આદર્શવાદી યજમાન ! – ફિલસૂફ

એક વાર યજમાનોના સ્વાગત વિષેની વાતચીતમાં બટુકભાઈએ પોતાના એક મુરબ્બી વડીલની વાત કહી નાખી. તે વડીલ તેમના પિતાશ્રીના ખાસ મિત્ર, એટલે શહેરમાં કામે આવે ત્યારે હંમેશા તેમના ઘેર જ ઊતરે. બે-ચાર દિવસ ઓછાવત્તા રહે પણ તેમની ખાસિયત પ્રમાણે હંમેશાં પોતાના ‘દેશના’ લોકોની સુન્દર યજમાનવૃત્તિનાં વારંવાર વખાણ કરી શહેરના છીછરા (!) આવકારની સરખામણીમાં ઉતારે. એટલી બધી ચીપી ચીપીને વાતચીત કરે કે બટુકને તેમની પાસે ઘણું બેસવું ફાવતું નહિ. આમ છતાં વાતોમાં જ આદર્શો અને વિવેકનું દર્શન થતું તે પરથી આ ‘પિતામિત્ર’ પર બટુકને કંઈ માનવૃત્તિ રહેતી. વિદાય લેતાં હંમેશાં તેઓ બટુકના પિતાશ્રીને આગ્રહપૂર્વક બટુકને પોતાને ગામ મોકલવાનું કહેતા. બટુકની ઈચ્છા પણ કોઈ વાર બે-ચાર દિવસ આ આગ્રહને લીધે જ ત્યાં ગાળી આવવાની થતી. પરંતુ લાંબી અને તેય બાપુની ગાડીની મુસાફરી કરી એવા ગામ જવાનું મન તેને ભાગ્યે જ થતું.

થોડા મહિના પર બટુક પરીક્ષામાંથી થાકેલો, અને કંઈ ન સૂઝતાં આખરે એકાએક પેલા વડીલ કાકાની આદર્શ મહેમાનગીરી એકાદ-બે દિવસ ચાખવા ટ્રેનમાં ચડી બેઠો. સવારના સાડા અગિયારે તે સ્ટેશને પહોંચ્યો. બટુક સ્વભાવે શાન્ત અને શરમાળ પ્રકૃતિનો હોવાથી સામાન સ્ટેશને જ મૂકીને પૂછતાં પૂછતાં વડીલ કાકાને ઘેર આવી પહોંચ્યો.
‘અરે વાહ, બટુક તું ક્યાંથી ? બેસ ભાઈ, જરા પવન ખા.’ હાથમાં વીંઝણો મૂકતા કાકા બોલ્યા.
‘સીધો ઘેરથી જ અહીંઆં.’ બટુકે કહ્યું.
‘એમ ? ક્યાં ઊતર્યો છે ?’
‘ક્યાંય નહિ ખાસ, – સ્ટેશન પાસે ધર્મશાળામાં.’ બટુકથી બોલાઈ ગયું.
‘બહુ સારું, ઘણું ઉત્તમ. સ્ટેશનની નજીક એટલે સામાનની મજૂરી બચે. બે આનામાં તાળાકૂંચી સાથે ઓરડી મળે. ફાવે ત્યાં ફરો, સામાન આપણો સલામત. કેમ છે કંઈ અગવડ ?’
‘ના રે.’ બટુકને થયું કે ઠંડા પાણીથી જ સ્નાન કરવાનું છે.
‘એવું છે કે ધર્મશાળાનો મહેતો આપણો ખાસ સંબંધી છે. લાવ એક કાગળનો ટુકડો. એના પર ચિઠ્ઠી લખી આપું. પછી તને કંઈ જ અગવડ નહિ. એં, જરા જતી વખતે બે-ચાર આના એના છોકરાના હાથમાં મૂકતા જવા. એનું મોં કેટલું ?’
‘કાકા કાગળનો ટુકડો નથી, પણ ચિઠ્ઠીની કંઈ જરૂર નથી.’ બટુકે કહ્યું.
‘તો મારું નામ દેજે ને, એટલે ચાલશે. અને વાત કહું. અમારા ગામમાં વીશીનું સુખ તો એવું કે તમારા શહેરમાં પણ નહિ મળે. આ તારી ધર્મશાળાની જમણી બાજુમાં પેલા શંકર મહારાજની વીશી – હું કહું છું કે તારા ઘરની રસોઈ ભૂલી જઈશ બે ઘડી. માલ પણ ઉત્તમ. અનાજ, ઘી, બધું આપણી દુકાનેથી ખરીદે છે. મારી સલાહ માગે તો હું તને બીજી કોઈ વીશીમાં પ્રયોગ કરવાની સાફ ના પાડું છું ને આમે હું સાંજે સ્ટેશને ફરવા આવું છું ત્યારે શંકર મહારાજને મોઢે વાત કરી લઈશ. તું ચિંતા ના કરીશ કોઈ વાતે. અરે ભૂલ્યો હું તો; ચા પીશ ને ?’

‘ના રે કાકા, જમવાને સમયે ચા કેવી ? ખાવાનું બગડે ને ?’ બટુક ચાયે ચૂક્યો.
‘એ મને બહુ ગમ્યું. અત્યારે બપોરના બાર વાગ્યે ચા પીને કાળજું બાળવું ? તારા પિતાશ્રી પાસે હું ઘણી વાર કહું છું કે બટુકને તમે ખૂબ નિયમિત ટેવોવાળો બનાવ્યો છે. પિતાના સંસ્કાર છાના રહે ? બટુક, હું તો માનું છું કે આજકાલના જુવાનિયાઓ ચા પીને જ સ્વાસ્થ્ય ગુમાવતા જાય છે. હું પોતે પણ ચા નથી પીતો – માત્ર તારા ઘેર જ તારા પિતાને કંપની આપવા પીઉં તે જ. તને દૂધ આપત જરા વહેલો આવ્યો હોત તો. સાંજે છ વાગ્યે આવે તો તું ખુશ થઈ જાય એવું દૂધ પાઉં; સિવાય કે મારે છ વાગ્યે મહાજનની સભામાં જવાનું થાય ! પણ કંઈ નહિ, તારાં કાકી હશે ને ? અરે ઓ, સાંભળો છો કે ? આપણે આ બટુકભાઈ પધાર્યા છે તો જરા કાળી માટલીમાંથી ઠંડું પાણી લાવશો ?’

પાણી પીને બટુકે પૂછ્યું : ‘કાકા રજા લઉં ત્યારે ?’
‘અરે શી ઉતાવળ છે ? – અને જરા વરિયાળી મોકલજો. જો, આ ગામમાં આવ્યો છે તો તેની ઐતિહાસિક ચીજો જરૂર જોતો જજે. શિવાલય અને તળાવ બે ખાસ જોવા જેવાં છે. ઊભો રહે, હું પેલા ઘોડાગાડીવાળા સાથે ઠેરવી આપું. સાલા ઉસ્તાદ છે. બધા તારી પાસેથી ત્રણથી ઓછું ના લે. હું તને અઢી રૂપિયામાં આખ ગામમાં ફેરવવાનું નક્કી કરી આપું છું. પછી મૂઆ આઠ આના બક્ષિસના આપી દેવા. ગાડીવાળાનાં મોં કેટલાં ? જોને બરાબર ચાર વાગ્યે તારી ધર્મશાળા પાસે આવીને ટાંગો ઊભો હશે. અઢીથી વધારે માગે તો આપીશ નહિ. નહિ તો લાવજે મારી પાસે – હમણાં હમણાંથી મોંઘવારીને બહાને એ પણ જરા વાયડા બની ગયા છે.
‘કાકા, ગાડીની જરૂર નથી મારે તો વળતી ટ્રેનમાં પાછા જવું છે – ફરી કોઈ વાર બધું જોઈશું.’ બટુકે ઊઠવા માંડ્યું.
‘તો ભલે, તું તો ભારે ઉતાવળિયો નીકળ્યો. હશે, હવેની વેળા નિરાંત કરીને બેચાર દહાડા રહેવાનું કરીને આવજે, હોં. હું અઠવાડિયા બાદ તારે ત્યાં આવવાનો છું ત્યારે પિતાશ્રી પાસેથી લાંબી રજા અપાવીશ.’
‘આવજો કાકા.’
‘આવજે ભાઈ – જયહિંદ જયહિંદ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહસનો રોમાંચ – કુંજન મહેતા
ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી Next »   

15 પ્રતિભાવો : આદર્શવાદી યજમાન ! – ફિલસૂફ

 1. ગામડા કરતા શહેર ના લોકોની યજમાનવૃત્તિ વધારે સારી. એજ રીતે મારું તો એવું માનવુ છે કે દેશ કરતા વિદેશ માં રહેતા લોકો ની યજમાનવૃત્તિ વધારે સારી. એનુ કારણ છે… શહેર અથવા વિદેશ માં જઇ ને જે લોકો વસ્યા છે, તે લોકો મહેમાનોનું મહત્વ સમજે છે. તેમને મહેમાન ની કદર છે. બીજી રીતે જુઓ તો તેમને એ પણ ખબર છે કે આવેલ મેહમાન તેમના વગર તકલીફ માં મુકાઈ જશે. દેશ માં ને દેશ માં રહેલા લોકો ને મહેમાનો ની ઘણી વખત ઝાઝી પરવા નથી હોતી એવો મારો તો અનુભવ રહ્યો છે.

 2. સરસ….વાંચીને મજા પડી…ખરેખર આવા યજમાનો પણ હોય છે….!!!

 3. ભાવના શુક્લ says:

  ગામડા કે શહેર….દેશ કે વિદેશ…. આ માત્ર રુપક હોઇ શકે…
  હકિકતે તો આવી શિયાળવૃત્તી ધરાવતા યજમાનો ઘણ અનુભવમા આવ્યા છે.
  વાતમા જે આદર્શવાદી પણુ યજમાનશ્રી દાખવતા હતા તે કેટલુ “વ્યાજબી” હતુ તે મુલાકાતના સમયે બટુકભાઈને માણવા મળ્યુ. વડીલકાકાની દરેક બાબતમા બટુકને ઉપયોગી થવાની “ચેષ્ટાઓ” તેમની કહેવાતી શ્રેષ્ઠ!!!!! યજમાનવૃત્તી!!!! લેખકની કલમના કટાક્ષમા હુબહુ નિતરતી રહી…
  ધન્યહો આવા મિત્રો કે વડીલમિત્રો…..બે-ચાર જો હોય તો પણ ખરે કોઇ કામના ખરા!!!!

 4. ranjan pandya says:

  મે’માનગતિ માણવાના દિ વહી’ગ્યા આ જમાનામાં,બાકી કેવું પડે કાઠિયાવાડિ મેમાનગતિનું!! તા’ઈણ કરતા કરતા કોઇ દિ થાકે નહિ,તમે જમતા થાકો, સાચુ નો લાગતુ હોય તો આવજો કોઇ દિ અમારા કાઠિયાવાડમાં!!!!

 5. jignesh shah says:

  ખુબ જ સુન્દર રિતે વર્નવેલ વાર્તા.આજ ના દિવસો મા સમાજ નિ બદ્લાયિ રહેલિ તસિર નિ એક તસ્વિર પ્રસ્તુત કરેલ છે.

 6. Bhupendra Pandya says:

  કહેવિ પદે આ મહેમાનગિરિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.