નીરણ – દિનકર જોષી

[ ‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

સોમચંદ શેઠ એટલે પાકા-પહોંચેલા માણસ ! આંખે ઑપરેશન કરાવેલું એટલે ચૂંચી લાગે પણ જ્યારે જુએ ત્યારે આરપાર દેખાય ! ધંધાની એવી સૂઝ કે જે ધંધામાં પડે એમાં સડસડાટ સોંસરવા નીકળી જાય ! એટલે જ તેલિબીયાંના સટ્ટાથી માંડીને હીરાબજાર સુધીના ધંધા કરે ! આ ધંધા એટલે એક જ સરનામેથી થતો વહેવાર – દશ જાતના લેટર હેડ અને એટલા જ નામનાં પાટિયાં સરનામાંની દીવાલની બહાર લટકે ! એમના જ શબ્દોમાં કહીએ તો આ ઢગલાબંધ પાટિયાંઓના હિસાબકિતાબ કરીને બધું સમુંનમું કરવા માટે એમણે એક ખાસ અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બંધાવેલો ! આ બંધાવેલો શબ્દ એમનો માનીતો હતો ! સોમચંદ શેઠ બૅંકમાં મૅનેજરને બંધાવતા…. સરકારી કચેરીમાં પટાવાળાથી માંડીને સાહેબ સુધી સહુને બાંધી લેતા. પોસ્ટ ઑફિસમાં પોસ્ટમેન અને પોસ્ટમાસ્તર પણ બાંધેલા…. ટેલિફોન ખાતામાં લાઈનમેન યાદવથી માંડીને મોટ્ટા સાહેબ સુધીનાય સહુ સોમચંદ શેઠની બાંધણીમાં ! સોમચંદ શેઠનો ફોન કદી બંધ ન પડે… એમની ટપાલ કદી મોડી ન થાય. સેલ્સટૅક્સ, ઈન્કમટૅક્સ સોમચંદભાઈને ક્યાંય અટકે નહીં ! ક્યાંથી અટકે ? સોમચંદની એકએક પેઢીના હિસાબકિતાબ બધું જ પાકે પાયે ! જેવા હિસાબ જે સરકારી ખાતાને ફાવે એવા હિસાબ સોમચંદભાઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તૈયાર જ હોય ! આમ કરવા જતાં એકની એક પેઢીના એકના એક વરસના ત્રણ ત્રણ ચાર ચાર હિસાબો તૈયાર થઈ જાય એ જુદી વાત છે – પણ એ તો આ ચારેય સરકારી સાહેબો સાથે મળીને ઊલટતપાસ કરે ત્યારની વાત છે ને ! સોમચંદ શેઠને ખબર છે – આવું કોઈ દિ’ બનવાનું નથી !

સોમચંદ શેઠનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિસાબના ચોપડા કોઈ દિવસ લખે કે લખાવે નહીં ! સોમચંદ શેઠ બિલ, વાઉચર, ચલન, રસીદ, કંઈ કરતા કંઈ સાચવે નહીં ! એની જરૂર જ શી છે ? – સોમચંદ શેઠ બેધડક કહી દે ! તમે બધું બરાબર સાચવો, બધા જ ચોપડા, ચિત્રગુપ્તના ચોપડાની જેમ સાવ સાચા લખો અને તો ય સરકારી સાહેબો કંઈ તમારી વાત માનવાના નથી ! એ તો નીરણ નીરો નહીં ત્યાં સુધી કામ પતવાનું જ નહીં ! આટઆટલી ઉપાધિ ત્રણસો ને પાંસઠેય દિવસ કરો અને છતાંય જો નીરણની જ વાત હોય તો પછી કશીય ઉપાધિ કર્યા વિના જ પહેલેથી જ નીરણ કરી દેવું શું ખોટું ?

અને આમ સોમચંદ શેઠનો હિસાબ પાક્કો ! કોઈથી પાછા ન પડે ! એ બિન્દાસ કહેય ખરા – આ તો માણસ ! દરેક માણસને પેટ વળગ્યું છે. કોકનું થોડું સાંકડું હોય, કોઈનો ફાંદો મોટો હોય… ક્યારેક તો એને નીરવું પડે પણ અંતે તો નીરણ એ નીરણ…. દરેક માણસને આ નીરણથી જ લાભ થતો હોય તો પછી એકાદ બે પૂડા એય ભલેને બુકડાવતો…. નીરણ જોતાંવેંત આંખ ન ચમકે એવો માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી ! કોકને રજકો ભાવે, કોકને ચાસટિયો, કોકને ડાબ તો કોકને ખોળનું બંધાણ હોય… બાકી બધી માયા ! જે રામજી કી !

આ નીરણ શબ્દ એમને બહુ ગમતો ! જે સાહેબને એ લળીલળીને સલામ ભરતા હોય એમને માટેય એ સાવ ભોળા ભાવે એ નીરણનો જ પ્રયોગ કરતા ! નવીનકોર ચલણી નોટોનું બંડલ બ્રીફકેસમાંથી કાઢીને સાહેબને ઘરે ત્યારે એક-બે વાર તો એમનાથી બોલાઈ પણ ગયેલું – ‘લ્યો સાહેબ ! આ રાજકાનો ચારો !’ સદભાગ્યે સાહેબ મદ્રાસી હતા એટલે કંઈ સમજ્યા નહીં પણ સોમચંદે ત્યારે જીભ કચડેલી ! સોમચંદને પોતાની આ નીરણ ધરવાની સૂઝ પર ભારે શ્રદ્ધા અને આ નીરણ જોતાવેંત પાણીપાણી થઈ જતા સાહેબોની વિશેષતા ઉપર એથીય અદકેરી શ્રદ્ધા ! એ જ સોમચંદની સફળતાનું રહસ્ય !
*****

શર્માસાહેબ નવાનવા જ અહીંની ઑફિસમાં બદલી થઈને આવેલા ! શર્માસાહેબ આ ઑફિસનો ચાર્જ લેવાના છે એવા ખબર ફેલાયા ત્યાં જ ઑફિસમાં સન્નાટો વ્યાપી ગયો હતો ! દિવાળીનાં મીઠાઈનાં બોક્સ, પેન-સેટ કે એવી નાની મોટી ભેટો કે ‘વીથ બેસ્ટ કોમ્પ્લીમેન્ટસ’ ના વજનદાર કવરોની લેવડદેવડ કંઈ નવી વાત નહોતી ! સહુને ફાળ પડેલી આ શર્મા અહીં ક્યાંથી આવ્યો ? શર્મા હતો ય એવો કડક ! એના નામની ધાક બોલી ગઈ હતી. મૂળ લખનૌનો પણ ઈન્સ્પેક્ટરમાંથી બઢતી મેળવીને સુપ્રિન્ટેન્ડન્ટ બન્યો અને એવો જ લખનૌથી હૈદરાબાદ ટ્રાન્સફર થઈ ગયેલો ! શર્મા પાસેથી કામ લેવું હોય તો ભલભલા થરથરે કેમ કે શર્મા પાસે જો કોઈએ પૈસાની લેવડદેવડની ભૂલચૂકેય વાત કરી – અરે ! ઈશારોય કર્યો તો એ મરી જ જાય ! શર્મા ધૂળ કાઢી નાખે – એટલું જ નહીં એના કામમાં પછી એવાં ચૂંથણાં કરે કે પેલાનું કામ થાય જ નહીં ! પૈસાટકાના વહેવાર સામે એને ભારે સૂગ ! સરકારી અધિકારીઓ પૈસાની લાલચે સરકારને ઠીક, પોતાનીય આબરૂને હલકી કરે છે એવું શર્મા ગળા સુધી માનતો ! પૈસા ધરવા આવતો વેપારી કે અરજદાર સાચો હોય જ નહીં એવુંય એ ખાતરીપૂર્વક કહેતો !

શર્મા ચાર વરસ હૈદરાબાદ રહ્યો ! ચારેચાર વરસ એકલો જ રહ્યો ! પરિવારને લખનૌથી લાવી શકાય એમ નહોતો ! બાળકોનો અભ્યાસ બગડે…. વળી પત્નીની તબિયત પણ નરમ રહેતી. વૃદ્ધ બા હતાં એય લગભગ અપંગ જેવાં…. આ બધું વિચારીને શર્માએ પ્રમોશન મેળવીને એકલા જ રહેવાનું ઠરાવ્યું હતું. એને ખાતરી હતી…. એની કામગીરી જ એવી ચોખ્ખી ચણક હતી કે વરસે-બેવરસે દિલ્હીની વડી કચેરી એને પાછો લખનૌ નહીં તો કાનપુર તો જરૂર લઈ આવશે ! પહેલા એકાદ વરસ તો એણે ઉત્સાહપૂર્વક રાહ જોઈ…. પણ દિલ્હીવાળાઓ કંઈ સમજ્યા નહીં એટલે એણે પ્રયત્નો કરવા માંડ્યા. પ્રયત્નો કરતાં કરતાં ચાર વરસ થઈ ગયા… વચ્ચે વચ્ચે રજાઓ મેળવીને લખનૌ પરિવાર પાસે આંટો મારી આવે પણ એ તો બધું એવું જ ! પત્નીની તબિયત વધુ લથડી ગઈ હતી ! ઘરમાં કામકાજ પૂરતી નોકરબાઈ તો હતી પણ મોટી દીકરી પણ હવે ખરેખર મોટી થવા માંડી હતી.

ત્યાં શર્માની ખરેખર બદલી થઈ ! એ હૈદરાબાદથી છૂટી ગયો….. પણ છૂટીને કાનપુર કે લખનૌ ન પહોંચ્યો. ઊલટો મદ્રાસ પહોંચી ગયો ! શર્માના કામથી દિલ્હીવાળાઓ ખરેખર ખુશ હતા અને એટલે શર્માને સુપ્રિટેન્ડન્ટથીય ઉપર ચઢાવીને મદ્રાસ ઝોનનો પૂરો હવાલો એને સોંપી દીધો ! એક રીતે શર્મા રાજી થયો ! એ હવે વધુ મોટો સાહેબ બન્યો ! પણ લખનૌથી જે સમાચાર મળતા હતા એનાથી એની ચિંતા વધતી હતી ! વળી ચારચાર વરસથી કાચું-કોરું ખાઈખાઈને એ કંટાળવા માંડ્યો હતો ! ઘરમાં – સરકારી કવાર્ટર હતું એટલે સોઈ-સગવડથી ભરપૂર હતું. પણ એ એકલો એકલો થાકી જવા માંડ્યો હતો. આમ છતાં એ મદ્રાસ ગયો તો ખરો પણ દિલ્હીવાળા સાહેબને એણે કહ્યું તો ખરું જ – ‘સાહેબ ! હવે પાછો લખનૌ લઈ આવો તો સારું !’ પણ મદ્રાસના હવાપાણીનું શર્માને ઝાઝું લેણું નીકળ્યું નહીં ! માંડ એક-દોઢ વરસ મદ્રાસમાં ગાળ્યાં ત્યાં એની તબિયત લથડી ગઈ. પાછો એ દિલ્હીવાળા સાહેબને મળ્યો : ‘સાહેબ ! મદ્રાસની આબોહવા મને માફક નથી આવતી…. લખનૌની સૂકી હવા….’

શર્માને જે ડર હતો એ જ થયું ! દિલ્હીવાળો સાહેબ લાંચિયો છે એવું ખાતામાં સહુ જાણતું હતું. વેપારીઓ અને સમજદારો પાસેથી તો પૈસા ઓકાવે જ પણ પોતાના જ સહકાર્યકરોનેય બદલી જેવા કે પ્રમોશન જેવા પ્રશ્ને એ ખીસું ભરી જ લે છે એવી વાત છૂટથી ચર્ચાતી. શર્માને આ વાતની ચીડ જ નહીં, ચીતરી પણ ચડી જતી. પોતે કદી કોઈ પાસેથી લાંચનો રૂપિયો લીધો નથી પછી એવો રૂપિયો એ આપેય શા માટે ? અને એટલે તબિયતના કારણસર એણે બદલી માગી હતી. એને આ વખતે ખાતરી હતી કે એને બદલી મળશે જ. બદલી મળી પણ ખરી પણ આ વખતે એને અમદાવાદની ઑફિસનો હવાલો સોંપાયો. મદ્રાસની હવા ભેજવાળી હતી – એને સૂકા હવામાન જોઈતા હતા. અમદાવાદના હવામાન સૂકા હતા ! શર્માના સ્વાસ્થ્યને જે જોઈતું હતું એ જ આપવામાં આવ્યું છે એમ દિલ્હીવાળા સાહેબે મીઠું હસીને કહી દીધું. શર્મા સમસમી ગયો. પણ બીજો રસ્તો જ નહોતો.

દીકરી ઉંમરલાયક થઈ ગઈ હતી. પરણાવવા જેવડી ! પત્ની લગભગ પથારીવશ હતી. જનેતા અપંગ હતી. પત્ની લખતી હતી – દીકરીની ઉપર હવે ધ્યાન આપવું જોઈએ. જમાનો બારીક છે. એની ઉંમરની છોકરીઓ પરણવા માંડી છે. જુવાન દીકરીનો પગ ક્યાંક આડોઅવડો પડી જાય…. ! શર્માના મનમાં ચિંતાનો બોજ વધ્યે જતો હતો. અમદાવાદની ઑફિસમાં આવીને એણે હવાલો સંભાળ્યો તો ખરો પણ એનું ચિત્ત વ્યગ્ર રહેતું હતું.

સોમચંદ શેઠે આ વખતે એક મોટો ખેલો કર્યો હતો. આયાત-નિકાસના ક્ષેત્રે એમણે જબરું તિકડમ શોધી કાઢ્યું હતું. બધું કાયદેસર હતું પણ પેલા બાંધેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી આંકડાઓની એવી ઈન્દ્રજાળ રચી કાઢી હતી કે જેટલું આયાત થાય એથી બમણું નિકાસ થાય… જેટલું નિકાસ થાય એથી ચારગણું આયાત થાય… એ આયાતથી વળી બમણું નિકાસ કરાય…. અમેરિકાથી માલ આવે અને રશિયા જાય.. રશિયાથી માલ આવે અને એ ચીન જાય… ચીનથી જે માલ આવે એ જર્મની જાય…. આ બધા માલની હેરફેર હોંગકોંગમાં થાય. હોંગકોંગથી સિંગાપુર જાય. બધી જ એલચી કચેરીઓમાંથી બધા જ કાગળ-પત્રો તૈયાર થઈ ગયા હતા. સોમચંદ શેઠની દોડાદોડીનો પાર નહોતો. કહેતા હતા – એક વાર આ કામ પતી જાય એટલે નિરાંત ! પરિયાંનાં પરિયાં ખાય એટલો ફાયદો થાય એમ હતો ! એ માટે જરૂરી નીરણના પૂળાય જુદા તારવી રાખ્યા હતા. દિલ્હીથી વડી કચેરીના સાહેબની સહી થાય એટલી જ વાર હતી. આ સાહેબ માટે ખાસ પ્રકારનો ખોળ, તબડકું કરીને તૈયાર રાખ્યો હતો. સાહેબનેય આ ખોળ બહુ ભાવતો એની પાકે પાયે સોમચંદે ખાતરી કરી લીધી હતી.

પણ એમાં એક જ અપશુકન થયા ! દિલ્હીવાળા સાહેબે સોમચંદને લીલી ઝંડી તો આપી દીધી. – આ લીલી ઝંડીના બદલામાં સોમચંદે લીલાછમ ચાસટિયાનો એક ભારોય ધરી દીધો – તબડકાનો ખોળ સહીસિક્કા થયા પછી જ ધરવાનો હતો. સોમચંદ પાક્કો હતો. અર્ધી વાત મારી રહી ને અર્ધી વાત તારી રહી. દિલ્હીવાળાએ કહી દીધું – ‘સોમચંદ શેઠ ! તમારી યોજના તો સરકારને મંજૂર છે પણ એ માટે સરકારી ધારાધોરણ મુજબ તમારા કાગળો અમારી પાસે અમારી અમદાવાદ ઑફિસેથી પસાર થવા જોઈએ. તમે અમદાવાદ ઑફિસવાળા શર્માને શેરો આ ફાઈલ પર મરાવી લો. બસ ! પછી અમે તો આંખ મીંચીને સહી કરી આપીશું !

સોમચંદ રાજી થઈ ગયો. અમદાવાદ ઑફિસેથી શેરો મરાવવામાં કંઈ મોટી વાત છે ! શર્માનો જે કંઈ ભાવ હશે એ એનેય પહોંચાડી દઈશું. આ તો દેશ માટે વિદેશી હૂંડિયામણ રળવાની વાત હતી. દેશસેવાનું કામ હતું. આવા કામમાં બે પૈસા વધુ ખર્ચવા પડે તોય શું ?…. પણ જેવું શર્માનું નામ પડ્યું કે સહુએ સોમચંદને ચેતવ્યો. સોમચંદ શેઠ ! આ શર્મા જુદી માટીનો છે. ખોપરી જ નિરાળી છે ! લાખ રૂપિયાની નોટોય એણે હડસેલી દીધી છે. તમારું કામ સુધરવાને બદલે ક્યાંક બગડી ન જાય એ જોજો !
‘એ વાતમાં શું માલ છે ?’ સોમચંદે સહુ કહેનારને છાતી ઠોકીને કહી દીધું, ‘હું આ શર્માઓ અને સુબ્રહ્મણ્યમો મુકરજીઓ અને ખન્નાઓ બધાંને ઓળખું છું. માણસ માત્રનો એનો ભાવ હોય, કોઈનો વધુ, કોઈનો ઓછો !’
‘જોજો હોં ! શર્માની વાત જુદી છે…’ કહેનારે કહી દીધું.

પણ ગળા સુધીના વિશ્વાસ સાથે સોમચંદ શર્માને મળ્યો. પોતાની ફાઈલ રજૂ કરી. યોજના સમજાવી. શર્માને એને બીજી મુલાકાતમાં કહી દીધું – ‘સાહેબ ! આપણે દિલ્હીવાળા જોડે વાત થઈ ગઈ છે. તમતમારે શેરો મારોને !’ અને આમ કહીને એક વજનદાર પરબિડિયું કાઢીને હળવેથી શર્મા સામે ધરી દીધું. શર્માનો ચહેરો લાલચોળ થઈ ગયો. એણે ફાઈલ ટેબલ પર પછાડીને જોરથી કહ્યું : ‘તમે મને શું સમજો છો, સોમચંદ શેઠ ? આ ટુકડા ફેંકીને કામ કઢાવી લેનારા તમારા જેવાને હું ધિક્કારું છું. ખબરદાર ! ફરીવાર આવી હિંમત કરી છે તો ! તમારી ફાઈલ ઉઠાવીને જતા રહો.’
પણ સોમચંદ શેઠ કંઈ જતા રહેવા નહોતા આવ્યા. સહેજેય વિચલિત થયા વિના એણે કહ્યું : ‘શર્મા સાહેબ ! આ તો ટોકન છે ! પૂરો હિસાબ શેરો મારશો કે તરત કરી દઈશ.’
‘તમે…. તમે ભીંત ભૂલો છો ! તમે મને ઓળખવામાં ભૂલ્યા છો. હું નોખી કિસમનો માણસ છું. પૈસાની લાલચ અહીં કામ નહીં લાગે… યુ…યુ… ગેટ આઉટ…’
પણ એમ ગેટ આઉટ થાય તો સોમચંદ શેઠ શાનો ? એણે પોતાની વાત પકડી રાખી. ‘સાહેબ ! દિલ્હીવાળા દાહોત્રે સાહેબ આપણા સંબંધી છે. બધી વાત પાકે પાયે થઈ ગઈ છે…. એમણે જ મને તમારું નામ આપેલું…’

દાહોત્રેસાહેબ !
શર્માના કાન ચમક્યા ! આ એ જ દાહોત્રેસાહેબ હતા કે જેના હસ્તક શર્માની લખનૌ ખાતેની બદલી અટકેલી હતી. આ દાહોત્રેસાહેબ જો ધારે તો શર્માને લખનૌ બદલી શકે એમ હતા. સોમચંદને જો દાહોત્રે જોડે ઘરોબો હોય તો એ પોતાનું કામ કરી શકે. પુત્રીના લગ્નનો પ્રશ્ન ઉકેલી શકાય. પત્નીની સારવાર થઈ શકે. માતાની દેખભાળ રાખી શકાય. પાંચ-સાત વરસથી લૂખું-સૂકું ખાઈને એકલવાસ વેઠી રહેવાનોય અંત આવે !… શર્મા સહેજ વિચારમાં પડી ગયો છે એની સોમચંદની ચૂંચી પણ તીક્ષ્ણ આંખે તરત નોંધ લઈ લીધી.
‘દાહોત્રે સાહેબ જોડે આપણે ઘર જેવો સંબંધ ! એમણે જ કહેલું કે શર્માસાહેબ પાસેથી-’
‘બેસોને સોમચંદ શેઠ ! ઊભા છો કેમ ?’ અચાનક શર્માથી બોલાઈ ગયું. એના અવાજમાં આવેલું પરિવર્તન સોમચંદથી અજાણ્યું કેમ રહે ?
‘આ દાહોત્રેસાહેબ જોડે…’
‘હા… હા… દાહોત્રેસાહેબ જોડે આપણે ઘર જેવું… તમારું કંઈ કામકાજ….’ સોમચંદે સાવધાનીપૂર્વક કહ્યું.
‘પણ સાંભળ્યું છે કે દાહોત્રેસાહેબ એમ ને એમ કંઈ કામ કરતા નથી….’
‘એની ચિંતા તમે છોડી દો સાહેબ… એ વાત મારા પર છોડો… હું સંભાળી લઈશ… તમારે કશું કામ કરવાનું નહી… તમારું કામ થઈ જાય…..’
‘કામમાં તો એવું છે….’ શર્માએ સહેજ ગળચવું ગળ્યું. એણે તરત મન સાથે સમાધાન કરી લીધું. આપણે ક્યાં પૈસા લેવા છે ? આટલું કામ કરી આપવાથી જો લખનૌ બદલી કરાવી શકાતી હોય તો એમાં લાંચ ક્યાં આવી ? આમેય આ ફાઈલ દાહોત્રે સાહેબ તો મંજૂર કરવાના જ છે !’

‘મારી બદલી લખનૌ કરવાની દરખાસ્ત દાહોત્રેસાહેબ હસ્તક છે…’
‘તમતમારે લહેર કરો સાહેબ ! તમારું કામ થઈ ગયું જ સમજો ! આવતા અઠવાડિયે જ ઑર્ડર મળી જાય !’ સોમચંદે ચપટી વગાડતાં કહ્યું અને પછી મનોમન બોલ્યો : ‘મેં તમને બરાબર જ સમજ્યા હતા સાહેબ ! માત્ર નીરણ નોખી નીકળી ! તમને કડબ, ખોળ કે ચાસટિયો નહીં, કપાસિયા ભાવે છે એટલો જ ફેર ! બાકી સાહેબ માત્ર સરખા !’…. અને પછી સોમચંદે મનોમન ગણતરી માંડી – તને નીરવાની કડબ હવે તું દોહેત્રેને વધુ નીરીશ એટલે તારું કામ થઈ જશે… દોહેત્રેય રાજી…. તું ય રાજી અને હું ય રાજી… રાજીપો જ રાજીપો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કારની સમજણ – પાર્થ પુનાલાલ ગોલ
લીમડી – બાલમુકુન્દ દવે Next »   

19 પ્રતિભાવો : નીરણ – દિનકર જોષી

 1. જવાહર says:

  દિનકરભાઈને સાંભળવાનુ સૌભાગ્ય ઘણીવાર પ્રાપ્ત થયુ છે. તેમના પર સરસ્વતીની કૃપા છે. તેવી રીતે વાર્તાના સોમચંદ શેઠ પર લક્ષ્મીની કૃપા છે. ઈશ્વરકૃપા વગર કોઇનાથી કાંઇ થઈ શકતુ નથી. વાત સાચી હોવા છતા બધાથી સોમચંદ શેઠ ન થઈ શકાય. દિનકરભાઈએ સોમચંદ શેઠને પણ એક વખત નિષ્ફળ કર્યા હોત તો ઈશ્વરની માયાની વધુ સમજ પડત.

 2. ભાવના શુક્લ says:

  કટાક્ષિકા તરીકે સરસ વાત. પરંતુ લાંચ રિશ્વતનો મહિમા વધારતો અંત બહુ વ્યાજબી ના લાગ્યો. જવાહરભાઈની વાત સાચી છે ” દિનકરભાઈએ સોમચંદ શેઠને પણ એક વખત નિષ્ફળ કર્યા હોત તો ઈશ્વરની માયાની વધુ સમજ પડત.” ખુબ ગમ્યુ.

 3. pragnaju says:

  કડવી લાગે પણ હાલના સમાજનું વાસ્તવિક દર્શન તે નીરણ
  ધન્યવાદ દિનકર જોષી

 4. Amit Lambodar says:

  એકદમ સત્ય રજુ કરતી વાર્તા (?)

 5. નીરણ નો exact meaning શું થાય?

 6. કલ્પેશ says:

  નીરણનો અર્થ ચારો થાય (ઢોર (ગાય-બળદ) માટેનો ખોરાક).

 7. ભલે ગમે તેવો તોય વાતમાં છેલ્લે સત્યનો વિજય થતો નથી……કદાચ ઘરેડથી અલગ ચાલવાની વાત પોષાતી નથી…અને એટલે સાંભળવામાં સહેજ ખૂંચે છે….પણ આજના જમાનામાં “ખાધુ પીધું ને રાજ કર્યુ” વાળા અંત નથી હોતા……

 8. Anokhi says:

  ખુબ જ સરસ વાર્તા.

 9. Viren Shah says:

  વાત ઘણી જ સરસ છે. Excellent work.

  Ek agatya no sandesh je mane malyo bhale lanch nu importance vadhdarvama aavyu, bhale Somchand Sheth ne hero chitarama aavya.

  Agatyani vat e chhe ke complex problems na solution to hoy j chhe. Fakt vicharavani paddhti badalavi pade jem ahi Somchande niran badylu em. Darek prashna dhyan rakhine ukelavano pryatn karo to chhevate ukel aave kharo.

  Jeevan ma aa vat ne implement karva mate dhyan e rakhvu pade ke tame kaya prashna ne ukelavana chho. Jo tame khota prashna ne pakadi ne ukelavano pryatn karsho to ukel malase pan khota prashna no. tamaro samay vedafaso ane agatyana prsahno ukelavana rahi jashe. Ene karane evu thashe ke “Oho, jindagi pati gai? Hu 32 varsh no thai gayo? Balako 8 varshna thai gaya? Aa karavanu rahi gayu?” Jindagi viti jay ane ene pure puri manavani rahi jay jo khota prashno par dhyan kendrit kari lo to.

  Maro swaanubhav evo chhe ke jo jivan ma munzavan ubhi thay ane rasto na suze to shakya etla rasta vicharava ane chhevate je rasto tamara antim dhyey (jo dhyey nakki karel hoy to) ni taraf lai jato hoy e pasand karvo. Dhyey na hoy to pratham dhyey nakki karvo jaruri kharo. ;).
  ane eva samaye vikat prashno na uttaro malata hoy chhe khara.

 10. Viren Shah says:

  Hello Samir Raiyani:

  Are you Samir from L.D. College of Engineering, Ahmedabad passed out on 1998 batch? Had one guy named Samir in Electronics and Communication…Curious if you are the same person.

  Thanks,
  virenpshah@gmail.com

 11. Dr Ghanshyam Tank says:

  If The end would have been discouraging the system of corruption, it might appear better.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.