ત્રિપાઠીસાહેબની ઘડિયાળ – રાજેશ અંતાણી

હાથમાં પુસ્તકો હતાં તેથી આનંદ થતો હતો. વિરેશને હતું, આ પુસ્તક માટે એણે બહુ તપાસ કરેલી પણ કયાં હશે એનો કંઈ અંદાજ આવતો ન હતો. પુસ્તક જૂનું હતું. વતનની લાઈબ્રેરીમાં વરસો પહેલાં જોયેલું. એ જે જે શહેરોમાં ગયો છે ત્યાં ત્યાં તપાસ કરી છે આ પુસ્તક વિશે. હવે વિરેશ વતનમાં બદલીને આવ્યો છે ત્યારે એને નવરાશ મળી. એ લાઈબ્રેરીમાં ગયો – પુસ્તક શોધ્યું. લાઈબ્રેરીયન નવા હતા. લોકો પણ બે-ચાર માંડ હશે. એ પણ વૃદ્ધો. લાઈબ્રેરીમાં પ્રવેશતાં જ લાગેલું કે સમય રોકાઈ ગયો છે. પૃસ્તક હાથમાં આવ્યું એનો રોમાંચ અદ્દભુત હતો. એવું લાગ્યું જાણે લૂંટાયેલી નગરી એને પાછી મળી. થોડું પુસ્તક તો એણે લાઈબ્રેરીમાં વાંચી લીધું. પછી એણે લાઈબ્રેરીયનને અચાનક પૂછ્યું : ‘અહીં લાઈબ્રેરીમાં કોઈ હવે આવતું નથી ?’

વિરેશના ઉત્તરની જગાએ લાઈબ્રેરીયન વિરેશને તાકી રહેલો. પછી એણે વ્યંગમાં થોડીવાર રહીને ઉત્તર આપ્યો : ‘હા, હવે લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન સિવાય કોઈ આવતું નથી.’ વિરેશને વ્યંગમાં રમૂજ નહોતી લાગી. તે લાઈબ્રેરીની બહાર નીકળી ગયો હતો. બહાર આવીને, પુસ્તકોની વચ્ચેથી અપ્રાપ્ય માની લીધેલું પુસ્તક ફરી જોયું. વિરેશને યાદ આવી ગયું, આ પુસ્તક વાંચવા માટે ત્રિપાઠીસાહેબે ભલામણ કરી હતી – સ્કૂલના દિવસોમાં. વિરેશની આંખોમાં સ્કૂલના દિવસો છલકાઈ આવ્યા. વિરેશ વિચારી રહ્યો, ક્યાં હશે ત્રિપાઠીસાહેબ ?

વિરેશ બૅન્કમાં ઑફિસર હતો. એને હમણાં થોડા સમય પહેલાં જ પ્રમોશન મળેલું. એણે આ શહેર માંગેલું ત્યારે બધાને નવાઈ લાગી. કોઈએ તો વિરેશને એવું પણ કહેલું, એ શહેર પનીશમેન્ટનું શહેર છે. તમે ત્યાં જવા રિક્વેસ્ટ કરો છો ? વિરેશ મક્કમ હતો. વતન હતું એટલે નહીં. – પણ વિરેશને અંદરથી ખેંચાણ થઈ રહ્યું હતું, વતનનું. આ શહેર વિરેશનું વતન હતું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ આ શહેરમાં લીધેલું. પિતાજીની બદલી થતાં શહેરો બદલાતાં રહ્યાં. છેવટે પિતાજી વડોદરામાં સ્થાયી થયા. પણ વિરેશ વતનને ભૂલી શક્યો ન હતો. પિતાજીનો વિરોધ પણ હતો. પિતાજીના વિરોધને અવગણીને એમને મનાવીને વિરેશ અહીં આવ્યો હતો વતનમાં. વિરેશને પામવું હતું જે કંઈ સ્મૃતિમાં છે તે.

પરિવર્તન પામેલા સમયની અસર આ શહેરને પણ સ્પર્શી ગઈ હતી. છતાં પણ બધું ગમે એવું હતું. બધું. જૂનું મકાન પણ હતું. સાફ કરાવીને વિરેશે રહેવાની શરૂઆત પણ કરી દીધેલી. પિતાજીને પણ પોતાના અંગત ખ્યાલ હશે અથવા પૂર્વગ્રહો, એ એમને અહીં આવતા રોકતા હશે. નહીંતર પિતાજી પણ સંવેદનશીલ છે. મન તો એમનું પણ ખેંચાતું હશે. અને બા….બૂ સૂર્યોદયની સાથે જ આ શહેરને યાદ કરે. વિરેશ આ શહેરમાં, આ વતનમાં જવાનો છે એ જાણીને કેટલી ખૂશ થયેલી. વિરેશ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો. એની દષ્ટિ એની જૂની શાળાના મકાન પર પડી. યાદ કરતાં રસ્તા પર પડતો એનો કલાસરૂમ પણ દેખાયો. નવમા ધોરણમાં એ આ કલાસરૂમમાં બેસતો હતો. ત્રિપાઠીસાહેબ. પણ બધું વિચિત્ર કેમ દેખાય છે ? દેખાય જ ને ! કલાસરૂમની બારી જ ક્યાં છે ? બારીની ફ્રેમ જ કોઈ ઉઠાવી ગયું હતું ! વિરેશનું મન આઘાત અનુભવી રહ્યું.

પરિવર્તન પામતો સમય વર્ગની બારી ઉપર પણ અસર કરી શકતો હશે ? ખિન્ન થયેલો વિરેશ ક્ષણ પણ ન રોકાઈ શક્યો. એની ચાલમાં વજન ઊતરી આવ્યું. ખોટી દિશામાં પરિવર્તન પામી રહેલા સમયને કઈ રીતે રોકી શકાય ? ખોટી દિશામાં અણધારી રીતે પરિવર્તન પામેલો સમય. સામેથી આવતા પસાર થતા લોકોના ચહેરા કોઈ પરિચિત, કોઈ અપરિચિત લાગી રહ્યા છે. વિરેશ ચહેરાને ઓળખવા પ્રયત્ન કરે છે, પણ બહુ યાદ નથી આવતું. વિરેશે જોયું. સામેથી એક વ્યક્તિ આવે છે. એના હાથમાં દીવાલ ઘડિયાળ છે, જૂના જમાનાની. વિરેશને ઘડિયાળ જોતાં જ કશું યાદ આવે છે. ક્યાં જોઈ હતી આવી ઘડિયાળ, વરસો પહેલાં ? હા, યાદ આવ્યું. ત્રિપાઠીસાહેબને ત્યાં. એ ઘણીવાર ગણિત-અંગ્રેજી શીખવા જતો. આ વ્યક્તિના હાથમાં ત્રિપાઠી સાહેબની ઘડિયાળ ક્યાંથી આવી ? વિરેશ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો. સામે આવતી વ્યક્તિ તરફ ધારીધારીને જોયું : ‘અરે ! આ તો, ત્રિપાઠીસાહેબ જ !!’
વિરેશથી ન રહેવાયું : ‘ત્રિપાઠીસાહેબ !’

ઘડિયાળ ઊંચકીને ચાલતી વ્યક્તિ રોકાઈ ગઈ. વિરેશની સામે, સામેની વ્યક્તિની આંખો રોકાઈ.
‘કોણ ? ઓળખાણ ન પડી.’
વિરેશ પ્રણામ કરવા ઝૂક્યો. ત્રિપાઠીસાહેબનો કંપતો હાથ વિરેશના માથા પર મુકાઈ ગયો.
‘સાહેબ, મને ન ઓળખ્યો ? હું વિરેશ ઓઝા – તમારો જૂનો વિદ્યાર્થી.’
‘અરે ! તું ! બેટા, અહીં ક્યાંથી ?’
‘અહીંની બૅન્કમાં ઑફિસર તરીકે છું. તમારા આશીર્વાદથી.’ ત્રિપાઠીસાહેબ કંઈક યાદ કરતા હતા, પણ તેમને કશું યાદ આવીને રહી જતું હતું.
‘સાહેબ, તમે આ ઘડિયાળ લઈને કઈ બાજુ ?’
ત્રિપાઠીસાહેબ હસી પડ્યા. ‘મારી વરસો જૂની ઘડિયાળ બગડી છે. એ રિપેર કરાવવા લઈ જાઉં છું. એ બંધ પડી ગઈ છે. તો સમયની ખબર નથી પડતી. હવે આ ઉંમરે સમયની ખબર ન પડે તે કેમ ચાલે ?’ ત્રિપાઠીસાહેબ ખૂલીને હસ્યા. વિરેશને થયું એનો જૂનો સમય નજીક ખેંચાઈ આવ્યો છે.
‘સાહેબ, લાઈબ્રેરી ગયો હતો. તમે વાંચવા કહેલું પુસ્તક વરસોથી યાદ રહી ગયેલું. તે અહીંની લાઈબ્રેરીમાં મળ્યું. ફરી વાંચવું છે.’ વિરેશે પુસ્તક ત્રિપાઠીસાહેબને આપ્યું.
‘ચશ્માં ઘરે ભૂલી ગયો છું, વાંચવાના.’
વિરેશને થયું, ત્રિપાઠીસાહેબ ઊભા નથી રહી શકતા. માત્ર ઘડિયાળનું વજન પણ ઊંચકી નહીં શકતા હોય.
‘સાહેબ, લાવો તમારી ઘડિયાળ. હું ઊંચકી લઉં. સામે દુકાન છે ત્યાં આપવાની છે ને ?’
‘ચાલશે. હું ઊંચકીને લઈ જઈ શકીશ.’ વિરેશે હાથ લંબાવીને હળવેકથી ઘડિયાળ ઊંચકી લીધી.

‘અચ્છા, તું વાંચે છે, કેમ ?’
‘હા. સાહેબ. તમે એમ કેમ પૂછો છો ? વાંચવું તો જોઈએ જ ને.’
‘કંઈ નહીં. યુગપરિવર્તન થયું છે ને. હવે વાંચે છે કોણ ? ટી.વી.-વિડિયો જોવામાંથી લોકોને વાંચનનો સમય જ ક્યાં મળે છે. વાંચે છે, વિચારે છે એને આ યુગના લોકો મૂરખ કહે છે !!’ વિરેશને ત્રિપાઠીસાહેબની વાત અસર કરી રહી હતી. યુગપરિવર્તન ! ત્રિપાઠીસાહેબના અવાજમાં વરસો પહેલાં અનુભવેલો રણકો આજે પણ હતો. ત્રિપાઠીસાહેબે વિરેશની સાથે ચાલવાનું શરૂ કર્યું.
‘સાહેબ, તમે ઘરે પહોંચો. હું ઘડિયાળ આપી દઈશ અને રિપેર થઈ જશે એટલે પરત કરી જઈશ તમારે ત્યાં.’
‘તારા સદભાવ અને લાગણીથી હું ભીનો બની ગયો છું. વિરેશ, હું દુકાન સુધી તો આવીશ જ.’ ત્રિપાઠીસાહેબ ધીમી ગતિએ ચાલવા લાગ્યા. જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. એ તો જીવનની પ્રત્યેક ક્ષણ આપણને સમજણ આપે છે. પણ પરિવર્તન એ પણ આટલું ઝડપી. જાણે સમયનું ચક્ર એક આંટો ઝડપથી ફરી ગયું છે. કલ્પનામાં ન હોય એવું બન્યા કરે છે. શિક્ષણ-સંસ્કાર-વાણી-વિવેક બધું ત્યાં અદશ્ય થઈ ગયું છે. પુસ્તકો તો ઠીક, લોકોને વર્તમાનપત્રો વાંચવાની પણ ફુરસદ નથી. સ્નેહીના પત્રો વાંચવાની ફુરસદ નથી. યુગપરિવર્તન દિશાહીન બની ગયું છે. આપણાં મૂલ્યો, આપણા સંસ્કારને સાચવવા મુશ્કેલ બની ગયા છે.

ઘડિયાળની દુકાન આવી. વિરેશે ઘડિયાળ બતાવ્યું. ઘડિયાળી જૂના ઘડિયાળને તાકી રહ્યો. દુકાનમાં લટકતાં ટ્યૂનવાળા ઘડિયાળનું સંગીત વાગવા લાગ્યું. બે દિવસ પછી લઈ જવાનું ઘડિયાળીએ કહ્યું. વિરેશે કહ્યું : ‘સાહેબ, બે દિવસ રહીને હું ઘડિયાળ ઘેર પહોંચાડી જઈશ. તમે ધક્કો ન ખાતા.’
‘હા બેટા, જેવી તારી મરજી. મારે માટે આ જ પ્રવૃત્તિ છે. ઘડિયાળ બગડી ગયું એ મારા જીવનની મોટી ઘટના છે.’ ત્રિપાઠીસાહેબ હસ્યા, ‘ગયે વરસે મારી પત્નીનું અવસાન થયું પછી સાવ એકલો છું. મારા પુત્રો બહુ દૂર છે – મારાથી, મારા મનથી. તું આવજે. તારાં વાણીવર્તનમાં શિક્ષણના સંસ્કારોને, હું જોઉં છું. મને સંતોષ છે. પૂર્ણ સંતોષ મારા વ્યવસાયનો, મારા જીવનનો. તું આવતો રહેજે.’ ત્રિપાઠીસાહેબ ઘર તરફ જવા લાગ્યા.

વિરેશ ત્રીજે દિવસે ઘડિયાળીની દુકાને ગયો. ઘડિયાળીએ કહ્યું : ‘માસ્તરસાહેબ ગઈકાલે સાંજે ઘડિયાળ લઈ ગયા.’ વિરેશ ત્રિપાઠી સાહેબને ત્યાં ગયો.
ડેલી આગળ લોકોનું ટોળું જામેલું હતું. વિરેશને ધ્રાસ્કો પડ્યો.
વરસો પહેલાં આ ડેલીમાં પ્રવેશીને ત્રિપાઠીસાહેબ પાસે શીખવા આવતો. આજે વરસો પછી….
વિરેશ ઘરમાં દાખલ થયો.
પરિચિત ઓસરી આવી. સામેની દીવાલ પર ત્રિપાઠીસાહેબનું ઘડિયાળ લટકતું હતું. ઘડિયાળની નીચે ત્રિપાઠીસાહેબ સૂઈ ગયા હતા, હંમેશને માટે. વિરેશ જોઈ રહ્યો ત્રિપાઠીસાહેબની બંધ પડી ગયેલી ઘડિયાળ. વિરેશની આંખોમાં ભીનાશ છલકાવા લાગી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત – ગોવિંદ પી. શાહ
ઑફિસમાં કસરત – રતિલાલ બોરીસાગર Next »   

12 પ્રતિભાવો : ત્રિપાઠીસાહેબની ઘડિયાળ – રાજેશ અંતાણી

 1. Bindiya says:

  Really nice story !

 2. javed says:

  ંંmane maaraa saaheb yaad avi gayaa…

 3. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વારતા.

 4. Pinki says:

  હૃદયસ્પર્શી વાર્તા…..!!

 5. Hema says:

  Balmandir thi lai ne bhaniye tya sudhi ma aapana jivan ma ghana shixak aave chhe pan bahu ochha ava hoy chhe je potana vichar, sist ane vidhyarthi prteni ani lagani ne lidhe harday ma undi chhap mukata jay chhe.
  Pota pase bhanel chhokarav ne jivan ma uchhi post par joi ne shixak khub khus thay chhe.

  Hema

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.