રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ

બે-ત્રણ સપ્તાહ પહેલાં આપણે નિર્મિશભાઈ સાથેની મુલાકાત માણી. તે ક્રમમાં સુરતની બીજી મુલાકાત થઈ શ્રીમતી રીનાબેન મહેતા સાથે. નવોદિત વાચકો માટે આ નામ કદાચ અપરિચિત હોય પરંતુ રીડગુજરાતીના વાચકો માટે તે અજાણ્યું નથી; કારણ કે રીનાબેનના પુસ્તક ‘ખરી પડે છે પીછું’ (લલિતનિબંધ) માંથી આપણે મોટાભાગના લેખો સાઈટ પર માણ્યા છે, જેવા કે ‘સ સગડીનો સ’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકા’, ‘તાળું અને ચાવી’, ‘વાત્સલ્યના હસ્તાક્ષર’ વગેરે…

reenabenપ્રત્યેક સાહિત્યકારના સર્જન પ્રત્યે આપણા મનમાં આદર તો હોય જ પરંતુ રીનાબેન વિશે મારા મનમાં વિશેષ આદર રહ્યો છે કારણ કે રીડગુજરાતીની શરૂઆત કરવાનો મનમાં જ્યારે વિચાર સ્ફૂર્યો ત્યારે પહેલો પ્રશ્ન એ થયો કે કેવા પ્રકારનું સાહિત્ય સાઈટ પર મૂકવું જોઈએ ? ત્યારે તેમના પુસ્તક ‘ખરી પડે છે પીછું’ વાંચતા નક્કી કર્યું કે આ પ્રકારનું જીવનપ્રેરક અને માનવીય સંવેદનાને સ્પર્શતું સાહિત્ય સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચવું જોઈએ. રીડગુજરાતી પર નિબંધો મૂકવાની શરૂઆત સૌપ્રથમ તેમના જ લેખ ‘હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે’ થી થઈ છે. બસ, તે દિવસથી રીનાબેન મારા પ્રિય સર્જકોમાંના એક થઈ ગયા.

પોતાના પ્રિય સર્જકને મળવાનું તો દરેક વાચકને મન હોય જ ! પરંતુ મારી પાસે તેમના સુધી પહોંચવા માટે કોઈ માહિતી નહોતી. પુસ્તકમાં તેમનું સરનામું કે ફોન નંબર કશું જ ઉપલબ્ધ નહોતું. પ્રશ્ન એ થયો કે તેમના વિશે માહિતી મેળવવી ક્યાંથી ? જાણીતા સાહિત્યકારોને પૂછતાં તેઓ ‘સુરત’ના છે એટલી માહિતી મળી પરંતુ તેમનો ફોનનંબર કે સરનામું મેળવી શકાયું નહીં. એ અરસામાં રીડગુજરાતીના સુરતના એક વાચક ડૉ. હરિશભાઈ ઠક્કર વડોદરા મળવા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં તેઓએ જણાવ્યું કે ‘રીનાબેનના માતાશ્રીનો હું ફેમેલી ડૉક્ટર છું અને તેઓ કોઈકવાર ક્લિનિક પર આવે છે….. પરંતુ મારી પાસે એમનું સરનામું કે ફોન નંબર નથી…..’ ખલાસ ! હાથમાં આવેલી બાજી જાણે હારી ગયા હોઈએ એવી લાગણી થઈ ! સાઈટના કામની વ્યસ્તતામાં વળી એ વાત થોડાક મહિનાઓ માટે ભૂલાઈ ગઈ.

ચોમાસાના એ દિવસોમાં હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યાં અચાનક મોબાઈલની રીંગ વાગી. સામે છેડેથી હરિશભાઈએ કહ્યું કે વરસાદને કારણે હું એક દુકાન પાસે ઊભો છું અને મારી સાથે ઉભા છે… તમે જેની શોધ કરતા હતા એ તમારા પ્રિય સર્જક રીનાબેન….. લો એમની સાથે વાત કરો…. ! એ પછીનો દિવસ તો જાણે લોટરી લાગી હોય તેમ ઉત્સવ જેવો બની રહ્યો ! તેમની સાથે ફોનપર આ પહેલવહેલો સંપર્ક. જેટલી સરળતા અને સહજતા તેમના લેખોમાં અનુભવી હતી, તેવી જ અનુભૂતિ તેમની સાથે ફોન પર વાત કરતાં થઈ.

રીનાબેન સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના પુત્રી છે. લગ્ન બાદ તેઓ સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાયી થયા છે. પતિ શ્રી ચિંતનભાઈ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે. રીનાબેનના જીવનનો ઉદ્દેશ જીવનના વિવિધ રંગોને માણવાનો છે તેથી તેઓ સર્જક હોવાની સાથે ઉમદા ગૃહિણી પણ છે. પુત્રી દ્વિજા દસમા ધોરણમાં અભ્યાસ કરે છે સાથે એક સરસ ચિત્રકાર છે. પુત્ર વેદાંગ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે તથા સાહિત્યમાં રસ ધરાવે છે. બંને બાળકો રીડગુજરાતીના વાચક છે જે વધુ આનંદની વાત છે. સમય મળ્યે ઓર્કૃત પર તેમની પોતાની કોમ્પ્યુનીટીમાં તેઓ દાદાની (ભગવતીકુમાર શર્માની) કવિતાઓ મૂકે છે. શ્રી ચિંતનભાઈ ધ્યાન અને સંગીતમાં ખૂબ રસ ધરાવે છે. આમ, તેમનો સમગ્ર પરિવાર કળાને સમર્પિત છે.

રીનાબેન સાથે ફોન પર સંપર્ક થાય બાદ અવારનવાર તેમનું સુરત આવવાનું આમંત્રણ મળતું રહ્યું પરંતુ સંજોગોવશાત તે પાછું ઠેલાતું રહ્યું. આખરે પૂરા બે વર્ષ બાદ તેમની સાથે પ્રત્યક્ષરૂપે પહેલી મુલાકાત થઈ અને જે વાર્તાલાપ થયો તેનો કેટલોક અંશ તેમના જ શબ્દોમાં આજે આપણે માણીએ.

પ્રશ્ન : રીનાબેન, ઘણા સમયથી આપને મળવાની ઈચ્છા હતી જે પ્રત્યક્ષરૂપે આજે પૂરી થઈ. મારી દષ્ટિએ સાહિત્યક્ષેત્રના લલિતનિબંધોમાં આપની શૈલી એક અનોખી ભાત સર્જે છે પરંતુ મારે એ જાણવું છે કે આપની આ સાહિત્યયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ ? કદાચ મને લાગે છે કે આપની માટે તો સાહિત્ય-પ્રવેશ ખૂબ સરળ બન્યો હશે કારણકે મોટા ગજાના સાહિત્યકારના પુત્રી હોવાને નાતે આપને સાહિત્ય ગળથૂથીમાંથી જ મળ્યું હશે. આપ શું માનો છો ?
ઉત્તર : મૃગેશભાઈ, સાહિત્ય તરફ મને દોરી જનાર અમારા ઘરનું વાતાવરણ કેન્દ્રસ્થાને રહ્યું. નાનપણમાં સાહિત્યની કોઈ વિશેષ સમજ નહતી પરંતુ સતત એ વાતાવરણમાં રહેવાથી સાહિત્યમાં રસ પડવા લાગ્યો. પપ્પાને મળવા ઘણા બધા લેખકો આવે. ઘર સાહિત્યકારોથી ભરેલું રહે. રોજે રોજ મહેફિલ જામે ! છંદ, ગઝલ, કાવ્ય, વાર્તા, નવલિકા, નવલકથા વગેરે પ્રકારો પર અનેક વાતો થતી હોય, પણ હું સ્વભાવે શરમાળ. મારા અંતર્મુખી સ્વભાવને કારણે “કંઈક લખું અને લેખિકા તરીકે બહાર પડું” એવું બધું મને ન ગમે. મારા માટે સાહિત્યને માણવું એ જ મુખ્ય વાત હતી. તેથી ‘સાહિત્ય-પ્રવેશ’ જેવી કોઈ બાબતનો વિચાર જ નહોતો. વળી, એ સમયમાં આજની જેમ મનોરંજનના સાધનો નહતા. તેથી ક્યાંક જવાનો વિચાર કરીએ તો મુખ્યત્વે સંગીતના કાર્યક્રમ કે કવિસંમેલનમાં જવાનું થાય. આમ, સાહિત્યનું વાતાવરણ સતત મારી આસપાસ ઘૂંટાતું રહ્યું અને મારા અંતરમનમાં તેની ઊંડી છાપ પડતી રહી.

પ્રશ્ન : એ સમયે આપને સાહિત્યના કયા પ્રકાર તરફ વિશેષ આકર્ષણ હતું ?
ઉત્તર : પપ્પાના અનેક કવિમિત્રો એ સમયે નિયમિત ઘરે આવતા રહેતા. સંકોચને કારણે હું બધા વચ્ચે કાવ્યચર્ચામાં ભાગ ન લેતી. પાણીનો ગ્લાસ કે ચા-નાસ્તો આપીને હું અંદર આવી જતી પરંતુ મારું ઋજુ મન તો એ કાવ્યની પાંખે કલ્પનાની ઉડાન ભરતું. તેથી એ સમય દરમ્યાન મને કાવ્ય તરફ વધારે આકર્ષણ રહ્યું અને મારા જીવનમાં મેં લખવાની શરૂઆત કાવ્યથી જ કરી.

પ્રશ્ન : આપનો અભ્યાસકાળ કેવી રીતે વીત્યો ? શું એ સમય દરમ્યાન આપની સર્જનપ્રક્રિયાને વેગ મળ્યો ?
ઉત્તર : શાળાના શિક્ષણ બાદ મને તો રસ સાહિત્યના ક્ષેત્રમાં જ વધારે હતો. ઈચ્છા તો હતી કે આર્ટસમાં કોઈ સાહિત્યિક વિષય લઈને ગ્રેજ્યુએશન કરવું પરંતુ એ સમયે કોમર્સની વધારે માંગ હતી. બધા વિદ્યાર્થીઓ કોમર્સના વિષયો લેતા. વળી, એ સમયે મારી પોતાની એટલી માનસિક પરિપકવતા નહીં તેથી લોકોને અનુસરીને મેં પણ કોમર્સમાં ઝંપલાવ્યું અને પાંચ વર્ષ અણગમતા વિષયોનો સાથ નિભાવ્યો ! અંદરથી મન સાહિત્યનું સાંનિધ્ય ઝંખતું હતું અને બહાર બેલેન્શીટના ટોટલો મેળવવા પડતા !

પ્રશ્ન : લલિતનિબંધ લખવાની શરૂઆત આપે ક્યારથી કરી ?
ઉત્તર : એક વાર એવું બન્યું કે પપ્પાને બહારગામ જવાનું હતું. આમ તો એ ગુજરાતમિત્રની એમની કૉલમ માટે આગોતરા લેખ મોકલી જ દે પણ મને લખવા માટે જાગૃત કરવા તેમણે કહ્યું કે ‘એકાદ લેખ તું લખે ?’ મેં હા પાડી. ઘણા લાંબા સમયથી મારું લેખન બંધ જેવું જ થઈ ગયું હતું. નિબંધ તો મેં ભાગ્યે જ લખ્ય હશે. પણ મારી અંદર આટલા વર્ષોની અનુભૂતિઓ બીજ સ્વરૂપે ધરબાયેલી જ હતી. મેં કલમ માંડીને બધું ઠલવવાવા લાગ્યું. એક સપ્તાહ… પછી બીજું સપ્તાહ… એમ આ લેખન ‘ક્ષણોની ઝરમર’માં કૉલમ અંતર્ગત પાંચથી છ વર્ષ ચાલી. ‘ખરી પડે છે પીછું’ નિબંધ સંગ્રહના નિબંધો આમાંથી જ લેવાયા.

પ્રશ્ન : રીનાબેન, લલિતનિબંધ તો આપણે ઘણા વાંચીએ છીએ. પરંતુ આપની શૈલી હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. વાચકને જાણે એમ લાગે છે કે એ પોતે જ આ સ્પંદનોને અનુભવી રહ્યો છે. આપના લેખનમાં કર્તા તરીકે ‘હું’ નો લોપ થતો જાય છે અને ભાવક સીધો એ ઘટના કે વાતાવરણના સંપર્કમાં આવતો હોય એમ તેને લાગે છે. કદાચ હિમાલયના વર્ણનથી તો બધા અભિભૂત થઈ જાય પરંતુ આપે તો ઘરની અને ઘરની આસપાસની વસ્તુઓના એટલા રસપ્રદ વર્ણન કર્યા છે કે ક્યારેક નાની અમથી વસ્તુ પણ હિમાલય જેટલી મહત્તા ધરાવતી હોય એવું વાચકને લાગે. ઉદાહરણ તરીકે હીંચકો. આ ભાવપ્રવાહ આપ કેવી રીતે કેળવી શક્યા ?
ઉત્તર : મૃગેશભાઈ એક વાક્યમાં મારે કહેવું હોય તો એમ કહી શકાય કે મેં જે માણ્યું અને અનુભવ્યું છે તેને જ શબ્દોમાં વર્ણવ્યું છે તેથી મારે શૈલી કેળવવા માટે કોઈ અભ્યાસ નથી કરવો પડ્યો. આ ભાવપ્રવાહ સહજરીતે જ વિકસ્યો છે. ઘણીવાર તો મને ખુદ પોતાને ખબર નથી હોતી કે મેં શું લખ્યું છે. જૂના લેખો તરફ ક્યારે નજર કરું તો મને લાગે છે કે ‘શું આ બધું મેં લખ્યું છે ?’ જે સમયે અંતરમાં જે વિકસ્યું એની જ વહેંચણી કરવાનો આ પ્રયત્ન છે. સંવેદનશીલ સ્વાભાવને કારણે મને મારી આસપાસની ચીજવસ્તુઓ પણ સંવેદનાયુક્ત લાગતી અને તેની સાથે લાગણીના સંબંધો જોડાતા એક-એક કૃતિ લખાતી ગઈ અને પ્રગટ થતી ગઈ. શબ્દ અને ભાષાતો સતત કાને પડ્યા જ કરતાં તેથી આનંદની અનુભૂતિના ભાગરૂપે લખાતું રહ્યું.

વળી, ‘ખરી પડે છે પીછું’ એ પુસ્તકના શરૂઆતના નિબંધોમાં આપે જે પ્રાકૃતિક વર્ણન વાંચયું હશે તે મારા ઘરની આસપાસનો જ વિસ્તાર હતો. આ પહેલાં અમે જે જૂના ઘરે રહેતા તેની પાછળ એક ખૂબ સુંદર વાડો હતો. તે વાડામાં વચ્ચે સરસ મજાનો હીંચકો. આજુબાજુ ભાતભાતના વૃક્ષો અને છોડ. વાડાને મહેંદીની વાડ. રોજ સવાર-સાંજ વૃક્ષોની ઘટામાં ભાત-ભાતના પક્ષીઓ આવે. કોઈક માળા બાંધે. ઠંડકમાં કૂતરા સૂઈ રહે. બિલાડી લટાર મારે. જીવજંતુ ઉપરાંત ક્યારેક સાપ પણ નીકળે. પણ જાણે એમ લાગતું કે આ સૌ તો આપણા પરિવારના સદસ્યો ! વેદાંગ અને દ્વિજા સાથે પડોશના બાળકો ક્યારેક રમવા આવે અને પછી રાતે અમારે ત્યાં જ સૂઈ જાય. સરસ મજાનું કિલ્લોકભર્યું વાતાવરણ ! આ આંતરિક ભાવપૂર્ણ સ્થિતિ શબ્દોમાં જેમ વ્યક્ત થતી ગઈ તેમ તેમ લલિતનિબંધોના સ્વરૂપે લેખો પ્રકાશિત થતા ગયા.

પ્રશ્ન : લલિતનિબંધના એ પ્રથમ પુસ્તક પછી આપની સાહિત્યયાત્રા કેવી રહી ?
ઉત્તર : નિયમિત કટાર રૂપે તો પાંચ-છ વર્ષ કંઈક લખાયું પરંતુ એ પછી લખાણમાં અસાહજિકતા આવતી ગઈ. વળી, ‘કંઈક લખવું જ પડે’ એ સ્થિતિ મને ગમતી નહીં. લખવાનું તો હૃદયથી થવું જોઈએ. તેથી મેં પ્રેસમાં વધુ લખવાની ના પાડી દીધી અને એ કૉલમ બંધ થઈ પછી નિબંધો ઓછા લખાયા અને થોડી કવિતાઓ લખાતી ગઈ. પણ મૃગેશભાઈ, એ દરમ્યાન મારા આંતરિક જગતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. ‘ખરી પડે છે પીછું’ પુસ્તકના વિમોચન પછી તરત જ હું ઓશોની ધ્યાન શિબિરમાં ગઈ. ધ્યાનનો મારો પહેલો અનુભવ હું કદી શબ્દમાં વર્ણવી ન શકું. મારી આખી જીવનદ્રષ્ટિમાં જ ધ્યાનને કારણે વધુ ઊંડાણ આવ્યું. હું મારા જીવનમાં લેખન કરતાં પણ ધ્યાનને પ્રથમ ક્રમે મૂકું છું.

પ્રશ્ન : ઠીક. આપના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક અંગે આપની અનુભૂતિ કહેશો ?
ઉત્તર : જી. તાજેતરમાં જ મારું અછાંદસ કાવ્યનું પુસ્તક ‘અંધકારની નદી’ પ્રકાશિત થયું છે. વર્ષોથી આ કવિતાઓ મારી ડાયરીમાં કેદ હતી. મારી, કેવળ મારી અનુભૂતિઓ હતી. પ્રકાશિત કરવું એ મારા અંતર્મુખી સ્વભાવને કારણે સહેજેય અનુકૂળ નથી. છેલ્લાં થોડાં વર્ષોથી મારા આંતરજગતમાં આવેલા પરિવર્તનને કારણે પુસ્તક પ્રગટ કરવું, વિવેચન દ્વારા પ્રશંસા મેળવવી કે પારિતોષિક મેળવવું એ પ્રકારની બહિર્યાત્રા જેવી, મને ન ગોઠે તેવી બની ગઈ છે.

કવિતા કે ‘લખવું’ ને આપણે ઘણી વાર સ્થૂળ અર્થમાં લેતાં હોઈએ છીએ. બાકી જે ક્ષણ કવિતા જેવી મળે, મારો હાથ મિલાવે, મને આલિંગનમાં લે, હું એમાં ઓગળું એટલે બસ – એ કવિતા. હું આંતરિક બેહોશીમાં જીવ્યા કરું તો કવિતા લખવા છતાં યે મને કોઈ કવિતા ન મળે. જો પળેપળ સજાગ જીવું તો જીવનની પ્રત્યેક પળ કવિતા હોઈ શકે. ખાલી કુંડાની માટીમાં બેઠેલા નાનકા બિલ્લીના બચ્ચાને જોઈ મને એવું વહાલ ઊપજે કે હું એ બચ્ચાના, એ કૂંડાના, એ ક્ષણોના, એ જિંદગીના અને ખુદ મારા પ્રેમમાં પડી જાઉં. એને શબ્દો ન મળે તો કંઈ નહિ. ખરેખર ન મળે એ જ મારે મન સાચી કવિતા છે. કેમ કે હું જીવાતી કવિતામાં એટલી મટી ગઈ હોઉં કે લખવા માટેની ‘હું’ બચું જ નહિ. મારે કવિતા લખવા કરતાં જીવવી છે.

પ્રશ્ન : છેલ્લે મારો એક પ્રશ્ન છે કે આપની તમામ સર્જનયાત્રામાં આપને સાહિત્યનું કયું સ્વરૂપ વધુ ગમ્યું ? અથવા તો આપ પોતાને સૌથી વધારે ક્યા સ્વરૂપે વ્યક્ત કરી શકો છો ?
ઉત્તર : જેમ અગાઉ મેં કહ્યું તે પ્રમાણે બાળપણથી જ ઘરમાં અને બહાર કવિતા, વાર્તા, નાટકો, ભાષણો કાને પડ્યા કરતાં. એ સમયગાળો એવો હતો કે અમારા ઘરની અગાસી મારા પિતા અને તેમના કવિ મિત્રો સ્વ. મનહરલાલ ચોકસી, રવીન્દ્રભાઈ પારેખ, નયનભાઈ દેસાઈ, બકુલેશભાઈ દેસાઈ, મુકુલ ચોકસી વગેરેની કવિતાઓથી લગભગ રોજેરોજ ગુંજતી. દર ઉનાળુ સાંજે હું અગાસી ધોતી ને ગરમ લાદી પર પાણી પડવાથી થતો ઝીણો રવ મારી ભીતર પ્રવેશી જતો. બાને શેતરંજી-ગાદલાં પાથરવામાં કે નાસ્તા-શરબત આપવામાં મદદ કરતાં કવિતાનો ઝીણો રવ ક્યારે મને અડવા લાગ્યો તેનોય ખ્યાલ નથી. બહારગામથી કોઈ કવિ આવે તોયે અમારે ઘરે કવિ મિલન થતું. સ્થાનિક કવિ સંમેલનોમાં જવું એ જાણે જીવનનો એક ભાગ હતો. આવામાં હું કવિતા ન લખું તો જ નવાઈ ! મુગ્ધાવસ્થામાં પ્રવેશતા જ મેં કવિતાઓ લખવા માંડી. વાર્તા-લલિત નિબંધ તો પછીથી લખ્યાં. અછાંદસ કાવ્યો ઉપરાંત ગીતો, ગઝલો પણ લખ્યાં. પરંતુ મને, મારી અનુભૂતિઓને અછાંદસ સ્વરૂપ જ વધારે ફાવ્યું. તેમાં જ હું મને પોતાને વધારે સારી રીતે વ્યક્ત કરી શકું છું.

******

દિવસભરનું આ આતિથ્ય માણ્યા પછી સાંજે રીનાબેનના ઘરેથી વિદાય થતાં કોઈ આત્મીય વ્યક્તિને મળ્યાનો પૂર્ણ સંતોષ મનને તૃપ્ત કરી રહ્યો હતો. જાણે વર્ષો પછી ઘરના જ એક સદસ્ય સાથે વાર્તાલાપ કર્યો હોય તેટલો આનંદ હૃદયમાં ભરી હું તેમની સાથે તેમના પિતાશ્રીના ઘરે પહોંચ્યો. થોડીક ક્ષણો આ મહાન સાહિત્યકારના સાન્નિધ્યમાં ગાળીને ટ્રેનનો સમય થતાં મેં સૌની વિદાય લીધી.

રીડગુજરાતીના સૌ વાચકો તરફથી રીનાબેનના સર્જનકાર્યને વંદન અને ‘ખરી પડે છે પીછું’ જેવા માનવીય ચેતનાને સ્પર્શતા વધુ ને વધુ લલિતનિબંધ સંગ્રહો તેમની પાસેથી ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વીણેલાં ફૂલ – રૂપાંતર : હરિશ્ચંદ્ર
ગ્રીષ્મા – વર્ષા તન્ના Next »   

41 પ્રતિભાવો : રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ

 1. JITENDRA TANNA says:

  સરસ મુલાકાત.

 2. Paresh says:

  સરસ મુલાકાત. રીનાબહેનના લેખ જેટલું જ સરળ તેમનું વ્યક્તિત્વ લાગ્યું. આભાર

 3. BHINASH says:

  Good………….

 4. અતુલ જાની (આગંતુક) says:

  રસપ્રદ મુલાકાત માણવાની મજા પડી.

 5. chetu says:

  … ખૂબ જ સરસ મુલાકાત … રીનાજીનુ આ વાક્ય ” હું આંતરિક બેહોશીમાં જીવ્યા કરું તો કવિતા લખવા છતાં યે મને કોઈ કવિતા ન મળે. જો પળેપળ સજાગ જીવું તો જીવનની પ્રત્યેક પળ કવિતા હોઈ શકે. ” મને ખૂબ જ ગમ્યું….! મૃગેશ ભાઇ આપને ખૂબ જ અભિનંદન ….આવી જ રીતે બધાની મુલાકાત કરાવતા રહેશો..!!

 6. સુરેશ જાની says:

  કવિતા કે ‘લખવું’ ને આપણે ઘણી વાર સ્થૂળ અર્થમાં લેતાં હોઈએ છીએ. બાકી જે ક્ષણ કવિતા જેવી મળે, મારો હાથ મિલાવે, મને આલિંગનમાં લે, હું એમાં ઓગળું એટલે બસ – એ કવિતા. હું આંતરિક બેહોશીમાં જીવ્યા કરું તો કવિતા લખવા છતાં યે મને કોઈ કવિતા ન મળે. જો પળેપળ સજાગ જીવું તો જીવનની પ્રત્યેક પળ કવિતા હોઈ શકે. ખાલી કુંડાની માટીમાં બેઠેલા નાનકા બિલ્લીના બચ્ચાને જોઈ મને એવું વહાલ ઊપજે કે હું એ બચ્ચાના, એ કૂંડાના, એ ક્ષણોના, એ જિંદગીના અને ખુદ મારા પ્રેમમાં પડી જાઉં. એને શબ્દો ન મળે તો કંઈ નહિ. ખરેખર ન મળે એ જ મારે મન સાચી કવિતા છે. કેમ કે હું જીવાતી કવિતામાં એટલી મટી ગઈ હોઉં કે લખવા માટેની ‘હું’ બચું જ નહિ. મારે કવિતા લખવા કરતાં જીવવી છે.
  ——————–
  સાવ સાચી વાત. બહુ જ ગમી. જ્યારે આ માનસીક સ્તરમાંથી કવીતા લખાય ત્યારે જ તેનું પોત દીપી નીકળે.
  મને તેમનો ‘ સારસ્વત પરીચય’ માટે તેમનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ.

 7. bhupesh pathak says:

  I love to visit this Website regularly. I love to read Gujarati. I was not knowing Who is Rina Mehta but when I read interview and then MARI GODDI NA TANKA NI HUNF. I see my Mother and Grand mother in the story. Thank You very much for writting such a good article.

 8. pragnaju says:

  શ્રીમતી રીનાબેન મહેતાની સરસ મુલાકાત તથા વાર્તાલાપ માટે મૃગેશને ધન્યવાદા
  કવિ તરીકે કેટલી સહજ સરળ વાત…
  “અછાંદસ કાવ્યો ઉપરાંત ગીતો, ગઝલો પણ લખ્યાં. પરંતુ મને, મારી અનુભૂતિઓને અછાંદસ સ્વરૂપ જ વધારે ફાવ્યું. તેમાં જ હું મને પોતાને વધારે સારી રીતે વ્યક્ત કરી શકું છું.”

 9. ભાવના શુક્લ says:

  કોઇ પણ સાહીત્યકારનૉ સૌથી વધુ ઉંડો શબ્દ સાથે નો નાતો હોય છે, વિચારોને વહેવા..માત્ર કલ્પનાઓને નહી હકિકતોને મઢવા માટે પણ શબ્દની ફ્રેમ કેટલી મહામુલી હોય છે.

  કુંદનીકાબહેન, પછી નિર્મિશભાઈ અને આજે રીના બહેનની સુંદર મુલાકાત!!!!

  મનેતો મૃગેશભાઈ તમારી ઇર્ષા આવી રહી છે.

 10. રીનાબેન સાથે તમારી મુલાકાત્ , અમે નેપણ તેમને મલ્યા તેવુ લાગ્યુ ,આરીતે આપણા ગુજરાતિ લેખક કવી ના જીવન નુ પાસુ પણ અમને જાણ વા મલે છે,તેમની રસ પ્રદ વાતો મજઆવિ , આભાર મૃગેશભાઈ,,,,,,,

 11. Dhaval shah says:

  મ્રુગેશ્ભૈ,

  તમેતો ચમત્કર કરિ દિધો ચ્હે. you have done a magic, gujarati people living around the world are reading in gujarati by READ GUJARATI.COM

 12. Ashish Dave says:

  Great job Mrugeshbhai…more picutres please…

  Ashish Dave
  Sunnyvale, California

 13. Darshana says:

  વ્યક્તિત્વની સહજ, સરળ , નિખાલસતાને લેખનમાં ગૂંથી લેવી એ પણ એક કળા છે.
  મૃગેશભાઈ દ્વારા શ્રિમતિ રીનાબેન મહેતા ને મળી આનંદ થયો.
  દર્શના

 14. Pinki says:

  મૃગેશભાઈ,
  ખૂબ જ સરસ…. મુલાકાત !!
  રીનાબેનની મૃદુતા,સંવેદનશીલતા સ્પર્શી ગઈ.
  એમના લેખોની જેમ જ સરળ,સહજ અને ભાવવાહી લાગ્યા.

 15. pranav sheth says:

  મુરબ્બિ મ્રુગેશભાઇ,

  ખુબ જ સુન્દર !

  Pranav Sheth.
  Saudi Arabia.

 16. Hiral Thaker "Vasantiful" says:

  “કવિતા કે ‘લખવું’ ને આપણે ઘણી વાર સ્થૂળ અર્થમાં લેતાં હોઈએ છીએ. બાકી જે ક્ષણ કવિતા જેવી મળે, મારો હાથ મિલાવે, મને આલિંગનમાં લે, હું એમાં ઓગળું એટલે બસ – એ કવિતા. હું આંતરિક બેહોશીમાં જીવ્યા કરું તો કવિતા લખવા છતાં યે મને કોઈ કવિતા ન મળે. જો પળેપળ સજાગ જીવું તો જીવનની પ્રત્યેક પળ કવિતા હોઈ શકે. ખાલી કુંડાની માટીમાં બેઠેલા નાનકા બિલ્લીના બચ્ચાને જોઈ મને એવું વહાલ ઊપજે કે હું એ બચ્ચાના, એ કૂંડાના, એ ક્ષણોના, એ જિંદગીના અને ખુદ મારા પ્રેમમાં પડી જાઉં. એને શબ્દો ન મળે તો કંઈ નહિ. ખરેખર ન મળે એ જ મારે મન સાચી કવિતા છે. કેમ કે હું જીવાતી કવિતામાં એટલી મટી ગઈ હોઉં કે લખવા માટેની ‘હું’ બચું જ નહિ. મારે કવિતા લખવા કરતાં જીવવી છે.”

  ખરેખર સાચી વાત….

 17. nilamhdoshi says:

  સરસ વ્યક્તિની સરસ મુલાકાત…અભિનદન..મૃગેશભાઇ…રીનાબહેનને અહી મળી ને ખુબ આનન્દ થયો.

 18. siddharth desai says:

  આદ્રિય મ્રુગેશ્ભૈ,
  રિનબેનના પિતશ્રિને મલવઅનો લાભ મને મલ્યો ચ્હે.રેીનાબેનનો પરિચય થતા ઘનો જ આનન્દ થયઓ.મારા પિતાશ્રિસ્નેહરશ્મિનિ સાથે મારે શ્રિભગવતિકુમાર શર્માજિને મલાવનુ થયેલુ.સુન્દર લેખ બદલ અપને અભિનનદન્
  સિદ્ધાર્થ દેસાએ

 19. jasama says:

  શરી મ્રુગેશ્ભાઇ, રિનાબેન સાથે પ્રતિય્ક્ષ મુલાકાત ક્રરાવિ.આનન્દ થ્યો. જસમા ગાઅધિ અમેરિકા…નુજર્સિ.

 20. nirlep bhatt says:

  Reenaben carries very tender heart……..it depicts from her mulakat. nice work, mrugeshbhai.

 21. સ્‍નેહલભાઇ પટેલ.ગાંધીનગર. says:

  ખુબજ સરસ મુલાકાત રહી.

  !! મેં જે માણ્યું અને અનુભવ્યું છે તેને જ શબ્દોમાં વર્ણવ્યું છે તેથી મારે શૈલી કેળવવા માટે કોઈ અભ્યાસ નથી કરવો પડ્યો. આ ભાવપ્રવાહ સહજરીતે જ વિકસ્યો છે. ઘણીવાર તો મને ખુદ પોતાને ખબર નથી હોતી કે મેં શું લખ્યું છે. જૂના લેખો તરફ ક્યારે નજર કરું તો મને લાગે છે કે ‘શું આ બધું મેં લખ્યું છે ?’ જે સમયે અંતરમાં જે વિકસ્યું એની જ વહેંચણી કરવાનો આ પ્રયત્ન છે. સંવેદનશીલ સ્વાભાવને કારણે મને મારી આસપાસની ચીજવસ્તુઓ પણ સંવેદનાયુક્ત લાગતી અને તેની સાથે લાગણીના સંબંધો જોડાતા એક-એક કૃતિ લખાતી ગઈ અને પ્રગટ થતી ગઈ. શબ્દ અને ભાષાતો સતત કાને પડ્યા જ કરતાં તેથી આનંદની અનુભૂતિના ભાગરૂપે લખાતું રહ્યું !!

  બસ આજ શૈલીસભર રહેવુ એ લેખકનો સ્‍વભાવ છે. જે આપોઆપ સચવાઇ રહે છે. કવિને કોઇ ખ્‍યાલ હોતો નથી જયારે તે લખતો હોય છે. સઘળી વાતો અંદરથી આવતી હોય છે. એ અંદરવાળાને ઓળખવો એ આ જગત માટે બહુ મુશ્‍કેલભર્યુ કામ છે. સોરી, નાના લેખક તરીકે કદાચ સતસંગ તરફ પ્રયાણ કરી ચુકયો એ બદલ દિલગીર છું.

  આવજો…..

 22. nayan panchal says:

  સરસ મુલાકાત, રીનાબેનને ક્યારેય વાંચ્યા નથી પણ હવે વાંચવા પડશે.

  થેન્ક યુ, રીડગુજરાતી.

  નયન

 23. geet says:

  સુન્દર મુલાકાત. I find it difficult to use the Gujarati key board but I will learn it.Thanks for such a wonderful interview.I felt as if I was also present there. I would like to read it again and again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.