સુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ

સૌ કોઈ ઈચ્છે છે કે એકાદ મજાનું, આનંદનું, સુખનું, શાંતિનું ઝાડ હોય ને એ……ઈ મજેથી એના છાંયડે બેઠા હોઈએ ! દુ:ખનું ક્યાંયે નામ ન હોય, મુસીબતોના આકરા ઉના તાપ ન પડતા હોય કે અભાવની ક્યાંય અકળામણ ન હોય, વાતા હોય માત્ર શીળા શીળા વાયરા, ચહેરા ઉપર પથરાતા હોય ટાઢકના લેપ ને ડાળીએ બેસીને કોઈ વગાડતું હોય વહાલપની વાંસળી. આવાં મજાનાં, મનને ગલગલિયાં કરાવે, હૈયાને ગલીપચી કરી જાય તેવાં ચિત્રો સૌ કોઈ દોરે છે અને એવાં ચિત્રો દોરવાનો સૌને અધિકાર પણ છે. સિત્તેર વર્ષના એક વૃધ્ધને પુછયું કે : કાકા, હવે તમને શું જોઈએ ?
          સુખ ભઈલા, સુખ……
          સુખને હવે શું કરવું છે ? હવે તો ઢળતી ઉમ્મરિયાં થઈ –’
          ઢળતી ઉંમ્મરિયાં થઈ તેથી શું , સુખ તો હવે જોઈએને ? આખી જિંદગી વલોપાત માં ગઈ. પેટગુજારો કરવાની દોડાદોડમાં ગઈ, છોકરા ઉછેરવામાં ગઈ. સાચું કહું છું ભઈલા, સુખ કદી જોવા મળ્યું નથી….પછી કહો, હવેય સુખની ઝંખના ન થાય ?
          એમની વાત સાચી છે. સુખની ઝંખના સૌને થાય. કોઈ પણ ઉંમરેય માણસ સુખને ઝંખે ! પચીસ વર્ષના યુવાનનેય સુખના ભાવ જાગે ને એંસીએ પહોંચેલા કાકાને ય સુખને એક વાર ધરાઈ ધરાઈને જોઈ લેવાના અભરખા જાગે ! માણસને સુખની તરસ કાયમ માટે લાગેલી જ હોય છે ને તે કદી છીપતી નથી.
          પણ દુ:ખની વાત તો એ છે કે, માણસ કહે છે : મેં કદી સુખને જોયું જ નથી. સુખ કેવું હોય તેની મને ખબર નથી. સુખના ચહેરાનો મને અણસાર નથી……મને કોઈ સુખ આપો રે, આપો !
          સુખ આપવા એની માંગણી કરે છે ને એને પાળવા અદમ્ય રીતે છટપટે છે…. દુ:ખને તે કદી ઈચ્છતો જ નથી….. દુ:ખ તો કદી જોઈએ જ નહિં. દુ:ખ ને આઘું રાખો, એ અમારા નહિ પણ બીજા કોઈના માટે અનામત રાખો….એનું ચાલે તો માણસ શબ્દકોષ માંથી દુ:ખ શબ્દ જ દૂર કરાવી દે ! એના પડછાયામાં ય ઉભા રહેવાનું એને ગમતું નથી….એ ઊંઘ્યો હોય ને કોઈ એના કાનમાં એ દુ:ખ આવ્યું એવું જોરથી બોલે તો, તો કોઈ ભૂતને ભાળી ગયો હોય એમ ભડકી જાય !

          પણ છતાંય દુ:ખ આવે છે.

         ને તોયે દુ:ખ એનો કેડો છોડતું નથી.

          અને કરૂણવાત તો એ છે કે માણસ દુ:ખના કારણની શોધ ચલાવતો નથી. ક્યાંક એણે ભૂલ કરી છે, ક્યાંક એનાથી અવળી વાત બની ગઈ છે, ક્યાંક કશું ખોટું થયું છે, તેની નિખાલસ કબૂલાત એ કરી શકતો નથી ને પછી જિંદગીને દુ:ખ વળગી પડયાના રોદણાં કાયમ માટે રડયાં કરે છે. ગળાનું કેન્સર થાય છે ત્યારે જિંદગીમાં કેટલી સિગારેટ સતત પી ગયો તેનો આંકડો મુકતો નથી ને પેટમાં ચૂંક આવે છે ત્યારે કેટલા કિલો બજારૂ વાસી વાનગીઓ ઝાપટી ગયો એના સરવાળા કરતો નથી. કેટલા ખોટા કૂદકા લગાવ્યા, કેટલી આંધળી દોડ દોડયો-હિસાબ માંડયો છે કદી ? અમુક ધર્મોમાં તો પૂર્વજીવનનાં કાર્યોનો જ આ જન્મે બદલો મળતો હોય છે, એવું મનાય છે….પૂર્વજીવન કે ઓલ્યા ભવ ની વાત જ શું કામ ? સવારના કાર્યનો બદલો સાંજ સુધીમાં મળી જતો હોય છે. એક પ્રેયસી કે જેને ખ્યાલ આવી ગયો કે તે તેના પ્રિયતમ સાથે લગ્ન કરી શકે તેમ નથી. તે મિલનની પળોમાં પોતાના પ્રિયતમ ને આંખમાં અશ્રુ સાથે કહે છે : જરૂર આપણે ગયા ભવમાં પાપ કર્યા હશે અને એટલે જ આ જીવનમાં આપણે એકમેક માટે આટલાં તડપવું પડે છે. ને પછી ડૂસકું ભરી લેતાં ઉમેરે છે : જરૂર, કોઈની જોડલી તોડવાનું પાપ આપણા હાથે થયું હશે ?
          સુખ તો હોય ને હોવું જ જોઈએ, ને સુખ વગર માણસને ગમે પણ નહિ, ને એ સ્વાભાવિક છે. પણ એથી દુ:ખનો અસ્વીકાર કરવાની જરૂર નથી. કદાચ એવું પણ બને કે માણસના મજબૂત પ્રયાસો દુ:ખને-અભાવને-મુસીબતોને ખાક કરી નાંખે ને એ ખાકમાંથી એણે ઈચ્છયું હોય તેવું સુખ જન્મે અથવા એ ખાકના ખાતર વડે કદીક સુખનું-આનંદનું ઝાડ પણ ઊગી નીકળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધીરજનાં ફળ મીઠાં : સુધીર દેસાઈ
મહત્તા – ભુલાતા જતા મંદિરની : લાલજીભાઈ પ્રજાપતિ Next »   

13 પ્રતિભાવો : સુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ

  1. અતુલ જાની (આગંતુક) says:

    સુખની શોધમાં આપણે સહું સુખી હોવા છતા સુખ માણી શકતા નથી. પહેલા તો આપણે સહુ મનુષ્ય છીએ તેને માટે સુખી થઈ શકીએ. સુખ અને દુઃખ માટે જુદા જુદા ધર્મ જુદા જુદા કારણો આગળ ધરે છે અને તેનો ઉપાય પણ બતાવે છે. દરેક નો લગભગ સુર કંઈક આવો જ છે કે જેવું વાવીએ તેવું લણીએ. સુખનું છાયાદાર વૃક્ષ જોતું હોય તો સત્કર્મો રુપી બીજ વાવવા જોઈએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.