ગ્રીષ્મા – વર્ષા તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. તેમની ઘણી વાર્તાઓ અખડં-આનંદ, નવનીત વગેરે જેવા સામાયિકો સાથે મુંબઈ સમાચાર, જન્મભૂમિ વગેરેમાં સ્થાન પામી છે અને લોકહૃદયને સ્પર્શી છે. આપ તેમનો સંપર્ક આ ફોન : +91 9820738467 અથવા tanna.varsha@rediffmail.com પર કરી શકો છો.]

ગુલમહોરની છાયામાં ઊભેલી વસુધા જાણે આખેઆખો તડકો પહેરીને ઊભી હોય તેમ પોતાના પડછાયાને શોધતી ઊભી હતી. ગ્રીષ્મ જામ્યો હતો. કોયલનો ટહુકો વસુધાના કાનને રહેંસતો લાગ્યો. કારણકે તેની આખેઆખી જિંદગી રહેંસાઈ ગઈ હતી. છતાં લોહીનું ટીપું નીકળ્યું ન હતું. આંસુ પણ નહીં, આંખો કોરીધાકોર રણ જેવી થઈ ગઈ હતી. તેમાં પ્રતિક્ષાનું મૃગજળ આપોઆપ અંજાઈ ગયું હતું.

તેની નજર સામે વર્ષો પહેલાની વાત યાદ આવતી હતી અને ખાસ કરીને ઉનાળો આવે ત્યારે. વસંત પોતાની લીલા સંકેલી લે ને પાનખર કુદરત પર પોતાનો કબજો જમાવે, કોયલ ટહુકા કરે અને આંબા પર કેરી આવે અને ગુલમહોર સોળે કળાએ ખીલે ત્યારે વસુધાના જીવનમાં તરસ ટોળે વળતી હોય તેમ સુકાવા લાગતી. વર્ષો પહેલાની વાત તેના રોમરોમમાં જડાઈ ગઈ હતી. ભૂલવા માગે તો પણ ભૂલી શકતી ન હતી. સાપ તો તેની કાંચળી ઉતારી શકે પણ વસુધા પોતાની સફેદ કોઢવાળી ચામડી ઉતારી શકે તેમ પણ ન હતી, કારણ કે તેની કોઈ દવા ન હતી.

એક નાનકડા ઘરમાં વસુધાના માતાપિતા અને મોટી બહેનો સાથે રહેતી હતી. વસુધાની બંન્ને બહેનો વસુધા કરતાં ઘણી મોટી હતી. નિશા પંદર વર્ષની અને અનિશા ચૌદ વર્ષની. પછી માને મહિના રહ્યા. ત્યારે તેને બાળક જોઈતું ન હતું. કદાચ દીકરો આવશે તેવી કોઈક આશાએ મારે ભાર વેંઢાર્યો અને વસુધાનો જન્મ થયો. માને તો બાળક જોઈતું ન હતું અને જોઈતો હતો તો દીકરો. પણ દીકરાને બદલે દીકરી જન્મી વસુધા, આમ એટલે પણ મન ઊઠી ગયું. વસુધાને બંન્ને બહેનો જ લાડ લડાવતી હતી. વસુધા પાંચ છ વર્ષની થઈ ત્યાં તેના કપાળ પર ઓચિંતો સફેદ ડાઘ દેખાયો. થોડા દિવસમાં આ ડાઘ મોટો થયો અને બધાને નજરે ચડવા લાગ્યો. માતાપિતાને સમજ ન પડી. પહેલા ઘરગથ્થુ ઈલાજ કર્યા. પછી ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે નિદાન કર્યું કે કોઢ છે. માતાપિતા પર જાણે આભ તૂટી પડ્યું. એક તો અણગમતી, અણમાનીતી, વધારાની અને પાછી કોઢવાળી.

નિશા એકવીસ વર્ષની થઈ ગઈ હતી. એટલે તેને માટે માતાપિતાએ સારા છોકરાની શોધ શરૂ કરી દીધી હતી. પણ વસુધાને કોઈ પણ જુએ કે વસુધાના કોઢની વાત સાંભળે કે વાત ત્યાં જ અટકી જતી. એક રાત્રે વસુધાના પિતાએ કહ્યું : ‘આ ઠેકાણું ખૂબ જ સારું છે. જો અહિં સબંધ થાય તો નિશા રાજ કરશે.’ પણ પછી ચિંતિત સ્વરે કહ્યું : ‘જો વસુધાને જોશે તો….’ આટલેથી અટકી નિસાસો નાખ્યો.
તેની માએ જવાબ આપ્યો : ‘એક તો દીકરાને બદલે દીકરી આવી અને માથે મોટું ટીલું લાવી.’ વળી અકળાયેલા સ્વરે ઉમેર્યું કે ‘હાથે પગે હોત તો કપડાથી છુપાવતે પણ આ તો કપાળમાં જ છે તેનું શું કરવું ?’ આટલું બોલી મૌનની ચાદર ઓઢીને સુઈ ગયા, પણ મનનો શોરબકોર આંખોમાં નીંદરને પ્રવેશવા દેતો ન હતો.

તડકો જોર પકડતો જતો હતો અને ગુલમહોર તેની સાથે હરિફાઈમાં ઉતર્યો હોય તેમ વધુને વધુ રંગ દેખાડતો હતો. આકાધમાં રૂના ઢગલા જેવા સફેદ વાદળ સ્તબ્ધતા સાથે પકડાપકડી રમતાં હતાં. વચ્ચે વચ્ચે પવનની લહેરખી ગરમીમાં નહાતી હતી. આ જ ગરમી વસુધાના ઘરમાં ચોમેર આશાનું મૃગજળ બની અટવાતી હતી. ગરમીથી અકળાઈ જેમ સાપ દરમાંથી બહાર નીકળે તેમ વસુધાના માતાપિતાના મનમાં એક વિચાર આવ્યો. અને બંન્નેએ ભયંકર નિર્ણય લીધો. બીજે દિવસે વસુધાને સરસ તૈયાર કરી નવું ફ્રોક પહેરાવી બીજા શહેરમાં ડૉક્ટર પાસે જવું છે તેમ કહી પિતાએ તેની સાથે લીધી. વસુધા ખુશ ખુશ થઈ ગઈ. બસમાં ચારથી પાંચ કલાક થયા હશે. વસુધા તેના પિતાના ખોળામાં માથું રાખી નિરાંતે સુઈ ગઈ હતી. ત્યાં એક બસ સ્ટોપ આવ્યું. સૂતેલી વસુધાને ઊંચકી અને તેના પિતા બસમાંથી નીચે ઉતર્યા. વસુધાએ આંખો ખોલી પણ તેની આંખોમાં ઊંઘ ભરી હતી. તેણે વસુધાને ગુલમહોરની છાયામાં બેસાડી અને એક બિસ્કિટનું પેકેટ અને થેલી બાજુમાં મૂકી હમણાં ડૉક્ટરને મળી આવું છું તેમ કહી ત્યાંથી નીકળી ગયા.

બીજા ત્રણ ચાર કલાક નીકળી ગયા. સૂરજ હવે અસ્ત થવાની તૈયારી કરતો હતો. પોતાના કિરણોના શસ્ત્રો હવે સમેટવા લાગ્યો હતો. અજવાળું અને અંધારું એકબીજાને આલિંગન આપવા અધીરું બન્યું હતું. ઝાડની ડાળીઓ પરસેવાથી નાહી રહેલી ધરતીને ધીમે ધીમે પવન નાખતી હતી. બધા લોકો ઘેર પહોંચવાની ઉતાવળમાં દોડતાં હતા. ઝાડની નીચે હવે બે જણ હતા વસુધા અને ગંગામા. વસુધાની આંખો હજુ સુધી રસ્તા પર મંડાયેલી હતી. તેના પિતાના જે પગલા ગયા હતા તે પાછા ફરવાની રાહમાં. પણ તેના પિતાનો પડછાયો આ બળબળતા તડકામાં ક્યાંય ઓગળી ગયો હતો. તેના પગલાંની નિશાની ધૂળની ડમરીમાં જાણે ઊડી ગઈ હતી. સાત વર્ષની વસુધાની આંખોના અશ્રુ ગાલ પર થીજી ગયા હતા અને હીબકા ગળામાં અટવાઈ ગયા હતા. સમય પસાર થતો જતો હતો તેની કોઈને ખબર પડતી ન હતી. તે કોઈની આંગળી પકડીને ચાલતો હતો તો કોઈનો હાથ ક્યારે છોડી દેતો હતો.

ગંગામા આ બળબળતા ઉનાળામાં બધાને ટાઢુ પાણી પીવડાવતા હતા. તે વસુધાની નજીક આવ્યા. પોતાનો ધ્રુજતો હાથ વસુધાના માથા ઉપર મૂક્યો. તેના ખરબચડા હાથથી તેના આંસુ લુછ્યા. વસુધાનો હાથ પકડી પોતાના ઘર તરફ વળ્યા. ગંગામા ઉનાળામાં પરબ પર પાણી પાઈને મુસાફરોના મનને શાંતિ આપતા હતા. અને બાકીના સમયમાં તે ગામના લોકોનું નાનું-મોટું કામ કરી પોતાનો ગુજારો ચલાવતા હતા. હવે નાનકડી વસુધા તેમના જીવનમાં આવી અને વસુધાના જીવનમાં ગંગામા. આ નાનકડી વસુધા ગંગામાનો હાથવાટકો ક્યારે બની ગઈ અને ગંગામા ક્યારે વસુધાને હૂંફ આપનાર બની ગયા તેની બંન્નેમાંથી કોઈને ખબર ન પડી. વસુધા પણ ગંગામાને મદદ કરતી હતી. ગંગામાનું ઘર સાફ કરતી. પાણી ભરવાનું બેડું ઘસીને સાફ કરતાં ગંગામાએ શીખવી દીધું હતું. બીજા કેટલાયે નાના મોટા કામ તે કરતી હતી. છતાંયે વસુધાના જીવનમાં એક તરસ હતી, તેના માતાપિતાને મળવાની… બહેનોને મળવાની. પણ આ સવાલનો જવાબ મનમાંજ ગુંગળાઈ જતો હતો.

પંદર વર્ષ વીતી ગયા. હવે ગંગામા નથી, વસુધા ફરી એકલી છે. છતાં તેણે ગંગામાની પરબનું કામ શરૂ રાખ્યું છે. તેને હતું કે તેના પિતા ચોક્કસ તેને લેવા આવશે. જે પગલાં ધૂળની ડમરી ઉડાડીને લઈ ગઈ હતી તે ફરી પરત આવશે. આજે પણ તે દરેક ઉનાળામાં ઝાડ નીચે બેસી બધા મુસાફરોને પાણી પીવડાવે છે અને અજાણ્યા ચહેરાઓમાં પોતાના પિતાનો ચહેરો શોધે છે. કાળઝાળ ગરમીમાં બધા પાણી પીને જતાં રહે છે ત્યારે વસુધાની તરસ વધુ તીવ્ર બને છે અને એ જ તીવ્રતાથી તે બીજા ઉનાળાની રાહ જોવા લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ
કોઠાસૂઝ – પ્રિયવદન ક. દેસાઈ Next »   

19 પ્રતિભાવો : ગ્રીષ્મા – વર્ષા તન્ના

 1. Dhaval B. Shah says:

  The end of the story was unexpected. But as they say, every story need not have happy ending..

 2. ભાવના શુક્લ says:

  કરુણતા સભર વાર્તા!!!! જેના મનમા છોડી જનારાની રાહ જોવા સિવાય કાંઇ વસી શક્યુ નહી તે આશાતંતુને વળગીને જીવન પુરુ કરી નાખે છે. મનમા એટલુ જરૂર થયુ કે વસુધાને કોઇ સારા શિક્ષક મળ્યા હોત તો આત્મસન્માન વધુ સારી રીતે કેળવી શકત. માત્ર રાહ જોવાને બદલે પોતે જઈને માતા-પિતાની સાથે વિશ્વાસથી આંખો મિલાવી શકત. મજબુરીનુ બીજુ નામ ‘મહાત્મા ગાંધી’ દર વખતે નથી તે કહી શકત…..

 3. Komal Patel says:

  very sad story. It broght tears in my eyes. What ever Ganga ba did that was a great thing.

 4. Shrikant Shelat says:

  “પિતાનો પડછાયો આ બળબળતા તડકામાં ક્યાંય ઓગળી ગયો હતો” — What a way to write..!!

 5. vaibhavi Mehta says:

  mata ane pita potana balkne raste razadtu kevi rite chodi shake jyarea balk amnu potanu hoy. matra safed dag ne karn. balak ne janm apya bad turant chodi deva vala joya che pan aaj na jamana balak gandu hoy to pan balk ne uchere che. ava mata pita ne saja thavi joi je janam apya bad balak ne motu karine tarchodi de che.
  shame on this type of parents and one suggession to writer varshaben plese dont write such story with very tragic end. if you find such type of victimplese tell them to never be the part of that pain. please tell people to that white dots are absulately normal for person to live his life.

 6. અતુલ જાની (આગંતુક) says:

  જીવનમાં ક્યારે કઈ ઘટના કેવો વળાંક લેશે તે કહી ન શકાય. નકારાત્મક અને કરૂણ વિચારોને ફેલાવવા કરતાં હકારાત્મક અને આનંદપ્રદ વિચોરોનો પ્રસાર કરવો તે સ્વસ્થ સમાજ રચના માટે વધારે જરૂરી લાગે છે.

 7. Naresh Dholakiya says:

  Fantastic…..reality of life……same thing happens with animals…as people are leaving old animals to some distant palce or slaughter house…..

  Touching story………

  This is the Murphy law when you expect son after two daughters… you find next line of daughters……very lucky guy get desired result….

  Let me clarify at present daughter is more caring and loving for old parents..we donot know son will be busy with his career…..some palce in the world….

 8. Pratibha Dave says:

  સરસ વાર્તા ભાષાના આડંબર વગર વહી જતા પ્રવાહમાં વહી જવાયુ લેખકને અભિનંદન
  પ્રતિભા દવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.