કવિશ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ વિશેષ – સંકલિત

[ ગુજરાતી સાહિત્યના આકાશમાં તેજસ્વી ધ્રુવ તારક સમાન કવિશ્રી ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ’ નો જન્મ તા. 22-માર્ચ-1908 ના રોજ થયો હતો. ચાલુ વર્ષને ‘કવિ શ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું છે ત્યારે  રીડગુજરાતી પર આજે તેમના સ્મરણમાં પ્રસ્તુત છે બે મનનીય લેખો ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ-2008)ના અંકમાંથી સાભાર.]

[1] અંતરને સ્પર્શતા કવિ – માધવ રામાનુજ

s1કવિશ્રી સુન્દરમનું વ્યક્તિત્વ સ્નેહ અને સાધના વચ્ચે સૌંદર્યનો મધુર સેતુ રચતું હતું. સાધના હતી સત્યની, શિવની અને શબ્દના સૌંદર્યની. એમને મન કવિતા એટલે વૈશ્વિક ચેતનામાં આનંદનો આવિર્ભાવ….. ‘કાવ્ય કે હર કોઈ સર્જન કે હર કોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો-મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે….’ કવિતા અંગેનું આ તેઓનું ચિંતન.

સુન્દરમ્ વાર્તા, વિવેચન, ‘સાવિત્રી’ના પદ્યાનુવાદ આદિ અનેક પ્રકારે ઉત્તમ સાહિત્યકૃતિઓ આપી ગયા છે તો પણ તેઓની ઓળખ મુખ્યત્વે કવિ તરીકેની રહી. તેઓની કવિતામાં સત્ય અને અહિંસાનું માધુર્ય પ્રગટ્યું. ‘બુદ્ધનાં ચક્ષુ’ અને ‘ત્રિમૂતિ’માં એ ભાવવિશ્વનું પૂર્ણપણે દર્શન થાય છે.

‘ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં…..’

નયન ઊગવાની આ ઘટનાને ‘વિશ્વે’ શબ્દ દ્વારા સમગ્ર વિશ્વની ઘટના તરીકે મૂલવી. કોઈ એક સ્થળ, પ્રદેશ કે દેશની નહિ, સમગ્ર વિશ્વની અને એ પણ સહજ રીતે…. સાદગીભર્યા આરંભથી સહજ રીતે વ્યક્ત કર્યું : ભલે ઊગ્યાં….. નયનને ‘ઊઘડ્યાં’ ન કહ્યું. ઊગ્યાં કહ્યું. ‘ઊગ્યાં’ માં અંકુરિત થયાનો ભાવ છે. ‘ઊઘડ્યાં’ નો અર્થ તો એવો થાત કે હતાં જ, પણ બંધ હતાં – મીંચેલા હતાં તે ઊઘડ્યાં…. ના, ઊગ્યાં. અંકુરિત થયાં. સરજાયાં. અને હા, ઊગ્યાં એટલે ક્યાંક – ક્યારેક એનાં બીજ પણ રોપાયાં હશે ! ‘ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં….’ ને ઊગતાંની સાથે જ શું થયું ? એમાંથી એક આછેરી કિરણકણી પ્રગટી. કરુણાનું આછેરું અજવાળું પથરાયું. વાત્સલ્યની એક સરવાણી પ્રસરી. (અહીં ‘કિરણકણી’ શબ્દ પ્રયોજાયો છે. કિરણો આમ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ સ્વરૂપે જ છે, એ હકીકત સહજ રીતે જ અહીં પ્રગટી છે.) અને જગતમાં દિવ્ય આનંદની પ્રભા ફેલાઈ ગઈ.

સુન્દરમની કેટલીક પંક્તિઓ અવિસ્મરણીય બની રહી છે. એમાંની કેટલીક આ કાવ્યમાં છે. કવિતા અને અવતાર બેઉની ભવ્યતા એમાં મહેકે છે…. બુદ્ધને આપણે અવતાર ધરીને પૃથ્વી પર પધારેલા પ્રભુ માન્યા છે. પણ એ પહેલાંના અવતારોની જેમ કોઈને મારવા શસ્ત્ર સજીને આવ્યા નથી. માત્ર ચાર પંક્તિમાં કેવી ખૂબીથી આ વાત મૂકી છે !

પ્રભો ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યા,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું વા કોદંડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

s5નૃસિંહાવતારમાં નખશસ્ત્ર હતું, વરાહ અવતારમાં દાંત, વામન અવતારમાં શબ્દને શસ્ત્ર બનાવ્યું, રામાવતારમાં ધનુષ-બાણ, ભગવાન પરશુરામ પરશુ લઈને ઘૂમી વળ્યા ને કૃષ્ણાવતારમાં શસ્ત્ર હતું ચક્ર. જ્યારે આ જન્મે ?…. નયનરસ લેઈ અવતર્યા. કોઈ શસ્ત્ર નહીં. નયનોમાં નીતરતો સ્નેહ – લઈને અવતર્યાં. આપ અવતર્યા ત્યારે પરિસ્થિતિ કેવી હતી ?

વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ

આ જ ભાવને ત્રિમૂર્તિ સૉનેટત્રયીના પહેલા સૉનેટ ‘બુદ્ધ’માં જરા જુદી રીતે મૂક્યો છે :

ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું
હતું જે સંતાપે જગત દુખિયું, કિલન્ન રડતું,
લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફ મહીં ને
વદ્યા : ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુ:ખતણી’

s4સુંદરમની સર્જનયાત્રાના આરંભની આ રચના છે. ત્યારે તેઓ ગાંધીજીના સાંનિધ્યમાં હતા. આ રચના વિષે તેઓએ લખ્યું છે : ‘…. 1934 સુધી તો મારે માટે મુક્ત જેવી પ્રવૃત્તિ હતી, સ્વરાજસંગ્રામની હવા હતી, એટલે અવકાશ ઘણો રહેતો. અને મોકળા મને લખાતું રહેતું. એટલે 1930ના ઉત્તરાર્ધથી માંડી 1932ના અંત સુધીમાં ઠીક ઠીક લખાતું રહ્યું. ‘બુદ્ધનાં ચક્ષુ’ 1930ના સપ્ટેમ્બરમાં મેં લખી મોકલેલું. અને શ્રી રવિશંકર રાવળે દોરેલા બુદ્ધના ચિત્ર સાથે એ ચિત્રની રેખાઓ ઉપર તે ‘કુમાર’ માસિકમાં છપાયું….’ બુદ્ધનું તેઓનું દર્શન કરુણા વર્ષાવતાં ચક્ષુથી આરંભાય છે. સૃષ્ટિને અપાર કરુણાથી નિહાળતાં એ નયનો… ભગવાન બુદ્ધનું કેવું ભવ્ય રૂપ એમણે પ્રગટ કરી આપ્યું !

s7અભિવ્યક્તિ દ્વારા ભવ્યતા અને તીવ્રતા સાધવામાં સુંદરમ અદ્દભુત રીતે સફળ રહે છે. એમનું એક મુક્તક જુઓ :

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી

ઝંખના અહીં કેવી ભવ્યતા પામી છે ! તરસ તો બરાબર છે. પણ એ સામાન્ય તરસ નહિ, સહારાની તરસ. ને તે પણ યુગોની ધીખેલા પ્રખર સહારાની તરસ – સહારાના એ કણેકણમાં તરસ હશે તે કેવી હશે ? એ કણેકણને જેવી પાણીની ઝંખના હોય એવી તરસથી મેં તને ઝંખી છે ! તેઓના ઉપનામને સાર્થક કરતું એક મુક્તક છે :

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની

બધાંને ગમે, સુંદર ચીજને ચાહવાનું બધાંને ગમે. સૌંદર્યનું આકર્ષણ સહુ કોઈને હોય. પણ આ વિશ્વમાં બધું સુંદર જ હોય છે એવું પણ નથી. અથવા આપણને બધું જ સુંદર લાગે એવુંય નથી. આપણી દષ્ટિએ ઘણું અસુંદર પણ હોય – હોય છે. તો એનું શું કરવું ?

ને સૃષ્ટિમાં જે કંઈ હો અસુન્દર,
મૂકું કરી સુંદર ચાહી ચાહી !

s6સુન્દરમના આ મુક્તકમાં સુંદર ઉપાય સૂચવાયો છે. – અસુંદરને ચાહી ચાહીને સુંદર કરી મૂકવાનું. સૌંદર્યને ચાહવાની ભાવનાનું આ વર્તુળ સુંદરમ કેવું દોરી ગયા છે !…. આમ, કરુણા, સ્નેહ, સૌંદર્ય આદિ ભાવને આ કવિને જાણે કે આકંઠ આત્મસાત્ કર્યા હતા. પરિણામ સ્વરૂપ આવી કાવ્યપંક્તિઓ સર્જાઈ :

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી

ગાંધીયુગના બે કવિઓનાં નામ એક સાથે લેવાય છે : ‘સુન્દરમ્ – ઉમાશંકર’. એવા કવિ ઉમાશંકર જોશીના આ સમકાલિન કવિના ચહેરા પર અને અંતરમાં પ્રસન્નતાની અખંડ આભા રહી છે. એમણે કવિતામાં ક્યારેક હસાવ્યા છે, રડાવ્યા છે, અધ્યાત્મના અતલ ઊંડાણનો સ્પર્શ કરાવ્યો છે, પણ ક્યારેય શાપ વર્ષાવ્યા નથી. ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’ – જેવા ભાવવાળી રચના સુન્દરમ્ ન આપે. સુન્દરમની રચનામાં કટાક્ષ આવે, કડવાશ નહિ. એમની કવિતામાં ઘણ ઉઠાવવાની વાત આવે છે એ પણ કેવળ વિનાશ માટે નહીં, નવસર્જનના સંદર્ભે આવે છે.

સુન્દરમ જીવનયાત્રાના અંતિમ પડાવ સુધી સતત સર્જનરત રહ્યા. તેઓના અવસાન પછી એ બધી સામગ્રીનું સંકલન કરીને વિવિધ વિભાગના વીસથીય વધુ ગ્રંથો એમનાં સુપુત્રી સુધાબહેને પ્રકાશિત કર્યાં છે. (આ ગ્રંથો ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી સંસ્થાઓ માટે નિ:શુલ્ક મળે છે.) એમાં કવિ સુન્દરમનું અનેકવિધ પ્રકારે પ્રગટ થતું ચિંતન પથરાયું છે… અલબત્ત, એમાંથી પસાર થતા પછી પણ ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ અને ‘યાત્રા’ના કવિ સુંદરમની હૃદયસ્પર્શિતા અકબંધ રહે છે.

[ બુદ્ધનાં ચક્ષુ ]

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો ! જન્મેજન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.

વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ,
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,
પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું આધારે જગત નવ ચક્ષે જગવિયું.

મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પૂર્યાં કિલ્લે મ્હેલે, રમણીભુજને પિંજર વિશે;
વિદાર્યા એ બંધો, નયન ઊઘડ્યાં ચેતનભર્યાં,
ન ઊંઘ્યાં જાગેલાં મૂરછિત દૃગોને જગવિયાં.

ફરી ખૂણેખૂણે જગત નીરખ્યું નેત્ર સદયે,
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા-વ્યાધિ-મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નીરખ્યા.

ઘૂમ્યાં શાંતિ અર્થે વનવન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઈચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં,
સર્યાં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઊઘડિયાં.

અને આત્મસ્નાને અધિક થઈને આર્દ્ર નયનો,
ખૂલ્યાં ન ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિશે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.

ઉધારી સૃષ્ટિને નયનજલથી ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં, ત્યાં બીજાં નયન જગને અંતર ખૂલ્યાં.
પછી ઝંઝાવાતો ઊમટી કદી એને મૂંઝવતાં,
તૂફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.

હવે ના મીંચાશો નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપઅંતે ઊતરી, તે
અખંડા વ્હેતી રહો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.

.

[2] રંગ રંગ વાદળિયાં – રતિલાલ નાયક

આપણે ત્યાં ‘બાલકાવ્ય એટલે કર્ણપ્રિય જોડકણું’ એવી પરિસ્થિતિ હતી. તેમાં કાવ્યતત્વની ચમકનો ઉમેરો કરી ગુણમધુર ને કર્ણમધુર બાળકવિતા અવતારવામાં સુન્દરમનો ફાળો મહત્વનો છે. ઉત્તમ બાળકવિતા એમાંની સરળ મંજુલ પદાવલિથી બાળકોનાં હૃદયને જીતી લઈ અને એમાંના ઊંડા ધ્વનિ-સામર્થ્યથી એક આગવી જ અસર પેદા કરે – આમ બંને લક્ષ્ય એકી સાથે સધાય, એવું આપણને સુન્દરમમાં જોવા મળ્યું છે.

બહેન બેઠી ગોખમાં, ચાંદો આવ્યો ચોકમાં,
બહેન લાવી પાથરણું, ચાંદો લાવ્યો ચાંદરણું.

અહીં જોઈ શકીશું કે જાણે જોડકણું જ છે, અને છતાં તેમાં કાવ્યત્વ પણ પૂરું સિદ્ધ થયું છે. આવી જ એમની બીજી રચના જોઈએ….

સૂરજ બેઠો ધરતી કાંઠે, આંબો બેઠો તળાવ કાંઠે,
કોયલ આંબે બેઠી’તી
કાચી કેરી ખાતી’તી
મીઠું ગીત ગાતી’તી

આ પણ જોડકણાં જેવી જ અને છતાં બાળકો ડોલતાં-ડોલતાં ગાય એવી મધુર ગેય રચના સિદ્ધ થઈ છે. બાળકના મનમાં થતી તરેહ તરેહની કલ્પનાને પણ એમણે વાચા આપી છે –

આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું બની જાઉં,
છાનું માનું આવી તારું દૂધ પી જાઉં.

કુતૂહલને એમણે ઘણી વાર આવી રીતે વાચા આપી છે :

હાં રે પહેલીવહેલી રે
કોઈ કહેશો કે તારલાની ટોળી રે
કોણે આકાશે રમવા મેલી રે ?
****
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં
રંગરંગવાળી આ ટીલડી કોણે જડી ?

એમના કાવ્યમાં પ્રાસાદિક લયહિલ્લોળ પણ આવે છે અને આખીયે રચના સંગીત અને નૃત્યનો પૂર્ણ અવકાશ પણ આપી રહે છે –

છુમક છુમક છુમ,
છુમક છુમક છુમ,
છ ન ન ન ન નાચો,
ત ત થૈ ત ત થૈ,
છ ન ન ન ન નાચો.

આવા જ એક નૃત્ય-અભિનયની સુંદર તાકાતવાળી નીચેની રચનાની તો અગાઉ રેકર્ડ પણ ઊતરતી હતી અને બાલમંદિરોમાં ધૂમ ખપતી હતી –

વીણ રે વીણ
ડોલર ને ચંપો
વીણ રે વીણ.

આવું જ બાલમંદિરોમાં લોકપ્રિય થયેલું બીજું કાવ્ય છે –
સોનેરી વાદળી, રૂપેરી વાદળી,
ઊતરી કે કહાન, મારે તળાવ !

અને ‘રંગ રંગ વાદળિયાં’ તો એમનું જ નહિ પણ ગુજરાતી બાળકવિતાની ધરતીના મોંઘેરા મોર સમું છે :

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
….. કે રંગ રંગ વાદળિયાં !

કુટુંબભાવનું મહત્વ બાળકના જીવનમાં સમજી એમને ‘હું તારો ભાઈ ને તું મારી બહેન’ની વાત કરી છે અને સાથે ‘તું મારો ભાઈ ને હું તારી બહેન’ ની સાથે જ રચના કરી ભાઈબહેનની બેલડીમાં બંનેને સમાન સ્થાને મૂક્યાં છે. ઊલટું, જરૂર પડી ત્યાં ભાઈ કરતાંય બહેનને વડેરું સ્થાન આપી એને માટે નીચેના જેવી કંઈ કેટલીયે ગીત-રચનાઓ ભેટ ધરી છે –

ઝાંઝર અલકમલકથી આવ્યું રે..

શ્રી અરવિંદ આશ્રમ-પૉંડિચેરીના નિવાસ દરમ્યાન, વિશેષે તો ‘બાલદક્ષિણા’ ના સંપાદનકાળમાંય એમની કવિતા તો ભાવ ને ઊર્મિની છોળો ઉડાડતી ઝમ્યા જ કરી છે. જેમ કે –

અમે છનનન રૂમઝૂમ છોકરડાં,
અમે ઘી-સાકરનાં ટોપલડાં,
………… અમે સૌને અમને મનગમતાં.

અમે વડલાડાળે હીંચકતાં,
અમે તળાવ સરવર રડવડતાં,
………….. અમે સરરર આભે સરકતાં.

અમે પુસ્તકપાને ડૂબી જતાં,
અમે ભૂ-આકાશે ચડી જતાં,
…………… અમે સૂરજસંગે વસી જતાં.

અમે આંખ મીંચી હરિને જોતાં,
અમે હોઠ બીડી ગીતો ગાતાં,
…………… અમે પ્રભુ-ચરણમાં ઢળી જતાં.

સુન્દરમની બાળકવિતા શબ્દ-લયની એવી ચિત્તહર સમૃદ્ધિ ધરાવે છે કે બાળકને એ ગૂંજતું ને ગાતું કરી દે છે. આ જ એમની બાળકવિતાનું મહત્વનું જમા પાસું છે કે તેમાં બાલગમ્ય નહિ એવા શબ્દો પણ સંગીતસભર લયાન્દોલન વડે બાળકના કંઠમાં રમતા થઈ એની દુર્બોધતાને પણ સુગમ બનાવી દે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્
નાનકડો દર્શિલ – દિવ્યાશા દોશી Next »   

18 પ્રતિભાવો : કવિશ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ વિશેષ – સંકલિત

 1. Vikram Bhatt says:

  ખુબ સરસ મ્રુગેશભાઈ,
  સુંદરમની વધુ રચનાઓનો ઇન્તજાર રહેશે.

 2. pragnaju says:

  સુંદરમને સત્ય-શિવ-સુંદર અંજલી.
  વૈશ્વિક ચેતનામાં આનંદનો આવિર્ભાવનો અણસાર કરાવવા બદલ ભૂમિપુત્રનો,ંમૃગેશનો આભાર

 3. મૃગેશભાઈ, સરસ સંકલન
  કવિ ને જીવન પર્યંત કવિ બનતા કોઈ રોકી શક્તુ નથી
  અને સુંદરમ ને તો સાહિત્ય પ્રેમીઓ સાથે બાળકો પણ સદા સર્વદા યાદ કરશે..આખરે બાળકોના મનોભાવને તેમણે જ તો શબ્દોના દેહ આપ્યા છે….

  સરસ…

 4. સત્કવિ સુન્દરમ્ ને સુંદર શબ્દાંજલિ…

 5. Ramesh Patel says:

  સહજ આંતર સ્ફૂરણાથી ઉદભવેલી મધુર કવિતાઓ સુંદરતાને વરેલી છે.સુંદર લેખ
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. ખૂબ જ સુંદર… કવિશ્રી સુન્દરમ ને માટે આનાથી વધુ સુંદર શબ્દાંજલિ તો હોઈ જ ન શકે…!!

  બંને લેખો માટે મૃગેશનો ખાસ આભાર!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.