- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી

એક નાનકડી કન્યા મારી પાસે હસ્તાક્ષર લેવાને આવેલી અને મને કહેલું કે ‘એક કડી લખી આપો’ મારી આસપાસ અનેક મિત્રો ઊભા હતા. ગૂજરાત વિદ્યાપીઠનું એ ચોગાન હતું અને ત્યાં એક મોટા સમારંભે હું ગયેલો. એણે મારા હાથમાં એની હસ્તાક્ષર-પોથી મૂકી અને એના ‘કડી’ શબ્દને પકડીને ઉપરની પંક્તિ આવી ગઈ. એ કન્યાએ કહેલો ‘કડી’ શબ્દ અહીં બીજા અર્થમાં પ્રગટ થઈ ગયો. એ પંક્તિ જાણે ઉપર તૈયાર બેઠેલી હોય તેમ ઊતરી પડી. હવે, આમાં કઈ પ્રક્રિયા આપણે કહીશું ?

ભાષામાં શબ્દ એક કરતાં વધુ અર્થ ધરાવે છે. પણ મારું બાહ્ય મન એ શ્લેષની શોધમાં ગયેલું નહિ. શબ્દોની આ બહુ-અર્થતા મારા સંસ્કાર-ભંડારમાં પડેલી જ હતી. આ શ્લેષ થાય છે, એ ખ્યાલ પણ પછીથી આવ્યો. પણ ‘કડી’ એટલે ‘પંક્તિ’નો અર્થ ધકેલાઈ જઈ સાંકળમાંની કડી એ અર્થ ચળક્યો, અને એ સાંકળનારું તત્વ તો પ્રેમ છે, પણ ‘પ્રેમ’ નહિ પણ ‘સૌ’ ની સાથે વર્ણસંગીત સાધતો ‘સ્નેહ’ શબ્દ આવી ગયો, તેને જ પકડીને બીજો ‘સ’થી શરૂ થતો ‘સર્વથી’ શબ્દ આવ્યો, અને ‘વડી’ શબ્દ કડીના અવાજનો પડઘો પાડતો હોય તેમ તેના અર્થસંભારના ગહન ગોરંભ સાથે આવીને બેસી ગયો.

જીવનમાં પરમ સક્રિય એવું પ્રેમતત્વ આમ આ ક્ષણે ‘કડી’ રૂપે ઊતરી આવ્યું. કયું નિમિત્ત, કઈ પરિસ્થિતિ, એનો હિસાબ કેવી રીતે કરીશું ? એ કન્યા, એની ભાવભરી વિનંતી, પ્રસન્નાભરેલું વાતાવરણ – આ બધું જ એ પ્રેમને આમ સાકાર થવાને માટેનું કારણ બન્યું હશે ને ! આને જ અધ્યાત્મશક્તિના દિવ્ય આવેગની નિક્ષિપ્તિ (થાપણ) કહી શકાય ને ! આના અનુસંધાનમાં એની પૂર્તિ કરતી બીજી કડી પછી ઘણા વખતે, વરસો બાદ, આ પ્રમાણે આવી :

કડી એ લાધતી જ્યારે પ્રભુની આવતી ઘડી.

અર્થની રીતે, ‘કડી-ઘડી’ ના અંકોડામાં જોડાઈને આવતી આ પંક્તિ સુરુચિર તો છે, પણ પહેલી પંક્તિની તાજગી જાણે એમાં નથી. કવિતામાં છેવટે તો સહજપ્રજ્ઞા (intuition), પ્રેરણા (inspiration) એ જ સક્રિય નિયામક વસ્તુ રહેતી હોય છે અને આપણી સમગ્ર સજ્જતા પ્રમાણે એ પ્રેરણા આકારિત થાય છે. આપણા વિકાસ પ્રમાણે, બૌદ્ધિક જ્ઞાન, ભાવો, આદર્શો, અનુભૂતિઓ આદિની આપણી ક્ષમતા પ્રમાણે આપણા સ્વરૂપનો પુદગલ બંધાતો રહે છે અને આપણે ગમે તે રીતે લખતા હોઈએ, ગમે તેટલું લખતા હોઈએ તેની પાછળ આખોયે પુદગલ સક્રિય બનતો હોય છે.

આપણામાં બુદ્ધિનો, ઊર્મિનો જે ભાગ જે ક્ષણે પ્રધાન રૂપ હોય; આપણામાં જે વૃત્તિઓ, વાસનાઓ, આકાંક્ષાઓ કામ કરતી હોય; આપણામાં જે રીતના આદર્શનો ઝોક હોય કે આધ્યાત્મિક સંપત્તિ કે સિદ્ધિ હોય, તે પ્રમાણે આપણું સર્જન ઘાટ-રૂપ લે છે. આરંભમાં બુદ્ધિનો, વિચારનો કે અમુક આવેગોનો ભાગ મુખ્યત્વે કામ કરતો રહે છે. પણ ઊંડી સ્વસ્થતામાં પછી ભાવ-બુદ્ધિ આદિ સર્વનું એક સામંજસ્ય રચાઈને કશુંક ઊંડામાં ઊંડું તત્વ સાકાર બનતું રહે છે. અમુક વિકાસ પછી મન નીરવ સ્થિતિમાં પહોંચીને એક વિશાળ શાંત સ્થિતિમાં બેઠેલું રહેતું હોય છે, અને તેમાં પછી ઉપરથી આવી આવીને બધું ગોઠવાતું રહે છે તથા યથા સમયે જે લખવાનું હોય તે લખાતું રહે છે.

દોઢ પંક્તિની મારી નીચેની રચના તો પોતાના બળે જ ઘણી જાણીતી થઈ ગઈ છે :

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી

આના માટે કશું જ બાહ્ય નિમિત્ત ન હતું. મારે મારી પ્રેમાનુભૂતિને ગાવી છે, એવો પણ કોઈ સંકલ્પ કે સ્ફુરણા ન હતી. પણ મારા સમસ્ત સ્વરૂપમાં આવી વસ્તુ જામીને પડેલી તો હતી જ. જો કે તેની તીવ્રતા અને વિરાટતા આવો આવિર્ભાવ પામશે, એવી કલ્પના ન હતી. સહરાનું તરસ્યું વિરાટ રણ પોતાની ઉત્કૃષ્ટતા લઈ આવી ગયું, તેની પાછળ ભૂગોળમાં હું સહારા ભણેલો એ જ્ઞાન કામ કરતું હતું એમ પણ નહિ, પણ આ સહારામાં મને પ્રેમ અને બીજું બધું આખા જગતમાં અને મારામાં સિંચાઈ સિંચાઈને પડેલાં હતાં, તે આમ આ ક્ષણે ચિત્તની નરી નિસ્પંદ વિચારમુક્ત સ્થિતિમાં, ચિત્ત કરતાંયે વિશેષ તો અંતરાત્માની, આંતર-ચિતિની અને તેને ગૂઢ પ્રકટ રીતે આવરી લઈ તેમાં સંચારિત થતી વિશ્વચેતનાની એક ગતિ રૂપે પ્રગટ થઈ.

બબ્બે પંક્તિનાં મુક્તકો પણ લખાતાં રહ્યાં. મુક્તકની રીતે ચિત્ત ગુંજવા લાગે પછી ચૂપચાપ લખ્યે જ જતા હોઈએ અને એક પૂરું થાય અને બીજું હાજર જ હોય. કોણ જાણે એ બધાં કોક ડાળ ઉપર ક્યાંક બેઠાં હોય, કે સ્લોટ મશીનમાં ગોઠવાઈને બેઠાં હોય તેમ ટપટપ ઊતરી આવે ! આપણને અને એમને જાણે કશો જ અંગત સંબંધ ન હોય તેમ. એવી રીતે આ મુક્તક જ્યારે આવીને ઊભું રહ્યું, ત્યારે હું પોતે જ તેની અસાધારણતાથી ચકિત થઈ ગયેલો

જલના અંતરે જ્યારે ઝંખના ઊર્મિની થઈ,
આમંત્ર્યો તટથી ત્યારે શુષ્ક કંકરને ત્યહીં.

જીવનમાં પ્રેમની ગતિ કેવું કેવું રૂપ લે છે, તેનું આ કોઈ અનોખું દષ્ટાંત છે. આપણે પ્રેમને તો સમાન હૃદયો, સમાનધર્મી વ્યક્તિઓ, પરસ્પરનો મેળ, સંવાદ આદિ સાથે સંકળાયેલો કલ્પીએ છીએ. પણ અહીં તો એક તદ્દન વિપરીત વસ્તુ દ્વારા આ ગતિ સિદ્ધ થાય છે, એ હકીકત ઝબ્બ દઈને પ્રગટ થઈ જાય છે. આમાં કોનું કર્તવ્ય ગણીશું ? ત્રણ લીટીની મારી જાણીતી રચના આ રહી :

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,
ને જે અસુંદર રહી તે સર્વને
મૂકું કરી સુંદર ચાહી ચાહી.

પ્રેમનો એક સનાતન પ્રશ્ન આવી રીતે ઉકેલાઈ જશે, એમ તો મને કદી કલ્પના ન હતી. એની પાછળ ચિંતન, મંથન કરતાં ઘણું નીકળે, પણ તે અત્રે જરૂરી નથી. જગતમાં આપણે સુંદર અને અસુંદરતાના જે ભેદ પાડી દીધેલા છે, એ ભેદનું અહીં કોઈ અકલિત રીતે વિસર્જન બન્યું છે. સૌંદર્યમાંથી સુંદર વસ્તુ ઉપર જ પ્રેમ થાય છે ? ના, અસુંદર ગણાતી, પ્રથમ દષ્ટિએ એવી લાગતી વસ્તુ-વ્યક્તિ, કોઈ અકલિત રીતે તે માટે પ્રેમ જન્મતાં, પછી સુંદર પણ દેખાવા લાગે છે. વસ્તુત: સ્વતંત્ર એવી વસ્તુઓ ભેગી થઈ જઈને એક સમયે બહુ જ પ્રેમમય અને સૌંદર્યમય કરી દે છે. આવી ગૂંચવણ ભરેલી વસ્તુ અહીં આમ ગોઠવાઈ ગઈ અને પછી કેટલાય વખતે એક ગીત આવ્યું, આના ઉપહાસ રૂપે જાણે – ‘સુંદર કોણ નથી ?’ પણ એ અહીં નહીં આપું. શોધ્યું, પણ જડ્યું પણ નથી. આ પ્રશ્નમાં જ ઉત્તર પણ છે ને !

હવે ખાસ તો કશી ગણતરી વિનાની, આપોઆપ આવેલી રચનાઓની થોડી નોંધ લઈ લઉં છું. એમાં આવે છે, ‘બુદ્ધનાં ચક્ષુ’. 1930ના સત્યાગ્રહના મહાન ઐતિહાસિક દિવસોમાં રાષ્ટ્રીય સૈનિક તરીકે હું ગામડાઓમાં હતો અને શૌચ માટે ખેતરોમાં ચાલ્યો ગયેલો ત્યાં થોરિયા કાંટાની વાડ પાસે હું હતો અને એના પહેલા શબ્દો આવ્યા : ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં….. અને ઘેર આવીને પછી આખું કાવ્ય તૈયાર કર્યું. એ વખતની મારી અને ઘણાની આધ્યાત્મિકતા ગાંધીજીનો આશ્રય લઈને બુદ્ધમાં સ્થિર થઈ જતી હતી. એ વ્યાપક અવસ્થા આ સર્જનની પાછળ હતી.

પહેલી ચાર લીટીઓ રચાઈ. પછી આ તો પ્રભુનો અવતાર થયો છે. પણ તેની અનન્ય વિશેષતા શી ? એના શાંત ચિંતનમાંથી આ ચાર લીટીઓ આવી :

પ્રભુ ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.

પૂર્વના અવતારોની વાત કહેવી હતી. પણ જયદેવ કવિની પેઠે દશાવતારની સ્તુતિ કરવી ન હતી. ટૂંકમાં જ કહેવું હતું. અને આ અશબ્દ પ્રાર્થના સાંભળી હોય તેમ છ અવતારો એ લીટીના દાબડામાં આવીને જાણે સમાઈ ગયા ! પોતપોતાને માટેના શબ્દો પોતે જ પસંદ કરી લીધા. આમાં હવે મારો સંસ્કૃતનો અભ્યાસ, પુરાણોનો પરિચય, નખાગ્ર, દંતાગ્ર, કોદણ્ડ (ધનુષ્ય, કામઠું), પરશુ, ચક્ર આદિ પદાવલિ, એ મારી આખીય સજ્જતાના ભંડારમાંથી હાજર થતી જરૂરી સામગ્રી : આ બધું એ તો આ અવતારોને ઊતરવા માટેની રંગપીઠ જ કહેવાય. પણ એના લયમાં જોડાક્ષરોને લીધે જે તીક્ષ્ણતા આવી છે, ‘કોદણ્ડ’માંનો લઘુ ‘ડ’ આવી તો ગયો પણ છંદ તો ત્યાં ગુરુ અક્ષર માગે છે, તો તે માટે ‘ગ્રહી’ આવ્યો, અને તેની તરત પાછળ ‘ચક્રે’ અને એના ‘ચ’માંથી જ ‘ચિત્ત’ શબ્દ આવી ગયો. આ બધું ક્ષણાર્ધમાં, સ્પિલીટ સેકન્ડમાં થઈ ગયું તે શું ? આનો જવાબ આપણને મળી શકશે ? આ કાવ્ય રચાયું, ‘કુમાર’ માં તે ઉત્તમ સુભગ રીતે, રવિભાઈએ દોરેલી બુદ્ધની છબી સાથે છપાયું. બ.ક. ઠાકોરે તેને કંઈક ઉત્તમ રીતે નવાજ્યું, એ બધું જે કહેવું હોય તે કહો, આપણા કાવ્યજગતમાં એ પરમચિતિના અવતાર જેવું જ કહેવાય ને !

આ કાવ્યથી પ્રસન્ન થઈને પછી મેં ગાંધીજી વિશે પણ આવું જ શકવર્તી બને તેવું કાવ્ય રચવાનો સંકલ્પ કર્યો, અને તે વિસાપુર જેલમાં 1932માં લખવું શરૂ કર્યું. ઘણા મોટા ગોરંભ સાથે કાવ્ય માંડેલું. પણ થોડા શ્લોકો લખીને મેં તે મૂકી દીધું. કોઈ અકલિત ધન્ય ક્ષણે મેં જોયું કે આ તો હું ‘બુદ્ધનાં ચક્ષુ’ ની નકલ કરી રહ્યો છું. આની પાછળ તો ઉત્તમ કાવ્ય રચવાની એક લાલસા, મહત્વાકાંક્ષા કામ કરે છે. અને એ તો આધ્યાત્મિક હોય જ નહિ. આમ, ઘણી વાર આવી ચડતી કાવ્યવાસનાને મેં અહીં પણ વિસર્જિત કરી.

કવિતા એની સ્વયં ગતિએ આવતી રહે છે. અને એકવાર લખવાનું શરૂ થયા પછી ચાલ્યા જ કરે. મગજ તો ચડીચૂપ હોય છે જ, એકાદ ચીજ લખાઈ જાય. પછી થાય, હવે વાત પૂરી થઈ. પાછી મનમાં એક નરી નીરવતા આવી જાય. જે લખાયું છે તેની સાથે કાંઈ અંગત સંબંધ જ ન દેખાય. પોતાની વસ્તુ જ ન હોય ને આવેલી એ રચના અંતે કોઈ શ્રમ જ ન હોય, કેમ કે મગજ કામ જ કરતું ન હોય. અને પછી એ નીરવતામાં બીજી વસ્તુ આવે, કાંઈક સ્ફુરણા થાય અને તેનો પિંડ આપોઆપ મારી અંદરની અને આસપાસની સૃષ્ટિમાંથી અને એમ કહું કે આસપાસથી પણ ઉપરની ઊર્ધ્વતામાંથી, પરસ્પરતામાંથી જેને જે આવવું હોય તે આવી જાય. જગતમાં દાખલ થવા માગતી વસ્તુ આવી જાય. એ પછી ગીત પણ હોય છે, બાળકાવ્ય પણ હોય છે, કોઈ બાંધી ગઠરિયા જેવી વજનદાર પોટલી જેવું પણ હોય છે. કહી શકાય કે, સર્જનની વસ્તુઓ હવે બૌદ્ધિક પ્રવૃત્તિનો આશ્રય લીધા વિના વધુ ને વધુ પ્રમાણમાં થવા લાગી છે. અને આમ ઉપરનાં કોઈ ગુહ્ય સ્તરોમાં તૈયાર બની બેઠેલી ચીજો નીચે સડસડાટ ઊતરી આવે છે અને પોતાની અપૂર્વતાથી સાચે જ સ્તબ્ધ કરી દે છે – તે જોઈને આનંદ અનુભવતો રહું છું.

યોગસાધનાના અનુભવ પછી મનની નીરવતા પણ વધારે સ્થાયી બને છે. અને એ નીરવ – મૌન – મનની પ્રસુપ્તિમાં કાંઈક સ્ફુરણ, ‘ભણકાર’માં આવે છે તેવું ક્યાંકથી ઊતરી આવે છે. આછું સંસ્ફુરણ, કોઈ વિષય નહિ, ઊર્મિ નહીં, અને કોઈક વસ્તુ અનેક રીતે પુષ્ટ થતી થતી સાકાર બને છે. માનસિક રીતે કલ્પેલું પરિણામ, તેના કરતાંયે અનેક ગણા અકલ્પ્ય સંભાર લઈને અંત પામે છે. આમ, એક રીતની આ અપૌરુષેયતા રહે છે. સર્જન માટેની સામગ્રીમાં અકાળે જામગરી ચંપાઈ જતી હોય, એવું લાગે છે. હવે નથી લખવું, સૂવાનો સમય થઈ ગયો, એવો માનસિક-શારીરિક અભિગમ લઈને બેસો, પણ એ બધાની ઉપરવટ થઈ કવિતા કહેશે : ‘એ બધું માર્યું ફરે, હમણાં લખી લે !’

શું કહેવું આને ? દિવ્યતા આપણા ઉપર આવી રીતે આરૂઢ થવા માગતી હોય, તો તે જાણે. આપણે વાંધો નહિ લઈએ. પણ એ આરૂઢ બનીને પછી અનારૂઢ પણ બને છે ને ! અને આપણે અ બ ક ડ થઈને રહીએ છીએ, રહેવું સ્વાભાવિક આવશ્યક બને છે. ‘મેરે પિયા’ જેવા ગીતમાં બે-ત્રણ મિનિટમાં જ આખી સૃષ્ટિ ઊતરી આવે છે, અને જગતને ઝળાંહળાં કરી દે છે, તો ‘પિયા બિન’ કેટલીયે રાતો વીતે છે ! અમાસનાં અંધારાંની ભરતીઓ ચડે છે. ‘મેરે પિયા’ના આરંભ વખતે હાથમાં માત્ર પહેલી જ લીટી હતી. અને છેલ્લી લીટી જ્યારે આવી, ત્યારે જ ખબર પડી કે આવી કોઈ સ્થિતિ હોઈ શકે છે. ભૂતકાળના જીવનમાં કે કલ્પનામાં આ વસ્તુ અનુભૂતિની સીમામાં કદી આવેલી નહીં. અર્થાત્ મન શાંત થઈ જઈને આખું being – સ્વરૂપતંત્ર એક નવી અનુભૂતિ માટે તૈયાર બને છે, ત્યારે જે અનાગત ને નિરાકાર છે, અવ્યક્ત ને પરાત્પર છે, તેને નીચે આવીને આકાર લેવા માટેની તક આપે છે અને પેલું પરાપારનું તત્વ પોતે બધું સંભાળી લે છે.

.