- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શ્રી રમણવચનામૃત – સં. તરલા દેસાઈ

[ શ્રી રમણ મહર્ષિના ‘શ્રી રમણવચનામૃત’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મનની પ્રકૃતિ છે ભટકવાની. તમે મન નથી. એ ઉદ્દભવે છે – નષ્ટ થાય છે (અર્થાત) એ નશ્વર છે. જ્યારે તમે સનાતન છો, તમે આત્મા સિવાય બીજું કંઈ નથી એટલે મનની ચિંતા ન કરો. એનું મૂળ શોધો. એ આત્મા પર કશો પ્રભાવ પાડ્યા વગર જ અદશ્ય થઈ જશે.

[2] તમે આગગાડીમાં બેઠા પછી ભાર તમારા માથા પર શું કરવા મૂકી રાખો છો ? આગગાડી તમને – તમારા બોજાને લઈ જાય છે પછી એ બોજો તમારા માથા પર હોય કે નીચે મૂકેલો હોય ! તો વૃથા પરિશ્રમ શાને ? – આ જ વાત મનુષ્યે પોતાના કર્તૃત્વ માટે સમજી લેવાની જરૂર છે.

[3] દરેક જણ પોતાના આત્માની શાશ્વતતા માટે સભાન હોય છે. એ ઘણાંને મરતાં જુએ છે. છતાં પોતાને શાશ્વત માને છે, કેમકે એ સત્ય છે અને અનભિજ્ઞપણે ‘શાશ્વત સત્ય’ એનામાં સ્વયંપ્રકાશિત થાય છે.

[4] સુખ કે દુ:ખ પાછલાં કર્મોને કારણે હોય છે. આ જન્મનાં કર્મોને કારણે નહિ. એટલે મનુષ્યે એનાથી પ્રભાવિત થયા વિના તે સહી લેવાં જોઈએ.

[5] ભૌતિક સુખ-સગવડો પરત્વે અનાસક્તિ અને એમાંથી મુક્ત થવાની ઝંખના એ જ વૈરાગ્ય.

[6] સહન કરવાનું જ જો સ્વાભાવિક હોત તો સુખની ઈચ્છા મનુષ્યમાં જાગ્રત જ કેમ થાત ? સુખની ઈચ્છા ઉદ્દભવે છે, કારણ કે સુખી થવું સ્વાભાવિક છે, બીજું બધું અસ્વાભાવિક છે.

[7] સીમિત – મર્યાદિત જાણકારીથી પણ આપણે ઘણું સહન કરવું પડે છે તો પછી વધારે જ્ઞાનનો બોજો જાત પર નાખી વધારે પીડાવાની કોઈ જરૂર ?

[8] ખોટી ચર્ચાવિચારણા કે વ્યર્થ વાદવિવાદથી માણસ મૂળભૂત ધ્યેયને ભૂલી બાહ્ય વિષયો કે બહિરંગ વૃત્તિ-પ્રવૃત્તિમાં જ રસ લેતો, અટવાતો થઈ જાય છે. જેથી જીવનધ્યેયની સિદ્ધિ થઈ શકતી નથી.

[9] કોઈને એમ લાગે કે પોતે પૂજાપાઠ કરતાં ઘણો આગળ નીકળી ગયો છે તોપણ અન્યને માટે તેણે એ ક્રિયાઓ કરવી જેથી એનાં સંતાનો કે આશ્રિતો માટે એ ઉદાહરણરૂપ બને.

[10] નિયમ રાખવો એ પણ ઉપયોગી છે, પણ નિયમ માત્ર સાધનરૂપે જ હોવો જોઈએ. નિયમોની અધિકતા એટલી બધી ન થવી જોઈએ કે જેથી મૂળ ધ્યેય આત્માનુસંધાન ગેબ થઈ જાય.

[11] જ્યાં સુધી ભક્ત ઈશ્વર પાસે આ કે તે માગ્યા કરે ત્યાં સુધી સમર્પણ સંપૂર્ણ ગણી શકાય નહિ. પ્રાર્થવું એટલે મુક્તિની પણ આકાંક્ષા રાખ્યા વિના ઈશ્વરને કેવળ ચાહવા માટે જ ચાહવો.

[12] આપણી પ્રાર્થના નિ:સ્વાર્થભાવે થવી જોઈએ. પોતાની સૃષ્ટિને કેવી રીતે ચલાવવી તેનું જ્ઞાન આપણા કરતાં ઈશ્વર પાસે ઘણું વધારે છે. એ સંબંધી એને આપણાં સૂચનોની આવશ્યકતા નથી રહેતી. તમારી પોતાની ચેતનાને પરિપૂર્ણ કરવાની કોશિશ કરો.

[13] સમય જતાં મંત્ર-જપ તમને મંત્રમય બનાવી દે છે. તમે જેનું નામ રટો છો તે થઈ જાઓ છો.

[14] સાધના ત્યાં સુધી સતત – અનવરત રાખો જ્યાં સુધી આનંદ અને ભય ઓગળી ન જાય, બધાં દ્વન્દ્વો શમી ન જાય. જે કંઈ બને એ અનુભવો, પણ ત્યાં સ્થગિત ન થઈ જાઓ.

[15] ભગવાન સદાકાળ તમારી જોડે જ, તમારા અંતરમાં છે. તમારી અંદરનો આત્મા જ ભગવાન છે. એનો સાક્ષાત્કાર કરવા માટે નોકરીનું રાજીનામું આપવાની કે ઘરનો ત્યાગ કરવાની શી જરૂર ?

[16] ગુરુ અંદર તેમજ બહાર પણ છે એટલે તે એવા સંજોગો ઊભા કરે છે કે જેથી તમે અંતર્મુખ થાઓ. સાથોસાથ અંદરના પ્રદેશની એવી તૈયારી કરે છે કે જેથી તમે હૃદયકેન્દ્ર તરફ ખેંચાઈ જાવ. આ પ્રમાણે તે બહારથી ધક્કો મારે છે અને અંદરથી ખેંચે છે. જેથી તમે હૃદયકેન્દ્ર પર દઢ થઈ જાઓ.

[17] સૂર્ય ભલે રોજ પ્રકાશતો હોય, પણ જેમ એને નિહાળવા એની તરફ નજર કરવી પડે તેમ કૃપા તો સતત હોય છે જ. એને પામવા પાત્રતા સિદ્ધ કરવી પડે.

[18] સંત કે મહાત્મા મૌન દ્વારા કાર્ય સાધે છે. બોલવાથી તેમની શક્તિ ક્ષીણ થાય છે, જ્યારે એમના મૌનમાં અપ્રતિમ સામર્થ્ય હોય છે. તેમનું મૌન તેમની વાણી કરતાં હંમેશાં વધારે પ્રભાવક રહેવાનું. તેથી તેમની માનસિક સંગત શ્રેષ્ઠ છે.

[19] આધ્યાત્મિક વસ્તુસ્થિતિઓ બુદ્ધિગમ્ય નથી હોતી, પણ દ્રૌપદીનાં ચીર અનંત થઈ શક્યાં એ ચમત્કાર દ્રૌપદીના સર્વસમર્પણ-સંપૂર્ણ શરણાગતિ પછીનો ચમત્કાર હતો. એટલે રહસ્ય ચમત્કારમાં નહિ, શરણાગતિમાં રહેલું છે.

[20] બાહ્ય પ્રવૃત્તિઓ મનના બળને હરી લે છે એટલે એમને અટકમાં લઈ, પોતાનામાં જ નિયંત્રિત કરવાથી એની શક્તિ સંચિત થાય છે અને એક જ વિચારને સમર્પિત સ્થિર સંકલ્પ પણ છેવટે અદશ્ય થઈ ‘શુદ્ધ ચેતના’ રહેવા પામે છે.

[21] સતત નામસ્મરણ દ્વારા એકાગ્રતા અને કૉલેજનો અભ્યાસ (કોઈ પણ પ્રવૃત્તિ) બંને એકબીજાનાં વિરોધી નથી. બંને એકસાથે કરી શકાય છે. જેવી રીતે ચાલતી વખતે આપણે આપણા ડાબાજમણા પગ પર ધ્યાન આપવું પડતું નથી એવી રીતે એકાગ્રતાને કાયમ રાખીને દુનિયાનાં અન્ય કાર્યો સહજ રીતે કરી શકાય છે.

[22] ધ્યાન દરમિયાન બધી જાતના વિચારો ઊભરાય એ બરાબર છે, કારણ કે જે તમારી અંદર છુપાયેલું છે તે બહાર આવે છે. તે બહાર આવે નહિ ત્યાં સુધી તેનો નાશ કેમ કરી શકાય ?

[23] તમે તમારી આનંદમય દશાથી અજાણ છો. તમારું અજ્ઞાન પરમાનંદરૂપી શુદ્ધ આત્મા ઉપર આવરણ ઊભું કરે છે. એ અજ્ઞાનરૂપી પડદાનો નાશ કરવાના પ્રયાસો કરવા જોઈએ.

[24] ઈશ્વરની કૃપા વિના કેવળ બુદ્ધિથી આપણે આત્મસાક્ષાત્કાર કરી શકીએ નહિ અને એ કૃપા પણ એની મેળે નથી મળતી. મનુષ્ય પોતાના આ અને આગલા જન્મોના પ્રયત્નોથી એ પ્રાપ્ત કરવા અધિકારી બને છે.

[25] કેવળ એટલું સમજી લો, જાણી લો કે ‘ઈશ્વર’ એક એવું અસ્તિત્વ છે, જે બધાં રૂપોમાં છે, પણ તે સ્વયં આ કે તે રૂપ નથી. તે અનેકમાં એક રૂપે છે અને સર્વ આકારોમાં નિરાકાર રૂપે છે.