બે ગઝલો – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
[રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા માટે શ્રી શૈલેષભાઈનો (વિરપુર. જિ. ખેડા) ખૂબ ખૂબ આભાર.]
[1] એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને…
જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
બંધ આંખે ચિત્ર આખું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
તેં કહ્યું ને મેં તરત માની લીધું, પણ કંઈ સમસ્યા દોસ્ત રસ્તામાં હતી.
ઘર વગર સરનામું કાયમ શોધવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
સૂર્ય પાછો કાં ઊગ્યો ? કાં આથમી સાંજે ગયો… ? ને રાત પણ શાને થઈ ?
રોજ ઊઠી કોક કારણ ખોળવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને ?
એમણે એવો સમયને આંતર્યો, કે ત્યાં જ ખોવાઈ ગયા’તા આપણે
વ્યર્થ ઘટનાઓ નિહાળી ડોલવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
આપણા હાથે જ સંબંધો સતત ઊગ્યા હતા, ફાલ્યા હતા ને અંતમાં,
આપણા હાથે જ સગપણ તોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
.
[2] મને શોધ્યા કરું…
વાત ચર્ચાની નથી કે હું સતત બોલ્યા કરું.
હોઠને પણ હોઠ પર રાખી, મને શોધ્યા કરું.
આંખ ખુલ્લી ક્યાં હતી કે આ શરમ વળગી પડી ?
આંખ પડખું ક્યાં ફરી કે આવરણ ઓઢ્યા કરું.
એક ઊંડા અર્થ વચ્ચે રોજ પડવાનું હતું,
એક ઊંડા મૌનથી વિશ્વાસને જોડ્યા કરું.
ક્યાં હતો હું ? ક્યાં હતી તું ? કોણ શોધે શ્વાસને ?
જો પરમના દ્વાર પર પહોંચી, સડક છોડ્યા કરું.
ભોગ ક્યાં છે ? ભાગવું ક્યાં છે ? સતત જાગૃત છું.
ભાવ સાક્ષીનો જ રાખી જિંદગી ખોલ્યા કરું.
Print This Article
·
Save this article As PDF
બહુ જ સરસ .
એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
સુંદર કાફિયા….!!
પિંકીબેન,
એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને – આ રદીફ છે…
દોડવાનું, દોરવાનું, ખોળવાનું, શોધવાનું – આ કાફિયા છે…
બંને ગઝલો મજેદાર છે, શૈલેષભાઈ… ખૂબ અભિનંદન… આપનું તખલ્લુસ આપની ગઝલોમાં ડોકાતું નથી… કોઈ ખાસ કારણ ?
ખુબ જ સુન્દર શૈલેશભાઇ.
ખૂબ ખૂબ અભનંદન
બન્ને ગઝલો સરસ
તેમાં આ શેરો વધુ ગમ્યા
સૂર્ય પાછો કાં ઊગ્યો ? કાં આથમી સાંજે ગયો… ? ને રાત પણ શાને થઈ ?
રોજ ઊઠી કોક કારણ ખોળવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને ?
ભોગ ક્યાં છે ? ભાગવું ક્યાં છે ? સતત જાગૃત છું.
ભાવ સાક્ષીનો જ રાખી જિંદગી ખોલ્યા કરું.
ધન્યવાદ
સરસ અભિવ્યક્તિ….
સુંદર…
એક્દમ સરસ છૅ બન્ને ગઝલ, ખરેખર સ્પર્શિ ગઈ
ભોગ ક્યાં છે ? ભાગવું ક્યાં છે ? સતત જાગૃત છું.
ભાવ સાક્ષીનો જ રાખી જિંદગી ખોલ્યા કરું.
……………………………………….
અદભુત!!!!!!!!!મન ની શ્રેષ્ઠ કક્ષા….
સુંદર અનુભુતી શબ્દોમા ઢળી…
કવિ અને સંત આત્મા જ આ અનુભુતી પામી શકે છે.
શૈલેષભાઈ…ખુબ ખુબ અભિનંદન.. બહુ સરસ રચનાઓ સુંદર શબ્દો સાથે માણવા મળી.
સુંદર અને હ્રદય સ્પર્શી
Its a deft skill of artistic writing ..
Keep this creative skill alive pandya bhai .
બન્ને ગઝલ મજાની છે શૈલેષભાઈ. લિન્ક મોકલવા બદલ આભાર.