પપ્પા, તમે આ શું કર્યું ! – વિભૂત શાહ

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાની આપવા બદલ શ્રી વિભૂતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 79 27559925 પર સંપર્ક કરી શકો છો.]

જતાં જતાં કાર્તિકે મારી સામે એવી રીતે જોયું કે જાણે હજુ એને કશુંક કહેવાનું બાકી હોય. ટેબલના ખૂણા પર એની હથેળી ટેકવી તે ઊભો રહ્યો ને મારી સામે વેધક નજરે જોઈ રહ્યો. મેં ધીમેથી કહ્યું : ‘આવ કાર્તિક, બેસને મારી પાસે, હું તો અત્યારે આ અમસ્તુ, ફાલતું જ કશુંક વાંચું છું.’ પછી મેં મારું પુસ્તક બાજુની ટિપૉય પર મૂકયું.

કાર્તિક ધીમા પગલે મારી પાસે આવી ઊભો રહ્યો ને પછી મનોમન બોલ્યો હોય તેમ ધીમેકથી મને પૂછ્યું : ‘પપ્પા, હું તો એમ પૂછતો હતો કે આ શનિ-રવિવારે હું કલકત્તા જઉં ?’ હું મોટેથી ખડખડાટ હસી પડ્યો ને પછી મેં કહ્યું : ‘કાર્તિક, કલકત્તા જવાની વાત નથી, આ તો કોઈક બીજી જ વાત છે, પણ આમ ઊભો કેમ રહ્યો છે ! બેસને આ ખુરશી પર, જો આ બારીમાંથી સીધો સપાટ રાંચી રોડ કોઈ મોટા ઝાડનું થડ પડ્યું હોય એમ દેખાય છે, આપણને એન્જિનિયરોને તો કોઈ બહુ સારી ઉપમા ના સૂઝે કેમ ખરું ને ?’
કાર્તિકે આછું સ્મિત કરીને જવાબ આપ્યો : ‘હા’.
બારીની બહાર જોઈને જ હું બોલ્યો : ‘કાર્તિક, સાંજ પડવા આવી છે, હવે તારી મમ્મી પાંચ-પિસ્તાળીસની બસમાં આવવી જોઈએ. અહીંથી આપણને એની બસ આવતી દેખાશે. અરે, પણ તને એ વાત કહેવાની તો રહી જ ગઈ. તને પુલાવ બહુ ભાવે છે ને ? એની બધી ખરીદી કરવા જ જમીને તે તરત જ રાંચી ગઈ છે.’

કાર્તિકના ચહેરા પરથી લાગતું હતું કે એના મનની અંદર કશીક મથામણ ચાલી રહી છે. મેં સહેજ ગંભીર થઈને પૂછ્યું : ‘કાર્તિક, તારે પૈસા જોઈએ છે ? જે હોય તે કહી દે. બિલકુલ સંકોચ ના રાખીશ. તારે એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ છે એટલે કદાચ પૈસાની વધારે જરૂર પડતી હશે.’ કાર્તિક કશોક જવાબ આપવા જતો હતો ત્યાં તો બારીની શાખ પર દૂધરાજ જેવું કોઈ અજાણ્યું નાજુક રૂપકડું પંખી આવીને બેઠું અને નિષ્પલક નેત્રે અમારું પિતા-પુત્રનું નિરીક્ષણ કરવા લાગ્યું. અમે પણ એની સામે જોઈ રહ્યા. મને એની પૂંછડીમાં વણાયેલું ઝીણું ઝીણું રંગભર્યું નકશીકામ જોવાની મજા પડી. રૂમની બધી વસ્તુઓ તરફ, અલપઝલપ દ્રષ્ટિ ફેંકી સહેજ માથું ઝુકાવી તે બાજુએ સરક્યું અને પછી રૂમની ચંચળ હવામાં એનો મીઠો ટહુકો તરતો મૂકી તે અજાણ્યું પંખી ઊડી ગયું.

કાર્તિક નાનો હતો ત્યારે પંખીઓના અવાજ સરસ રીતે બોલાવતો હતો. પેલા ઊડી ગયેલા પંખીનો ટહુકો છેવટે એના ચહેરા પર આવીને ઠર્યો હોય એમ એનો ચહેરો ખુશીથી મલપતો હતો. મેં એને કહ્યું : ‘કાર્તિક મારા કબાટના ખાનામાં રૂપિયા પડ્યા છે, જા તારે જોઈએ એટલા લઈ લે, સંકોચ ન રાખીશ.’ કાર્તિકના ચહેરાનો ભાવ અચાનક બદલાયો. થોડો વિચારમાં પડી ગયો ને પછી આંખોનાં પોપચાં નીચાં નમાવી તે બોલ્યો : ‘ના, ના પપ્પા, મારે પૈસાની જરૂર નથી…. વાત એમ છે કે એક છોકરી છે, રેણું દ્વિવેદી નામની એક છોકરી છે…. એની સાથે હું લગ્ન કરવા ઈચ્છું છું.’

દબાતા લાગણીભર્યા અવાજે કાર્તિક માંડ આટલા શબ્દો બોલી શક્યો, પરંતુ એના શબ્દો પાછળ ઘણી મોટી ઘટના સમાયેલી હતી. બીજો કોઈ પણ વિચાર મનમાં આવે એ પહેલાં તો કાર્તિકની વાત સાંભળી મને ખૂબ આશ્ચર્ય થયું. મારા માટે એ અત્યંત અણધારી વાત હતી. એની શરમાળ પ્રકૃતિને લીધે એણે કોઈ ખાસ સંબંધો બાંધ્યા નહોતા અને મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ છોકરી સાથે તે હસી, ખુશીથી હળતો-મળતો નહોતો, પરંતુ એના સ્વભાવની બીજી વિચિત્રતા એ પણ હતી કે ક્યારે તે કેવું વલણ લેશે તે કલ્પી શકાય જ નહિ, માન્યું જ ના હોય એવું કશુંક અણધાર્યું જ કરી બેસે. એટલે સ્વાભાવિક રીતે જ મેં એને પૂછ્યું : ‘તું એને ક્યાં અને ક્યારે મળ્યો ?’
એ નાનો હતો ને સ્કૂલે જતો હતો ત્યારે એને કેટલું આવડે એ જાણવા હું કશા પ્રશ્નો પૂછતો ત્યારે એને આવડતું હોવા છતાંય તે ગભરાતાં ગભરાતાં જવાબ આપતો. મારા અત્યારના આ પ્રશ્નોનો જવાબ પણ એણે એવા જ કંઈક ગભરાટ સાથે આપ્યો : ‘રાંચીમાં છેલ્લા એકાદ વર્ષથી પરિચય થયો છે.’ મને એના ચહેરા પરથી લાગ્યું કે તે થોડો ઘણો ઉત્તેજિત થઈ ગયો છે. કદાચ એણે એમ પણ માન્યું હોય કે એની વાત સાંભળી હું ખૂબ ઉશ્કેરાઈ જઈશ.
મેં બને એટલા ધીમા અને શાંત અવાજે કહ્યું : ‘એમાં કશુંય ખોટું નથી કાર્તિક, પરંતુ એ તો કહે તારે એની સાથે ઓળખાણ કેવી રીતે થઈ ?’ એણે તરત જ જવાબ આપ્યો : ‘કૉલેજમાં મારો એક મિત્ર છે, એની બેન થાય, રાંચી જ રહે છે, આ વર્ષે જ ગ્રેજ્યુએટ થઈ.’ અને થોડી વાર પછી એણે ધીમેથી ઊમેર્યું : ‘એને સંગીતનો પણ શોખ છે, સિતાર વગાડે છે.’ થોડો વિચાર કરીને મેં જવાબ આપ્યો : ‘કાર્તિક, મને કશોય વાંધો નથી, આ તારો પ્રશ્ન છે અને તને જે છોકરી પસંદ હોય એની સાથે તું લગ્ન કરે એ જ બરાબર છે, પણ એક વાત મને સમજાઈ નહિ, હજુ તો તારો અભ્યાસ પણ પૂરો નથી થયો ત્યાં આ લગ્નનો પ્રશ્ન ઊભો ક્યાંથી થયો ? તું તો કોઈ પણ બાબતમાં કદીય ઉતાવળ કરતો નથી.’

કાર્તિકે મારા આ પ્રશ્નની અપેક્ષા રાખી જ હોય એમ એણે તરત જ જવાબ આપ્યો : ‘મારા મિત્રના પિતા બીજે ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે અને અમારો સંબંધ એ માન્ય રાખે એવી કોઈ શક્યતા નથી એટલે જ ઘણા વિચાર પછી આ નિર્ણય મારે લેવો પડ્યો છે. મને એમ હતું કે તમારી સંમતિ મેળવીને પછી આવતા અઠવાડિયે એને ઘેર લેતો આવીશ.’
આછું સ્મિત કરી મેં કહ્યું : ‘ભલે કાર્તિક, મારી પૂરેપૂરી સંમતિ છે, પણ આ વાત તેં તારી મમ્મીને કરી છે કે નહિ ?’ કાર્તિકના ચહેરા પરથી મને લાગ્યું કે મારા જવાબથી એની તંગદિલી ઘણી ઓછી થઈ ગઈ છે. એણે કંઈક હળવા મને કહ્યું : ‘ના, હજુ મમ્મીને વાત નથી કરી. મને એમ કે પહેલાં તમને વાત કરી જોઉં, હવે આજે મમ્મીને વાત કરી દઈશ.’ મેં કહ્યું : ‘તારી મમ્મી આજે સારા મૂડમાં છે. જોને ખાસ તારા પુલાવ માટે બપોરના તાપમાં રાંચી ગઈ છે.’ ને હું મારું વાક્ય પૂરું કરું તે પહેલાં તો મારા આશ્ચર્ય વચ્ચે કાર્તિક એકદમ મારા પગે પડ્યો અને મારા આશીર્વાદ લઈ ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. હંમેશા આવું કશુંક અણધાર્યું જ એ કરવાનો.

કાર્તિકના ગયા પછી હું બારી પાસે ઊભો રહ્યો. સૂર્ય ક્ષિતિજ તરફ ઢળી રહ્યો હતો અને વૃક્ષોના પડછાયા લંબાઈને રાંચી રોડ પર પડતા હતા. થોડી ટ્રકો આવ-જા કરતી હતી. કેટલાક મજૂરો પગે ચાલતા એમને ઘેર કોશી ગામ પાછા જતા હતા. દૂરદૂરથી રાંચીની બસ આવતી હોય એવો ભાસ થતો હતો. તડકાનાં પાંડુ-વનમાં ધૂળની ઊડતી રજકણો ભળતાં વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને ધૂર્વાની ધરતી પણ સૂર્યના તાપમાં તપી અત્યારે બરડ અને ભૂખરી લાગતી હતી અને ઊંચે પંખીઓનાં ઝૂમખાં એકધારી ગતિએ વાયવ્ય દિશામાં ઊડી રહ્યાં હતાં. એ પરથી લાગતું હતું કે હજુ તો એમના માળા તો ખૂબ દૂર હશે. આવી રીતે જ્યારે જ્યારે બારી પાસે ઊભા રહી સમી સાંજે ઊડતાં પંખીઓને દૂર દૂર જતાં જોઉં છું ત્યારે શી ખબર ? શાથી પણ મને વર્ષોથી છોડેલું ગુજરાત જ યાદ આવી જાય છે.

હવે તો આ બરડ અને ભૂખરી ધરતી અને આ ચારે બાજુ બંધાતાં જતાં મકાનો એ જ અમારો માળો. મકાનો બાંધવાનો તો હું ધંધો કરું છું. જ્યારે જ્યારે હું કોઈ નવું મકાન બાંધુ છું ત્યારે આકાર લેતી એ દીવાલોને જોઈ મનમાં વિચાર આવે છે કે હવે થોડાક જ સમયમાં કોઈ માનવ કુટુંબ આ મકાનમાં પોતાનો માળો બાંધી એમનું નવું જીવન શરૂ કરશે અને શી ખબર કેવા સુખદુ:ખના તાણાવાણાથી એમનું જીવન ગૂંથાતું જશે ! ગુજરાત છોડ્યા પછી આ ધૂર્વાના મકાનમાં પહેલી જ વાર એક મહત્વની ઘટના અમારા જીવનમાં બનવાની હતી. કાર્તિકની વહુ એનાં કુમકુમ પગલે આ ઘરમાં આવશે, બિહારની એક છોકરી એના મનમાં વસેલી કોઈ ઊંડી શ્રદ્ધાના બળે આ ઘરના ઉંબરામાં પ્રવેશ કરશે અને કાર્તિકની ભાવના સાથે એની ભાવના મેળવી અમારા આશીર્વાદ લઈ એનું નવું જીવન શરૂ કરશે. એક કુમળું અને પ્રફુલ્લિત પંખી એનાં સ્પંદિત પ્રાણે આ ઘરમાં આવશે એનો મને અનહદ આનંદ હતો. રાંચીથી આવતી બસ સમી સાંજના ઉજાસમાં હવે રોડ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી..

રાતે જમ્યા પછી મારા રૂમમાં હું એક નવી યોજનાની બ્લ્યુ પ્રિન્ટ બનાવી રહ્યો હતો. કામ લગભગ પૂરું થવા આવ્યું હતું. દસ વાગવામાં થોડીક જ વાર હતી. કાર્તિકની મમ્મી પણ એના કામમાંથી પરવારી ધાર્યા કરતાં થોડી વહેલી આવી અને મૂંગા મૂંગા રૂમની થોડી વસ્તુઓ એને ઠેકાણે મૂકી પથારીની ચાદરો બદલવા લાગી. એના ચહેરાના ભાવ પરથી નક્કી નહોતું થઈ શકતું કે કાર્તિકે એને છોકરી વિશે વાત કરી છે કે નહિ. મારું કામ બાજુએ મૂકી મેં જ એને સીધો પ્રશ્ન કર્યો : ‘રમુ, કાર્તિકે તને કશી વાત કરી ?’
મારી સામે જોયા વિના ગાદલા નીચે ચાદર દબાવતાં દબાવતાં એણે જવાબ આપ્યો : ‘હા.’ પછી પાછું મૌન જાળવી રાખી તે ચાદરની ગડ સરખી કરવા લાગી. મારા મનમાં પણ હવે વાતની ગડ થોડી ઉકલવા લાગી અને ચિંતાભર્યા અવાજે મારાથી પૂછાઈ ગયું, ‘તેં શું કહ્યું ?’ મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે એ કશુંક મનોમન વિચારવા લાગી અને પછી રૂમનું બારણું બંધ કરી તે મારી પાસે આવી. એના ચહેરા પર વ્યથાનો ભાવ ઊપસી આવ્યો અને પછી ધીમેથી બોલી, ‘કાર્તિકને મેં કહ્યું કે બિહારી છોકરી માટે હું સંમતિ નથી આપી શકતી.’

આ સાંભળી હું હેબતાઈ ગયો. રમીલા આવું વલણ લેશે એ તો મેં કલ્પ્યું જ નહોતું. મને યાદ છે ત્યાં સુધી એવું ક્યારેય નથી બન્યું કે એણે ક્યારેય કાર્તિકને કશાયની ના પાડી હોય. મારું દુ:ખ બને એટલું દબાવી મેં સ્વાભાવિક અવાજે પૂછયું : ‘શા માટે ?’ રમીલાએ ટેબલ પર પડેલાં બે ત્રણ પુસ્તકો એની જગ્યાએ મૂકી દીધાં ને પછી મારી સામે ખુરશી પર બેઠી. મારી સામે થોડી વાર સુધી જોઈ રહી ને પછી બોલી, ‘તમને તો ખબર જ છે કે મને બિહારી લોકો ગમતા નથી, તો પછી આ ઘરની વહુ તરીકે એક બિહારી છોકરીને હું કેવી રીતે સ્વીકારી શકું ! અને મારા મનમાં એક બીજી વાત પણ છે. તમને ખ્યાલ હોય તો આપણે અમદાવાદ છોડ્યું ત્યારે મારી બહેનપણી કુસુમને એક સરસ બેબી હતી, હવે તો એ પણ મોટી થઈ ગઈ હશે. મારો વિચાર ત્યાં કાર્તિક માટે પ્રયત્ન કરી જોવાનો છે.’ આટલું બોલી મારી સામે કંઈક અપેક્ષાથી તે જોઈ રહી.

મેં જવાબ આપ્યો : ‘રમુ, બિહારી લોકો ગંદા છે એમ કહી તું એમની સામે સૂગ રાખે છે, પરંતુ આપણે અમદાવાદ છોડી, ગુજરાત છોડી કેટલાંય વર્ષોથી આ જ બિહારને આપણું વતન બનાવ્યું છે, અહીં જ મેં મારો ધંધો વિકસાવ્યો છે, આ જ ધરતી પર આપણે મકાન બંધાવ્યું, એટલે બિહારી લોકો પ્રત્યેનો તારો પૂર્વગ્રહ મને ક્યારેય રુચ્યો નથી અને એટલું જ નહિ પણ કાર્તિકે પસંદ કરેલી છોકરી ને તો તેં જોઈ પણ નથી. શું કાર્તિક પર તને વિશ્વાસ નથી ?’ આટલું કહી હું સહેજ થોભ્યો, પરંતુ રમીલાએ કશો જવાબ ન આપ્યો. પછી મેં આગળ કહ્યું : ‘તું તારી બહેનપણી કુસુમની વાત કરે છે પણ તું એમ કેમ નથી વિચારતી કે તેં કહ્યું એ પ્રમાણે હવે તે મોટી થઈ ગઈ હશે, હું એની બેબીની વાત કરું છું, તેને એની એક આગવી દુનિયા હશે, સંભવ છે કે એણે પણ કાર્તિકની જેમ કોઈ છોકરો પસંદ કરી લીધો હોય, એ પણ શક્ય છે કે કદાચ એનાં લગ્ન પણ થઈ ગયાં હોય, અને રમીલા, મને સૌથી વધારે નવાઈ તો એ વાતની લાગે છે કે જે કારણથી આપણે વર્ષો પહેલાં ગુજરાત છોડ્યું, જે હકીકતને આપણે વર્ષોથી પાછળ હડસેલતાં આવ્યાં છીએ એને હવે તું પ્રકાશમાં લાવવા ઈચ્છે છે ? આટલાં વર્ષો પછી કાર્તિકનાં લગ્ન માટે જો ગુજરાત તરફ દષ્ટિ નાખવાની હોય તો પછી ગુજરાત –’

ત્યાં તો અધવચ્ચે જ રમીલા બોલી ઊઠી, ‘મને કુસુમ પર વિશ્વાસ છે. હું એને લખી જોઉં, લગ્ન કલકત્તામાં પણ થઈ શકે.’ હું હવે થોડો ઉત્તેજિત થઈ ગયો, આવેશમાં આવી હું બોલી ઊઠ્યો, ‘રમીલા, તારા કે તારા વિચારો કરતાં, તારી કે મારી ગણતરીઓ કરતાં પ્રેમ એ એક મોટી ભાવના છે. કાર્તિકને રેણુ દ્વિવેદી નામની છોકરી પ્રત્યે પ્રેમ છે એનું શું ? અને એ રેણુ સાથે જ લગ્ન કરી કાર્તિકને એની સાથે જ જીવન જીવવું હોય તો એના જીવન જીવવાના અધિકાર સામે તું કે હું કેવી રીતે આવી શકીએ ? તું એને જોયા વગર જ ના કઈ રીતે કહી શકે ?’

મારા બધા પ્રશ્નોના જવાબ એની પાસે તૈયાર જ હોય એટલી ઝડપથી રમીલા એકદમ બોલી : ‘જુઓ, મેં કાર્તિકને લગ્ન કરવા માટે ના નથી પાડી. એણે પૂછ્યું ત્યારે મેં તો મારી સંમતિ નથી એટલું જ કહ્યું છે, કાર્તિકના અધિકારની વાત કરો છો તો મને પણ મારી લાગણી વ્યક્ત કરવાનો શું અધિકાર નથી ? છતાંય એ રેણુ પ્રત્યે જો કાર્તિકને પ્રબળ પ્રેમ હશે ને જો એની સાથે જ લગ્ન કરશે તો આ ઘરમાં નવવધૂનું સ્વાગત કરવા હું તમારી સાથે જ ઊભી હોઈશ અને એને પહેલું કુમકુમ તિલક હું જ કરીશ એટલી ખાતરી રાખજો.’ હું જોઈ શક્યો કે આટલું કહેતાં કહેતાં એની આંખો ભીની થઈ ગઈ હતી. અમારી વાત અહીં જ અટકી.

બે-ત્રણ દિવસ સુધી અમારા ત્રણમાંથી કોઈએ પણ આ બનાવ વિશે વાત કાઢી નહિ – જાણે કે કશું બન્યું જ નથી. ઘરનો બધો વ્યવહાર શાંતિથી, સરળતાથી ચાલતો હતો. કાર્તિકની વર્તણૂંક પણ એવી હતી કે જાણે એને કશી ફરિયાદ કરવાની નથી. એવી જ પૂર્વવત શાંતિથી, સ્વસ્થતાથી જીવન જીવતો હતો અને એની અભ્યાસની ચોપડીઓમાં મગ્ન રહેતો હતો, પરંતુ કશોક ભાર મારા મનને દબાવી રહ્યો હતો. મને સતત એમ થયા કરતું હતું કે કશુંક ખોટું થઈ રહ્યું છે. આ ઘરમાં અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાયને મૂંગા મોંએ જોનાર સહન કરનાર પણ એ અન્યાયને વધારી રહ્યા છે, છતાંય હું કશું બોલી શકતો નહોતો. રમીલા કશું બોલવા માગતી નહોતી. કાર્તિક પણ એકેય શબ્દ બોલવા માગતો નહોતો. પાસે પડેલું કામ હાથ પર લેવાનું મન થતું નહોતું. અમસ્તો જ બેઠો હતો, ત્યાં તો કબૂતર જેવડું કોઈ ધૂળિયું પંખી મારી હાજરીની કોઈ પણ જાતની નોંધ લીધા વગર એના ટૂંકા ટૂંકા પગથી કૂદકા મારી રૂમની દરેક વસ્તુને એની કાળી મજબૂત ચાંચ મારી તપાસી લીધી અને પછી કબાટ પર બેસી એની રતાશ પડતી ભૂખરી છાતી ફુલાવી ‘કરર….કરર…’ અવાજ દ્વારા મારી આજુબાજુના નિ:શબ્દ વાતાવરણને ધ્વનિત કરી મૂક્યું, એટલામાં કાર્તિક ટપાલમાં આવેલો પત્ર આપવા આવ્યો. પત્ર હાથમાં લેતાં મારાથી એને પૂછાઈ ગયું, ‘પછી કાર્તિક તેં શો નિર્ણય લીધો ?’

આવો સીધો જ પ્રશ્ન હું એને પૂછીશ એવું એણે માન્યું નહિ હોય. મારો પ્રશ્ન સાંભળી તે થોડોક મૂંઝાઈ ગયો અને સંકોચાતાં સંકોચાતાં જવાબ આપ્યો : ‘મમ્મીની ઈચ્છા નથી.’ થોડો વિચાર કરીને મેં કહ્યું : ‘એ તો બરાબર છે, પણ મને લાગે છે કે મુખ્યત્વે તો આ તારો પ્રશ્ન છે. બીજી કોઈ વ્યક્તિની ઈચ્છા કે અનિચ્છા વચ્ચે લાવ્યા વિના તારે પોતાએ એમાં સ્વતંત્ર નિર્ણય જ કરવો જોઈએ…. અને…. અને એ છોકરીના હૃદયમાં તેં અપેક્ષા ઊભી કરી એનું શું ? કાર્તિક એની આંખો નીચી ઢાળી મને સાંભળતો હતો. એવું જ લાગતું હતું કે વચ્ચે બોલવાની કે તરત કશો જવાબ આપવાની એની ઈચ્છા નથી.
થોડી વાર પછી અસહાયતા અને લાગણીભર્યા અવાજે તે બોલ્યો : ‘પણ પપ્પા, અત્યાર સુધી મારા જીવનમાં મેં મમ્મીની ઈચ્છા વિરુદ્ધ કશું કર્યું નથી ને આજે હવે એની ઈચ્છા વિરુદ્ધ કેવી રીતે જઈ શકું !’ ને આટલું બોલી જવાની રજા માગતો હોય તેવી રીતે મારી સામે જોઈ રહ્યો. કાર્તિકનો જવાબ સાંભળીને મને લાગ્યું કે એની આ ભાવનાને સામે પક્ષે મારે હવે જે વાસ્તવ છે, સત્ય છે એ એની સામે મૂકવું જોઈએ ને અમે ઊભી કરેલી વંચનાનું આવરણ આજે હવે મારે દૂર કરવું જ જોઈએ.

પેલું ધૂળિયું પંખી કબાટ ઉપરથી ઊડી રૂમની હવામાં થોડી પાંખો ફફડાવી બારીની બહાર કોશી ગામની દિશા તરફ દૂર દૂર જતું રહ્યું. કાર્તિકની સામે દષ્ટિ સ્થિર કરી મેં એને કહ્યું : ‘જો કાર્તિક, આજે હવે તને હું એક સાચી વાત કહેવા માગું છું, એટલા જ માટે કે એ વાત જાણી તું સાચો નિર્ણય લઈ શકે, વચ્ચે કશું ના બોલીશ, પહેલાં મારી વાત પૂરેપૂરી સાંભળ. તું તારી મમ્મીની ઈચ્છા વિરુદ્ધ જીવનમાં કશું કરવા માગતો નથી, તે એટલે સુધી કે તારો પોતાનો એક લાગણીભર્યો સંબંધ તું એને ખાતર આજે જતો કરવા તૈયાર થયો છે, પરંતુ આજે મારે તને દુ:ખ સાથે કહેવું પડે છે કે એ તારી સગી મમ્મી નથી….. કાર્તિક, તું અમારો દત્તક પુત્ર છે. કેટલાંય વર્ષો પહેલાં જ્યારે લગભગ તું એક વર્ષનો હતો ત્યારે અમે તને દત્તક લીધો હતો. અમે અમદાવાદમાં હતાં અને તું પણ અમદાવાદમાં જ જન્મ્યો હતો. પરંતુ અમને મનમાં ભય હતો, વહેમ હતો કે તું મોટો થઈશ એટલે આજુબાજુના ઓળખીતા લોકો તને કહેશે કે તું તો દત્તક છોકરો છે અને એવું પણ બને કે આ વાત જાણ્યા પછી તું અમને મમ્મી-પપ્પા તરીકે ચાહી ન શકે, સ્વીકારી ન શકે. અમારી સાથે જીવતાં જીવતાં તું મનમાં કશીક ગૂંગળામણ અનુભવે…. અને…. અને… આવું કશું ન બને એટલા માટે લગભગ વીસ એકવીસ વર્ષો પહેલાં અમે અમદાવાદ છોડી દીધું, ગુજરાત છોડી દીધું. એની સાથેનો બધો જ સંબંધ, બધો જ વ્યવહાર બંધ કરી દીધો… ને…ને… દૂર દૂર અહીં રાંચી પાસે આ ધૂર્યા ગામમાં વસ્યાં….. ને… ને… આજે તને આ બધું એટલા માટે કહું છું કે –’

પણ આટલું બોલતાં હું અચાનક અટકી ગયો, મેં જોયું તો કાર્તિક મને સાંભળતો જ ના હોય એમ કોઈ મૂંગા પ્રાણીની જેમ ભીંત સામે ટગર ટગર જોઈ રહ્યો હતો, નિષ્પ્રાણ અને નિ:ચેતન કોઈ પદાર્થની જેમ સ્તબ્ધ થઈ ઊભો હતો. એને લગીર સ્પર્શ કરવા હું ધીમેથી બોલ્યો, ‘કાર્તિક….’ પણ જવાબમાં એની અંદર વહેતા લોહીના ધબકારાના કંપથી, બેબાકળી આંખો દ્વારા, ધ્રૂજતા ફફડતા હોઠથી એ માંડ એટલું બોલી શક્યો : ‘પપ્પા, તમે આ શું કર્યું !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કરંડિયો – વિકાસ નાયક
બે ગઝલો – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ Next »   

24 પ્રતિભાવો : પપ્પા, તમે આ શું કર્યું ! – વિભૂત શાહ

 1. સરસ વાર્તા. કાર્તિક હોય ત્યાં વાર્તા કે બીજું બધું સારૂ જ હોય ને 😉

 2. Ashutosh N.Mistry says:

  The best story.

 3. Mahendi says:

  really nice story very touchy moment at last nice work keep it up Mr shah

 4. Bindiya says:

  Good, However I didnt understand the end. Can anyone one explain that to me?

 5. Dipika says:

  ‘પપ્પા, તમે આ શું કર્યું !’ યોગ્ય કહ્યુ, જન્મ આપવાથી નહી પણ, સરો ઊછેર કરવાથી મા બની શકાય છે.
  kartik’s understanding is great. he belives his mother as a true mother even though she had not born him. so he is more matured than his father.

 6. pragnaju says:

  અમારી,તમારી, આપણા સૌના કુટ્ંબની વાસ્તવીક સુંદર વારતા
  ધન્યવાદ વિભૂત શાહ

 7. Pinki says:

  અંતમાં વિભૂતભાઈ આખી વાર્તાને એક અકલ્પનીય
  વળાંક આપી દે છે …. અને અંતિમ પ્રશ્ન એને
  ચીરસ્મરણીય બનાવી દે છે…. !!

  સુંદર રચના……!!

 8. Jinal says:

  ખુબ જ સરસ
  ખરેખર તો આવી વાર્તા ઓ વધુ આવવી જોઇએ. દરેક વખ્તે Parents સાચા જ હોય તે જરુરી નથી. પન અમુક conservative mind ના લોકો તો બસ એવુ જ ધારે છે કે son or daughter in law is always wrong. પછી તે ગમે ત વાત હોય્, લગ્ન નિ વાત હોય ક લગ્ન પછી અલગ રહેવાની. Some people have habit to say no to everything that their children would like to do. They will say “NO” at first, then after the kids become poor..Karvu hoy to pan sanskaro vachma aave. manma samsamine rahi jay .Kartik’s father is thinking really in a way of today’s day if you put the adoption thing on the side. Excellent job!!

 9. Sneha says:

  I didn’t get the end either…thought it was nice story

 10. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  ઘણી વાર્તાઓમાં અંતનું મહત્વ હોતું નથી. અંત અધ્યાહાર હોય છે. પાત્રોની સંવેદનાઓ, વાર્તાનો વળાંક તથા લેખકને જે મુખ્ય વાત પ્રસ્તુત કરવી હોય તે રજૂ થઈ જાય તો વાર્તાનો ત્યાં અંત આવી જાય છે.

  તેથી આ વાર્તામાં પણ કાર્તિકનું લગ્ન થયું કે નહિ ? તે બાબત અસ્થાને છે. પરંતુ વ્યક્તિનું દૂરના પ્રદેશમાં પ્રસ્થાન કરવાનું કારણ, કાર્તિકની મમતા સામે તેના પિતાની વાસ્તવિકતા.. સાથે પાત્રોના સંવાદો વગેરે બાબતો વધુ અગત્યની લાગે છે.

  આશા છે વાચકો વાર્તાને વધારે સારી રીતે માણી શકશે.

  લિ.
  તંત્રી – મૃગેશ શાહ

 11. ભાવના શુક્લ says:

  સુંદર ક્યાય ખલન વગરની પ્રવાહીત વાત વહેતી વહેતી અચાનક વેણ બદલે અને આખો વિસ્મયથી પહોળી રહી જાય…

  કાર્તીકનો પ્રશ્ન અનેક સંભવિત “અંત” મનમા મુકી જાય..
  ચએલેન્જીંગ સ્ટોરી!!!

 12. rutvi says:

  વાર્તા ના અંત મા કાર્તિક નો સવાલ, ” પપ્પા આ તમે શુ કર્યુ? ” અંત સાથે સહમત નથી થતુ.

  વાર્તા અધુરી લાગી.

 13. Meena says:

  મને આ લેખ ખુબ્જ ગમ્યુ its very touching story and the youth of todaty must read this

 14. Meena says:

  ખુબજ સરસ્!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 15. Hiral Thaker "Vasantiful" says:

  Realy nice story..! The arrangement of words are too good.!

 16. Rajan says:

  ” પપ્પા આ તમે શુ કર્યુ?” શિર્શક નિ જ્ગ્યાએ શિર્શક ”પપ્પા આ તમે શુ કહ્યુ” ના હોવુ જોઈયે?

  As some of you told, story is very nice, but end is confusing..

 17. Vaishali says:

  I think with the question ” પપ્પા આ તમે શુ કર્યુ?” karthik is asking his pappa that why did you tell me the truth… this one truth may create a big distance in between him and his parents… i think he is asking his dad what did you do by telling me the truth? Do you think by knowing the truth Karthik will be able to marry Renu? No… If he have been thinking of marring her against his mom so far, he won’t do it any more… because now there it’s not the love and respect of her mom but the obligations he feels he has from his parents will stop him to do that…

 18. ramesh patel says:

  ખુબ જ સરસ
  ખરેખર તો આવી વાર્તા ઓ વધુ આવવી જોઇએ

  ઘણી વાર્તાઓમાં અંતનું મહત્વ હોતું નથી. અંત અધ્યાહાર હોય છે. પાત્રોની સંવેદનાઓ, વાર્તાનો વળાંક તથા લેખકને જે મુખ્ય વાત પ્રસ્તુત કરવી હોય તે રજૂ થઈ જાય તો વાર્તાનો ત્યાં અંત આવી જાય છે.
  તેથી આ વાર્તામાં પણ કાર્તિકનું લગ્ન થયું કે નહિ ? તે બાબત અસ્થાને છે. પરંતુ વ્યક્તિનું દૂરના પ્રદેશમાં પ્રસ્થાન કરવાનું કારણ, કાર્તિકની મમતા સામે તેના પિતાની વાસ્તવિકતા.. સાથે પાત્રોના સંવાદો વગેરે બાબતો વધુ અગત્યની લાગે છે.

  આશા છે વાચકો વાર્તાને વધારે સારી રીતે માણી શકશે.

 19. saurabh desai says:

  Story was very good .looks intresting but suddenly it stop.Does not undersatnd the meaning of last sentence.It is true that not require to know weather he marry to that girl or not but need to explain the meaning of last sentence.

 20. nisha vipul patel says:

  વાર્તા આમ તો સારિ ચ્હે. પરન્તુ અન્ત સારો નથિ………………………….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.