પળે પળની કેળવણી – મૃગેશ શાહ

ઓસરીમાં બાળકો રમી રહ્યાં હતાં. પાસે બેઠેલા વડીલો રજાનો દિવસ હોવાથી હળવાશના મૂડમાં વાતોએ ચઢ્યાં હતાં. એક બાળક રમતો રમતો નજીક આવ્યો એટલે એક બહેને તેનો હાથ પકડીને લાડમાં પૂછ્યું : ‘અંકુર, તું મોટો થઈને શું બનવાનો બેટા ?’
‘ડૉક્ટર.’ બાળકને જાણે કોઈએ અગાઉથી શીખવાડી રાખ્યું હોય તેમ બોલ્યો.
‘એમ ? પછી દવાખાને જવું પડશે હોં !’ બહેને મજાકમાં કહ્યું.
વાર્તાલાપ સાંભળી બાજુમાં બેઠેલા એક બીજા બહેન બાળકને ઉદ્દેશીને બોલ્યા : ‘બેટા, માસીને કહે ને કે હજુ તો હું નાનો છું. દસમું ધોરણ, બારમું ધોરણ અને કૉલેજ કરું પછી ડૉક્ટર બનાય.’
‘ના…. ના…. મમ્મી હું તો સીધી કૉલેજ કરીને જલદી જલદી ડૉક્ટર બની જઈશ !’ બાળક સહસા બોલી ઊઠ્યો. અને તેની કાલીઘેલી વાત સાંભળી બધા વડીલો હસી પડ્યાં.

આપણને ક્યારેક બધું ઝડપથી પ્રાપ્ત કરી લેવું હોય છે. માનવીના જીવનનું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ એ તો સાચી વાત પરંતુ તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જીવનની ગતિ અને સમયમર્યાદાને સમજવી તે પણ એટલી જ આવશ્યક બાબત જણાય છે. ઘણીવાર તો લક્ષ્યને પ્રાપ્ત કરવાની કડાકૂટમાં પડવા કરતાં સહજગતિનો એક અવર્ણનીય આનંદ અનુભવાય છે. કેટલા સમયમાં, કઈ ઉંમરે, તમે કેટલું પ્રાપ્ત કરી લીધું તેનો હિસાબ માંડવા કરતાં જે પ્રાપ્ત થયેલું છે તેને પ્રતિક્ષણે તમે કેટલું માણ્યું તે વધારે અગત્યનું લાગે છે.

વ્યક્તિની ‘માણવા’ કરતાં ‘મેળવવા’ની દોડ વધતી જાય છે. મૂળમાં પ્રત્યેક વ્યક્તિ શાંતિ ઝંખે છે. તે ઈચ્છે છે કે મારું જીવન પરમ સ્વસ્થતા અને શાંતિથી આનંદમય રીતે પસાર થાય. હું મારા કુટુંબ-પરિવારને પ્રસન્નતાથી ભરી દઉં. મારાં સગાં-સ્નેહી અને સંબંધીઓ સાથે ખુશીથી સમય વ્યક્ત કરું. આકાશને આંબતા મારા દેશના પર્વતો, સાગરને મળવા પ્રચંડ વેગથી દોડતી નદીઓ, પક્ષીઓથી કૂંજતા વનપ્રદેશો અને પહેલા વરસાદની સોડમથી મહેંકી ઉઠેલા ખેતરોમાં વિહરવાની કોને ઈચ્છા ન હોય ? વ્યક્તિ પ્રકૃતિને ઝંખે છે કારણ કે તે પ્રકૃતિનું સંતાન છે. તેનું બાળપણ પ્રકૃતિના ખોળે ઉછરેલું છે. માણસનો મૂળ સ્વભાવ ‘હાશ’ નો છે પણ તે ‘ત્રાસ’ માં ફસાઈ જાય છે. વાત માત્ર પરિવારના ભરણપોષણની કે સ્થૂળ મનોરંજનની નથી. ઘણીવાર માનવી પોતાના ‘સ્વ’ ને પણ ઓળખવા ઈચ્છે છે. મનમાં એમ થઈ આવે છે કે કોઈ નદીના તીરે શાંતપ્રદેશમાં બેસીને હું પોતાની સાથે થોડો વાર્તાલાપ કરું. આખરે હું કોણ છું ? મારા જીવનનું ધ્યેય શું ? મારા જીવનની ગતિ કેવી હોવી જોઈએ ? મારું કર્તવ્ય શું છે ? મૃત્યુ એટલે શું ? – આ બધા વિચારો કોઈ તત્વજ્ઞાનીના હોય એવું જરૂરી નથી. નરીમાન પોઈન્ટની કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગના દસમે માળે બેઠેલા વ્યસ્ત કર્મચારીના મનમાં પણ આ વિચારો ક્યારેક ડોકિયું કરી જાય છે. મૂળથી તો આપણે બધા એક જ પરમતત્વના સંતાનો છીએ તેથી કોઈ મંદિરમાં બેસે કે કોઈ મૉલમાં બેસે. ફરક માત્ર બાહ્ય કર્મનો છે. આંતરિક અવસ્થા કે વૃત્તિ એક હોઈ શકે છે અથવા તો કેળવી શકાય છે.

માનવીના મનમાં આવા બધા વિચારો ચાલ્યા કરતા હોય છે. બહારનું અઢળક કર્મ અને અંતરની શાંત રહેવાની વૃત્તિ એ બંને વચ્ચે કાયમી સંઘર્ષ ચાલ્યો આવે છે. તેથી ભણેલો માણસ એમ વિચારે છે કે જો મારે શાંતિ જોઈતી હશે તો મારા જીવનમાં સ્થિરતા લાવવી પડશે અને સ્થિરતા લાવવા માટે મારે મારા યુવાનીના દિવસોમાં થોડો સંઘર્ષ કરીને મારું આર્થિક અને સામાજિક પાસું મજબૂત કરી લેવું પડશે. એકવાર હું આર્થિક રીતે સદ્ધર થઈ જાઉં એટલે જીવનમાં સ્થિરતા આવશે. આમ થતાં મને શાંતિ સહજ રીતે પ્રાપ્ત થઈ જશે – બસ, આમ વિચારીને માણસ સાવ ઊંઘું ગણિત ગણવાની શરૂઆત કરે છે ! ભલા માણસ, વૃત્તિઓને બહિર્મુખ કરીને તમે આંતરીક શાંતિની ખોજ કરો છો ? આ તે કેવું ગણિત ? એક વાર માણસ ભૌતિક પ્રવાહમાં તણાવવાનું શરૂ કરે એટલે તેમાંથી છેક નિવૃત્ત થતાં સુધી બહાર નીકળી શકતો નથી. જે શાંતિની પ્રાપ્તિ માટે માણસ મહેનત કરતો હતો, એ ખુદ અશાંતિનો શિકાર બની જાય છે. ‘સ્પર્ધા’ અને ‘દોડ’ એને ચારેબાજુથી ઘેરી વળે છે. તેને પોતાને ખુદ ખબર નથી પડતી કે તે પોતે ક્યાં જઈ રહ્યો છે. જે કિનારાની શોધમાં તે હતો, એ તો દૂર દૂર સુધી ક્યાંય નજરે પડતો નથી.

માણસ એમ માને છે કે જિંદગીના 30-40 વર્ષ એકદમ જોરદાર મહેનત કરીને ધન કમાઈ લઉં અને પછી બાકીનું જીવન સમાજસેવા, પુણ્યકર્મો, ધ્યાન, એકાંત જીવન, નામજપ અને સાધનામાં જ વીતાવીશ. શું આ શક્ય છે ? કલાકોથી તપાવેલી ઈસ્ત્રી માત્ર બે મિનિટમાં ઠંડી પડી શકે ? પૈસા કંઈ આપણે જંગલમાં જઈને કમાવવાના નથી હોતા. એ માટે અનેક વિચારો, વ્યક્તિઓ અને વહેવારના સંગમાં આવવાનું રહે છે. સંગ વ્યક્તિમાં તે પ્રકારના વિચારો નિર્માણ કરે છે. વિચાર પ્રમાણે માણસ કર્મ કરે છે, કર્મથી માણસની એ પ્રકારની વૃત્તિ કેળવાય છે. વૃત્તિથી સ્વભાવ બને છે અને છેલ્લે સ્વભાવથી માણસની પ્રકૃત્તિ બને છે. તેથી આપણે ત્યાં કહેવાયું છે કે ‘પ્રાણ અને પ્રકૃતિ મરે ત્યારે જાય.’ પ્રકૃતિ બદલવી બહુ કઠિન છે. જીવનનો મોટો ભાગ અતિસક્રિય રહેવાથી અચાનક નિષ્ક્રિય થવાનું શક્ય બની શકતું નથી. તેથી માણસ મંદિરોમાં જઈને પણ કંઈને કંઈ પ્રવૃત્તિ શોધે છે. મોટા પદથી નિવૃત્ત થયા પછી પણ કોઈ સંસ્થાના ટ્રસ્ટી બનવાની ઈચ્છા રાખે છે. કારણ કે તેને નિવૃત્તિનો અભ્યાસ જ નથી ! રાત-દિવસ ઓવરટાઈમ કરીને પૈસા કમાનાર વ્યક્તિ શું નિવૃત્ત થઈને બીજે જ દિવસે પુસ્તકો વાંચવા બેસી જશે ? એને એકદમ જ ઉપરથી તત્વજ્ઞાન ઉતરી આવશે ? રાતોરાત વૈરાગ્ય ફૂટી નીકળશે ? – આ બધી હાસ્યાસ્પદ વાતો છે. જીવનને ઊર્ધ્વગતિ આપવા માટે તેને મૂળથી કેળવવું પડે છે. બાલમંદિરથી સીધા બારમા ધોરણમાં નથી જઈ શકાતું, એની માટે વર્ષોનો અભ્યાસ જરૂરી બને છે.

ઘણા લોકોને દરેક ક્ષેત્રમાં પ્રથમ નંબરે રહેવાનો મોહ હોય છે. પરીક્ષામાં ટૉપ ટેનમાં જ નંબર આવવો જોઈએ ! કેમ્પસમાં સૌથી પહેલી જ જોબ મળવી જોઈએ ! પગાર બધા કરતા વધારે મળવો જોઈએ ! નિવૃત્તિ પછી સત્સંગમાં આપણે આગળ પડતા જ હોવા જોઈએ ! ફલાણા ફલાણા સાધુનો તો આપણે જમણો હાથ કહેવાઈએ ! – બસ, એમને દરેક ક્ષેત્રમાં ગૌરવ જ મળવું જોઈએ. એમને મોહનો ત્યાગ કરવાનો પણ મોહ જાગે છે અને અહંકાર છોડી દીધાનો પણ અહંકાર હોય છે કારણ કે આખી જિંદગીનો અભ્યાસ હોય છે ! આમાં દોષ વ્યક્તિનો નથી પરંતુ તેની વર્ષોથી અતિ સક્રિય સ્થિતિ તેને ઝડપથી શાંત નથી થવા દેતી. ભણી ગણીને માણસ સ્થિરતાથી શાંતિ તરફ જવાના જે ધ્યેયથી નિકળ્યો હોય છે એ તો તેનાથી યોજનો દૂર જતું રહ્યું હોય છે. સદભાવ, પ્રસન્નતા, ધ્યાન, સ્વસ્થ ચિત્ત, પરમાર્થના વિચારો…. એ બધુ શું બે-પાંચ વર્ષમાં કેળવી શકાય એ વાત શક્ય છે ખરી ? આચરણ અભ્યાસ માગે છે. માનવીય જીવનને ઉન્નત કરે એવા ગુણો કેળવવા એ તો કદાચ જીવનભરનો અભ્યાસ માંગી લે છે. જેને ક્ષણમાં સાક્ષાત્કાર થયો છે તેઓને પણ તેમના પૂર્વના અનેક જન્મોનો અભ્યાસ છે, જે કોઈ એક ક્ષણે માત્ર ઉદ્દઘાટિત થતા હોય છે. ભૌતિક જીવનની ડિગ્રીઓ જો વર્ષોના વર્ષો લેતી હોય તો પછી સાત્વિક જીવનની તો વાત જ શું કરવી ? છતાંય મનુષ્ય એ ભ્રમમાં રહે છે કે નિવૃત્તિ પછી જાણે તરત જ બ્રહ્મજ્ઞાની થઈ જઈશ ! ઘણાને બ્રહ્મ મેળવવાનો ભ્રમ થઈ જાય છે ! નિવૃત્તિ બાદ થોડાં પુસ્તકો વાંચે, થોડા સમારંભોમાં ભાગ લે, પોતાના નામે બે-ચાર અધ્યાત્મના પુસ્તકો છપાવે અને પછી જે દેખાય એને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરવા માંડે : ‘જીવનનો કર્મોનું બનેલું છે…. માણસે કર્મો સુધારવા જોઈએ…..’ ઓહોહો જાણે મોટા બ્રહ્મજ્ઞાની ! નોકરી કરતાં અને ટેબલ નીચેથી જે લેતા હતાં ત્યારે આ બ્રહ્મજ્ઞાન ક્યાં ગયું હતું ?…. અંતે અધ્યાત્મ પણ માણસ માટે સ્ટેટ્સ અને દેખાડો કરવાનું સાધન બની રહે છે. સરવાળે ચિત્તની પ્રસન્નતા અને મનની શાંતિને નામે સાવ શૂન્ય !

કોઈ યુવાન સત્સંગમાં જાય તો સમાજ એની સામે હસે છે અને કહે છે : ‘એ બધું તો કરવા માટે નિવૃત્ત થયા પછી જીવન પડ્યું જ છે ને ! અત્યારે બે પૈસા કમાઈ લેવાના !’ કોઈ યુવાન કોઈ કળા અને સાહિત્યમાં રસ લે તો મિત્રોમાં હાંસીને પાત્ર બને છે. કારણ કે સમાજ એક જ પ્રવાહમાં વહેવા ટેવાયેલો છે. એનાથી વિરુદ્ધ જેને જવું હોય તેને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. પણ જ્યાં પોતાના અંતરના અવાજનો આદેશ હોય ત્યાં સમાજની સલાહો ધૂળ બરાબર છે ! એ કહેવાતા સલાહકારોનું કોઈ મૂલ્ય નથી. જાગૃત વ્યક્તિઓ કદી સમાજના પ્રવાહે તણાયા નથી બલકે તેમના જીવનને જોઈને સમાજે પોતાનો પ્રવાહ બદલવો પડે છે.

જીવનને ગતિ આપવા માટે મનુષ્યે ઘણો પ્રયત્ન કરવો પડે છે. રાતોરાત કામ બની જાય એવી આ વાત નથી. ક્ષણોનો જેમ સમય બને છે તેમ નાના-નાના વિચારો વર્ષોના વર્ષો પછી આખા જીવનને ઉન્નત કરી શકે છે. ઘા રુઝાતા જેમ સમય લાગે છે તેમ આંતરિક વૃત્તિઓ ઘણો સમય માંગી લે છે. જે દિવસે આંબો વાવો એ જ દિવસે કેરી નથી આવતી. કરોળિયાની જેમ ઘણીવાર નક્કી કરેલા મૂલ્યોમાંથી પછડાવું પડે છે. સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાનો વારો આવે છે, કંઈ કેટલાય ધર્મસંકટોનો સામનો કરવો પડે છે… ત્યારે કોઈક વ્યક્તિ જીવનના સત્યને જાણી શકે છે. તુલસીદાસજી કહે છે : ‘જનમ જનમ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહિ’……. દિવસો કે વર્ષો નહીં, જન્મોજન્મના અભ્યાસ પછી પણ મુનિઓને અંત સમયે ઈશ્વર-દર્શન (અર્થાત યોગ્ય રીતે જીવવાની રીતનું દર્શન) થતું નથી. તો પછી સવારે 7 વાગે નોકરીએ જઈને રાતે 10 વાગે ઘરે આવતા બિચારા બિઝી મનુષ્યોનું શું ગજું ? પણ તોય માણસને એ ભ્રમમાં રહેવું ગમે છે કે નિવૃત્તિ પછી તો હું આખો દિવસ ભક્તિ જ કરીશ ! છેવટે થાય છે ઊલટું ! દશ વર્ષના મલ્ટિપલ વિઝા લઈને એક પગ દેશમાં અને બીજો પગ વિદેશમાં ! આમ ને આમ જીવન પૂરું.

હવે પ્રશ્ન એ થાય કે તો પછી કરવું શું ? અમારે મોબાઈલ છોડીને માળા લઈને બેસી જવાનું ? પૈસા વગર તો જાત્રાઓ પણ ના થાય ! લગ્ન કરીને કુટુંબને ખવડાવીએ શું ? આપણી આસપાસ લોકો MBA, CA કે ડૉક્ટર થઈને છ-સાત લાખના પગારના પેકેજ મેળવતા હોય તો આપણે શું એ બધું જોઈને બેસી રહેવાનું ? પડોશી વિદેશની ટૂર કરે તો આપણે બસ ખાલી એમની વાતો સાંભળ્યા કરવાની ? પૈસા વગર આજના જમાનામાં કેવી રીતે ચાલે ? મોક્ષ તો છેલ્લી વાત છે પણ જીવનમાં બે પૈસા જોઈએ એનું શું ? માણસે પોતાનું કર્મ કરવું જોઈએ એવું તો ગીતામાંય કહેલું છે તો પછી ઘરમાં બે વસ્તુ લાવવા માટે ઑવરટાઈમ કરીએ તો ખોટું શું છે ? પૈસા વગર સ્થિરતા નહીં હોય તો બેકારીમાં મનની શાંતિ કેવી રીતે આવશે ?……. આ બધા પ્રશ્નો માનવના મનને થયા કરે. ઘણીવાર મન હાલમડોલમ થાય. મતિ મૂંઝાય. ઘણીવાર એમ લાગે કે શાંતિ અને સ્થિરતા તો જોઈએ છે પણ આ રોજેરોજ ઑફિસની દોડાદોડ, કામનો થાક… એ બધું સહન નથી થતું….. આ બધું થવું માનવી માટે સ્વાભાવિક છે. બહિર્મુખ માનવીના આ બધા વિચારો છે. જેના જીવનમાં ઊંડાણ નથી અને આંતરિક સ્થિતિ શૂન્ય છે એને આવા વિચારો રોજ આવે. ઉત્તમ મેળવવું હોય અને પાસેનું છોડાય નહિ – એવી હાલત થાય. પરિણામે માણસ અસમંજસતામાં મૂકાય. એમાં જો ઘરનો કોઈ વ્યક્તિ એમ કહે કે : ‘તમે તો અમને ફલાણી ફલાણી વસ્તુ અપાવી ના શક્યા’… ત્યારે માણસની કમાન છટકે ! મનમાં એમ થાય કે આખી જિંદગી બધાના ઢસરડા કર્યા તોય કોઈએ જશ ના આપ્યો ! છેવટે હારેલો થાકેલો માનવી અધ્યાત્મિકતાની ખોજમાં નીકળી પડે ! આ આધ્યાત્મિક ક્ષેત્રમાં ભીડ બહુ દેખાય એ કાદાચ આવી રીતે જ આવતી હશે !?!

ઉપાય છે. ઉપરની તમામ પરિસ્થિતિમાંથી સરળ રીતે નીકળી શકાય એવો એક સુંદર ઉપાય છે. એને ભગવદ ગીતાએ ‘યોગ કર્મશુ કૌશલમ્’ કુશળતાપૂર્વક કર્મ કરવાની વાત કહી છે. વિનોબાજીએ વ્યાખ્યા કરતાં ત્રણ શબ્દોની વાત કહી છે જે વર્તમાન સંદર્ભમાં વિચારવા જેવી છે :

(1) કર્મ : કર્મ એટલે આપણું રોજનું કામ. જે આપણો વ્યવસાય હોય તે. આપણા ઘરની જરૂરિયાત મુજબ આવક પ્રાપ્ત કરવી તે. કોઈ શાસ્ત્રએ કર્મ કરવાની ના નથી કહી. કર્મ કર્યા વગર તો કોઈ માણસ કદી રહી શકે જ નહિ. તેનું બેસી રહેવું એ પણ એક કર્મ છે. કર્મ છોડવાની તો વાત જ નથી. ઉપરથી વેદોએ તો કહ્યું છે કે માણસે પુષ્કળ ધન કમાવવું જોઈએ. સાથે સાથે એ વાત પણ કરી છે કે એને ચાર હાથે વહેંચવું જોઈએ. ડૉક્ટર દર્દીને તપાસે, વકીલ કેસ લડે, પ્રોગ્રામર સોફ્ટવેર બનાવે, એન્જિનિયર મકાનો ઉભા કરે, ટેક્ષ કન્સલટન્ટ આવકવેરાનું કામ કરે, મેનેજમેન્ટ કન્સલટન્ટ એનું કામ કરે, સેલ્સમેન પોતાની પોડક્ટ વેચે….. આ બધા જ બાહ્યકર્મો નીતિથી અને જે પ્રમાણે થવા જોઈએ, તે રીતે જ થવા જોઈએ. એમ કરતાં એ કર્મ તમને ખેંચી જતું નથી. જેમ કે ડૉક્ટર દર્દીને તપાસે અને તે સારો થાય એવી ભાવના રાખે, તેનો જલ્દીથી ઉપચાર કરે તો એ કર્મ એને સ્વાભાવિક રીતે જ સ્વસ્થ રાખે છે. પણ જો એ એવો વિચાર કરે કે ફલાણી દવાની હજી બીજી દસ ગોળી વધારે લખું તો સિંગાપૂરની બે ટિકિટો મળી જાય, તો એ એનું કર્મ એને બાંધી દે છે. એના ચિત્તની સહજ સ્વસ્થતા ખંડિત થાય છે. પરિણામે એ બધા કર્મો ‘ભોગવવાના કર્મો’ બને છે. શરૂઆતમાં એ બહુ સારા લાગે છે, પણ અંત દુ:ખદાયી નીવડે છે. કારણ કે પ્રકૃતિનો કાયદો કોઈને છોડતો નથી. ખોટી રીતે થયેલા કર્મો માણસને ભૌતિકતાના પ્રવાહમાં ખેંચી જાય છે. ઊંઘ હરામ કરી નાખે છે. રાત દિવસ વ્યક્તિને કોઈને કોઈનો ડર સતાવે છે. જેમ ઈન્દ્રને પોતાનું ઈન્દ્રાસન જવાનો ડર સતત રહે છે એમ પદ-પ્રતિષ્ઠાને વળગેલાને પોતાનું પદ તો જતું નહીં રહે ને ? એનો ડર સતત રહે છે. રોગ તો નહીં થાય ને ? ઘર તો નહીં લૂંટાઈ જાય ને ? આવો ડર સતત રહ્યા કરે છે. માણસનું પતન એટલે કોઈ બે-ચાર લાખનું નુક્શાન થાય એમ નહિ, પરંતુ આ મન અને ચિત્તની ખેંચમતાણી થાય અને સનેપાતના રોગની જેમ માણસ ડર્યો ડર્યો ફર્યા કરે એ બહુ મોટું પતન છે. કર્મ ને છોડવાનું નથી પણ તેને સાચી રીતે કરવાનું છે. સમાજની માત્ર સમાજસેવકો સેવા કરે છે એવું નથી. સાચો વિજ્ઞાની, સાચો ખેડૂત, સાચો મેનેજર, સાચો સેલ્સમેન, સાચો કડિયો, સાચો મિસ્ત્રી, સાચો હરિજન, સાચો એન્જિનિયર… બધા જ આ સૃષ્ટિને સુંદર બનાવે છે જો એમનું કર્મ સ્વાર્થમુક્ત હોય તો. તમને યોગ્ય પગાર મળે છે પછી તો તમે તે કર્મ સારી રીતે કરો. એમાંથી ખોટા સ્વલાભની આશા શું કામ રાખો છો ? યોગ્ય રીતે પૈસા કમાવવા એ પણ યજ્ઞ બની જાય જો આપણે તેને સાચી રીતે કરતા શીખીએ તો.

યોગ્ય રીતે કર્મ કરવાની રીત કર્મની વાસના છોડાવે છે. તીવ્ર અને આંધળી દોડમાંથી વ્યક્તિ બચી શકે છે. કેટલાક લોકો તો પાંચ આંકડાનો પગાર મેળવતા હોય છતાં પણ અનેક બ્લોગ ખોલતા હોય છે. શા માટે ? જ્ઞાનના સંવર્ધન માટે ? ના…. ના…. ‘ગુગલ એડસેન્સ’ પર કલીક કરવા માટે. એનાથી વધારાની આવક થાય ને ! પોતે જ કલીક કરવાનું અને પોતે જ પૈસા મેળવવાના ! મિત્રો સાથે નવરાશમાં બેસી બસ આ જ કામ. કેવી આપણી વૃત્તિ ? જરા જુઓ તો ખરા. દેખાદેખી બસ આપણે તણાતા જ જઈએ છીએ. સંતાનો પાસે થી સંસ્કાર અને સદાચારની અપેક્ષા રાખીએ છીએ પણ ‘સ્વ’ તરફ કદી ધ્યાન કર્યું છે ખરું ?

(2) વિકર્મ : વિકર્મ એટલે વિશિષ્ટ કર્મ. અર્થાત્ સૂક્ષ્મ કર્મ. જે નજરે દેખાતું નથી એવું કર્મ. બીજા શબ્દોમાં આંતરિક કર્મ. તમે કહેશો કે એ વળી કેવું કર્મ ? વિકર્મ ખૂબ જ અગત્યનું છે. બાહ્ય કર્મ કરતાં કરતાં આંતરિક અભ્યાસ કેળવવાની રીત એટલે વિકર્મ. બહાર હાથ પુસ્તકોને ગોઠવવાનું બાહ્ય કર્મ કરતો હોય, પણ અંદર હૃદય હરિનામનો જાપ કરતું હોય તો તે થયું વિકર્મ. એ અભ્યાસથી કેળવી શકાય છે. તમને લાગશે કે એ તો બહુ મોટી અને અઘરી વાત છે ! પણ ના, જરાય અઘરું નથી. મજૂરથી લઈને મલ્ટિનેશનલમાં કામ કરનારા બધા જ લોકો આ કરી શકે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ : તમે જ્યારે પહેલી વાર કાર કે બાઈક લઈને નીકળો છો ત્યારે વારેઘડીયે નજર ‘ગિયર’ પર જતી રહે. ઘણી વાર ઊંઘો ગિયર પડી જાય. બીજો ગિયર હશે કે ત્રીજો ગિયર એ યાદ નથી રહેતું. ગિયરનો નંબર જોવા જતાં અકસ્માત થવાનો ડર રહે છે. શરૂઆતમાં તો એમ થાય છે કે ધ્યાન કઈ બાજુ રાખવું ? બ્રેક યાદ રાખું કે કલ્ચ દબાવું, ગિયર જોઉં કે સામે આવતા વાહનને જોઉં ? પણ આ બધું થોડા સમય માટે…. થોડોક અભ્યાસ થઈ જાય પછી તમે કાર ચલાવતા બાજુવાળા સાથે વાત પણ કરી શકો, ટેપ પણ સાંભળી શકો, સામે સીગ્નલ પણ જોઈ શકો અને સાથે સાથે કલ્ચ, બ્રેક પર પગ રાખી શકો. જેને કાર ન આવડતી હોય તેને આશ્ચર્ય થાય કે આ ભાઈ આટલું બધું એક સાથે કેવી રીતે ધ્યાન રાખતા હશે ? સાચે એ તો કોઈ મહાન માણસ હશે ! પણ આપણે જાણીએ છીએ કે એમાં મહાન-બહાનની કોઈ વાત નથી. થોડો અભ્યાસ થઈ જાય એટલે કોઈ પણ એ શીખી શકે છે. કાર ચલાવતાં ચલાવતાં ‘આજે કઈ મિટિંગો એટેન્ડ કરવાની છે…’ એનું મનમાં લીસ્ટ બનાવી શકે છે. બસ, આ જ વિકર્મ ! વિકર્મ એટલે મનથી થતું આંતરિક કર્મ. તમે ભલે બેંક માં હોવ અથવા મલ્ટિનેશનલમાં. થોડો અભ્યાસ કરો તો સારા વિચારો, મનમાં હરિનામ સ્મરણ વગેરે તમે કેળવી જ શકો છો. એમાં કંઈ બહુ મોટી ધાડ નથી મારવાની ! શરૂઆતમાં અઘરું લાગે પણ પછી એનો અભ્યાસ થયા પછી એ કાર્ય સરળતાથી થઈ શકે છે. બેંકનો કેશિયર નોટો ગણતાં ગણતાં પણ બાજુવાળા સાથે વાત કરી શકે છે. વિકર્મ એ મનુષ્યની જબરજસ્ત શક્તિ છે. પ્રાણીઓમાં એ શક્તિ નથી. ગધેડું ઊભું હોય તો એ કંઈ ઊભું ઊભું વિચારતું નથી કે આજના દિવસમાં મેં શું શું કર્યું ? માણસ વિચારી શકે છે. ભરચક ટ્રેનની ભીડમાં ઊભેલા માણસે પોતાના મનની સ્થિરતા કેળવી હોય તો એક કાવ્યની પંક્તિ ગુનગુનાવી શકે છે. આ કોઈ ચમત્કાર નથી, આ સહજ છે. અને આવો વર્ષોનો અભ્યાસ તમને છેવટે અધ્યાત્મ તરફ વાળે છે. ભલે રોજ કોઈ આખા પુસ્તકો ન વાંચે પણ એકાદ લેખનું વાંચન તેના ‘વાંચનરસ’ના સાતત્યને બરાબર જાળવી રાખે છે. વિકર્મથી વ્યક્તિ પોતાના મૂળ સાથે જોડાયેલો રહે છે. વ્યક્તિ ભલે કૂવા, વાવ, તળાવ કે મહેલો ન બંધાવે પણ પોતાના પગારમાંથી કંઈક થોડુંક આપવાની વૃત્તિ કેળવવાનો અભ્યાસ કરતો રહે તો છેવટે પોતાની દાનની વૃત્તિને જાગૃત તો રાખી શકે છે. આ ખૂબ લાંબા ગાળાનો અભ્યાસ એ વિકર્મ છે. કર્મ ની સાથે સતત સમાંતર ચાલે છે. બહારથી જોનારને એમ લાગે છે કે આ તો ટાઈપિંગ કરે છે પણ એનું અંતરમન તો હરિનામ સ્મરણ કરતું હોય છે. અંતરમન સાથે અનુસંધાન રાખીને બર્હિકર્મ કરવાની આ કૂંચી છે. કામ ભલે ગમે તે અને ગમે તેટલા કલાક કરો પણ પોતાના ‘સ્વ’ સાથે સતત વાત થતી રહેવી જોઈએ. આ બાબત અભ્યાસ માગે છે. એક જ દિવસમાં કાર શીખી શકાતી નથી. વિકર્મ કરનારનું કર્મ દોષયુક્ત હોય તો પણ પવિત્ર બને છે.

(3) અકર્મ : અકર્મ એટલે કામ નહીં કરવું એમ નહીં. પરંતુ કર્મ કરતાં કરતાં વિકર્મનું અનુસંધાન રાખીને કર્મથી રહિત થઈ જવું તે ! કર્મના ફળથી રહિત થઈ જવું. અથવા તો સહજ કર્મ કરતાં થઈ જવું. બાથરૂમમાં સ્નાન કરતાં કોઈ ગીત ગણગણે તો એને કંઈ આશા નથી હોતી કે મારા ગીતના લોકો વખાણ કરે અને વાહ વાહ થાય ! આ કર્મ ફળથી રહિત થવાની ક્રિયા એ જ અકર્મ. પોતાનો સ્વધર્મ નિભાવતાં-નિભાવતાં વિકર્મનું અનુસંધાન રાખીને આસપાસ થતાં કર્મોથી પર થઈ જવું. જેમ શ્વાસ સહજ રીતે ચાલે છે તેમ ! શ્વાસ લેવા માટે કોઈ સંકલ્પો નથી કરવા પડતાં. આવું કર્મ આપણને બાંધતું નથી. વ્યક્તિનો કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે અને તેને અંદરથી તેમ સમજાય છે કે હું તો નિમિત્ત થઈને આ કાર્ય કરું છું. અસ્તિત્વની સાથે જોડાવાથી ખ્યાલ આવે છે કે આપણે તો માત્ર તેની કઠપૂતળી છીએ. સોફટવેર એન્જિનિયર પણ એ અનુભૂતિ કરી શકે કે મારું જીવન પણ કોઈ વિરાટ અસ્તિત્વમાં એક નાનકડું કાર્ય કરવા માટે થયો છે. અકર્મથી માણસ કર્મની ખરી કુશળતાને પ્રાપ્ત કરે. તેને માટે બાહ્યકર્મ ‘ન બરાબર’ થઈ જાય. એને બેંકનું કામ આપો કે પોલીસચોકીનું કામ આપો ! એના મન પર કોઈ છાપ જ અંકિત ન થાય કારણ કે આંતરિક અનુસંધાનથી એ તો કોઈ બીજી જ સૃષ્ટિમાં વિહાર કરી રહ્યો છે. વિમાન આકાશમાં ગતિ કરે પછી એને ધરતીના પર્વતો નડતા નથી. ફોન પર વાતો કરતાં પાસે પડેલા કાગળ પર ક્યારેક કારણ વગર ચિત્રો દોરતાં હોઈએ છીએ. ઘણી વાર તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણે આમ કરી રહ્યા છીએ !

વિનોબાજીએ ‘ગીતાપ્રવચનો’ માં કહ્યું છે કે કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે. અર્થાત કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી. મા દીકરાને મારે છે પણ જો તમે મારો તો ? તમારું મારવું છોકરો સહન નહીં કરે. મા મારશે તોયે તે તેના પાલવમાં માથું મારતો જશે. એનું કારણ છે કે માના એ બાહ્ય કર્મમાં ચિત્તની શુદ્ધિ છે. તેનું મારવું નિષ્કામ છે. એ કર્મમાં સ્વાર્થ નથી. વિકર્મને લીધે, મનની શુદ્ધિને લીધે, કર્મનું કર્મપણું ઊડી જાય છે. ચિત્તની શુદ્ધિથી કરેલું કર્મ નિર્લેપ હોય છે. તેનું પાપ કે પુણ્ય કંઈ બાકી રહી જતું નથી.

આ ત્રણના અભ્યાસથી માણસ ભીડમાં પણ પોતાનું એકાંત અનુસંધાન સાચવી શકે છે. માનવીના જીવનની તમામ દોડનો આ સૌથી સરળ ઉકેલ છે. જે કરતા હોય તે કર્યા કરો પરંતુ અંદરથી મસ્ત બનો ! તમારી અંદર કોઈને પ્રવેશવા ન દો. આંતરિક સ્થિતિ કેળવવી આપણા હાથમાં છે. અને હા, તેને કેળવવી પડે છે. રાતો રાત દાઢી લાંબી નથી થતી જતી. સૃષ્ટિમાં અભ્યાસ વિના કંઈ થતું નથી. ખૂબ લાંબા સમય સુધી ચિત્તવૃત્તિને યોગ્ય વાતાવરણનો સંગ આપવો પડે છે. એક જ ધડાકે રાગદ્વેષ છૂટી જાય, સ્વાર્થીમાંથી પરમાર્થી બની જઈએ, સંસારીમાંથી સંન્યાસી થઈ જઈએ…. એવું કંઈ થવાનું નથી. માટે એવા કોઈ ખોટા ભ્રમમાં રહેવું નહીં. નિવૃત્તિ પછી કોઈ મહાપુરુષનું સાનિધ્ય માણીએ તે સારી વાત છે એનાથી માર્ગદર્શન જરૂર મળે છે પણ તેમ છતાં પોતાની કેળવણી તો પોતે જ કરવી પડે છે. ગીતામાં ભગવાન અર્જુનને સ્પષ્ટ કહી દે છે : ‘તારા આત્માનો ઉદ્ધાર તારે જાતે જ કરવો પડશે’.

‘બડેભાગ માનુષ તન પાવા’ એમ તુલસીદાસજી કહે છે ત્યારે આપણે મનુષ્યના જીવનનું મહત્વ સમજીને વિકર્મથી આપણી આંતરિક ચેતનાનો વિકાસ કરવો રહ્યો. ‘જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એકટિવ રહો’ એવી ભ્રામક માન્યતા છોડીને થોડું આપણા આંતરિક એકાંતનું પણ દર્શન આપણે કરવું રહ્યું. બહારની પ્રવૃત્તિ જરૂરી છે પણ ક્યાં સુધી ? જેટલું જરૂરી છે તેટલું આંતરિક પ્રસન્નતા સાથે અવશ્ય કરવું પણ તેના પ્રવાહમાં દેખાદેખી તણાઈ જવું ઠીક નથી લાગતું. આપણા રોજેરોજના કામ સાથે ચિત્તની પ્રસન્નતા, મનની શાંતિ અને વિચારોની ઉન્નતિ એ જ જીવનની સાચી પ્રગતિ છે. એને જ ખરા અર્થમાં જીવ્યા કહેવાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હુકમના પાનાં – ડૉ. શરદ ઠાકર
ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત – ગોવિંદ પી. શાહ Next »   

24 પ્રતિભાવો : પળે પળની કેળવણી – મૃગેશ શાહ

 1. Rajan says:

  બહૂ સાચિ વાત કહિ રમ્રુગેશ ભાઈ. નાનિ ઉમરે તમે એકદમ પિઢ લેખ લખો ચો. આભાર.

 2. મૃગેશભાઈ, તમારા લેખોમાં હવે તમારી મેચ્યોરીટી ઝળકે છે.
  અપેક્ષાઓનો ભાર માત્ર બાળકો પર જ નથી હોતો, મોટેરાઓ પર પણ હોય છે, લાલસા કે ચાહતનો કોઈ અંત નથી. નાના બાળકને કાલી ધેલી ભાષામાં બોલતો સાંભળીએ ત્યારે ભાગ્યે જ વિચારીએ છીએ કે હવે તે પણ રેસનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. હું મારી એક વર્ષની પુત્રી ને જોઊં છું તો વિચારું છું કે આને પણ એમજ “ડોક્ટર” કે “ઈન્જીનીયર” બનવાના ભાર આપું કે પછી એને એની મેળે વિકસવા દઊં. પણ ત્રાનવાનું આપણા વાળુ અપેક્ષાઓનું પલ્લુ સદા નમેલું જ રહે છે.

  સરસ લેખ….Keep It Up.

 3. JITENDRA says:

  THIS IS VERY GOOD THROUHT
  PLEASE GOOD TOPIC SEND ME MAIL

 4. Paresh says:

  ખુબ જ સુંદર વિચારો. એકદમ લોજીકલી અને સામાન્ય માનવીના મનમાં આવતાં વિચારોને શબ્દ રૂપ આપેલ છે. “મોહનો ત્યાગ કરવાનો પણ મોહ જાગે છે અને અહંકાર છોડી દીધાનો પણ અહંકાર હોય છે…” અતિ સુંદર

 5. BHINASH says:

  good…………..

 6. Vikram Bhatt says:

  Thought provoking matter……

 7. bhaumik trivedi says:

  great thoughts..make one think is he or she is doing the right? once again good article ..and topic..

 8. તમે તો યાર ફિલોસોફર બની ગયા 😉 (હજી વાર છે, મેરેજ તો થવા દો..)

  વેલ, આપણા દેશની આ જ રામાયણ છે. ચારે તરફથી અપેક્ષાઓનું પોટલું આપણાં પર આવે છે અને આપણે આપણાં સંતાનો પર નાખીએ છીએ..

 9. sunil shah says:

  સુંદર..ચીંતનાત્મક, પ્રેરણાદાયી લેખ.

 10. Mamta says:

  very good article, please keep writing.

 11. Moxesh Shah says:

  Mrugeshbhai,
  Any human being like or love the Story, Article or Movie, when he/she fill that it is exactly matching his/her life and written looking at him/her only. When a person finds him/her as a Hero/heroin of that story/movie, it touches very deeply to his/her heart and becomes his/her favourite.

  I think, your this article has conquered the heart of the mass and will remain unforgottable.

  Moxesh.

 12. pragnaju says:

  ખૂબ તર્કશુધ્ધ અને સુંદર વિચારો જેવાકે,”માના એ બાહ્ય કર્મમાં ચિત્તની શુદ્ધિ છે. તેનું મારવું નિષ્કામ છે. એ કર્મમાં સ્વાર્થ નથી. વિકર્મને લીધે, મનની શુદ્ધિને લીધે, કર્મનું કર્મપણું ઊડી જાય છે. ચિત્તની શુદ્ધિથી કરેલું કર્મ નિર્લેપ હોય”
  સરળ રીતે રજુ કરવા બદલ ધન્યવાદ

 13. Arjun says:

  This is good post… but its just a manipulated version “Bhagvad Gita”‘s thought about life…I dont think any of the thought here is author’s original thinking…

 14. કલ્પેશ says:

  અર્જુન,

  લેખક આ વાક્યમા કહે છે “વિનોબાજીએ ‘ગીતાપ્રવચનો’ માં કહ્યું છે”
  અને, ગીતા પર થોડુ મનોમંથન કરીએ અને આપણી જાતને તપાસીએ (કે આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ) તો આવા જ વિચારો આવશે.

  અને “ઑરિજિનલ થિંકીંગ” એટલે શુ?
  આપણા પોતાના વિચારોમા કેટલુ “ઑરિજિનલ” હોય છે?

 15. shivani bhatt says:

  realy nice thoughts,one should always follow such thoughts in life,that will creat a healthy society for man to live in.

 16. amit sheth says:

  thanks for launching such a good site.

 17. Darshana says:

  ન કહ્યા માં જ સાર છે.
  Thank you Mrugeshbhai, for ” readgujarati.co “.
  Darshana Mehta

 18. nayan panchal says:

  ખૂબ ખૂબ સરસ.

  આટલો સુંદર, તત્વજ્ઞાન સમજાવતો લેખ લખવા બદલ હાર્દિક અભિનંદન.

  નયન

 19. Jignesh Mistry says:

  Nice Article Mrugeshbhai! It left me thinking…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.