ભિન્ન ષડ્જ – હરિશ્ચદ્ર જોશી
[ બોટાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની ફરજ બજાવતાં તેમજ પૂ. મોરારિબાપુની કથામાં વર્ષોથી સ્વરની સેવા આપતા શ્રી હરિશ્ચદ્રભાઈના પુસ્તક ‘ભિન્ન ષડ્જ’ માંથી એક-બે રચનાઓ આપણે સપ્ટેમ્બર-2007માં માણી હતી. આજે માણીએ તે જ પુસ્તકમાંની તેમની અન્ય ઉત્તમ કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી હરિશ્ચદ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 98242 10310 ]
[1] એકલું એકલું લાગે
એકલું એકલું લાગે
સાંયા, એકલું એકલું લાગે,
દૂરને મારગ જઈ વળે મન
સૂનકારા બહુ વાગે…..
સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું,
ઝૂરવું મ્હોર્યા ફાગે….
રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત
આંખ સોરાતી જાગે….
એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે ?….
એકલું એકલું લાગે
સાંયા, એકલું એકલું લાગે,
દૂરને મારગ જઈ વળે મન
સૂનકારા બહુ વાગે…..
[2] કેવળ વાદ-વિવાદા
અવધૂ, કેવળ વાદ-વિવાદા
સૂર્ય જેવડું સત કહેવામાં
પડી ગયા વિખવાદા…
સમજેલાએ હોઠ સીવ્યા
વણસમજુ ગાલ વગાડે,
ટોચ ચડ્યા જે અંદર ઊતર્યા
બ્હાર ગયા તે ખાડે;
ઓળખની આડે ઝૂલે છે
જુગ જુગ જૂના પ્રમાદા….
કોઈ એકડો ઘૂંટે
કોઈ શૂન્ય મૂકે મન ઉપર,
પાટી કોરી રહી કોઈની
લખતું કોઈ ગગન પર;
અઘરી અઘરી વાત સહુની
સત હૈ સીધા-સાદા….
અવધૂ, કેવળ વાદ-વિવાદા
સૂર્ય જેવડું સત કહેવામાં
પડી ગયા વિખવાદા…
.
[3] મારા મન !
ચોરસ ન ઊતરે ચાકડા પર માન મારા મન !
હર વાતનું તું રાખ અનુસંધાન મારા મન !
ગંડો પ્રથમ બંધાવ બુલબુલ, કીર-કોયલનો,
સૂરને સજી છેડો ગભીરાં ગાન મારા મન !
આળેખતું ત્યાં કોણ નભ મલ્હારના રંગે ?
અહીં કોઈ ઝરમર ભીંજવે છે ભાન મારા મન !
ઉલ્હાસની અરધીય પળ ના પાલવે ખોવી,
દેજે અધૂકડાં સ્મિતને સન્માન મારા મન !
પોતે જ પોતાના વિષે રચતું રહી તરકટ,
ખુદને જ રાખે છે પછી તું બાન મારા મન !
.
[4] સખને સામે તીર
સૈયર, સૈયર, આજ અચાનક કમખે બેઠો મોર
સાવ નોધારી છાતીએ મારી ઘૂઘવે રે કલશોર
સૈયર, સૈયર, ચૂંદડીમાં કંઈ આભલાં ઝળક ઝળક
સામટા સૂરજ ઊગતા ભેળી હું ય તે લળક લળક
સૈયર, સૈયર, હેલ્યની હાર્યે છલક છલક હુંય
કોણ જાણે સમજાય નહીં કૈં લોહીમાં થાતું શુંય !
સૈયર, સૈયર, જીવમાં ઊગ્યું ઝાડવું રે લેલૂંબ
મનને ફૂટ્યાં તોરણ લીલાં ઝૂલતાં લૂંબાઝૂંબ
સૈયર, સૈયર, વીરડામાં જેમ આછરે ડહોળાં નીર
આછરી એવી હુંય તે આજે સખને સામે તીર
સૈયર, સૈયર, સપનું આવ્યું ઢળતી રાતે મૂઈ !
ઉંબરો, શેરી, ધૂળિયું પાદર ઝપ્પ શી ઠેકી ગઈ
Print This Article
·
Save this article As PDF
There are so many and various short stories about each plot except thriller and suspense. So if possible include those also.
સુંદર કાવ્ય રચનાઓ…
હરિશ્ચંદ્ર જોષીની રચનાઓ ગરવી ગુજરાતીનો એક આગવો અવાજ છે… એમના કાવ્યોનો લય, અર્થ- ગાંભીર્ય, ઈશ્વર સાથેનું અનુસંધાન અને તળપદી ભાષા ભાતીગળ ભાત ઉપસાવે છે…
શ્રી હરિશ્ચદ્રભાઈની સતત સત્સંગ અને ભક્તીના પરિપાક રુપ ભજન જેવી ખૂબ સુંદર રચનાઓ
આ પમ્ક્તીઓ તો વારંવાર વાગોળવાનું મન થાય તેવી
પોતે જ પોતાના વિષે રચતું રહી તરકટ,
ખુદને જ રાખે છે પછી તું બાન મારા મન !
એકલું એકલું લાગે
સાંયા, એકલું એકલું લાગે,
દૂરને મારગ જઈ વળે મન
સૂનકારા બહુ વાગે…..
અવધૂ, કેવળ વાદ-વિવાદા
સૂર્ય જેવડું સત કહેવામાં
પડી ગયા વિખવાદા…
જે સતત સ્વના સત્સંગમાં હોય તેની કૃતિ પર શું ટીપ્પણી આપી શકીએ……અહીં મોરારીબાપુની વાણી અને વિચાર પણ ઝળકે છે….અતિ ઊતમ રચનાઓ…
પ્રિય વાચકમિત્રો,
શરતચૂકને કારણે ઉપરોક્ત પુસ્તકમાં પુસ્તકપ્રાપ્તિની વિગતો આપવાની રહી ગઈ છે જે નીચે પ્રમાણે નોંધી લેશો :
કુલ પાન : 111.
કિંમત રૂ. : 80
પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન, જી-15 યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ – 380 009.
ધન્યવાદ.
સુંદર રચનાઓ..માણવી ખુબ ગમી..