શંકા – વજુ કોટક

વજુ કોટકમાણસ ઉપર જ્યારે આફત આવી પડે છે ત્યારે કેટલાક નિરાશ થઈને બોલવા માંડે છે કે ‘આ દુનિયામાં ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં અને જો હોય તો તેને ભાન નથી કે ન્યાય શું અને અન્યાય શું !’ કેટલાક બહુ સારા માણસોને પણ જ્યારે આપણે હેરાન થતા જોઈએ છીએ ત્યારે પણ આપણામાંના ઘણાં એવા કોઈ માણસ માટે બોલે છે કે :
    ‘આ માણસે કોઈ જાતનું પાપ કર્યું નથી અને શા માટે ભગવાન એને હેરાન કરતો હશે ?’
    કોઈ નીચ અને હલકટ માણસને વૈભવ-વિલાસમાં રાચતો જોઈને પણ ઘણાંને પ્રશ્ન થાય છે કે આવા હલકટ માણસને ભગવાન આટલું સુખ શા માટે આપ્યું હશે !
    વાત એમ છે કે આપણે આપણા ત્રાજવાથી પ્રભુનાં કાર્યો તોળવા બેસીએ છીએ અને તેથી જ આવી શંકાઓ અને પ્રશ્નો ઊભા થાય છે. ખરું પૂછો તો કુદરતના દરેક કાર્ય પાછળ કંઈનું કંઈ શુભ તત્વ છુપાયેલું હોય છે જેની ખબર સામાન્ય માણસને પડતી નથી.
    એક કથા છે; કોઈ સામાન્ય માણસમાં વૈરાગ્ય પ્રગટ થયો અને પ્રભુના દર્શન કરવા માટે તે તપ કરવા લાગ્યો. ખાવા-પીવાનું બંધ કર્યું અને આંખો બંધ કરીને એક ઝાડ નીચે બેઠો. દિવસો ગયા પણ કંઈ કામ ન આવ્યું. બન્યું એવું કે ભગવાન અને નારદ આકાશમાં રથ લઈને ફરવા નીકળ્યા હતા. નારદજીની નજર આ માણસ ઉપર પડી અને ભગવાનને કહ્યું : ‘પ્રભુ ! એક માણસ ભૂખ્યો તરસ્યો આપના દર્શન માટે તપ કરી રહ્યો છે. કૃપા કરીને એનો ઉદ્ધાર કરો.’
    ભગવાને કહ્યું : ‘એના ઉદ્ધારને ઘણી વાર છે. તપ કરતાં પણ એના મનમાં શંકા થાય છે કે તપ કરવાથી ભગવાન મળશે કે કેમ ?
    આખરે નારદ મુનિએ ઘણો આગ્રહ કર્યો ત્યારે ભગવાન સંન્યાસીનું રૂપ લઈને નીચે ઉતરી આવ્યા. પેલો માણસ જ્યાં તપ કરતો હતો ત્યાંથી તે પસાર થયા. માણસે સંન્યાસીનું તેજસ્વી સ્વરૂપ જોયું અને તેના મનમાં ઊગી આવ્યું કે ભગવાનના દર્શન કરવા માટે આ સંન્યાસીનું માર્ગદર્શન મેળવવું. તે સંન્યાસીની પાછળ દોડ્યો અને હાથ જોડીને કહ્યું :
    ‘મહારાજ ! ઘણાં વખતથી તપ કરું છું પણ ભગવાનનો ક્યાંય પત્તો મળતો નથી. આપ અનુભવી માણસ છો એટલે પ્રાર્થના કરું છું કે મને કંઈ માર્ગ બતાવો.’
    સંન્યાસી બોલ્યા : ‘બેટા, મારી પાછળ પાછળ ચાલ્યો આવ અને તારે મારા કોઈ પણ કાર્યમાં શંકા કરવી નહીં. જો આ વાત કબૂલ હોય તો જ તેને ભગવાનનાં દર્શન થશે.’
    પેલા માણસે શરત કબૂલ કરી અને બન્ને ચાલી નીકળ્યા; આગળ ગુરુ અને પાછળ ચેલો, એવામાં ગામનું કોઈ પાદર આવ્યું અને માણસોની નજર આ તેજભર્યા સન્યાસી ઉપર પડી; એક વેપારી બન્ને ને ભોજન માટે લઈ ગયો. વેપારી પાસે જાહોજલાલીનો પાર ન હતો. તેણે સંન્યાસીને રોકાવા માટે કહ્યું પણ સંન્યાસીએ જવાબ આપ્યો :
    ‘અમે કોઈને ત્યાં રોકાતા નથી એને એક જ વખત ભોજન કરી છીએ.’
    ભોજન કર્યા પછી સંન્યાસીએ કહ્યું: ‘બોલો, તમારી શું ઈચ્છા છે ?’
    વેપારીએ બે હાથ જોડતાં કહ્યું, ‘મહારાજ ! આપની કૃપાથી બધું છે. આટલું બધું હોવા છતાં પણ એનો ભોગવનાર પુત્ર ન હતો એ પણ ભગવાને આપ્યો છે પણ…..’
    ‘બોલો, અચકાઓ નહીં. કહેવું હોય તે કહો.’
    ‘મહારાજ ! બાળક માંદુ રહે છે. જોષી કહે છે કે એના માથે ઘાત છે અને મારાથી બાળકનું દુ:ખ જોઈ શકાતું નથી. એની તંદુરસ્તી સારી રહે એવા આશીર્વાદ આપો.’
    સંન્યાસી પારણા પાસે ગયા, જેવા બાળકના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે ઘોડિયાને તરત જ આગ લાગી. સંન્યાસી તરત જ બહાર દોડી ગયા અને શિષ્ય પણ પાછળ દોડ્યો. પેલો વેપારી ગભરાઈ ગયો; થોડીવારમાં તો આખું ઘર સળગવા લાગ્યું અને મહામહેનતે બાળકને બચાવીને તે બહાર નીકળી ગયો.
    પછી તો ગુરુશિષ્ય બીજે ગામ આવ્યા અને અહીં એક ગરીબ ડોશીએ ભોજન કરાવ્યું. સંન્યાસી બોલ્યા, ‘ડોશીમા, તમારો પ્રેમ જોઈને અમને આનંદ થાય છે. જે કંઈ માંગવું હોય તે માગો.’
    ડોશી બોલ્યાં : ‘મહારાજ ! સંસારમાં બધું ભોગવી લીધું છે અને કોઈ પણ જાતની ઈચ્છા બાકી રહી નથી પણ….’
    ‘બોલો, અચકાઓ નહીં.’
    ‘મહારાજ ! મારો મોટો દિકરો આફ્રિકામાં રહે છે, કાલે કાગળ આવ્યો છે કે તે બહુ બીમાર છે અને તે બચે એમ નથી. આ દીકરાનું આયુષ્ય વધે એવા આશીર્વાદ આપો.’
    અને જેવા ગુરુ-ચેલો ઘરની બહાર નીકળ્યા કે ડોશીનું મકાન પડી ગયું અને ડોશીમા દટાઈને મરણ પામ્યા. આ જોઈને ચેલો મનમાં બોલ્યો :
    ‘આ સંન્યાસી નથી પણ શેતાન લાગે છે. પેલાનું ઘર બાળી નાખ્યું એન અહીં ડોશીને મારી નાખી. હું મૂરખ આની સાથે ક્યાંથી ચાલી નીકળ્યો ?’
    પણ શરત એ હતી કે કંઈ બોલાય નહીં એટલે તે બોલ્યો નહીં અને મૂંગો મૂંગો એની પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં જંગલ આવ્યું; અહીં કૂવાના કાંઠા ઉપર રક્તપિત્તથી પીડાતો એક માણસ બેઠો હતોલ તેણે સંન્યાસીને જોયા અને પ્રણામ કર્યા, આ ગરીબ માણસ પાસે કંઈ ન હતુ. ત્રણ દિવસનો સુક્કો રોટલો તેણે સંન્યાસીને ચરણે ધર્યો અને કહ્યું:
    ‘મહારાજ ! આ ગરીબ પાસે આટલું જ છે.’
    સંન્યાસીએ રોટલો ખાધો અને પછી કહ્યું : ‘તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું જે કંઈ માગવું હોય તે માગ.’
    રોગી બોલ્યો, ‘મહારાજ ! બહુ દુ:ખી છું, ગામમાં જાઉં છું તો લોકો મારો તિરસ્કાર કરે છે અને કેટલાક તો મને કાઢી મૂકવા માટે લાકડીઓ લઈને પાછળ પડે છે. કાં મૃત્યુ આપો અથવા તો રોગમાંથી મુક્તિ આપો.’
    રોગીના આ શબ્દો જેવા પૂરા થયા કે સંન્યાસીએ તેને એવો તો જોરથી ધક્કો માર્યો કે તે કૂવામાં જઈ પડ્યો. અત્યાર સુધી મૂગો રહેતો શિષ્ય હવે તાડૂકી ઊઠ્યો અને સંન્યાસીને કહ્યું,
    દુષ્ટ ! મારે તારી સાથે નથી આવવું અને ભગવાનનાં દર્શન પણ નથી કરવાં. તું સંન્યાસી નહીં પણ કોઈ શેતાન છે. પેલા વાણિયાનું ઘર બાળ્યું, ડોશીને મકાન નીચે દાટી દીધી અને અહીં રોગીને કૂવામાં ફેંકી દીધો. આ શું સાધુ પુરુષના લક્ષણ છે ? ચાલ્યો જા અહીંથી; હું તારી સાથે આગળ વધવા નથી માગતો.’
    અને જેવાં આ વચનો પૂરાં થયાં કે સંન્યાસી અદ્રશ્ય થઈ ગયા અને પછી આકાશવાણી થઈ; ભગવાને કહ્યું :
    ‘તારા જેવા શંકાશીલ માણસો કદી પ્રભુને પામતા નથી. દર્શન આપવા હું પોતે આવ્યો હતો પણ તારામાં લાયકાત ન હતી. મારા દરેક કાર્યની પાછળ કંઈ ને કંઈ શુભ હેતુ છુપાયેલો હોય છે જ; પેલા વાણિયાએ બાળકનું આયુષ્ય વધે એવી પ્રાર્થના કરેલી પણ એનું આયુષ્ય ખરી રીતે હતું જ નહીં. ઘોડિયામાં સર્પ છુપાયેલો હતો અને તેના દંશથી બાળકનું મૃત્યુ થવાનું હતું. પણ જ્યારે મેં આશીર્વાદ આપ્યા ત્યારે મારી એ ફરજ હતી કે બાળકને બચાવવું. મેં જો આગ ન લગાડી હોત તો બાળકને લઈને પિતા ઘરની બહાર નીકળત નહીં અને બાળક બચત નહીં. આમ મેં બાળકને આયુષ્ય આપ્યું. હવે તું મને એમ પૂછી શકે કે મેં ઘર શા માટે બાળ્યું તો એની પાછળનું એ કારણ છે કે વાણિયાએ બધી લક્ષ્મી ગરીબોને હેરાન કરીને ભેગી કરી હતી તેથી મેં તે બાળી નાખી. બીજું પેલી ડોશીને ત્યાં જો આપણે ન ગયા હોત તો એનો પુત્ર મરી જવાનો હતો કારણકે એનું આયુષ્ય ખૂટી ગયું હતું; જ્યારે ડોશી બીજાં દશ વર્ષ જીવવાનાં હતાં પણ ડોશીમાએ કહ્યું કે એના જીવનમાં બીજી કોઈ ઈચ્છા નથી એટલે ડોશીનું મૃત્યુ તરત જ નીપજાવીને મેં એના દશ વર્ષ એના પુત્રને આપી દીધાં. અને છેલ્લે છેલ્લે પેલા રોગીને મેં કૂવામાં ફેંકી દીધો એની પાછળ પણ કારણ છે. એ કૂવામાં એવું પાણી છે કે જો માણસ એમાં સ્નાન કરે તો રક્તપિત્તનો રોગ મટી જાય. જો મેં એને કૂવામાં સ્નાન કરવાનું કહ્યું હોત તો તે વાત માનત નહીં અને માનત તો શંકા સાથે સ્નાન કરત, પણ ઉપચારમાં જ્યાં સુધી શંકા અને અશ્રદ્ધા હોય છે ત્યાં સુધી ગમે એવી દવાથી પણ ફાયદો થતો નથી. આ બધો ઊંડો વિચાર કરીને મેં એ માણસને સીધો ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધો. તું જોજે, એનો રોગ નાશ પામ્યો છે અને તેણે નવું જીવન પ્રાપ્ત કર્યું છે. મેં તારી સાથે શરત કરી હતી કે તારે મારા કોઈ પણ કાર્યમાં શંકા ન કરવી. એ શરતનો તેં ભંગ કર્યો છે અને તેથી હું અદ્રશ્ય બની ગયો છું.’
    અને આ આકાશવાણી સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નસ્તરથી બિસ્તર સુધી… – સુરેશ જાની
ઓનલાઈન રીઝલ્ટ – મૃગેશ શાહ Next »   

9 પ્રતિભાવો : શંકા – વજુ કોટક

 1. chirag says:

  excellent inspirational story

 2. YASHASVINI says:

  Really nice story. dont get words to say. I m fan of Vaju kotak and liked his article and his magazine also.

 3. parul says:

  Very nice story, and we can learn a lot from this story, touched my heart. Thank you!

 4. deven says:

  vaju kotak is vaju kotak. this story is simply as great as vaju kotak.

 5. nayan panchal says:

  એકદમ સરસ.

  ભગવાનની વ્યવસ્થા સમજવાનુ આપણુ ગજૂ નથી. આપણા હાથમાં તો માત્ર તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને તેની ભક્તિ કરવાનુ જ છે.

  “રે મન, તુ ચિંતા શીદને કરે?
  કૃષ્ણને કરવુ હોય તે કરે.”

  નયન

 6. અતુલ જાની (આગંતુક) says:

  ઘટનાના માત્ર એક જ ભાગને જોઈને આપણે નિર્ણય બાંધી લેતા હોઈએ છીઍ અને તેની પાછળના કાર્ય – કારણના સિદ્ધાંતો સમજ્યાં વગર ઘટનાને મુલવવા બેસીએ છીએ. પરંતુ ભગવાનનું કાર્ય સમગ્રતામાં અને કાર્ય કારણના નિયમને આધારે થતું હોય છે.

  તેથી તો નરસૈયાએ પણ ગાયું કે –
  જે ગમે જગતગુરુ દેવ જગદીશને – તે તણો ખરખરો ફોક કરવો.

  અને દેવેનભાઈએ અનન્વય અલંકારમાં યથાર્થ જ કહ્યું છે કે “વજુ કોટક એટલે વજુ કોટક”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.