ચંદુ ઘડિયાળી – અનુ. રજનીકાન્ત રાવલ

[ મૂળ લેખક : બનફૂલ. આધુનિક બંગાળી સાહિત્યને કલાત્મક ટૂંકી વાર્તાઓથી સમુદ્ધ કરનાર લેખકોમાં એક નામ છે ‘બનફૂલ’. હૃદયંગમ ટૂંકી વાર્તાઓ ઉપરાંત કાવ્યો, નવલકથાઓ અને નાટકોના આ રચનાકારનું મૂળ નામ હતું બલાઈચંદ્ર મુખોપાધ્યાય. બિહારના પૂર્ણિયા જિલ્લાના મનિહારી ગામમાં જન્મેલા બનફૂલ વ્યવસાયે તબીબ હતા અને ભાગલપુરમાં પ્રેક્ટિસ કરતા હતા. 1927માં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. થયેલા બનફૂલ મૂળ સાહિત્યનો જીવ. એમાંય લઘુકથા નહીં પણ જેને ટૂંકી વાર્તાઓ કહે છે એમાં એમની ગજબની હથોટી. બનફૂલની કોઈ પણ વાર્તામાં તેમનું આ અદ્દભુત કૌશલ્ય દેખાય જ. ગુજરાતી ભાષામાં લઘુકથાનું અવતરણ બનફૂલના નિમિત્તે જ થયું. બંગાળી લેખકની પ્રસ્તુત વાર્તા ‘ચંદુ ઘડિયાળી’ જાણે તળ ગુજરાતની હોય એવું સતત લાગ્યા કરે. પાત્રો, તેમનો વ્યવહાર, તેમની લાક્ષણિકતાઓ બધું જ જાણે અદ્દલ ગુજરાતી અને એ પણ એક બંગાળી સર્જકની કલમે….(શ્રી દિંગત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘સોનાર બાંગ્લા’ માંથી સાભાર.) ]

સામાન્ય રીતે લત્તાના લોકો એને ‘ચંદુ’ને નામે ઓળખતા પરંતુ હું તેની રૂબરૂમાં એને ચન્દ્રકાન્ત કહી બોલાવતો. મારે તેની દુકાને લગભગ રોજ આવવાનું થતું. સાંજ પડતાં રોજ તેની દુકાને આવતો. ચંદુ મારા આવવાનું પ્રયોજન જાણતો હતો. તે ઊંચી નજર કરી મારી તરફ જોઈ લેતો. અમે કંઈ બોલતા નહીં. ચંદુ પાસેથી મારા હજાર રૂપિયા લેણા નીકળતા હતા. ઘણો વખત થયો છતાં રૂપિયા પાછા મળ્યા નહોતા. બે-ચાર વાર વાતમાં મેં રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો, પણ તેણે ‘હા, મને યાદ છે.’ એટલું કહેલું. મેં રૂપિયા યાદ કરાવવાનું છોડી દીધું. મારી આંખોમાં રૂપિયાનો તગાદો એ કદાચ વાંચી લેતો હશે એમ માનું છું.

ચંદુની દુકાને જઈ સામાન્ય રીતે હું બેંચ પર પડેલું છાપું ઉપાડી વાંચતો. કોક વાર ધંધા અંગે, રાજકારણ અંગે થોડીક વાતો થતી. વાતો વાતોમાં મને ઘણી વાર થતું કે ચંદુ મારા લેણા રૂપિયા વિશે કંઈક કહેશે, પરંતુ તે વિશે એ કદીય કંઈ કહેતો નહીં. ઘડિયાળમાં નવના ટકોરા વાગતાં દુકાનના ખૂણામાં મૂકેલી ગણેશની મૂર્તિને પ્રણામ કરી, બગાસું ખાઈ ચંદુ દુકાનનાં બારી-બારણા બંધ કરવા માંડતો. હું પણ ઊભો થતો અને ઘર ભણી ચાલવા માંડતો. બીજે દિવસે સાંજે પાછો ફરીથી હાજર થઈ જતો. આ પ્રમાણે ઘણા વખતથી ચાલતું. હજાર રૂપિયા ઉછીના આપી મેં જ ચંદુને આ ઘડિયાળની દુકાન કરી આપી હતી.

ચંદુ બી.એ. માં નાપાસ થયો હતો. વિધવા માનો એકનો એક પુત્ર. સ્થિતિ સાધારણ. બાપ પ્રોવિડંટ ફંડના થોડાક રૂપિયા મૂકતા ગયા હતા તેનાથી ઘર ચાલતું. નોકરી માટે ચંદુ દોડધામ કરતો હતો, પરંતુ ક્યાંય પત્તો ખાતો નહોતો. મેં એને સલાહ આપી હતી : ‘આ ગામમાં સારો ઘડિયાળ રિપેર કરનાર નથી. તું ઘડિયાળની દુકાન કાઢ. પહેલાં ઘડિયાળ રિપેર કરવાનું કામ શીખી લે, પછી બજારમાં એક દુકાન કાઢ, ધંધો સારો ચાલશે.’
ત્યારે ચંદુએ કહ્યું : ‘તમારી વાત તો બરાબર છે. ઘડિયાળીનો ધંધો અહીં જરૂર સારો ચાલે. થોડાંક ઘડિયાળ પણ વેચાય. નફો પણ ઠીક મળે, પરંતુ દુકાન કાઢવા માટે મૂડીની જરૂર પડે ને ? એ ક્યાંથી લાવું ?’ પરોપકારની ભાવનાના આવેશમાં મેં જવાબ આપ્યો : ‘જે મૂડી લાગશે તે હું તને આપીશ. ધંધો બરાબર ચાલે ત્યારે રકમ મને પાછી આપજે.’

ચંદુના મામા મુંબઈમાં ક્યાંક નોકરી કરતા હતા. ચંદુ ઘડિયાળનું કામ શીખવા મુંબઈ એના મામાને ત્યાં રહ્યો. એકાદ વરસ પછી ‘કાળમાપક યંત્ર’ વિદ્યામાં એ પારંગત થયો. મુંબઈથી પાછો આવ્યો. તેણે મને પેલા હજાર રૂપિયા ઉછીના આપવાની વાત કરી. હું ધર્મસંકટમાં ફસાયો. સરકારી નોકરીમાંથી બે વર્ષ પહેલાં જ હું નિવૃત્ત થયો હતો. પાંચ હજાર રૂપિયા પ્રોવિડંટ ફંડના મળ્યા હતા તે બેંકમાં વ્યાજે મૂક્યા હતા. તેમાંથી બે હજાર તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયા હતા. બેંકમાંથી પાંચસો રૂપિયા ઉપાડી લાવ્યો. વચન આપ્યું હતું, છૂટકો નહોતો. સો સો રૂપિયાની માત્ર પાંચ જ નોટો જોતાં ચંદુ ચમકી ઊઠ્યો, બોલ્યો : ‘કેમ, પાંચસો જ ? હજાર રૂપિયા તો ઓછામાં ઓછા જોઈશે.’
‘હાલ આથી વધારે હું આપી શકું તેમ નથી.’ મેં હળવેથી કહ્યું.
ચંદુ ભવાં ઊંચા કરી બોલ્યો : ‘તમે પણ કેવી વાત કરો છો ? તમે મને વચન આપ્યું હતું કે જે મૂડી દુકાનમાં લાગશે તે આપીશ. હવે ફરી જાવ એ ઠીક નહીં. આ કંઈ પાનબીડીની દુકાન કાઢવાની નથી, ઘડિયાળની દુકાન કાઢવાની છે. હાલ તો હજાર રૂપિયાથી ચાલશે. ભવિષ્યમાં થોડાક બસો-પાંચસો નાખવા પડશે. કેટકેટલી વસ્તુ લાવવાની છે – જુઓ આ લિસ્ટ.’
મેં લિસ્ટ તરફ ન જોતાં કહ્યું : ‘હાલ પાંચસોથી કામ ચલાવો, ભવિષ્યમાં જોઈશ.’
આંખો મોટી કરતાં, નાક ફુલાવતાં ચંદુ બોલ્યો : ‘આ પ્રમાણે તમે વિશ્વાસઘાત કરવાના છો એ જો પહેલાં જાણતો હોત તો દુકાન ખોલવાનો વિચાર જ ન કરત. આફ્રિકામાં સારા પગારની નોકરી મળતી હતી તે જવા ન દેત.’

સાચી વાત એ હતી કે ચંદુને આફ્રિકામાં કોઈ નોકરી મળી નહોતી. તેણે માત્ર છાપામાં જાહેરખબર વાંચી અરજી કરી હતી. છેવટે બીજા પાંચસો રૂપિયા આપવા પડ્યા. મુંબઈ જઈ ચંદુ થોડીક નવી, થોડીક જૂની ઘડિયાળો ખરીદી લાવ્યો. ચાર-પાંચ ટાઈમપીસ, છ-સાત રિસ્ટવૉચ, પટ્ટા, કાચ થોડોક રિપેરિંગનો સામાન. દુકાનની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે મારું એક જૂનું દીવાલ ઘડિયાળ પણ માગી ગયો. હું ના ન પાડી શક્યો.

એ વાતને આજ ચાર-પાંચ વરસ વીતી ગયાં છે. ચંદુની દુકાન સારી ચાલે છે. એ સારું કમાતો લાગે છે. નહીંતર આટલી બધી સિગારેટ, સિનેમા અને કપડાંનો ઠાઠ શાનો હોય ! ચાર-પાંચ જાતના તો એ બૂટ પહેરે છે. મને હજી સુધી એણે એક રૂપિયો પણ પાછો નથી આપ્યો. છતાં રૂપિયા પાછા મેળવવાની આશામાં હું રોજ સાંજે ચંદુની દુકાને જાઉં છું. બે-ત્રણ કલાક બેસી તપાસ્યા કરું છું. રૂપિયાની વાત એ કદી કાઢતો નથી. કોક દિવસ કાઢશે એવી આશા રાખું છું. હું તગાદો કરી શકતો નથી. પરંતુ તે દિવસે જે વાત ચંદુએ મને સવિસ્તાર કહી સંભળાવી એનાથી મારી રહીસહી આશા પણ નાશ પામી.

દુકાનના ખૂણામાં મૂકેલી બેંચ પર બેસી તે દિવસે પણ રોજની જેમ છાપામાં માથું નાખી વાંચતો હતો, એટલામાં એક જુવાન છોકરો દુકાને આવ્યો. તેના હાથમાં એક રિસ્ટવોચ હતું.
‘ચંદુભાઈ, આ રિસ્ટવોચ તમારે બદલી આપવું પડશે. તેની પાછળ જુઓ, કેવો મોટો ડાઘ છે ! અહીંથી લઈ જતી વખતે ઉતાવળમાં મેં જોયું નહીં. ઘેર જઈને જોયું તો કાટનો મોટો ડાઘ.’ છોકરાએ બોક્સમાંથી કાંડાઘડિયાળ કાઢ્યું અને બતાવ્યું. મેં પણ ઊભા થઈને જોયું. ખરેખર મોટો કાટ લાગ્યા જેવો ડાઘ હતો. ચંદુએ ચહેરો ગંભીર કરીને કહ્યું : ‘સોરી, આ ઘડિયાળ હવે બદલી ન શકાય. ખરીદતી વખતે જ તમારે બરાબર જોઈ લેવું હતું.’
બિચારા છોકરાના ચહેરાનો રંગ આ સાંભળી ઊડી ગયો. તે મૂંઝાયો… થોથવાયો… ‘તે… તમારી વાત સાચી. મારી ભૂલ કબૂલ કરું છું. મારે લેતાં પહેલાં બરાબર તપાસ કરી લેવી જોઈતી હતી. પણ આ ડાઘો લીધી ત્યારથી જ હતો.’
ચંદુ નિર્વિકાર ભાવે બોલ્યો : ‘પણ હવે કંઈ ન થઈ શકે. હું દિલગીર છું. તમારે ખરીદતી વખતે બરાબર તપાસી લેવું હતું. આ ડાઘ હોવાથી ઘડિયાળને કંઈ વાંધો નહીં આવે.’
‘એ વાત ખરી. ડાઘને લીધે ઘડિયાળને ચાલવામાં કંઈ વાંધો નહીં આવે, પરંતુ આ ઘડિયાળ અમારે એક સંબંધીના લગ્નપ્રસંગે ભેટ તરીકે આપવાનું છે. આ ડાઘવાળી વસ્તુ આપીએ તો સારું ન લાગે. અચ્છા, તમે બદલી ન આપી શકો તો મને એક બીજું ઘડિયાળ બતાવો. આ હું વાપરીશ.’ ચંદુએ ઘડિયાળ બતાવ્યું. છોકરાએ તેને બરાબર ફેરવી-ઉલટાવી તપાસી જોયું અને ખરીદી ચાલ્યો ગયો.

પેલા છોકરાના ગયા બાદ ચંદુએ ગર્વભેરી દષ્ટિએ મારી તરફ જોયું. દષ્ટિમાં કેવળ ગર્વ જ નહોતો, ધૂર્ત વેપારીની વિજયમુદ્રા હતી. થોડીક વાર સુધી હું આ પ્રસંગ પર વિચાર કરતો બેસી રહ્યો. પછી મારાથી બોલ્યા વગર ન રહેવાયું : ‘આ બરાબર ન કર્યું ચંદ્રકાન્ત. બિચારા છોકરાને….’
‘તમે સમજો નહીં. બિઝનેસ ઈઝ બિઝનેસ. સચ્ચાઈનો જમાનો વીતી ગયો સતયુગની સાથે. આ તો કળિયુગ છે. પ્રમાણિકતા અને સચ્ચાઈથી ધંધો કરવા જઈએ તો દેવાળું કાઢવું પડે દેવાળું. તમારે સાંભળવો છે બીજો એક આવો કિસ્સો ?’
હું મનમાં નારાજ હતો, કંઈ બોલ્યો નહીં. ચંદુ કિસ્સો કહેવા લાગ્યો :
‘આપણા પેલા રમણલાલ શેઠને તો તમે ઓળખો છો ને ? કાપડના મોટા વેપારી. માલ ખરીદવા હું મુંબઈ જતો હતો. રસ્તામાં એ મને મળી ગયા. તેમણે જાણ્યું કે હું મુંબઈ જાઉં છું. મને કહ્યું કે, મારા જમાઈ માટે એક સોનાનું સરસ ઘડિયાળ લેતો આવજે. પાંચસો રૂપિયા ખરચ થાય તો વાંધો નથી. સાથે સોનાની ચેઈન પણ લાવજે. મુંબઈની રોલેક્સ કંપનીમાં ગયો. સોનાના કેસવાળું ઓટોમેટિક રોલેક્સ પસંદ કર્યું. કિંમત રૂપિયા સાડા ચારસો… સો રૂપિયાની સોનાની ચેઈન. મારે ચાર-પાંચ દિવસ મુંબઈમાં રહેવાનું થયું. મને વળી એવી કુબુદ્ધિ સૂઝી કે હું એ ઘડિયાળ કાંડે બાંધી ફરવા નીકળ્યો. કાલબાદેવીમાં એક ઘડિયાળની દુકાને ધંધા અંગે ગયો. દુકાન નાની અને સાંકડી, ઉપર છતથી લટકતો પંખો ફરતો હતો. વાતો કરતાં કરતાં મેં હાથ ઊંચો કર્યો. કાંડે બાંધેલું પેલું ઘડિયાળ પંખાની બ્લેડ સાથે અથડાતાં જ તડાક કરતો અવાજ થયો અને કાચના ચૂરેચૂરા. કાંટો પણ તૂટી ગયો. કિંકર્તવ્યમૂઢ બની હું થોડીક વાર ત્યાં ઊભો રહ્યો. સાડા ચારસોનું બીજું ઘડિયાળ ખરીદવાની મારામાં શક્તિ નહોતી. શું કરવું એની ચિંતામાં ધીરે ધીરે ઘર ભણી ચાલવા માંડ્યો.

બીજે દિવસે ભાંગેલી ઘડિયાળ બોક્સમાં મૂકી, કૅશમેમો લઈ પહોંચ્યો રોલેક્સ કંપનીમાં. મૅનેજર અંગ્રેજ હતો. તેમને કહ્યું : ‘ઘડિયાળ ખરીદતી વખતે ઉતાવળમાં મેં બોક્સ ખોલી જોયું નહોતું. બોક્સમાં મને પેક કરીને આપ્યું એ વખતે જ ઘડિયાળ ભાંગેલું હતું. પેકેટ ખોલીને જોયું તો ઘડિયાળ આ પ્રમાણેની હાલતમાં મળ્યું. મહેરબાની કરીને બદલી આપો. એક સંબંધીના મેરેજમાં આપવાનું છે.’ અંગ્રેજ સાહેબ બેચાર સેકંડ સુધી મારા તરફ જોઈ રહ્યો. બે-ત્રણ વાર કંઈ વિચાર કરી આંખો પટપટાવીને તેમણે પૂછ્યું : ‘Do you tell the truth ?’
મેં જવાબ આપ્યો : ‘Yes Sir, absolute truth.’ મારી દીનતા અને નમ્રતાથી એ પ્રભાવિત થયો. તેણે ઘંટડી વગાડી પ્યૂનને બોલાવ્યો. સાહેબે પ્યૂનને કહ્યું : ‘આ બોક્સ લઈ જા. બીજું ઘડિયાળ લઈ આવ.’ બીજું ઘડિયાળ આવ્યું. બરાબર બોક્સમાં મૂકી સાહેબને ‘મેની મેની થેંક્સ’ કહી વિદાય થયો..’

ચંદુની આવી વેપારી બુદ્ધિ અને ધર્મનીતિની વાત સાંભળી મને ખાતરી થઈ ગઈ કે આપણા રૂપિયા આ જન્મે પાછા નથી આવવાના. પરંતુ ના, ચંદુએ મારું દેવું વાળ્યું ખરું, જુદી રીતે…. એક વાર ચંદુના ઘર આગળથી સવારે પસાર થતો હતો, ત્યાં શાંતિલાલ સોની ચંદુના ઘરનો દાદર ચડતા હતા. પૂછ્યું : ‘કેમ શાંતિલાલ, શા સમાચાર છે ?’
તેણે જવાબ આપ્યો : ‘ઠીક છે. આ તો ચંદુભાઈએ એક સોનાના દાગીનાનો સેટ બનાવવા આપ્યો હતો તે આપવા જાઉં છું.’ શાંતિલાલના હાથમાં બોક્સ હતું. દાગીના જોયા. સુંદર ડિઝાઈનના હતા.
મેં પૂછ્યું : કેટલાનો થશે આ સેટ ?’
‘આશરે એક હજારનો.’ સાંભળી મનને થોડીક શાંતિ મળી. ભલે મને મારા હજાર રૂપિયા પાછા ન મળ્યા, પરંતુ દીકરીને તો મળ્યા ને !

અરે હા, એ તો કહેવાનું હું ભૂલી ગયો કે ચંદુ… ચંદ્રકાન્ત મારો જમાઈ હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શીતલનું અપ્રતિમ સાહસ – મનહર ડી. શાહ
મૂળને મજબૂત કરીએ – જયવતી કાજી Next »   

35 પ્રતિભાવો : ચંદુ ઘડિયાળી – અનુ. રજનીકાન્ત રાવલ

 1. Viren Shah says:

  Ghatiya varta, maja naa aavi. Dharato hato ke saras Hridya sparshi parasang hashe, pan chhevate nichali kaksha nu comedy niklyu

 2. કલ્પેશ says:

  છેલ્લુ વાક્ય જ વાર્તાને પલટો આપી દે છે.
  સરસ 🙂

 3. કલ્પેશ says:

  અને આજના દિવસે બે એકબીજાથી વિપરીત વિષય પર લેખ.
  જયવંતીબેનની પાયાના મૂલ્યોની વાત અને ચંદુ ઘડીયાળીના મૂલ્યો?

 4. Apeksha says:

  i would love to relpy Viren Shah
  Sir
  do you know what it is very easy to criticise someone…easily we can say that this food is not good but can you think that how long it took to make that food. if you go to restuarent and are paying for that food and then you dont like it then fair enough you have rights to say but if your mom or wife or any other family member is cooking and you dont like it but still you say hummm nice food then only its called “Good Hearted person”. all the articles here are free and just for your entertainment…..dont you feel that the person who wrote…the person who collected….the person who put it together….are they doing this to hear this kind off cheap comment from you…..very very very cheap comment from you….
  Read the comment from Kalpesh..he very well understood what it is….
  you shouldnt read on this website because this is for all higher thinking people…..

 5. Hiren says:

  Apeksha

  Why you want to argue with other reader. Every one has right to psot his/her opinion? If you like the story – say I liked it. It is not your job to advise other reader that he must also like the story since you liked it.

  It seems some has criticised your food preparation and you want to take it out on the other reader. Your example of food does not make sense in this regard.

 6. javed says:

  Yes Apeksha, You are Correct. There is also one another Thing, Mrugeshbhai told some months ago, We have to value the thinking of an author, Its not necessary that all the types of articles having the same height of sanctification by your eye. You can value the good articles, Only when there are some bad ones by your choice. And Shahitya is not bound for any rules and regulations. one saw you good things like “Paayaa naa Mulyo” and another can saw the REAL thing….

 7. ભાવના શુક્લ says:

  વાર્તાનો અંત બહુ મજાનો રહ્યો. બનફુલની વાર્તાનુ ગુજરાતી પણુ માણવાની પણ મજા આવી.

 8. Viren Shah says:

  Apeksha:

  See point here is that Good hearted person also have their wishes / opinions. It is about personality and beliefs. Moreover, I don’t see any point that if this site is free so I shall always praise each and every article regardless I like it or not.

  Instead of telling somebody that food is better even if you have not liked may shake your relationships with them. Transparency in the relationship makes them stronger and better instead of just stating good things to feel the people good. A person can not be trusted if he/she tries to please every one.

  This concept, to tell the right thing (honestly) what you feel, not what other person wants to listen and feel is called Assertiveness which is not ingrained or well known in our (Indian) culture, and as you can see sometimes this Non-assertive behavior causes big issues and problems amongst the people’s relations, causes big failures and issues in business, wastage, and troubles.

 9. Sapna says:

  I like the last sentence……….
  Very nice story.

 10. Tejal says:

  goood story

 11. Mitali Lad says:

  first i though what happend to chandu’s ethics? But I like the end, atleast the lander is feeling better that indirectly the daughter is living good life with chandu. A father is feel good when knows that his childern are leading good life.

 12. Apeksha says:

  Mr. Viren

  I don’t want to fight here for anything but would love to make my point clear….
  Transparency is the necessity for a good relationship but to tell people straightforward makes things worst…
  Exactly tell the people what you think but what I wrote before and writing again tell people in a good way…..
  “GHATIYA VARTA” is this the way to tell anyone……I would say here that this shows which kind off person you are…..
  Honesty is different issue and sharing your view with very bad words which hurt other people is very different thing….
  Free site I used because when people go to a restaurant think that waiters work here for them so they can tell them whatever they want……..
  Where is their HUMANITY where they say bad words to people…..?
  Instead you could have express the same thing in very different manner which could be more encourages rather then discouraging….

 13. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  અન્ય બાબતોમાં ન જતાં, હું એટલું કહેવા માંગીશ કે છેલ્લા એક-બે વખતથી એવી વાર્તાઓ મૂકવાનો પ્રયાસ કર્યો છે જે ઘણો વિચાર માંગી લે છે. પ્રકાશિત કરતાં પહેલાં મેં ઘણા દષ્ટિકોણથી આ વાર્તાને જોવાનો પ્રયાસ કર્યો છે.

  આ પ્રકારની વાર્તાઓમાં છેલ્લા બોલે આખી મેચ ફરી જાય છે ! જેમ કે ગત સપ્તાહે ‘પપ્પા તમે આ શું કહ્યું ?’ વાર્તામાં જોયું હતું. અહીં ધ્યાનપૂર્વક જોઈશું તો એમ લાગશે કે આ દહેજની વાર્તા છે. અહીં પ્રત્યક્ષ રૂપે કોઈ માંગણી કરવામાં આવતી નથી પરંતુ ચંદુનો સ્વભાવ જોઈને જ ખ્યાલ આવી જાય કે તે તેના સસરા જોડે કેવું વર્તન કરતો હશે. તેથી તેના સસરા ‘ન કહેવાય ન સહેવાય’ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.

  અહીં ખુલ્લી રીતે દહેજની વાત નથી પરંતુ અપાયેલી મદદને પરત ન કરવી એની પાછળ ચંદુનો અયોગ્ય હેતુ સ્પષ્ટ દેખાય છે. વાર્તાકારની કુશળતા એ છે કે મુખ્ય મુદ્દાને ક્યાંય પ્રત્યક્ષ થવા દીધો નથી અને જાણે બે મિત્રો સાથે વાત બનતી હોય એમ છેક સુધી લાગે છે.

  તેથી વાચકો પાસે હું આશા રાખું છું કે બે-ત્રણ વખત વાંચીને આ પ્રકારની વાર્તાઓ પાછળ તેના મુખ્ય મુદ્દા વિશે કંઈક વિચારશો. જો કે ઈન્ટરનેટ પર વાંચવાનું હોઈ ત્વરિત તે શક્ય નથી બનતું પણ આ પ્રકારની વાર્તાઓ બે-ત્રણ દિવસ સુધી તો આપણા મનમાં ઘુંટાયા જ કરે.

  હજી આગામી સપ્તાહે આવી વધુ એક વાર્તા આવે છે….

  લિ. તંત્રી, મૃગેશ શાહ.
  રીડગુજરાતી.

 14. Viren Shah says:

  આપેક્ષા

  Point taken into consideration.

  Your first comment was about why did you make a bad comment and why did not you praise the story. Now the your point is more clear that the way to express the opinion is that what you have an issue with.

  Regardless, I too don’t want to create a big comment war here too…Thanks.

 15. saurabh desai says:

  This is not a place to quarrel.so please stop doing this. Today’s both stories have their unique values….We are reading comments to see what other readers are thinking .not see those kind of comments..So request to all readgujarati reader to keep the values of this website in the mind..

 16. Komal Patel says:

  i like the last sentence :))

 17. Chetan Tataria says:

  જ્યારે વારતા વાચતો હતો ત્યારે સતત એમ વિચારતો હતો કે એવુ તો કયુ કારણ છે કે ચંદ્રકાંતની પાસે મુરબ્બી ઉઘરાણી નહતા કરી શકતા. છેલ્લા વાક્યે સ્પ્ષ્ટ કરી દીધુ. આખરે જમાઈ હતા “ચંદ્રકાંત”.
  સરસ વારતા. લેખકે આડકતરી રીતે જે મુલ્યો ની વાત કરી છે, તે ખુબ જ સરસ છે.

 18. Sam says:

  Nice Story! A bit of twist in the end makes it interesting

 19. Bhavin says:

  honestly after reading story – I also not happy with it – it seems ok, but after reading Mrugeshbhai’s and Chetan’s reply .. I understand it more clear.

  as well as comments are also interesting. and I totally agree with both – Viren and Apeksha.

  Viren – I like – say truth.

  Apeksha :- I like – say truth with sweetness.

  I can say I like commnets more then story.

  whatever – thanks to readgujarati.

 20. Bhavesh says:

  Nice story, took a while to correlate end with story. Thanks.

 21. Ashish Dave says:

  Thanks Mrugeshbhai for selecting such stories…makes one think

  Ashish Dave
  Sunnvyale, California

 22. brijesh says:

  I like story. Up to last sentence it is is an ordinary story burt last sentence make it nice story. Secondly when you make comments make sure nobody hurt.

 23. Vintage lovelies….

  Vintage lovelies….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.