અનોખું વ્યકિત્વ – મહેબૂબ દેસાઈ
[‘નવનીત સમર્પણ’ – માર્ચ 2008માંથી સાભાર.]
1954ની સાલ હતી. ગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંઘીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરવા મા ઉત્સુક હતી પણ યુવાન ગાંધીરંગે રંગાયેલો હતો. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી વજુભાઈ શાહ અને શ્રી લલ્લુભાઈ શેઠ જેવા ગાંધીજનોના સંગમાં તાલીમ પામેલો હતો. તે હંમેશાં કહેતો, ‘સ્વ માટે તો સૌ જીવે, પણ સૌ માટે જે જીવે તે સાચું જીવન.’
અને એટલે જ યુવાને પોતાની માતાને કહી દીધું હતું : ‘મા, મારી શાદીમાં ખોટા ખર્ચા ન કરશો. શાદીની ઉજવણી પાછળ થનાર ખર્ચ જરૂરતમંદોમાં વહેંચી દેજો.’ માએ કમને પુત્રની ઈચ્છા સ્વીકારી અને મનને એમ કહી મનાવી લીધું કે ‘ભલે બેટા, ધામધૂમ નહિ કરીએ, પણ નવાં કપડાં અને તાજાં ગુલાબનાં ફૂલોનો સહેરો (હાર) તને પહેરાવી શાદીનો આનંદ માણીશું.’
યુવકે તેનો પણ સઆદર અસ્વીકાર કર્યો અને કહ્યું : ‘ગુલાબનો સહેરો નહિ પહેરું, નવાં કપડાં પણ નહિ પહેરું. માત્ર ખાદીનાં કફની, લેંઘો, ચંપલ અને ગળામાં સૂતરની આંટી પહેરીને જ નિકાહ પઢવા જઈશ.’
નાનકડા ગામ વંડામાં વાત પ્રસરી ગઈ. ગફાર તો ખાદીની કફની-લેંઘો અને સૂતરની આંટી પહેરી ચાલતો નિકાહ પઢવા જવાનો છે. ગામમાં જોણું થયું. ગફારનો નવી તરહનો વરઘોડો જોવા ગામઆખું ભેગું થયું. ગફારને તેની જરા પણ પડી ન હતી. ગોરો વાન, દૂબળો-પાતળો ઊંચો બાંધો, આદર્શોમાં રાચતી આંખો, સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ અને ગળામાં સૂતરની આંટી ધારણ કરી લાંબાં ડગલાંઓ ભરતો ગફાર વટથી નિકાહ પઢવા નીકળ્યો અને નિકાહ સંપન્ન થયા.
દસકાઓ વીત્યા. યુગ બદલાયો. નવા વિચારો પ્રસર્યા. જિંદગીના ઉતારચડાવમાં ગફારે ઘણા અનુભવો મેળવ્યા. ચહેરા પર પ્રૌઢ રેખાઓ ઊપસી આવી. સંઘર્ષોએ ગફારભાઈને યારી આપી. તંગીના દિવસો બદલાયા. નાણાંની ભરતીથી ગફારભાઈને ખુદાએ નવાજ્યા, છતાં ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદભાવ અને સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ, પ્રૌઢ ચહેરા પર મીઠી મુસ્કાન અને મધુરવાણી ગફારભાઈની પહેચાન બની ગયાં. જોકે હવે સૌ ગફારભાઈને ‘બાપુજી’ કહેવા લાગ્યા હતા. એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. પોતાની કારમાં શેઠની જેમ પાછળ બેસવા કરતાં ડ્રાઈવરની બાજુમાં બેસવાનું બાપુજીને ગમતું, કારણ કે છેલ્લાં વીસ વર્ષથી ડ્રાઈવર તરીકે કાર્ય કરતો અનિલ તેમના સ્વજન જેવો બની ગયો હતો. કાર પૂરપાટ દોડી રહી હતી. ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે ઓશિયાળા ચહેરે બાળકોને ઊભેલાં જોઈ બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યાં. બાળકના માથે હાથ ફેરવતાં બાપુજીએ પૂછ્યું : ‘દીકરાઓ, આવા ભરતડકામાં અહીયાં કેમ ઊભા છો ?’
‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે.’
‘ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી જોઈએ. તમારાં જેવાં માસૂમ ભૂલકાંઓને થોડી સજા કરાય ?’ આટલું બોલતાં તો બાપુજીનો અવાજ ભીનો થઈ ગયો. વ્યથિત હ્રદયે લાંબાં ડગલાં ભરતાં તેઓ સ્કૂલમાં પ્રવેશ્યાં.
‘ક્યાં છે આ શાળાના આચાર્ય ?’ ખાદીના સફેદ કફની-લેંઘાધારી વૃદ્ધને જોઈ આચાર્ય દોડી આવ્યા.
‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં બેસીને શાંતિથી વાત કરીએ ?’
‘આચાર્યસાહેબ, આપની ચેમ્બરમાં જરૂર બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા કરવાને બદલે તમે આવાં માસૂમ બાળકોને શા માટે સજા કરો છો ? સૌ પ્રથમ તમે એ બાળકોને કલાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં બેસીએ.’ ખાદીધારી વૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તરત વર્ગમાં બેસાડવા સૂચના આપી પછી પોતાના રૂમ તરફ બાપુજીને દોરી જતાં બોલ્યા,
‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ પાંત્રીસ હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા પૈસાની જરૂર તો પડે જ ને ? એટલે બાળકો પર જરા સખતી કરવી પડી છે.’
આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતાં બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને મનોમન તેઓ બોલી ઊઠ્યા : ‘આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતૂમડા કરાતા હશે ? અને બાજુમાં ઊભેલા ડ્રાઈવર અનિલને કહ્યું : ‘અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂ. પાંત્રીસ હજાર ભરવાની વ્યવસ્થા કરશો ? અનિલે તરત મોબાઈલ પર સંદેશો આપ્યો. એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક આચાર્યના ટેબલ પર આવી પડ્યો. ત્યારે આચાર્ય બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા પણ બાપુજી તો, ‘પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી સજા ક્યારેય ન કરશો.’ એમ કહી લાંબાં ડગલાં ભરતાં હવામાં ઓગળી ગયા.
આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ ન હતી. પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય પસંદ ન કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં આથી ઊલટું થયું. હજયાત્રા દરમ્યાન કાબા શરીફની પરિક્રમા કરતાં કરતાં બાપુજીના મનમાં વિચાર ઝબક્યો. ’20 લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી લેવાના નીકળે છે. એ તમામને તાલમાં રાખી હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરીને આવવું જોઈતું હતું.’
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ એ વિચારને અમલમાં મૂક્યો. કાબા શરીફ સામે ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ લેણું માફ કરી દીધું. હજયાત્રાએથી પરત આવ્યા પછી એક દિવસ એક હિન્દુ સ્વજન પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાની થોકડીઓ લઈને આવ્યો અને બાપુજીની સામે મૂકતા બોલ્યો :
‘બાપુજી, આ આપની અમાનત રૂ. પાંચ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા. પણ હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા આવ્યો છું.’ બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને પ્લાસ્ટિકની થેલી પર નાખી, પછી ગોરા ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું : ‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.’
અને 72 વર્ષના બાપુજી લાંબાં ડગલાં માંડતાં હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના જીવનઆદર્શનું પેલું સુત્ર હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યું હતું : ‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’
Print This Article
·
Save this article As PDF
બાપુજીને લાખ લાખ સલામ
ગફારબાપુને હૃદયથી નમન. ઘણી વખત વિચાર આવે છે કે – આવા પણ માણસ હોય છે? જે માણસ હોવાનુ ગૌરવ અપાવે છે.
મહેબૂબભાઇનો આભાર.
આ વાત ફરી ફ્રીને વાંચતા તેટલો જ આનંદ થાય…
“મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.”
એક સાચી બંદગી..
અસલામ ગફારભાઈને-મહેબૂબ દેસાઈને
ગાંધીવિચારમા આટલુ સમર્થ રહેલુ છે. જે ખુદાની રાહમા છોડી ચુક્યા છે તેને કોઇ બંધન ચળાવીના શકે. ગફારભાઈને પ્રણામ.
હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી સાચું જીવન જીવે છે, ગફારભાઈ. ‘બાપુજી’ ને પ્રણામ.
નવિનતમ ગુજરાતિ વેબસઇટ હુ ગુજરાતી.કોમ ની મુલાકાત લેવા જેવી
http://www.hugujarati.com
‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન’ – આ જીવનમન્ત્રને સાર્થક કરીને જીવી જનારા ગફારભાઈ ‘બાપુજી’ને કોટિ વન્દન.
ગફારબાપુ જેવુ સહુ જિવિએ તો આ દુનિયા સ્વર્ગ બનિ જાય એવિ પ્ર્ભુને પ્રર્થના હુન કરુ ચ્હુ.
સિદ્ધાર્થ દેસાએ
Khuda vande karim darek manav ne GAFFAR bapu jeva adarsh vacharo Aata kare..AAMeeN.
ખુબ જ સુન્દર વાર્તા. જીવન મા ઉતારવા જેવી…
સુંદર જીવનકથની……!!
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’
~:ઝવેરચંદ મેઘાણી:~
માણસ મરે છે માણસાઈ નહિં,
અને માણસાઈના આ દીવડા તો ઝળહળતા જ રહે… !!
Thanks all of you who has given me incentive