કોઠાસૂઝ – પ્રિયવદન ક. દેસાઈ

મધ્ય સૌરાષ્ટ્રનું ખોબા જેવડું દરબારી ગામ. વસતી મુખ્યત્વે કૃષિકારો અને વસવાયાની. ગણ્યા-ગાંઠ્યા વેપારીઓ અને અન્ય વસાહતીઓ પણ ખરા. આ ગામમાં એક ખેડૂત કુટુંબ રહેતું. કુટુંબમાં પટેલ-પટલાણી, ત્રણ દીકરા – ત્રણેય પરણેલા. મોટો દીકરો મોહન અને તેની વહુનું નામ ‘સમજુ’. દીકરાઓને ઘેર પણ દીકરા. આમ, ભર્યું-ભાદર્યું ઘર. સહુ સંપીને રહે અને ઘરનો વ્યવહાર પણ બરાબર ચાલે. ખેતી અને બહારનો વ્યવહાર પુરુષો સંભાળે. ઘરકામની પણ બરાબર વહેંચણી થયેલી, એટલે કોઈ કચવાટ કે કચાશ વગર ઘરનો વ્યવહાર સવારથી સાંજ ધમધોકાર ચાલે. રસોઈનું કામ તથા રોજબરોજની જરૂરિયાતો પણ મોટી વહુ સમજુ અને સાસુમા સંભાળે. ઢોર-ઢાંખર, દુજણું-વલોણું, છાણ-વાસિદાં જેવાં કામો બે નાની વહુઓ સંભાળે. આમ, વહેલી સવારથી રાત સુધીનું બધું કામ વ્યવસ્થિત રીતે થતું રહે.

મોટી વહુ સમજુ સવારે વહેલી ઊઠે અને સાસુમાંએ કાઢી આપેલ અનાજની સૂંડલીઓ લઈને ઘંટીએ દળવા બેસી જાય. જાર-બાજરાનો લોટ રોજેરોજ દળીને તાજો જ ઉપયોગમાં લેવાનો. રસોઈમાં સવારનું શીરામણ, બપોરનું ભાત અને સાંજનું વાળું વગેરે સમજુ વહુ સંભાળે. ભેંસ દોહવાની, છાસ કરવાની, છાણ-વાસિદું નાની વહુઓ સંભાળે, સાસુજી સહુની ઉપર દેખરેખ રાખે, માર્ગદર્શન આપે અને જરૂર પડે તો મદદનો હાથ પણ લંબાવે. સાંતી હાંકવા, કોશ જોડવો, નીરણ વાઢવી, પાણી વાળવું, બળદો સાચવવા વગેરે ખેતીને લગતું તમામ કામ દીકરાઓ અને પટેલ પોતે સંભાળે.

રાત્રે વાળુંપાણી કરીને પુરુષો ફળીયામાં ખાટલા ઢાળીને બેસે અને સાસુ-વહુઓ ઓસરીમાં થાંભલીની આડસે બેસે અને દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અને સમાચારોની આપ-લે કરે. પટેલ પોતે સવાર-સાંજ રામજી મંદિરે જાય ત્યારે ગામના નવા-જૂના સમાચારો જાણતા આવે. સાસુ-વહુઓ પણ આડોશપાડોશની બહેનો પાસેથી સમાચારોની જાણકારી મેળવે. આમ, રોજ રાતના દિવસભરના સમાચારોનું અને દિનચર્યાનું સરવૈયું નીકળતું રહેતું. શિયાળો હોય, તો આંગણામાં તાપણું પણ થતું.

હમણાં છેલ્લા કેટલાક દિવસથી રાતની વાળુંપાણીની બેઠકનું વાતાવરણ કંઈક જુદું જ હતું. વાતાવરણમાં વર્તતી ગમગીની જાણે-અજાણે છતી થતી હતી. સાસુ-વહુઓ સાધારણ રીતે પુરુષોની વાતમાં માથું મારતી નહિ. પરંતુ કંઈક અજુગતું થયું છે કે થવામાં છે તેવો અણસાર તો તેમને આવી જ ગયેલો. કારણ કે તેમણે પુરુષોને આ પ્રમાણે વાતો કરતા સાંભળેલા. વાત જાણે એમ હતી કે પાછલાં બે વર્ષ મોળાં ગયેલાં અને આ વર્ષે પણ દુકાળની પરિસ્થિતિ હતી. પહેલા વરસાદ પછી ચોમાસું કોરું ધાકોડ રહેલું. વાવણી કરેલી, પરંતુ વરસાદને અભાવે બિયારણ બળી ગયેલું. ખેતરમાં બાજરાનું બાંટુ પણ થયેલું નહિ. જાર-મગફળીની પણ એ જ હાલત થઈ હતી. વાડીના કૂવાનાં તળ પણ ઊંડાં ઉતરી ગયેલાં. કૂવામાં ત્રણ કોસનું પાણી રહેતું તે ઉતરીને એક કોસ જેટલું માંડ રહેલું. આવી કારમી પરિસ્થિતિને પહોંચી વળવા પટેલે કહ્યું કે : ‘આપણે ખીજડાવાળા ખેતરનું ઉગમણું પડું વેચી નાખીએ અને જે પૈસા આવે એમાંથી આ કપરો કાળ પાર કરીએ.’
મોટા દીકરા મોહને કહ્યું : ‘ના બાપા, એમાં તો આપણી ખાતરની ખાડનું અને ગામના ઉકરડાઓમાંથી ભેગું કરીને 60-70 ગાડી ગળતીયું ખાતર નાખ્યું છે એટલે ઈ પડું તો વેચાય જ નહિ.’
‘તો પછી ગોધલાની જોડ વેચી નાખીએ.’
નાના દીકરાએ વાંધો લીધો : ‘ઘરની ગાના એ ગોધલાને મેં પોરજ પલોટ્યા છે. ઈને વેચો એટલે ખોડનું આવી જ બન્યું.’
‘તો પછી આ ભેંસ અને ખંડાયું વેચી નાખીએ.’ પટલાણીએ આ સાંભળીને ઓસરીએથી વાતમાં વચ્ચે જ ઝંપલાવ્યું : ‘ના હોં. ભેંસ નોં વેચાય. દુધ-છાશ વગરનાં છોકરાં અણોહરાં થઈ જાય. ઈ ધંધો કર્યા જેવો નથી.’
તો પટેલ કહે : ‘તો મને છેલ્લો રસ્તો સૂઝે છે કે આપણે વેવાઈને ત્યાં બે-ત્રણ મહિના કાઢી આવીએ. વેવાઈ ખમતીધર છે એટલે ત્યાં જાવામાં વાંધો નહિ.’

પરિવારના સભ્યોએ કહ્યું કે કોઈ સારા-માઠા પ્રસંગે જઈએ અને ઓછું-અદકું રોકાણ કરીએ ઈ ઠીક છે. બાકી કાળ કાઢવા જઈએ ઈ સારું નો લાગે. આપણે ગમે તેમ રોડવી લેશું, પણ વેવાઈને ત્યાં તો ન જ જવાય. આ બધી ગડમથલ શેની ચાલે છે તેની સમજણ નહિ પડતાં મોટી વહુ સમજુએ સાસુને પૂછ્યું : ‘બાઈજી, આ બધા જણ શેની વાતો કરે છે ? કંઈ માઠું બની ગયું છે ? કંઈ સમજણ પડતી નથી.’
બાઈજીએ ફોડ પાડતાં કહ્યું કે : ‘ઈ તો ઓણ વરસાદ નથી થયો એટલે ચોમાસુ પાક થાશે નહિ અને શિયાળુ પાક હાથમાં આવે ત્યાં સુધી ખાવા માટેના અનાજનો વેત કરવો પડે ને, એની આ બધી મથામણ ચાલે છે. ખડ-પાણીને તો પુગાય, થોડો લીલો ચારો અને બાકીના સૂકા ચારાથી ચાલે, પણ અનાજનો મેળ પાડવો પડે તેમ છે.’
‘તે બાઈજી, અનાજ કેટલું જોઈએ ?’
‘કેમ કેટલું જોઈએ ? તું તો રોજ સવારે દરણું દળે છે તે તને તો ખબર હોય જ ને ? વાડીપડામાં વાવેલ ઘઉંના પાકનું ખળું તૈયાર થાય ત્યાં સુધીમાં આપણી કોઠીઓ છે તે અરથી જાજેરી જાર અને બાજરાની ભરેલી હોય એટલું અનાજ આ દુ:ખના દા’ડા પાર કરવા હોવું જોઈએ.’

આ વાત સાંભળી સમજુ વહુના મગજમાં ઝબકારો થયો. રોમેરોમ ખડાં થઈ ગયાં. નસેનસમાં લોહી ધબકવા લાગ્યું. પોતે દાખવેલ ડહાપણ અને કોઠાસૂઝ આ રીતે સમગ્ર કુટુંબનો પ્રાણપ્રશ્ન ઉકેલી આપશે એ ખ્યાલે તે મનોમન નાચી ઊઠી. તેણે બાઈજીનો હાથ પકડીને કહ્યું : ‘બાઈજી, હલો મારી ભેગા.’ એમ કહીને ઢોરની ગમાણને ખૂણે વપરાશમાં ન લેવાતી માટીની બે કોઠીઓ પડેલી હતી તેનાં ઢાંકણાં હટાવીને બાઈજીને અંદર જોવા કહ્યું. બાઈજીએ કોઠીમાં જોયું તો અરધી જાજેરી કોઠીઓ – એકમાં જાર અને બીજીમાં બાજરાથી ભરેલી હતી. સુખદ આશ્ચર્યના અવાજમાં બાઈજીએ પૂછ્યું : ‘આ બધું ક્યાંથી આવ્યું ?’
સમજુ વહુએ કહ્યું કે : ‘બાઈજી, તમે મને રોજ એક સૂંડલી જાર અને એક સૂંડલી બાજરો દળવા આપતાં હતાં તેમાંથી હું એક પવાલું જાર અને એક પવાલું બાજરો રોજ આ કોઠીઓમાં નાખીને બાકીનું અનાજ દળતી. આમ, ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આજે આ બન્ને કોઠીઓમાં જાર અને બાજરો જમા થયાં છે. બાઈજીએ સમજુ વહુને બાથમાં લઈ લીધી અને તેના ઉપર હર્ષનાં આંસુઓનો અભિષેક કર્યો.

‘સમજુ વહુ તેં તો કમાલ કરી’ એમ કે’તાકને હડી કાઢીને પટેલ અને છોકરાઓ બેઠા હતા ત્યાં જઈને હર્ષભેર ઘોષણા કરી કે ‘હવે મેલો આ બધી પંચાત. તમારું કામ આપણી આ સમજુ વહુની કોઠાસૂઝે પાર પાડી દીધું છે.’ એમ કહીને બધી વાત વિગતથી કરી. મોટો છોકરો મોહન પોતાની વહુની આવી કોઠાસૂઝની વાત સાંભળી શરમાતા મોઢે મલકાણો. પટેલ પણ સમજુ વહુને સંબોધીને બરાડી ઊઠ્યા : ‘વાહ વહુ વાહ. તેં તો રંગ રાખ્યો. અમે જણ ન કરી શક્યા તે તેં કરી બતાવ્યું. રંગ છે તને અને તારી કોઠાસૂઝને. તારી ફઈબાએ સમજુ નામ બરાબર રાખ્યું છે. તારી કોઠાસૂઝને સો સો સલામ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગ્રીષ્મા – વર્ષા તન્ના
જીવનમાંથી હું શું શીખ્યો ? – હિમાંશુ પ્રેમ Next »   

29 પ્રતિભાવો : કોઠાસૂઝ – પ્રિયવદન ક. દેસાઈ

 1. gopal parekh says:

  સમજુ ની સમજને સલામ

 2. JITENDRA TANNA says:

  સરસ વારતા. શીખવા જેવું.

 3. અતુલ જાની (આગંતુક) says:

  ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય.

  સારા દિવસો દરમ્યાન કરેલી બચત માઠા દહાડાઓને ટુંકા કરવામાં કામ લાગે છે.

  સમજુ વહુએ ખરી કમાલ કરી.

  દરેક વ્યક્તિએ પોતાને પુછવા જેવો સવાલ – શું પોતે સમજું છે?

 4. Dhaval B. Shah says:

  Nice story.

 5. Divyant Shah says:

  Good Article

 6. jawaharlal nanda says:

  સરસ, ખરેખર જિન્દગિ મા ઉતારવા લાયક !!

 7. ભાવના શુક્લ says:

  માતૃભાવથી જીવવા ટહેવાયેલ સમજુ જેવી વ્યક્તીઓને પાતળી પરીસ્થિતિની કલ્પના રહ્યા કરે અને અગમચેતીથી લેવાયેલા પગલા આટલા ઉપયોગી થઈ પડે.
  ખુબ સરસ વાત!!!

 8. Hemant Jani. says:

  સાત્સો સલામ સમ્જૂ વહૂને.
  બચત ની ટેવ કપરા સમય્ વખતે કેવી કામ આવે છૅ તેનુ જિવન્ત ઊદાહરણ.
  સરસ વાર્તા વસ્તુ.
  અભિનન્દન્.

 9. Trupti Trivedi says:

  ‘વાહ વહુ વાહ. તેં તો રંગ રાખ્યો.. Words came from the heart tell us many things. I liked the event mentioned in the article.

 10. paresh gohil says:

  બહુ જ સચોટ વાત. આજના સમય પ્રમાણે બહુજ સમજવા લાયક વાત કહેલ છે.
  કોટિ કોટિ વંદન લેખક અને સમજુ વહુ ને !!!!

 11. Anil says:

  Nice Inspiration Story………..

  I also like this site.

  Many Many Thanks to Priyavadan Desai

 12. saurabh desai says:

  Very true..when u have a good time ..u have to always save something for futute..who knows about tomorrow..

 13. bhavesh mathukia says:

  આ ખુબ જ સરસ લેખ સે

 14. નિયમિત બચતનો લાભ તો મળવો જ રહ્યો .. સુંદર વાર્તા …

  પણ અત્યારના શેર બજારને જોઇએ તો એમ વિચાર આવે કે સારું હતું કે સમજુબેન એ સ્ટોકમાં ઈન્વેસ્ટ નો’તુ કર્યું .. 😀 નહિ તો હાલત ખરાબ થઈ ગઈ હોત … !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.