- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગુજરાતના પ્રાચીન કુંડો – ભૂપેન્દ્ર મો. દવે

ગુજરાતમાં પ્રત્યેક ધાર્મિક સ્થળ પાસે કુંડ બનાવવાની સામાન્ય પરિપાટી હતી. આ કુંડમાં પાણી સુધી પહોંચી શકાય તે માટે ચારે બાજુ પગથિયાં મૂકવામાં આવતાં. આથી સ્નાનાદિથી પરવારી માણસ દેવદર્શન તેમજ પૂજા-અર્ચન કરી શકે. એવું પણ જણાયું છે કે પ્રત્યેક મોટા મંદિરની પાસે કુંડ બનાવવામાં આવતા. સત્તરમી સદી સુધી આ પ્રણાલિકા ચાલુ રહી. આવા કુંડને શિલ્પ ગ્રંથોમાં (1) ભદ્રક (2) સુભદ્રક (3) નંદાખ્ય અને (4) પરિધ એમ ચાર પ્રકારોમાં વહેંચવામાં આવે છે. કેટલાક એના પાંચ પ્રકાર ગણાવે છે.

કુંડ ચારે તરફથી ખુલ્લો રાખવામાં આવતો, જેથી તેમાં ગમે તે બાજુથી ઊતરી શકાય. કુંડમાં ઊતરવા માટે સોપાનશ્રેણી (પગથિયાં) રાખવામાં આવતી. એમાં સ્થળે સ્થળે ગોખ પણ મૂકવામાં આવતા. એ ગોખમાં જુદા જુદા દેવતાઓની પ્રતિમાઓ મૂકવામાં આવતી. પડથારોના ખૂણાઓ ઉપર પણ પ્રતિમાઓ મુકાતી. વચ્ચે પાણીનો કૂવો રહેતો. કુંડની ઉપરના ભાગમાં ચારેય ખૂણે તેમજ અંદર પણ જગ્યાની અનુકૂળતા અનુસાર નાની નાની શિખર યુક્ત દેરીઓ બનાવવામાં આવતી. કેટલાક કુંડોમાં ત્રણ બાજુએ પગથિયાં અને ચોથી સામેની બાજુએ કૂવો બનાવવામાં આવતો. એ કૂવા ઉપરથી પાણી ખેંચવાની વ્યવસ્થા કરવામાં આવતી, જેથી એ પાણી વડે મંદિર માટે આવશ્યક ફૂલ વગેરે માટેની વાડી બનાવી શકાય. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવા અનેક કુંડો આવેલા છે. આ કુંડોમાં કેટલાક ઘણા પ્રાચીન છે. કેટલાકના માત્ર ઉલ્લેખ મળે છે, જ્યારે કેટલાક કુંડ નાશ પામેલા જણાય છે :

[1] બ્રહ્મકુંડ-શિહોર : શિહોર (જિ. ભાવનગર) એક પ્રાચીન સ્થળ છે. તેનો ‘સિંહપુર’ તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. શિહોરના આ પ્રદેશના જળનો ઘણો પ્રભાવ ગણાતો. કહે છે કે સિદ્ધરાજ જયસિંહને રાણકદેવીના શાપથી કોઢ ફૂટી નીકળેલો. સિદ્ધરાજ એક વખત શિહોર પાસેથી પસાર થતો હતો ત્યારે અહીંનું પાણી પીવાથી તેને પોતાના કોઢમાં સુધારો થયાનું જણાયું. આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો. ફાયદો થયાનું ચોક્કસ થતાં એણે એ પાણીવાળા સ્થાનની તપાસ કરાવી. એનું પાણી લાંબા સમય સુધી પીવાના તથા સ્નાનના કામમાં લીધું. આથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો. આથી આ જગ્યાને અલૌકિક ગણી સિદ્ધરાજે ત્યાં કુંડનું નિર્માણ કર્યું. તેને ‘બ્રહ્મકુંડ’ કહે છે. આ બ્રહ્મકુંડ ચોખંડો અને વિશાળ છે. તેની ચારે તરફ સુંદર મૂર્તિઓ મૂકેલી છે. ચારે બાજુ પગથિયાં છે. તેના ચમત્કારિક પાણીનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે. શ્રી ન્હાનાલાલ કવિએ પોતાના ‘હરિસંહિતા’ નામક મહાકાવ્યમાં શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવ્યાનું જણાવે છે. ‘આઈને અકબરી’ તથા મેરુતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણી’માં પણ એનો ઉલ્લેખ છે, એટલે સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય એમ બને.

[2] ગૌતમકુંડ-શિહોર : એક લોકમાન્યતા મુજબ આ શહેર પ્રાચીન છે. એમાં પહેલાં ગૌતમ ઋષિ રહેતા હતા. તેઓ તપસ્વી જીવન ગાળતા હતા અને રોજ શિવપૂજન કરતા. તેમના સમયમાં ગૌતમી નદી ઉપર કુંડ બનાવવામાં આવ્યો, જે ‘ગૌતમ કુંડ’ નામે ઓળખાય છે. પાસે જ ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે. શિહોરમાં ગૌમતેશ્વર મહાદેવ અને કુંડ જાણીતા છે.

[3] કેદારકુંડ-ભામોદ્રા : ભામોદ્રા-મોટા એ કુંડલા તાલુકામાં, ભાવનગર જિલ્લામાં આવેલું છે. એ ગામની દક્ષિણે 3 કિ.મી.ના અંતરે એક નાની ગુફા આવેલી છે. એ ગુફાની નજીકમાં એક કુંડ છે. લોકો તેને ‘કેદાર કુંડ’ નામે ઓળખે છે. અહીં શ્રાવણ માસમાં કેદારનાથ મહાદેવનો મેળો ભરાય છે.

[4] બગડાલવ કુંડ – બગદાણા : બગદાણા ભાવનગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત સ્થાન છે. તે બજરંગદાસ બાપુનું બગદાણા કહેવાય છે. ગામ પાસે ‘બગડાલવ’ નામનો કુંડ છે. અહીં ત્રિવેણી સંગમ પાસે ‘બગડાલેશ્વર મહાદેવ’ નામે સુંદર શિવાલય છે.

[5] માલનાથ કુંડ-ભંડારિયા : ભંડારિયા (તા. ભાવનગર) પાસે ખોખરા વિસ્તારની રમણીય માલનાથ ટેકરીઓ છે. આ ટેકરીઓની વચ્ચે ‘માલનાથ મહાદેવ’નું પુરાતન શિવ મંદિર છે. મંદિર પાસે જ પાણીનો સુંદર કુંડ છે.

[6] ભીમકુંડ અને સૂરજ કુંડ-જૂનાગઢ : ગિરનારમાં જૈન મંદિરો છોડી આગળ વધતાં નેમિનાથ ભગવાનનું મંદિર આવે છે. ત્યાંથી જરા આગળ ઘટી ઘટુકો નામે સ્થળની પાસે જ પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. ઉપરકોટ બાંધવામાં આવ્યો ત્યારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ કોટમાં જ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે. આ ઉપરાંત સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે. બાવાજી કમંડલથી ત્યાં પાણી પાય છે. વળી હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.
[7] દામોદર કુંડ-જૂનાગઢ :

‘ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય.’
એ પંક્તિઓ જાણીતી છે. માત્ર નરસિંહ મહેતાના સમયથી જ નહિ, ત્યાર પહેલાં પણ આ કુંડનું મહત્વ હતું. કથા કહે છે કે બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ ‘બ્રહ્મકુંડ’ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ ‘દામોદર’ નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

[8] રેવતી કુંડ-જૂનાગઢ : પૌરાણિક કથા અનુસાર શાપ પામવાથી રેવતી નક્ષત્ર પૃથ્વી પર પડ્યું. ત્યાં મોટો ખાડો થઈ ગયો. તેમાંથી કન્યા ઉત્પન્ન થઈ તેનું નામ રેવતી રાખ્યું. પ્રમુખ ઋષિએ તેને પાળી-પોષી મોટી કરી ને એમણે ફરી રેવતી નક્ષત્રને આકાશમાં સ્થાપ્યું. બીજા જન્મમાં એ રેવતીનાં લગ્ન બલરામ સાથે થયાં. રેવતી-બલરામ ગિરનારની યાત્રાએ આવ્યાં ત્યારે ગર્ગ ઋષિના કહેવાથી તેમણે આ કુંડનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી એને ‘રેવતી કુંડ’ કહે છે.

[9] ગૌરી કુંડ-પ્રભાસ પાટણ : પ્રભાસ પાટણમાં દુખાંત ગૌરીનું મંદિર અને ગૌરીકુંડ આવેલા છે. એની પશ્ચિમ તરફની દીવાલમાં શિલાલેખ છે. તેમાં જણાવ્યા પ્રમાણે પંડિત વિજયા-દિત્યના ઉપદેશથી રાજશ્રી કાનહડદેવ, ગંડશ્રી બૃહસ્પતિ, સોમસિંહના પુત્ર મહંજયતાએ શ્રીધર અને સમસ્ત મહેશ્વર સાધુઓનાં દ્રવ્ય વડે આદ્યશક્તિ શ્રી દુખાંત ગૌરી અને ત્રિપુરાસુંદરીનાં મંદિરોનો તથા બ્રહ્માએ ઉપાસના કરેલ પુષ્કર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પુષ્કર તીર્થને ‘રામ પુષ્કર કુંડ’ ના નામથી હાલ ઓળખવામાં આવે છે. આ ગૌરીકુંડનો શિલાલેખ વિ.સં. 1334 (ઈ.સ. 1278) આસપાસ કોતરવામાં આવ્યો હશે.

[10] વિષ્ણુગયા તીર્થ કુંડ-ધામળેજ : પ્રભાસ પાટણથી લગભગ 20 માઈલ દૂર ધામળેજ ગામ પાસે મેઘરાજના અનુગામી ભાઈ ભર્મ્મના સમયનો વિ.સં. 1437 (ઈ.સ. 1381)નો શિલાલેખ યુક્ત કુંડ છે. તેમાં પોતાના ભાઈ મેઘરાજની પરલોકયાત્રાના સુખ માટે ભર્મ્મે મેઘપુર ગામ વસાવી બ્રાહ્મણોને દાનમાં આપ્યાનું નોંધ્યું છે.

[11] રામ કુંડ-મોઢેરા : ભીમદેવ પહેલાના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર બંધાયું (ઈ.સ. 1027) એ વખતે આ કુંડ પણ બંધાયો હોવાનો સંભવ છે. સૂર્યમંદિર સાથે જોડાયેલા આ કુંડને લોકો ‘રામકુંડ’ તરીકે ઓળખે છે. તે લંબચોરસ ઘાટનો છે. કેટલાંક પગથિયાં ઊતર્યાં પછી મોટો પડથાર આવે છે. પગથિયાં ચારે બાજુ આવેલાં છે પણ એ એવી રીતે ગોઠવ્યાં છે કે સમગ્ર ઘાટ તારાકૃતિ દેખાય છે. પડથાર પર કેટલાંક નાનાં મંદિરો, દેવ-દેવીઓનાં શિલ્પ જોવા મળે છે. આમાં આવેલી શેષશાયી વિષ્ણુની મૂર્તિ અદ્દભુત છે.

[12] ઝીલાણંદ કુંડ-ઝીંઝુવાડા : ઝીંઝુવાડા, સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રાચીન ગામ છે. ઝીંઝુવાડા ઝીલાણંદ કુંડથી ધ્રાંગધ્રા જવાના માર્ગે સંત તેજાનંદની સમાધિ છે. લોકમાન્યતા એવી છે કે પ્રાચીન સમયમાં સરસ્વતીનું એક વહેણ અહીંથી પસાર થતું હતું. તેજાનંદ અનુસૂચિત જાતિના સંત હતા. જ્યારે તેઓ સિદ્ધપુર પાટણ ગયા ત્યારે તેમને અસ્પૃશ્ય ગણી બ્રાહ્મણોએ સ્નાન કરવાની ના કહી. આથી તેઓ ઝીંઝુવાડા આવ્યા ને કહ્યું કે, સરસ્વતી મને સ્નાન કરાવવા ઈચ્છતી હશે તો આવશે એમ કહી સમાધિમાં લીન થયા. આથી સરસ્વતી ત્યાં સુધી વહેતી આવીને તેજાનંદજીને સ્નાન કરાવ્યું. અહીંથી એક અશ્મીભૂત મગરનું વિશાળકાય જડબું ફોસિલરૂપે પ્રાપ્ત થયું છે.

[13] ગંગવો કુંડ-દેદાદરા : દેદાદરા (જિ. સુરેન્દ્રનગર) વઢવાણાથી 8 માઈલ દૂર આવેલ છે. ગામની દક્ષિણે આવેલા આ કુંડના અંતરંગમાં દસમી સદીના પૂર્વાર્ધના સમયનું દેવાલય-ઝૂમખું આવેલું છે. આ કુંડ રોડાના કુંડ જેવો જ અને મોઢેરાના સૂર્ય કુંડ (રામકુંડ) પહેલાંની ગુજરાતી શૈલીનો છે. કુંડના ઉપલા પડથાર ઉપર ચાર ખૂણે ચાર મંદિરો બાંધેલાં છે.

[14] પાપનાશન કુંડ-થાન : થાનગઢ (જિ. સુરેન્દ્રનગર) પાસે આવેલ અનસૂયાથી એકાદ માઈલ ઉપર પાપનાશન નામનો કુંડ, મહાદેવ મંદિર આવેલાં છે. ચારે બાજુ પથ્થરથી બાંધેલા આ કુંડ માટે કહેવાય છે કે કણ્વ મુનિએ કોઈ પારધિના ઉદ્ધાર માટેની વિનંતિ પરથી ત્યાં સ્નાન કરવા જણાવેલું જેથી એનાં બધાં પાપ નાશ પામ્યાં. ત્યારથી આ કુંડ ‘પાપનાશણા’ તરીકે પ્રસિદ્ધ થયો. આ ઉપરાંત તરણેતરમાં પણ કુંડ છે.

[15] લોટેશ્વરનો કુંડ-મુંજપર : મુંજપર પાસે (જિ. મહેસાણા) લોટેશ્વરનો કુંડ પ્રસિદ્ધ છે. રચના પરત્વે એ ચાર અર્ધવર્તુલાકારોને સ્વસ્તિકની પેઠે ચાર છેડે જોડેલા હોય એવો દેખાવ ધરાવે છે. એના મધ્ય ભાગે કૂવો છે જે સમચોરસ છે.

[16] અજયપાલનો કુંડ-વડનગર : વડનગરનો અજયપાલનો કુંડ પણ ત્રિનેત્રેશ્વરના સમયનો અને ઘાટનો છે. એમાં મંદિરની જગતીથી ત્રણ બાજુએ પથ્થરથી બંધાયેલો કુંડ છે.