સોનાનું બેડલું-રૂપા ઈંઢોણી – અમૃતલાલ વેગડ

[1] કાળો કોટ : ધોળો કોટ

‘ઈશ્વર પાસે મારી સદાયે પ્રાર્થના રહી છે કે હે પ્રભુ તું મને બે જણથી બચાવજે. એક કાળા કોટથી ને એક ધોળા કોટથી.’ કરસનકાકાએ કહ્યું.
‘આ કાળા-ધોળાની વાતને જરા વિગતે કહો તો સમજ પડે.’ સૌ યુવકો વતી શરદે કહ્યું.
‘મેં સદાયે ઈચ્છયું છે કે, હે દેવ ! મને વકીલોથી બચાવજે. એવો પ્રસંગ ન આવે કે મારે એમની પાસે જવું પડે.’
‘કેમ કાકા, તમને વકીલો પ્રત્યે આવી નફરત શા માટે ?’ દિલીપે પૂછ્યું.
‘વકીલો અને એમના ધંધા પ્રત્યે મને ખરેખર અરુચિ છે. એ ધંધો છે જ એવો. એમાં રહીને ચોખ્ખા રહેવું લગભગ અસંભવ છે. ધારો કે એક માણસે ગુનો કર્યો. એના પર કેસ ચાલ્યો. એ ગયો વકીલ પાસે. હવે વકીલ એને એમ થોડો જ કહેવાનો કે તેં ગુનો કર્યો છે માટે ગુનો કબૂલ કરી લે અને જેલ ચાલ્યો જા. હા, બેરિસ્ટર મોહનદાસ ગાંધી જેવા કોક વિરલા જ એવી સલાહ તો આપી શકે. બાકી મોટા ભાગના તો એમ જ માનવાના કે જો તેઓ એવી સલાહ આપે તો તો એમનો ધંધો જ પડી ભાંગે ને ! એ તો કહેવાના, તેં ગુનો કર્યો છે, વાંધો નહીં. હું તને બચાવી લઈશ. પણ મારી ફીના આટલા હજાર રૂપિયા થશે. બોલ, એટલા રૂપિયા આપી શકીશ ? વકીલોની નજર ન્યાય-અન્યાય કે સત્ય-અસત્ય પર નથી હોતી. એની મીટ તો મંડાયેલી હોય છે અસીલના ખિસ્સા પર ને પોતાની ફી પર. વળી આપણી ન્યાયપ્રણાલીએ જે સિદ્ધાંત સ્વીકાર્યો છે એ મુજબ 99 ગુનેગારો ભલે છૂટી જાય, પરંતુ એક પણ નિરપરાધીને સજા ન થવી જોઈએ. બહુ ઊંચી ભાવનાથી પ્રેરાઈને આ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. પણ આમાં થાય છે એવું કે વકીલો પોતાની આવડત અને હોશિયારીથી 99 ગુનેગારોને જ છોડાવી લે છે ! અને જો એમની ફી ન આપી શકે તો કેટલાય નિરપરાધીઓ પણ જેલ ભેગા થઈ જાય ! એમને ન્યાય-અન્યાય સાથે કંઈ નિસ્બત નહીં. એમનું કામ છે કોઈ પણ રીતે પોતાના અસીલને જિતાડવો ને પોતાનો ભાગ પડાવવો.’

શરદ કહે : ‘કાકા, એનો અર્થ તો એ થયો કે વકીલો એક રીતે ગુનેગારોને અને ગુનાખોરીને ઉત્તેજન આપે છે. કેમ જાણે કહેતા ન હોય કે તમ તમારે ગમે તેવો ગુનો કરો ને, તમને બચાવવા અમે બેઠા છીએ – માત્ર અમને મોંમાગી ફી આપતા જજો !’
કાકાએ કહ્યું : ‘લગભગ એમ જ છે.’
દિલીપે પૂછ્યું : ‘કાકા, આને કોઈ રીતે રોકી ન શકાય ?’
શરદે કહ્યું : ‘મને એક રસ્તો સૂઝે છે. ધારો કે એક કેસમાં એક માણસ ગુનેગાર ઠર્યો ને એને સજા થઈ. હવે મારું કહેવું એ છે કે એની સાથે એના વકીલને પણ સજા થવી જોઈએ ! ફીની લાલચમાં ગુનેગારનો બચાવ કરવો એ કાંઈ ઓછો ગુનો છે ? વકીલને આની સજા થવી જ જોઈએ. ગુનેગારને પાંચ વરસની જેલ, તો ગુનેગારના વકીલને પાંચ અઠવાડિયાંની જેલ ! જો આમ થાય તો વકીલો ખોટા કેસો લેતાં ભૂલી જાય.’

શરદના આ તુક્કા પર સૌ પેટ પકડીને હસ્યા. પછી દિલીપે પૂછ્યું : ‘કાકા, આ તો થઈ કાળા કોટની વાત. હવે ધોળા કોટની વાત કરો. ધોળો કોટ એટલે ડૉક્ટર તો નહીં ?’
‘હા, એ જ.’ કાકાએ કહ્યું : ‘જેમ મારી પ્રાર્થના એ રહી છે કે ભગવાન મને વકીલો અને કોર્ટ-કચેરીથી બચાવે, એમ એ પણ રહી છે કે પ્રભુ મને ડૉક્ટરો અને ઈસ્પિતાલોથીય બચાવે.’
‘કાકા, ડોક્ટરો પ્રત્યેનો તમારો અણગમો સમજમાં ન આવ્યો.’ દિલીપે કહ્યું.
‘ભાઈ, તને એમ હશે કે ડૉક્ટરોનું કામ તો ભારે સેવાનું કહેવાય. એ લોકો આપણને કેવા કેવા ભયંકર રોગોમાંથી છોડાવીને રોગમુક્ત કરે છે. પણ તું એ કહે કે ડોક્ટર સેવા કરવા બેઠો છે કે પૈસા કમાવા ? એનીયે નજર રોગીના રોગ પર નહીં; રોગીના ખિસ્સા પર હોય છે. મોંમાગી ફી આપો તો તમારે સારું મોઘામાં મોંઘા ઈન્જેક્શનોથી લઈને અઘરાંમાં અઘરાં ઓપરેશનો સુધી બધું હાજર, ફી ન આપો તો રિબાઈ રિબાઈને મરો ! ડૉક્ટરી ઈલાજ કેવો મોંઘો હોય છે ને એમનાં ઓપરેશનોની ફી કેવી તોતિંગ હોય છે એનો ખ્યાલ તમને તો હજુ ક્યાંથી હોય ?
‘પણ કાકા, મબલખ કમાણી એમાં જ છે. એટલે તો સૌ ભણીગણીને વકીલ અને ડૉક્ટર બનવા ચાહે છે.’ રાજીવે કહ્યું.

‘એમની મબલખ કમાણીનું રહસ્ય કહું ? રોગી અને અસીલ – આ બેના જેવું કોઈ લાચાર નથી. ડૉક્ટર પાસે માણસ લઈ જાય છે એનું ગંદામાં ગંદું શરીર અને વકીલ પાસે લઈ જાય છે એનું ગંદામાં ગંદુ ચારિત્ર્ય. વકીલને જો ફી ન આપો તો આર્થિક નુકશાન, સજા, જેલ ને આબરૂના કાંકરા. ડૉક્ટરને ફી ન આપો તો અસહ્ય પીડા, ખમાય નહીં એવી વેદના અને છેવટે ઘુરકિયાં કરતું મોત. આમાંથી છૂટવા બિચારો માણસ ઘરનાં ઠામવાસણો ને સ્ત્રીના દાગીના સુદ્ધાં વેચીને ફી આપવા તૈયાર થાય છે. વકીલો ને ડોક્ટરો આ સારી પેઠે સમજતા હોય છે ને એમની લાચારીને પૂરેપૂરી નિચોવે છે. આ છે એમની અઢળક કમાણીનું રહસ્ય.’ બોલતાં બોલતાં કાકા કંઈક આવેશમાં આવી ગયા હતા.
‘પણ કાકા, એમાંયે સારા માણસો તો હશે જ.’
‘જરૂર. મારી કહેવાની મતલબ એવી નથી કે બધાય આવા હોય છે. એમાંયે સારા અને સેવાભાવી માણસો હોય છે, પણ બહુ થોડા, એ ધંધો જ એવો છે કે થોડા વખતમાં જાણ્યેઅજાણ્યે ઘણાખરા લપસવા મંડી જાય છે. એક રીતે જુઓ તો એ ધંધો કેટલો પવિત્ર છે ! એ લોકો માણસોને કેવું કેવું દુ:ખદર્દ હળવું કરીને એમને સાક્ષાત નરકયાતનામાંથી છોડાવી શકે છે. અને છોડાવે છે પણ ખરા. પણ બદલામાં એવડી મોટી કિંમત વસૂલ કરે છે કે પછી એનો કશો અર્થ નથી રહેતો. માટે સમાજમાં વકીલોયે રહે ને કોર્ટકચેરીયે રહે; ડૉક્ટરોયે રહે ને ઈસ્પિતાલોયે રહે; પરંતુ ત્યાં જવા કોઈને વારો ન આવે ! આ છે મારી પ્રાર્થના. આમાં કાંઈ અજુગતું જણાતું હોય તો કહો !’
શરદે કહ્યું : ‘કાકા, ધોળા કોટ ને કાળા કોટની તમારી આ મીમાંસા જો એ પહેરનારાઓને કાને જઈ ચડશે ને, તો પછી જોવા જેવી થશે, હોં કે !’
‘એટલું સારું છે કે આપણા દેશમાં હજુ પણ વૃદ્ધોની થોડીઘણી આમાન્યા જાળવવામાં આવે છે. બહુ બહુ તો કહેશે કે આ ડોસાની સાઠે બુદ્ધિ નાઠી છે. હું એ મૂંગે મોંએ સાંભળી લઈશ. પણ એમના વિશેનો મારો અભિપ્રાય હાલ તો બદલાશે નહીં. પણ સાથે સાથે એ પણ કહી રાખું કે વકીલ-ડૉક્ટરના વ્યવસાયમાં સેવાભાવના દાખલ થશે ત્યારે આ કરસનકાકાથી વધુ આનંદ કોઈને નહીં થાય.’ આટલું કહીને કાકા ઊઠ્યા અને ધીરેધીરે યુવાનો પણ વીખરાયા.

[2] શ્રી રાવણ

એક વાર કરસનકાકાએ યુવકોને કહ્યું : ‘તમે જ્યારે બજારમાં જાઓ છો, ધારો કે અનાજ લેવા, ત્યારે જુઓ છો કે વેપારી પાસે અનાજ તોલવા માટે એક તોલ હોય છે – કિલો. જ્યારે દૂધ લેવા જાઓ છો, ત્યારે દૂધવાળા પાસે બીજું માપ હોય છે – લીટર. વળી કપડું ખરીદવા નીકળો છો ત્યારે વેપારી પાસે એક ત્રીજું જ માપ હોય છે – મીટર. આમ જુદી જુદી વસ્તુ જોખવાનાં કે માપવાનાં જુદાં જુદાં તોલ-માપ હોય છે. આવી જ રીતે માણસને જોખવાનું કે માપવાનું કોઈ તોલ ખરું ?
કિશોરે ધીરેથી કહ્યું : ‘મારું વજન 60 કિલો છે.’
કરસનકાકાએ હસતાં હસતાં કહ્યું : ‘શરીરના સ્થૂલ વજનની વાત નથી; માણસનું મૂલ્ય આંકવાનું કોઈ તોલ છે ?’
‘પૈસો’ પાછો કિશોર જ બોલ્યો, ‘માણસની કિંમત પૈસાથી અંકાય. માણસ નાનો કે મોટો, એ નક્કી કરે પૈસો.’
સુશીલે કહ્યું : ‘હજી પણ એક તોલ છે. એ છે પદ. એને ખુરશી અથવા સત્તા પણ કહી શકો છો. માણસ જેટલો ઊંચા પદ પર આરૂઢ, એટલો જ એ પ્રતિષ્ઠિત.’
‘વાહ,’ કરસનકાકાએ કહ્યું, ‘આ તો એકને બદલે બે તોલ તમે આપ્યાં. પૈસો અને સત્તા. માણસને તોલવાનાં આ બે તોલ. જેની પાસે આ જેટલાં વધુ, એટલો એ મહાન. બરાબર ?’
‘બરાબર.’
‘પણ શું આ તોલથી માણસનું ખરું માપ મળે છે ? પૂરેપૂરો ભરોસો મૂકી શકાય એવાં આ તોલ છે ખરાં ? ધારો કે કોઈ રખડતા શરાબીને કાલે દસ લાખની લોટરી લાગી જાય, તો એ સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક બની જશે ?

કિશોર વિચારમાં પડી ગયો. કાકાએ આગળ ચલાવ્યું. ‘અને સુશીલ, જે પ્રધાનો અને મંત્રીઓ પાસે આજે માણસો કીડિયારાની જેમ ઊભરાય છે, એ જ પ્રધાનો જ્યારે પ્રધાનપદેથી અલગ થઈ જાય છે, ત્યારે એ કીડિયારું ક્યાં ગાયબ થઈ જાય છે ? અને સેવાનિવૃત્ત થતા અમલદારો વિષે પેલી કહેવત જાણતા જ હશો – ‘ઊતર્યો અમલદાર કોડીનો.’ તો પૈસા કે પદ થકી જે પ્રતિષ્ઠા મળે છે એ ખરી પ્રતિષ્ઠા નથી. માણસને માપવાનાં આ તોલ ખોટાં. એનાથી માણસનું સાચું માપ નથી મળતું.’
‘તો માણસને તોલવાનું સાચું માપ કયું ?’
‘એક વાત તમને કહું, એ પરથી તમે જ નક્કી કરજો. આપણા દેશમાં શરૂથી જ એવા લોકોનો આદર કરવામાં આવ્યો છે જેમણે બીજા માટે ત્યાગ કર્યો હોય. જેમણે સમાજ પાસેથી ઓછામાં ઓછું લીધું હોય અને વધુમાં વધુ આપ્યું હોય. અથવા તમારા ભણેલાની ભાષામાં કહું તો જે Consumer (ઉપભોગ કરનાર) ઓછો છે, Producer (ઉત્પન્ન કરનાર) વધુ છે. આવા જ લોકો સમાજના સર્વાધિક આદરને પાત્ર થયા છે. રામાયણમાં રામનો ઉલ્લેખ કરતી વેળા એમને શ્રી રામચન્દ્ર કહેવામાં આવ્યાં છે. રામ ચૌદ વરસ સુધી જંગલમાં પગપાળા ભટકતા રહ્યા. એમને એટલી પણ ખબર નહોતી કે બીજે દિવસે ખાવા મળશે અથવા નહીં. આથી ઊલટું, રાવણના ઐશ્વર્યનો પાર નહોતો. રહેવા માટે સોનાની લંકા હતી અને જવા આવવા માટે પુષ્પક વિમાન હતું. પરંતુ એને તો ક્યાંય ‘શ્રી રાવણ’ કહેવામાં નથી આવ્યો.’

કાકાની વાત યુવકોના હૃદયમાં ઘર કરી ગઈ. તેઓ એકી અવાજે બોલી ઊઠ્યા : ‘માણસને માપવાનું સાચું તોલ નહીં પૈસો, નહીં પદ; પણ ત્યાગ.’
કાકાએ આગળ ચલાવ્યું : ‘આ તોલથી તોલતાં કેટલાય ‘વજનદાર’ જણાતા માણસો હલકા ઊતરશે, વળી એવુંયે બને કે હલકા જણાતા માણસો ભારે સાબિત થાય. પણ આપણા દેશનું દુર્ભાગ્ય કંઈક એવું છે, ખાસ તો આઝાદી આવ્યા પછી, કે ચારે બાજુ પૈસા ને પદની જ ખેંચતાણ મચી રહી છે. હમણાં તો જાણે ‘શ્રી રાવણ’નો યુગ આવ્યો હોય એવું જણાય છે.’

થોડી વાર વિસામો ખાઈ કાકા બોલ્યા : ‘પણ હું નિરાશ નથી થયો. પાછા સારા દિવસો આવશે. ત્યાગ એ એક પ્રકારનું બીજ છે. બીજ ધરતીમાં પડ્યું રહે છે. જ્યારે અનુકૂળ ઋતુ આવે છે ત્યારે તે આપોઆપ ધરતી ફોડીને બહાર નીકળે છે. આજે દેશમાં ઋતુ અનુકૂળ નથી. આજે નથી તો કાલે થશે. કાલે નહીં તો પરમ દિવસે થશે. પરંતુ થશે ચોક્કસ. પછી એમાં અંકુરને કૂંપળો ફૂટશે, ફૂલ બેસશે ને ફળ લાગશે.’ કરસનકાકાનો આત્મવિશ્વાસ જુવાનિયાઓને સ્પર્શી ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એડમિશન – ગિરીશ ગણાત્રા
ધર્મમ્ ચર… સત્યમ્ વદ… – જશવંત મહેતા Next »   

9 પ્રતિભાવો : સોનાનું બેડલું-રૂપા ઈંઢોણી – અમૃતલાલ વેગડ

 1. Sam says:

  સ્ર્સ લેખ

 2. કલ્પેશ says:

  ‘પણ હું નિરાશ નથી થયો. પાછા સારા દિવસો આવશે. ત્યાગ એ એક પ્રકારનું બીજ છે. બીજ ધરતીમાં પડ્યું રહે છે. જ્યારે અનુકૂળ ઋતુ આવે છે ત્યારે તે આપોઆપ ધરતી ફોડીને બહાર નીકળે છે. આજે દેશમાં ઋતુ અનુકૂળ નથી. આજે નથી તો કાલે થશે. કાલે નહીં તો પરમ દિવસે થશે. પરંતુ થશે ચોક્કસ. પછી એમાં અંકુરને કૂંપળો ફૂટશે, ફૂલ બેસશે ને ફળ લાગશે.’

  કરસનકાકા જેવો વિશ્વાસ આપણને બધાને પણ છે જ ને?

 3. jawaharlal nanda says:

  આવો વિશ્વાસ રાખવો સારિ વસ્તુ ચ્હે . આવિ પ્રેરક વાર્તાઓ આપતા રેહ્જો. કદિક તો અજ્વારુ ફેલાશે ! ધન્યવાદ આશા નો દિવો પ્રગતાવિ રાખવા બદલ !

 4. pragnaju says:

  ત્યાગ એ એક પ્રકારનું બીજ છે. બીજ ધરતીમાં પડ્યું રહે છે. જ્યારે અનુકૂળ ઋતુ આવે છે ત્યારે તે આપોઆપ ધરતી ફોડીને બહાર નીકળે છે. આજે દેશમાં ઋતુ અનુકૂળ નથી. આજે નથી તો કાલે થશે. કાલે નહીં તો પરમ દિવસે થશે. પરંતુ થશે ચોક્કસ. પછી એમાં અંકુરને કૂંપળો ફૂટશે, ફૂલ બેસશે ને ફળ લાગશે.’
  કરસનકાકાનો આત્મવિશ્વાસ અમને સ્પર્શી ગયો

 5. Pinki says:

  સાચી વાત – કાળા અને ધોળા કોટની…..
  કાળા ધોળા એમણે કરવા પડે અને
  તોલ માપ કરતા માણસોને ય તોલવાની વાત પણ સરસ…

  જીવનમાં નીતિનું મૂલ્ય જાણતા
  કોઈ પણ વ્યવસાય નીતિથી કરતા હોય છે પણ
  જૂજ વ્યક્તિઓ જ આવી હોય છે.

 6. ભાવના શુક્લ says:

  વાર્તાની દ્રષ્ટિએ સરસ વાત..
  બાકી કાળા કે ધોળા કોટ વાળા કહી વકિલાત કે ડોક્ટરી જેવા નોબેલ પ્રોફેશનને શબ્દો દ્વારા ઉતારી પાડવો કેટલો વ્યાજબી!!
  એમ તો ગાદી પર બેસી ગ્યાન કથતા સર્વગ્નો, મંદીરના મહંતો પણ કાળા ધોળા ક્યા કરતા નથી… કાળા-ધોળા કરવા એ માનવ સ્વભાવની કે પ્રકૃતિની લિમિટેશન હોઇ શકે કોઇ વ્યવસાયની નહી..
  પિંકીબેનની વાત કેટલી બધી વ્યાજબી છે…. બહુ ગમી આ વાત કે
  “જીવનમાં નીતિનું મૂલ્ય જાણતા કોઈ પણ વ્યવસાય નીતિથી કરતા હોય છે”

 7. ranjan pandya says:

  બંન્ને વાતૉ દિલમાં ઘર કરી ગઈ.સમાજની સાચી પરિસ્થિતિનું પ્રતિબિંબ હમણાં વડોદરા અને અમદાવાદમાં જોઈને આવી છું.વકીલો અને ડૉકટરો અસીલ અને દરદીના પૈસા જોઈને જ પોતાના ખીસા ભરવામાંથી ઊંચા નથી આવતા. વર મરો કન્યા મરો ,ગોરનું તરભાણું ભરો,હજારો રૂપિયા ખર્ચીને પણ કામ થતુ નથી.જોઈને શરમથી માથું ઝુકી જાય છે અને આંખોમાંથી પાણી નીકળી જાય છે–!!!

 8. subhash shukla says:

  KAVI KAMAL NI TUNKI VARTA KYA?

 9. Vaishali Maheshwari says:

  Thank you Mr. Amrutlal for these inspiring stories.

  I guess the Author pointed on Doctors and Lawyers only as these are two highly qualified professionals. I agree with Ms. Bhavna’s comments that there are many others who do the same thing, who are not as loyal to their profession as they should be.

  It is really sad to see such things happening around us. I do not know know much about lawyers, but I read so many articles in newspapers everyday which mention that parents of new born babies are not able to save their kids just because they are poor and they cannot afford to pay the high fees that the doctors charge.

  On the other side, I even read many articles that say that doctors were kind enough for saving the kids life. Many doctors do not charge for operations when the parents do not have enough money and save lives.

  According to me, if lawyers and doctors charge money for the services they provide, then there is nothing wrong in it. It is their profession and they also have to earn money as others do, but no one should become greedy about money. If someone is dying, then one cannot just leave taking care of that person just because he/she does not have money. Similarly, lawyers should not be dishonest in their jobs. They can work fine in their profession by just fighting for the ones who are not culprits.

  In short, we can learn from these stories that we can become popular by doing something very bad or by doing something very good also. It is all upon us, how we want to live our lives and how do we want people to remember us after we die. We should be honest and loyal to our jobs and professions. May be, we will earn less than others, but it will give us immense internal satisfaction for all the good that we did and are doing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.