- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એડમિશન – ગિરીશ ગણાત્રા

બપોરે રમણભાઈના ટેબલ પરની ફોનની ઘંટડી રણકી. રમણભાઈએ એ ફોન ઉપાડ્યો. એના અંગત મિત્ર વીરેન્દ્રભાઈનો ફોન હતો. થોડી ઔપચારિક વાતો કરી વીરેન્દ્રભાઈએ કહ્યું :
‘રમણભાઈ એક કામ પડ્યું છે.’
‘બોલોને ભાઈ, સૌનાં કામ કરવા તો બેઠા છીએ.’
‘તમારી બેન્કમાં જમુભાઈ ત્રિપાઠીનું ખાતું છે….’
‘મને ખબર નથી.’
‘અરે ! બૅન્કના મેનેજર થઈને તમારા ખાતેદારોની ખબર નથી ?’
‘મેનેજર ખરો, પણ તમામ ખાતેદારોનો મને પરિચય ન હોય. હા, ધિરાણ લેતા ખાતેદારોની જાણ હોય, પણ ચાલુ ખાતું કે બચત ખાતું ધરાવતા ખાતેદારો અનેક હોય એટલે, અને આમેય, અહીં બદલી થઈને આવ્યાને પૂરું વર્ષ પણ થયું નથી, એટલે તમામ ખાતેદારોને ઓળખતો પણ ન હોઉં. બોલો ને, શું વાત છે ?’
‘આ જમુભાઈ ત્રિપાઠી એટલે સંસ્કાર વિદ્યાલયના આચાર્ય, તમારી બૅન્કમાં સંસ્કાર વિદ્યાલયનું ચાલુ ખાતું છે. મને ખબર છે.’
‘તે એનું શું છે ?’
‘મારે તમારી પાસેથી એ ખાતાની કોઈ માહિતી નથી જોઈતી, પણ બેન્કના મેનેજર તરીકે એમના પર તમારો પ્રભાવ પડી શકે…. વાત એમ છે કે મારા પુત્રને એની શાળામાં એડમિશન જોઈએ છે, તમે જરાક દબાણપૂર્વક કહેશો તો વાત બની જશે, અને હા, કદાચ પાંચ-દસ હજાર ખંખેરવા પડે તો આપણે તૈયાર છીએ.’ કહી વીરેન્દ્રભાઈએ એના પુત્રની તમામ હકીકત રમણભાઈને લખાવી.

‘જુઓ વીરેન્દ્રભાઈ,’ રમણભાઈએ એક કાગળ પર વિગતો ટપકાવી કહ્યું : ‘હું જમુભાઈને ક્યારેય મળ્યો નથી. કરંટ ખાતાનો હવાલો સંભાળતા મારા અધિકારીને પૂછીને એની સાથે વાતચીત કરી તમને કહું.’
‘બને તો અત્યારે ફોન કરો ને ! એ શાળામાં જ હશે.’
‘સારું, પ્રયત્ન કરું છું, જે કંઈ થઈ શકે એવા બધા પ્રયત્નો કરી તમને જણાવું છું.’ વીરેન્દ્રભાઈ ફોન મૂકી, રમણભાઈએ કરંટ ખાતું ચલાવતા અધિકારીને ફોન પર સંસ્કાર વિદ્યાલયના ખાતા વિશે પૂછપરછ કરી. અધિકારીએ કહ્યું : ‘સર, ખાતું બરાબર ચાલે છે. જો કે બેલેન્સ બહુ રહેતું નથી, પણ એકાઉન્ટ સેટીસફેક્ટરી છે.’
‘એના પ્રિન્સિપાલ કે આચાર્ય કોઈ જમુભાઈ ત્રિપાઠી કરીને છે…’
‘સર, મારી સામે જ બેઠા છે.’ અધિકારીએ કહ્યું, ‘એમને મળવું હોય તો આપની પાસે લઈને આવું ?’
‘હા, આવો ને’ કહી રમણભાઈએ ફોન મૂક્યો.

થોડીવારમાં અધિકારી જમુભાઈને લઈને મેનેજરની કેબિનમાં પ્રવેશ્યા અને બંનેનો અરસપરસ પરિચય કરાવી જતા રહ્યા. અધિકારીની વિદાય બાદ રમણભાઈએ જમુભાઈને વિવેક કર્યો.
‘બોલો સાહેબ, શું લેશો ? ચા, કૉફી કે ઠંડું પીણું ?’
‘કશું જ નહિ.’ જમુભાઈએ વિવેકપૂર્વક જવાબ આપ્યો, ‘બિલકુલ સાદાઈભરી જિંદગી છે. શરીરની જરૂરિયાત મુજબ જ એને પીરસું છું, એને કોઈ ખોટી ટેવ પાડી નથી.’
ખાદીના પહેરવેશ ધારણ કરેલો જમુભાઈનો કસાયેલો દેહ જોઈ રમણભાઈએ કહ્યું : ‘કૉફી તો પીશો ને ?’
‘જી, ના, આ દેહને પાણીની જરૂર પડશે. એ મંગાવો’ કહી જમુભાઈ હસ્યા અને બોલ્યા : ‘મારું કંઈ કામ હતું ?’
‘એક નાનકડું કામ છે’ કહી રમણભાઈએ વીરેન્દ્રભાઈના પુત્રની તમામ વિગતો રજૂ કરતાં નુક્તેચીની કરી, ‘હું તો ગામમાં નવો છું પણ વીરેન્દ્રભાઈ મારા બાળપણના મિત્ર, એમનો અને મારો વર્ષોથી સંબંધ. આજે જ એનો ફોન હતો કે એના પુત્રને તમારી શાળામાં….’
‘જુઓ સાહેબ,’ જમુભાઈએ કહ્યું, ‘એના પુત્રને એડમિશન મળે એમ નથી. મારી પાસે એ ખૂબ દલીલો કરી ગયા.’
‘અભ્યાસમાં નબળો છે ?’
‘ના, છોકરો ઠીક ઠીક કહેવાય એવો હોશિયાર છે, પણ અમારી શાળામાં પ્રવેશ લેતાં પહેલાં અમે એમની એક લેખિત કસોટી લઈએ છીએ, એ કસોટીમાં એ પાર ઊતર્યો નથી.’
‘તમારું કસોટીપત્ર બહુ અઘરું હશે.’
‘એની તો મને ખબર નથી, કારણ કે અમે અભ્યાસને લગતો એક પણ પ્રશ્ન પૂછતા નથી, જો અભ્યાસના વિષયોની પરીક્ષા લઈએ તો સ્વાભાવિક છે કે હોશિયાર વિદ્યાર્થી જ પસંદ થાય. હોશિયાર વિદ્યાર્થીને ભણાવી સૌ કોઈ શાળા પોતાનું નામ ઊંચું રાખી શકે. એમાં શી ધાડ મારવાની છે ? અમારી કસોટી જરા જુદા પ્રકારની છે. એમાં અભ્યાસમાં નબળો વિદ્યાર્થી પણ પાસ થઈ પ્રવેશ મેળવી શકે છે.’
‘અચ્છા !’ રમણભાઈને નવાઈ લાગી : ‘એવું તે કેવું કસોટીપત્ર હોય છે ?’
‘અમે કેટલાક સવાલો દ્વારા વિદ્યાર્થીનાં વાણી, વ્યવહાર, વર્તન, સંસ્કાર, સંયમ અને ચારિત્ર્ય વગેરેની હકીકતો જાણી લઈએ છીએ; વિદ્યાર્થીએ જે જવાબ આપ્યા હોય તેને અમે મૌખિક પ્રશ્નો પૂછી ચકાસણી કરી લઈએ છીએ…..’
‘દાખલા તરીકે ? અર્થાત તમારા પ્રશ્નો કેવાં હોય છે ?’

‘હું પ્રશ્નનું ઉદાહરણ આપવાને બદલે તમને જ એક પ્રશ્ન પૂછું ?’
‘પૂછો.’
‘ધારો કે તમે તમારી પત્ની અને મા સાથે હોડીમાં પ્રવાસ કરો છો.’ જમુભાઈએ રમણભાઈની સામે તાકતાં પ્રશ્ન કર્યો : ‘હોડીમાં તમે ત્રણ જ વ્યક્તિ છો. પાણી ઊંડા છે. માત્ર તમને એકલાને જ તરતાં આવડે છે. આવા સંજોગોમાં, હોડી ઊંધી વળી જાય તો તમે પહેલાં કોને બચાવશો ? યાદ રાખજો કે તમે માત્ર એક જ વ્યક્તિને બચાવી શકવા સક્ષમ છો. હવે આપો મારા પ્રશ્નનો જવાબ.’
રમણભાઈ વિચારમાં પડી ગયા અને પછી જવાબ આપ્યો :
‘હું મારી માતાને બચાવવા પ્રયત્ન કરું.’
‘પત્નીને શા માટે નહિ ?’
‘જે માતાએ મને જન્મ આપ્યો, ઉછેર્યો, મોટો કર્યો…’ રમણભાઈ અહીં થોડા ગૂંચવાયા.
‘અચ્છા સાહેબ’ જમુભાઈએ ગંભીરતાપૂર્વક કહ્યું, ‘તમે જ્યારે પરણ્યા ત્યારે અગ્નિની સામે, સપ્તપદીના સૂત્રે પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારા જીવના જોખમે મારી પત્નીનું રક્ષણ કરીશ. આ પ્રતિજ્ઞાનું શું ?’
‘એ પણ ખરું.’ રમણભાઈ ધીરેથી બોલ્યા.

‘બસ ત્યારે. અમે વિદ્યાર્થીઓના આચાર-વિચાર જાણવા આવા અઘરા તો નહિ પણ એવા પ્રકારનાં પ્રશ્નો પૂછી એના કુટુંબને, એના સંસ્કારને જાણવા પ્રયત્ન કરીએ છીએ. એ અભ્યાસમાં નબળો હોય તો એની અમે ચિંતા નથી કરતા. અમે એની પાછળ મહેનત કરવા બંધાયેલા છીએ… તમારા મિત્ર વીરેન્દ્રભાઈનો પુત્ર કસોટીમાં ખૂબ જ નબળો પુરવાર થયો છે.’
રમણભાઈ ચૂપ થઈ ગયા. થોડીવાર પછી ધીરેથી બોલ્યા : ‘વીરેન્દ્રભાઈ તમારી શાળાને ડોનેશન આપે તો ?’
જમુભાઈ હસ્યા અને જવાબ આપ્યો : ‘મારી શાળામાં વિદ્યાનો વ્યવહાર અર્થ સાથે સંકળાયેલો નથી. ધનથી તમે વિદ્યા નથી ખરીદી શકતા. અને એટલે જ હું અને મારો શિક્ષકગણ જેટલાને ભણાવી શકીએ એટલા જ વિદ્યાર્થીની સંખ્યા લઈએ છીએ, અમારી શાળાનું ફીનું ધોરણ પણ નીચું છે. મર્યાદિત સંખ્યા અને સારું શિક્ષણ એ અમારું ધ્યેય છે…’ અને પછી ઊભા થતાં બોલ્યાં : ‘માફ કરજો સાહેબ, પણ એક વાત કહું ? જે કુટુંબના વડીલ પૈસાના જોરે વિદ્યા ખરીદવા નીકળ્યા હોય એ કુટુંબના ફરજંદમાં કેવા સંસ્કાર હશે, એ તમે સમજી શકશો. વીરેન્દ્રભાઈનો પુત્ર એની કસોટીમાં કેમ અનુત્તીર્ણ થયો હશે એ તમે કલ્પી શકશો… રજા લઉં સાહેબ ?’

કેબીનની બહાર નીકળતાં જમુભાઈને પીઠ પાછળથી નિહાળી રહેલા રમણભાઈ વિચારમાં પડી ગયા કે જિંદગીમાં કોઈ ને કોઈ ઠેકાણે આવાં કેટલાંયે એડમિશન લેવાં પડતાં હશે, એ દરેક વખતે આવી જ કોઈ કસોટી રખાતી હોત તો ? કદાચ, જિંદગીની પરીક્ષામાં કોઈને નિષ્ફળ જવું ન પડે.