મેગેઝિન જોયું નહોતું. તમે બે-ચાર અંક મોકલ્યા તે સારું કર્યું.’
‘અમારું મેગેઝિન સંપૂર્ણપણે કળા અને સાહિત્યને વરેલું છે. આવતો અંક અમે ‘કલાકાર કામતની કમનીય શિલ્પકળા’ ઉપર વિશેષાંક રૂપે કાઢવાના છીએ.’
‘અત્યારે તો તમે જમીને આરામ કરજો. સવારે નાસ્તા પછી આપણે બેસીશું. ઉપરના હૉલમાંનાં એમનાં શિલ્પો પણ હું તમને બતાવીશ.’
જમીને માનસી થોડો વખત બાગમાં આંટા મારતી હતી, ત્યારે એણે જોયું કે ઉપરના મજલે જવા માટેનો દાદરો બહાર હતો અને એ દાદરેથી આનંદી હાથમાં ભોજનની થાળી લઈને ઉપર જઈ રહી હતી. માનસીને કુતૂહલ થયું. આ જ પેલી ત્રીજી થાળી ? પેલી ઓરડીમાંના કોઈક માટે આ થાળી હશે ? ત્યાં કોણ રહેતું હશે ?

સવારે નાસ્તા પછી સુધાબહેન માનસીને એ જ દાદરેથી ઉપર લઈ ગયાં. હૉલમાં તો એક-એકથી ચઢિયાતાં શિલ્પ હતાં. સુધાબહેન બોલ્યાં : ‘આ એમનાં ઉત્કૃષ્ટ શિલ્પ. ઘણાંને જુદાં-જુદાં પારિતોષિક મળેલાં છે.’ માનસી જોઈને દંગ થઈ ગઈ. પથ્થરમાંથી આટલું બધું સૌંદર્ય પ્રગટ થઈ શકતું હશે !
‘એક એક શિલ્પ બનાવતાં કેટલા દિવસ લાગે ?’
‘ક્યારેક આઠ-દસ દિવસમાં બની જાય, ક્યારેક બે-ત્રણ મહિનાયે થઈ જાય. શિલ્પ પૂરું ન થાય ત્યાં સુધી તેમાં જ રમમાણ હોય. ખાતાં-પીતાં માથે બસ તેની જ ધૂન સવાર હોય. ક્યારેક ધૂનમાં ને ધૂનમાં ખાવા-પીવાનુંયે ભાન ન રહે. અને બધું સર્વોત્તમ થવું જોઈએ. પોતાના મન પ્રમાણે ન થયું તો તેને પોતે જ હથોડાથી ભાંગી-તોડીને સાવ વિદ્રુપ કરી નાખે.’
હૉલમાંથી પાછા ફરતાં પેલી બંધ ઓરડી આવી. તેને તાળું લગાવેલું હતું. માનસીએ પૂછ્યું : ‘આ ઓરડીમાંયે શિલ્પ છે ?’
સુધાબહેન ખિન્ન સ્વરે બોલ્યાં : ‘તેમાં એક જ શિલ્પ છે. પણ તે જોવા જેવું નથી.’ અને માનસીને લઈને ઝટ-ઝટ દાદરો ઊતરી ગયાં. બંને બાગમાં જઈ બેઠાં. માનસીએ પૂછ્યું : ‘કામતજીને ગયે પાંચેક વરસ થયાં ને ! છેવટ સુધી શિલ્પ કરતા હતા ?’
‘હા. કામતજીના દાદા મોટા સંગીતકાર. મા સુંદર ચિત્રકાર. પિતા સુપ્રસિદ્ધ શિલ્પકાર. પત્ની નૃત્યકાર. કહેતા, કલાનો વારસો મારા લોહીમાં છે. પિતાના ટાંકણા સાથે રમતાં-રમતાં હું પોતે ક્યારે પથ્થર પર ટાંકણું ચલાવતો થઈ ગયો, મને ખબર નથી.’
‘આ તો મોટી દેણ કહેવાય !’
‘હા. એ કહેતા કે કલાની દેણ તે ઈશ્વરની દેણ છે. તે જેને મળે, એ ઈશ્વરી વંશનો કહેવાય. જેનામાં આવો કલાગુણ ન હોય, તેનું જીવન વ્યર્થ !’
‘એ ખરું, પણ કલાકારનો દીકરો કલાકાર જ થાય, એવું ન પણ બને. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ થાય, એવો આગ્રહ થોડો રખાય ?’

માનસીએ જોયું કે આ સાંભળતાં સુધાબહેનનો ચહેરો મ્લાન થઈ ગયો. ઘણી વાર સુધી એ કાંઈ બોલ્યાં નહીં. પછી ખિન્ન સ્વરે કહેવા લાગ્યાં : ‘પણ કામતજીનો આવો આગ્રહ હતો. એમનો દીકરો શિલ્પકાર કે કોઈ કલાકાર ન થયો, તેને દૈવે કરેલું પોતાનું ઘોર અપમાન એમણે માન્યું. અને તેનો બદલો એમણે પોતાના દીકરા ઉપર લીધો ! દીકરો સાવ સીધો, સાદો. થોડું ભણીને નોકરીએ લાગ્યો. કલાકારથી આ સહન થયું નહીં. એમણે એની સાથે બોલવાનું છોડી દીધું. સામે દેખાય તેવું મોં ફેરવી લેતા. વાતવાતમાં અપમાન કરવા લાગ્યા. દીકરો કલાકુશળ નહીં, પણ બહુ જ ભાવનાશીલ. એને ભારે આઘાત લાગ્યો. એ લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો. એને તીવ્ર માનસિક અસર થઈ. થોડા દિવસ હોસ્પિટલમાં રાખવો પડ્યો…. ગાંડાની હોસ્પિટલમાં….’
‘એટલે કે તમારા પતિ….’
‘હા, હજી જીવે છે, પણ મૃતવત્. મેં તમને કહેલું ને, પેલી ઓરડીમાં એક શિલ્પ છે. કામતજી જે ન બનાવી શક્યા તે શિલ્પ. જે સાકાર ન થઈ શક્યું એટલે હથોડીના આડા-અવળા અદશ્ય પ્રહારોથી ભાંગી-તોડીને વિદ્રુપ કરી નાખેલું શિલ્પ. કામતજીનાં આ બધાં શિલ્પો સાથે હું તેને પણ સંભાળી રહી છું…..’ કહેતાં સુધાબહેન એકદમ ભાંગી પડ્યાં. એમની આંખેથી અશ્રુધારા વહી રહી. માનસીની આંખો પણ ભરાઈ આવી.

પરંતુ સુધાબહેન થોડી વારમાં સ્વસ્થ થઈ ગયાં. દઢ અવાજે બોલ્યાં : ‘માઈકલ એંજલોએ કહ્યું છે – દરેક પથ્થરમાં શિલ્પ હોય છે જ. અમે માત્ર અનાવશ્યક નકામો ભાગ કાઢી નાખીએ છીએ અને તેમાંના શિલ્પને સામે લાવીને સાકાર કરીએ છીએ…. તમને પણ મારી વિનંતી છે. આ બધું ભૂલી જજો. અનાવશ્યક ભાગને કાઢી નાખી શિલ્પકાર કામતજીની ઉત્તમ પ્રતિમા જ દુનિયા સમક્ષ મૂકજો.’
(શ્રી મોનિકા ગજેન્દ્ર ગડકરની મરાઠી વાર્તાને આધારે.)
.

[2] લીમડાનું ઝાડ

નીમુ ગામડા ગામની છોકરી. ઝાડપાન ઉપર તેને બહુ પ્રેમ. પોતાના ઘરના વાડામાં તેણે ઘણાં ઝાડ ઉછેરેલાં. તે બધાં ઝાડોની પ્રેમપૂર્વક માવજત કરતી. વાડો મોટો હતો અને તેમાં જાતજાતનાં ઝાડો હતાં. તેમાનું એક પણ ઝાડ તેણે ક્યારેય કપાવા દીધું નહોતું. તે હજી આઠ-દસ વરસની હતી, ત્યારે એક વાર એક ઝાડને કોઈક કારણસર કાપી નાખવાની વાત ઘરમાં થઈ. તો નીમુએ તેનો વિરોધ કર્યો. તેને નાની સમજીને તેના વિરોધ તરફ કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. કાપનાર માણસો દોરડાં, કુહાડી, કરવત વગેરે લઈને આવી પહોંચ્યા. પણ નીમુએ કકળાટ કરી મૂક્યો. પોતે જઈને ઝાડને વળગીને ઊભી રહી ગઈ, ‘નહીં, નહીં કાપવા દઉં !’ તેને ઘણી સમજાવી, પણ તે એકની બે ન થઈ. છેવટે ઝાડ કાપવાનું બંધ રાખવું પડ્યું. તે રાતે એ ઊંઘમાંથી બે વાર ઝબકીને જાગી ગયેલી કે કોઈ ઝાડ કાપી તો નથી જતું ને !

આવી નીમુ પરણીને શહેરમાં આવી. સરસ મજાનું ઘર હતું. આવું કીમતી ફર્નિચર તો તેણે અગાઉ ક્યારેય નહોતું જોયું. અને આગળ સરસ મજાની લૉન. થોડા ફૂલછોડ. પણ ઝાડ એકેય નહીં. એક માળી રોજ બે કલાક આવે. નીમુને ત્યારે દોડીને માળી સાથે કામ કરવાની અને ફૂલછોડ વગેરેની માવજત કરવાનું મન થાય, પણ તેમ કરવાનું શક્ય ન બને, કેમ કે તેના માથે ઘરકામનો ઘણો બોજ રહેતો. તેનું કુટુંબ મોટું હતું. પોતે બે જણ, સાસુ-સસરા, બે નણંદ અને બે દિયર. દિયર-નણંદ હજી ભણતાં હતાં. સાસુ-સસરાની ઉંમર તો હજી બહુ થઈ નહોતી, પણ માંદા-સાજા રહ્યા કરતા, એટલે એમની નાનીમોટી સેવા કરવી પડતી.

જો કે નીમુને કામનો કંટાળો નહોતો. કામમાં એ ઘણી કુશળ હતી. પિયરમાં પણ તેણે ઘણું કામ કરેલું. એટલે કામનો તો તેને કશો વાંધો નહોતો. પણ તેના મનમાં થોડો રંજ રહ્યા કરતો. ઝાડપાન ઉપરનો પ્રેમ એ ક્યાંય પ્રગટ કરી શકતી નહોતી. તેને કાંઈક ખાલી-ખાલી લાગતું. છેવટે તેણે બીતાં-બીતાં ઘરમાં વાત કરી, ‘આપણા કમ્પાઉન્ડમાં પાછળ એક છેડે હું લીમડાનું ઝાડ વાવું ?’ બધાંને નવાઈ લાગી. વહુએ માગી-માગીને ઝાડ વાવવાની માગણી કરી ! કોઈને તેમાં કોઈ વાંધો નહોતો. નીમુએ સરસ મજાનો છોડ લાવીને વાવ્યો. ઘરકામમાંથી ગમે તેમ સમય કાઢી તે છોડની માવજત કરતી. ત્યારે તેને નાનું બાળક હતું. તે બાળકની જેટલી સંભાળ લીધેલી તેનાથી જરીકે ઓછી સંભાળ તેણે આ લીમડાના છોડને ઉછેરવામાં નહોતી લીધી. અને દીકરાને તો એ છ વરસનો થયો ત્યારથી મોટા ઘરના લોકોએ બહાર મોટી બોર્ડિંગમાં ભણવા મૂકી દીધેલો. માત્ર વેકેશન પૂરતો ઘરે આવે. એટલે નીમુનું વધારે માતૃત્વ આ લીમડાના છોડ ઉપર જ ઢોળાયેલું.

આમ કરતાં-કરતાં 14 વરસ ગયાં. છોડમાંથી હવે સરસ મજાનું મોટું લીમડાનું ઝાડ થઈ ગયેલું. નીમુ જ્યારે સમય મળે ત્યારે લીમડાની શીતળ છાંય નીચે જઈ બેસતી. તેને વધતો ને વિસ્તરતો જોઈ એનું હૈયું અપાર ટાઢક અનુભવતું. પરંતુ એક દિવસ જ્યારે આ લીમડાને કપાવી નાખવાની વાત આવી કે નીમુના હોશ ઊડી ગયા. સાસુ કહે : ‘રોજ કેટલો કચરો થાય છે ! સૂકાં પાન અને લીંબોડીઓનો ઢગલો થઈ જાય છે. માળી કહેતો હતો, મારાથી તે બધી સફાઈને પહોંચી વળાતું નથી.’
નીમુ બોલી : ‘કાંઈ નહીં. હું રોજ એટલી સફાઈ કરી લઈશ.’
થોડા દિવસ બાદ ફરી કોઈકે કહ્યું : ‘લીમડો સાવ વાડ આગળ છે. હવે તેની ડાળો રસ્તા સુધી પહોંચી ગઈ છે. તે વારે વારે કપાવ્યા કરવી પડશે. નાહકનો એ બધો ખર્ચ ! તેના કરતાં હવે લીમડાને જ કપાવી નાખીએ તો ?’
નીમુ થોડી ક્રુદ્ધ થઈ ગઈ. બોલી, ‘બસ, આટલું ભારે પડે છે ? કાંઈ નહીં, એ વ્યવસ્થા હું કરીશ. અને તેનો ખર્ચ પણ હું મારી બચતમાંથી આપીશ.’

વળી, થોડા મહિના થયા ને ફરી લીમડો કપાવવાની વાત આવી. અને આ વખતે તો એ જાણે મૃત્યુદંડની જ વાત હતી. મ્યુનિસિપાલિટી રસ્તો પહોળો કરી રહી હતી. તેમાં કમ્પાઉન્ડનોયે થોડો ભાગ જતો હતો. અને તો આ લીમડાને કાપવો જ પડે તેમ હતો. નીમુના માથે તો જાણે આભ તૂટી પડ્યું ! હવે આનો કોઈ ઉપાય તેની પાસે નહોતો. તેનો લીમડો કપાઈ જ જવાનો. નીમુ ભારે ઉદ્વિગ્ન થઈ ઊઠી. તેને ક્યાંય ચેન નહોતું પડતું. ઉદાસ-ઉદાસ રહેતી. કાંઈ કેટલીયે વાર તેણે એકાંતમાં આંસુ સાર્યાં. પતિને કરગરીને કહ્યું : ‘તમે કાંઈક કરો ને ! કાંઈક રસ્તો કાઢો ને !’ પતિએ સહાનુભૂતિ બતાવી, પણ લાચારી વ્યક્ત કરી – ‘આમાં આપણાથી શું થઈ શકે ?’

અને છેવટે મૃત્યુદંડનો અમલ કરવાનો દિવસ આવી પહોંચ્યો. આવતી કાલે લીમડો કાપવા મ્યુનિસિપાલિટીના માણસો આવશે. દોરડાં, કરવત, કુહાડી વગેરે બધો સામાન પણ સાંજે મૂકી ગયા. નીમુને કાંઈ ચેન પડે નહીં. ખાવા બેઠી તો કોળિયો ગળે જ ન ઊતર્યો. ખાધા વિના ઊભી થઈ ગઈ. રાતે બધાં સૂતાં, પણ નીમુની આંખે મટકુંયે નહોતું માર્યું. શયનખંડની બારી આગળ ઊભી એ ક્યાંય સુધી પોતાના લીમડાને જોતી રહી. કાલે આ કરવતથી વહેરાઈ જશે, જાણે મારા દેહ ઉપર જ જીવતો જીવત કરવત ચાલશે ! કેટલીય વાર સુધી એ સૂનમૂન ઊભી રહી. શું કરવું તે એને સમજાય નહીં. ત્યાં એની નજર ઝાડ પાસે પડેલા દોરડા ઉપર પડી. અને એકાએક એની આંખ ચમકી, એના મગજમાં ઝબકારો થયો અને મનોમન નિરધાર થઈ ગયો.

નીમુ ચોર પગલે બહાર નીકળી. લીમડા પાસે ગઈ. લૉનમાં પડેલી એક ખુરશી લઈ આવી. દોરડું લીધું. લીમડાની એક નીચી ડાળી ઉપર બાંધ્યું. બીજા છેડે ગાળિયો બનાવ્યો. ખુરશી ઉપર ઊભી થઈને ગાળિયો પોતાના ગળામાં નાખ્યો. ભગવાનનું નામ લઈ પગથી ખુરશી ખસેડી નાખી. નીમુનો દેહ ડાળીએ લટકી રહ્યો. એની આંખે અંધારાં આવ્યાં. ગળાએ ભીંસ અનુભવી. પણ તેવામાં ડાળી તૂટી અને નીમુ જમીન પર પટકાઈ. ભાનમાં આવી, ત્યારે બેબાકળી બની ચોધાર આંસુએ રડી પડી. બેઠી થઈ. ગાળિયો ગળામાંથી કાઢ્યો. અને લીમડાને વળગી પડીને તેની સાથે માથું કૂટતાં-કૂટતાં બોલી : ‘હું તને નથી બચાવી શકતી, ત્યારે તેં મને શું કામ બચાવી ?’

લીમડાનાં પાના ફરફરી ઊઠ્યાં. લીમડો નીમુના માથે મૃદુ પર્ણ-વર્ષા કરી રહ્યો.
(શ્રી રીટા નાથની અંગ્રેજી વાર્તાને આધારે)

[ એક પુસ્તકના કુલ પાન : 88. એક પુસ્તકની કિંમત : રૂ. 30. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાદળની મૈત્રી – વંદના ભટ્ટ
રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ Next »   

11 પ્રતિભાવો : વીણેલાં ફૂલ – રૂપાંતર : હરિશ્ચંદ્ર

 1. અતુલ જાની (આગંતુક) says:

  * પથ્થરમાંથી જીવંત શિલ્પ ઘડનારા ક્યારેક જીવંત મનુષ્યને જડવત કરી મુકે છે.

  * તરૂવર સરોવર સંત જન ચોથા વરસે મેહ
  પરમારથને કારણે ચારો ધરિયા દેહ

 2. Dhaval B. Shah says:

  Too good!!!

 3. jignesh says:

  સરસ…વાંચવાની મજા પડી…

 4. nisha says:

  બને વાર્તા ખુબ જ સન્વેદન્શિલ. અન્તરને ભિનુ કરિ નાખે તેવિ .

 5. nisha says:

  સરસ.

 6. saurabh desai says:

  Both story are very sensetive

 7. ભાવના શુક્લ says:

  સંવેદનાઓને સુંદર રિતે મઢી છે …વાચતા જ આંખમા ભિનાશ…
  સાહિત્યમા આટલા ઉંડા યોગદાન બદલ બન્ને બહેનોને હ્ર્દય પુર્વક પ્રણામ અને મૃગેશભાઈનો ફરી ફરી આભાર કે અહી વહેચે છે ઉમદા સાહીત્ય અને સાહિત્યકારોનો સાચો પરીચય.

 8. manesh says:

  First story is really great. But second one doesn’t cut the grade for me. I understand the character likes the nature and trees, but giving your life for one tree? That life can well be utilized in serving greater goods. e.g. by planting 100 more trees whereever possible.

 9. આ વાર્તાઓ નું અનુવાદન અંગ્રેજી માં પણ કરવું જોઇયે, નહીં?

 10. Arpita patel says:

  મને મારા મોગરાના છોડની યાદ આવી ગઈ. Really good story. Thank you

 11. maulin shah says:

  ખુબજ સરસ !

  Excellant…

  i don’t have words to say!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.