સંસ્કારની સમજણ – પાર્થ પુનાલાલ ગોલ

[સંપૂર્ણ સત્યઘટના પર આધારિત પ્રસ્તુત વાર્તા લખનાર શ્રી પાર્થ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કૉલેજના M.B.B.Sના બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓની આ પ્રથમ કૃતિ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો parthgol@yahoo.co.uk અથવા +91 9974298335 પર સંપર્ક કરી શકો છો. (વાર્તામાં પાત્રોનાં નામ કાલ્પનિક છે.)]

થોડાક સમય પહેલાંની આ વાત. મારા મામાને ત્યાં વાસ્તુપૂજનનો પ્રસંગ હોવાથી એક સવારે હું મમ્મી-પપ્પા સાથે એમને ગામ પહોંચ્યો. વાસ્તુના હવનથી લઈને ભોજન સુધીની તમામ વિધિઓ આટોપાઈ ગયા બાદ બધા સગાવહાલાંઓ ધીમે ધીમે વિખેરાવા માંડ્યા. દિવાળી મનાવવા માટે વતન જવાનું હોઈ અમે પણ સાંજે નીકળવાના હતા. પાસે બેઠેલા રમણદાદાને નીકળવાની તૈયારી કરતાં જોઈને પપ્પાએ એમને રોકી લીધાં અને કહ્યું કે ‘અમારે પણ સાંજે નીકળવાનું જ છે. થોડી વાર રોકાઈ જાઓ, આપણે સાથે જ નીકળીશું. આમ પણ અમારી ગાડીમાં એક જગ્યા તો છે જ. તમારે આ તડકામાં બસની મુસાફરી કરીને હેરાન થાવું એના કરતાં અમે તમને મૂકી જઈશું.’ પિતાજીના આગ્રહને માન આપી દાદા રોકાઈ ગયા.

રમણદાદા એટલે મમ્મીના પક્ષના એક દૂરના સગા. તેજસ્વી ચહેરો સાથે અત્યંત પ્રેમાળ. યુવાનવયની મહેનતના પરિપાકરૂપે વિશાળ એવી જમીનના માલિક. એ જમાનામાં આર્થિક રીતે સદ્ધર કહેવાય એવું ખાધે-પીધે સુખી કુટુંબ. દાદીનું નામ ‘વજૂબા’. સંતાનોથી કિલ્લોલ કરતું ઘર અને પ્રસન્નતાના હિલોળા લેતું તેમનું દાંપત્યજીવન. સંપત્તિના નશાથી દૂર રહીને સાદું અને સરળ જીવન જીવતા રમણદાદા હૃદયના એટલા જ કોમળ. ન એમને કોઈની સાથે વેર કે ન તો કોઈ એમનો વેરી. સદાય મહેંકતું જીવન તેમના સંપર્કમાં આવનારને પણ મહેકતું કરી દે.

સાંજના ચાર વાગ્યાની આસપાસ રમણદાદાને લઈને અમે સૌ ગાડીમાં નીકળ્યાં. મમ્મી-પપ્પા પાછળની સીટ પર બેઠા, જ્યારે દાદા મારી સાથે આગળ ગોઠવાયા. સીટ-બેલ્ટ બાંધીને મેં ગાડી સ્ટાર્ટ કરી. આજે હું કંઈક વધારે આનંદમાં ગાડી હંકારતો હતો, કારણ કે પપ્પા આજે જોડે હતા. પપ્પા જોડે હોય એટલે એક્સિલેટર પર જોરથી પગ પડે કે તરત એમના શબ્દો દ્વારા એમાં બ્રેક લાગી જાય ! એટલે આમ જુઓ તો ગાડી મારા હાથ-પગ કરતાં પિતાજીના શબ્દોથી જ વધારે ચાલતી હોય એમ લાગે ! મમ્મી-પપ્પા સાથે હોય એટલે કોઈ પણ જાતની ચિંતા વગર ગાડી ચલાવવાની એક હળવાશ અનુભવાય. હું મારા નિજાનંદમાં મસ્ત બનીને લક્ષ્ય તરફ ગતિ કરી રહ્યો હતો.

વડીલો સાથે હતાં એટલે મારી પાસે વાત કરવાનો કોઈ વિષય નહોતો. એમની વાતો સાંભળી-સાંભળીને જ વડીલ બનવાનું મેં મુનાસીબ માન્યું ! પપ્પા અને રમણદાદા વાતો એ વળગ્યા. મોટેભાગે કોઈ પણ બે વ્યક્તિની વાત હંમેશા ખબર-અંતર પૂછવાથી શરૂ થતી હોય છે. અહીં પણ એવું જ થયું. પિતાજીએ પૂછ્યું :
‘શું કરે છે સુરેશ અને મહેશ ?’
‘બેય મજામાં હોં. સુખી છે. આપણે તો જીવતા જ બંનેને પોતાની જમીન આપી દીધી એટલે હવે આપણનેય નિરાંત.’ આટલું બોલી રમણદાદા અટક્યા.
‘તો તમે અત્યારે કોની સાથે ?’
‘હું અત્યારે મોટા સુરેશ સાથે આપણા પેલા જુના ઘરમાં અને નાના મહેશને ગામમાં જ એક મકાન લઈ દીધું એટલે એ બેય માણા ત્યાં ગોઠવાણા છે.’ દાદા બોલ્યાં.
‘એમ ? તો તો તમે અને વજુબા અત્યારે નિવૃત્ત થઈ ગયા એમ ને ?’ પિતાજીએ પૂછ્યું.
‘ના રે ના ભાઈ. એવું સુખ ક્યાં લખાઈને આવ્યાં છીએ ?’ તેમણે નિસાસો નાખ્યો.
‘કેમ ? હવે તમારે અને વજુબાએ વળી શું કામ કરવાનું હોય ?’
‘રોટલા કોણ ઘડશે ?’ રમણદાદા કંઈક અલગ જ અવાજમાં બોલ્યા. ગાડી ચલાવતાં-ચલાવતાં મેં તેમના ચહેરા સામે જોયું. તેઓ ખૂબ દુ:ખી જણાતા હતાં. એવું તે શું બન્યું હશે ? કુતૂહલતાથી મેં કાન સરવા કરીને તેમની વાતોમાં ચિત્ત પરોવ્યું.

રમણદાદાએ પોતાની વાત આગળ ચલાવી : ‘તમને તો ખબર જ છે કે ગામમાં પાણીવાળી એંસી વીઘાંની આપણી જમીન. જમીન પણ પાછી સારી એટલે ખાધે-પીધે સુખી. થોડી બચતેય થયેલી એટલે ગામમાં બીજું ઘર ખરીદીને નાનાને આપ્યું. એ બેય માણા જુદા થયાં એટલે મોટાને આપ્યું જૂનું. પાંચ ઓરડી અને ઓસરીવાળું ઘર એટલે અમે બેય, સુરેશને ઈ ચાર આરામથી સમાઈ જાય. દીકરીઓ બધીને સાસરે વળાવી દીધેલી એટલે હવે આપણે કોઈ જાતની ચિંતા નહીં. માટે જ મેં જમીન પણ બેયને આપી. એમના ખાતે જ ચડાવી દીધી અને પ્રભુભજનમાં ચિત્ત લગાવ્યું. મારી પાસે હતું એ બધું એમને આપ્યું એટલે થયું એવું કે મારી પાસે કોઈ બચત ન રહી. શરૂઆતમાં બહેન-દીકરીને દેવામાં કે કોઈ સારા-નરસા પ્રસંગે બહારગામ જવા માટે દીકરા પાસે પૈસા માગવા પડતાં. એક-બે વાર તો ઠીક પણ પછી દીકરાની વહુનો પૈસા આપવામાં જીવ ખચકાય. મેં આ જોયું. છેવટે બેય દિકરાઓને બોલાવીને કીધું કે ‘તમારે મને દર વર્ષે પંદર હજાર રૂપિયા આપી દેવાના એટલે મારો છૂટક ખર્ચો નીકળ્યા કરે.’ શરૂઆતમાં તો બેઉ દીકરા માની ગયાં પણ આ વર્ષે મોટાએ પહેલાં તો મને મારા ઘરમાંથી જુદો કર્યો. ઘરની પાંચ ઓરડીમાંથી ચાર એણે રાખી અને એક મને આપી. સાથે સાફ સુણાવી દીધું કે ‘તમે અને મા બેય જુદા રોટલા ઘડવાનું રાખો.’… મારી પાંસઠ વર્ષની ઘરવાળીને આ ઉંમરે રોટલા ઘડતી જોઉં છું ત્યારે મારી આંખ ભીની થઈ જાય છે…..’

આટલું બોલતાં તો રમણદાદાની આંખો અત્યારે પણ ભીની થઈ ગઈ હોય એવું એમના અવાજ પરથી મને વર્તાતું હતું. થોડાક સ્વસ્થ થઈને રમણદાદાએ વાતનો દોર આગળ વધારતા કહ્યું : ‘આખી જિંદગી જેટલાં દુ:ખો આપ્યા એ બધા વેઠ્યા. એની સામે કોઈ જાતની ફરિયાદ નથી કરી. બંને દીકરાઓ અને ત્રણેય દીકરીઓને મોટી કરી. સગવડતા મુજબ ભણાવી-ગણાવીને સારા ઘરમાં પરણાવી. દીકરાઓનાં પણ લગ્નપ્રસંગો રંગેચંગે પાર પાડ્યાં. જ્યારે ઘરમાં પહેલી વખત બે પુત્રવધુઓને જોતો ત્યારે મનમાં ને મનમાં હરખાતો કે હાશ હવે આરામના દિવસો શરૂ થયાં પણ આ તો ઊલટું જ પડ્યું ! અત્યારે તો બધુય સુખ મળ્યું હોવા છતાં દુ:ખના દિવસો જોવાનો વારો આવ્યો. અધૂરામાં પૂરું, આ વર્ષે બેય દીકરાએ મને કહી દીધું કે ‘બાપા, તમારે પંદર હજારની શી જરૂર છે ? આ વખતે દસ જ રાખો…..’ હવે તમે જ કહો કે વર્ષે બેઉ જણ દસ-દસ હજાર આપે તો એ વીસ હજારની મૂડી લેખે મહિને આશરે પંદરસો રૂપિયાની આવક કહેવાય ! આટલી રકમમાં મારે મહિનો શી રીતે કાઢવો ? લાખોની જમીન, લાખોનું મકાન લાગણીમાં આવીને દીકરાને આપ્યાં તો બધુંય ખોયું; જમીન પણ, મકાન પણ અને છેવટે દીકરા પણ. મારું જ બધું વાપરવું અને મને સાથે રહેવાની ના પાડે છે. બોલો હવે મારે આ લોકોને શું કહેવું ?’

જો મારી અને મમ્મી-પપ્પાની હાજરી ન હોત તો રમણદાદા ચોક્કસ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં હોત. ખરેખર ! આટલી વાત સાંભળીને હવે મારાથી ન રહેવાયું. અત્યાર સુધી તો આ વડીલો વચ્ચે મારા જેવા નાના યુવાને શું બોલવાનું ? એમ વિચારીને હું ચૂપ રહ્યો હતો. પણ હવે ના રહેવાયું એટલે વચમાં જ કૂદી પડતાં મેં પપ્પાને કહ્યું : ‘પપ્પા, આવું કંઈ થોડું ચાલે ?’
પપ્પા બોલ્યા : ‘હા દીકરા. આ જ છે કડવી વાસ્તવિકતા. આ જરાય નવીન નથી. આજના સમયમાં ઘણા ઘરોની આ સમસ્યા છે. ક્યાંક ક્યાંક તો આનાથી પણ વધારે ભયાનક છે. પોતાના માતાપિતાને લોકો ઘરડાઘરમાં મૂકી આવે છે અથવા એથીય વધારે પુત્રો સમાજ-આબરૂની પરવા કરી કચવાતા મનથી સાથે રાખે છે પણ રીબાવી-રીબાવીને !’……. અમારા પિતા-પુત્રના સંવાદને સાંભળી રમણદાદાને સાંત્વના મળી હોય એવું લાગ્યું, એટલે એ સ્વસ્થ થઈ બોલ્યા :
‘આપણા સુરેશનો દીકરો પણ હવે મોટો થઈ ગયો છે. એક પ્રાઈવેટ કંપનીમાં નોકરીએ લાગી ગયો છે. પંદર હજાર જેવો પગાર મહિને મેળવે છે. તો આપણા કુટુંબલાયક કોઈ સંસ્કારી દીકરી હોય તો ધ્યાનમાં રાખજો…’

એમની આ વાત સાંભળીને સૌથી વધારે આશ્ચર્ય મને થયું. કેવા છે આ રમણદાદા ! પોતાનો સગો દીકરો એમને સાચવતો નથી તથા આ ઉંમરે માનસિક ત્રાસ આપે છે અને છતાંય હજી પણ પોતાના પૌત્રની ચિંતા અને ભલામણ કરી રહ્યા છે ?! સાચે, મને ત્યારે સમજાયું કે ‘કુપુત્રો જાયતે ક્વચિદપિ કુમાતા ન ભવતિ’ – પુત્ર કુપુત્ર થાય, પણ માવતર કદી કમાવતર ન થાય.

જોતજોતામાં રસ્તો પસાર કરતાં એમનું ગામ આવી પહોંચ્યું. નાનકડી શેરીઓમાંથી ગાડી પસાર કરી એમની ડેલી આગળ મેં ગાડી ઊભી રાખી. ડેલી ખોલી અમે વારાફરતી દાખલ થયાં. અમને સાથે આવેલા જોઈને તેમના ઘરના બધા સભ્યો ખુશ થઈ ગયાં. હું અને પિતાજી ઓસરીમાં ઢાળેલા ખાટલા પર બેઠા. રમણદાદા પાસે પડેલી ખુરશી પર ગોઠવાયા. મમ્મી અને વજુબા પાસે નીચે બેઠાં. અમારા આગમન સાથે મોટા દીકરા સુરેશની પત્ની રમીલા ખબર-અંતરની ઔપચારિક વિધી પતાવીને સૌ માટે પાણી લેવા રસોડા તરફ ગઈ, સાથે ચૌદ-પંદર વર્ષની તેમની દીકરી હતી.

આ બધું ચાલતું હતું ત્યારે હું થોડો વિચારોમાં ખોવાયો…. પપ્પાના સ્વભાવને હું સારી રીતે જાણું. ગમે તેવો મોટો માણસ હોય, પૈસાવાળો હોય કે અધિકારી હોય – પણ જો તે ખોટું કરતો હોય તો મારા પિતાજી એને મોઢામોઢ સત્ય કહેવામાં જરાય ખચકાતાં નહીં. પછી ભલે ને સામેવાળાને ન ગમે. તેમની આ રીતથી હું પરિચિત હતો એટલે જ રમણદાદાની આટલી વાતો સાંભળ્યા પછી પપ્પા સુરેશને કંઈ ન કહે એવું તો કદી બને જ નહીં. તેથી મારી આંખો અજાણતાં જ સુરેશને શોધવા લાગી… એટલામાં જ પેલી દીકરી રસોડામાંથી બહાર નીકળી અને દોડતી દોડતી ઓસરી તરફ ગઈ. ત્યાં એક નાનકડા લાકડાના સ્ટેન્ડ પર ગોઠવાયેલા ટેલીફોનનું રિસીવર તેણે ઉપાડ્યું. તેની વાતચીત પરથી મને સમજમાં આવી ગયું કે જેને મારી આંખો શોધી રહી છે તે સુરેશ હમણાં ઘરમાં નથી એટલે એને બોલાવવા આ ફોન થઈ રહ્યો છે. તે ફોન પર બોલી રહી હતી :
‘હેલો પપ્પા, મુની બોલું છું….’
‘…..’
‘ઘરે પેલા સુરેન્દ્રનગરવાળા માસી અને ઈ આવ્યા છે….’ આટલી ટૂંકી વાત કરીને તેણે રિસીવર મૂકી દીધું.

ઠંડું પાણી પીને આમ-તેમ વાતો ચાલી રહી હતી ત્યાં ડેલી ખખડી. બધાની નજર ડેલી તરફ ગઈ. એક હાથમાં સાઈકલ પકડી એક નવો ચહેરો દાખલ થયો. મેં મનમાં અનુમાન કર્યું કે સુરેશ જ હોવો જોઈએ. તેણે આવીને તમામના ખબર-અંતર પૂછવાની ઔપચારીકતા પૂરી કરી અને પાસેની ખુરશી પર ગોઠવાયો. વાતની શરૂઆત કરતાં તેણે પપ્પાને પૂછ્યું :
‘આજે કેમ આ બાજુ ભૂલા પડ્યા ? વતનમાં જાતા લાગો છો.’
ખરી વાતની હવે શરૂઆત થઈ હતી. મારા પિતાજીએ સીધી સિક્સર જ ફટકારી.
‘ના રે ના, અમે તો ખાસ તને મળવા માટે જ અહીં આવ્યા છીએ. મને માહિતી મળી કે તમે બેય ભાઈઓ રમણદાદાને વર્ષે ફક્ત દસ-દસ હજાર આપો છો…. મને એ ઓછા લાગે છે એટલે એના વીસ-વીસ હજાર કરાવવા માટે તને મળવા આવ્યો છું. બોલ શું કહેવું છે ?’ સીધી જ રીતે બોલાયેલા મારા પિતાજીના આવા હૃદયસોંસરવા ઊતરી જાય એવા શબ્દો સાંભળી સુરેશનું મોં નીચે ઝૂકી ગયું. ઓસરીની જમીન તરફ આંખો નીચી રાખીને તે ધીમેથી બોલ્યો :
‘એમને શું જરૂર છે ?’
બસ, એના આવા જ કંઈક જવાબની અપેક્ષા રાખી બેઠેલા મારા પિતાજી એની પર રીતસર તૂટી પડ્યા.
‘શું જરૂર છે એટલે ? બાપાની એંસી વીંઘાની જમીનની તમારે બેય ભાઈઓને શું જરૂર છે ? બાપાની જ મિલકતમાંથી લીધેલા આ મકાનની તારે શું જરૂર છે ? એક તો બાપાનું બધું લેવું છે, પડાવી લેવું છે, રાખવું છે, અને પાછો એમ પૂછે છે કે એમને શું જરૂર છે ?….. જો સુરેશ, મારી એક વાત સ્પષ્ટપણે સાંભળી લે… મારી આ વાત અને મારા શબ્દો સાંભળી તારી ઘરવાળી ભલે મને ચા ન પાય….. મારે તારી ચાય નથી પીવી… પણ જે સાચું છે તે તો હું તને કહેવાનો જ. તું તારા પિતાને આ ઉંમરે આવો ત્રાસ આપીશ એ જાણ્યા પછી મારાથી નહીં રહેવાય. અરે, ભલા માણસ જરાક વિચાર તો કર… તારી પાંસઠ વરસની આ મા ને તારા જીવતા જ, તારી નજર સામે ઘરમાં તારી પત્ની હોવા છતાંય જાતે અલગ રોટલા રાંધવા પડે છે… એ જોઈને તો જરા શરમ કર… અરે, એ તો વડીલો છે… ક્યારેક એકાદ વાર કડવા વેણ બોલી પણ નાંખે અને એય પાછા આપણા ભલા માટે. એવા નાના પ્રસંગોને ધ્યાનમાં રાખી તું જે અન્યાય કરી રહ્યો છે એને ભગવાન પણ માફ નહીં કરે……. જરાક જો…. આ તારા પિતાજીની સામે જો…..’ રમણદાદા તરફ આંગળી ચીંધી પપ્પા બોલ્યાં : ‘એમની આંખો મને અત્યારે ના પાડી રહી છે કે તમે આવી રીતે મારા દીકરાને ખીજાશો નહીં… આ તારા આટલા અન્યાય પછી પણ…. સમજ પડે છે કંઈ ?’

ને ખરેખર રમણદાદા પણ નતમસ્તકે કાંઈ પણ બોલ્યા વગર બેઠા રહ્યા. પછી તેમના ઘરની ભીંત પર ટીંગાળેલા એક સંતની છબી સામે આંગળી ચીંધી મારા પિતાજી બોલ્યા : ‘સુરેશ, ખાલી આવા સંતોના ફોટા ટીંગાળવાથી કે પછી એમને પૂજવાથી કંઈ નહીં થાય. એનાથી શું મોક્ષ મળી જવાનો ? ઘરમાં બેઠેલા આ જીવતા ભગવાનને ઓળખી લઈશ તોય ઘણું પુણ્ય કમાઈશ. ક્યો સંપ્રદાય એવો છે ? કયો સંત-મહાત્મા એવો છે જે માતા-પિતાની સેવા કરવાની ના પાડે છે ? યાદ રાખ કે ‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ થી આપણી સંસ્કૃતિની શરૂઆત થાય છે….’

મારા પિતાજીની ધારદાર દલીલોનો જવાબ ન હતો સુરેશ પાસે કે ન હતો તેની પત્ની રમીલા પાસે. પેલી દીકરી પણ સમગ્ર ઘટનાને નિર્દોષતાથી નિહાળી રહી હતી. મારા પિતાજીએ એને ઈશારો કરી પોતાની પાસે બોલાવીને પૂછયું : ‘દીકરી, સાચું કહેજે કે તારા દાદા-દાદી અલગ રોટલા બનાવે એ ગમે કે પછી બધા સાથે બેસી જમો એ ગમે ?’
પેલી છોકરી સાવ નિર્દોષતાથી બોલી : ‘કાકા, એ તો સાથે બેસીને જમીએ તો જ મજા આવે ને !’ નાની દીકરીનો આવો જવાબ સાંભળીને સુરેશ અને રમીલા અવાચક થઈ ગયા.

પપ્પાની વાત પતી એટલે મમ્મીએ રમીલાને કહ્યું : ‘રમીલા, આપણે જ આવું કરીશું તો આપણા સંતાનો શું શીખશે – એ વિચાર્યું છે કદી ? આપણાં સંતાનો આપણી શું હાલત કરશે એવી ક્યારેક કલ્પના કરી જોજો. આપણા જમાનામાં તો આપણી ભૂલો સુધારવાવાળા અને કંઈક બે શબ્દો કહેવાવાળા થોડા ઘણા લોકો પણ મળી રહેશે પણ જ્યારે એમના જમાનામાં આપણો વારો આવશે ને ત્યારે આપણા સંતાનોને સમજાવવાવાળા કોઈ માણસો જ ક્દાચ નહીં બચ્યા હોય ! સંસ્કારની સમજણ પછી કોણ આપશે ?’

ઓસરીમાં આઠ વ્યક્તિઓ બેઠી હોવા છતાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોઈ સુમસામ જગ્યા જેવી શાંતિ છવાઈ ગઈ હતી. નિ:શબ્દ વાતાવરણ તો એવું હતું કે જાણે કોઈ છે જ નહિ, બસ – છે તો ફક્ત પેલી દીકરીની નિર્દોષતાથી છલકાતી આંખો, રમણદાદા અને વજુબાની વેદના, રમીલા અને સુરેશનો પશ્ચાતાપ, મમ્મી-પપ્પાના શબ્દોની જીત અને મારા મનમાં કંઈક યોગ્ય થયાનો આનંદ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કામ નહીં ‘રામ’ જગાડવાની અવસ્થા – મીરા ભટ્ટ
નીરણ – દિનકર જોષી Next »   

24 પ્રતિભાવો : સંસ્કારની સમજણ – પાર્થ પુનાલાલ ગોલ

 1. કલ્પેશ says:

  ખાલી આવા સંતોના ફોટા ટીંગાળવાથી કે પછી એમને પૂજવાથી કંઈ નહીં થાય. એનાથી શું મોક્ષ મળી જવાનો ? ઘરમાં બેઠેલા આ જીવતા ભગવાનને ઓળખી લઈશ તોય ઘણું પુણ્ય કમાઈશ. ક્યો સંપ્રદાય એવો છે ? કયો સંત-મહાત્મા એવો છે જે માતા-પિતાની સેવા કરવાની ના પાડે છે ? યાદ રાખ કે ‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ થી આપણી સંસ્કૃતિની શરૂઆત થાય છે….

  આજના મા-બાપને મારી એક વિનંતી – પોતાની મિલ્કત છેલ્લે સુધી પોતાના હાથમા રાખે.
  છોકરા/છોકરી સારા થાય તો સારુ અને ના થાય તો પણ પૈસા હોય તો જીવી શકાય અને કોઇને સેવા-ચાકરી માટે રાખી શકાય.

  પ્રભુ આપણને સહુને સદબુદ્ધિ આપે અને આપણે માણસ (અને દરેક જીવ) પ્રત્યે સંવેદનશીલ બનીએ.

 2. Dinesh says:

  સરસ….
  Very much true also..

 3. ભાવના શુક્લ says:

  પાર્થે કહેલી સત્ય હકીકત તો સ્પર્શી જ રહી પરંતુ તેની લખાણ શૈલીમા જે સહજ માર્મીકતા છે તે વધુ અસરકારક બની રહી. ખુબ સમજવા જેવી વાત ખુબ સરળ ભાષામા.. જાણે વાચતા હોઇયે તેવુ નહી પરંતુ પાર્થના મોઢે સાંભળતા હોઇયે તેવુ લાગે.
  સરસ રજુઆત. અભિનંદન!!

 4. pragnaju says:

  સાહિત્યનાં ડોકટરો કરતાં ઘણીવાર મેડિકલ ડૉકટરોને સાહીત્ય-તેમા સત્ય ઘટના પર આધારીત સાહીત્યમાં વધુ ફાવે છે.પાર્થની પ્રથમ કૃતી આટલી સુંદર!.હજુ તો પૂરા ડોકટર થયા નથી અને આવાં અનુભવી જેવું લખાણ-“ઘરમાં બેઠેલા આ જીવતા ભગવાનને ઓળખી લઈશ તોય ઘણું પુણ્ય કમાઈશ. ક્યો સંપ્રદાય એવો છે ? કયો સંત-મહાત્મા એવો છે જે માતા-પિતાની સેવા કરવાની ના પાડે છે ?… સંસ્કારની સમજણ પછી કોણ આપશે ?’
  ધન્યવાદ

 5. Rajan says:

  ખુબ જ સરસ અને પચાવવા જેવિ વાત.

  આભાર પાર્થ્

 6. Mahendra K Shah,M.D. says:

  After reading this story, it feels like we will have future generation of Doctor ni Dayri.

 7. Paresh B.Rasadiya says:

  This is a very good story,which has touched my heart.
  Parth is my brother in law and i am proud of him.
  Wish you all the best Parth.

 8. Urvi Pathak says:

  Very smooth but very very effective flow in writing!

 9. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. લખતા રહો….!

  શ્ક્ય છે તમારુ સ્ંવેદના સભર હ્રદય માત્ર દર્દીને નહી આસપાસના લોકોની મુશ્કેલી પર પણ મલમ લગાડી શકે.

 10. Pinki says:

  સુંદર ,
  કડવી વાસ્તવિકતાની ભાવસભર રજૂઆત……. !!

 11. MINTI says:

  HI,
  PARTH

  YOUR STORY IS REALLY VERY INTERSTING.

  IT IS A TRUE OF ALL LIFE.

  ALL THE BEST PARTH

 12. chetna bhagat says:

  hi parth..i like ur story..after reciveing so many feedbacks there is no space tp say anything special..all the best ..keep writing..bt frist study n thn if u got time thn write..waiting for ur new story doctor.. !

 13. shilpa says:

  very good story.it is realy true.

 14. Shashikant Ganatra says:

  Parth has given a real picture of of the society of to-day. We have seen one such picture of AMITABH BACHHAN also.One should not give his all the properties to his relatives/sons and should be practical.KALYUG is in FULL swing.
  CONGRATULATIONS PARTH.Keep up the spirit in your real life also.
  Shashikant Ganatra

 15. Ganatra says:

  See BAGBAN picture. Here it is.

 16. nayan panchal says:

  પાર્થ,

  ખૂબ જ સુંદર, અત્યંત સરળ ભાષામાં લખાયેલી અને હ્રદયસ્પર્શી ઘટના આટલી નાની ઉંમરે લખવા બદલ અભિનંદન.

  તુ તો અમારા જેવા માટે પ્રેરણારૂપ છે. લખવાનું બંધ નહિ કરતો.

  આજના પ્રોઢોએ લાગણીમાં આવીને જીવતજીવત પોતાની માલ-મિલકત સંતાનોના નામે ન કરી દેવી જોઇએ. વસિયતનામું બનાવીને રહો, આપોઆપ સંતાન સાચવશે. આવુ, મને મારા પપ્પાએ કીધું.

  નયન

 17. falguni says:

  ખૂબ સરસ, લોકો સુધી પોહ્ચાડવા બદલ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.