શીતલનું અપ્રતિમ સાહસ – મનહર ડી. શાહ

[‘નવનીત સમર્પણ’ એપ્રિલ-2008માંથી સાભાર.]

એક તરુણીના હૃદયની ભીતરમાં એક સંકલ્પ જાગે છે કે દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું કંઈક કરી બતાવવું. હાડ ગાળી નાખે તેવી જીવલેણ ટાઢ અને અતિ વસમા વાવાઝોડાનો સામનો કરી તેણે પોતાના દઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિના જોરે ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર 2400 અને 12,000 ફૂટની ઊંચાઈથી ‘સ્ટેટિક’ અને ‘એક્સલરેટેડ ફ્રી ફોલ જંપ’ મારીને એક નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. આવા દુર્ગમ પ્રદેશમાં આ પ્રકારનો પેરાજંપિંગ મારનારી દુનિયાની પ્રથમ મહિલા બની ગઈ છે.

sheetal1પુણેના એક મધ્યમ વર્ગની 24 વર્ષની યુવતી શીતલ મહાજનની અપ્રતિમ સાહસકથા રોમાંચક હોવાની સાથે પ્રેરક પણ છે. પ્રકૃતિનું રૌદ્ર-રમ્ય દશ્ય ધ્રુવ પ્રદેશમાં મળે છે. ઉત્તર ધ્રુવને આર્કટિક અને દક્ષિણ ધ્રુવને એન્ટાર્કટિક કહેવાય છે. મનુષ્યના સાહસ સામે ધ્રુવ પ્રદેશોએ હંમેશાં પડકાર ફેંક્યો છે અને માણસે આ પડકાર ઝીલ્યો અને તેને સર કરીને જ જંપ લીધો છે. દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો નિર્જન ખંડ છે. એન્ટાર્કટિક એટલે પૃથ્વીનું દક્ષિણ તરફનું અંતિમ બિંદુ. અહીં શિયાળામાં રેકોર્ડ તાપમાન માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ અને ઉનાળાનું માઈનસ 35 ડિગ્રી જેટલું રહે છે. દક્ષિણ ધ્રુવનો 90 ટકા ભાગ હિમાચ્છાદિત છે અને 300 લાખ ઘનમીટર જેટલો બરફ ત્યાં જામેલો છે. વિશ્વની જમીનના દસમા ભાગ 14245000 કિ.મીને આવરી લેતા આ વેરાન હિમખંડ પર સતત ભીષણ પવનો ફૂંકાય છે જે અનેક ઉલ્કાપાત સર્જે છે. 280 કિ.મી.થી પણ અધિક ઝડપે આવતા ઝંઝાવાતો કોઈ વસ્તુને અહીં ઠરીઠામ થવા દેતા નથી અને એટલે જ ધ્રુવ પ્રદેશ પર ન કોઈ વન્સ્પતિ વિકસે છે ન કોઈ જીવ વિકાસ પામે છે. શિયાળામાં સાગર થીજી જાય ત્યારે આ ખંડનો વિસ્તાર વધીને 530000000 કિ.મી. જેટલો થઈ જાય છે. વૈજ્ઞાનિકોની આગાહી છે કે 50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગને લીધે આ સઘળો બરફ પીગળશે તો દુનિયાના દરિયાકિનારાની સપાટી 50થી 60 ફૂટ જેટલી વધી જશે અને તેના કિનારે આવેલાં શહેરો અને રાષ્ટ્રો જળસમાધિ લેશે. 14 ડિસેમ્બર, 1911ના રોજ દક્ષિણ ધ્રુવ પર પ્રથમ પહોંચનાર હતો નોર્વેનો એમંડસન. એ પછી 17 જાન્યુઆરી, 1912ના દિવસે કેપ્ટન સ્કોટે ત્યાં પગ મૂક્યો. પરંતુ ત્યાં નોર્વેનો ધ્વજ ફરકતો જોઈ એ હતાશ થયો. પાછા ફરતાં ભયાનક ઝંઝાવાતમાં તેની ટીમ ફસાઈ ગઈ અને કદાપિ પાછી ફરી શકી નહીં. આવા આ જાકરો આપતા હિમખંડમાં શીતલ મહાજને 17 ડિસેમ્બર, 2006ના રોજ 12,000 ફૂટની ઊંચાઈ પરથી પેરાશૂટ દ્વારા એન્ટાર્કટિકા પર ઉતરાણ કર્યું એ સમયે વાતાવરણમાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું હતું. પારો શૂન્ય નીચે 38 ડિગ્રી સેલ્સિયસ જેટલો હતો. આવા બરફછાયા પ્રદેશમાં આ પ્રકારનું જોખમી સાહસ ખેડનારી તે વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ. ધ્રુવ પ્રદેશમાં પ્રથમ પગ મૂકનાર રોબર્ટ એડવિન પિયરા (ઉત્તર ધ્રુવ) અને એમંડસનની હરોળમાં તે આવી ગઈ.

શીતલ મહાજન પુણે મહાનગરના કોથરૂડ વિસ્તારમાં રહેતી મધ્યમવર્ગની એક યુવતી છે. તેના પિતા કમલાકર મહાજન 30 વર્ષથી ટાટા મોટર્સમાં કામ કરે છે. મૂળ ચરોતરના પાટીદાર, પરંતુ વર્ષોથી મહારાષ્ટ્રમાં રહેતા હોવાથી મહારાષ્ટ્રીયન બની ગયા છે. બચપણથી જ શીતલ બીજી છોકરીઓ કરતાં અલગ તરી આવતી હતી. રમવાની ઉંમરે તે ચિત્રો દોરવા લાગી અને તેનું પ્રદર્શન પણ થયેલું. અભિનવ મહાવિદ્યાલયમાં મરાઠી માધ્યમમાં તેણે શિક્ષણ લીધું છે. તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ‘વિજેતા’ ચિત્રપટ જોઈને પ્રભાવિત થઈ અને આવા પ્રકારના સાહસ ખેડવાનો સંકલ્પ કર્યો.

બારમી પાસ કર્યા પછી તેની ઈચ્છા મુંબઈ જઈને અભ્યાસ કરવાની હતી, પરંતુ માબાપની એકમાત્ર પુત્રી હોવાથી તે ખૂબ લાડકોડમાં ઊછરી હતી. તેને એકલીને મુંબઈ મોકલવાનું કોઈનું મન માનતું નહોતું પરિણામે ફર્ગ્યુસન કૉલેજમાં બી.એસ.સી.માં એડમિશન લીધું. આ દરમિયાન જ્યોતિ સોમદેવ નામની યુવતી સાથે પરિચય થયો. તેણે તેના કાકા કમલસિંહ સાથે ઓળખાણ કરાવી. સ્કવોડ્રન લીડર કમલસિંહ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ટ્રેઈનરનું કામ કરતા હતા. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર પોતે કરેલા સ્કાયડાઈવિંગની તેમણે તેને ફિલ્મ બતાવી, જેણે તેના જીવનનો રાહ પલટી નાખ્યો…..

શીતલે પેરાજંપિંગ ક્ષેત્રમાં ઊતરીને વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો નિર્ણય લીધો….. સૂતાં, ઊઠતાં, બેસતાં તે ઉત્તર ધ્રુવની વાતો કરવા લાગી. ઘરનાને લાગ્યું કે આ છોકરીનું મગજ ચસકી ગયું છે. ઘરની સૌથી લાડકી પુત્રીને ઉત્તર ધ્રુવ પરથી પેરાશુટ સહાયથી જંપ મારવા માટે માબાપ મંજૂરી આપવા તૈયાર નહોતાં. તેણે પુણેની બહારની દુનિયા કદાપિ જોઈ નહોતી. બરફાચ્છાદિત હિમાલયનો પ્રવાસ પણ કર્યો નહોતો. ઉત્તર ધ્રુવ જવું એટલે સાક્ષાત મોતના મોમાં જવાનું. કમલસિંહે તેનાં માબાપને ખૂબ સમજાવ્યાં. છેવટે પુત્રીની જીદ પાસે તેમને નમવું પડ્યું. હવે સમાજમાં વિરોધ શરૂ થયો. એકની એક પુત્રીને મોતને રસ્તે મોકલવા માટે મહાજન પરિવારની ટીકા થવા લાગી. બધાને એમ જ લાગતું હતું કે ધ્રુવ પ્રદેશની કાતિલ ઠંડીમાં આ છોકરી ઢબુરાઈ જશે. કોઈની ટીકાની પરવા કર્યા વિના શીતલ પોતાના માર્ગે મક્કમ થઈને આગળ ધપી રહી હતી. કમલસિંહે ઉત્તર ધ્રુવ વિશે સંપૂર્ણ માહિતી આપી. આનંદ મુંજે પાસેથી તેણે પેરાસેલિંગની તાલીમ લીધી. પેરાસેલિંગમાં પેરાજંપિંગ પ્રમાણે પ્રત્યક્ષ છલાંગ મારવાની હોતી નથી, પરંતુ પેરાશુટની સહાયથી હવામાં તરવાનો અનુભવ લેવામાં આવે છે.

sheetal2ઉત્તર ધ્રુવના સાહસની તૈયારી ચાલી રહી હતી તે પહેલાં તેણે બરફછાયો પ્રદેશ જોયો નહોતો. વિમાનમાં બેઠી નહોતી. ઘરની બહાર પગ મૂક્યો નહોતો. એક વાર સાહસ ખેડવાનું નક્કી કર્યું એટલે ચારેબાજુથી માહિતી મેળવવી શરૂ કરી. ત્યાં કેટલું રહેવું પડશે ? ખર્ચ કેટલો આવશે ? તેણે સતત ઈન્ટરનેટ પર બેસીને માહિતી એકઠી કરવી શરૂ કરી. આ દુર્ગમ પ્રદેશમાં જવા માટે ખૂબ તૈયારી કરવી પડે છે. એન્ટાર્કટિક જવા માટે વિઝાની જરૂર પડતી નથી, પરંતુ તમે જેટલા દેશોમાંથી પસાર થાઓ ત્યાંના વિઝા લેવા પડે. લોંગ ઈયર બેત નામના ટાપુથી ઉત્તર ધ્રુવ માટે વિમાન ઊપડે છે. કેટલીક એજન્સીઓ અહીં કાર્યરત છે જે આપણને બધા પ્રકારની સગવડ પૂરી પાડે છે. ખર્ચ ખૂબ આવે છે. ધ્રુવ પ્રદેશમાં જવા માટે સામાનમાં હિમડંખથી બચવા માટે આખા શરીરને ઢાંકી દેતાં રેઈન જેકેટ, વોટરપ્રૂફ ટ્રાઉઝર અને 14થી 16 ઈંચ ઊંચા અને તળિયે ખીલા જડેલા રબરના બૂટ લેવા પડે છે. ભારેખમ કપડાં કરતાં હળવાં પણ વધુ કપડાં પહેરવાં સારાં. શીતલનાં કપડાંની કિંમત સવાલાખ રૂપિયા થતી હતી. બૂટની કિંમત 85 હજાર રૂપિયા અને પેરાશૂટની કિંમત ચાર લાખ રૂપિયા.

આપણી પૃથ્વીની છત એ એક એવું સ્થાન છે જેની ઉત્તરે કાંઈ નથી, બધું દક્ષિણે જ છે. ત્યાં પૂર્વપશ્ચિમ પણ નથી, ત્યાં બધી દિશામાં બધા અક્ષાંશો ને બધા રેખાંશો એક બિંદુમાં સમેટાઈ જાય છે. ધરીનો ઉત્તર છેડો એટલે ઉત્તર ધ્રુવ. ધ્રુવ પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત હોય છે.

એક સામાન્ય મધ્યમ વર્ગની તરુણી શીતલ પ્રવાસનો ખર્ચ ઉપાડી શકે નહીં. એપ્રિલ મહિનામાં આર્કટિકનો બરફ પીગળવા લાગે છે. આ સમય સાહસ માટે શ્રેષ્ઠ છે. શીતલે એપ્રિલ મહિનાની ટિકિટ બુક તો કરાવી, પરંતુ પૈસા ક્યાંથી લાવવા ? તેના પિતાને સાથે લઈ 300 કંપનીઓ, સંસ્થાઓની મુલાકાત લીધી, પ્રતિસાદ મળ્યો નહીં. શીતલે પોતાના સાહસની વાત કરી. દરેક જગ્યાએ તેને હતોત્સાહ કરવામાં આવી. જેમ જેમ તેનો વિરોધ થતો ગયો તેમ તેમ તેનો સંકલ્પ દઢ થતો ગયો. 12 એપ્રિલ, 2004ના રોજ જવાનું હતું. આ દરમિયાન 12 ફેબ્રુઆરીએ એક સ્કૂટર અકસ્માતમાં શીતલને દસ ટાંકા આવે છે. ત્રણ મહિના આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. ત્રણ કલાક પછી શુદ્ધિમાં આવે છે ત્યારે ઘરના લોકો આજુબાજુ ઊભા હોય છે. માત્ર એટલું જ બોલે છે, ‘મને ગમે તેટલું વાગે, હું ઉત્તર ધ્રુવ પરથી જંપ મારીને જ રહીશ.’ લોકોને ખાતરી થઈ ગઈ કે ઉત્તર ધ્રુવનું આમંત્રણ પાછું ઠેલી શકાશે નહીં.

સતત નકારાત્મક વલણ જોઈ મોટા ભાગના લોકો હતાશ થઈને પોતાનો વિચાર પડતો મૂકે છે, પરંતુ લોકોના વિરોધ સામે શીતલનું મન દઢ થઈ રહ્યું હતું. છેવટે રતન ટાટાને મળવા જાય છે. રતન ટાટા કમલાકર મહાજનને પૂછે છે, ‘પૈસાની વ્યવસ્થા નહીં થાય તો શું કરશો ?’ જવાબ આપે છે મારું સમગ્ર પ્રોવિડન્ડ ફંડ ઉપાડીને આ સાહસ પૂર્ણ કરીશ. તેનો મક્કમ જવાબ સાંભળીને રતન ટાટા 10 લાખ રૂપિયા મંજૂર કરે છે. ટાટા મોટર્સની સ્પોન્સરશિપ લઈને શીતલ મહાજને ઉત્તર ધ્રુવ તરફ પ્રયાણ કર્યું.

જીવનમાં પહેલી જ વાર શીતલ વિમાનમાં બેસે છે. 9 એપ્રિલ, 2004ના રોજ પુણેથી નીકળે છે. મુંબઈ, ફ્રેંકફર્ટ, ઓસ્લો, ટ્રામ્સો આમ ચાર જગ્યાએ વિમાન બદલીને અઢાર કલાક પછી ‘લૉંગ ઈયર બેત’ નામની જગ્યાએ પહોંચે છે જે નોર્વેનું વિમાનમથક છે, જે ઉત્તર ધ્રુવનું પ્રવેશદ્વાર ગણાય છે. હવે તેને ‘બર્નિયો આઈસ એરપોર્ટ પર લઈ જવામાં આવે છે. બર્નિયોનું હવાઈ મથક બરફનું બનેલું છે. જમીન પર બે મીટર જેટલો બરફ જામેલો રહે છે. એક વિશાળ હિમખંડ પર આ હવાઈ મથક બનાવવામાં આવ્યું છે. સમુદ્રના અંતર પ્રવાહો અને વેગીલા પવનને લીધે તે સ્થિર નથી. સતત વાવાઝોડાં ફૂંકાતાં હોય છે તેથી અહીં નાના તંબુમાં રહેવું પડે છે. 1997માં એક અમેરિકન મહિલાએ પ્રયાસ કરેલો, પરંતુ નીચે ઊતરતાં પહેલાં જ તેનું મૃત્યુ થયેલું.

12 એપ્રિલ, 2004ના દિવસને પેરાશુટમાંથી જંપ મારવાનો સમય નક્કી કરવામાં આવ્યો. પરંતુ હવામાન પ્રતિકુળ હોવાથી કાર્યક્રમ રદ કરવો પડ્યો. આ ધ્રુવ પ્રદેશમાં પ્રતિ પળ વાતાવરણમાં પરિવર્તન થતું રહે છે. કમનસીબે શીતલના વિઝા અને ટિકિટની મુદત પૂરી થવા આવી હતી. પરંતુ પોતાનું અભિયાન પૂરું કર્યા વિના શીતલ પાછી ફરવા માગતી નહોતી. ફરી વાર પૈસા એકઠા કરવા શક્ય નહોતું. મારા પ્રશિક્ષક, માબાપ, મિત્રને હું શું મોઢું બતાવીશ ! આમ વિચાર કરી તેણે થોભી જવાનું નક્કી કર્યું. મહામુશ્કેલીથી વિઝા અને ટિકિટનો સમય વધારી દેવામાં આવ્યા. 18 એપ્રિલના જંપ મારી શકાશે એમ ખબર મળતાં તે રોકાઈ ગઈ. રહેવાની જગ્યા સુધી જવા માટે બરફના રસ્તા પર ચાલવું પડ્યું પરિણામે પગ દુખવા લાગ્યા. એક તંબુમાં તેને રહેવાનું હતું. બહાર નીકળવું હોય તો સંપૂર્ણ શરીર કપડાંથી ઢાંકી દેવું પડે. ટાઢ કહે મારું કામ. આવા બરફના વિરાટ પ્રદેશમાં એકલા રહેવું પડશે તેનો તેને ખ્યાલ નહોતો. આ નીરવતામાં તેને વહાલાં માબાપ યાદ આવે, ભાઈ અને મિત્રોની યાદ સતાવે. કોઈ પણ ભોગે આ તક જવા દેવી નથી એવા મક્કમ નિર્ણય સાથે તે સમય પસાર કરે છે.

18 એપ્રિલ, 2004નો ચિરપ્રતીક્ષિત દિવસ આવી ગયો. સદભાગ્યે આકાશ સ્વચ્છ હતું. કુદરત શીતલની સાથે હતી. ફરી વાર તે બર્નિયાના હવાઈ મથકે આવી જાય છે. તેનું હેલિકોપ્ટર ઉત્તર ધ્રુવ તરફ ઊડવા લાગ્યું. તેની સાથે બે પાઈલટ હતા. હવે ઉત્તર ધ્રુવ પર છલાંગ મારવાનો સમય આવી ગયો હતો. પેરાજંપિંગનું આ અભિયાન ખૂબ જોખમી છે. નાનકડી ભૂલ જીવલેણ નીવડી શકે છે. પૃથ્વી પર તો ઝાડ અને ઈમારતોને લીધે ઊંચાઈનો ખ્યાલ આવી શકે છે, પરંતુ ઉત્તર ધ્રુવ પર તો ચારે બાજુ શુભ્ર બરફનું સામ્રાજ્ય ફેલાયેલું છે એટલે તમે કેટલી ઊંચાઈ પર છો તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. કેટલીક જગ્યાએ બરફના તૂટેલા ટુકડા રહે છે. જો જંપ બરફ પર પડે નહીં તો સીધા સમુદ્રમાં પડવું પડે છે. સલામતી માટે ઉતરાણની જગ્યા પાકી કરવામાં આવી જ્યાં ફોટોગ્રાફર ઊભો હતો.

sheetal3અહીંની કાતિલ ઠંડીથી બચવા માટે શરીર પર કપડાંના થરના થર લગાવવા પડે છે. પરિણામે શરીરનું હલનચલન મર્યાદિત થઈ જાય છે. હાથમાં ખૂબ જાડાં મોજાં પહેર્યાં હોવાથી સ્પર્શજ્ઞાન થતું નથી. આવા પ્રકારના જંપને ‘સ્ટેટિક’ લાઈન કહેવાય છે, જેમાં પેરાશુટ આપમેળે ખૂલી જાય છે. વાતાવરણમાં માઈનસ 37 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી, પરંતુ જ્યારે નીચે ઉતરાણ કલાકના 200 કિ.મીની ઝડપે થાય છે ત્યારે આ ઠંડી માઈનસ 110 ડિગ્રી જેટલી થઈ જાય છે, જેમાં કોઈ જીવી શકે નહીં. ચામડી બહાર રહી જાય તો ડેડ થઈ જાય પરિણામે સંપૂર્ણ શરીર લપેટવું પડે છે. શીતલ વિશ્વવિક્રમની નજીક આવી પહોંચી હતી. ઉપર વાતાવરણ બરાબર નહોતું એટલે 2400 ફૂટથી છલાંગ મારવાનું નક્કી કરવામાં આવ્યું. આનંદની આ ક્ષણે તેને કેવું લાગ્યું હતું તેના જવાબમાં શીતલ કહે છે : ‘મેં છલાંગ મારી. હું નીચે સરકી રહી હતી ત્યાં મારા મનમાં વિચાર આવ્યો કે જે લોકો મારો વિરોધ કરતા હતા તેમને બતાવી દઈશ કે મેં મારું સ્વપ્ન પૂરું કર્યું છે.’

દોઢ મિનિટમાં જ તેના પગ જમીન પર અથડાયા. ત્યાં પગમાં સણકા આવ્યા, પરંતુ સદનસીબે ફેકચર થયું નહોતું. તેના આનંદનો કોઈ પાર નહોતો. તેણે ઊઠીને ભારતનો ત્રિરંગો ધ્વજ શુભ્ર બરફ પર લહેરાવી દીધો. 18 એપ્રિલ, 2004ના રોજ ભારતીય સમય પ્રમાણે રાતના નવ વાગ્યે પોતાનું અભિયાન પૂરું કર્યું. કોઈ પણ વ્યવસ્થિત તાલીમ લીધા વિના માત્ર અદમ્ય ઈચ્છાશક્તિના જોરે ઉત્તર ધ્રુવ પર ઉતરાણ કરનાર શીતલ મહાજન વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ. ભારતના ત્યારના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે તેને મુલાકાત આપી માર્ગદર્શન આપ્યું. લિમકા બુક ઑફ રેકોર્ડસમાં તેનું નામ નોંધવામાં આવ્યું. છત્રપતિ રાજ્ય ક્રીડા પુરસ્કાર, તેનસિંહ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કાર વગેરેથી તેનું સન્માન કરવામાં આવ્યું છે.

ઉત્તર ધ્રુવ કરતાં દક્ષિણ ધ્રુવનું અભિયાન અઘરું છે. લોહી થિજાવી નાખે તેવી કાતિલ ઠંડી અને ધરતીનાં પડ ઉખેડી નાખે એવા સુસવાતા વાયરા મનુષ્યને સ્થિર થવા દેતા નથી. આવો તેજ પવન વાવાઝોડાને કારણે ફૂંકાતો નથી, પરંતુ ગુરુત્વાકર્ષણના બળને કારણે ફૂંકાય છે. ચારેબાજુ બરફની ચાદર, તેજ પવન અને નીચું ઉષ્ણતામાન સાહસવીરોને આમંત્રે છે. નવેમ્બરથી માર્ચ સુધી સહેલાણીઓ માટે આદર્શ સમય છે. અહીં ચાર મહિના ઉનાળો અને આઠ મહિના શિયાળો રહે છે. દક્ષિણ ધ્રુવ અભિયાનનો ખર્ચ એક કરોડ રૂપિયા થનાર હતો. મહારાષ્ટ્ર સરકાર, ટાટા મોટર્સ વગેરેએ સહાય કરી. ઉત્તર ધ્રુવનો અનુભવ હોઈ નવા સંકટનો સામનો થઈ શકે તેમ હતો. 2006ની શરૂઆતમાં સાહસ અભિયાન માટે જવાનું નક્કી કરવામાં આવ્યું. દક્ષિણ ધ્રુવ અભિયાનમાં કુલ ચાર જણ હતા. ભારતીય નૌકાદળના બે અનુભવી જમ્પ માસ્ટર્સ અને એક ફોટોગ્રાફર. 1 ફેબ્રુઆરીના રોજ સાહસ પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ અચાનક સાંજે કેપટાઉનથી નોર્વે ઊડનાર વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં આ અભિયાનને આઠ મહિના પાછળ ધકેલવામાં આવ્યું.

આમ છતાં શીતલ હતાશ થઈ નહોતી. તેણે પોતાની તૈયારી ચાલુ રાખી. એક વાર ટ્રિપ કેન્સલ થવાથી આર્થિક નુકશાન થયું હતું. ફરી વાર પૈસા એકઠા કરવામાં આવ્યા. મુંબઈ, પૂણે, પિંપરી ચિંચવડ મહાનગરપાલિકા, ટાટા મોર્ટસ, શિરડી સાંઈબાબા સંસ્થા, મહારાષ્ટ્ર સરકાર તરફથી 80 લાખ રૂપિયા એકઠા થયા. હજુ ફંડ અધૂરું હતું, છેવટે શીતલના પિતાએ પોતાનો ફલેટ એક સહકારી બેન્ક પાસે ગિરવે મૂકીને 20 લાખ રૂપિયા ઉધાર લીધા. (એ હવે ભરવા ભારે પડી ગયા છે.) ચાર વ્યક્તિનાં પેરાશૂટનો ખર્ચ 16 લાખ રૂપિયા થયો છે.

હવે શીતલ મહાજનનું દક્ષિણ ધ્રુવ પરનું દુર્ગમ સાહસ પૂરું થવાની ક્ષણ નજીક આવી રહી હતી. 10 ડિસેમ્બરના રોજ શીતલ સાથે ભારતીય નૌકાદળના લેફટનન્ટ કર્નલ રાજેશનંદ ગોપાલ, મહેશ બિરાજદાર અને ફોટોગ્રાફર મુસ્તફા કરમપુરવાલા ચિલી પહોંચી ગયાં. હવામાન પ્રતિકુળ હોવાથી 13 ડિસેમ્બર, 2006ના રોજ બધા દક્ષિણ ધ્રુવ પહોંચી ગયા. ફરી વાર ખરાબ હવામાનને લીધે 15 ડિસેમ્બર સુધી અભિયાન મુલતવી રાખવામાં આવ્યું. આ દરમિયાન તૈયારી ચાલુ જ હતી. સફળતાની પળ નજીક આવી રહી હતી. બાકી દુનિયાનો સંપર્ક તૂટી ચૂક્યો હતો. જીવનમાં જે સ્વપ્ન સેવ્યું હતું તેની પૂર્તિનો સમય આવી ચૂક્યો હતો. 17 ડિસેમ્બરના રાતે દસ વાગ્યે દક્ષિણ ધ્રુવ પર 12000 ફૂટની ઊંચાઈએથી ફ્રી ફોલ જંપ મારવામાં આવ્યો. આવા પ્રકારની છલાંગને ‘એક્સલરેટેડ ફ્રી ફોલ જંપ’ કહેવાય છે. જેમાં 4000 ફૂટ સુધી પંખીની જેમ નીચે ઊતરવું પડે છે ને પછી જંપ મારનારે પેરાશુટ ખોલવું પડે છે. જ્યાં સુધી પેરાશુટ ખૂલતું નથી ત્યાં સુધી બન્ને જંપ માસ્ટર્સ શીતલ મહાજન સાથે હતા. ફોટોગ્રાફર મુસ્તફા હેલ્મેટમાં લગાડેલા કેમેરાથી ફોટો લઈ રહ્યો હતો. આ સમયે હવામાન શૂન્યથી 38 ડિગ્રી સેલ્સિયસ નીચું હતું.

એક મિનિટ અને 40 સેકન્ડમાં શીતલ મહાજન સહીસલામત પોતાના ત્રણ સભ્યો સાથે દક્ષિણ ધ્રુવની ધરતી પર ઊતરી આવી. આ ત્રણેની સાક્ષીએ શીતલે બરફ પર ભારતનો તિરંગો ધ્વજ લહેરાવી દીધો. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર પેરાજંપિંગ કરીને શીતલ મહાજને વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. શીતલ કહે છે : ‘મેં જીવનમાં પહેલી વાર તિરંગો ધ્રુવ પ્રદેશમાં લહેરાવ્યો હતો. આ બરફછાયા પ્રદેશમાં ભારતીય ધ્વજ કેટલા અભિમાનથી ફરકતો હતો તે ક્ષણ હું કદાપિ ભૂલી શકીશ નહીં.’

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારાં…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતના પ્રાચીન કુંડો – ભૂપેન્દ્ર મો. દવે
ચંદુ ઘડિયાળી – અનુ. રજનીકાન્ત રાવલ Next »   

20 પ્રતિભાવો : શીતલનું અપ્રતિમ સાહસ – મનહર ડી. શાહ

 1. Bhajman Nanavaty says:

  શિતલતો શાબાશીની હકદાર ખરી જ ! પરન્તુ તેના પિતાને પણ અભિનંદન !

 2. શાબાશ અને અભિનંદન!

 3. કલ્પેશ says:

  શીતલની બહાદુરીને સલામ. અને સાથે એને આ સાહસ પુરુ કરવામા મદદ કરનાર એના કુટુંબ અને રતન તાતાના પણ.

  આપણા સમાજ, કુટુંબ, દેશની બહેનો ધારે તો શુ ન કરી શકે?

 4. Pinki says:

  hats off to her……… !!

  no words for her determination, adventure
  and also her father……

  only words cannot help her ??!!!

 5. ખરેખર ધ્ન્યવાદ છે એ પિતાને અને શીતલને મદદ કરનાર રતનજી ટાટાને….
  અભિનંદન શીતલબેન….

 6. Jatin Gandhi says:

  Very Inspirational

 7. HEMANT SHAH says:

  superb abhinandan 2 sheetal her parents and above all shri RATAN TATA NO WORDS TO EXPLAIN CHAK DE ! HINDUSTAN

 8. Dipika says:

  મન હોય તો માળવે જવાય. તમારા ધ્યેયને પામવા બદલ અભિનન્દન.

 9. Mitali Lad says:

  What a wonderful achievement. Congratulation for to this brave girl and her family.

 10. saurabh desai says:

  Will will find a way.

 11. vishal says:

  i must say it is best article

 12. pragnaju says:

  ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર પેરાજંપિંગ કરીને શીતલ મહાજને વિશ્વવિક્રમ નોંધાવ્યો છે
  વાંચતા આનંદ આનંદ…
  સલામ તારા સાહસને

 13. Viren Shah says:

  Sheetal: You deserve the best of everything. Unknown (never read about this in English or Gujarati papers) but interesting story. You reminded me Kalpana Chawla. When she went to the space, I read a story about her on Rediff.com/gujarati by Sheela Bhatt. This story by Manohar Shah is eqally interesting and inspiring.

  Again, it tells that when there is a goal, mind does a reverese engineering. The Prefrontal lobe (mind’s front portion) has an ability that does carve a path subconciously on how to achieve the determined goal. This can also lead to an unexceptional achievement in life itself.

  The felxibility and ressileince of human brain is making humans to live on multiple planets. Keep it up!

 14. ભાવના શુક્લ says:

  અપ્રતિમ!!!!!! શિતલ….મન હોયતો માળવે જવાય.. there is a wish..there is a way
  તમારી સફળતાના દરેક પ્રયત્નો ને મુશ્કેલીમા મનોબળ ટકાવી રાખનાર હીંમતને અનેક અભિનંદન.
  રીડગુજરાતીનો આમ સાહસકથા આપવાનો પ્રયત્ન નવિન અને સરાહનીય છે.

 15. ઋષિકેશ says:

  So exciting!! રુંવાડાં ઉભા થઈ ગયા, અદભૂત સાહસ. Hats off to a dreamer like Sheetal, who despite of all odds could make it, just because of her sheer will-power..

 16. sujata says:

  once again Nari tu Narayani……

 17. મને તો ખબર જ નહોતી કે પ્રોવિડંડ ફંડ ઉપાડી શકાય.. 😛 આભાર. થઇ જાવ તૈયાર સાહસ માટે..

 18. pooja shah says:

  This is really a good story that one can learn If u want to do something heartly whole universe is tried to achieve that thing for you,you can definately achieve the goal.Thanks to her family for supporting her.

 19. aarti patel says:

  very good story

 20. Mukesh Pandya says:

  શીતલને ખુબ ખુબ અભિનન્દન. આ સાથે શીતલના શબ્દોમાઁ તેને થયેલા અનુભવો સાઁકળ્યા હોત તો વધુ મજા પડી જાત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.