- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અવંતિકાબેન સાથે મુલાકાત – મૃગેશ શાહ

સાહિત્ય લખવું સહેલું છે પરંતુ જીવવું મુશ્કેલ છે. જે સાચા અર્થમાં સાહિત્યને જીવી જાય છે તે પરમ સ્વસ્થતા, શાંતિ અને સંતોષને પામે છે. તેવા સાહિત્યકારની વાચકોના મનમાં એક અલગ છબી અંકિત થાય છે. વાચકને તેમની કૃતિ વાંચતાં એવી અનુભૂતિ થાય છે કે જાણે આ તો મારી જ વાત છે ! ભાવકના હૃદયમાં આવા સાહિત્યકારો માતા-પિતા, વડીલ કે ગુરૂ જેવું અદકેરું સ્થાન મેળવે છે. તેમને મનમાં એમ થાય છે કે ‘આ સાહિત્યકાર પાસે માર્ગદર્શન મેળવીશ એટલે તમામ સમસ્યાઓનો ઉકેલ મને સહેજમાં મળી રહેશે…..’ આટલી ઉચ્ચ ભાવનાથી તેઓ પોતાના પ્રિય સાહિત્યકાર સાથે મનથી જોડાયેલા હોય છે.

કંઈક આવી જ વાત લોકહૃદયમાં ‘અવંતિકા ગુણવંત’ નામે સ્થાન મેળવેલ અવંતિકાબેનની છે. પોતાના વાચકોને જ પોતાનું સર્વસ્વ માનનાર અવંતિકાબેનની કલમ વર્ષોથી સમાજની અનેક સમસ્યાઓના પ્રેમપૂર્ણ નિવારણ માટે સતત ચાલતી રહી છે. વર્તમાનયુગની વાસ્તવિક પરિસ્થિતિઓને આવરી લેતી માનવીય જીવનની જટિલ સમસ્યાઓનો તેમણે વાર્તાઓના માધ્યમથી સરળ શબ્દોમાં ઉકેલ આપ્યો છે. તેમની કૃતિઓએ અનેક પરિવારોને જોડ્યા છે, માનવીય હૈયામાં સંવેદના જગાવી છે, દુ:ખીને હૈયાધારણ આપી છે અને લગ્નજીવનના સાચા અર્થનો નવયુગલોને પરિચય કરાવ્યો છે. 15થીયે વધુ પુસ્તકો લખનાર અવંતિકાબેનના લખાણની વિશેષતા એ છે કે તેમણે કોઈ નવલકથાઓ કે નવલિકાઓ કદી લખી નથી, પરંતુ માનવીય જીવનના વિવિધ પાસાઓ પર જ તેમનું ચિંતન સતત ચાલતું રહ્યું છે. તેઓ કહે છે કે : ‘લખવું મારા માટે “બાય-પ્રોડક્ટ” છે, ખરી વાત તો એ શાશ્વત મૂલ્યો પર જીવન જીવવાની છે.’

સર્જકની સરળતા અને હૃદયની કેટલી વિશાળતા હોય છે તેનો અનુભવ અવંતિકાબેનને મળીને થાય. તેઓ કહે છે કે : ‘શરૂઆતના દિવસોમાં કોઈને પોતાની સંવેદનાઓ અને સંસ્મરણો હોય તો તેના સંસ્મરણોના આધારે તેઓને હું પુસ્તક લખી આપતી, ભલે ને એ એના નામે છપાય. કદાચ એ બહાને વ્યક્તિની લેખનશક્તિ ખીલે અને પોતાની સંવેદનાઓ વ્યક્ત તો કરી શકે !’ પદ અને પ્રતિષ્ઠાથી દૂર રહીને પોતાના નામનો મોહ જતો કરવો એ કંઈ સહેલી વાત નથી ! અવંતિકાબેને તે આચરીને બતાવ્યું છે. તેમના લખાણોમાં અનુભવનું સત્ય છે તેથી વાચકોના હૃદયને સીધું સ્પર્શે છે. વિશ્વના ખૂણે-ખૂણે તેમના અનેક વાચકો ફેલાયેલા છે.

લોકહિત માટે ઉત્તમ સાહિત્ય પિરસનાર 72 વર્ષીય અવંતિકાબેનની સાથે ફોન પર વાત કરતાં તેમની નમ્રતા, સહૃદયતા, આત્મીયતા અને મીઠો આવકાર મારા હૃદયને સ્પર્શી જતાં. રીડગુજરાતી પર તેમના 12 જેટલા લેખો પ્રકાશિત કરવાની સાથે લાઈબ્રેરીમાંથી તેમના ઘણાં પુસ્તકો માણવાનો લાભ પણ પ્રાપ્ત થયો તેથી મનમાં અવંતિકાબેનને મળવાની ઈચ્છા ઘણા સમયથી ચાલી રહી હતી. આખરે તેનો યોગ 25મી માર્ચ, 2008ના રોજ થયો….. અવંતિકાબેન અમદાવાદમાં પાલડી વિસ્તારમાં રહે છે. અભ્યાસે તેઓ એમ.એ. છે. લેખન તેમનું મુખ્ય જીવનકાર્ય રહ્યું છે. 74 વર્ષના તેમના પતિ શ્રી ગુણવંતભાઈ હાલમાં નિવૃત્ત રહીને તેમની સાથે વાંચનનો લાભ લે છે. તેઓ બી.એ. છે. તેમના દીકરાનું નામ ‘મરાલ’ અને દીકરીનું નામ ‘પ્રશસ્તિ’ છે. દીકરી લગ્ન બાદ ‘બોસ્ટન’ સ્થાયી થયેલ છે અને દીકરો નોકરી અર્થે સપરિવાર ભરૂચ રહે છે; પરંતુ હાલમાં સાઉદી અરેબિયા છે. મહાનગરના ભૌતિક પ્રવાહ વચ્ચે સાદગીપૂર્વક જીવતા આ દંપતિની ઘરે કોઈ પણ વ્યક્તિ પગ મૂકે તો, તેમના પરિવારના સદસ્ય જેટલી હૂંફ મેળવ્યા વગર પાછો ન ફરી શકે ! જે કોઈપણ તેમની સાથે વાત કરે તે આત્મીયતાની પ્રીતિથી બંધાયા વગર રહી જ ન શકે. મળવા આવનારને એમ લાગે કે જાણે હું મારા જ કોઈ પરિવારના સદસ્યને મળ્યો છું. આખરે આત્મીયતાની ભાષા અને અનુભૂતિ તો એક જ હોય ને ?

પાલડીમાં આવેલા ‘વિકાસ ગૃહ’ની પાસે ઓટોરીક્ષામાંથી ઊતરીને તેમને ફોન કરતાં તેઓ સામેથી સહર્ષ લેવા દોડી આવ્યા ! થોડુંક ચાલીને એમની ઘરે પહોંચ્યા. સૌ પ્રત્યે કાયમી સદભાવ અને પ્રેમાદર રાખનાર અવંતિકાબેનના મકાનનું નામ ‘શાશ્વત’ યોગ્ય જ લાગે છે. દુનિયાના કોઈપણ ખૂણેથી મળવા આવનાર સાહિત્યકાર, વાચક, કે પ્રકાશક કોઈ પણ વ્યક્તિ તેમના હાથે જમ્યા વગર જઈ ના શકે; તેથી મને પણ તેમણે આગ્રહપૂર્વક જમવા બેસાડી જ દીધો ! જમીને હું પાસે પડેલા હિંચકા પર ગોઠવાયો અને તેમણે આ ઉંમરે પણ સ્ફૂર્તિપૂર્વક થોડું ઘરકામ આટોપી લીધું. ઉનાળાની બપોરે બારીમાંથી વૃક્ષોની ઘટાને જોતાં, મંદમંદ પવનને માણતાં, ઠંડી મીઠી છાશ પીતાં અમારો વાર્તાલાપ શરૂ થયો.

પ્રશ્ન : અવંતિકાબેન, સૌ પ્રથમ તો આપના નામ વિશે મને ભારે કૌતુક છે. સૌ વાચકોની જેમ પહેલા મને એ ખ્યાલ હતો કે આપ સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહના પરિવારના સદસ્ય છો ! એકવાર કોઈક સાહિત્યકાર અંગે આ બાબતે વાતચીત થતાં સાચી વાત માલૂમ પડી. તમારે એવા અનુભવ થયા જ હશે ને ?
ઉત્તર : મૃગેશભાઈ, શરૂઆતમાં એવા ઘણા અનુભવ થયા હતાં. એકવાર તો દિલ્હીથી પ્રગટ થતા વાર્ષિકીમાં મારા લખાણનો પુરસ્કાર એમના ત્યાં પહોંચી ગયો હતો. એ વાર્ષિકીનો અંક અને પુરસ્કાર એમણે મને મોકલી આપ્યા. પછી તેઓ જ્યારે મળ્યા ત્યારે હસતાં હસતાં મને કહે : ‘જુઓ, મેં તમને પુરસ્કાર મોકલી આપ્યો હતો ને ? હવે તમારે મારા ઘરે વડોદરા આવવાનું છે.’ મૂળ તો મારું આખું નામ છે ‘અવંતિકા મહેતા’ છે.

પ્રશ્ન : તો પછી આ ‘અવંતિકા ગુણવંત’ લખવાનું શું રહસ્ય છે ?
ઉત્તર : (હસતાં હસતાં) હા. એ તમને કહું ! વાત થોડી લાંબી છે પણ ટૂંકમાં આપને કહું. અમારા જમાનામાં કાશીમાં એક પંડિત હતા. તેમના પત્ની ખૂબ જ વિદ્વાન હતાં અને સંસ્કૃતના ભારે અભ્યાસી હતા. તે વખતે તેમનું ‘અવંતિકા’ નામ ખૂબ પ્રચલિત હતું. તેથી બાપુજીએ મારું નામ ‘અવંતિકા’ પાડ્યું. થોડા દિવસ પછી કોઈક પરિવારજને મારી બા (એટલે કે મારી મમ્મી)ને કહ્યું કે થોડા સમય પહેલાં અવંતિકા નામની કોઈ છોકરીએ તો આપઘાત કર્યો એટલે આપણે નામ બદલી નાખીએ. મારી બાએ ના કહી. તેણે કહ્યું કે છોકરી એનું ભવિષ્ય લખાઈને જ આવી હોય, તેથી નામ બદલવાથી કંઈ ભવિષ્ય નથી બદલાઈ જવાનું. તેથી ‘અવંતિકા’ નામ મારું નિશ્ચિત થઈ ગયું.

હવે તમને વાત કરું ‘ગુણવંત’ શબ્દની. મેં બી.એ પૂરું કર્યું એ સમયે મારી સગાઈ નક્કી થઈ ગઈ. એ જમાનામાં તો છોકરીઓને પોતાની પસંદગીનો કોઈ વિચાર જ નહોતો ! ખાનદાન જોઈને લગ્નો થતાં. તેથી મારા બાપુજીએ મારો વિવાહ નક્કી કરી નાખ્યો. એ પછીના અઠવાડિયે હું એમને પહેલી વખત મળી. મળતાની સાથે જ એમણે મને પૂછ્યું : ‘કેમ ભણવાનું છોડી દીધું ?’
‘બી.એ. કર્યું અને….’ મેં કહ્યું.
‘પણ આગળ ભણવાની ઈચ્છા છે ખરી ?’
‘હા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા છે.’
‘તો પછી એમ.એ કરવું છે ?’
‘હા. ચોક્કસ’
‘તો તું એમ.એ કરી લે પછી જ આપણે લગ્ન કરીશું. કારણ કે તું એકવાર સાસરે આવીશ પછી તારાથી ભણાશે નહીં. આપણે ક્યાં ઉતાવળ છે ? તું ભણવાનું પૂરું કર….’ આ પહેલી જ વાત એમની મને બહુ ગમી. પોતાનાથી પોતાની પત્ની વધારે ભણે એવી ઉદારતા દાખવવી એ કંઈ સહેલી વાત નહોતી. એ પછી તો અમારી સગાઈ ત્રણ વર્ષ રહી. એમ.એ કર્યા પછી એમણે મને પી.એચ.ડી કરવાનું કહ્યું હતું પરંતુ એમને નોકરી અર્થે મુંબઈ એકલા રહેવું પડતું અને બહારનું જમીને માંદગીનો ભોગ બન્યા તે મારાથી સહન ના થયું અને મેં સામેથી જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

બીજી એક ઘટના છે. મારા એમ.એ.ની પરીક્ષા વખતની. એ વખતે હું ખૂબ માંદી હતી. તબિયત સાવ નરમ. પરીક્ષાને લીધે તેઓ ખાસ મુંબઈથી મને પ્રોત્સાહિત કરવા આવેલા. ઘરના બધા લોકોની ‘ના’ હતી છતાં પણ પરીક્ષા આપવા માટે તેમણે મને ઉત્સાહિત કરી. માત્ર એટલું નહિ, પરીક્ષાકેન્દ્ર સુધી મારી સાથે આવ્યા. ત્યાં પહોંચીને મને કહે : ‘જો અવંતિકા, આ બેન્ચ પર તારો નંબર છે. આની બરાબર સામે લીમડાનું ઝાડ છે ત્યાં હું બેઠો છું. તને ગમે ત્યારે અસ્વસ્થતા જણાય તો પેપર છોડી દે જે આપણે ઘરે જતા રહીશું. પણ તું પ્રયત્ન કર.’ હું પેપર લખતી વખતે વચ્ચે વચ્ચે જ્યારે સામે જોઉં ત્યારે તેઓ એકીટસે મારું ધ્યાન રાખતા બરાબર સામે જ બેઠા હોય. પરિણામ આવ્યું ત્યારે મારો હાયર સેકન્ડ ક્લાસ હતો. આનું શ્રેય હું કોને આપું ?

લગ્ન પછી પણ જીવનના પ્રત્યેક સુખ-દુ:ખમાં તેઓ મારું પૂરેપૂરું ધ્યાન રાખે. સામાયિકોમાં નિયમિત કૃતિઓ મોકલવાની હોય એટલે કલાકોના કલાકો લખવું પડે; એવા સમયે ઘરની તમામ જવાબદારીઓ એ સંભાળી લે. છોકરાંઓનો એવો ખ્યાલ રાખે કે મને કશીય કોઈ વાતની ચિંતા ના રહે. (પછી હસતાં હસતાં) મૃગેશભાઈ, એક મજાની વાત કહું. આજે પણ સવાર-બપોરની ચા વર્ષોથી એ જ બનાવે ! વ્યક્તિની અટક એ તેની જાતિ, કુળ વગેરેનો પરિચય છે; પણ હવે તમે જ કહો કે જાતિ, કુળ અગત્યનાં છે કે મને પ્રોત્સાહિત કરનાર વ્યક્તિનો સદભાવ અગત્યનો ? જીવનની પ્રત્યેક પળે મને તેમનો સાથ સહકાર સાંપડતો હોય એ વ્યક્તિનું નામ હું મારી સાથે શું કામ ન જોડું ? તેથી જ હું ‘અવંતિકા ગુણવંત’ નામે વર્ષોથી લખું છું. મારો પહેલો લેખ પણ એ નામથી જ પ્રકાશિત થયો હતો.

પ્રશ્ન : ખૂબ સરસ વાત કહી આપે. આપના બાળપણ વિશે કંઈક કહેશો ?
ઉત્તર : બાળપણ ઘણું સુખમય વીત્યું. પિતાજીને એ જમાનમાં ધંધાર્થે પરદેશથી સારું કમિશન મળતું તેથી અમારા ઘરમાં કોઈ વાતની ઉણપ નહોતી. વિશાળ મોટું ઘર હતું. ‘શેર્વોલેટ’ ગાડી હતી. ઘરમાં નોકર ચાકરો પણ ઘણાં. જમાવાનું બનાવવાની વાત ક્યાં રહી, એક ગ્લાસ સુદ્ધાં મેં ક્દી ધોયો નહોતો ! ઘરમાં મારો અલાયદો રૂમ હતો અને આંગણામાં એક લીમડાના ઝાડ નીચે હિંચકો હતો ત્યાં હું બેસીને વાંચ્યા કરતી, ક્યારેક ચિત્ર કરતી.

પ્રશ્ન : કહેવાય છે કે સુખમાં માણસને સાત્વિક રૂચી ના જાગે. તો પછી આ અપાર સુખના વાતાવરણમાં આપને સાહિત્યની સાત્વિક રૂચી કેવી રીતે જાગી ?
ઉત્તર : મારા ઘરમાં પુસ્તકોના ભંડાર ભરેલા હતાં. એ સમયે મનોરંજનનું અન્ય કોઈ સાધન તો હતું નહીં તેથી પુસ્તકો એ જ આપણું જીવન ! મારા પિતાજી વિદ્વાન પુરુષ હતા. તેમનું નામ છોટાલાલ મ. શાહ. એ સમયના એ જાણીતા પ્રકાશક હતા. બાળસાહિત્યકાર જીવરામજોષી સાથે મળીને તેઓ ‘રસરંજન’ નામનું અઠવાડયિક ચલાવતા. પાછળથી થોડા વર્ષો મેં ‘રસરંજન’નું સંપાદન કર્યું હતું. વળી, અમારી સોસાયટી પંડિતોની સોસાયટી કહેવાતી. રસિકલાલ પરીખ, પંડિત બેચરદાસ દોશી, રામનારાયણ પાઠક જેવા વિદ્વાન પુરુષો અમારા પડોશીઓ હતા. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ જેવાઓના હાથ નીચે હું ભણી. મારી આસપાસ સાહિત્યનું વાતાવરણ સતત રહેતું. ચોવીસેય કલાક સતત શુભનો જ સહવાસ રહે તો સ્વાભાવિક રીતે જ આપણામાં કંઈક અંકુરિત થઈ જાય. બાળપણમાં તો હું ‘ઘરઘર’ રમી છું તે પણ પુસ્તકોથી જ ! રમકડાંની જગ્યાએ ચારેબાજુ પુસ્તકો.

પ્રશ્ન : આપની વાત બરાબર અવંતિકાબેન, પણ સાહિત્યમાં અનેક પ્રકાર છે. નવલકથાઓ, નવલિકાઓ જેવાં સાહિત્યના અનેક ‘રસિક’ સ્વરૂપો છે. તે પસંદ ના કરતાં આપે જીવનલક્ષી, સત્વશીલ અને શિષ્ટ સાહિત્યને પ્રાધાન્ય કેવી રીતે આપ્યું ?
ઉત્તર : તેનું કારણ છે મારી બા. મારી બા સાવ નિરક્ષર. ઘરમાં સાહિત્યના પુસ્તકો ઘણાં આવે. હું મારી બાને પુસ્તકો વાંચી સંભળાવું. તે એમ માનતી કે સાહિત્ય આપણા જીવનના પ્રશ્નો ઉકેલે તેવું હોવું જોઈએ. માત્ર કાલ્પનિક રસસૃષ્ટિ રચીને બે ઘડી આનંદ આપે એનાથી શું વળે ? વાત તો એવી હોવી જોઈએ જે હૃદયમાં ઊતરી જાય અને વાંચનારના ચિત્ત સાથે આજીવન જડાઈ જાય. કોઈ અયોગ્ય કૃતિ આવે એટલે તરત બા વાંચતા વાંચતા મને અટકાવે. એ તરત ટોકે કે ચાલ, એ વાર્તા છોડ….. આગળ ની વાંચ…. આમ એમને વાંચી સંભળાવામાં મારો એક પ્રકારનો ‘ટેસ્ટ’ કેળવાતો ગયો. મનમાં નક્કી થતું ગયું કે જે બધું છપાય એ કંઈ વંચાય નહીં. સાહિત્ય તો જીવનપ્રેરક જ હોવું જોઈએ. મારી બાનું સાનિધ્ય આમાં કામ કરી ગયું.

પ્રશ્ન : લગ્ન પછી આપની સાહિત્યયાત્રા કેવી રીતે ચાલુ રહી ? આપના દાંપત્યજીવન વિશે કંઈક કહો.
ઉત્તર : લગ્ન પછી અમે અમદાવાદમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું. તેઓ મુંબઈથી અહીં પરત આવી ગયા. તે વખતે મારા સાસરે જેઠ-જેઠાણી એમના ત્રણ બાળકો, સાસુ-સસરા, નણંદ અને અમે બે. નાનું ઘર અને માણસો વધારે. બેસવા-ઉઠવાની અગવડ પડે. થોડો સમય વીતતાં ઘરના વડીલોએ અલગ રહેવાની વાત કરી. એ સમયે એમનો પગાર ટૂંકો. પોળમાં ઘર લઈએ પણ પોળમાં મોકળાશ ઓછી તેથી અમે સોસાયટી વિસ્તારમાં ઘર લીધું. એ ગેરેજ હતું. અમારા ગૃહસ્થ જીવનનો આરંભ ત્યાંથી થયો. પણ મૃગેશભાઈ અમારું જીવન તો ખૂબ રોમેન્ટિક ! જ્યાં રહીએ ત્યાં બહુ પ્રસન્ન રહીએ. જીવનમાં કોઈ વસ્તુનો અભાવ છે કે એવી તો કોઈ વાત જ નહીં. જે છે તેમાં હંમેશા ખુશ.

અમને બંનેને એકબીજામાં આટલા ઓતપ્રોત અને સહજ જીવન જીવતા જોઈને અમારા મકાન માલિક અમને રમૂજમાં “ગુણવંતિકા’ કહેતા !! તેઓ કહેતા કે મેં તો પહેલું-વહેલું આવું યુગલ જોયું ! એ સમયે મનોરંજન માટે ફિલ્મો વગેરે જોવા જવાના તો પૈસા જ નહીં. તેથી સાંજ પડે અમે ગેરેજની સામે આવેલી કમ્પાઉન્ડ વૉલ પર ચઢીને બેસતાં અને રસ્તા પરનો નઝારો જોતાં. એય અમારી જે મોજ હતી….. શું કહું મૃગેશભાઈ…. શબ્દોમાં વર્ણન ના થાય. અંતરની મસ્તી સાથે ભરપૂર જીવ્યાં. એ અરસામાં પુત્ર ‘મરાલ’નો જન્મ થયો. હવે તકલીફ એ થઈ કે ગેરેજ ને તો બારી હોય નહીં ! ત્રણ બાજુ દિવાલ અને એક શટર. એવામાં બાળક તો બિચારો ગૂંગળાઈ જાય. થોડીક આર્થિક વ્યવસ્થા કરીને અમે નદીના ઓઘા ઉપર ઘરથારની જગ્યામાં એક ઘર ભાડે લીધું. ત્યાં દીકરી ‘પ્રશસ્તિ’નો જન્મ થયો. બંનેના આગમનથી ઘર કિલ્લોલ કરી ઊઠ્યું.

પ્રશ્ન : તમારા વ્યવસાય તેમજ ગૃહસ્થ જીવન વિશે કંઈક કહેશો ?
ઉત્તર : જરૂર. એ સમયે પ્રાથમિક ધોરણમાં માત્ર અભ્યાસક્રમ સરકાર બહાર પાડતી અને પ્રકાશકો જાતે પુસ્તકો તૈયાર કરાવતા. હું બધા વિષયના પુસ્તકો અભ્યાસક્રમ પ્રમાણે લખતી અને ગુણવંત છપાવવાનું અને વેચાણનું કાર્ય સંભાળતા હતા. થોડા વર્ષો એ કામ ચાલ્યું પણ પછી ચોપડીઓનું ‘નેશનલાઈઝેશન’ થઈ ગયું અને અમારો ધંધો બંધ પડ્યો. ગુણવંતે પ્રેસ કર્યું અને હું સાવ નવરી. બાળપણમાં રસરંજન લખવાનો અનુભવ તો હતો જ. તેથી મેં હાથમાં કલમ પકડી અને લખવા માંડ્યું. બે લખાણો ‘અખંડ આનંદ’ની ઑફિસે મોકલ્યા. ત્યાંથી જવાબ આવ્યો ‘હવે નિયમિત લખાણ મોકલતા રહેશો.’ આ મારા માટે પ્રોત્સાહક વાત હતી. વચ્ચે એક લખાણ ‘કુમાર’માં મોકલ્યું અને તે 1982માં પ્રસિદ્ધ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ ઠર્યું. એ પછી ‘જન્મભૂમિ પ્રવાસી’ , ‘ફૂલછાબ’, ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘હલચલ’, ‘સાંવરી’, ‘જનકલ્યાણ’ વગેરેમાં મારા લખાણો પ્રસિદ્ધ થવા માંડ્યા.

1964માં અમે ઘર માટે આ જગ્યા લીધી. તમે સામે જે ઉપાશ્રય અને આજુબાજુના મકાનો જોઈ રહ્યાં છો ત્યાં ખેતર અને ખાલી જગ્યા હતી. ચાલુ બાંધકામે જ અમે રહેવા આવી ગયા. ત્યારે તો બારીઓના કાચ પણ નહોતા અને પાણીનો નળ પણ કમ્પાઉન્ડમાં હતો ! ક્યાંક બહાર જવાનું થાય તો અમે ઘરને નાનું તાળું મારતાં. કોઈક પૂછે કે ‘તમને ચોરીનો ડર નથી લાગતો ?’ ત્યારે અમે હસી પડતાં : ‘જો કોઈ ચોર આવે તો એને મહેનત માથે પડે. ઘરમાં પુસ્તકો સિવાય બીજું કાંઈ નથી.’ કબાટ ને પણ અમે લોક ન કરતાં. એ પછી સંતાનો મોટા થયાં ત્યારેય ઘરમાં પુસ્તકોનું વાંચન સતત રહેતું હતું. લાઈબ્રેરીમાંથી નાટકના પુસ્તકો લઈ આવતાં અને અમે ચારેય જણ જાતે ભજવતાં. પ્રશસ્તિ તો ચિત્રકાર. તે ચિત્રો કરતી. મરાલ જાત જાતની રમતો બનાવતો. જીવનમાં જો પ્રેમ હોય તો કોઈ વાતનો અભાવ સાલતો નથી. અમારું અને બાળકોનું જીવન સમૃદ્ધ હતું.

પ્રશ્ન : આપની આ સાહિત્ય યાત્રા દરમિયાન આપને તો અનેક વાચકો સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે સંપર્કમાં આવવાનું થયું હશે. આપનો વાચકો સાથે અનુભવ કેવો રહ્યો ? તેઓના શું પ્રતિભાવો છે ?
ઉત્તર : વાચકો જ મારું સર્વસ્વ છે. અનેક વાચકોના ટેલિફોન આવે, દેશ-વિદેશથી મળવા આવે, અગણિત પત્રોમાં પોતાની સંવેદના વ્યક્ત કરે – હું માનું છું કે એ જ મારા લખાણની સાર્થકતા છે. વાચકોના પ્રતિભાવોમાં મને જે સંતોષ મળ્યો છે તે મને પૂર્ણતાથી ભરી દે છે. તેમનો અહોભાવ શબ્દોમાં અવર્ણનીય છે. કેટલાક પ્રસંગો આપને કહું છું જેથી તેનો ખ્યાલ આવે.

1996-97માં મને આંતરડાની તકલીફ થઈ. ઓપરેશન કરીને દોઢ ફૂટ આંતરડું કાપવું પડે એવું ડૉક્ટરોએ કહ્યું. ઘણું જોખમી ઓપરેશન હતું. કંઈ પણ બની શકે. દીકરો ભરૂચમાં અને એને પરદેશ જવાના વિઝા આવી ગયા હતા. તે તેમાં વ્યસ્ત હતો અને દીકરી અમેરિકા. એને ડિલીવરી આવવાની હતી તેથી અમે એને પણ ના જણાવ્યું. હું અને ગુણવંત બંને એકલા જ આ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હતાં. કાર્ડયોગ્રામ કઢાવતાં હાર્ટને લોહી પૂરતું મળતું નથી એવો રિપોર્ટ આવ્યો, તેથી આ પરિસ્થિતિમાં ઓપરેશન થાય તો જીવને જોખમ હતું. ગુણવંતે મને ના પાડી. અમે વગર ઓપરેશને જ ઘરે આવી ગયાં. હવે બન્યું એવું કે આ માંદગીને લીધે મેં તો મારા તંત્રીઓને ‘હમણાં લેખો નહીં મોકલી શકાય’ એવી ખબર આપી દીધી હતી. તેથી વાચકોમાં આ વાત ફેલાતાં ઢગલાબંધ વાચકોના ફોન આવવાના શરૂ થયાં. ફોનમાં બધા એક જ વાત કહે કે બેન તમને કંઈ નહીં થાય… તમારે હજુ જીવવાનું છે…. અમારા માટે લખવાનું છે…. અનેક ફોન અને પત્રો. હું ગદગદ થઈ જતી. એ પછી મારે માત્ર થોડા ઈંજેક્શન લેવા પડ્યાં, બાકી કોઈ ઓપરેશન નહીં. એમ જ બધું સારું થઈ ગયું. તેથી હું માનું છું કે ઈશ્વરનીકૃપા અને મારા વાચકોની દુઆઓ એ બચાવી લીધી છે.

બીજો એક પ્રસંગ આપને કહું. એક દિવસ મારા સાસરેથી કેટલાક મહેમાનો અમારે ત્યાં આવ્યા હતાં. બધા બહાર બેઠા હતા અને હું અંદર પૂરીઓ તળતી હતી. એટલામાં એક ભાઈ દરવાજા પાસે આવ્યાં અને પૂછ્યું કે : ‘અવંતિકાબેન મળશે ?’ હું અંદરથી બહાર આવી. તેઓ બોલ્યા : ‘મારે આપને એકાંતમાં મળવું છે.’ મેં હા કહી અને અમે પાછળના રૂમમાં જઈને બેઠાં. એ ભાઈએ વાત શરૂ કરી કે : ‘હું મુંબઈથી પ્લેનમાં તાત્કાલિક આપને મળવા અમદાવાદ આવ્યો છું. મારી દીકરીને અમે મુંબઈમાં સારામાં સારો છોકરો બતાવ્યો છે પણ એ લગ્ન માટે તૈયાર નથી થતી અમે બહુ સમજાવી તો કહે છે કે અવંતિકાબેન કહેશે તો જ હું માનીશ.’ – હું તો સાંભળીને છક થઈ ગઈ. ન તો મારે એનો કોઈ પરિચય, ન એણે મારો અવાજ સાંભળ્યો હોય. માત્ર લેખ વાંચીને માણસમાં આટલી બધી શ્રદ્ધા ! એવા અનેક લોકો સંપર્ક કરે. કોઈને છૂટાછેડાની વાત હોય. કોઈ પતિને પત્નીના સ્વભાવની ફરિયાદ હોય તો વળી કોઈ પત્નીને પતિના વર્તાવ પ્રત્યે અણગમો હોય. સમાજના વિવિધ સ્તરના લોકો વિશ્વાસથી માર્ગદર્શન મેળવવા સંપર્ક કરે. ઘણી વાર જવાબ આપવામાં હું મૂંઝાઈ જાઉં છું કારણ કે દરેક વ્યક્તિ જુદી જુદી પરિસ્થિતિમાં જીવતો હોય તેથી તેના ઉકેલ જુદા જ રહેવાના.

ત્રીજા એક પ્રસંગની વાત કરું તો ત્યારે હું અમેરિકા હતી. ત્યાં એક પાર્ટીમાં એક સ્પેનિશ ભાઈની ઓળખાણ થઈ. ટૂંકા પરિચયથી વિશેષ કોઈ વધારે વાત થઈ નહોતી. બે-ત્રણ દિવસ પછી અચાનક તેમનો ફોન આવ્યો : ‘Will you please come with me ? I am in trouble.’ હું તો મૂંઝાઈ ગઈ. મને શા માટે બોલાવતા હશે ? ન કોઈ જાન-પહેચાન….
મેં કહ્યું : ‘Yes, sure. But What happen ?’
‘That I will tell you later.’
તેઓ કાર લઈને લેવા આવ્યા. અમે એના ઘરે પહોંચ્યા. વાત જાણતા ખબર પડી કે એમની દીકરી અંદરથી રૂમ લૉક કરીને બેસી ગઈ છે. કોઈ જવાબ આપતી નથી. કોઈની વાત માનતી નથી…. ભારે મહેનત અને સમજાવટને અંતે અમે બારણું ખોલાવ્યું. હું અંદર જઈને તેની પાસે બેસી. તેની પીઠે હાથ પસવાર્યો. તે ફક્ત એક જ વાક્ય બોલી રહી હતી : ‘My boy friend has cheated me… I do not want to live… I am depressed…’ મેં તેનું માથું ખોળામાં લઈને પ્રેમથી સમજાવી. અમારે ત્યાં ભારતની છોકરીઓ કંઈ ડરે નહીં કે નિરાશ ન થાય. સંજોગો સામે લડી લેવાનું…. આપણા સુખની દોરી આપણે બીજાના હાથમાં નહી આપવાની…. આમ વાતો કરીને એને સમજાવી. એને નવાઈ લાગી…. જેમ તે સમજતી ગઈ એમ તેને પોતાના જીવનની અગત્યતાનું ભાન થયું. અમે નીકળ્યાં ત્યારે તો તે ટટ્ટાર થઈને પૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી હતી !… આ એક ચમત્કાર જ હતો કે પેલા ભાઈને મારા પર શ્રદ્ધા મૂકવાનું મન થયું. માનવીય પ્રેમની આ ઉંચી અવસ્થા છે જેમાં સહાનુભૂતિ શબ્દો કે ભાષા વગર પણ વ્યક્ત થઈ શકે છે.

પ્રશ્ન : લખવા માટે આપ કયો સમય પસંદ કરો છો ? આટલું સતત લખવાનું હોય તો ક્યારેક મૂડ ના આવે એવું થાય ખરું ?
ઉત્તર : લખવાનું તો સતત ચાલુ રહે. ઘણીવાર રાત્રે એક વાગે ઊઠીને સવારે પાંચ વાગ્યા સુધી લખું. મારા કામની જોડે બીજી બાજુ લેખનનો વિચાર પ્રવાહ સતત ચાલુ જ હોય તેથી મૂડનો કોઈ પ્રશ્ન જ ન રહે. જેટલો સમય મળે તેટલો વાંચું, અથવા લખું અથવા માણસોને મળું. આ તમારી સાથે વાત કરતાં કરતાં પણ….

(અમારો વાર્તાલાપ વચ્ચેથી અટકાવીને ગુણવંતભાઈ બોલ્યા…)

મૃગેશભાઈ, એક મિનિટ…. તમારા આ પ્રશ્નનો જવાબ હું આપું. અવંતિકાનું લેખનકાર્ય સતત ચાલુ હોય. દાળમાં મસાલો કરતાં કોઈ લેખની શરૂઆત મનમાં બેસી જાય તો મને તરત કહે : ‘ગુણવંત આ જરા દાળ જોજો ને, હું હમણાં આવું…’ કહી લખવા બેસી જાય…. (હસતાં-હસતાં) અને આમ જ હું બધી રસોઈ કરતાં શીખી ગયો… (અમે બધા ખડખડાટ હસી પડીએ છીએ.) ઘણી વાર તો રાત્રે લખતાં લખતાં પેન હાથમાં રાખીને જ સૂઈ જાય. મને રાત્રે બહુ ઊંઘ ના આવે તેથી હું મોડેથી ઊઠું અને બધા કાગળો આમ-તેમ સરખા મૂકીને પછી મેગેઝીનો વાંચવા બેસી જાઉં…. ગમે તેવા કપરા કાળમાં પણ મેં અવંતિકાને કહ્યું છે કે તારું લખવાનું બંધ ન થવું જોઈએ. ભલે પૈસા મળે કે ન મળે. ….અને મૃગેશભાઈ, અમારા વ્યક્તિગત એવા અનુભવ છે કે લેખનનો પુરસ્કર તો ઠીક પણ અમારા હજારો કામો એક માત્ર કલમની કૃપાથી સરળતાથી પતી જાય છે. કોઈ એવા અઘરા કામ લઈને નીકળીએ ત્યારે ત્યાં કોઈને કોઈ વાચક મળી જાય… ‘અવંતિકાબેનને ? એમની કૉલમ તો હું રોજ વાંચું છું….’ વાત એટલે સુધી કે ડૉક્ટરો પૈસા ન લે. એ અમને કહે કે તમારો ઈલાજ કરવો એ અમારા માટે ગૌરવની વાત કહેવાય ! આટલો બધો વાચકોનો પ્રેમ મળે એ ઈશ્વરકૃપા નહીં તો બીજું શું છે ?

પ્રશ્ન : છેલ્લે, એક સર્વસામાન્ય પ્રશ્ન હું મોટાભાગના સાહિત્યકારોને પૂછતો રહું છું જેથી વિવિધ પ્રકારના અભિપ્રાયો મને મળી રહે. ટી.વીથી લઈને આઈપોડના આ જમાનામાં ગુજરાતી સાહિત્ય યુવાનો સુધી પહોંચાડવા માટે તમે કોઈ ઉપાય સૂચવી શકો ખરાં ?
ઉત્તર : હું એમ માનું છું કે વાંચનની રૂચિ બાળપણથી ઊભી થવી જોઈએ અને તે પોતાના માતૃભાષાનું વાંચન હોવું જોઈએ જેથી બાળકની આંતરપ્રજ્ઞા ઝડપથી ખીલી શકે. આ કાર્ય માટે બે વ્યક્તિઓ જવાબદાર છે. એક તો માતાપિતા અને બીજા શિક્ષક. માતા પિતાએ વાંચનનો શોખ જાળવવો જોઈએ અને બાળકો ને વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. અને શિક્ષકોએ પણ પ્રેરણા આપવી જોઈએ. મેં એવા માતા-પિતાઓ જોયા છે કે જેઓ બાળકના દેખતા અભદ્ર રીતે વર્તતા હોય અને બાળક પાસેથી ઉંચા આદર્શોની અપેક્ષા રાખે. પછી વાંચન ક્યાંથી વિકસે ? યોગ્ય ઉંમરે તેમને વાળવા પડે. અમુક વય સાથે અમુક વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી એ લોકો ગુજરાતી વાંચનની અગત્યતા નહીં સમજી શકે, એ માટે તો મૂળમાંથી પાયો મજબૂત કરવો પડે.
******

સહજ પ્રસન્નતા, સરળતા અને ઉમદા ગુણોના આચરણને પોતાના જીવનનું મુખ્ય કર્મ ગણતાં અવંતિકાબેન પાસેથી વિદાય લેતાં કોઈનું પણ હૈયું ભરાઈ આવે. લોકમંગલ માટેના તેમના આજીવન સેવાકાર્ય બદલ આવનારી પેઢીઓના વાચકો સદા તેમના ઋણી રહેશે. અવંતિકાબેન પાસેથી વર્તમાન યુવાપેઢીને આમ જ માર્ગદર્શન મળતું રહે અને તેમની કલમ અવિરત ચાલતી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ….. (તેમની પાસેથી ભેટરૂપે મળેલા 7-8 પુસ્તકોને સમયાંતરે આપણે સાઈટ પર માણતા રહીશું.)

[સરનામું : અવંતિકા ગુણવંત. ‘શાશ્વત’., કે.એમ.  જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007. ફોન : +91 79 26612505. ]

.

[ અવંતિકાબેનના પુસ્તકોની યાદી ]

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં
[2] ગૃહગંગાને તીરે.
[3] સપનાને દૂર શું નજીક શું ?
[4] અભરે ભરી જિંદગી
[5] પ્રેમ ! તારાં છે હજાર ધામ
[6] કથા અને વ્યથા
[7] માનવતાની મહેક
[8] એકને આભ બીજાને ઉંબરો
[9] સહજીવનનું પ્રથમ પગથિયું
[10] ત્રીજી ઘંટડી
[11] હરિ હાથ લેજે
[12] સદગુણદર્શન
[13] ધૂપસળીની ધૂમ્રસેર
[14] તેજકુંવર ચીનમાં
[15] તેજકુંવર નવો અવતાર