કામ નહીં ‘રામ’ જગાડવાની અવસ્થા – મીરા ભટ્ટ

[સાહિત્યક્ષેત્રે મીરાબેન ભટ્ટનું નામ ખૂબ જાણીતું છે. ‘સાગરપંખી’ તેમનું ખૂબ પ્રચલિત પુસ્તક છે. તેવું જ તેમનું બીજું પુસ્તક ‘જીવનસંધ્યાનું સ્વાગત’ છે. આ પુસ્તક વૃદ્ધાવસ્થાને આનંદનો અવસર બનાવવાની કૂંચી વાચકોને આપે છે. વૃદ્ધાવસ્થામાં માનવીને આંતરિકરીતે સમૃદ્ધ કરે તેવી બાબતોની તેમણે સુંદર રજૂઆત કરી છે. આ પુસ્તકમાંથી લેવાયેલો પ્રસ્તુત લેખ માનવીની આધુનિક જીવનશૈલીના નાજુક મુદ્દાને સ્પર્શે છે. આ પુસ્તકની 1,00,000 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેને ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 265 2432497 પર સંપર્ક કરી શકો છો.]

jivensandhyaજીવન એક વહેતું ઝરણું છે. નિત્ય નૂતનતા એ વહેતા ઝરણાનો અનોખો આવિર્ભાવ છે. બાળપણમાં જે અનુભવાય, તે યુવા-પ્રૌઢ કે વૃદ્ધાવસ્થામાં ન જ અનુભવાય. પ્રત્યેક વયનું પોતાનું આગવું પ્રાગટ્યરૂપ છે. જીવનની આ જુદી જુદી અવસ્થામાં વૃત્તિ-વલણો પણ પ્રમુખ-ગૌણ બનીને પોતાનું રૂપ બદલતા રહે છે. ગતિ-ઉત્સાહ, જોશ, હિંમત, સાહસ, સમતા, ધૃતિ જેવા ગુણોનો પ્રકર્ષ દરેક અવસ્થામાં એકસરખો નથી હોતો. આ જ દષ્ટિએ, માનવદેહ સાથે અભિન્નરૂપે જોડાયેલી કામવૃત્તિને પણ આપણે તપાસી લેવી જોઈએ. આ એક અત્યંત નાજુક મુદ્દો છે અને બુદ્ધિનું સમત્વ અને સ્થૈર્ય સાચવીને આ પ્રશ્ન તપાસવો જોઈએ. કામ વાસનાની પૂર્તિથી શરીરને સુખ મળે છે, પરંતુ મનુષ્યનું અંતિમ ધ્યેય સુખપ્રાપ્તિ છે કે બીજું કંઈ ? અથવા તો, શું આ સુખ ચિરંજીવ છે કે અલ્પજીવી ? આવા અલ્પજીવી સુખ માટે જે કિંમત ચૂકવવી પડે છે તે સાર્થક છે કે નહીં, આ કામ સુખ અથવા તો ભોગાનંદને પરમાનંદ સાથે કાંઈ સંબંધ છે કે નહીં, તેનું તારતમ્ય પામવું અત્યંત જરૂરી છે.

એક નાજુક મુદ્દાનું ચિંતન આ પ્રકરણમાં મારે કરવું છે, કારણ કે વિજ્ઞાનયુગને લીધે હવે દુનિયા સાંકડી બની છે અને વસ્તુઓની સાથે સાથે હવે વિચારોનાં આવાગમન પણ શરૂ થઈ ગયાં છે અને એકમેકની સંસ્કૃતિ પરસ્પર અસર કરતી થઈ ગઈ છે, વિશ્વભરના વિચારપ્રવાહોમાં જે કાંઈ સારું છે તે તો લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. આપણાં વેદગ્રંથોમાં તો લખેલું છે કે ‘आ नो भद्रा कतवो यग्तु विश्वत: ।’ વિશ્વના કોઈપણ ખૂણામાંથી મળતા સારા વિચારને અપનાવવા તત્પર રહીએ. સદવિચારો માટે આપણે સદા ઉત્સુક રહીએ. તેમાં તો કશું જ ખોટું નથી, પરંતુ આપણી પાસે આપણો પોતાનો એક જાગ્રત વિવેક પણ હોવો જોઈએ, જેના ચાળણે ઘઉં-કાંકરાને આપણે વેગળા પાડી શકીએ. આવા ચાળણો ન રાખીએ અને વિદેશમાંથી આવતા કૂડાકચરાને પણ આપણે અપનાવતાં રહીએ તો સરવાળે ખોટનો ધંધો થઈ પડે. વિવેક એ આપણા જીવનનો ચોકીદાર છે.

જેવી રીતે વિદેશમાંથી આવતા નારીમુક્તિના વિચારોને આપણે જેવા ને તેવા સાંગોપાંગ સ્વીકારી શકીએ તેમ નથી, એ રીતે વૃદ્ધાવસ્થા અંગે આવતા વિચારોને પણ જેવાને તેવા સ્વીકારી લેવા જેવા નથી. પ્રશ્ન થાય કે વળી વૃદ્ધાવસ્થા અંગેના વિચારોમાં દેશ શું અને વિદેશ શું ? વૃદ્ધ એટલે વૃદ્ધ ! પછી એ અમેરિકાનો હોય કે ભારતનો હોય ! આખરે તો આ દેહને વળગેલી અવસ્થા છે. એમાં વળી દેશ-વિદેશી ભેદ ક્યાંથી આવ્યો ?

[દષ્ટિકોણમાં પાયાનો ભેદ]

પરંતુ ફરક જોવા મળે છે. વૃદ્ધાવસ્થા પ્રત્યેક ભારતીય લોકોનો દષ્ટિકોણ અને પશ્ચિમી જગતના દષ્ટિકોણ વચ્ચે આસમાન-જમીનનું અંતર જોવા મળે છે. વધતી જતી ઉંમર અંગેના પશ્ચિમી સાહિત્યમાં સાવ જુદી જ બાબતો વાંચવા મળે છે. હવે આ તો હકીકત છે કે ઉંમર વધે છે તેમ શરીર નબળું પડે છે, પરંતુ ત્યાં વૃદ્ધો માટે લખાયેલાં પુસ્તકોમાં વૃદ્ધોને પહેલી શીખામણ આ આપવામાં આવે છે કે Feel young – જાતને હજુ જુવાન અનુભવો. વાત તો સાવ સાચી જ છે વૃદ્ધત્વની સાથે આપણે મનથી સાવ માંદલાં, નિરાશ અને નિષ્ક્રિય થઈ જઈએ છીએ અને બોજો બનીને બીજા માટે ભારરૂપ થઈ જઈએ છીએ, તેવા નાસીપાસ થઈ જવાની જરૂર નથી. શરીરને હરતું-ફરતું સ્ફૂર્તિલું રાખી કાંઈક ને કાંઈક પ્રવૃત્તિમાં લાગેલા રહેવું એ ઉપકારક જ છે, પરંતુ વધતી જતી વયનો સ્વીકાર ન કરીએ અને શરીર સાથે બદલાતા શરીરધર્મોને સમજીએ નહીં અને પૂર્વવત દૈહિક જીવન જીવતાં રહીએ તો માનવજીવન માટે એ ભયંકર ખોટનો વિષય બની જઈ શકે, પરંતુ પશ્ચિમની વિચારધારામાં દૈહિકતા છેવટ સુધી છોડવાની વાત આવતી નથી. એક પગ સ્મશાનમાં અને બીજો રંગમહેલમાં, આ ત્યાંની દશા છે.

[ઘરડી ઘોડી લાલ લગામ]

વૃદ્ધાવસ્થા અંગેના પશ્ચિમનાં કેટલાંય પુસ્તકોમાં મેં આ પ્રકરણ અવશ્ય જોયું. ‘Still you can have the sex’. ‘ઘરડાં થયાં એટલે એમ ન માનશો કે હવે બધું પતી ગયું. સાઠ-સિત્તેર વર્ષની ઉંમરે પણ કામવાસનાની રંગરેલિયાં તમે મનાવી શકો.’ કોણ જાણે કેમ, ભારતીય વિચારધારામાં ઊછરેલા મનને આવી વાત અત્યંત વિચિત્ર લાગે છે ! મનથી માણસ ઘરડું થઈ જઈ માંદલું ન બની જાય તે એક બાબત છે અને શરીરનો છેલ્લો દમ તોડતાં સુધી કામવાસનાના ખાબોચિયામાં રગદોળાતાં રહેવું તે બીજી બાબત છે. શરીરનો પોતાનો એક ધર્મ હોય છે. એક સામાન્ય માનવી બનીને જીવ્યાં તો યુવાવસ્થામાં આપણે શરીરને શરીરનો ધર્મ બજાવવા દીધો, પરંતુ હવે શરીર ઘસાયું, જીર્ણ થયું, નબળું પડ્યું, તોય એમ માની લેવાનું કે શરીરનો હજુ એ જ પૂર્વાશ્રમી ધર્મ છે ? જીવન અંગેની આ એક અધૂરી સમજ છે અને આજે ઘણાં લોકો એવાં ભેટી જાય છે જે આ અધૂરી સમજને આધુનિક સમજ માની લઈ પોતાને વધારે શિક્ષિત સિદ્ધ કરવા પ્રેરાય છે. પ્રાશ્ચાત્ય વિચારધારાનો આ બાજુનો વાયરો હવે આપણે ત્યાં પણ ફૂંકાવા લાગ્યો છે.

[ક્યાંક તો પૂર્ણવિરામ મૂકીએ.]

એવું નથી કે ‘આપણું એટલું સોનું’ કરીને આપણે બારણાં બંધ કરીને બેસી જઈએ, પરંતુ બુદ્ધિનાં બારણાં ખુલ્લાં રાખીને વાતને સમજી લેવી જોઈએ. ભારતીય સંસ્કૃતિનો કામવૃત્તિ પ્રત્યે જોવાનો એક ખાસ દષ્ટિકોણ છે, તે આત્મસાત કરી લેવાની ખાસ જરૂર છે. આપણે ત્યાં ‘કામ’ ને પણ ‘દેવ’ ગણ્યો છે. અને ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે धर्माविरुद्ध कामोडस्मि – હું ધર્મથી અવિરુદ્ધ એવો ‘કામ’ છું. માણસ માત્રમાં તે કામવૃત્તિ પડેલી છે, પરંતુ એ કામવૃત્તિમાંથી ક્ર્મેક્ર્મે ઉપર ઊઠી અંતરના ‘રામ’ને પ્રાપ્ત કરવાની દિશા પણ આપણી સંસ્કૃતિએ ખોલી આપી છે.

એક કવિએ મીરાંબાઈ અંગેના ગીતમાં ગાયું છે કે ‘કાયાનો કામ હજુ જાગે ન જાગે, ત્યાં રુદિયાનો રામ ગયો જાગી.’ આપણે ત્યાં જીવન ‘કાયાના કામ’માં વિરમી જતું નથી, ‘રુદિયાના રામ’ મળે ત્યાર પછી જ જીવનયાત્રા પરમ વિરામ પામવા યોગ્ય બને છે. આપણે ત્યાં બ્રહ્મચારીને ‘ઉર્ધ્વરેતસ્’ કહ્યો છે. શરીરમાં યુવાન વયે ઉત્પન્ન થતા વીર્યની બે ગતિ છે, અધોગામી અને ઊર્ધ્વગામી. સંસારીઓના વીર્યની ગતિ અધોગામી છે, તો સંન્યાસીઓના વીર્યની ગતિ ઊર્ધ્વગામી છે, તો આખી જિન્દગી વીર્ય અધોગામી દિશામાં જ વહેતું રહે એ ભારતીય સંસ્કૃતિને મંજૂર નથી. એટલે એ રસ્તો ચીંધે છે કે પાછલી વયે તો કમસે કમ ઊર્ધ્વરેતસ્ બનવું. કામવાસના અનંતકાળ પર્યન્ત ભોગવવાની ચીજ નથી. એ આગને ક્રમે ક્રમે ઓલવવામાં જ શાણપણ છે.

પશ્ચિમ જગત માટે આ વાત નવી છે એટલે ત્યાંના વૃદ્ધો નાસીપાસ કે નિરાશ ન થાય એટલા માટે વૃદ્ધાવસ્થામાં પણ કામસંબંધની ભલામણ લોકો કરતાં રહે – પરંતુ આમાં નથી ડહાપણ કે નથી વિવેક. આપણી સંસ્કૃતિ અતિ પ્રાચીન, જુગ જુગ જૂની, અનુભવી અને પાકટ સંસ્કૃતિ છે. આ પરિપક્વ સંસ્કૃતિએ જીવનના સારા – માઠા અનેક રંગો જોયા છે. ઈષ્ટ-અનીષ્ટ બંને પ્રકારના પ્રયોગો એ કરી ચૂકી છે, માનવમનની તમામ લીલાઓમાંથી ગુજરી કેટલાંક ચોક્કસ અને અફર તારતમ્યો પર એ પહોંચી છે. માણસ નીચે ઊતરી ઊતરી વિનિપાતની કેવી અધમોધમ ખીણમાં પહોંચી જઈ શકે, ત્યાંથી માંડીને ઉન્નતિનાં કેવાં ઊંચા શિખર સર કરી શકે, આ બન્ને બાબતોનો એને જાતઅનુભવ છે. ભારતીય સંસ્કૃતિમાં ભોગાધિપતિ યયાતિ રાજા પણ થઈ ચૂક્યો છે, જેને કેવળ પોતાનું કે પોતાના પુત્રોનું જ યૌવન નહીં, પ્રપૌત્રોનું યૌવન ભોગવીને છેવટે જગતને આ જ કહ્યું કે ‘ભોગથી ભોગવાસના સંતોષાતી નથી’ આગ કદી આગથી ન શમે, આગને શમાવવા પાણી જ કામ લાગે. બીજી બાજુ, ભારતદેશની ધરતી પર શુકદેવ જેવા બાળબ્રહ્મચારી પણ પેદા થાય છે, જેમના માટે કામવાસના એ નરી વિદેશી બાબત હતી. શુકદેવના પિંડમાં દેહતત્વ પર આત્મતત્વનું એવું જોરદાર આધિપત્ય રહ્યું કે દેહધર્મો એના સદા સેવક બનીને રહ્યા.

[ન દેખાતું પણ કોઈ વિશ્વ છે.]

ભારતીય સંસ્કૃતિએ કદી દેહને સર્વોપરી ચીજ કે અંતિમ ચીજ માની નથી. નરી આંખે દેખાય તેટલું જ જગત એને માન્ય જ નથી કેવળ શ્રદ્ધા જ નહીં, નક્કર અનુભૂતિઓને આધારે એ દેહથી ઉપર ઊઠીને આત્મમય જીવનની વાત પ્રબોધતી રહે છે. એટલે વૃદ્ધાવસ્થામાં જ્યારે દેહ ખખડી જાય, ત્યારે પણ એ જ દેહના ભોગની આસપાસ ફેરફૂદરડી ફરવા રહેવાની વાત એને મંજૂર ક્યાંથી હોય ? એનો અર્થ એવો નથી કે નજર સામે દેખાતા આવા નક્કર દેહની અવગણના કે અવહેલના કરવાની છે. દેહ એ તો ઈશ્વરદત્ત અમૂલ સાધન છે, જેની હોડી બનાવી આત્માના દેશે પહોંચવાનું છે, આ જ દેહમાં પરમ તત્વને આત્મસાત કરવાનું છે. મરી ગયા પછી મોક્ષની વાત નહીં, આ જ દેહમાં સદેહે પરમાત્માને અનુભવવાની વાત, આ સંસ્કૃતિમાં પૂરાં સો વર્ષ જીવવાની વાત અનેક વાર કહેવાય છે, તે માયકાંગલા દેહના આધારે નહીં તંદુરસ્ત આરોગ્યના આધારે શતાયુ થવાના આશીર્વાદ વેદગ્રંથો આપતા જ રહે છે.

[બ્રહ્મને પિંડમાં અનુભવી શકાય]

આ એક અત્યંત વૈજ્ઞાનિક વિષય છે. આજકાલ ભણેલાંગણેલાં અને સુધરેલાં કહેવાતાં લોકો અધ્યાત્મ એટલે કશુંક જૂનવાણી માની એની ઉપેક્ષા કરે છે, પરંતુ જીવનના આ પરમ સત્યની ઉપેક્ષા કરવાથી તેઓ એક અમૂલ્ય ચીજ ગુમાવે છે. આપણાં ઉપનિષદોએ કહ્યું છે કે મનુષ્યને બે દેહ છે : એક બહિર્દેહ, જેમાં હાથ, પગ, કાન વગેરે જેવી બહિર્મુખી ઈન્દ્રિયોનો સમાવેશ થાય છે, જેના દ્વારા બહારના જગતને જાણી શકાય છે. બીજો અંતર્દેહ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અંત:કરણ જેવી અંતર્મુખી ઈન્દ્રિયો છે તે દ્વારા અંતર્જગતને જાણી શકાય છે. જગતકર્તાએ પિંડ અને બ્રહ્માંડને એક જ ધાતુમાંથી બનાવ્યાં છે. આપણે ત્યાં કહેવાયું છે કે ‘યથા પિંડે તથા બ્રહ્માંડે.’ આ પિંડમાં રક્ત વહે છે, તો બહાર સૃષ્ટિમાં નદીઓ વહે છે. આ પિંડમાં ચક્ષુરૂપે તેજનો ગોળો છે. બહાર સૂર્યબિંબ છે. અહીં ચામડી છે તો બહાર પૃથ્વી. તેજ, વાયુ, પૃથ્વી, આકાશ, પાણી – આ પાંચેય તત્વોની આધારશિલા છે ચૈતન્યનો મહાસાગર. દેહમાં અંતશ્ચેતનારૂપે અને વિશ્વમાં પરમચેતનારૂપે આ ચૈતન્યનો મહાસાગર વિલસી રહ્યો છે. માણસનું કર્તવ્ય છે કે પિંડમાં બ્રહ્માંડની અનુભૂતિ કરવી.

[દેહપરાયણ મટીને આત્મપરાયણ બનીએ]

પિંડમાં જો બ્રહ્માંડની અનુભૂતિ લેવી હોય તો શરીરથી પર એવી ચેતનાને અનુભવવા માટે દૈહિકતાથી ઉપર ઊઠતાં શીખવું જ પડે. આમ તો સમગ્ર જીવનનું આયોજન જ એવું હોવું જોઈએ કે નાનપણથી જ આપણે દેહમાં હોવા છતાં દેહથી પર બનીને જીવતાં થઈએ, પરંતુ એ ના થયું તો હવે વૃદ્ધાવસ્થામાં પણ ના થાય એવું માનવાને કોઈ કારણ નથી. આ એક મહાન પરાક્રમનું કામ હજુ બાકી છે અને તે માટેનો આરંભ હજુ પણ થઈ શકે. કોઈ એને ‘ખાટી દ્રાક્ષ’માં ખપાવી શકે પરંતુ આપણો સંનિષ્ઠ પ્રયાસ હોય તો દેહથી ઉપર ઊઠવાની સીડી હજુ પણ ચઢી શકાય.

[દેહથી ઉપર ઊઠવાની કળા]

માથું દુ:ખે છે છતાંય મનને અભ્યાસ કરાવવો કે જે દુ:ખી રહ્યું છે તેનાથી હું ભિન્ન છું. આવું બની શકે છે. વિનોબાને નાનપણમાં માથું દુખતું તો ગણિતના દાખલા ગણવા બેસી જતા. એમને ગણિત એટલું બધું ગમે કે માથાના દુખાવામાં કેન્દ્રસ્થ થયેલું મન ત્યાંથી હઠી જઈને ગણિતમાં જઈને બેસી જાય. તો દેહને કેન્દ્ર બનાવીને ઘણું જીવ્યાં; હવે દેહને થોડોક ગૌણ બનાવીને જીવીએ. દેહ મુખ્ય નથી. મુખ્ય કાંઈક બીજું છે. એ બીજું શું છે તે પણ સમજીએ, પરંતુ દેહ તો ગૌણ જ. દેહનું ધ્યાન રાખીએ, એની સેવાચાકરી કરીએ, એને પોષણ આપીએ પરંતુ હવે એને પોપલાવવાની વાત નહીં, પૂજા કર્યા કરવાની વાત નહીં. હવે દેહ આપણું સાધન, આપણો સેવક, માલિક આપણે. આપણે જેમ કહીએ તે મુજબ એ વર્તે. ભારતીય સંસ્કૃતિના દેહ પ્રત્યેના આ દષ્ટિકોણને સમજીશું તો સિત્તેર-એંસી વર્ષે પણ ભોગસંબંધ માણી શકવાની વાત પર આપણને હસવું આવશે, થોડીક દયા પણ આવશે.

વચમાં એક જુવાન મારી પાસે આવ્યો. અંગ્રેજીનો અધ્યાપક અંગ્રેજી સાહિત્યનો ચાહક. મને કહે, ‘હું કેટલાય મોટામોટા અંગ્રેજી સાહિત્યકારો વાંચી ગયો. એમની પ્રતિભા આંજી નાખે તેવી. એમની સાહિત્યકૃતિ અનુપમ સુંદર ! પરંતુ કામવાસનાની બાબતમાં આપણને સાવ છોકરડા લાગે. એંશીમે વર્ષે ફરી પરણ્યાની વાત આવે. આવું કેમ ?……… એ યુવાનની વાત સાચી હતી. પાછલી વયે પ્રેમ કે લગ્ન પાશ્ચાત્ય લોકો માટે સાવ સાધારણ બાબત ગણાય છે. જ્યારે આપણે ત્યાં ‘ઘરડી ઘોડી લાલ લગામ’ રૂપે આ વાતની મશ્કરી થાય. માણસનો એક પગ સ્મશાનમાં હોય અને બીજો પગ ભોગમાં, તો જીવવું પાણીમાં ગયું એવું આપણને સમજાય છે. જે દેશની માટીમાંથી આપણી કાયા સરજાણી, એ દેશની સંસ્કૃતિ એ દેશની વિચારધારાને પ્રજ્ઞાના આંક પર ચઢાવીને આત્મસાત કરવી એ પ્રત્યેક ધરતીપુત્રનો ધર્મ છે.

[પાછલી વયના લગ્ન]

આ તબક્કે બીજા એક નાજુક મુદ્દાને પણ તપાસી લઈએ. જીવનની આથમતી સંધ્યાટાણે જ માણસ ઘરભંગ થઈ જાય છે, તો એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો નિર્માણ થાય છે. અચાનક આવી પડેલી એકલતાથી એ મૂંઝાઈ જાય છે અને એના મનમાં પુનર્લગ્નના વિચારો આવે છે. એક સાચી બનેલી હકીકત છે. એક વખત અમારા એક મુરબ્બી મિત્ર ઘેર આવ્યા. કહે, ‘તમે છાપામાં જાહેરાત જોઈ ?’
‘ના, શું હતું ?’
‘જુઓ ! એની આ કાપલી. સાથીદાર બની શકે તેવું કોઈ પાત્ર જોઈએ છે. ઉંમર પચાસની ઉપર છે. તમે સર્વોદયમાં ઘણાને ઓળખો, એટલે કોઈ ધ્યાનમાં આવે તો સૂચવજો.’
‘પણ એ સજ્જન કોણ ?’
‘સાચું કહું ? જાહેરાત મેં જ આપી છે. મારે જ કોઈ કંપનીની જરૂર છે.’
‘તમે ?…. પણ તમારી ઉંમર તો સાઠ પાર કરી નથી ગઈ ?’ અમે તો છક્કા થઈ ગયાં.
‘હા, મને સડસઠ થયાં, પરંતુ મેં આમાં લખ્યું છે ને કે ઉંમર પચાસ ઉપર છે !’
મેં શાંતિથી એ સજ્જનને કહ્યું : ‘જુઓ ભાઈ, તમે સર્વોદયી તરીકે અમારી સલાહ લેવા આવ્યા છો તો અમારી તમને આ જ સલાહ હોય કે હવે આ ઉંમરે લગ્નનો વિચાર છોડી, સંયમ અને ધૈયપૂર્વક જીવનમાં આવી પડેલી એકલતાને પણ કેમ માણવી એ શીખો.’

પરંતુ એ ભાઈ આખરે સાડત્રીસ વર્ષની એક યુવતીને પરણ્યા જ. એકલતાને માણવી, એકલતાનો પણ મહોત્સવ રચી શકાય છે, આ વાત આપણને શીખવામાં જ આવતી નથી. એકલતાનો ‘ભય’ આપણે જાણીએ છીએ, એકલતાની મસ્તી, એકતાની ભરીભરી મીઠાશ આપણા માટે અજાણી છે, એટલે આપણે હંમેશા ભયગ્રસ્ત એકની આગળ બે, ત્રણ, ચાર એમ લોકોને ગોઠવતાં રહીએ છીએ, પરંતુ એક વખતે આ ભયને ઓળંગી જઈએ તો અંદર એક વિશાળ જગત છે, જેમાં સમગ્રતા છુપાઈ છે. આપણે આપણી જાત સમક્ષ એકલા ખડા રહેતાં આવડવું જોઈએ. આપણે જગત આખાની મુલાકાત લઈએ છીએ, આપણી પોતાની જ મુલાકાતથી છળી ઊઠીએ છીએ. આપણી ભીતર બેઠેલો ‘હું’ કોઈ રાક્ષસ નથી કે આપણે એનાથી જોજનો દૂર ભાગવું પડે. ભીતરના આ ‘હું’ સાથે આપણે દોસ્તી બાંધવી જોઈએ. એ દોસ્તી બંધાશે તો ભીતરના એ ‘હું’નાં વિવિધ સ્વરૂપો પ્રગટશે.

પરંતુ આમ છતાંય, કોઈનામાં એકલા જીવવાની હામ આવતી ન હોય તો કોઈ પાછલી વયે પણ સાથીસ્વરૂપે કોઈ સંગી શોધવા માંગતું હોય તો એમાં કોઈ પાપ કરી નાંખે છે એવું તો નથી જ. પરંતુ આ કોઈ મોટું પરાક્રમ કે સાહસ નથી. આ નબળાઈ છે. આપણા દેશની વિધવાઓ કાચી ઉંમરે પણ પતિ ગુમાવી બેસે તો આખું જીવન એકલતામાં કાઢી શકે છે, તો પુરુષો વૃદ્ધાવસ્થામાં પણ એકલો થતાં ‘બિચારો’ થઈ જાય એ નબળાઈ નહીં તો બીજું શું છે ! તેમ છતાંય કોઈ સ્ત્રી-પુરુષ વૃદ્ધાવસ્થા સાથે ગાળવાનો નિર્ણય કરે તો તેમાં કશું અનૈતિક છે તેવું નથી. એકાકી જીવન જીવીને જીવનને નર્યુ ખંડિયેર બનાવી દેવાની બદલે કોઈ સાથીની સોબતમાં એ જીવન મંદિર કે ઉદ્યાન બની શકતું હોય તો તેમાં ખોટું કશું નથી.

સવાલ જીવનનો એક આયામ ખોલવાનો છે. એકલતા માણવી એ જીવનનો એક આયામ છે. કહેવાય છે કે વર્તુળમાં બે અંતિમ બિન્દુઓ મળે છે, ‘એક’ ને જો ‘સર્વ’ સાથે મળવું હોય તો તેને ‘એક’માં પરિપૂર્ણ રીતે રહેતાં શીખવું જોઈએ. એ રીતે આપણે ત્યાં અર્ધનારીશ્વરની જે ઉપમા અપાય છે, તે ગેરમાર્ગે દોરનારી છે. આપણે ત્યાં કહેવાતું આવ્યું છે કે સ્ત્રી અને પુરુષ બન્ને એકમેક વિના અધૂરાં. અપૂર્ણ છે. બંને મળે તો જ પૂર્ણ થાય. આ વાત સાવ ખોટી છે. હા, એ વાત સાચી છે કે સ્ત્રીમાં સ્વાભાવિકરીતે જે ગુણો જોવા મળે છે, તે પુરુષો કરતાં જુદા હોય છે. સ્નેહ, માર્દવ, ત્યાગ વગેરે સ્ત્રીના અને સાહસ, ધૈર્ય, શૂરવીરતા વગેરે પુરુષના ગુણ મનાય છે, પરંતુ આ ગુણોને જાતિ સાથે કોઈ સંબંધ નથી. બંનેમાં બંને પ્રકારના ગુણો ખીલવી શકાય છે. એટલે એકમેક વગર બંને અધૂરાં રહી જતાં હોય તો ભારતીય જીવનદષ્ટિમાં જે ‘સંન્યાસ’ નું તત્વ પ્રગટ થયું તે પ્રગટ જ ન થયું હોત ! ‘સંન્યાસ’ને આપણે ત્યાં પરમોચ્ચ દશા ગણી છે. તો શું ‘સંન્યાસી’ અધૂરો છે ? સંન્યાસીમાં તો પૂર્ણત્વની સંભાવના છે. માણસ માત્રમાં પૂર્ણતા સંભવિત છે એટલે કોઈના વગર કોઈ અધૂરું રહી જાય છે તે વાત છોડવી જોઈએ. આત્મમાં જ સ્વયંપૂર્ણતા પામવા માટે આપણી શક્તિ ઓછી પડે તેમ ભલે સ્વીકારીએ, પરંતુ તેને ‘તત્વ’ કે ‘સિદ્ધાંત’ ન બનાવી દઈએ.

છેવટે તો જીવમાત્રે જ જીવનની પરમોચ્ચ દશા, સંન્યસ્ત દશાને પામવાની છે. સ્થૂલ કામવાસનામાંથી મુક્તિ એ તો બારાખડીનો આદ્યાક્ષર છે. જીવનના અંતે આટલી દૈહિકતા તો ઓછી કરીએ, જેથી બીજી નિષ્કામતા તરફ આપણું ધ્યાન ખેંચાય. શુકદેવ, શંકરાચાર્ય જેવા ‘બાળબ્રહ્મચારી’ બનીને જીવી શક્યા અને આપણે આપણી જાતને અતિ આધુનિક કહેવડાવી સ્મશાને પહોંચતાં સુધી સેક્સની રમતો રમતાં રહીએ, એ તો કેવી આધુનિકતા ?

આવા સખત પ્રહારો કરવા પડે છે, કારણ કે સમાજમાં એક નવો પ્રવાહ દાખલ થઈ રહ્યો છે, જે વૃદ્ધોને પણ કહે છે, ‘feel young’ યુવાનોની ચપલતા, સ્ફૂર્તિ, તાજગી જરૂર અનુભવીએ પણ યૌવનસુલભ કામુકતા હરગિજ નહીં. આ નવા પ્રવાહને આપણે કહેવું જોઈએ કે ભાઈ, આ ભારત દેશની સંસ્કૃતિ યુવાવસ્થાને પણ સંયમના પાયા પર ઊભી કરવા માગતી સંસ્કારિતા છે. અહીં સંસારી જીવનને પણ ‘ગૃહસ્થાશ્રમ’ કહેવામાં આવ્યો છે, કારણ કે ત્યાં પણ સંયમની હવાને લીધે આશ્રમ રચી શકાય છે. કામાગ્નિનો સંતાનનિર્મિત માટે ઉપયોગ હતો. એ પ્રયોજન પૂરું થયું. હવે કામમુક્તિએ જ દિશા અને એ જ મંઝિલ !

[કુલ પાન : 77. કિંમત રૂ. : 30. પ્રાપ્તિ સ્થાન : 73, રાજસ્તંભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ સામે, વડોદરા-01. (હિન્દી તેમજ ગુજરાતી એમ બંને ભાષામાં પ્રાપ્ય છે. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવડું – મધુસૂદન પારેખ
સંસ્કારની સમજણ – પાર્થ પુનાલાલ ગોલ Next »   

12 પ્રતિભાવો : કામ નહીં ‘રામ’ જગાડવાની અવસ્થા – મીરા ભટ્ટ

 1. Paresh says:

  નાજુક વિષય, સુંદર લેખ.
  મનને મારવાનું નથી પણ મનને કેળવવાનું છે.
  સાચી જ વાત છે કે “અહીં સંસારી જીવનને પણ ‘ગૃહસ્થાશ્રમ’ કહેવામાં આવ્યો છે, કારણ કે ત્યાં પણ સંયમની હવાને લીધે આશ્રમ રચી શકાય છે.”
  “આપણા દેશની વિધવાઓ કાચી ઉંમરે પણ પતિ ગુમાવી બેસે તો આખું જીવન એકલતામાં કાઢી શકે છે”માં આખુ જીવન એકલતામાં કાઢી શકે છે તે બરાબર છે પણ વિધવા કે વિધુરને જડ માન્યતાઓને કારણે આખુ જીવન એકલતામાં કઢાવવામાં આવે તે અયોગ્ય છે. જીવન કે દેહ જ્યારે ભોગવવાનો સમય છે ત્યારે ભોગવી મનને સંતૃપ્ત કરવું જરૂરી છે નહીતર પાછલી જીંદગીમાં અતૃપ્ત મન બધાજ નખરા કરશે અને મદારી જેમ માકડા પાસે નાચ નચાવે છે તેમ મન નાચ નચાવશે.
  કામાગ્નિનો સાત્વિક ઉપયોગ સંતાનનિર્મિત માટે જ છે. પણ, જ્યાં સંતાન કામાગ્નિની આડપેદાશ (Byproduct) તરીકે જન્મે છે ત્યાં તમામ સામાજિક દૂષણો પગ કરે છે. તેથી માનસિક-આર્થિક-શારીરિક રીતે યોગ્યતા ન કેળવીએ ત્યાં સુધી માતૃત્વ-પિતૃત્વ નો બોજ લેવો જોઈએ નહી.

 2. કડવો કટાક્ષ અને મીઠી શીખ….નરવી વાસ્તવીકતાનું વર્ણન અત્યંત નજાકતથી…..ખૂબજ સુંદર…

  “છેવટે તો જીવમાત્રે જ જીવનની પરમોચ્ચ દશા, સંન્યસ્ત દશાને પામવાની છે. સ્થૂલ કામવાસનામાંથી મુક્તિ એ તો બારાખડીનો આદ્યાક્ષર છે. જીવનના અંતે આટલી દૈહિકતા તો ઓછી કરીએ, જેથી બીજી નિષ્કામતા તરફ આપણું ધ્યાન ખેંચાય. શુકદેવ, શંકરાચાર્ય જેવા ‘બાળબ્રહ્મચારી’ બનીને જીવી શક્યા અને આપણે આપણી જાતને અતિ આધુનિક કહેવડાવી સ્મશાને પહોંચતાં સુધી સેક્સની રમતો રમતાં રહીએ, એ તો કેવી આધુનિકતા ?”

 3. pragnaju says:

  એકે એક વાત પર વારંવાર ચીંતન કરવા જેવા વિચારો.
  આ વિચાર તો ખૂબ ગમી ગયો “… તો દેહને કેન્દ્ર બનાવીને ઘણું જીવ્યાં; હવે દેહને થોડોક ગૌણ બનાવીને જીવીએ. દેહ મુખ્ય નથી. મુખ્ય કાંઈક બીજું છે. એ બીજું શું છે તે પણ સમજીએ, પરંતુ દેહ તો ગૌણ જ. દેહનું ધ્યાન રાખીએ, એની સેવાચાકરી કરીએ, એને પોષણ આપીએ પરંતુ હવે એને પોપલાવવાની વાત નહીં, પૂજા કર્યા કરવાની વાત નહીં.”
  ધન્યવાદ મૃગેશભાઈ આવા સુંદર લેખની પસંદગી માટે

 4. ઋષિકેશ says:

  I don’t agree to this:
  “આપણા દેશની વિધવાઓ કાચી ઉંમરે પણ પતિ ગુમાવી બેસે તો આખું જીવન એકલતામાં કાઢી શકે છે, તો પુરુષો વૃદ્ધાવસ્થામાં પણ એકલો થતાં ‘બિચારો’ થઈ જાય એ નબળાઈ નહીં તો બીજું શું છે !”

  First thing is,
  One has to realize the cultural differences here. People from the Western world are used to spending time for themselves, with themselves. They can enjoy company of none but themselves. We Indians are used to live together. I also think that “આપણા દેશની વિધવાઓ કાચી ઉંમરે પણ પતિ ગુમાવી બેસે તો આખું જીવન એકલતામાં કાઢી શકે છે” wrongly glorifies a big problem with our society.

  Second thing is that you can’t compare two cases like these. Its possible that one young person who has lost his/her beloved is not so attached to the lost partner. In contrast, an old person loses someone with whom he/she has spent major part of his/her life, feels commited to the partner. No Gender-Bias as well..

  There can be different opinions by others, but this is what I feel strongly.

 5. Ami Patel says:

  ખુબ સાચી વાત.

 6. ભાવના શુક્લ says:

  વિણેલા મોતી!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.