ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત – ગોવિંદ પી. શાહ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 2692 231157 અથવા sgp43@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.]

સને 1948-49ના સમય દરમ્યાન આખા ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા આંખના ડૉક્ટર-સર્જનો હતા. આમાંથી ફકત ચાર જેટલા અમદાવાદમાં અને આમાંના એક તે ડૉ. રમણીકભાઈ દોશી. ડૉ. દોશીએ આ સમય દરમ્યાન અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં નવી નવી પ્રૅક્ટિસ ભાડાના મકાનમાં શરૂ કરેલ.

આ સમયે ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ ગાંધીજીના સૂચન અનુસાર ગામેગામ વિચરણ કરી લોકસેવા અને પછાતવર્ગની જાગૃતિનું કામ કરતા હતા. બનાસકાંઠા વિસ્તારમાં વિચરણ કરતાં મહારાજને ત્યાં અત્યંત ગરીબાઈનાં દર્શન થયાં. ચારે બાજુ પાણીની સખત તકલીફ. લોકો દૂર દૂરથી સુકાઈ ગયેલ નદીની પાસે ખાડા ખોદીને તેમાંથી પાણી ઉલેચી લાવે અને તે પીવાના તથા ખાવાના કામમાં ઉપયોગ કરે. પાણી પણ ખૂબ જ દૂષિત થયેલું હોય અને જ્યાં પીવાનું પાણી ના હોય ત્યાં નાવા-ધોવાની વાત જ કેવી ? અધૂરામાં પૂરું ગરીબાઈને કારણે લોકોની પાસે પૂરતું ખાવાનું પણ ન મળે અને જે મળે તે પોષણયુક્ત પણ નહીં. આથી પ્રજાનો મોટો ભાગ ઘણા રોગોથી પીડાતો. મહારાજે જોયું કે પ્રદૂષિત પાણીથી અને અપોષક ખોરાકથી આંખના અને અંધાપાના દર્દીઓ મોટા પ્રમાણમાં હતા, આ ગરીબ લોકો પાસે અમદાવાદ સુધી જવાના કે સારવાર કરાવવાના પૂરતા પૈસા નહીં અને લોકો કમોતે મરતા. મહારાજને આ જોઈ ખૂબ દુ:ખ થયું.

50-60 વર્ષ પહેલાંની આ સ્થિતિ નક્કર વાસ્તવિકતા હતી જે અત્યારે કોઈના માનવામાં ન આવે. મહારાજે મહેસાણામાં સેવાભાવથી સારવારનું કામ થતું જોયેલ તેથી જો સેવાયજ્ઞ – એક કૅમ્પ ઊભો કરીને ડૉક્ટરની મદદથી જો મોટા પાયે આંખના દરદીઓની સારવાર થાય તો ઘણા લોકોના જીવનમાં નવી રોશની લાવી શકાય એમ તેમને લાગ્યું. આ સમયમાં ડૉ. દોશીને ઘણી વાર અમદાવાદમાં પૂ. મહારાજને મળવાનું થતું. તેમણે ડૉ. દોશીને બનાસકાંઠાની આ ગંભીર સ્થિતિની વાત કરી, અને મહારાજે ડૉ. દોશીને તેમની સાથે રાધનપુર બનાસકાંઠા આવવા જણાવ્યું. મહારાજ અને ડૉ. દોશી બન્ને બસમાં સાથે રાધનપુર ગયા અને ત્યાં બે-ત્રણ દિવસ રોકાઈને સઘળી પરિસ્થિતિનો જાત-અભ્યાસ કર્યો.

ડૉ. દોશીએ પોતાની ચાલતી નવી પ્રૅક્ટિસમાં સમય કાઢી આંખના દરદીઓની તપાસ અને સારવાર કરવા મહારાજની સાથે રાધનપુર આવવા સંમતિ આપી. પરંતુ પ્રશ્નો મોટા હતા. ડૉક્ટર અને રવિશંકર મહારાજ બન્ને અકિંચન હતા. અહીં ફક્ત એક ડૉક્ટરથી કામ ચાલી શકે તેમ નહોતું. હજુ સુધી કોઈ જગ્યાએ અંધાપા નિવારણનો નિદાન-સારવાર કૅમ્પ થયેલ નહોતો. એકલા હાથે કામ કરવાનું, કોઈ કાર્યકર-સ્વયંસેવક નહીં કોઈ સેવાભાવી સંસ્થા નહીં કે જેની મદદ લઈ શકાય. આ કૅમ્પ કેટલા દિવસ ચલાવવો પડે તેનો પણ કંઈ અંદાજ નહીં. અને રહેવા-જમવા-નાહવા-ધોવાની ખાસ વ્યવસ્થા આ પછાત વિસ્તારમાં નહીં હોવાથી કોઈ સાથે આવવા પણ તૈયાર ન થાય. આમ છતાં ડૉ. દોશીએ મહારાજને કહ્યું કે, હું મારા સાથી ડૉક્ટરને લઈ આવીશ અને અમે ઑપરેશન માટે જરૂરી સાધનો પણ લઈ આવીશું. તમે અમને ઑપરેશનને લગતી જરૂરી દવાઓ અને દરદીઓને જમવાની વ્યવસ્થા કરી આપો. મહારાજને આંખના બધા રોગો બાબત તેમજ તેની દવા વિષે બહુ ખબર નહીં તેથી તેમણે ડૉ. દોશીને જણાવ્યું કે આપણે આ સેવાયજ્ઞ તો કરવો જ રહ્યો. તમે જે દવાના વેપારીઓને જાણતા હોય તેમને મળો અને છ મહિનાની અંદર બધા પૈસા ચૂકવી દઈશું તેવી શરતે દવાઓ લઈ આવો.

રવિશંકર મહારાજના સૂચન મુજબ ડૉ. દોશી અમદાવાદમાં પાનાકોરનાકાના ચાર-પાંચ દવાના વેપારીઓને મળ્યા અને તેમને મહારાજની વાત કરી; પરંતુ છ મહિનાની ઉધારીમાં કોઈ ડૉ. દોશીને દવા આપવા તૈયાર થાય નહીં, ડૉ. દોશી પણ અમદાવાદમાં નવા હતા. છેવટે એક વેપારીના દિલમાં રામ વસ્યા અને તેને ડૉ. દોશીની વાતમાં વિશ્વાસ બેઠો. તેણે કહ્યું જે જે દવાઓની જરૂર હોય તે બધી લઈ જાવ અને પૈસા છ મહિના પછી આપજો. અને જો નહીં અપાય તો પણ કંઈ વાંધો નહીં. આમ, દવા અને ડૉક્ટરની વ્યવસ્થા થઈ પણ હજુ ઘણી મુશ્કેલીઓ હતી. દર્દીઓને તપાસવા કે ઑપરેશન કરવા રાધનપુરમાં કોઈ યોગ્ય સ્થળ ન હોતું. દર્દીઓને સુવાડવા માટે નહીં કોઈ પલંગ કે ગાદલાં, નહીં કોઈ ટેબલ કે ખુરશીઓ, નહીં કોઈ સેવાભાવી ડૉક્ટર કે નહીં દર્દી અને તેમની સાથેનાઓ માટે કોઈ ભોજનની સગવડ. છેવટે રાધનપુરના નાના સરકારી દવાખાનામાં કૅમ્પ કરવાની મંજૂરી મહારાજે સરકાર પાસેથી મેળવી. ત્યાં કૅમ્પ કરવો અને તંબૂ બાંધીને દર્દીઓને તેમાં રાખવા અને ઘરે ઘરેથી કાથીવાળા ખાટલા અને ગોદડીઓ ઉઘરાવી લાવી કામ ચલાવવું એમ નક્કી થયું.

અનાજની વ્યવસ્થા માટે મહારાજ અને ડૉક્ટર બાજુના સમી ગામમાં અનાજના એક મોટા વેપારી રહે તેની પાસે ગયા. નેત્રયજ્ઞ કરીએ છીએ અને તે માટે અનાજ આપવાની વિનંતી કરી. શેઠ સમજ્યા કે મહારાજને યજ્ઞ-હવન કરવો છે અને તે માટે અનાજ માગે છે તેથી શેઠે ઘસીને ના પાડી દીધી કે લોકો એક બાજુ ભૂખે મરે છે અને તમારે હવનમાં અનાજ બગાડવું છે. પછી ડોક્ટરે શાંતિથી સમજણ પાડી કે આ અનાજ તો દર્દીઓને ખવડાવવા માટે માંગીએ છીએ, ત્યારે શેઠે તુરત સઘળું અનાજ આપવાનું માથે લીધું.

આમ બધી મુશ્કેલીઓ વચ્ચે નેત્રયજ્ઞની શરૂઆત થઈ. ડૉ. દોશી સાથે બીજા ત્રણ આંખના સર્જનો – ડૉ. દૂધિયા, ડૉ. હીરાભાઈ પટેલ અને ડૉ. ગાંધી પોતાની ચાલુ પ્રેક્ટિસ છોડીને અમદાવાદથી સેવા માટે પોતાનાં સાધનો લઈને આવી ગયા. રાધનપુર અને આજુબાજુનાં ગામોમાં લોકોનો ઉત્સાહ અનેરો હતો. આવો કૅમ્પ પહેલાં કોઈએ જોયેલો નહીં. દવા-સારવાર-રહેવાનું ખાવાનું મફત જોઈ ગરીબ લોકોને નવાઈ લાગતી. ગામમાંથી વીસ જેટલા સ્વયંસેવકો, બે-ત્રણ સ્થાનિક ડૉક્ટરો અને કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહથી આ સેવાયજ્ઞમાં જોડાઈ ગયા. આ કૅમ્પ 1 મહિનાથી વધુ સમય ચાલ્યો. અંદાજે બે હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો અને પાંચસોથી પણ વધુ આંખનાં ઑપરેશન થયાં. ગુજરાત અને સારા ભારતમાં નેત્રયજ્ઞનો આ પ્રથમ પ્રયોગ – શરૂઆત રાધનપુર મુકામે થયો. મહારાજ પોતે સ્ટ્રેચર ઉપાડી દર્દીઓને લઈ જાય અને તેમને ખાટલામાં સુવાડે. મહારાજ કહે મને આ સિવાય બીજું કામ આવડશે નહીં તેથી આ કામ કરીશ.

આ કૅમ્પ દરમ્યાન રાધનપુરના પરંતુ મુંબઈમાં રહેતા એક સજ્જન રાધનપુર આવેલ હતા અને કુતૂહલ ખાતર આ સેવાકાર્ય જોવા આવેલ. તેઓ આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને મહારાજને અને બધા ડૉક્ટરોને પોતાને ઘરે બોલાવ્યા. લોકો દૂરથી સેવા આપવા પોતાના ગામમાં આવ્યા હોઈ તેમને થયું કે મારે પણ આમાં કંઈ યોગદાન આપવું જોઈએ અને તેવી શુભ ભાવનાથી આ કૅમ્પનો તમામ ખર્ચ પોતે ચૂકવવાનું માથે લીધું અને આમ મહારાજને છ મહિનાની ઉધારીમાં લાવેલ દવાના પૈસા તેમજ ભોજન અને અન્ય ખર્ચ પણ મળી ગયો.

કૅમ્પની પૂર્ણાહુતિ વખતે આ સજ્જન ડૉક્ટરોને કંઈ ભેટ આપવા માગતા હતા પરંતુ મહારાજે સ્પષ્ટ ના પાડી કે તેઓ કંઈ પણ સ્વીકારશે નહીં. પરંતુ તે ભાઈનો અતિઆગ્રહ જોઈ મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આ રકમ તમારી પાસે જ રાખો અને બીજો કૅમ્પ કરીએ ત્યારે તેમાં આ રકમ આપજો. આમ અનાયાસે બીજા કૅમ્પનું બીજ રોપાઈ ગયું. અને બીજો કૅમ્પ બોચાસણ મુકામે થયો ત્યારે એ ભાઈના પૈસાનો ઉપયોગ થયો. આમ, 1949માં મહારાજે રાધનપુરમાં કરેલા પ્રથમ કૅમ્પ પછી બીજો કૅમ્પ વલ્લભ વિદ્યાલય – બોચાસણ મુકામે થયો અને ત્રીજો કૅમ્પ સોજિત્રા મુકામે થયો. આ સેવાયજ્ઞને કાયમી સ્વરૂપ આપવા 1950માં બોચાસણ મુકામે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળની સ્થાપના થઈ. મહારાજશ્રી તેના પ્રથમ પ્રમુખ થયા અને સમિતિમાં શ્રી બબલભાઈ મહેતા, શ્રી શીવાભાઈ પટેલ, ડૉ. દોશી અને પંડિત મેઘાવ્રત વ્યાસ ખાસ જોડાયા. શ્રી બબલભાઈએ મહારાજના સૂચન અનુસાર પાંચ લીટીનું બંધારણ ઘડ્યું જે આજે પણ કોઈ પણ જાતના ફેરફાર વગર ચાલે છે.

સને. 1964માં વ્યારાના તદ્દન આદિવાસી વિસ્તારમાં – શ્રી ઝીણાભાઈ દરજી, શ્રી જુગતરામભાઈ દવે તથા રાનીપરજ સેવા સભાના સહયોગથી 100મો નેત્રયજ્ઞ – કૅમ્પ થયો અને ત્યારથી ડૉ. દોશીએ ખાનગી પ્રેક્ટીસ બંધ કરીને આ સેવાયજ્ઞ માટે પોતાની જાતને સંપૂર્ણ સમર્પી દીધી. હવે આ નેત્રઅભિયાન ગુજરાત પૂરતું જ નહીં પરંતુ ગુજરાતની સરહદો વટાવી – બિહાર, ઓરિસા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પ્રસર્યું. ડૉ. દોશી અને તેમના સેવાભાવી ડૉક્ટરો છેક બાંગ્લાદેશ સુધી નેત્રયજ્ઞ કરી આવ્યા.

સને 1970માં પૂ. રવિશંકર મહારાજ આંખની મોટી હોસ્પિટલ ચિખોદરા-આણંદ મુકામે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળે લોકોના દાન ફાળાથી ઊભી કરી. અને ડૉ. દોશીના માર્ગદર્શન હેઠળ બીજી હોસ્પિટલો વડોદરા, ભચાઉ (કચ્છ), દહેગામ, ટાટાનગર (બિહાર)માં ઊભી થઈ અને આજે પણ સારી રીતે સેવાકાર્યથી સુવાસ ફેલાવી રહી છે. સેવાનું એક નાનું સરખું મહારાજે રોપેલ બીજ આજે એક વિશાળ વટવૃક્ષ જેવું બની ગયેલ છે. ગુજરાત નેત્ર રાહત મંડળ દ્વારા આજદિન સુધી અંદાજે આઠ લાખ આંખના દરદીઓની સારવાર અને અંદાજે અઢી લાખ જેટલાં આંખનાં ઓપરેશન થયાં છે. આ નાની સરખી સિદ્ધિ નથી. કદાચ આ એક વિશ્વ રેકોર્ડ હશે. સેવાયજ્ઞનો આ લોકાભિમુખ પ્રયોગ ઘણા નવોદિત કાર્યકરોને સામાજિક ઉત્કર્ષ માટે પ્રેરણારૂપ બનશે.

આ ભગીરથ મહાઅભિયાન શરૂ કરનાર પૂ. મહારાજ અને ડો. દોશી તથા અન્ય સેવાભાવી ડૉક્ટર-કાર્યકરોને શત શત પ્રણામ અને વંદન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પળે પળની કેળવણી – મૃગેશ શાહ
ત્રિપાઠીસાહેબની ઘડિયાળ – રાજેશ અંતાણી Next »   

12 પ્રતિભાવો : ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત – ગોવિંદ પી. શાહ

  1. Paresh says:

    એક અનુભવ છે કે કોઈપણ કાર્ય શુભ નિષ્ઠાથી શરૂ થાય તે કશાના અભાવે અટકતું નથી. ફ્કત આપણી ભાવના પ્રામાણિક હોવી જોઈએ. પૂ. મહારાજ તો સેવાકાર્યોના વડલા સમાન હતાં. આ ભૂમિની ખાસિયત રહી છે કે ગુજરાતમાં ખરા અર્થમાં શ્રેષ્ઠી કહેવાય તેવા મહાજનોની ક્યારેય ખોટ નથી પડી.

  2. Malay says:

    ગુજરાત નિ આજ તો ખાસિયત ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.