- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તારે વડલે ! – સુધા ભટ્ટ ‘અમીશ્રી’

[થોડાક મહિનાઓ અગાઉ શ્રીમતી સુધાબેનની (અમદાવાદ) ‘ગિલ્લુ ખિસકોલી અને અન્ય વાર્તાઓ [1]’ ના પુસ્તકમાંથી આપણે એક બાળવાર્તા માણી. આજે માણીએ તેમના કાવ્યસંગ્રહ ‘તારે વડલે !’ માંની કેટલીક કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જાગરણ (અછાંદસ કાવ્ય)

ગઈ રાત્રે મોડા લંબાવ્યું
પરોઢે વહેલાં ઊઠવું પડ્યું
એ થાકોડો મટાડવા
આજે ખૂબ જલદી પથારી ભેગા
થઈ, સવારે મોડા ઊઠવું છે
ઊંઘ પૂરી થતી ન કદી
માનવની
કોણ જાણે ક્યારે એની
નિદ્રાવશ આંખોમાં
પ્રવૃત્તિનો સંચાર
થશે
અને પ્રાણપ્યારી શૈયા ત્યજી
એને ઊઠવું ગમશે !
પરંતુ હાય !
માનવને જાગવું ક્યાં ગમે છે ?
ગમતું નથી ને ?!

[2] અર્ધ્ય (છંદ : મંદાક્રાંતા)

ચાલો ચાલો સુમન સમ સૌ બાળકો ઘંટ વાગે
ભાગો ભાગો સમયરસ તો ભાગવાનો જ આગે
રે આજે લેસન કર, નહીં તો વળી બીક પેસે
દોડો દોડો ઝટ ઝડપથી આજ મોડા ન કે’શે.

ભેગું લેજો દફતર અને ચોપડા ભૂલતાં ના
ધીમે ધીમે જવું નહિ, હડી કાઢજો, ડોલતાં ના
કંપાસોમાં રબર ભરતાં, પેન્સિલો ફૂટ લેજો
અંગ્રેજીમાં સમજણ નથી, ‘આવજો’ એમ કે’જો.

આ કેવું જીવન ખબર કૈં ના પડે ચક્ર જેવું
નાના નાના પ્રતિનિધિત્વને ફાંસવે વક્ર એવું
ના જીવો તો જ વધુ અઘરું થૈ એ ડસે સાવ ઘેલું
ને જીવો તો કુસમય કહે “કારમો જંગ ખેલું”.

કેવું કેવું હજીય સહવું કૂમળાં બાળકોને
પ્યારાં બચ્ચાં વજન ગ્રહતાં કેટલાં પુસ્તકોને
દિને દિને સ્વવજન ગુમાવી રહ્યાં વ્યક્તિત્વનું
અર્પો નહીં નવશિક્ષણની ખાંભીને અર્ધ્ય તેનું.

[3] વરણાગી વાયરો : ગીત

સુગંધને છાતીમાં છુપાવીને છમકલાં કરતો પવન
એના પાલવમાં બાંધીને ભીનાં ઉપવન
સાગરની સરિતાની સોડમાં સંતાઈને
સાક્ષાત સુરભિનો રસથાળ પીરસતો પવન !

શાશ્વત સમયના ટૂકડાને ચાવતો ચાવતો
અનંત રત્નાકરને ઉરે ઉપસાવતો
રસિકોનાં દિલડાંને હરે તો ખરો જ, પણ
પથ્થરના પોલાણમાં સુગંધને રોપતો પવન !

પવનની પાંખોના અલગારા ઉડ્ડયનથી
સમય સંધાતો સચવાઈને સાંકળથી
સ્મૃતિની સોય થકી ટેભા લઈ લઈને
હૃદયોથી હૃદયોમાં ફૂંકાતો પવન !

ધરણી ધ્રૂજે સુંવાળા ધબકારે ધબકારે
રોમેરોમ ઝણઝણાટી જગવે લબકારે
લપસણો શીતલ તરલ સ્પર્શ ડોલાવે કંપસહ
ગીત ગુંજવતો ગુંજન, કાનોકાન સરતો પવન !!

[4] મુક્તક

આભાર તારો પ્રિયતમ, હું કેટલો માનું
કે ત્યાં તું રિસાણો છે ને અહીં કવિતાઓ રચાણી છે
આશ્વાસન તો એ જ કે પરસ્પર જે થયું તે
પણ મારાં અરમાનોને વાચા મળી છે – વહેણ મળ્યું છે.
*******

કેટકેટલી વસંતથી મને તારી આરઝૂ હતી !
કેટકેટલી નિશા નિદ્રાવિહીન હતી !
ન માને તો પૂછ આ ચંદ્રને, આ તારાને
કે તુજ વિણ પ્રિયા કેવી તેજવિહીન હતી !!!

[5] હાઈકુ

(1) વ્યાખ્યા

સત્તરાક્ષરી
કાવ્યે બ્રહ્માંડ માંડે
તે જ હાઈકુ

(2) પડછાયો

સિવાય મારી
મારી સાથે હંમેશ
અન્ય કોઈ છે ?

(3) દવા
સાર્વત્રિકતા
શ્રદ્ધાની ? શક્ય નથી,
રેશન લાવો.

(4) મૌન

અમાપ મૌન
જાળવી રાખવાને
બોલતાં શીખો.

(5) ચિંતા

ભરબપોરે
તાડના ઝાડ હેઠે
બેઠેલાનું શું ?

[કુલ પાન : 96. (પાકુ પૂઠું) કિંમત : રૂ. 50. પ્રાપ્તિસ્થાન : 18/182, વિદ્યાનગર, હિંમતલાલ પાર્ક પાસે, અમદાવાદ 380 015. ફોન : +91 79 6753448]