મૂળને મજબૂત કરીએ – જયવતી કાજી

[‘આજની ઘડી રળિયામણી’ પુસ્તકમાંથી સભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘The great obligation to our children is to prepare them to understand and to deal effectively with the world in which they will live and not with the world, we have known or the world we would prefer to have.’ – Grason Krik.

aajni ghadi‘તમારા વખતમાં તમે ભલે એમ કર્યું હોય, આજે બધું બદલાઈ ગયું છે.’
‘આજે તો પરીક્ષામાં આરામથી કોપી થતી હોય છે. પેપર ફૂટતાં હોય છે. અરે ! કોપી કરવામાં તો કેટલીક વખત સુપરવાઈઝર પણ મદદ કરતા હોય છે.’
‘શાળાના શિક્ષકને કે આચાર્યને જુઠ્ઠું કહ્યું તેમાં શું થઈ ગયું ?’
‘એક વર્ષ રહીને ‘ડ્રાઈવિંગ’ લાયસન્સ મળવાનું છે અને મને ગાડી ચલાવતાં આવડે છે તો પછી રાત્રે ગાડી ચલાવી દોસ્તારો સાથે ફરવા જાઉં એમાં શું થઈ ગયું ? પકડાઈએ તો પોલીસને થોડીક નોટો આપી દેવાની.’
‘તમારો જમાનો ગયો. ભલે તમે બે માઈલ પગે ચાલી શાળાએ ગયા હો તેથી શું ? ચાર જોડી કપડાંએ તમે ચલાવ્યું તેમાં અમારે શું ? આજે એ બધું નહિ ચાલે.’
‘આજે બધું બદલાઈ ગયું છે. પ્રમાણિકતા, નીતિનિયમો, સંબંધો – નિષ્ઠા આ બધાંની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજના ઈન્ટરનેટ અને વૈશ્વિકરણના યુગમાં અને સતત સ્પર્ધામાં અમે ઊભા જ કેમ રહી શકીશું ?’
‘આમ કર્યું તેમાં શું થઈ ગયું ? So What !’

આ શબ્દો, આ ભાવ, આ લાગણી અને વિચારધારા કોઈ એક કુટુંબ કે ઘરમાં જ નથી પરંતુ ઠેરઠેર કિશોરકિશોરીઓને મોંએ ઉચ્ચારાતા આ શબ્દો છે.
‘કદાચ આ વાત સાચી પણ હોય, એમાં તરુણોનો વાંક કે દોષ ન પણ હોય.’ શુચિતાએ મને કહ્યું.
‘પહેલાંનાં જીવનમૂલ્યો અને ખ્યાલો આજના જીવનના સંદર્ભમાં ઘણીય વખત અપ્રસ્તુત લાગે છે. શું સાચું અને શું ખોટું તે જ સમજાતું નથી. અત્યન્ત વેગથી આગળ વધતા અને બદલાતા જમાનામાં આપણે બાળકોને શું શીખવવું જોઈએ એ જ સમજાતું નથી.’ સુમિતાએ કહ્યું હતું.
‘ખરેખર ! આપણે જૂનાં મૂલ્યો – આપણા સંસ્કાર અને ભાવનાઓને ભૂલી કે ખંખેરીને ઉવેખી શકતાં નથી અને નવા ખ્યાલો સ્વીકારી શકતા નથી. આ એક મોટી સમસ્યા છે.’ સુશીલભાઈએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.

આ માત્ર શુચિતા-સુમિતા કે સુશીલભાઈની જ સમસ્યા કે ચિંતા નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. આજના સંક્ષુબ્ધ કાળમાં અને અત્યન્ત ઝડપથી દોડતી દુનિયામાં જ્યારે આપણે જ અનિશ્ચિત છીએ, વિમાસણમાં છીએ – ગૂંચવાયેલા છીએ ત્યારે તરુણોનો શો દોષ ? આપણને જ સમજ નથી પડતી કે આપણે આપણાં સંતાનોને શું શીખવવું જોઈએ. જેમ ચાલે છે, જેમ બધાં કરે છે તેમ કરતાં રહી પ્રવાહ સાથે ઘસડાતાં રહેવું ? યુગબળને જવાબદાર લેખી આપણે આપણાં કર્તવ્યમાંથી છૂટી જવું ? કે પછી તટસ્થતાથી અને સમજણથી પરિસ્થિતિ પ્રમાણે એમાં સુધારો કરતાં રહેવું ?

મને લાગે છે કે બધા નવલોહિયા તરુણો આમ જ વર્તે છે. ઘેરઘેર એમ જ બને છે – બે પેઢી વચ્ચે અંતર તો રહેવાનું જ અને સમય બદલાયો છે એમ કહી બેસી રહેવું કે છટકી જવું એ યોગ્ય નથી જ. આ તો આપણી એક મોટી જવાબદારી અને કર્તવ્યમાંથી છટકવા જેવું છે કે જેનું પરિણામ આગામી પેઢી માટે ભયંકર આવી શકે. જમાનો ગમે તેટલો બદલાયો હોય, પરિસ્થિતિ નવી જ ઊભી થઈ હોય, તો પણ જીવનનાં કેટલાંક મૂલ્યો સનાતન છે – શાશ્વત છે, જે માનવજીવનને અર્થસભર બનાવે છે. આપણી આંતરચેતનાનો વિકાસ કેવી રીતે કરવો અને વધુ સારા માનવી કેવી રીતે બનવું તે તો એટલું જ મહત્વનું આજના યુગમાં પણ રહે છે જ. જિંદગી આનંદથી જીવીએ, હિંમતપૂર્વક જીવીએ અને જીવનમાં આવતા પડકારોને સામી છાતીએ ઝીલી એમાંથી વધુ તાકાતવાન બનીએ એની આવશ્યકતા તો આજના બદલાયેલા જમાનામાં પણ એટલી જ રહેવાની. તો પછી આ સનાતન મૂલ્યો ક્યાં ? સંક્ષેપમાં કહેવાનું હોય તો આપણાં સંતાનોને આપવા જેવાં દીર્ઘકાલીન મૂલ્યોમાં નીચેની બાબતોનો હું સમાવેશ કરું –

પહેલું તો એ કે હું બાળકને સુખી થતાં શીખવું. તમને આ વાંચી કદાચ આશ્ચર્ય થશે. તમે કહેશો કે સુખી તો બધાને જ થવું હોય છે પણ એ આપણા હાથમાં જ ક્યાં છે ? તો કદાચ કોઈક કહેશે કે આખો વખત કોઈ સુખમાં જ રહે એ પણ કંઈ જરૂરી નથી ! હું તો માત્ર એટલું જ કહેવા માંગું છું કે માણસે રાજી થવાની – ખુશ થવાની પણ ટેવ પાડવી જોઈએ. માણસને જો ખુશ થતાં ન આવડે – ખુશી અનુભવવાની એનામાં શક્તિ કે ક્ષમતા જ નહિ હોય, તો એ પોતે દુ:ખી રહેશે અને બીજાંને દુ:ખી કરશે. એના જીવનમાં ધીમે ધીમે કટુતા આવી જશે. જે માણસ સહેલાઈથી ખુશી અનુભવી શકે છે તે જીવનમાં ટકી જાય છે.

સુસ્મિતાને તમે એક સરસ ફૂલ આપો. એ ખુશ થઈ જશે ! નાનકડી ભેટથી પણ એના મોં પર આનંદની રેખાઓ ચમકી જશે. કોઈક સુંદર દશ્ય જોયું, મધુર ગીત સાંભળ્યું કે બહેનપણીઓ સાથે મળીને થોડીક વાતચીત કરી કે પતિએ એણે બનાવેલી વાનગીની થોડીક પ્રશંસા કરી – વાત ભલેને નાની હોય પણ એને ખુશ થતાં આવડે છે ! એને નાના નાના આનંદ અનુભવતાં આવડે છે. જ્યારે અનિલ માટે ગમે તે કરો અથવા તો એને ગમે તેટલી સિદ્ધિ મળે – પૈસા મળે તો પણ એને કંઈ કમી કે ખોટ જ લાગવાની ! સારો વ્યવસાય છે – સુશિક્ષિત સંસ્કારી પત્ની છે, બે સંતાનો છે છતાં એને તમે પ્રસન્ન, સંતુષ્ટ કે ખુશ નહિ જુઓ ! આ જાતની પ્રકૃતિને લીધે જ આજકાલ ઘણાંને માનસિક ડિપ્રેશન થતું હોય છે !

સાધારણ રીતે બાળકને મઝા માણતાં આવડતું હોય છે. એક ફુગ્ગો લઈને પણ એ ખુશખુશાલ રમશે. ગોટીઓ સાથે રમવામાં એ કેટલોય સમય ગાળી શકશે. નાનકડું રમકડું હોય, રંગીન કાગળ હોય કે પછી વાટકી અને ચમશો હશે એ રમશે ! બાળકમાં આ જે ખુશ થવાની સ્વાભાવિક અને નૈસર્ગિકવૃત્તિ હોય છે તેને આપણે ખીલવીને મોટપણે જાળવી રાખતાં શિખવાનું છે ! આપણે બાળકને તો જ શીખવી શકીએ જો આપણને આપણી જાત સાથે આનંદમાં રહેતાં આવડતું હોય. આપણી આસપાસની દુનિયામાંથી આનંદ શોધતાં અને માણતાં આવડતું હોય ! બાળક આ જોશે તો એનો ‘ચેપ’ એને પણ લાગવાનો. જીવનમાર્ગમાં વિખરાયેલાં ખુશીનાં ખુશ્બેદાર પુષ્પો ભલે તે ઓછાં હોય, પણ એને માણતાં આવડવું જોઈએ.

બીજું, બાળકને શિખવવા જેવું હોય તો તે છે પ્રેમના સાતત્યનો મહિમા. આજે તો એક એવો ખ્યાલ પ્રચલિત બન્યો છે કે પ્રેમ તો મોસમી વર્ષા જેવો છે ! જોરથી અમુક સમય વરસે અને પછી જતો રહે ! પરંતુ મને લાગે છે કે આ ખ્યાલ બરાબર નથી. આ તો એક ભયંકર ભૂલ છે. બાળકને જોઈતો હોય છે ઊગતા સૂરજ જેવો વિશ્વસનીય પ્રેમ, જે પ્રેમ શ્રદ્ધેય હોય. આપણે ઈચ્છતા હોઈએ કે આપણું સંતાન માનવજાત સાથે સાચી રીતે સંલગ્ન થઈ શકે – તો એ પ્રેમને કેવી રીતે જીવંત રાખવો તે એ જાણે એ જરૂરી છે. બાળકે માત્ર પ્રેમ કરતાં જ નથી શીખવાનું પરંતુ એણે એક પ્રેમાળ વ્યક્તિ પણ બનવાનું છે. પ્રેમ થાય અને કદાચ સામા પક્ષનો પ્રેમ ગુમાવી બેસે એવું પણ બને છતાં જે વ્યક્તિ પ્રેમાળ છે – સ્નેહાળ છે તે બીજા પ્રત્યેની ઉષ્મા ગુમાવતી નથી. મુશ્કેલી એ છે કે બાળકને પોતે કેવી રીતે પ્રેમાળ બનવું તેની ખબર નથી હોતી. તમારા પર એ ખુશ થશે એટલે કહેશે : ‘Mummy, I love you’ અને બીજી જ મિનિટે કંઈક વાંકું પડશે એટલે તરત કહેશે તમારી કીટ્ટા ! – I hate you ! પ્રશ્ન એ છે કે આ પ્રેમની જે નિશાની છે તેને આપણે કાયમી સ્વરૂપ કેવી રીતે આપી શકીએ ? પ્રેમનું આ બીજ – આ અંકુર એનામાં છે તેને આપણે સ્થાયી અને એક સ્નેહાળ વ્યક્તિની પુખ્ત અભિવ્યક્તિ કેવી રીતે બનાવી શકીએ ? આ માટે જરૂરી છે કે બાળકને સતત એક સ્નેહાળ વ્યક્તિનો સમાગમ મળતો રહે અને તે વ્યક્તિ તમારે જ બનવાનું છે.

[1] પ્રમાણિકતા : જમાનો ગમે તેટલો બદલાય પણ માનવી માટે નિષ્ઠાનું મહત્વ એટલું જ રહેવાનું. નિષ્ઠા વગરનો સમાજ કેવો હોય ? ‘Integrity is quality of being able to be trusted.’ એનો અર્થ એટલો જ કે આપણામાં એવો ગુણ હોય કે જેને લીધે બીજા આપણો ભરોસો રાખી શકે. આપણા પર વિશ્વાસ મૂકી શકે. આપણે જે કહીશું તે કરીશું. આપણે જે સ્નેહની વાત કરીએ છીએ, જે સ્નેહ બતાવીએ છીએ તે બોલવા પૂરતો જ નથી, પરંતુ આપણો સ્નેહ સાચા અંતરનો છે. આપણે જ્યારે કોઈકની પ્રશંસા કરીએ છીએ ત્યારે એ જુઠ્ઠી કે અપ્રમાણિક નથી હોતી, પરંતુ એ પ્રશંસા સાચકલી હોય છે. આ બધું નિષ્ઠામાં આવી જાય અને આ નિષ્ઠા બાળકમાં ઊતરે છે આપણાં રોજ ને રોજ જિવાતાં જીવનમાંથી ! ‘Integrity’ નો અર્થ એ પણ ખરો કે કંઈક વસ્તુ ખોટી થાય તો આપણે એનો દોષ સ્વીકારી લઈએ. ભૂલ થઈ – કંઈક ખોટું થયું તો એને સ્વીકારી કબૂલ કરીએ. પોતાની ભૂલનો એકરાર કરવો એ સહેલું નથી હોતું.

[2] હિંમત : જો નિષ્ઠાપૂર્વક જીવવું હશે તો પુષ્કળ હિંમત જોઈશે. એના વગર નહિ ચાલે. જીવનમાં આવતાં દુ:ખદર્દ, વ્યથા અને નિષ્ફળતાથી ડરીને નાસીપાસ થઈ ફેંકાઈ ન જવું હોય તો એનો સામનો કરવા માટે હિંમત કેળવવી પડે. ઘણાં કહે છે બાળક છે, એને કુમળી વયે દુ:ખની શી વાત કરવાની ? શા માટે એણે દુ:ખ જાણવું જોઈએ ? પરંતુ મને લાગે છે કે આ બાળકના હિતમાં નથી, કારણ કે જીવનમાંથી આપણે દુ:ખની બાદબાકી કરી શકતાં નથી. બાળકના જીવનપ્રાંગણમાંથી દુ:ખને દૂર રાખવું એટલે સમસ્ત જીવનને બહાર રાખવું. એને જીવનથી અજ્ઞાન અને અપરિચિત રાખવું.

અમીત મારી સાથે ઘણી વખત દલીલ કરે છે અને કહે છે : ‘આપણે એક બાળકને એમ કહેવું કે ‘જીવનમાં દુ:ખ હોય છે ? દુ:ખ આવતું હોય છે ? શા માટે આપણે એને દુ:ખનો પરિચય કરાવવો ?’ બાળક પણ સમજી જાય છે કે વૃદ્ધ દાદીમા અવસાન પામ્યાં છે. એના પાળેલાં પ્રિય કુરકુરિયાને પગે વાગ્યું એટલે એને દુ:ખે છે. બાળકનો ખાસ દોસ્ત એને છોડી બહારગામ દૂર ચાલ્યો જાય એવું બને. આવે પ્રસંગે એને દુ:ખ થાય છે. એને શા માટે આવું બને છે તેની સમજ પડતી નથી. બાળક મોટું તત્વજ્ઞાન સમજી ન શકે પણ આપણે એટલું જરૂર એને ધીમે ધીમે સમજાવી શકીએ કે જીવનમાં આવું બધું બનતું હોય છે. આવી ઘટના બને, બાળક દુ:ખી થાય ત્યારે એને સાંત્વન આપો. એને આંસુ સારવા દો. એને દુ:ખને બહાર કાઢવા દો. અંતમાં એને સંવેદના માટે તૈયાર કરો. બીજા દુ:ખી માનવીઓ પ્રત્યે સંવેદના એને થવા દો. જેમને દુ:ખ હોય તેવા પ્રત્યેની હમદર્દીથી તે દુ:ખ શું છે તે સમજી શકશે.

[3] વિશ્વાસ અને શ્રદ્ધા : જીવનમાં શ્રદ્ધા એક મોટું બળ છે. કોઈક ધ્યેયમાં – કોઈક વસ્તુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. માર્ટિન લ્યુથર કિંગે એક સ્વપ્નું સેવ્યું હતું. એ સ્વપ્ન હતું અશ્વેત લોકોને મુક્ત કરવાનું. આપણે આપણાં બાળકને એક ઉમદા ધ્યેય કે સ્વપ્નું કેવી રીતે આપી શકીએ ? બાળકના મનની જે આશા હોય, મહત્વાકાંક્ષા હોય તે અંગે બાળકની વાત આપણે પ્રેમ અને આદરથી સાંભળી શકીએ. ભલે ને પછી એ વાત નાની હોય કે બાલમાનસનો માત્ર તરંગ હોય ! શક્ય હોય તો બાળકના સ્વપ્નને સાકાર કરવામાં આપણે મદદ કરીએ. વિખ્યાત લેખક અને ચિંતક આર્ડિસ વ્હીટમૅને માતાપિતાને બહુ જ સરસ વાત કહી છે. ‘Teach your child to transfer beliefs into action !’ આપણે જે માનતા હોઈએ – જે મૂલ્યોમાં આપણને શ્રદ્ધા હોય તેને આચરણમાં ચરિતાર્થ કરીએ.

આ લખતાં લખતાં મારું મન પહોંચી ગયું મારા બાળપણમાં. નજર સમક્ષ ઊપસી આવે છે શર્માજીની મૂર્તિ. તેઓ નિવૃત્ત લશ્કરી અમલદાર હતા. સૂરતમાં એમની વાડી અમારી વાડીની નજીક. તેઓ એકલા જ હતા. એમનો એકનો એક પુત્ર લશ્કરમાં નોકરી કરતો હતો. એમની પત્નીનું અવસાન થયું હતું. વૃક્ષો એમને ખૂબ જ વહાલાં. જ્યારે જુઓ ત્યારે વાડીમાં કંઈ ને કંઈ કામ કરતાં હોય. એમને વૃક્ષો ઉછેરવાં ખૂબ ગમે. પણ વૃક્ષોને ઉછેરવાની એમની પદ્ધતિ સાવ જુદી ! તેઓ હંમેશ કહેતાં, કષ્ટ વગર સિદ્ધિ નહિ. તેઓ નવાં રોપેલાં વૃક્ષને પાણી પાતાં નહિ ! ક્યારેક છાપાનાં કાગળનો રૉલ બનાવી વૃક્ષોને ઝાપટ પણ મારે ! મને આથી ખૂબ આશ્ચર્ય થતું. મેં એમને એક દિવસ પૂછ્યું હતું : ‘શર્માકાકા, તમારા ઝાડ સાથે તમે આવી સખતાઈ કેમ કરો છો ?’
‘બહેન, તું નાની છે. તું અત્યારે એ નહિ સમજે. પણ છોડ અને બાળક બન્ને સરખાં. મારે મારાં વૃક્ષોને માયકાંગલાં – નબળાં અને નિર્માલ્ય નથી બનાવવાં. મારે એમને બગાડવાં નથી ! નવાં રોપેલાં વૃક્ષને પાણી પાયા કરીએ તો એ વૃક્ષનાં મૂળિયાં છીછરાં રહી જાય. પાણી ન પાવાથી મૂળિયાંને પોતાની ભીનાશ માટે અંદર સુધી ઊંડે જવું પડે. જો મારા આ બધાં ઝાડ ! પવનના ઝપાટામાં તેઓ ઝૂકી નહિ જાય. એ ટકી રહેશે, કારણ કે મેં એમને મજબૂત અને કૌવતવાળાં બનાવ્યાં છે.’ તે વખતે હું શર્માજીની વાત સમજી નહોતી.

સૂવા જતાં પહેલાં હું મારા દીકરાઓના ખંડમાં ગઈ. બન્ને આરામથી ઊંઘતા હતા. નિર્દોષ કુમળા ઊગતા છોકરા. એમને જોઈ મારું દિલ ભરાઈ આવ્યું. મનોમન હું પરમેશ્વરને પ્રાર્થના કરી રહી, ‘પ્રભુ એમની જીવનયાત્રા નિષ્કંટક કરજે. એમના માર્ગમાં સુવાસિત પુષ્પો છવાયેલાં રહે. જીવનમાં એમને દુ:ખનો સ્પર્શ પણ ન થાય.’…. પરંતુ આ શું શક્ય છે ખરું ? હું સમજું છું કે એમના પર મુસીબતો આવશે. નાનીમોટી વિપત્તિઓ પણ આવવાની, કારણ કે જીવન કપરું છે. હું ગમે તેટલું ઈચ્છીશ અને પ્રાર્થના કરીશ તો પણ તેઓ દુ:ખ દર્દ અને વ્યથામાંથી નહિ ઊગરી શકે. તો પછી હું શું પ્રાર્થના કરું ? હું પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીશ, ‘હે પરમનિયંતા, તું એમની આંતરચેતનાની શક્તિનાં મૂળને ઊંડે સુધી લઈ જજે. એને ખૂબ મજબૂત અને દઢ બનાવજે. એમને એટલી તાકાત બક્ષજે કે જેથી તેઓ જીવનના ઝંઝાવાતમાં ઊખડી જવાને બદલે એના પડકાર ઝીલી ટટ્ટાર ઊભા રહી શકે.’ વર્ષો પહેલાં મારા પિતાજીના મિત્ર અને પાડોશી શર્માજીના શબ્દોનું મને સ્મરણ થયું. એમણે કેટલી મોટી વાત કહી હતી !

જમાનો ગમે તેટલો બદલાયો હોય તો પણ આ મૂલ્યો તો એવાં છે કે જે સનાતન છે. આપણાં સંતાનોમાં આટલું સિંચન કરી શકીએ તો….

[ કુલ પાન : 144. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચંદુ ઘડિયાળી – અનુ. રજનીકાન્ત રાવલ
એડમિશન – ગિરીશ ગણાત્રા Next »   

9 પ્રતિભાવો : મૂળને મજબૂત કરીએ – જયવતી કાજી

 1. અતિસુંદર Observations…..બે જમાના વચ્ચે કદાચ મોટો ફરક હશે….કે કહો આજની જીંદગી ફાસ્ટ થઈ ગઈ છે પણ આ બધા વચ્ચે એક વાત તો છે જ કે હવેના બાળકો ખૂબ ચતુર થઈ ગયા છે….અને ઉત્ક્રાંતિવાદની જરુરીયાત મુજબ એમણે એમને સંજોગો પ્રમાણે ઢાળી દીધા છે….

  અને એ વાત પણ સાચી છે કે બંગલાના ડેકોરેશન પર ભાર આપતા આપતા આપણે ફાઊન્ડેશનની અગત્યતા કદાચ ભૂલતા જઈ રહ્યા છીએ…..અને આ જોતા શિર્ષક મૂળને મજબૂત કરીએ તદન યથાસ્થાને છે…

 2. કલ્પેશ says:

  જમાનો ભલે બદલાય અને આપણે ગમે એટલા ‘મૉર્ડન’ થઇએ, પણ પાયાના મૂલ્યો વગર જીવન કેવુ? બીજા કોઇ નહી પણ આપણે પોતે પોતાને પારખવા જેવુ.

 3. RUPAL says:

  ખુબ સરસ વાત કહી.

  Rupal

 4. ભાવના શુક્લ says:

  બાળકને ખુશ કરવુ કે રાખવુ એ એક સરળ વાત છે અને બાળકને શુ સારૂ અને શુ ખરાબ તેની સાચી સમજણ આપીને ખુશ રાખવુ તે એટલીજ અઘરી અને અનેક પ્રયત્નો અને સમજદારી માગી લેતી વાત છે.
  સરસ વાત છે પાયાના મુલ્યો સાથે જીવવાની અને સતત અનુકુલન સાધતા રહેવાની..

 5. KRUPA DILIP says:

  very nice…..perfect thinking…Life is not possible without “SANATAN MULYO”.
  if u want peace in your life u have to catch basic “MULYO” about life. And root becomes solid no one can instable your tree of life.

 6. pragnaju says:

  જીવનમાર્ગમાં વિખરાયેલાં ખુશીનાં ખુશ્બેદાર પુષ્પો ભલે તે ઓછાં હોય,
  પણ એને માણતાં આવડવું જોઈએ–આ અંગે ખૂબ સુંદર માર્ગદર્શન આપવા બદલ ધન્યવાદ

 7. Ami Patel says:

  Very ture. Thanks for the reminder.
  -Ami

 8. Pinki says:

  nice inspiring story……..

  thanks……

 9. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ.

  મારા પણ મૂળ મજબૂત થાય એવી પ્રભુ પ્રાર્થના.

  “‘હે પરમનિયંતા, તું એમની આંતરચેતનાની શક્તિનાં મૂળને ઊંડે સુધી લઈ જજે. એને ખૂબ મજબૂત અને દઢ બનાવજે. એમને એટલી તાકાત બક્ષજે કે જેથી તેઓ જીવનના ઝંઝાવાતમાં ઊખડી જવાને બદલે એના પડકાર ઝીલી ટટ્ટાર ઊભા રહી શકે.’”

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.