નિંદા – દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ’

[કટાક્ષિકા]

ટીકા-નિંદા માણસની પ્રકૃતિનું અંગ છે. સંસ્કૃતના વિદ્વાનો કોઈ પણ ગ્રંથ હોય તો સટીક આવૃત્તિ જ શોધતા અને ત્યારે ટીકા એટલે સમજાવવું, સ્પષ્ટ કરવું, વિશદ કરવું, વિસ્તારવું અર્થાત ગમ ના પડતી હોય, ફાંફાં મારતો હોય એને ઉપયોગી થવું અને લેખ કરતાં પણ જેનું બુદ્ધિધન વધારે હોય તે જ ટીકા કરી શકે. પરંતુ ભાષાની વંશાવલિ બતાવનારા વિદ્વાનો જોરશોરથી કહેતા આવ્યા છે કે સંસ્કૃત પછી અપભ્રંશકાળ આવ્યો અને પછી તેમાંથી ગુજરાતીનું કાઠું બંધાયું, એટલે શબ્દના અર્થ બદલાયા અને ક્યારેક તો સાવ ઊંધા જ થઈ ગયા. એવું આ ટીકા શબ્દનું થયું લાગે છે. ગુજરાતીને ટીકા શબ્દ સાંભળતાં ટાઢ વાય અને છતાં ટીકાના મૂળ અર્થમાં ગાઈડો, માર્ગદર્શિકાઓ, પથપ્રદર્શિનીઓ વગેરે શબ્દોનો ભારે ગોટાળો પ્રવર્તે છે, ત્યારે અમને લાગે છે કે કોઈ પણ વસ્તુની ટીકા કર્યા સિવાય એનું અસલી પોત પ્રગટે નહીં.

જેમ સોનાને તાવવું પડે, તેમ ભાષણ હોય, પુસ્તક હોય, રાજકારણના ખેલ હોય કે માનવીની ભવાઈઓ હોય, એ બધાંને ટીકાથી જ ઉપયોગી બનાવી શકાય. એક રાજકીય પક્ષ બીજા રાજકીય પક્ષની ટીકા કરે જ, નવી પેઢી અને જૂની પેઢી પરસ્પર ટીકાનાં બ્રહ્માસ્ત્રો ફેંકે જ. પછી તેમાં પહેરવેશની વાત હોય કે રહનસહનની વાત હોય. સમાજમાં ટીકાનું કેટલું બધું સામર્થ્ય છે કે રામાયણનો સામાન્ય ધોબી આજે હજારો વર્ષ પછી પણ અમર બનીને લોકમાનસમાં જીવી રહ્યો છે.

માનવીની ટીકા કરવાની મૂળભૂત વૃત્તિનાં અનેક કારણો છે – ગૌરવખંડન, આત્મસંતોષ અને પરિહિતનિવૃત્તિ. કોઈને ઈલ્કાબ, ખિતાબ, ચંદ્રક, શાલદુશાલ, ઍવોર્ડ ઈત્યાદિ ઈત્યાદિ માનપ્રદ અલંકારલાભ મળે, એટલે કોકના પેટમાં તો તેલ રેડાય – ‘ફલાણા ભાઈ પદ્મભૂષણ બન્યા, પણ ઠીક…’, ‘આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમુકતમુકને પહેલું સ્થાન મળ્યું, પણ એમાં શી ધાડ મારી – એ તો, આપણે પણ ખાઈખપૂસીને પાછળ પડ્યા હોઈએ તો આપણને પણ મળે જ.’ આ પ્રકારનું વલણ ધરાવનાર વ્યક્તિઓને ટીકાખોર કહેવામાં આવે છે. પોતાનાથી ન થાય તે બીજા કરે, એટલે ટીકા કર્યા સિવાય ઊંઘ ન આવે – ‘હમ ભી કુછ કમ નહીં.’ ઈર્ષાની આગમાં સળગીને ભડથું ન થઈ જવાય તેવી પાકી સમજથી દરેક માનવી, ઉત્તમોત્તમ હોય તેની પણ, છિદ્રાન્વેષણ કરીને ટીકા કર્યા સિવાય રહે જ નહીં. આવી આત્મરક્ષણની વૃત્તિમાંથી એને છોડાવવાનું આપણાથી તો શું, ખુદ એના ઘડનાર બ્રહ્માથી પણ શક્ય નથી. ધાબાં તો સૂર્યમાંય છે અને ગોળમટોળ રૂપાળા ચંદ્રમાંય ડાઘ તો છે જ. એનો ઉપયોગ લોકો દોષ ઢાંકવા માટે કરે છે, પરંતુ પરોપકારી સજ્જનો ગુણના ઢગલામાં પણ ખણખોતર કરીને એકાદ દોષ શોધે, ત્યારે એમને કોલંબસ જેટલો દિવ્ય આનંદ થાય. તેને સામાન્ય બુદ્ધિના માણસો પાણીમાંથી પોરા કાઢનારો કહી વગોવે.

ટીકામાં બીજાને એની મર્યાદાનું ભાન કરાવવાની તાકાત હોય છે. ટીકા સહન કરનાર વધારે ને વધારે ઊંચો થઈ શકે છે. ટીકાથી ડરનાર ભાગેડુ અને વેવલો બને છે. એ ફૂંકી ફૂંકીને છાશ પીએ છે. ટીકાથી પ્રજામાં સાહસશક્તિ પ્રગટે છે. એટલે જ નવી પેઢી જૂની પેઢીની અને જૂની પેઢી નવી પેઢીની સતત ટીકા કરતી રહે છે. ‘શો જમાનો આવ્યો છે !’ એમ કહીને થયેલી કે થનાર સાસુઓ પુત્રવધૂઓની ટીકા કરતી હોય છે. ‘અમારો જમાનો આવો ને તેવો’, ‘આ તો ભાઈ જૂની આંખે નવા તમાશા’ વગેરે સુભાષિતો ટીકાની સમૃદ્ધ ખાણનાં જ રત્નો કહેવાય અને તેનાથી કોઈ સુધરે અને ના સુધરે તો સત્કાર્ય કરી છૂટ્યાનો દિવ્ય સંતોષ મળે એ ટીકા કરનારની પ્રવૃત્તિનું મોટું સુફળ ગણાય.

પરંતુ માણસ ક્યારેક ટીકામાંથી નિંદામાં સરકી પડે છે અને એનું એને બિચારાને પોતાને પણ ભાન રહેતું નથી અને ધીમે ધીમે એનું માનસ એવું કેળવાઈ જાય છે કે એને દુનિયામાં કશે, કશું સારું દેખાતું જ નથી. ‘જે છે, જે થાય છે, તે ખરાબ જ છે’ – એવું પૂરા વિશ્વાસથી જાહેર કરતો ફરે છે અને એમાં જે હડફેટમાં આવી ચઢ્યો તેનો રોટલો થઈ જાય છે.
‘ફલાણા ભાઈએ ઑફિસમાંથી મોટી ઉચાપત કરેલી.’
‘પેલાના દીકરાને પડોશીની નિર્દોષ બાલિકાને ભગાડી મૂકેલી.’
‘પેલા રાજકારણીએ પાટલી બદલવા માટે પાંચ લાખની થેલી ઘરભેગી કરેલી.’
‘પેલા માસ્તરે અમન-ચમન કરી પરીક્ષાર્થીઓને ન્યાલ કરી દીધા અને પોતે ન્યાલ થઈ ગયો.’
‘ઓલ્યો ભાઈ હજુ ત્રણ વર્ષથી જ નોકરીમાં લાગ્યો છે અને જ્યાં બે ટંક ખાવાનું ઠેકાણું ન હતું ત્યાં આજે મોટર, બંગલા, અને પૈસાની રેલમછેલ છે, તે કંઈ અમસ્તું બન્યું હશે ? નસીબ આડેનું પાંદડું કાળું-ધોળું કર્યા સિવાય ખસે એ બને જ શી રીતે ?’
‘આજનો જમાનો તો જુઓ ! માણસાઈનો છાંટોય ક્યાંય દેખાય છે ?’
‘થોડા કલાકના વરાઓમાં લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરે અને બીજી બાજુ લાખ્ખો માનવીઓ ભૂખ્યા સૂઈ જાય, એવું તો હળાહળ કળિયુગમાં જ થઈ શકે.’

સાહિત્યકાર અખાએ કહેલું, ‘એકનું થાપ્યું, બીજો હણે.’ એ મહાસત્ય આજના બુદ્ધિજીવીઓમાં મૂર્તિમંત બનેલું જણાય છે. ‘અમે રાજકર્તા હતા ત્યારે આટલો કકળાટ નહોતો.’ ‘અમે આ કર્યું, તે કર્યું અને આજના રાજમાં સુખવારાનું નામનિશાન પણ ક્યાં જણાય છે ?’ – આ પ્રકારના માનસમાં પોતે સર્વશ્રેષ્ઠ, પોતાનું સર્વોત્તમ અને બીજાનું અધમ – આવી પરમોચ્ચ ભાવના રહેલી છે. જેથી અમને તો ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં નવરસમાં દસમો ‘નિંદારસ’ ઉમેરવાનું અત્યારે જ શૂરાતન ચઢેલું છે. સાહિત્યાકાશમાં એક સૂક્ષ્મ દષ્ટિવાળા સજ્જને કોઈને ‘પરમવંદ્યવિભૂતિ’ કહી અને ત્યારે જ ‘નિંદા’ શબ્દનું જીવ્યું સાર્થક થયું.

દેવર્ષિ નારદની પરમકૃપા અને મદદથી અમે એક વખત સ્વર્ગભૂમિમાં ઘૂસી ગયેલા અને પ્રત્યક્ષ જોયેલું કે એક દેવ બીજા દેવની નિંદા કરવામાં જરાય પાછી પાની કરતો નહીં અને ઈન્દ્ર જેવાની પત્નીઓ તો એકબીજાની નિંદા કરવામાં જ પળેપળનો ઉપયોગ કરતી, પણ અમારું નસીબ ટૂંકું, એટલે ફટ પૃથ્વી પર પછડાઈ પડ્યા અને ત્યાં પણ ખબર પડી કે નિવૃત્ત થયા પછી પણ ‘યેન કેન પ્રકારેણ’ ખુરશીને ચીટકી રહેનારા અને લક્ષ્મીના થોડા છંટકાવથી પ્રસન્ન થનારા અધિકારીઓ, આચાર્યો, અધ્યાપકો અલ્પસંખ્ય નથી અને એ બાબત પ્રત્યે આંગળી ચીંધનાર નિંદા કરે છે, તેમાં ખોટું શું છે ? અને ‘એવું તું ન કરીશ’ એમ કહેનાર કોનું ભલું કરી રહ્યો છે ? ઊલટું અમને તો એમ લાગે છે કે આ નિંદાપ્રવૃત્તિની વેલ ઉપર-નીચે, આજુબાજુ દશે દિશાઓમાં ફૂલેફાલે તો જ દુષ્કર્મો અટકે, અનીતિ ઓછી થાય, ભષ્ટાચાર ઘટે, સદબુદ્ધિ વધે અને કોકને પણ એ નિંદારૂપી મહાન ચાબખામાંથી બચવાનું મન થાય, તો જ લોકોનું કલ્યાણ થાય.

મૃત્યુના એક વર્ષ પછી સદગતને (કદાચ અવગતને) પૃથ્વીવાસીઓ સપરિવાર શબ્દાંજલિથી અર્ઘ્ય આપે છે, ત્યારે અમારા જેવા લાંબું જીવનારને વ્યાજસ્તુતિ અલંકારનું સ્મરણ થાય છે. આ અલંકારમાં પ્રથમ લક્ષણ મુખે નિંદાનું હોય છે. અને ક્યારેક એથી ઊલટું, કેમકે સ્વર્ગસ્થ વિશે જે કંઈ કહ્યું હોય તેનાથી તદ્દન ઊલટું અને રૂબરૂમાં સંભળાવેલું હોય. એક વખતની કુભારજા કે કર્કશા દેવી બની જાય, ‘પીટ્યો ઝરખો’ પરમેશ્વર બની જાય. આમ, પ્રત્યક્ષ વખાણ હોય તે ખરેખર તો નિંદા જ હોય. કેટલાક ભાષણ કરનારાઓ અને લખાણ કરનારાઓ વખાણ કરવા બેસે છે, ત્યારે ઊંઘું ઘાલીને ઝૂડ્યે જ રાખે અને મલકાય કે ‘અમે કેવું સારું લખ્યું !’ પણ ખરેખર તો સમજનારને એ ભારે અતિશયોક્તિથી આંચકો લાગે કે આનાથી બીજી મોટી નિંદા કઈ હોઈ શકે ? ‘આવો નવલકથાકાર છેલ્લાં હજાર વર્ષોમાં પાક્યો જ નથી’ – એવું કથન સાંભળનારાઓ તો જાણતા જ હોય કે આ લેખકનું નામ ગામની ભાગોળની બહાર તો કોઈએ સાંભળ્યું જ હોતું નથી !

નિંદાની પ્રવૃત્તિમાં કેટલાક ઉપજાઉ ભેજાંઓ પ્રત્યક્ષ પ્રમાણોના મજબૂત પાયા ઉપર કલ્પનાના કુટુંબમિનારાઓ રચાતા હોય છે. બે વિજાતીય મનુષ્યોને સાથે બેઠેલાં, ઊભેલાં કે વાતો કરતાં જોયા, એટલે ‘નિંદારોલર’ ગબડ્યું જ સમજવું, તે એટલી હદ સુધી કે પેલા બેને સમાજમાં મોઢું બતાવવા જેવું પણ ન રહે. સગી આંખે જોયેલું, કાનોકાન સાંભળેલું, મોઢામોઢ કહેલું અને છૂપી રીતે ધ્યાનથી પકડેલું નિંદાને માટે અદ્દભુત સામગ્રી પૂરી પાડે છે અને તેમાંથી મનુષ્યે બનાવેલા કૃત્રિમ રેસાઓની જેમ ગપગોળાની નવી દુનિયા સમાજમાં રચાતી જાય છે. કાન સરવા કરીને, આંખો ઝીણી કરીને, હોઠ મલકાવીને, મૂછમાં હસીને, તાળીઓના તાલ સાથે અદ્દભુત રસ માણતા પૃથ્વીવાસીઓને જોનારા દેવો પણ ઈર્ષાથી વ્યાકુળ બની દુ:ખી થતા હોય છે. આ રસમાંથી પછી તમે જે કહો લોકોને મુક્ત શી રીતે કરી શકાય ? અને જેને શિખામણ આપીએ તે છેવટે એમ જ કહે કે ‘ભાઈ ! હું જાણું છું. આમ ન કરવું જોઈએ, પણ એનો આનંદ જ ઓર છે, એટલે એનાથી છૂટવાનું સરળ નથી.’

મહાત્મા ગાંધીએ પ્રચલિત કરેલાં વૈષ્ણવજનનાં લક્ષણોમાંનું એક પણ પાળવા અમે સંપૂર્ણ અસમર્થ છીએ અને એ બધાં પળાય તો જ વૈષ્ણવજન કહેવાઈએ, એટલે એ દિશાનો પુરુષાર્થ તો માંડી જ વાળેલો. છતાં ‘નિંદા ન કરે કેની રે’ એ ઉદ્દગારનું વારંવાર રટણ કરતાં કરતાં અમે કીટ-ભ્રમર ન્યાયે નિંદામાં જ એટલા બધા લપસી પડ્યા કે અમને અમારા જીવનનું સાફલ્ય નિંદાની પરમોચ્ચ કોટિએ પહોંચવામાં જ જણાયું. કશુંક કરવું અમને ફાવે છે, પણ કશું ન કરવું એ અમારા માટે દુષ્કર છે. વખાણ કરવાં એમ કહ્યું હોત તો અમને ફાવત, પણ ‘નિંદા ન કરવી’ એમ કહ્યું, એટલે અમારી મતિ બહેર મારી ગઈ, કારણ અમે પુરુષાર્થમાં માનીએ છીએ. કશું ન કરવું એ તો નબળાઈ ગણાય, એમાં શી મોટી ધાડ મારવાની છે ?

ટીકા-નિંદા કૂથલી એ તો મનુષ્યના શ્વાસ અને ઉચ્છવાસ જેવાં છે, એટલે એનાથી છૂટવાનું તો જીવનથી છૂટીએ ત્યારે જ બનશે, એમ લાગે છે અને કોઈ ભડવીર કે ઓલિયો એમ કહે કે ‘હું નિંદા કરવાથી પર છું અને બહુ સરળ રીતે નિંદા કરવાનું છોડી શકાય છે’ ; તો એને અમે અમારી બુદ્ધિ પ્રમાણે માણસજાતની બુદ્ધિની મોટામાં મોટી નિંદા ગણીશું, કારણ કે ટીકા-નિંદાથી છૂટવાનું સરળ નથી, નથી ને નથી જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી રમણવચનામૃત – સં. તરલા દેસાઈ
છાત્રાલયના વિદ્યાર્થીઓની માનવસેવા – સંકલિત Next »   

13 પ્રતિભાવો : નિંદા – દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ’

 1. Amit Lambodar says:

  ટિકાખોરો ની ટિકા? વાહ!

 2. Hitesh Patel says:

  ભાષાની વંશાવલિ બતાવનારા વિદ્વાનો જોરશોરથી કહેતા આવ્યા છે કે સંસ્કૃત પછી અપભ્રંશકાળ આવ્યો અને પછી તેમાંથી ગુજરાતીનું કાઠું બંધાયું, એટલે શબ્દના અર્થ બદલાયા અને ક્યારેક તો સાવ ઊંધા જ થઈ ગયા.- ‘એકનું થાપ્યું, બીજો હણે.’ ‘હમ ભી કુછ કમ નહીં.’ એકબીજાની નિંદા કરવામાં જ પળેપળનો ઉપયોગ, – ‘શો જમાનો આવ્યો છે !’ કાળું-ધોળું ‘આજનો જમાનો તો જુઓ ! માણસાઈનો છાંટોય ક્યાંય દેખાય છે ?’ ભાષાની નિંદા છોડી શકાય છે’

 3. Dhaval B. Shah says:

  “માણસ ક્યારેક ટીકામાંથી નિંદામાં સરકી પડે છે અને એનું એને બિચારાને પોતાને પણ ભાન રહેતું નથી ” આનો અર્થ એ થયો કે ટિકા અને નિન્દા વચ્ચે ફરક એટલો જ કે ટિકા કરતી વખતે બીજાનુ ખરાબ ઈચ્છવાની ભાવના નથી હોતી, બરાબર ?

 4. ભાવના શુક્લ says:

  ટીકા દ્વારા વ્યક્તિ પોતાના અંગત મંતવ્યો અને વિચારો વ્યક્ત કરી શકાય જ્યારે નિંદા એ તો સ્પષ્ટ રિતે લઘુતાગ્રંથી ખુલ્લી કરે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.