જીવડું – મધુસૂદન પારેખ

રાતે બાબાના કાનમાં જીવડું ભરાઈ ગયું. એણે કૂદાકૂદ કરવા માંડી…. પથારીમાં સૂતો હતો તે ઊભો થઈ થઈને ઊછળવા માંડ્યો. કમળાએ કાનમાં દવા નાખી, પણ બાબો ઉછાળા પર ઉછાળા મારવા માંડ્યો. અમારું આખું ઘર હલી ઊઠ્યું. હું ડૉક્ટરને બોલાવવા દોડ્યો. એ સામે જ રહેતા હતા. એટલામાં દવાની અસરથી ગભરાઈને જીવડું કાનમાંથી નીકળ્યું. બાબો થોડી વારમાં નિરાંતે ઊંઘી ગયો; અમે પણ ઊંઘ્યાં.

સવારે સાત વાગ્યે મારી આંખ ઊઘડી ગઈ. પડોશમાંથી તનમનબહેન આવ્યાં હતાં. કમળાએ પ્રસાદ લીધો. તનમનબહેન જવા માંડ્યાં ત્યાં કમળા કહે : ‘અમે તો કાલે રાતે ઊંઘ્યાં જ નથી….’
તનમનબહેન કહે : ‘અમારે ત્યાં પણ કાલે એવા એ આખી રાત જાગતા જ રહ્યા…..’
‘અમારે ત્યાં તો જીવડાં એટલાં બધાં છે કે અમને ઊંઘ જ ન આવી….’
‘એમ ? તમારે ત્યાં ખૂબ જીવડાં થયાં છે ?’ તનમનબહેને પૂછ્યું.
‘અરે હા… ખૂબ જીવડાં… કાલે જરાક આંખ મળી ત્યાં બાબાના કાનમાં જીવડું પેસી ગયું. એ તો કૂદકા મારીને ચીસાચીસ કરવા માંડ્યો. એવા એ તો હાંફળાફાંફળા થઈ ગયા, પણ મેં જરા અગમચેતી વાપરીને કાનમાં દવા નાખી, એટલે જીવડું નીકળી ગયું.’ અને તનમનબહેન વિદાય થયાં.

હું અડધો કલાક પાછો સૂઈ ગયો ત્યાં રામાએ વાસણો પછાડ્યાં એટલે જાગી ગયો. મને થયું કે જીવડાંની વાત કમળા રામાને પણ કહેશે. એ કઈ રીતે એ વાત કહે છે એ જાણવા હું ઉત્સુક થઈ ગયો. રામો થોડી વારમાં વાસણ ઊટકી લાવ્યો. કમળાએ કહ્યું : ‘બરાબર વાસણ ઊટક્યાં છે ને ? વાસણ ખૂબ ચીકણાં રહે છે હોં !’ મને થયું કે કમળા રામાને જીવડાંની વાત હવે નહિ કહે, કારણ રામો જવા માંડ્યો. કમળાએ બૂમ પાડીને એને કહ્યું : ‘સાંજે જાળાં પાડવાનાં છે. આવી જજે હોં…. જો આ ભીંત પર કેટલાં જીવડાં બાઝયાં છે ?’ રામો ઊભો રહી ગયો. કહ્યું : ‘બહેન, આટલાં બધાં જીવડાં ક્યાંથી થયાં ?’
કમળાએ રામાને ચાનો પ્યાલો આપ્યો. ‘લે, પી જરા. અરે, જીવડાંની તો વાત જ ન કરીશ. કાલે રાતે બાબાભાઈના કાનમાં જીવડું પેસી ગયું; તે એવા કૂદકા મારે…..’
રામો કહે : ‘બાબાભાઈના કાનમાં ?’
‘હાસ્તો ! તારા શેઠ તો ગભરાઈ ગયા ને ડૉક્ટરને બોલાવવા દોડયા, પણ મેં વહેલી વહેલી દવા કાનમાં રેડી દીધી એટલે જીવડું બહાર કૂદી આવ્યું.’

રામો ચા પીને વિદાય થયો. મેં ઊઠીને ચા પીધી. પછી છાપું વાંચવા બેઠો, એટલામાં અમારી ઑફિસના એક મિત્ર મળવા આવ્યા. એમનું નામ બાબુભાઈ. પણ મારું મન જીવડામાં જ હતું. મને થયું કે કમળા બાબુભાઈને જીવડાંની કથા કહેશે ? કહ્યા વિના એનાથી રહેવાશે ? બાબુભાઈએ આમતેમ ગપાટા મારવા માંડ્યા, ત્યાં કમળા ચા લઈને આવી અને પૂછ્યું : ‘બાબુભાઈ, તમારો બાબો કેમ છે ? હવે તો સારો છે ને ?’
બાબુભાઈએ કહ્યું : ‘હા, હા. હવે દવા માફક આવી ગઈ છે.’ અને તરત એ ઑફિસના મૅનેજરની વાત કરવા લાગી ગયા. અને કમળા ચાના પ્યાલા લઈ અંદર ગઈ. વળી પાછી બહાર આવી. મને થયું કે ‘જીવડું’ હવે ક્યારે આવશે ? બાબુભાઈ તો ઊઠવા માંડ્યા. કમળા મૂંઝાતી લાગી. એકદમ એણે બૂમ પાડી : ‘બાબા, એ બાબા !’ બાબો દોડતો આવ્યો. કમળાએ એને પાસે બોલાવીને એનો કાન તપાસવા માંડ્યો : ‘હવે તારા કાનમાં દુખતું નથી ને ?’
બાબુભાઈએ પૂછ્યું : ‘બાબાને કાનમાં શું થયું છે ?’
કમળાના મુખ પર આનંદ અને સંતોષ પ્રગટ થયાં : ‘અમે તો જીવડાંથી ત્રાસી ગયાં. કાલે રાત્રે બે વાગ્યે બાબાના કાનમાં જીવડું પેસી ગયું. કાનમાં જીવડું ગભરાઈને કૂદાકૂદ કરે, તેમ તેમ બાબો ઉછાળા મારે, એણે તો આખી પોળ ગજવી મેલી. અમારી સામે જ રહેતા ડૉક્ટરને બોલાવવા તમારા ભાઈ દોડ્યા, પણ મને વળી અક્કલ સૂઝી તે મેં તરત બાબાના કાનમાં દવાની અડધી શીશી ઠાલવી દીધી. જીવડું ગભરાઈને બહાર નીકળી આવ્યું.’

બાબુભાઈ ગયા. કમળા જાણે મોટો ભાર ઊતર્યો હોય તેમ હળવે હૈયે રસોડામાં ગઈ. ચાનો બીજો કપ મેં પીધો ત્યાં ઈસ્તરી કરેલાં કપડાં લઈને ધોબી આવ્યો : ‘બહેન, કપડાં !’ બહને બહાર આવ્યાં. મને થયું કે, ધોબી મર્યો ! હમણાં જીવડું આવ્યું જ જાણો !
ધોબીએ કહ્યું : ‘બહેન, પૈસા !’
‘કેટલા પૈસા થયા ?’
‘ચાર આના.’
હું વિચારમાં પડ્યો. હવે આ વાતમાંથી કમળા જીવડાંનો વિષય શી રીતે કાઢશે ? અને કમળાએ તો ચાર આના પાકીટમાંથી કાઢવા માંડ્યા. પૈસા કાઢતાં કહે : ‘આ લૂગડા પર પીળા ડાઘ ક્યાંથી પડી ગયા ? આવું કેમ ચાલે ?
‘બહેન, એ તો કપડા પર વંદો મરી ગયો ને એનો જરી ડાઘ પડી ગયો !’
કમળાના મોં પર લાલી આવી : ‘વંદો ? તમારે ત્યાં વંદા બહુ થયા છે ?’
‘હા, બહેન, વંદા, કંસારી ને નાની જીવાતો જંપવા જ દેતાં નથી, શું કરીએ ?’
‘અરર ! ત્યારે જરા સંભાળજો. નાના છોકરાનાં નાકકાનમાં વંદો કે કંસારી પેસી ના જાય…. અમારા બાબાના કાનમાં ગઈકાલે રાતે પાંખિયું જીવડું પેસી ગયું. બાબો તો ઊભો થઈને ઠેકડા મારવા લાગ્યો. કાનમાં જીવડું સળવળ થાય એમ બાબો કૂદકા મારે.’
‘એમ ?’ ધોબીએ ચાર આના ખિસ્સામાં મૂકતાં કહ્યું.
‘હા. એ તો નસીબ સારું કે મેં કાનમાં નાખવાની દવાની શીશી ઘરમાં રાખી જ મૂકી છે. શેઠ તો મૂંઝાઈને ડોક્ટરને બોલાવવા દોડયા, પણ મેં કાનમાં દવા નાખી એટલે જીવડું ગભરાઈને બહાર નીકળી આવ્યું.’ ધોબી માથું ખંજવાળતો વિદાય થઈ ગયો.

મને થયું કે, આજે તો જીવડાંની જ કથા સાંભળ્યા કરવી પડશે. જમ્યા પછી ઊંઘ સારી આવી ગઈ. ત્યાં તો કમળાનો અવાજ સાંભળીને એકદમ જાગ્યો. એ પસ્તીવાળાને બૂમ મારી રહી હતી. પસ્તીવાળો ત્રાજવાં લઈને ઉપર આવ્યો. કમળાએ તરત કહ્યું : ‘સાઠ પૈસે કિલો હોય તો જ જોખજે…..’
‘બહેન, બજારમાં પચાસ પૈસાનો ભાવ છે….’
‘ના, સાઠ હોય તો જ….’
‘ઠીક બહેન, તમારું માન રાખીશ….’ કમળાએ પસ્તીવાળાનું ધ્યાન ખેંચવા છાપાં ખંખેરવા માંડ્યાં. પણ પસ્તીવાળો તો પસ્તી જોખવામાં તલ્લીન થઈ ગયો હતો. ‘બહેન, પાંચ કિલો થયા. ત્રણ રૂપિયા પૂરા.’ પસ્તીવાળાએ ટોપી ઉતારીને તેમાંથી રૂપિયા રૂપિયાની ત્રણ નોટો કાઢી આપી. કમળાના મોં પરના ભાવ હું નીરખી-રહ્યો. એના મુખ પર કચવાટ હતો. પસ્તીવાળો છાપાને બાંધીને નીચે ઊતર્યો.

મને થયું કે કમળા જીવડાંની વાત ભૂલી ગઈ અથવા હવે એ કથા કહી કહીને કંટાળી હશે. એકની એક વાત ! ત્યાં તો કમળાએ બૂમ પાડીને પસ્તીવાળાને ઉપર બોલાવ્યો. ‘અરે, આવી સાવ ફાટી ગયા જેવી નોટ કેમ આપી ? બદલી આપ !’ પસ્તીવાળાએ નોટ બદલી આપી. કમળા નિરાશ થઈ ગઈ. હવે શું થાય તે જાણવા હું આતુર બન્યો. કમળાએ એકદમ ઝંડો હાથમાં લીધો : ‘પાછી મૂઈ આવી ગરોળી’
પસ્તીવાળો દાદર ઊતરતાં બોલ્યો : ‘જીવડાં થાય એટલે ગરોળી આવ્યા વિના રહે જ નહિ.’ કમળા એકદમ ઉત્સાહમાં આવી ગઈ. ‘જીવડાં ! અમારા ઘરમાં તો જીવડાંનો વરસાદ વરસે છે.’
‘એ તો બહેન, બધાંને ઘેર જીવડાં આ ઋતુમાં તો થાય. વરસાદ અટકે એટલે જીવડાં શરૂ.’
‘અરે, પણ અમારા તો બાબાના કાનમાં કાલે રાતે જીવડું પેસી ગયું, સાંભળ્યું !’
‘એમ કે ?’ પસ્તીવાળો જરા સહાનુભૂતિથી ઊભો રહી ગયો, ‘એ તો બહુ ખરાબ, બહેન ! જીવડું તો કાનમાં પેસીને મગજ ફોલી ખાય.’
કમળા ઉત્સાહથી બોલી ઊઠી : ‘બાબો તો કળેકળ ખાઈને રડારોળ કરવા માંડ્યો.’
‘પણ બહેન, કાનમાં ગરમ કરીને તેલ નાંખવું હતું ને ! તરત….’
‘અરે, પણ મેં તો એમ જ કર્યું તો ! બાબાના ભાઈ તો બા’વરા બનીને ડૉક્ટરને બૂમ પાડવા દોડ્યા, પણ મેં તો કાનમાં દવાની ધાર કરી કે જીવડું એની મેળે બહાર આવી ગયું.’ કમળા સંતોષપૂર્વક પસ્તીવાળાને જતો જોઈ રહી.

કમળા ગેલૅરીમાં ઊભી હતી ત્યાં એની બહેનપણી કાન્તા શાક લેવા જવા નીકળી. એના હાથમાં બાબો હતો. કમળાએ બૂમ પાડી : ‘આવો આવો કાન્તાબહેન.’
‘હમણાં નહિ, શાક લેવા જેવું છે.’
‘હું પણ આવું છું. જરા આવો તો ખરાં !’ અને કાન્તાબહેન ઉપર આવ્યાં. બાબાના શરીરે ચકામાં પડેલાં જોઈને કમળા આશ્ચર્યથી ઉદ્દગાર કરી ઊઠી : ‘અરરર, બાબાને આ બધાં ચકામાં શેનાં પડ્યાં છે ?’
‘આ જીવડાંસ્તો ! રાતે કરડી જાય, એટલે ફોલ્લા જેવું થઈ જાય છે. જુઓને, કેવું શરીર થઈ ગયું છે ?’
‘કાન્તાબહેન, સંભાળો હોં !’ કમળાએ ગંભીર થઈને કહ્યું : ‘કોક વાર કાનમાં જીવડું પેસી જશે તો ઉપાધિ થશે. ગઈ કાલે જ મારા બાબાના કાનમાં કાળું ભમ્મર રાઈના દાણા જેવું જીવડું પેસી ગયેલું.’
‘અરે પણ કમળાબહેન, મારી બેબીને તો ગયે અઠવાડિયે કાનમાં કાનખજૂરો પેસી ગયેલો. એ તો એવી કૂદે ! એવી કૂદે !’

અને કાન્તાબહેને કાનખજૂરાની વાત પૂરા અભિનય સાથે અડધા કલાક સુધી કહી. કમળાનો શાક લેવા જવાનો ‘મૂડ’ માર્યો ગયો. ‘કાન્તાબહેનની બેબીના કાનમાં કાનખજૂરો ને મારા બાબાના કાનમાં તો બસ જીવડું જ !’ એના મોં પર અકળામણ દેખાઈ કે હવે આ કાન્તાડી બધે કાનખજૂરાની વાત કહેતી ફરશે, તો બાબાના જીવડાની કથા નકામી થઈ જશે. કમળાએ કંઈક બહાનું કાઢીને શાક લેવાની ના પાડી દીધી. કાન્તાબહેન ગયાં. કમળા કંઈક કતરાતી નજરે તેને જતી જોઈ રહી. પછી બબડી : ‘ભારે જબરી છે !’

સાંજે અમારા સાળા મનુભાઈનું આગમન થયું. એમને જોતાં જ કમળા પાણીનો ગ્લાસ લઈને આવી. મનુભાઈએ કમળાને પૂછ્યું : ‘બાબો ક્યાં ગયો ? કેમ કંઈ દેખાતો નથી ?’
કમળાં કંઈ બોલે તે પહેલાં આ વખતે મેં જ સાળેરામ આગળ ‘વધામણી’ ખાધી : ‘અમારા બાબાના કાનમાં કાલે રાતે જીવડું પેસી ગયું હતું. અમે દોડાદોડ કરી મૂકી.’
ત્યાં તો કમળા તાડૂકી ઊઠી : ‘હવે એકની એક વાત આખો દહાડો શું કર્યા કરો છો ? હોય એ તો ! બાબો નાનો છે એટલે જીવડું પેસેય ખરું. કંઈ કાનખજૂરો તો નહોતો પેસી ગયો ને ? એક નાનું જીવડું પેસી ગયું એમાં તો….’ એમ કહીને છણકો કરી કમળા ચા લેવા રસોડામાં ચાલી ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અવંતિકાબેન સાથે મુલાકાત – મૃગેશ શાહ
કામ નહીં ‘રામ’ જગાડવાની અવસ્થા – મીરા ભટ્ટ Next »   

24 પ્રતિભાવો : જીવડું – મધુસૂદન પારેખ

 1. Ketan Raiyani says:

  Excellent…!!!

  I have read this article in my office and my colleuges were addressing me why I am laughing so much…!!

 2. સવાર સુધરી ગઇ!! સરસ લેખ..

 3. કોમ્પીટીશન તો જોરદાર છે….
  એના બાબાના કાનમાં કાનખજૂરો અને મારા બાબાને જીવડું જ !!!!!!!!!!!

  આ તો એવુ જ થયુ કે ઊસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે??

  કદાચ એના કરતાંય એક વેંત ઊંચુ…..

  સરસ ……

 4. pragnaju says:

  રોજના અનુભવોનૂ રમુજી વર્ણન વાંચી મઝા આવી
  અહીં જીવડા તો દરેક જાતનાં આવે પણ” જીવડાં થાય એટલે ગરોળી આવ્યા વિના રહે જ નહિ.’ ”
  પ્રમાણે કૉઈ દિવસ પલવડી-ગરોળી દેખાઈ નહીં!!

 5. ભાવના શુક્લ says:

  અરે એમતો વાર્તામા મધુસુદનજીએ સ્ત્રી ની સહજ વૃત્તી સરસ વર્ણવી. કમળાબહેનને જીવડાના કાનમા પેસવા કરતા પોતે કેવી અક્કલ અને અગમચેતી વાપરી અને દવા નાખીને જીવડુ કાઢ્યુ એ પ્રસિદ્ધીમા વધુ રસ હતો. “તમારા ભાઈ તો ડોક્ટરને બોલાવવા દોડ્યા પણ મે તો………” અને કાન્તાબહેને ત્યાંજ ઘા કર્યો અને ભોગ બન્યા “ભાઈ” બસ અહી સંસાર અને સહજીવનની ખટમધુરી સરસ ઝળકે છે.

 6. Nimish says:

  વાહ, મજા આવી ગઈ !

 7. Geet says:

  સાવ બોગસ લેખ ચે. ક્નતાલો આવિ ગયો.

 8. ઋષિકેશ says:

  It beautifully explains a woman’s mindset. Hillarious!!

 9. PARAG says:

  Woman R Woman…………………………

 10. Dhaval B. Shah says:

  Really hillarious!!!

 11. kirtikumar dattani says:

  સ્ત્રિ સ્વભાવ નિ ખાસિયત

 12. arpit says:

  ખરેખર્ બહુ જ સરસ લેખ હતો. મજા આવિ ગૈ. એક્દમ્ વાસ્તવિક્ લાગ્યુ.

 13. 😀
  😀
  😀
  😀
  😀

  આજે તો સતત ત્રીજો હાસ્ય લેખ .. હવે પેટનો દુઃખાવો સહન નહિ થાય !! બસ .. હવે બીજા આવતા અઠવાડિયે !! …

  😀
  😀

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.