જીવનમાંથી હું શું શીખ્યો ? – હિમાંશુ પ્રેમ

[નવનીત સમર્પણ માર્ચ-2008 માંથી સાભાર.]

article[હિમાંશુ પ્રેમ જોષીનો જન્મ અને ઉછેર અમદાવાદમાં. જન્મ તારીખ : 3-4-1963. પ્રકૃતિ સાથેનું એનું તાદાત્મ્ય, એની નિસબત, એનો પ્રેમ એને સાર્થકતાનો અહેસાસ આપે છે. પોતે જે પામ્યો છે તે અન્યો સુધી પહોંચાડવા એ સતત પ્રવૃત્તિશીલ છે. એની શિબિરોમાં માત્ર પ્રકૃતિનું કોરું જ્ઞાન નહીં બલકે પ્રકૃતિ સાથે આપણું સંવેદનસભર અનુસંધાન થાય એની ઊંડી ખેવના હોય છે. વનરાજ સિંહ માટે એણે ડાંગથી ગીર સુધી 1200 કિ.મીની પદયાત્રા કરી હતી. ક્યાંક ક્યાંક મનોજ ખંડેરિયા, બિટ્ટુ સહગલ, કુન્દનિકા કાપડિયા જેવાં એમાં જોડાયાં હતાં. 170 ગામ અને 6,000 જેટલા લોકોને રૂબરૂ મળ્યો અને 12 અભયારણ્યોની યાત્રા કરી. જુઓ, માધવ રામાનુજ એના વિશે લખે છે : ‘હિમાંશુ યાત્રાળુ જીવ છે. યાત્રા પૃથ્વી પરનાં અવનવાં વિક્ટ અને આહલાદક સ્થળોની અને યાત્રા ભીતરની ગૂઢ – અસીમ રમણીયતાની’ હાલમાં જ ઈમેજ પબ્લિકેશન દ્વારા એનો ચાર રંગમાં કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે : ‘આકાશંગંગાને તીરે’. આનંદની વાત એ છે કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણ્યો હોવા છતાં માતૃભાષા ગુજરાતીમાં સર્જન કરી શકે એટલી કેળવણી એણે લીધી છે. અહીં એની યાત્રાનું ભાથું એણે ખોલ્યું છે. આવો બિસ્મિલ્લાહ કરીએ !]

કુદરતમાં રહેવું ગમે. વન્યસૃષ્ટિની નિકટ સતત જાણે સમય વ્યતીત કરવાની ઈચ્છા રહે. નાનપણથી અમદાવાદની કાંકરિયા બાલવાટિકામાં પપ્પા લઈ જતા. રુબિન ડેવિડ સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પંખીઓને કલાકો સુધી નીરખ્યા કરવાની આદત પડેલી. કંઈ સમજાય નહીં તેવી મજા પડે. કાળક્રમે એ આકર્ષણ વધતું ચાલ્યું. શાળામાં ગણિત કે વિજ્ઞાનના વર્ગ દરમિયાન બારી બહાર ઝાડ પરના માળામાં બચ્ચાને ખવડાવતું પંખી જોયા કરું. રિસેસ દરમિયાન ઈજા થયેલ સમડીને ઘરે લઈ આવું – ચૂપચાપ બાથરૂમમાં સંતાડીને એને ખવડાવી દઉં. બ્રાહ્મણના ઘરમાં માંસ-મટનનો નિષેધ ! વરસાદમાં સાઈકલ પર રખડવા નીકળી પડું. રસ્તામાં રમતા દેડકા પકડીને ખિસ્સામાં નાખું, પણ બન્ને હાથ સાઈકલના હેન્ડલ પર હોય તેથી દેડકો છટકે એટલે વળી ટોપીમાં ભરી માથે પહેરી લઉં અને ઘરે લઈ જઈ ખુલ્લો છોડી દઉં. પિવાઈને ફેંકાઈ ગયેલા લીલા નારિયેળમાં ઊડતાં રંગીન પતંગિયાં પકડી ઘરમાં લાવી છોડી દઉં અને બસ જોયા કરું. ચીબરીનાં બચ્ચાં, શેળો, સાંઢા, ગરોળી, સાપ, નાગ, અજગર, દેડકા, માછલાં, બતક, કાચબા, કૂતરા, કબુતર, કંસારો… અન્ય પક્ષીઓ, વગેરે અનેક પ્રકારનાં અવનવાં પ્રાણીઓ પછીથી લડી-ઝઘડીને ઘરમાં પેસતાં કરેલાં. શરૂઆતમાં સ્વાભાવિક રીતે તેનો સખત વિરોધ થયેલો – એક વેળા તો છુપાવીને છાપરા પર માટલામાં પાણીના સાપ રાખેલા, તેના પર કપડું બાંધેલું, તે કેમ કરીને છટકી ગયા તે ખબર ન પડી…. અમદાવાદમાં સુંદરવન નિસર્ગ ઉદ્યાનમાંથી રીતસર ચોરેલા !! ચોકીદારના જમવાનો સમય ધ્યાનમાં રાખી, તેના ગયા પછી ખાડામાં ઊતરીને કપડાની થેલીમાં વીંટાળીને ઘરે લઈ આવેલો. આવું બધું જાતજાતનું ચાલ્યું.

ભણવામાં એક થી આઠ ધોરણમાં પહેલો-બીજો નંબર. પછી નવમામાં ચિત્રકળા, સાઈક્લિંગ, સ્કેટિંગ અને રમત-ગમતનું આકર્ષણ વધતાં ગણિતમાં…. ટપક્યાં. દસમામાં સાઠ ટકા પણ ન પહોંચ્યા…. સારા ટકા માટે મુંબઈમાં પ્રોફેસર પપ્પાએ જાતે એક આખું વરસ ગણિત ભણાવવાની કોશિશ પછી અંતે બોર્ડના પરિણામમાં કુલ સાત માર્ક આવ્યા ! પપ્પાની જોહુકમી સામે મારી કોઈ પણ ભોગે ગમતું જ કરવાની ઈચ્છાનો આ પ્રથમ વિજય હતો !! ઉછેર નાના-નાની ને ત્યાં. બ્રાહ્મણની રીતે રોજ સવારે શિવ મંદિરે પીળું પીતાંબર પહેરી પૂજા માટે જવાનું. શિવજીને પાણીનો અભિષેક – ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ….’ શિવ ઉપર ચડાવવાનું દૂધ રસ્તામાં રાયપુરની પોળનાં ગલૂડિયાં નિયમિત પીએ અને ‘પાઈડ પાઈપર’ના ઊંદરડાની જેમ મારી પાછળ પાછળ દોડે ! સવારમાં કાંકરિયા સુધી ચાલવાનો કાર્યક્રમ શરૂ કરેલ તે માછલીઓને ખવડાવવા માટે લોટની ગોળી ખરીદવાના દસ પૈસા દાદા (નાના)ના ખિસ્સામાંથી ચોરવાના….

દાદા દિનુભાઈ જોષી ગાંધીજીની રાષ્ટ્રિય શાળામાં ભણાવે – સાવ સરળ અને સાદા. તેમને મળવા અવારનવાર જવાનું. તેઓ વાર્તાઓ લખે તે જોયા કરું. તેમનું બાળ-મહાભારત અનેક વેળા વાંચેલું. દાદાના નાના ભાઈ જીવરામ જોષીની તે સમયની બધી જ વાર્તાઓ વાંચતો – અડૂકિયો દડૂકિયો, છકો મકો, મણિસેન, ગાલુ જાદુગર, મિયાં ફૂસકી, તભા ભટ્ટ…. પેલો મણિસેન પોતાના ગુરુને બચાવવા કશીક વનસ્પતિ મેળવવા કેવડાના જંગલમાં ભયંકર દળદળમાં અનેક ભયાનક નાગ વગેરેનો સામનો કરીને ક્યાંક શિખરની ટોચે પહોંચે જ્યાં વિશાળ ગરુડના માળા હોય…. વર્ષો પછી જ્યારે મેઘાલયમાં આ ખાસ પ્રકારનાં જંગલ જોયાં અને દક્ષિણે બંગલાદેશમાં દળદળ નજરે દીઠાં ત્યારે આ બધું તાજું થયું. અને એલ.ડી. આર્ટસમાં ભણેલી Stategic Geography પણ યાદ આવી ગઈ. હિમાલયની એક વાર્તામાં છેલછબો પ્રાણાયમ કરે, બૌદ્ધ લામા ઊડી શકે તે સિક્કિમ અને લડાખમાં રખડ્યા પછી સમજાયું…. મલાયાના મઠનો ખજાનો શોધવા જનારા કેવાંય પરાક્રમનો સામનો કરે. આજે પણ હિમાલયમાં એકલા રખડતાં રખડતાં જે અનુભૂતિ થાય તે શક્ય છે કે અમુક ચોક્કસ અને સાચા રસિક વર્ગ સામે જ મૂકી શકાય. પરંતુ તે જમાનામાં આવી વાતો વાંચીને જે અદ્દભુત રોમાંચ થતો તે કદાચ એકે સાહસના સિનેમા કે સિરિયલથી લાખો વર્ષ પછી પણ પેદા નહીં થઈ શકે….. ત્યારે તો ટી.વી. પણ ન’તાં.

નાના-નાનીને ત્યાં થયેલો મારો ઉછેર તે મારા જીવનમાં કદાચ સારામાં સારી ઘટના ગણી શકું. તેમની વધારે પડતી કાળજી અને રક્ષણ કવચિત અવરોધરરૂપ પણ બનતાં, પરંતુ સંસ્કાર પૂરેપૂરા ત્યાં જ અને એ જ ઉંમરમાં ઘડાયા હોવા જોઈએ તેમ હું ચોક્કસપણે માનું છું. મારા પિતૃ કે માતૃ પક્ષના બૃહદ કુટુંબ તથા અનેક ભાંડુઓને જોયા-જાણ્યા-અનુભવ્યા પછી તો નાના-નાનીનો ઉછેર અને સારું વાંચન – આ બે અતિ મહત્વના મુદ્દા સામે ઊપસી આવે છે…. વારંવાર કીર્તન કે ડાયરો કે ભવાઈ જેવા કાર્યક્રમો અને રોજ રાત્રે કોઈ સરસ પુસ્તકની વાતો કે વાર્તાઓ નિયમિતપણે ‘દાદા’ મોટેથી બોલીને સૌને વાંચી સંભળાવે. રોજિંદી ઘટમાળમાંથી ઘણું ઘણું અજાણતાં જ શીખવાનું થતું કે માનસ-પટ પર અંકાઈ જતું. વારંવાર આવતા-જતા અનેક ગરીબ માણસોને દાદા ઘરે જમવા લઈ આવે – પૈસો હાથમાં ન આપે, જમાડીને મોકલે. આવક સાવ નજીવી. ઘર માંડ ચાલે તેવી. છતાં એમના ચહેરા પરનો સંતોષ…. કંઈ ગજબ. એમના મિત્રો ઘણા, અને સારા પણ. કોઈક વાર વળી કોક ગુરુજી સાધુ-બાવા જેવાને ઘરે ઊઠ-બેસ હતી ત્યાં પણ જતા, પણ એ પ્રણામ કરવા કે પગે લાગવા નહીં, સાવ મિત્રભાવે. તે ‘ગુરુ’ ને દર્શને આવનારા બધા જાય ત્યાં સુધી અમારે રોકાવાનું, એમની સાથે જમવાનું. બસ, એથી વિશેષ કશું નહીં – એ ગુરુને ત્યાં જાતજાતનાં દુ:ખદર્દવાળાની લાઈન લાગતી, સૌ કંઈ ને કંઈ માગવા આવતા. દાદા હંમેશ કહેતા કે કશું માગવું નહીં અને કંઈ પણ આપે તો પણ લેવું નહીં.

અંધ-શ્રદ્ધા તો બિલકુલ નહીં, પણ પરમાત્મામાં પૂરો વિશ્વાસ. એમના અચાનક ગુજરી જવાથી ઘર ચલાવવાની લગભગ જવાબદારી હું અગિયારમા ધોરણમાં હતો ત્યારે માથે આવી. નાના ફોટોગ્રાફી કરતા – તેથી તેમને સૌ ફોટોગ્રાફર રસિકલાલ કે. પટેલ (છીંકણીવાળા) ને નામે ઓળખે. ગુજરાતભરના ફોટો સ્ટુડિયોવાળા તેમની પાસે આવે તેવી કોપીઈંગની કળા તે જાણતા અને ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ તેમની ઘરાક. એક જૂના જમાનાની ચાર બાય પાંચની રાયપુર ચકલાના ચકલેશ્વર મહાદેવ બહારની છીંકણીની દુકાન, કશી ઊપજ ન હોવા છતાં તેમણે ચાલુ રાખેલી – એ બંધ કરે તો બિચારાં ઘરડાં માજીઓ છીંકણી લેવા ક્યાં જાય ? દાદા (નાના)ના આ બધા ગુજરાતભરના ફોટોગ્રાફીના ઘરાકોને બીજા કોઈનું કામ ફાવે તેમ ન હોવાથી બહુ રસ ન હોવા છતાં મેં તેમની પાસેથી શીખેલી ઈન્ડોર ફોટોગ્રાફી ચાલુ રાખી, પણ સૌને કહીને કે તેમણે અમુક અરસા સુધીમાં બીજી વ્યવસ્થા કરી લેવી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલાંનો સમય મારા જીવનનો અત્યંત મહત્વપૂર્ણ સમય ગણું છું. સતત વાંચન…. પણ અભ્યાસ-ક્રમનું બિલકુલ નહીં !! પક્ષીપ્રાણી સંરક્ષણ અને પ્રકૃતિ શિક્ષણ વિશેનાં કેટલાંય પુસ્તક તે અરસામાં વાંચી નાખ્યાં. શ્રી લાલસિંહ રાઓલ, પ્રભુદાસ ઠક્કર જેવા વડીલ માર્ગદર્શક સાથીઓ મળ્યા. શ્રી લવકુમાર ખાચરની શિબિરોનો પરિચય કેળવાયો. માયાળુ રુબિન ડેવિડનો સહવાસ સાંપડ્યો. શ્રી હરિનારાયણ આચાર્ય જેવા ધુરંધર સાથે સંબંધ કેળવાયો. અઢાર-ઓગણીસની ઉંમરે 40થી 80 વર્ષની આસપાસનું વર્તુળ ઊભું થયું. અને રખડપટ્ટી મોટે પાયે શરૂ કરી. નાના ગુજરી ગયા પછી કોઈ કાબૂમાં રાખનાર ન હતું…. છતાં ગલીના નાકા પરના ટોળા-ટપ્પા કે બીજી અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહ્યો. પક્ષી-નિરીક્ષણ, ટ્રેકિંગ, જંગલ-કેમ્પ, રાઈફલ-ટ્રેનિંગ, સાઈકલ-રેસ, સંગીત, કવિતા…. આવા સુંદર વિશ્વમાં મારો પ્રવેશ થયો.

વૃક્ષો કપાય, પ્રાણી-પંખીની કેટલીય જાતો નષ્ટ થાય – એક પુસ્તક ઘણું અસર કરી ગયું – Success stories in Wildlife Conservation’ લેખક : Guy Monutfort. બારમાની બોર્ડની પરીક્ષા પછી વાત વંઠી. પપ્પા સાથે ઘર્ષણ શરૂ થયું. મારા પોતાના ‘કેરિયર’ તરફ મારું ધ્યાન જરા પણ નહીં – કંઈક ઉપજાઉ પ્રવૃત્તિ, કશીક એવી દિશા કે જેથી જીવન ઘડાય, આગળ વધાય તેના બદલે આ શી જંગલોમાં ભટકવાની વાત ? ગાંધીજીના એક પુસ્તકમાં વાંચેલું એક વાક્ય કંઈક આમ છે – ‘જો તમે જાણતા હો કે તમે સાચા છો, તો કોઈથી કે કશાથી ક્યારેય ડરવું નહીં.’ – આ એક વાક્યે મને જબરી હિંમત આપી. વિવેકાનંદ, ટાગોર મને ગમતા. તે ઉપરાંત ડેવિડ એટનબરો, રોબર્ટ સ્કોટ, જેવા મહાનુભાવોની અસર સતત રહી. સલીમ અલી, સર પીટર સ્કોટ, જિમ કોર્બેટ, રોજર ટોરી, પીટરસન, જ્યોર્જ આદમસન, જેરલ્ડ ડ્યુરલ જેવા વિદ્વાનોના વન્યસૃષ્ટિ વિષયક પુસ્તકોની છાપ મગજ પર અંકાઈ ગઈ. અબ્રાહમ લિંકનનું જીવન-ચરિત્ર ખૂબ ગમેલું અને વિન્સ્ટન ચર્ચિલનું જીવન રસપ્રદ જણાયેલું. છેવટે મેં ધરાર આર્ટસ પસંદ કરી ભૂગોળ લીધું અને કૉલેજનાં ત્રણે વર્ષ ફર્સ્ટ-કલાસ આવ્યો – બી.એ.માં ગુજરાત યુનિવર્સિટીમાં ભૂગોળમાં પ્રથમ !…. છતાં જંગલોનું, કુદરતનું ભૂત એવું હતું કે છૂટ્યું નહીં, પણ આગળ વધ્યું. એક વેળા વર્ષાવનનાં અસંખ્ય વૃક્ષો કપાવાના સમાચાર વાંચ્યા ને એ જ દિવસે અમારી સોસાયટીનું એક વૃક્ષ પણ કપાયું ત્યારે આખી રાત એકલા ચૂપચાપ રડ્યાનું મને યાદ છે. મેં મનોમન નક્કી કરેલું કે હું કુદરતના કાર્યમાં રત રહીશ. પરંતુ પ્રકૃતિ-સંરક્ષણની આ પ્રવૃત્તિમાં કશી ઊપજ તો નહીં જ.

ભારે પડતી અને અમાપ મુશ્કેલીઓનાં આઠેક વર્ષના લાંબા ગાળા બાદ સમજાયું કે વેદના વિના વિકાસ નથી. અને સફળતા માટે પહેલાં સંઘર્ષ અત્યંત આવકાર્ય છે. તકલીફોમાં જ વ્યક્તિનું ઘડતર થાય છે. બીજા અનેક કૌટુંબિક, સામાજિક પ્રશ્નો…. જેમ કે લગ્ન, વગેરે… આવી અનેક બાબતોમાં સમાજમાં કેમ ‘ફિટ’ થવું કે પછી…. ‘અન-ફિટ’ રહેવું….!! ઘર બહાર ફેંકાઈ સુદ્ધાં જવાયું – કુટુંબ, પપ્પા…. બધાં એમની રીતે સાચાં હતાં…. પણ મને ‘સાગર-પંખી’ મળી….. અને મેં મારી દિશામાં આગળ ઊડવાનું શરૂ કર્યું. અથવા તો કહી શકાય કે કશું જ ઉપજાઉ કામ નહીં કરવાનું શરૂ કર્યું. પ્રકૃતિવિદ લવકુમાર ખાચરના નેચર કેમ્પમાં સ્વયંસેવક તરીકે વરસોવરસ માનદ સેવા આપી. અનાલા (અમદાવાદ નેચર લવર્સ એસોસિયેશન) થોડા મિત્રો ભેગા કરીને સ્થાપ્યું. સાપુતારા મ્યુઝિયમમાં કામ કર્યું અને ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓને થોડો દિશા-નિર્દેશ કર્યો. ભોપાલ ગેસ દુર્ઘટના વિરુદ્ધ દેખાવો કર્યા. શૈક્ષણિક શેરીનાટક કર્યાં. પછી મુંબઈમાં WWF – સાથે જોડાવાથી શાંતા ચેટર્જી, એરચ ભરૂચા, બિટ્ટુ સહગલ, આઈઝેક કિહિમકર, ઉલ્હાસ રાણે જેવાં અનેક વિદ્વાનોનો પરિચય થયો. વિશ્વ વન્ય જીવ સંરક્ષણ સંસ્થા હેઠળ ‘માહિમ નિસર્ગ ઉદ્યાન’ તૈયાર કર્યું, જે એક મોટો પડકાર હતો – મુંબઈના રોજના 40 ટ્રક કચરાનો 20 વર્ષનો ઢગલો અમને આપવામાં આવ્યો – જે પ્લાસ્ટિક, રબર, કાચ, ધાતુ વગેરેથી ભરેલો 40 એકર વિસ્તાર, જેની ઉપર અમે 12,000 ઉપરાંત વૃક્ષ-વનસ્પતિ ઉગાડ્યાં, પ્રકૃતિ શિક્ષણ માટેના કાર્યક્રમ તૈયાર કર્યા, જ્યાં આજે વર્ષે એક લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સહિત પ્રકૃતિ વિષયક માર્ગદર્શન માટે આવે છે. જોકે ત્યાં મારો મહિને બારસોનો પગાર મુંબઈ જેવા અકરાંતિયા શહેરમાં અમારી જરૂરતો પૂરી ન કરી શકે. આ 1987ના અરસામાં મુંબઈના એક અતિ ધનિક મુરબ્બીએ પોતાની જમીનને શિબિરો વગેરે માટે તૈયાર કરવા મારા જેવા પચીસેક વર્ષના નવ-યુવાનને પગારમાં મીંડું વધારી આપવાની દરખાસ્ત કરેલી, જે મેં વિનમ્રતાપૂર્વક નહોતી સ્વીકારી. એ અને એવી અનેક અન્ય દરખાસ્તો મારી હિમાચલની શિબિરો માટે પણ આવતી રહી – તંબુમાં થોડી સગવડ કરીએ – પલંગ આપીએ, લાઈટો આપીએ, ગરમ પાણી, એરકન્ડિશન ગાડીઓમાં લઈ જઈએ, મુંબઈની પ્રજા સારી સગવડ માટે અઢળક પૈસો નાખે છે, પરંતુ હિમાલયનો બરફીલો અસલ પ્રાકૃતિક રાજવી ઠાઠ માણી ચૂક્યા પછી કયું ધન આપણને આંજી શકે ?

‘કેમ્પ’ ને નામે હોટલો નહીં ખોલ્યા છતાંય હજારો વિદ્યાર્થીઓ સાથે જે સમય ગાળી ચૂક્યો છું, જેમના જીવનમાં પોતાની શક્તિને ઓળખવાની થોડી ઘણી ઈચ્છા જાગ્રત કરાવી શક્યો છું, ભારત રાષ્ટ્ર આપણે કઈ રીતે અને કેવું બનાવી શકીએ એવા બે વિચાર જે તેમના મન આગળ મૂકી શક્યો છું, તે વિદ્યાર્થીઓના અને અન્ય એવા અનેક લોકોના મનમાં મારા માટેનો આદર તે સૌથી કીમતી ધન છે, જે ક્યારેય કોઈ લૂંટી નહીં શકે…. આ કાર્યથી મળતો સંતોષ અને વન-ભ્રમણનો ગજબનાક આનંદ એ પુરસ્કાર મને સતત વધુ ને વધુ ફરવા, જોવા, જાણવા, માણવા, શીખવા પ્રેરે છે…..

વર્ષોથી શ્રી લવકુમારે શારીરિક શક્તિ અને સહનશીલતાના ગુણો ખીલવવાની નોંધનીય પ્રવૃત્તિ કરી છે, પરંતુ મનની શક્તિનો વિકાસ, હૃદયની ઓળખ, પ્રમાણિકતા અને પ્રકૃતિ સંરક્ષણની આ દેશને તાતી જરૂર છે. રુશવતખોરી અને લાલચને કાબૂમાં લાવવા નીડર નેતૃત્વ આપે તેવી સંનિષ્ઠ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ચોખ્ખી છાપ (વાસ્તવિકતામાં, માત્ર ‘છાપ’ પૂરતા નહીં) ધરાવતા વર્ગને આગળ આવવાની જરૂર છે. બગડેલા માત્ર નેતા નથી – આખી પ્રજા બગડી છે, નહીં તો આ હાલત ન હોય દેશની. સમાજ અને સરકારની દરેક સ્તરની વ્યક્તિએ દેશના ખૂણે ખૂણેથી એકત્ર થઈ એક નવતર ભારતની રચના માટે શરૂઆત કરવાની જરૂર છે.

વારંવાર કુદરતમાં અગવડ વેઠીને એકાંત ગાળવાથી આંતરિક મહાશક્તિનો પરિચય થઈ શકે અને આખું જીવન બદલાઈ શકે. યુવાનોને એ પણ કહેવાની જરૂર લાગે છે કે ધનને જરૂર કરતાં વધુ પ્રાધાન્ય ન આપો. અન્ય એક અત્યંત આવશ્યક બાબત છે – સારાં પુસ્તકોનું વાંચન. રિચર્ડ બાક, ફ્રીજોફ કાપરા, દીપક ચોપરા, રોબિન શર્મા, રમેશ બલ્સેકર, એકાર્ટ ટોલ અને હેનરી ડેવિડ થોરો મારું આકર્ષણ રહ્યા છે. જયંત પાઠકની ‘વનાંચલ’ કેમ ભુલાય ? વળી ‘ધરતીની આરતી’, ‘માણસાઈના દીવા’….. ખરેખર તો ટેલિવિઝન, કોમ્પ્યુટર અને સી.ડી. આવ્યા પછી અમુક વર્ગ પુસ્તકોની જરૂરતને ભૂલી ગયો છે – પણ આજના યુગમાં પણ પુસ્તક જેટલું જીવન-ઘડતર માટે બીજું કશું માધ્યમ એટલું ઉપયોગી નહીં થઈ શકે. ઘણી નાનકડી જિંદગીમાં આપણે જે મેળવીએ છીએ, શીખીએ છીએ, તે અન્ય સાથે વહેંચવાની એક વાત મને હંમેશ જરૂરી જણાઈ છે – કારગિલ – લડાખ – કાશ્મીર કે આસામમાં ઊભો થતો કોઈ રાષ્ટ્ર સુરક્ષા વિષયક પ્રશ્ન હોય, આપણી સાંસ્કૃતિક કે આર્થિક શક્તિના જતનની વાત હોય કે કોઈ વ્યક્તિના અંગત જીવનની કોઈ જટિલ ગૂંચ હોય, આપણી કોઠાસૂઝથી આપણને મળતા ઉકેલ વિશ્વની સમસ્યાઓ ઓછી કરી શકે એવો મને વિશ્વાસ છે. આસામના આતંકવાદીઓને મેં નજરે જોયા છે. અન્ય પચાસેક શિકારીઓએ હથિયાર હેઠાં મૂકી આત્મ-સમર્પણ કર્યું અને તેમને વન બચાવવાની ફરજ સોંપવાનો એક તાજેતરનો પ્રયોગ મારી જાણમાં છે. અનેક સૈનિકોને મળું છું. કારગિલમાં બતાલિક નજીક ભારતીય સેનાએ ઘૂસપેઠ બદલ મારી ધરપકડ કરી તે સિંધુ નદીનો પ્રદેશ મેં માણ્યો છે અને છૂટ્યા પછી ધરાર જ્યાં યુદ્ધ થયેલ તે સ્થળ જોયાં છે. પાકિસ્તાની બોંબની કરચો હું ઘરે પણ લાવ્યો હતો અને એવા દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણ દ્વારા ભવિષ્યના આવા અનેક બોંબ નિષ્ક્રિય થઈ શકે તેમ હું વિશ્વાસપૂર્વક માનું છું. આપણે આ સાંપ્રત પરિસ્થિતિ બદલી શકીએ છીએ – આવનારી પેઢીઓને આપણે પૃથ્વી ઉપર સારી અને સાચી રીતે, સ્વાભિમાનથી, કોઈથી કે કશાયથી ડરીને નહીં તેમ જ મિસાઈલ કે અણુ-શક્તિથી ડરાવીને નહીં, પરંતુ પ્રેમથી જીતીને સૌના અસ્તિત્વને સ્વીકારીને જીવતાં શીખવવાની જવાબદારી આપણી છે – સમાજની છે, પ્રજાની છે – કુંઠિત બુદ્ધિધારી majority એ ચૂંટેલા નિર્માલ્ય (ગીધડાંને શરમાવે એવા) નેતાઓની નહીં. થોડા ઘણા જે શબ્દો યાદ આવી ચડે છે – પ્રેમ, પ્રામાણિકતા, અનુકંપા, સચ્ચાઈ, સાહચર્ય…. સાચા અર્થમાં મદદરૂપ થવાની ભાવના. આ શબ્દોથી જીવન જીવી શકાય – દુનિયા જીતી શકાય.

આશરે એક હજાર બારસો વર્ષ પહેલાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીનથી ‘હ્યુ એન ત્સંગ’ અને ‘ફા હિ આન’ ભારત આવેલા અને તેમણે લખેલું કે હિન્દુસ્તાન ખૂબ સમૃદ્ધ છે, સુખી છે અને કોઈના ઘર પર તાળાં નથી. તે સમયે સમ્રાટના સલાહકાર અર્થશાસ્ત્રી ચાણક્ય હતા. તેમણે જંગલોને વન વિભાગ હેઠળ નહીં, રાજ્યના લશ્કરી તાબા હેઠળ રાખ્યાં હતાં. આપણા દેશનું અસલ ધન અહીંની વનસ્પતિ, પ્રાકૃતિક સૃષ્ટિ, આબોહવા, પર્યાવરણ અને સંસ્કૃતિ છે. પહેલાં જે જંગલ 84 ટકા હતું તે આજે ઈસરોના રિમોટ સેટેલાઈટ દ્વારા 4 ટકા બતાવે છે. આ દેશ આપણું ઘર છે, એની રક્ષા આપણે નહીં કરીએ તો બાસમતી,, હળદર અને કારગિલ, નાગાલૅન્ડ.. બધું જશે અને આખા ભારતની પ્રજાને માત્ર દારૂ પીને નાચવાનો વારો આવશે. આજના યુગમાં કોક-પેપ્સી પીને ડિસ્કોમાં નાચવા થનગનતા યુવાનોને મારે એ કહેવાનું છે કે તમે ભલે ખાઓ-પીઓ, નાચો-કૂદો, ગાડી કે બાઈક લઈને અવશ્ય ફરો, પણ નિજ જીવનમાં ઊંડાણપૂર્વક જુઓ, પોતાની શક્તિ-સામર્થ્ય ઓળખો, એક થાઓ, આપણે ગુજરાતી – મરાઠી નથી, આપણે દલિત – મુસલમાન કે બ્રાહ્મણ – પરમાર નથી. આપણે વૉટ-બૅન્ક નથી. ખંધા, લુચ્ચા નેતાઓને ફેંકી દો, જેમને ઉદ્યોગપતિઓ ઘરે પગાર પહોંચાડીને તમારા કર વધારીને અંગ્રેજોની જગ્યાએ તમારા ઉપર તે રાજ કરે છે. હજુ પણ આપણે આઝાદ નથી… જાગો….

ભારતની કરન્સીના એક રૂપિયા બરાબર 55 અમેરિકી ડૉલર અને એક રૂપિયા બરાબર 75 બ્રિટિશ પાઉન્ડ કરી નાખવાના એજન્ડા સાથે જે નેતા આવશે તે જ આ રાષ્ટ્રને ફરીથી મહા-રાષ્ટ્ર બનાવશે અને યુનાઈટેડ નેશનની ઈન્સિક્યોરીટી કાઉન્સિલમાં દુનિયાના ખૂણે ખૂણેથી વીણીને અનેક દેશોની સાચી લોકશાહી લાવશે ત્યારે તમે આઝાદ થશો – ત્યાં સુધી વર્લ્ડ બૅન્ક અને IMF તમારું લોહી પીને તમને મોંઘાભાવે રંગીન પાણી પિવડાવશે અને એ પૈસાથી મેળવેલાં શસ્ત્રોથી તમારા જ પૈસે તમારી ઉપર રાજ કરશે, જેથી તમારી આવનારી પેઢી માત્ર ટી.વી. જોઈ શકશે પણ ખાવા અનાજ નહીં બચ્યું હોય. ગામડાઓમાં આજે આ સત્ય સાબિત થઈ ચૂક્યું છે. આપણામાં એ ખુમારી હોવી જોઈએ કે રસ્તામાં જયોર્જ બુશ મળે તો એને કહીએ કે ભાઈ, તારે જરા અમારા શ્રી શ્રી રવિશંકર મહારાજની પાસે જઈને બે મહિનાનો ‘Art of Living’ કોર્સ કરવાની જરૂર છે.

આપણી પોતાની શક્તિને ઓળખો – મારા દેશના યુવાનો જાગો. જીવનઘડતરને લગતી અન્ય એક જરૂરી જણાતી બાબત પર ભાર મૂકવાનું યોગ્ય લાગે છે. ભારતીય પરંપરામાં કુટુંબને ખાસ્સું મહત્વ અપાય છે. કુટુંબના અનેક ફાયદા છે – સાહચર્ય, સહનશીલતા, મદદરૂપ થવાની ભાવના, વગેરે. પરંતુ કુટુંબપ્રેમના ભાવમાં તણાઈને અસત્યને ટેકો નહીં આપવાનું શીખવવા માટે તો વિશ્વ-સાહિત્યમાં શિરમોર જેવું મહાભારત લખાયું નહોતું ? આપણી નિક્ટનાં વર્તુળો જૂઠ-જુલમ આચરતાં હોય અને તે ગમે તે ઉંમરના મિત્રો કે વડીલો હોય, તો પણ તેમની શેહમાંથી બહાર આવી સચ્ચાઈના માર્ગને અપનાવવાનું અને અસત્યને પડકારવાનું હું યુવા-સમાજને સૂચન કરું છું.

આ ઉપરાંત સમાજ પર મોટી અસર થાય છે મિડિયાની. પત્રકાર મિત્રો, છાપાં-મેગેઝિનોને મારો અનુરોધ છે કે રાજસ્થાન, બિહાર, આન્દ્ર, ઓરિસા કે અરુણાચલના કોક દૂરના ગામડામાં ઉઘાડા પગે ચાલતી એકાદ-બે શિક્ષિત વ્યક્તિઓએ પોતાના સમાજના ઉત્કર્ષ માટેની કંઈક સરસ કામગીરી કરી હોય, કોઈ નાના અસહાય માણસે મોટાં સ્થાપિત હિતો સામે અવાજ ઉઠાવ્યો હોય કે કૌભાંડનાં પર્દાફાશ કર્યા હોય કે પછી કોઈ પ્રદેશમાં ત્યાંની ઋતુને આવકારતાં નવાં ફૂલો ખીલ્યાં હોય….. તેવાં મથાળાં બાંધતા શીખે. બચ્ચનની કીર્તિગાથાને ઠેકાણે અન્ના હઝારે કે પછી એન. વિઠ્ઠલ જેવાના જીવન-ચરિત્ર છાપે. લાલુ-જયલલિતા, બિપાશા અને સલમાનને પાંચમા પાનાની પાંચમી કૉલેમમાં નીચે સ્થાન આપે. આખા વિશ્વને સમજાઈ જશે કે ભારત શું દેશ છે – બોલો, છે હિંમત ? છે હિંમત એક જાગ્રત પ્રજા તરીકે તમારામાં આવાં છાપાં અપનાવવાની કે આવી ચેનલો જોવાની ? કે ભારત માટે આવું સપનું જોવાની ?…..

આપણે જે પરિસ્થિતિમાં જ્યાં છીએ તેને માટે આપણે જ જવાબદાર છીએ – ગાંઠિયા-ફાફડા ખાઓ…. જય હિંદ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોઠાસૂઝ – પ્રિયવદન ક. દેસાઈ
આહલાદની આંધી – સુરેશ એમ. પરમાર ‘સૂર’ Next »   

13 પ્રતિભાવો : જીવનમાંથી હું શું શીખ્યો ? – હિમાંશુ પ્રેમ

 1. govind shah says:

  very beautiful & thoughtprovoking article by shri Himanshu. Really inspring to present day young boys & girls. Presenting very good scenerio of media & also our current polical ledership – Congats- govind Shah v.v. nagar.mo; 03750 12513 email; sgp43 @yahoo.co.in

 2. bhaumik trivedi says:

  thnx…if every 1 atlest do only 2 % of what is been written here in my opinion India will rock..jai hind.

 3. Trupti Trivedi says:

  હજુ પણ આપણે આઝાદ નથી… જાગો…..This is the reality. We are not even free from our bias, mis-leading thoughts in many ways and doing something different , done out of pure helplessness.

  Thanks Himanshubhai for expressing the ideas in this article , which we like to adopt but do not dare to realise.

 4. RUPAL says:

  Very good article.

 5. અતુલ જાની (આગંતુક) says:

  ખડતલ માણસ, જુસ્સાદાર રજૂઆત ! આખો લેખ વાંચતા વાંચતા ઘણા ઝાટકા લાગ્યા. શરીરમાં જાણે રીતસર વિજપ્રવાહ પસાર થયો હોય તેવો અનુભવ થયો.

 6. હિમાંશુ પ્રેમનો નવો જ ગઝલ-સંગ્રહ, “શબ્દગંગાને તીરે” કવિતા અને એમના ફોટોગ્રાફ્સના સુભગ સમન્વયના કારણે માણવા લાય્ક થયો છે, જે જિજ્ઞાસુ મિત્રોની જાણ ખાતર…

 7. Maharshi says:

  Khub saras Himanshubhai! Bharat mate to jagvu j padshe ne! Jagela jagadwa nu kam kare che ee wadhu unchi wat che… jai hind!

 8. Ekta says:

  Hi Himanshu bhai .I really like your articles. specially I like words which you use to write your articles those words are simple and easy to understand the toughest things . Well I called you himanshu bhai because I am Krishna Joshi ‘s friend .We just met 1 time but must say I and krishna talked lot about you .I am so fascinated by your living style … Jai Hind

 9. વત્‍સલ વોરા, ગાંધીનગર says:

  ખૂબ જ સરસ!

  હિમાંશુભાઇ,

  તમારો આ ચોટદાર લેખ, આજના ટેલિવિઝનના ‘તુલસી‘ અને ‘ક્રિસ‘ના જમાનામાં કે ઇડિયેટ બોકસ સામે બેસનાર જનતા શું ઢંઢોળી શકશે? જગાડી શકશે? કારણ કે, ઘરની અંદરથી જ દુનિયાને જોવાની અને માપવાની કુટેવ પડી ગઇ છે.

  જે જનતામાં સાચા સમયે વોટ કોને આપવો તે પણ પૂછીને આપવા જાય છે અને ઘણાં સાચાં માણસ કે જેને સાચાને વોટ આપવો છે તે એકલા હોવાની શરમ કે નાનપ અનુભવે છે. ( આ તો વાસ્‍તવિકતા હજી હંમણાની ચૂંટણીઓમાં મેં જોયી છે) આખું ઘર જાણે કે, વોટ આપવા નીકળે છે પણ વોટ તો માત્ર એક જ જણ આપે છે પૂછો તો કહેશે કે અમે તો જોવા આવ્‍યા હતા.

  બોલો દેશમાં એવા યે લોકો છે કે જેઓ પાંચ વર્ષે આવતી ચૂંટણીઓમાં વોટ કેવી રીતે અપાય છે તે જોવાનો નફફટ શોખ રાખે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.