ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

[વ્યવસાયે ‘સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર’ માં કાર્યરત એવા શ્રી પ્રણવભાઈ સ્વભાવે સાહિત્યકાર છે. વર્ષો સુધી તેમના નિબંધો અનેક નાના-મોટા સામાયિકોમાં સ્થાન પામ્યા છે. આ તમામ નિબંધોને સંકલિત સ્વરૂપે તાજેતરમાં ‘ગ્રીન લીફ’ પુસ્તકરૂપે તેમણે પ્રકાશિત કર્યા છે. તેઓના આ પુસ્તકમાંથી થોડા મહિનાઓ અગાઉ આપણે બે રચનાઓ માણી હતી. આજે માણીએ વધુ બે સુંદર કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 94264 59564 પર સંપર્ક કરી શકો છો.]

[1]
પ્રકૃતિનો એક અજબ ગજબ જેવો સિદ્ધાંત છે. જે પ્રવૃત્તિમાંથી આપણને આનંદ મળે એ પ્રવૃત્તિમાંથી જ આપણને ઊર્જા પ્રાપ્ત થતી હોય છે. સતત દોડાદોડી કરતું બાળક થાકતું નથી કારણ કે એ દોડાદોડીમાંથી જે આનંદ તેને મળે છે એ આનંદનું જ ઊર્જામાં રૂપાંતર થાય છે. આ આનંદ એટલે સ્થૂળ આનંદ નહીં પણ મનને જીવનરસથી તરબતર કરી મૂકે તેવો આનંદ. પોતાની રોજિંદી જિંદગીનો થોડો હિસ્સો પણ જે લોકો ગમતી પ્રવૃત્તિ પાછળ ગાળે છે તે લોકો માટે બાકીનો હિસ્સો અણગમતો હોય તો પણ તેના માટે જરૂરી ઊર્જાની ખોટ ક્યારેય સાલતી નથી.

આપણી ચારેબાજુ જાતજાતના શોખ ધરાવતા માણસો જોવા મળે છે. સામાન્ય નજરે ચિત્ર-વિચિત્ર દેખાતા શોખ પાછળ પાગલ થઈ જિંદગી વિતાવી હોય તેવા માણસોની વાતોથી તો ‘ગ્રીનેસ બુક ઑફ રેકર્ડઝ’નાં પાનાંઓ ભર્યાં છે. કોઈ પણ કળાનું મૂળ સ્વરૂપ તો આવા શોખમાં જ છે. આપણે કળાને વ્યવસાયનો દરજ્જો તો પછી આપ્યો છે. આપણે ત્યાં નોકરી માટે ભરવાના અરજી-ફોર્મમાં નામ, સરનામું અને જન્મતારીખની સાથે સાથે ‘હોબી’ એવું એક ખાનું અવશ્ય રાખવામાં આવે છે. આ ‘હોબી’ કે શોખ એ આપણા વ્યક્તિત્વનો જ એક હિસ્સો છે. આપણો શોખ એ આપણા મૂળભૂત જીવન તત્વનો શણગાર હોય છે. પણ આપણી વાત તો હતી પેલી અજબ ગજબ સિદ્ધાંતની. આપણા શોખમાંથી પ્રાપ્ત થતો સુક્ષ્મ આનંદ જ જરૂરી જીવન ઊર્જાનું ઉત્પાદન કરે છે. જીવનની માંડ અર્ધી સફરે પહોંચીને જ થાકી જનારા લોકોનો અભ્યાસ કરશો તો જણાશે કે તેમના જીવનમાં એવો કોઈ પણ શોખ તેઓ નહીં ધરાવતા હોય જે તેમની જિંદગીમાં ચાલક બળ પૂરું પાડી શકે. કદાચ એવું પણ બને કે જવાબદારીઓ અને લક્ષ્ય પ્રત્યેની દોડમાં તેમને સમય જ ન મળ્યો હોય પણ જ્યારે સમય મળે ત્યારે તો અંદર ઢબૂરાઈ ગયેલા બીજને ઉછેરતાં આપણને કોણ રોકી શકે ? સાચી વાત તો પ્રવૃત્તિહીનતાના અંધારાને દોષ દઈ બેસી રહેવાના બદલે શોખ સ્વરૂપે મનગમતી પ્રવૃત્તિનું જનરેટર ચાલુ કરવાની છે.

ઘણીવાર એવું પણ બને કે જેમાંથી આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરવાને બદલે સંજોગો જ એવા ઊભા થાય કે આપણા રસના કે શોખના વિષયો કરતાં વિપરીત જ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે. આવા સંજોગો એ વાતનો પુરાવો છે કે આપણી નિયતિ હંમેશા આપણા હાથમાં જ હોય તેવું નથી બનતું. આ સમયે મનગમતી પ્રવૃત્તિ કરવાને બદલે જે છે તેને મનગમતું કરવાથી જ ઊર્જામય જીવન શક્ય બને. આવા સમયે જ આ વાક્ય ગુરુમંત્રની ગરજ સારે છે. ‘Getting what you like is success but liking what you get is happiness’

દરેક માણસની જિંદગી એક વાર્તા છે. દરેક વાર્તામાં બે જ ચીજ સરખી હોય છે. વાર્તાની શરૂઆત એટલે કે જન્મ અને વાર્તાનો અંત એટલે કે મૃત્યુ. આ બે છેડા વચ્ચેની વાર્તામાં કેવા રંગો પૂરવા કે કેવા કેવા વળાંકોથી એને અન્ય જીવનવાર્તાઓથી અલગ બનાવવી એ તો મોટે ભાગે આપણા જ હાથમાં હોય છે. માત્ર જરૂર છે જીવન પ્રત્યે હકારાત્મક વલણની અને પ્રત્યેક ક્ષણમાંથી સુખ શોધવાની સમજણ કેળવવાની. સૌને મનગમતી અને થનગનતી ક્ષણોથી ભરપૂર જિંદગીની શુભકામનાઓ….

[2]
આજના ઝડપી યુગની કોઈ સામાન્ય ફરિયાદ જો હોય તો એ છે સતત તણાવનો અનુભવ. શિક્ષક કે વિદ્યાર્થી, નોકરિયાત કે વેપારી, ઘરરખ્ખું ગૃહિણી કે નોકરી કરતી સ્ત્રી દરેક વ્યક્તિ વધતે ઓછે અંશે તણાવગ્રસ્ત છે અને પોતપોતાની ક્ષમતા અનુસાર આ સમસ્યાનો સામનો કરે છે. તણાવથી દૂર કેવી રીતે રહેવાય તેની શિખામણો, સલાહો કે પ્રવચનો આપનારો વર્ગ તેમજ તેને લગતું વિવિધ સાહિત્ય પ્રગટ કરનારો વર્ગ બહોળા પ્રમાણમાં છે. આ તણાવ જ આપણા મનમાં વિષાદ (ડીપ્રેસન) ને જન્મ આપે છે. આજે થોડું ચિંતન દરેકના જીવનમાં અણગમતા અતિથિની માફક પાછલા બારણેથી પ્રવેશી જતા વિષાદ વિષે….

જીવનમાં જે તબક્કે નાવીન્ય લાવવાની હોંશ ખતમ થતી જાય છે ત્યારે વિષાદને મનપ્રદેશમાં પૂરતી જગ્યા મળી જાય છે. બીજી પીડાઓ કે ઊપાધીઓ કે મુશ્કેલીઓને જો કૌરવો સાથે સરખાવીએ તો વિષાદને કર્ણ સાથે. આનંદનો સહોદર હોવા છતાં તેનું સ્થાન આનંદની વિરોધી છાવણીમાં હોય છે. પાછું અનૌરસ સંતાન. અગણિત અપેક્ષાઓ અને મર્યાદિત પ્રાપ્તિનું અનૌરસ સંતાન. સંજોગો સાથે કરવાં પડતાં અનેક સમાધાનો અને શરીર-મનની વણવપરાયેલી ઊર્જાનું તાંડવ-નૃત્ય એટલે આ વિષાદ. જે આવે છે મહેમાન તરીકે અને પછી મન-પ્રદેશમાં ઈસ્ટઈન્ડિયા કંપની સ્થાપી સત્તા કબજે કરી લે છે. કદાચ જીવનના પાંચમા દશકમાં તો મન સંપૂર્ણત: તેના હવાલે થઈ જતું હોય છે.

આવો વિષાદ તો ઈતિહાસના પાને પાને છે. અર્જુનના હિંસા-વિરોધી વિષાદે આપણને ગીતા આપી તો શાહજહાના પ્રણય-વિષાદે આપ્યો તાજમહેલ. વિષાદનો ત્રીજો દાખલો તો હજુ હમણાનો જ છે. સાતમી નવેમ્બર, 1893નો દિવસ. એક માણસને અપમાનિત કરીને આફ્રિકાના એક સ્ટેશને ગાડીમાંથી ફેંકી દેવામાં આવે છે. આજે આપણે નાના નાના કારણોસર જ્યારે ઉદાસ થઈ જઈએ છીએ ત્યારે વિચારો તો ખરા એ માણસની મન:સ્થિતિ વિષે. સાવ અજાણ્યો પ્રદેશ, અજાણી ભાષા, અજાણ્યા લોકો અને અવહેલના, તિરસ્કાર તથા અપમાનની ચરમસીમા. આ બધામાંથી જન્મેલા વિષાદની ચરમસીમાએ, કલાકો સુધી અનુભવેલાં મનોમંથનને એક મામૂલી માણસને મહાત્મા બનાવવાના રાજમાર્ગ પર લાવી મૂક્યો.

વિષાદનું આવું ઉર્ધ્વીકરણ દરેકના જીવનમાં શક્ય છે ? ચોક્કસ છે એના માટે અલિપ્તતા કેળવવી પડે. જળમાં રહીને કોરા રહી જવું પડે. વમળમાં રહીને તરતા રહેવું પડે. મનનું સતત ઓડીટ કરતા રહેવું પડે. સમજણ નામની જણસને જાળવતા રહેવું પડે. સત્વશીલતાની વાટને સંકોરતા રહેવું પડે. આપણા મનના અદ્દભુત કોમ્પ્યુટર પાસે તો આ વિષાદ સાવ નાનકડો વાયરસ છે. જરૂર છે માત્ર થોડા પ્રોગ્રામીંગની, થોડી દ્રઢતાની અને વાંચન, કલા કે બીજી કોઈ પણ મનગમતી પ્રવૃત્તિ માટે પૂરતો સમય ફાળવવાની. ખરેખર તો જીવનની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચી નાખવી જોઈએ. એક ભાગ ‘મની’ માટેની પ્રવૃત્તિઓનો અને બીજો ભાગ ‘મન’ માટેની પ્રવૃત્તિઓનો. ધીમે ધીમે બીજા ભાગની પ્રવૃત્તિઓ વધતી રહે તો વિષાદનું વિષતત્વ ઓગળતું રહેશે.

સૌને વિષાદવિહોણી વિચારયાત્રા મુબારક હો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આદર્શવાદી યજમાન ! – ફિલસૂફ
ભુખનો રોગ – સિદ્ધનાથ માધવ લોંઢે Next »   

18 પ્રતિભાવો : ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

 1. ***દરેક માણસની જિંદગી એક વાર્તા છે. દરેક વાર્તામાં બે જ ચીજ સરખી હોય છે. વાર્તાની શરૂઆત એટલે કે જન્મ અને વાર્તાનો અંત એટલે કે મૃત્યુ. આ બે છેડા વચ્ચેની વાર્તામાં કેવા રંગો પૂરવા કે કેવા કેવા વળાંકોથી એને અન્ય જીવનવાર્તાઓથી અલગ બનાવવી એ તો મોટે ભાગે આપણા જ હાથમાં હોય છે

  ***એના માટે અલિપ્તતા કેળવવી પડે. જળમાં રહીને કોરા રહી જવું પડે. વમળમાં રહીને તરતા રહેવું પડે. મનનું સતત ઓડીટ કરતા રહેવું પડે. સમજણ નામની જણસને જાળવતા રહેવું પડે

  Wow…what a thought !!! જોરદાર સાહેબ….તદન સત્ય

  પણ આવુ કરવુ શું સરળ છે?

 2. અભિનંદન, પ્રણવભાઈ…

 3. પ્રણવભાઈના શબ્દ-દેહ સાથે પ્રત્યાયન કરવું હોય તો આ છે એમનો બ્લૉગ:

  http://stuzan.blogspot.com/

 4. ” ખરેખર તો જીવનની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચી નાખવી જોઈએ. એક ભાગ ‘મની’ માટેની પ્રવૃત્તિઓનો અને બીજો ભાગ ‘મન’ માટેની પ્રવૃત્તિઓનો. ધીમે ધીમે બીજા ભાગની પ્રવૃત્તિઓ વધતી રહે તો વિષાદનું વિષતત્વ ઓગળતું રહેશે.”
  દરેક વ્યક્તિએ વિષાદના ઉપચાર માટે અપનાવવા જેવી આ સોનેરી સલાહ સવિશેષ ગમી. પ્રણવભાઈ અને મૃગેશભાઈ આપનો આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.