ભુખનો રોગ – સિદ્ધનાથ માધવ લોંઢે

[ પ્રસ્તુત ટૂંકી વાર્તા ઈ.સ 1934માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સામાજિક ટૂંકી વાર્તાઓ ગ્રંથ ચોથો – ભાગ 9મો’ માંથી સાભાર લેવામાં આવી છે. આ પુસ્તક ‘સસ્તુ સાહિત્ય’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું તેમજ આ વાર્તાઓના સંપાદન અને પ્રકાશનનું કાર્ય ભિક્ષુ અખંડઆનંદે કર્યું હતું. માત્ર 1||| (પોણા બે રૂપિયા) નું મૂલ્ય ધરાવતા આ પુસ્તકના કુલ 504 પૃષ્ઠો છે. સમાજના વિવિધ પાસાઓને આવરી લેતી સ્ત્રીપુરુષ સર્વ માટે ઉપકારક એવી 67 જીવનલક્ષી વાર્તાઓ છે. પુસ્તક હાલ અપ્રાપ્ય છે. ]

tunki vartaoએ નિર્ભાગીને કોણ જાણે કોણેય કહ્યું હતું કે ત્યાં ગરીબોનાં દુ:ખો તરફ ભલી લાગણીથી જોવાય છે. એ જ આશાએ તે ‘ધર્મ પ્રચારક’ કાર્યાલયમાં ગયો હતો. ત્યાં જઈને તેણે જોયું તો તેને આખીયે દુનિયા ખરાબ ન લાગી. તે જ્યાં રહેતો હતો ત્યાં બધાંયે દુ:ખ-દારિદ્રનાં શિકાર થયેલાં હતાં. અને તેઓ ઈચ્છતાં હતાં કે કોઈને કોઈ રીતે દેહનો છૂટકારો થાય. પરંતુ ‘ધર્મપ્રચારક’ કાર્યાલયમાં એ વાત નહોતી. ત્યાં દર્દીઓ લોથતા અને ત્રાસ પામતા ન હતા; તેમજ દુ:ખ-દારિદ્રની સાક્ષાત પ્રતિમાસમાં મેલાં, ગંદા અને ઝેરી નિવાસસ્થાન પણ નહોતાં. ત્યાં બે-ચાર માણસો બેઠા હતા. તેઓ જીવનથી ગભરાયેલા નહોતા પરંતુ જીવનને લંબાવવાના વિચારો કરતા હતા.

તેણે બારણા આગળ જઈને કહ્યું : ‘મારું દુ:ખ કોઈ સાંભળશે ?’
‘ધર્મ પ્રચારક’ કાર્યાલયમાં અધિકારો અને હક્કોની ચર્ચા થઈ રહી હતી. વાદવિવાદનો બરાબર રંગ જામ્યો હતો. સત્યને ખાતર નહિ પરંતુ હારી જવાની અસહ્ય શરમથી બચવાને માટે નારાયણ બાબુ તથા ઉમાચરણ શર્મા તર્કની પરાકાષ્ઠા કરી રહ્યા હતા. બીજા પણ બે-ચાર મિત્રો બેઠા હતા. જ્યારે વિવાદ કરનારાઓના મુખમાંથી જૂની પુરાણી નિંદાભરેલી પણ તાતાં તીર જેવી કટાક્ષપૂર્ણ વાત નીકળતી ત્યારે સાંભળનારાઓમાં ખૂબ હસાહસ થતી.
‘તો શું આપ એમ કહેવા માગો છો કે પ્રથમ જનતાને સાક્ષર બનાવવામાં આવે અને પછી તેઓ પોતાની મેળેજ અધિકારો મેળવી લેશે ?’ નારાયણ બાબુએ કહ્યું.

ઉમાચરણશર્માએ નારાયણબાબુને પોતાના પક્ષમાં ભળતા જોઈને કંઈક સંતોષ, અને કંઈક વિજયભરી અભિમાની શિકલે અને વધારામાં ‘અહમેવ દ્વિતીયો નાસ્તિ’ ના ભાવોની લહેરમાં કહ્યું : ‘જી હા, એ જ. એને માટે તો હું ક્યારનોયે આપ સૌથી સાથે માથાફોડ કરી રહ્યો છું. સાક્ષરતા સિવાય જનતામાં રાજનૈતિક જાગૃતિ આવવી કેવળ અસંભવિત છે.’ નારાયણ બાબુ કદાચ આવો જ મોકો શોધતા હતા. બીજા મિત્રો તરફ મોં ફેરવીને તેમણે ધીમેથી કહ્યું : ‘શર્માજી કહે છે કે જ્યાંસુધી ગંગાનું પાણી વહી જઈ સૂકાઈ નહિ જાય ત્યાંસુધી તેઓ સામે કિનારે નહિ જાય.’ મિત્રોએ તાળીઓ પાડીને શર્માજીની ખૂબ મશ્કરી કરી. વાહ ! શર્માજી એટલા બધા મૂર્ખ છે કે પાણી વહી જતા સુધી કિનારે જ ઉભા રહેશે. તેમની સો જિંદગીઓ ચાલી જશે તો પણ ગંગાજીનો પ્રવાહ નહિ અટકે.

નારાયણબાબુએ જોયું કે સભા મારા કબજામાં છે ઉમાચરણ શર્મા કંઈ કહે. તે પહેલાંજ તેઓ બોલવા લાગ્યા : ‘સાંભળો, જરા ધ્યાનથી મારી વાત સાંભળી લ્યો. શર્માજી રાજનૈતિક જાગૃતિને માટે સાક્ષરતા આવશ્યક માને છે. સાક્ષરતાને માટે શિક્ષણને ફરજિયાત કરાવવું જોઈએ. ફરજિયાત શિક્ષણને માટે કરમાં વધારો કરવો પડશે. કર વધતાં લોકો વિરોધ કરશે તેથી તેમને શિક્ષણના લાભ સમજાવવા પડશે. ભલા, જરા વિચાર તો કરો કે કેટલી મુશ્કેલીઓ ઉઠાવ્યા પછી સાક્ષરતા પ્રાપ્ત થશે ! તેથી બહેતર છે કે પ્રચારકાર્ય દ્વારા રાજકીય જાગૃતિ લાવવી. જનતામાં પોતાનું હિત અહિત શામાં છે તેનો વિચાર કરવાની બુદ્ધિ આવ્યા પછી સાક્ષરતા તરફ ધ્યાન આપવું જોઈએ.’ હવે ઉમાચરણ શર્માની વારી હતી. તેઓ પણ નારાયણ બાબુની મશ્કરી કરવા ઈચ્છતા હતા. મિત્રમંડળી મોં ફાડીને તેમના તરફ જોઈ રહી હતી. મિત્રોની આંખો નારાયણબાબુ તરફ ઈશારા કરી રહી હતી કે તમે પણ બરાબર અડાવો. હાથ આગળ વધેલા હતા; એક બાજુ શર્માજીએ કહ્યું અને બીજી બાજુ તાળીઓ પડી. શર્માજીને સાંભળવા આતુર થયેલાઓ પણ તેમના શબ્દો સાંભળીને પેટ પકડીને હસ્યા.

ઉમાચરણ શર્મા નારાયણ બાબુને કહેવા લાગ્યા : ‘વાહ ભાઈ, વાહ ! બીજના પહેલાં વૃક્ષ, બાપના પહેલાં બેટો, પતિના પહેલાં પત્ની, ગંગાજી પહેલાં સમુદ્ર, શેષનાગ પહેલાં પૃથ્વી, ભારે કરી ! આવી જ તર્કવિદ્યાના જોરે દુનિયામાં નામ કાઢશો કે ! બાજીગરની પેઠે તર્કની ઈન્દ્રજાળ પણ ખૂબ રચી. તેમને પૂછો કે તમારો સાપ ક્યાં રહે છે ? તો તેઓ કહેશે કે પટારામાં. પટારો ક્યાં રહે છે ? તો તેઓ કહેશે કે પૃથ્વી ઉપર અને પૃથ્વી ક્યાં રહી છે ? તો તેઓ કહેશે સાપના માથા ઉપર. વળી તેમને પૂછો કે સાપ ક્યાં રહ્યો છે ? તો તેઓ કહેશે પટારામાં. આપ પૂછતા જાઓ અને તેઓ પટારો, પૃથ્વી અને સાપનો ચરખો ચલાવતા જ રહેશે. કોઈ વાર એક નીચે તો કોઈ વાર બીજું. આવા ગોરખધંધાઓથી તે કદી કોઈ વાત સિદ્ધ થઈ શકે ?’ શર્માજીએ મોટા મોટા માણસોને મુખે સાંભળ્યું હતું કે, સાક્ષરતા વિના દેશનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી. તેમને અચળ વિશ્વાસ હતો કે મોટા માણસો કદી ભૂલ જ કરે નહિ. તેમણે માન્યું કે નાનકડા બીજમાં પણ વડનું ઝાડ સંતાઈ રહે છે પરંતુ ફાલેલા વૃક્ષની સરખામણીમાં તેનું મહત્વ જ શું ? ક્યાં નારાયણ બાબુ અને ક્યાં એ સાક્ષરતાનો સિદ્ધાન્ત !

નારાયણબાબુને જવાબ આપવાનોય મોકો ન મળ્યો કે ન તો મિત્રોને હસવા ગમ્મત કરવાનો. પેલો એ જ અવાજ ફરીથી આવ્યો કે ‘કોઈ મારું સાંભળશો ?’ બન્ને યોદ્ધાઓ પૂરતી હોશિયારી બતાવી ચૂક્યા હતા. બન્નેના મનમાં એક જ વાત ઉદ્દભવી કે સારું થયું કે આ નવો માણસ આવી પહોંચ્યો. હવે વાદવિવાદ છોડી દઈને તેના તરફ ધ્યાન આપીએ. મિત્રો તો નહિ જાણે કે અમે હારી ગયા ! બંનેના અંતરમાં નહિ હારવાનો વિચાર સર્વોપરી હતો; સત્યાન્વેષણનો નહિ. ઠીક, બન્નેએ એકસાથે જ કહ્યું : ‘કોણ છે ? અહીં આવો.’
મિત્રોને થોડી નિરાશા તો અવશ્ય થઈ, તેમને હસવાનો અને ટોળટપ્પા કરવાનો મોકો ન મળ્યો. બે મરઘાની કુસ્તીમાં જે મઝા આવે તેથી વિશેષ મઝા એ બન્નેની જબાનની કુસ્તીમાં નહોતી આવતી. તોપણ એક નવા આદમીને આવતો જોઈને તથા મનોરંજનનું બીજું સાધન ઉપસ્થિત થતું જોઈને કંઈક સંતોષ થયો.

તે આગળ વધ્યો. તેનાં ફાટેલાં કપડાંના આવરણમાંથી દેખાઈ આવતી હાડચામની કાયા ઉપર મેલની કાળાશ જણાઈ આવતી હતી. તેના મુખ ઉપર તડકો અને છાંયો બન્નેય હતાં. પ્રકાશ આંખોમાં હતો અને તેમાંથી તેજસ્વિતા પ્રગટ થતી હતી, પરંતુ તે દુર્બળતાની ગુફામાં સંતાઈને નિસ્તેજ થઈ ગઈ હતી. ચહેરા ઉપર નિસ્તેજતા ફેલાઈ હતી. શરીરમાં લોહી હતું, પરંતુ તેનો ઘણોખરો ભાગ પરસેવો બનીને માલદારોની લહેરાતી ખેતીમાં શોષાઈ ગયો હતો. લાકડીના બે દંડા ઉપર પહેરણ પહેરાવીને તેના ઉપર સીધી ખૂંટી લગાવી તેના ઉપર નાની હાંલ્લી મૂકીને બનાવાતાં ખેતરોનાં પક્ષીઓ ઉડાવનારાં પૂતળાંની સાથે તેની બરાબર સરખામણી કરાતી નહોતી. કેમકે તેનાં કપડાંની અંદર ફેફસાં હવા લેવા-મૂકવાનું કામ કરતાં હતાં !
તેણે દીનભાવે કહ્યું : ‘હું ક્યારનોય બહાર ઊભો છું ! મારું કોઈ સાંભળતું જ નથી.’ સભ્ય સમાજના એ સભ્યોને આ કંગાળની વાત ખરાબ લાગી. આટલી બધી ઉચ્છંખલતા ! આટલી બધી અસભ્યતા ! અને તેય એક કંગાળ દ્વારા ? એ સહન થવું અસંભવિત છે.
જવાબની વાટ નહિ જોતાં તેણે કહ્યું : ‘ચાર મહિનાથી પથારીમાં પડ્યો હતો. કોઈ પણ રીતે પેટ ભર્યું. સેવાસમાજ દ્વારા ઠીક ઠીક શિક્ષણ પામ્યો છું. હવે આપની પાસે આવ્યો છું. હું મિલમાં કામ કરું છું. માસિક રૂ. 15 મળે છે તેમાંથી ત્રણ જણનાં પેટ ભરવાં પડે છે. માંદગીમાં દેવું પણ વધારી ચૂક્યો છું. મને કોઈ જગાએ વધુ પગારની નોકરી અપાવવા કૃપા કરો. આપ લોકોનાં સુપ્રસિદ્ધ નામ સાંભળીને આપને વિનંતિ કરવા આવ્યો છું.

નારાયણબાબુ તથા ઉમાચરણે તેના તરફ ધ્યાન દઈને જોયું. શર્માજીએ પૂછ્યું :
‘વાંચતાં લખતાં જાણે છે ?’
‘ના જી.’ ’કોઈ ખાસ ધંધો કે કોઈ કળા જાણે છે ?’
‘ના જી.’
‘તો શું પથ્થર જાણે છે ?’
‘ના જી, પથ્થર ફોડવાનું કામ મેં કેટલીયે વાર કર્યું છે.’
‘તું કોઈ પણ કળા કે હુન્નર જાણતો નથી, તને લખતાંવાંચતાં પણ આવડતું નથી તો પછી તને વધારે પગાર ન જ મળી શકે.’
તે વિનતિ કરતો જ રહ્યો. કાર્યાલયના બારણા આગળ ગોઠણ વચ્ચે માથું રાખીને તે બેસી રહ્યો. તેને આશા હતી કે બાબુલોગ થોડી વાર પછી તેની પ્રાર્થના સ્વીકારશે. પરંતુ કોઈએ પણ તેના તરફ ધ્યાન ન આપ્યું. શર્માજી, નારાયણબાબુ તથા તેમના મિત્રો હસતા હસતા ગમ્મત કરતા કાર્યાલયનાં બારણા બંધ કરીને બહાર ચાલ્યા ગયા. તેમને એ પણ યાદ ન રહ્યું કે, બારણા આગળ એક જીવતું માટીનું પૂતળું બેઠું છે !

આજે આખા દિવસની મહેનત પછી તે ઘેર પાછો ફર્યો. તેને વધારે ધનની જરૂરીયાત હતી પરંતુ તે તેને ન મળ્યું. એક બહેન અને વૃદ્ધ ડોશીમા, એમ બીજા બે જીવ ઘેર હતા; રેંટિયો કાંતતાં પણ તેઓ જાણતાં નહિ. તે મનમાં ને મનમાં આ વાત ઉપર કાઢતો, તેમને કંઈક કહેતો પણ પરિણામ કંઈ જ આવતું નહિ. ખાદી કાર્યાલયમાંથી તે એક રેંટીયો લઈ આવ્યો હતો, અને પોતાની બહેનને સૂતર કાંતતાં શીખવ્યું હતું. પરંતુ અભાગી બહેન એટલુંયે નહોતી સમજતી કે તેણે પણ રેંટીઓ કાંતીને બે પૈસા મેળવવા જરૂરી છે. મા તો વૃદ્ધ હતી. તેને કંઈ કહેવું એ પણ પાપ કરવા જેવું હતું. આવક વધારવાનો પ્રયત્ન તે કરતો હતો. ઉપાય એ જ હતો કે તેણે પોતે જ વધુ કામ કરવું. તે ચાર મહિનાની માંદગીમાંથી હજુ હમણાંજ ઉઠ્યો હતો. શરીર કમજોર હતું પણ કરે શું ? ચોરી કે લૂંટ કરવા યોગ્ય શરીર પણ તેને પરમાત્માએ આપ્યું નહોતું. જૂઠું બોલીને તે બે-ચાર રૂપિયા લઈ આવત, પરંતુ તેની કંગાલિયત આખા મહોલ્લામાં મશહૂર હતી. એટલે તેને કોણ ઉધાર આપે ? તે મહોલ્લામાં રહેનારા બધા લોકો એના જેવાજ હતા. તેમને તો ‘ઈસ હાથ લે, ઉસ હાથ દે’નો રોકડીઓ વહેવાર હતો. તેમને રહેવાનું વિશાળ સ્થાન હતું. તેમની ભાંગી તૂટી ઝુંપડીઓનાં છાપરાં ઘાસનાં નહોતાં, નળિયાંથી ઢાંકેલાં હતાં. હવા અને પ્રકાશની સાથે સાથે પાણી આવવાને માટે પણ તેમાં જરૂર કરતાં વધારે બારીઓ – બાકોરાં હતાં. ભલા, આવાં આરોગ્યવાળાં ઘર કોના ભાગ્યમાં હોય ! તેને અને તેના જેવા બીજાઓને માટે તો એ ઝુંપડીઓજ મહેલ સમાન હતી. તેમની ઝુંપડીમાં ભોજનશાળા, સૂવાનો ઓરડો, દિવાનખાનું અને સ્નાનાગાર, એ બધુંયે બાર ચોરસહાથ જગામાં હતું. નાહવાની મોરીનું પાણી પણ ત્યાં જ પચતું હતું તેથી મચ્છરોની ઉપદ્રવી જમાતો પેદા થતી હતી અને તેઓ પોતાના જન્મદાતાનું ઋણ ફેડવાને માટે તેમને સૂવાને સમયે મધુર ગણગણાટ સંભળાવ્યા કરતા હતા.

આજે તે ફરીથી તાવથી પટકાઈ પડ્યો છે. સેવાસમાજવાળાઓએ ડૉક્ટરને બોલાવ્યો. આ તરફ નારાયણ બાબુ અને શર્માજીને પણ સૂચના મળી ગઈ. બન્નેના હૃદયમાં દયાભાવ હતો. બન્ને તેને ઘેર આવ્યા, તેમણે ડૉક્ટરને પૂછ્યું : ‘કેવી સ્થિતિ છે ?’
ડૉક્ટરે કહ્યું : ‘મૃત્યુનાં ચિન્હ દેખાય છે. ફેફસાં ઉપર અસર થઈ ચૂકી છે. શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. બચવાની આશા નથી.’
નારાયણબાબુએ કહ્યું : ‘આ લોકો કેવી ખરાબ હાલતમાં રહે છે ! તેમનું સ્વાસ્થ્ય બગડે તેમાં શું આશ્ચર્ય !’ શર્માજી કહેવા લાગ્યા કે : ‘જો આ માણસ ભણેલો ગણેલો હોત, કંઈક વાંચી લખી જાણતો હોત તો તેના આરોગ્યની વિશેષ કાળજી રાખત અને આવા ગંદા ઘરમાં રહેતજ નહિ.’

ડૉક્ટર અને નારાયણબાબુ હસી પડ્યા. તેમના હાસ્યથી ઉત્સાહિત થઈને શર્માજી પાછા ભાષણ આપવા મંડ્યા : ‘આપણા દેશનું દુર્ભાગ્ય છે કે હજુ સુધી આપણે ત્યાં વિદ્યારૂપી સૂર્યનો પ્રકાશ નથી ફેલાઈ શક્યો.’ શર્માજી એથીયે વધારે બોલત, પણ તેમની વાતો સાંભળવાની ત્યાં કોઈનેય ફુરસદ નહોતી. ડૉક્ટર સાહેબ રોગીનાં ફેફસાંની તપાસ કરતા હતા અને નારાયણ બાબુ તે ગરીબના ઠંડા પગ ઉપર માલીસ કરતા હતા. તેની મા અને બહેન ઓશીકા આગળ બેઠી બેઠી પોતાના નસીબને ફિટકાર આપતી હતી. શરીરને સંપૂર્ણ રીતે ઢાંકવા માટે તેમની પાસે વસ્ત્ર નહોતું અને તેથી જ લજ્જા અને સંકોચને લીધે તે બિચારીઓ આ સભ્ય બાબુઓ આગળ આવતી નહોતી; નહિ તો તેમનું અંતર તો પોતાના એકમાત્ર બેટા અને ભાઈની સેવા કરવા તલપાપડ થઈ રહ્યું જ હતું.

રોગીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. લોહી પણ ધીમે ધીમે ફરતું હતું. જેમ તેની શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જતી હતી, તેમ તેની માનસિક શક્તિઓ તેટલા જ પ્રમાણમાં જાગ્રત થતી હતી. શર્માજીની બધી વાતો તેણે ધ્યાનપૂર્વક સાંભળી હતી. વાંચતાં લખતાં નહિ આવડવાથી ગરીબોમાં રોગનો ફેલાવો થાય છે એ તેમની વાત તેને ખટકતી હતી. પ્રતિક્ષણે દુર્બળ થતા જતા તેના હાથ વડે તેણે શર્માજીને પોતાની પાસે બોલાવ્યા. તિરસ્કારયુક્ત હાસ્ય તેના ચહેરાનું ભયભીતપણું વિશેષ સ્પષ્ટપણે પ્રગટ કરતું હતું. શર્માજીએ તેને કહ્યું : ‘તારે શું જોઈએ છીએ ?’
તેણે કહ્યું : ‘બાબુજી ! હું ભણ્યો ગણ્યો નથી, પણ સ્વચ્છતાનો અર્થ સમજું છું. મને રૂ. 15 માસિક મળે છે. ત્રણ જીવોનો ગુજારો શી રીતે થાય ? વધારે સારા ઘરમાં રહીએ તો ભાડું વધારે આપવું પડે, અર્ધો પગાર તો ભાડાવાળો જ લઈ જાય ! પછી અમે શું ખાઈએ ?’ આ વાક્યો બોલવાથી તે થાકી ગયો, તેણે આંખો મીંચી લીધી. થોડી વાર પછી લોથતાં લોથતાં અને ઉધરસ ખાતાં તેણે ફરીથી પોતાની આંખો ખોલી. ડૉક્ટર તેને બોલવાની મનાઈ કરતા રહ્યા પણ તેણે ન માન્યું. જોરથી પ્રયત્ન કરીને આખા શરીરની શક્તિ એકત્ર કરી બુઝાતા દીપક જેવી પોતાની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ પાડી શર્માજી તરફ જોયું અને કહ્યું : ‘બાબુજી ! દુનિયા ગરીબોનો વેપાર કરે છે. જે રીતે પોતાના મહેલો અને મોટાં મોટાં આલીશાન મકાનો માટે આપ ઈંટ, ચૂનો, પથ્થર અને સિમેન્ટ ખરીદો છો; તે જ પ્રમાણે આપ અને આપના ભાઈબંધો અમ ગરીબોને પણ ખરીદો છો. દૂધ દેનારી ભેંસોને જેમ અધિક ખોરાક અપાય છે, તેમ આપ સૌથી વધારે રૂપિયા કમાવી આપનારને વધારે પગાર આપો છો અને તે ઉપરાંત પાછા ‘અન્નદાતા’ બની રહો છો…. કમાઈને આપનારા અમે લોકો, અને અન્નદાતા આપ ! આ નાદાન દુનિયા એ જ વ્યવહારને સનાતન અને સર્વશ્રેષ્ઠ સંગઠન માને છે…’ તેને જોરથી ઉધરસ આવી. બે મિનિટ સુધી તે ખાંસતો રહ્યો. પરિશ્રમને લીધે તેને પરસેવો આવી ગયો. થોડી વાર પછી તેને હેડકીઓ આવવા લાગી. તે મરતાં મરતાં કહી ગયો કે : ‘બાબુજી ! અમે ભૂખનાં માર્યાં મરીએ છીએ, અજ્ઞાન અને બિમારીને લીધે નહિ.’

શર્માજી, નારાયણ બાબુ અને ડૉક્ટર સાહેબ ચાલ્યા ગયા. તેમના પગ ઉપડતા નહોતા અને હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. શર્માજીએ વિચાર્યું કે જ્યારે હજારો માણસો ભૂખે મરે છે ત્યારે સાક્ષરતાને ખાતર કરોડોનાં ખર્ચ કરવાં એ બનાવટી સભ્યતાનું વાંદરીઆ અનુકરણ છે. તેના શબ્દો આજે પણ શર્માજીના હૃદયમાં અંકાઈ ગયા છે કે : ‘ગરીબ લોકો બિમારી અને અજ્ઞાનને લીધે મરતાં નથી, પણ ભૂખરૂપી રોગથી જ માર્યા જાય છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી
અનોખું વ્યકિત્વ – મહેબૂબ દેસાઈ Next »   

14 પ્રતિભાવો : ભુખનો રોગ – સિદ્ધનાથ માધવ લોંઢે

 1. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ગુજરાતીના વિકાસમાં ખરેખર સિંહ ફાળો આપી ને બધાનું માનીતુ છે…..

  ગરીબ લોકો બિમારી અને અજ્ઞાનને લીધે મરતાં નથી, પણ ભૂખરૂપી રોગથી જ માર્યા જાય છે…..આ વાક્યની સત્યતા દરેક સમયમાં જેમની તેમ છે….આ વાતના પાત્રો કોઈને કોઈ સ્વરૂપે બધે જીવે જ છે…તે પોતાના જ ભાષણને અમલમાં મૂકી શકવા અસમર્થ છે…કોઈએ ખરૂં જ કહ્યું છે કે કીનારે બેસીને દરીયાની અથાગતા ને ઊંડાઈની વાતો કરવી મૂર્ખતા છે…

  સરસ વાત…..

 2. Vikram Bhatt says:

  “મા તો વૃદ્ધ હતી. તેને કંઈ કહેવું એ પણ પાપ કરવા જેવું હતું. ”
  અદભુત વાક્ય. વ્રુધ્ધમાતાને કામ તો ના જ કરાવાય, even, કામ કરવાનું કહેવું પણ પાપ બરાબર છે. વાહ,

 3. pragnaju says:

  મારા જન્મ પહેલાં પ્રસીધ્ધ થયેલ આ પુસ્તકની વાર્તા પહેલા વાંચી હતી પણ આજે પણ વાંચી
  વીચારમાં પડી જવાય કે…હજુ પણ…” તો શું આપ એમ કહેવા માગો છો કે પ્રથમ જનતાને સાક્ષર બનાવવામાં આવે અને પછી તેઓ પોતાની મેળેજ અધિકારો મેળવી લેશે ?’
  સમાજ આ જ રીતે ચર્ચા કર્યા કરશે?
  આ વિચાર ક્યારે સમજાશે?
  -“દુનિયા ગરીબોનો વેપાર કરે છે. જે રીતે પોતાના મહેલો અને મોટાં મોટાં આલીશાન મકાનો માટે આપ ઈંટ, ચૂનો, પથ્થર અને સિમેન્ટ ખરીદો છો; તે જ પ્રમાણે આપ અને આપના ભાઈબંધો અમ ગરીબોને પણ ખરીદો છો. દૂધ દેનારી ભેંસોને જેમ અધિક ખોરાક અપાય છે”
  ધન્યવાદ-સિદ્ધનાથ માધવ લોંઢે અને તેમના અપ્રાપ્ય પુસ્તકમાંથી મેળવી આપનાર તમે સૌને

 4. ભાવના શુક્લ says:

  કશુક આરપાર ઉતરતુ ગયુ વાચતા વાચતા…..સાક્ષરતા થી ગરીબી નાથી શકાય કદાચ..પરંતુ સાક્ષર ગણાતા દરેકને શુ ભુખ નથી લાગવાની! વિચાર કરતા રહી જવાય… એક ભુખ્યા ગરીબ જનની ઓક્સિજન બાદ પ્રથમ જરુરીયાત અક્ષરોની ઓળખ ને ખોરાક!!!

 5. કલ્પેશ says:

  આપણાથી યથાયોગ્ય પ્રયાસ કરીએ કે આવી સ્થિતિમા થોડે અંશે ઘટાડો લાવીએ.
  પોતાના માટે જ જીવીને શુ નવાઇ કરીશુ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.