નાનકડો દર્શિલ – દિવ્યાશા દોશી

[‘અભિયાન’ માંથી સાભાર.]

darshil‘તારેં ઝમીં પર’ થી એકાએક ચર્ચામાં આવી ગયેલો દર્શિલ દક્ષિણ મુંબઈના ગોવાલિયા ટૅન્ક વિસ્તારમાં રહે છે. ફિલ્મના ઈશાનથી સ્વાભાવિક જ તે જુદો છે. અગિયાર વર્ષનો દર્શિલ પરાણે વહાલો લાગે તેવો છે, ખાસ કરીને જ્યારે તે મસ્તી કરતો હોય. તેનાં મમ્મી શીતલ સફરી કહે છે : ‘દર્શિલ મસ્તી કરવા લાગે ત્યારે તેને અટકાવવા મારે ગંભીર રહેવું પડે છે.’ પરંતુ દર્શિલ એવો મસ્તીખોર છે કે શીતલ પોતેય હસવાનું ખાળી શકતાં નથી. દર્શિલની અટક વિશે પૂછ્યા વગર રહેવાતું નથી. તેનું રહસ્ય કહેતાં શીતલ કહે છે : ‘અમારા વડીલો ધંધાર્થે ખૂબ સફર (પ્રવાસ) કરતા એટલે સફરી અટક પડી. બાકી અમારી અટક પહેલાં શાહ હતી.

પાટણના વતની આ સફરી પરિવારમાંથી દર્શિલ પહેલાં કોઈએ અભિનયની દુનિયામાં પગ નથી મૂક્યો. કોઈ નિપુણ કલાકારની જેમ અભિનય કરનાર દર્શિલ વિશે જાણીને નવાઈ લાગશે કે તેણે અભિનયની તાલીમ જ લીધી નથી. હા, તેને નાચવાનો શોખ હતો એટલે શામક દાવરના ડાન્સ કલાસમાં તાલીમ લે છે. અભિનયની તાલીમની જરૂર કેમ નથી પડી ? એ તો તોફાની દર્શિલ વાતો કરતી વખતે મોઢાના જે હાવભાવ કરે છે તે જોઈને જ સમજાય જાય છે કે આ નાનો બાળક જન્મજાત કલાકાર છે.

‘તારેં ઝમીં પર’ રિલીઝ થઈ તે પહેલાં અને રિલીઝ થઈ પછી તો દર્શિલને અનેક ઈન્ટરવ્યૂ આપવા પડ્યા છે. પુછાતા એકના એક સવાલોનો દર્શિલને બાળસહજરીતે કંટાળો આવે છે. હાથમાં અમર ચિત્રકથાની ચોપડી લઈને બેઠેલો દર્શિલ ત્રાંસી આંખે સામે જોઈને કહે છે : ‘મને એકની એક બાબતોનો કંટાળો આવે છે. હું ખૂબ જલદી બોર થઈ જાઉં છું. છાપામાં કે ટીવીમાં મારો ઈન્ટરવ્યૂ જોઈને પહેલાં સારું લાગ્યું પણ પછી (મોઢું બગાડીને) બો….ર… બધા એક જ સવાલો પૂછે. આમિર ખાન કે સાથ કામ કર કે કૈસા લગા ? તને કઈ ડિશ ભાવે ? ક્યો વિષય ગમે ? કઈ બ્રાન્ડનું દૂધ પીએ છે ? બ્લા બ્લા….’ અમે વચ્ચે પૂછી લીધું : ‘તને ખબર છે ? કઈ બ્રાન્ડનું દૂધ પીએ છે ?’ બીજી જ સેકન્ડે જવાબ મળે છે : ‘ગોકુળ’. તરત જ બીજો સવાલ. ‘તને દૂધ ભાવે છે ખરું ?’ આંખો નચાવતાં ચોપડી તરફ જોતાં કહે છે : ‘બહુ જ.’ પછી ઉપર જોતાં કહે : ‘પણ ચૉકલેટવાળું જ ભાવે. સાદું દૂધ તો ખૂબ ગળ્યું લાગે. (મોઢું અને આંખો બધું જ બોલે છે.) અંદર ચૉકલેટ નાખીએ તો વધારે મીઠું થાય, પણ એ જ પીવાની મજા આવે.’ કહેતાં દર્શિલની આંખો ચમકવા લાગે છે.

નાનકડો દર્શિલ પોતાની મસ્તીભરી ભાષામાં કેટલીક વાર મોટી વાતો કહે છે. અમે જ્યારે તેને પૂછ્યું કે તું તો સ્ટાર બની ગયો. બધાનું ધ્યાન તારા તરફ હોય ત્યારે કેવું લાગે છે ? મજા આવતી હશે, નહીં ?… ગંભીર થઈ જતાં મોટી આંખો ફાડીને દર્શિલ પોતાના પગ તરફ આંગળી કરતાં કહે : ‘આ તમને અહીં થોડો સોજો દેખાય છે ને ? એ હવે તો ઓછો થઈ ગયો છે. પણ ખબર છે, તે કેવી રીતે થયો ? ફિલ્મ રિલીઝ થયા બાદ હું જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે છોકરાંઓએ મને ઘેરી લીધો. હું કેટલો ચિલ્લાઉં કે લેટ મી ગો. પણ કોઈ સાંભળે જ નહીં. ‘બચાઓ…..બચાઓ….’ કર્યું ત્યારે એક બાઈ (બહેન) એ મને બચાવ્યો. મને બચાવ્યો અને કલાસમાં લઈ ગઈ. એ બધી ધમાલમાં હું પડી ગયો અને મને પગમાં સોજો આવ્યો. શું સારું ? તમે જ કહો. અરે, મારો એક પિરિયડ પણ મિસ થઈ ગયો. પછી મેં પ્રિન્સિપાલને ફરિયાદ કરી. (દર્શિલ બ્રીચકેન્ડી સ્થિર ગ્રીન લોન્સ શાળામાં પાંચમા ધોરણનો વિદ્યાર્થી છે.) હવે મારે કલાસમાં જ બેસી રહેવું પડે છે. મેદાનમાં રમવા પણ જઈ શકતો નથી. ફિલ્મ કર્યા બાદ હું તો એ જ દર્શિલ છું. પણ શું કરું, મિત્રો અને લોકો સમજતાં જ નથી. જરાક કલાસની બહાર જાઉં તો સ્કૂલમાં બધાં ‘ઈશાન’ કહીને ખેંચેં. મકાનમાંય હું રમવા નીચે નથી જઈ શકતો. અરે, પહેલાં તો હું મમ્મીને નીચેથી શાકભાજી લાવી આપતો, હવે તો મારું નીચે જવાનું બંધ (દર્શિલનું બોલવાનું સતત ચાલુ છે. સાથે જ એક જગ્યા પર તે બેસતો નથી. બેસે તો ઘડીક પલાંઠી વાળે તો ઘડીકમાં લાંબો થઈને સૂઈ જાય. તેની મમ્મી ‘દર્શિલ’ નામની બૂમ પાડે ત્યારે સીધો બેસે પણ વળી પાછા સાહેબ હતા એમના એમ ! હા, તેની આંખો અને વાણી સતત બોલી રહ્યાં હતાં.)

‘અરે, તમને શું કહું ? મારા ઘરની સામે દેરાસર છે, ત્યાં હું પૂજા કરવા જાઉં છું. હમણાં થોડા દિવસ પહેલાં ગયો તો એક બહેન મંદિરમાં મારો ફોટો પાડવા લાગ્યા. (દર્શિલ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન પરિવારમાં જન્મ્યો છે.) મને બહુ ખરાબ લાગ્યું. મંદિરમાં ભગવાન તરફ આપણું ધ્યાન હોવું જોઈએ કે મારા જેવા છોકરા તરફ ? બીજા એક દાદાએ પણ મારો પૂજા કરતો ફોટો પાડ્યો. મેં એમને પાડવા દીધો. શું કામ ખબર છે ? મેં જ્યારે એમને પૂછ્યું કે કેમ મારો ફોટો પાડ્યો ? તો કહે મારી પૌત્રી દેરાસરમાં પૂજા કરવા આવતી નથી. તારા જેવા સ્ટાર પણ પૂજા કરે છે એવું તેને કહીશ તો કદાચ એ પણ દેરાસરમાં આવશે.’ એટલે મને ખરાબ ન લાગ્યું. ગુડ કૉઝ ખરું, ને !’ કહેતાં દર્શિલ ચૂપ થઈને બારી બહાર જોવા લાગે છે.

પાછું તેનું ધ્યાન વાતચીત તરફ ખેંચતા તેનો પ્રિય સ્ટાર કોણ એવું પૂછ્યું તો આંખો પટપટાવતાં કહે : ‘તમે કહોને કોણ હશે ?’ અમે કહ્યું : ‘આમીર ખાન’. તો મોઢું બગાડતાં કહે : ‘ના, ઋત્વિક રોશન. શું એના વાળ છે, શું ડાન્સ કરે છે. માય ગૉડ, હું એની પાસેથી બે-ત્રણ સ્ટેપ પણ શીખ્યો છું. આઈ મીન, એના ડાન્સ જોઈને સ્ટેપ શીખ્યો છું.’ કહેતાં આંખો નચાવતાં કહે : ‘મેં આમિર અંકલ સાથે કામ કર્યું એટલે એમને વખાણું તે સારું કહેવાય ?’

દર્શિલ જૈન છે અને તે કાંદાલસણ કે કંદમૂળ ખાતો નથી. એટલે પંચગનીમાં શૂટિંગ કરતી સમયે તેનું ભોજન ખાસ બનાવાતું. મુંબઈમાં તો શૂટિંગમાંથી ઘરે આવી જમીને ભણવા બેસતો. મોટા થઈને શું બનવું છે ? દર્શિલ કહે : ‘અત્યારે મારી સામે રસ્તા ઉપર સ્ટડી સિવાય કશું જ નથી. મોટો થઈને વિચારીશ કે મારે શું બનવું. બિઝનેસમૅન, ઍક્ટર કે પછી…. બીજું કંઈ. હમણાં તો ભણવા સિવાય બીજું કશું જ નહીં. ફિલ્મોમાં પણ જો સારી ઑફર હશે તો વૅકેશનમાં અને શનિ-રવિની રજામાં જ ફિલ્મ કરીશ. ‘સ્પોર્ટસ ગમે છે ?’
‘હા હું ક્રિકેટ રમું છું.’ કહેતા હાથથી બૅટિંગ કરવાનો અવાજ કરે છે. દર્શિલનો ફેવરિટ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની છે.
‘તું બૉલિંગ કરે કે બૅટિંગ ?’
દર્શિલ કહે છે : ‘બૅટિંગ. બૉલિંગમાં તો હું ડિસલેક્સિયા છું. બૅટ્સમેનની ઊંધી દિશામાં જ બૉલ પડે. બૅટને વાગે જ નહીં. બૅટિંગમાં તો હું ધનાધન ધોઉં.’

‘તારેં ઝમીં પર’નો દર્શિલનો સૌથી ગમતો સીન દિવાળીનો છે. તે કહે, ‘મેં સાચ્ચે જ હાથમાં ફટાકડા ફોડ્યા હતા. જરાય ડર નહોતો લાગ્યો. મને ફટાકડા ફોડવા બહુ ગમે છે. 2007ની મારી દિવાળી ખૂબ જ સરસ હતી, મેં સ્વીસ્ટર ફટાકડો ફોડ્યો હતો… જૂ….ઉ…. અવાજ કરતો તે ઊડે. અરે, એક વાર તો આડો થઈ ગયો ત્યારે મારે બધાને ‘આઘા ખસો….ખસો’ એવી બૂમો પાડીને ચેતવવા પડ્યા હતા. ‘સબ જાનતી હો’ ગીત મને બોર કરે છે, કારણ કે એમાં મારો રડવાનો સીન વધારે છે. આઈ હેટ ક્રાઈંગ. એ સિવાય મને ઍક્ટિંગ કરવાની ખૂબ મજા આવી હતી. આમિર અંકલ મારી સાથે મસ્તી કરતા, હું નહોતો કરતો. હું ગેમ રમતો હોઉં તો આવીને બે બટન દબાવીને ગેમ બગાડી નાખતાં. સ્ટારડમ મને નથી ગમતું પણ એક્ટિંગ કરવી ગમે છે. તેમ જ કહો તમને ઘણા બધા રૂપિયા મળે, ફૅમ મળે પણ ફ્રીડમ ન હોય તો એને શું કરવાનું ? સાચું કહું છું. આ બધા સ્ટાર લોકોને કોઈ મજા નથી. ખૂબ તકલીફ હોય છે, કારણ કે બીજા માણસોની જેમ ફરવાનું ન મળે.’

દર્શિલની નાના મોઢે આ બધી વાતો સાંભળીને તેનાં તોફાનો સારાં લાગે છે. તેની મમ્મી શીતલ કહે છે, ‘આમિર ખાને જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે એ સાંભળતાં જ હું રડવા લાગી હતી. આમિર ખાને પૂછ્યું : ક્યા હુઆ ? તો મેં કહ્યું, આ તો અમારી અને દર્શિલની જ વાત છે. ફક્ત આમાંથી ડિસ્લેક્સિયા કાઢી નાખવામાં આવે તો અમારા જેવાં અનેક માતા અને દીકરાની આ વાત છે. મેં ઘણી વાર ફિલ્મ જોઈ અને દરેક વખતે હું ખૂબ રડી છું. મને ખબર છે કે આ ઍક્ટિંગ છે. બધું સાચું નથી તોય.’ મુલાકાતનો સમય પૂરો થતાં દર્શિલના ગાલ ખેંચ્યા વગર જવાનું મન ન થયું. તેના ગાલ હળવેથી ખેંચતા કહ્યું : ‘તને બધા ગાલ ખેંચે છે તે નથી ગમતું નહીં ? ખાસ કરીને છોકરીઓ ?’ દર્શિલ સાચેસાચું કહી દે છે, ‘આઈ હેટ ગર્લ્સ, મારા ગાલ ખેંચી ખેંચીને તેઓ એને લાલુપ્રસાદ યાદવ જેવા મોટા બનાવી દેશે.’ કહેતાં તે પોતાના બન્ને ગાલ ખેંચે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિશ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ વિશેષ – સંકલિત
હુકમના પાનાં – ડૉ. શરદ ઠાકર Next »   

14 પ્રતિભાવો : નાનકડો દર્શિલ – દિવ્યાશા દોશી

 1. કલ્પેશ says:

  “તારે ઝમી પર” જોઇને આપણી પેઢીના મા-બાપ બાળકો પર પોતાના સપનાઓનો ભાર ઓછો કરશે એવી આશા છે.

  ઇશાનનુ પાત્ર દર્શિલએ ખુબ સહજતાથી પ્રસ્તુત કર્યુ છે. કદાચ કુદરતી ગુણ જ કહી શકાય.

 2. સરસ મુલાકાત…આર્ટીકલ વાંચીને મજા પડી

  મોટા સ્ટાર કે સેલીબ્રીટીઝ ખુલ્લા દીલે વાત નથી કરી શક્તા, જ્યારે આ નાનકડૉ ટેણીયો કેટલાય ને રડાવી ગયો…તોય હજી સાચે તારે ઝમીન પર જ છે….

  ઈશાન ને શુભેચ્છાઓ…

 3. anu says:

  દર્શિલ ને હાર્દિક અભિનન્દન

  કહિએ ને કે નાના છોક્ર્રા જે પણ કહે છે એ દિલ થિ કહે છે અને સાચુ જ કહે છે
  દર્શિલ નિ વાતો જાણિ ખુબ આનન્દ્ થયો પણ હાલ મા તો દર્શિલ નિ ઉમર જ્ રમવા કુદવાનિ છે ને હવે થિ જ આ પાબન્દિ એ ના પોશાય.

  એક વખત સેલિબ્રિટિ બન્યા પછિ માણસ ના જીવન મા રુપિયા પૈસા તો બહુ જ આવે છે પણ એનિ કિમત હોતિ નથિ.

  ખાસ કરિ ને દર્શિલ માતા પિતા એ ધ્યાન આપ્વુ જોઇએ તેના બાળપણ ઉપર જે કદાચ ખોવાઈ શકે છે.

  (Best of Luck Darshil For Bright Begining).

  Regards,

  Well Wisher of Every Indivisual and Nature

 4. pragnaju says:

  આપણા સૌની લાગણી-“શીતલ કહે છે, ‘આમિર ખાને જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે એ સાંભળતાં જ હું રડવા લાગી હતી. આમિર ખાને પૂછ્યું : ક્યા હુઆ ? તો મેં કહ્યું, આ તો અમારી અને દર્શિલની જ વાત છે. ફક્ત આમાંથી ડિસ્લેક્સિયા કાઢી નાખવામાં આવે તો અમારા જેવાં અનેક માતા અને દીકરાની આ વાત છે. મેં ઘણી વાર ફિલ્મ જોઈ અને દરેક વખતે હું ખૂબ રડી છું. મને ખબર છે કે આ ઍક્ટિંગ છે. બધું સાચું નથી તોય.’
  દિવ્યાશા દોશીને અભિનંદન

 5. manvantpatel says:

  બહેનશ્રેી દિવ્યાશાબહેન ! ‘તારે ઝમેીઁ પર ‘હજુ જોયુઁ નથેી પણ દર્શિલ
  વિશે જોયુઁ ને સાઁભળ્યુઁ છે.આજે વાઁચવાથેી એનો પરિચય વધ્યો !તમે
  ખૂબ અભિનઁદનનાઁ અધિકારેી છો.મારે જાણવુઁ હતુઁ તે મળ્યુઁ.આભાર !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.