સાહસનો રોમાંચ – કુંજન મહેતા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી કુંજનભાઈનો (ભૂજ-કચ્છ) ખૂબ ખૂબ આભાર.]

શિયાળાના ઠંડીના દિવસોમાં એક રવિવારે મેં અને સહાધ્યાયી મિત્ર જયેશે અનુભવી પર્વતારોહક મિત્ર કિરણ સાથે પાવાગઢ પર્વતના પાછળના ભાગેથી આરોહણ સાહસ ખેડવાનું નક્કી કર્યું. કિરણ ઘણી વખત પાવાગઢના આ પાછળના જંગલ જેવા વિસ્તારમાંથી ટ્રેકિંગ કરી આવ્યો હતો. જયેશ પણ થોડો અનુભવી ટ્રેકર હતો. હું તો સાવ નવોસવો. મેં ક્યારેય આવું સાહસ કરેલું નહિ. પરંતુ જયેશના પ્રેમપૂર્વકના આગ્રહ અને કંઈક નવું કરવાના ઉત્સાહ સાથે જોડાયો હતો.

અમે વહેલી સવારે પાણી, નાસ્તો જેવી જરૂરી વસ્તુઓ લઈ તૈયાર થઈ ગયા. વડોદરાથી બસ પકડીને પાવાગઢના પાછળના ભાગે ઉતરી પડ્યા. ત્યાંથી ચાલીને તળેટી સુધી પહોંચ્યા. ત્યારબાદ કિરણ આગળ, હું વચ્ચે અને જયેશ પાછળ એમ લાઈનમાં થોડા થોડા અંતરે રહીને ચડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પથરાળ અને ખડકાળ ચડાણ હોવા છતાં બે પગ સાથે બે હાથના ટેકે-ટેકે ચડવામાં ખાસ કંઈ તકલીફ પડી નહિ. અમે પર્વતની ટોચ પહેલા આવતા મોટા મેદાનના ભાગમાં પહોંચી ગયા. કિરણના કહેવા મુજબ આ મેદાનમાંથી જતી એક કેડી છેક ટોચ સુધી દોરી જતી હતી. તે આ માર્ગે ઘણીવાર આવી ચૂક્યો હતો. પરંતુ આ મેદાનમાં આસપાસ વૃક્ષો અને ટેકરાઓ ઘણા હોવાથી કેડીનો એ રસ્તો સરળતાથી દેખાય નહિ.

અમારી મુશ્કેલીની શરૂઆત અહીંથી થઈ. ઘણી બધી વખત આ રૂટ પર આરોહણ કરી ચુકેલો કિરણ પણ કંઈક ભૂલ-થાપ ખાઈ ગયો. તેને કેડી ક્યાં છે તેનો અંદાજ આવતો નહોતો. તે પોતાના અનુભવો અને કેટલાક નિશાનોને આધારે કેડી શોધી રહ્યો હતો, પણ કેમે કરીને મેળ પડતો નહોતો. અમે મેદાનમાં વગડા જેવા વિસ્તારમાં ચારે બાજુ પરિઘમાં ફરતે ફરતે ખીણની ધાર પર આવેલી જોખમી કેડીઓ પર ચાલીને પુરાતન ખંડેરો સુધી પહોંચી ગયા. ત્યાં મૃત પશુઓના હાડપિંજર જોઈને થોડા ડરી ગયા. અમે બરાબરના ગોટે ચડ્યા હતા. વળી આ કેડીની શોધમાં અમે વીસેક ફૂટ ઊંચી કરાડવાળી જગ્યાએ ચડી ગયા, જ્યાંથી પાછા નીચે ઉતરવામાં તો મારા હાલહવાલ થઈ ગયા.

મારા માટે આવો પહેલો જ અનુભવ હતો. આથી હું બંને મિત્રોને પાછા ફરી જવા માટે સમજાવવા લાગ્યો. વળી, આ જંગલ જેવા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ પણ વસતા હતા. આથી મને એમ લાગતું કે કંઈ ના થવાનું થાય તો કોણ અમારી મદદે આવશે ? આથી હું થોડો ઢીલો પણ થઈ ગયો હતો. થાક પણ સારો એવો લાગ્યો હતો.

પરંતુ કિરણને પોતાના અનુભવ અને શક્તિમાં વિશ્વાસ હતો. જયેશ પણ પાછી પાની કરવા માગતો નહોતો. તેઓ બંને મને કેડી મળી જ જશે એવો વિશ્વાસ અપાવતા હતા. મારી પાસે તેમને સાથ આપવા સિવાય વિકલ્પ નહોતો. મને-કમને મારે સાથ આપવો જ પડ્યો. જો કે પાછા ફરી જવા માટે મારું રટણ લગભગ ચાલુ જ હતું. પરંતુ મારા બે મિત્રો તો જાણે કેડી હસ્તગત કરવા માટે હિંમતપૂર્વકનો વિશ્વાસ અને રોમાંચ અનુભવી રહ્યા હતા !

કેડી શોધ અભિયાને અમને થાકીને લોથપોથ કર્યા. થોડીવાર શાંતિથી છાંયો શોધી બેઠા. સાથે લાવેલો નાસ્તો અને ફળોને ન્યાય આપી પાણી પીધું. મન શાંત કરીને કિરણ પોતાની સ્મૃતિઓને ઢંઢોળવા લાગ્યો, કે જેથી કેડી મળે. કિરણ ઊભો થઈને નિશાનો યાદ કરતો ફરીથી કેડી શોધવા લાગ્યો. જયેશ અને હું જરા શાંતિથી બેઠા હતા. કેડી શોધ અભિયાનમાં કિરણ જરા આગળ નીકળી ગયો. હવે તેની અને અમારી વચ્ચે વૃક્ષોની આડાશ આવી ગઈ હતી.

થોડીવાર થઈ હશે ત્યાં કિરણની બૂમ સંભળાઈ. અમને ધ્રાસ્કો પડ્યો, શું થયું ? ત્યાં તો તરત જ ‘કેડી મળી ગઈ’ એવી બૂમ સંભળાઈ. હર્ષનાદ કરતા અમે બંને ઉઠ્યા અને બૂમની દિશામાં દોડવા માંડ્યા. કાલિકા માતાજી અમારી ધીરજ અને હિંમતની કસોટી કરીને વહારે આવ્યા હોય, એવું મને લાગ્યું. ત્રણે જણા સડસડાટ કેડી પર આગળ વધવા માંડ્યા. દસેક મિનિટ કેડી પર પર્વતની ટોચ તરફ ચડ્યા હોઈશું કે ટોચ પર કાલિકા માતાજીના મંદિરના શિખરના દર્શન થયા. મારા જીવમાં જાણે જીવ આવ્યો ! પગમાં નવું જોર આવ્યું. શિખરે પહોંચી – ત્રણે જણે ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યાં. અમે ખૂબ જ આનંદિત હતા. અમારા સાહસનો વિજય થયો એવી લાગણી અનુભવતા અમે ધબાધબ માચી તરફના પાવાગઢના ભાગે ઉતરવા લાગ્યા. આ રોમાંચક સાહસિક અનુભવ બાદ મને પણ આવા અવનવા સાહસો કરવાનો કિરણ અને જયેશની જેમ શોખ લાગી ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભિન્ન ષડ્જ – હરિશ્ચદ્ર જોશી
આદર્શવાદી યજમાન ! – ફિલસૂફ Next »   

15 પ્રતિભાવો : સાહસનો રોમાંચ – કુંજન મહેતા

 1. mr chakachak says:

  જીવનમાઁ જોખમ લેતો જા..

  જો તુ સફળ થઈશ તો તને લાભ મળશે….
  અને જો નિષ્ફળ થઈશતો અનુભવ..

  http://www.alwaysthankgod.blogspot.com

 2. મને તમે મારી પાવાગઢ ની યાત્રા યાદ કરાવી દીધી….
  યા હોમ કરી ને પડો, ફતેહ છે આગે….

 3. ભાવના શુક્લ says:

  યાત્રાની તો મજેદાર રહી અને ભાષા એથી પણ વધુ મજેદાર… આ રહ્યો નમુનો..
  ………………
  અમે બરાબરના ગોટે ચડ્યા હતા.

 4. Vaishali says:

  યા હોમ કરી ને પડો, ફતેહ છે આગે…. પછી ભલે વાગે…

 5. Bhupendra says:

  શાબાસ સાહસ મા સફળ થયા અહી તમારો અનુભવ વાચી ખૂબ આનંદ્

 6. Bhupendra says:

  સાહસ મા સફળ થયા વાંચી ખુબ આનંદ

 7. I have done that my self when I was a student in 10th grade. I went to Pavaghade with school friends but we didn’t get lost or anything – For what ever reason, we started climbing from back and some how, we endup on the top of the mountain – facing the tample. Took us about good six to seven hours but it was all worth it. Good times!!!

 8. Bhupendra says:

  સાહસ મા તમારા ભાઈબધે હિમત રાખી એવી હિમત થી સાહસ કરો તે લેખ લખી મોકલશો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.